મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-11)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૧)

સોનુના જન્મદિવસના આગલા દિવસે યશુ કંચનદીદી પાસે જ રોકાઈ ગયેલી તેથી વહેલી પાંચ વાગે યશુ ઊઠી ગઈ. કંચન તો જાગતી જ પડી રહેલી.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

ઊઠીને યશુએ મા સમાન ગણતી કંચનદીદીને ચરણસ્પર્શ કર્યા. કંચને હોંશભેર પટારામાંથી કાઢીને પોતાના ઓશીકા તળે મૂકી રાખેલી નવીનકોર સાડી, યશુ જેવી નાહીપરવારીને બહાર આવી કે તરત પહેરાવવા માટે અધીરી બની. 

એણે યશુને સાડી પહેરાવતી વખતે પૂરી સમજણ પણ આપી જેથી પ્રસંગ આવ્યે યશુ જાતે પણ સાડી પહેરી શકે. કંચન પણ નહાવા માટે ઊભી થઈ. 

યશુએ પોતાની આ વહાલસોયી દીદીને આજે જાતે જ નવરાવી. કંચને પણ નવી સાડી ધારણ કરી. બંને રૂપસુંદરીઓનાં તેજોમય ચહેરામાંથી ચોતરફ પ્રસરી રહેલાં કિરણોથી બધી જ દિશાઓ પણ દીપી ઊઠી! 

તે બંનેને જોઈને મોટા મોટા યોગીઓ પણ મોહવશ થાય તો પછી સુમિતનું શું ગજું? જોકે, સુમિતને કંચન સિવાય બીજાના રૂપની પડી પણ નહોતી. 

એ તો બસ, કેવળ કંચનને જ જોયા કરતો, યશુને જોવાની જાણે કે એને ફુરસદ જ ક્યાં હતી? કંચન મનોમન ઈચ્છતી કે સુમિત જો યશુને બરાબર નીરખે તો એના પ્રત્યે આકર્ષાય ને સહજ પ્રેમ ઊભરાય. 

તેથી એનું ધારેલું કામ એના મૃત્યુ પછી આસાન બને. પણ, કંચનના રૂપને નિહાળીને જે પ્રેમ સુમિતને ઊભરાતો એ પ્રેમની સાથે સાથે એના મોં પર અકળ ઉદાસીનતા પણ છવાઈ જતી. 

કેમ કે, આવી રૂપવંતી કંચન થોડા જ દિવસોની મહેમાન છે, એ વાત એ ભૂલી શકતો નહોતો. પોતાની ઉદાસીનતા, જોકે એ કળવા દેતો નહીં. એની આવી પરિસ્થિતિમાં એ યશુના આકર્ષક રૂપને કેમનો જુએ?!
 
યશુએ પૂજાના સ્થાને તથા તુલસીક્યારે, એમ બંને સ્થાને દીપ પ્રગટાવીને મૂક્યા. એના મધુર કંઠેથી સરસ મજાની સ્તુતિનો ધ્વનિ ઘરમાં ચોતરફ પ્રસરી રહ્યો હતો. 

સ્તુતિ ગાતાં-ગાતાં સોનુને ઊંઘમાંથી જગાડીને સ્નાન કરાવ્યું, તે પછી પ્રેમપૂર્વક છાતીએ લઈને પેટ ભરાવ્યું અને નવાં વસ્ત્રોમાં સોનુને કોઈ બૂરી નજર ન લાગે તે માટે આંખોમાં કાળી મેશનું આંજણ કરીને એક ટપકું તેના કાને કર્યું. 

સોનુનો આવો શણગાર જોઈને કંચન બોલી ઊઠી, "આજે તો આપણો સોનુ અસલ કનુડો બની ગયો છે, વાહ રે વાહ, યશુ! હવે આપણે બધાં જ મંદિરે જઈ આવીએ." 

"આપણા કાનુડાને તારા હસ્તે જ, મા યશોદાના હસ્તે જ ભગવાનના ચરણે મૂકીને આશીર્વાદ મેળવીએ, મંદિરમાં અને બહાર બેઠાં હોય તે બધાં જ ભિક્ષુકોને કંઈક દાનપૂણ્ય પણ કરતાં આવીએ."  

કંચનની ઈચ્છા પૂરી કરીને ત્રણેય જણાં, સુમિત, કંચન અને યશુ, સોનુને લઈને ઘરે પાછા આવ્યા. એમની પાછળ જ મધુબા પણ આજે નવી સાડીમાં ઉત્સાહપૂર્વક આવી ગયાં. 

પછી યશોદામાતા પાસે કાનુડાની બાળલીલાને લગતાં ભજન ગાવાની કંચને યશુને ફરમાઈશ કરી. યશુએ હસતાં-હસતાં પૂછ્યું, "મને કાનુડાની બાળલીલાના ભજન આવડે છે તે તમે કઈ રીતે જાણ્યું? મેં અહીં તો કદી ગાયાં નથી!"

"તું સવારે ઊઠીને જે સ્તુતિ ને ભજનો લલકારતી હોય છે તેના પરથી ધારણા કરી છે." 

"સાચું, દીદી. હું નાની હતી ત્યારે મારી મા આ બધું ગાય ને તેની જોડે જોડે હું પણ શીખી ગઈ! હું અને આશા સાથે જ રહીએ છીએ ને, તે આશાને આ બધું સાંભળવા મળે તેથી એનેય ઘણુંખરું આવડે છે." 

"પણ એ ગાતી નથી, મારી પાસે ગવરાવે. એનેય આવાં ભજનો સાંભળવાં ગમે છે." 

"તારો અવાજ પણ તારા જેવો જ મીઠો છે, યશુ. તું ઈચ્છે તો સુમિતની સાથે જોડાઈને ગીતો ગાવાના કાર્યક્રમોમાં જાય તો સારું, હોં?" 

યશુએ કહ્યું, "દીદી, આજે રાતે સુમિતસરના ગીતો સાંભળીએ તો કેમ રહે?" 

કંચન બોલી, "તે એ તો ગાશે જ ને! સોનુનો જનમદિવસ છે." 

સુમિતે કહ્યું, "હાહા! આજે હું યશુને ગમે છે એવાં ગીતો ગાઈશ. પણ, અત્યારે કંઈક ગરમાગરમ નાસ્તો ને ચા થાય તો સારું. મને ભૂખ લાગી છે. સવારનો નાસ્તો ક્યાં કોઈએ લીધો છે?" 

કંચને યશુને સૂચન કર્યું એટલે યશુ બટાકાપૌંવા બનાવવા રસોડામાં ગઈ. ફટાફટ નાસ્તો ને ચા તૈયાર થઈ ગયા પછી ચારેય જણાં, કંચન, સુમિત, યશુ અને મધુબાએ ચા-નાસ્તો કરી લીધો. 

બપોરે ખાસ પકવાન અને વાનગીઓ ઘરે જ કરવાનું નક્કી કરેલું. પણ એ પહેલાં આશાને ખાસ મહેમાન તરીકે અહીં બધાંની સાથે જમવા માટે લઈ આવવાની યશુની ઈચ્છા મુજબ સુમિત આશાને લેવા ગયો. 

અહીં કંચન અને યશુ વાતોએ વળગ્યા. મધુબા પણ ચા-નાસ્તાના વાસણો ધોઈ, લૂછીને એની જગ્યાએ ગોઠવીને બંનેની વાતચીતમાં સામેલ થયાં. આજે કંચન ખુશખુશાલ હતી. 

મધુબાએ યશુ તરફ જોઈને કહ્યું, "કોઈ માની શકે કે કંચનબા બીમાર છે?"

"મારા સોનુના જન્મના દિવસે હું બીમાર હોઉં તોય ખુશ તો હોઉં ને? કોને ખબર છે કે આવતા જનમદિવસે હું હોઈશ કે નહીં?" 

યશુ બોલી, "દીદી, તમને કેટલીવાર કહ્યું છે કે તમે આવું અશુભ ન બોલો? મોત આવે તે પહેલાં શા માટે મરવું જોઈએ?" 

કંચને કહ્યું, "અરે હુંય તે એમ મરતાં-મરતાં જીવવાનું નથી કહેતી, ને મરવાની ઈચ્છાય શું કામ કરું? સુમિત ને સોનુને છોડીને જવાનું મને મન થતું હોય?" 

"એમાંય વળી હવે તો મને યશુએ પણ માયા લગાડી છે, મધુબા! આ ત્રણેય મારા પ્રાણસમાન છે, એમનાથી કાયમ માટે વિખૂટા પડવાનું મને ગમતું હશે?" 

"પણ, જે નક્કી જ છે એને કોઈ ટાળી શક્યું છે? ભગવાન શ્રીકૃષ્ણ પણ કુદરતી ક્રમને ક્યાં અટકાવી શક્યા હતા? નહીં તો એ શું કામ એક પારધીના બાણથી મરે?!" 

કંચનને સાંભળતી વેળા યશુ અને મધુબા, બંને ઢીલાં થઈ ગયેલાં. યશુને તો બસ રડવાનું જ જાણે બાકી હોય તેમ ગળામાં ભરાયેલો ડૂમો અંદરને અંદર દાબી દે છે. થોડીવાર ઘરમાં શાંતિ પ્રસરી રહી. 

સુમિત આશાને લઈને ઘેર આવી ગયો હતો. આશાને જોતાં જ કંચન બોલી, "આ મારી બીજી યશુ જ છે. બહેન, આજે અમારા સોનુનો જનમદિવસ છે, અમે તને અહીં જમવા બોલાવી છે." 

"આ તારી યશુદીદી, તારી મા તને મૂક્યા વગર પકવાન જમે ખરી કંઈ?! તું આવી એ બહુ ગમ્યું. આજે તો તારે પણ રાત અહીં જ રોકાઈ જવાનું છે. સુમિતસરના ગીતો સાંભળવા છે ને?" 

આશાએ કોઈ જાતની આનાકાની કર્યા વગર, યશુના માત્ર ચહેરાને પામીને સમજી ગઈ ને પોતાની સંમતિ આપી. 

બપોરે જમવા માટે યશુએ સવારે ઘરે જ શ્રીખંડ તૈયાર કરી રાખેલો. હવે પુરીઓ અને મેથીમરચાંના ભજીયા તળાવા માંડ્યા. છાલવાળા બટાકાનું શાક બનાવ્યું. દાળભાત તો પહેલાં જ બની ગયેલા. 

રસોઈ કરતી વખતે યશુ આશાની મદદ લેતી જતી હતી અને સાથે સાથે એને શીખવતી પણ જતી હતી. યશુને મનમાં થયા કરતું કે, "આશાને જો પુરીશાક, રોટલી-ભાખરી બનાવતાં આવડી જાય તો સારું."

"તેથી કંચનદીદીની નાજુક ને આખરી પળો આવે ત્યારે પોતે અહીં કંચનદીદી સાથે નિશ્ચિંતપણે રહી શકે."  

રસોઈ થઈ ગઈ એટલે બંને સખીઓએ બહારના રૂમમાં આસનિયાં પાથરી દીધાં, મધુબાને પણ જમવા માટે રોકી રાખેલાં. બધી رસોઈ બહાર લાવીને થાળીઓમાં પીરસાવા માંડી. 

જમવા માટે સૌ ગોઠવાઈ ગયા ત્યાં જ સોનુના રડવાનો અવાજ સાંભળીને યશુ તરત ઊભી થઈને સોનુને ઊંચકી લઈને બીજા રૂમમાં ચાલી ગઈ. ત્યાં જઈ સોનુનું પેટ ભરાવ્યું. 

સોનુ હવે રમવા માંડ્યો હતો એટલે યશુ પાછી પહેલા રૂમમાં આવી અને બધાંને જમવાનું ચાલુ કરાવી પોતે પણ જમવા બેઠી. સોનુને પોતાના ખોળામાં રાખીને યશુએ પણ જમવા માંડ્યું. 

કંચન આ જોઈને બોલી, "સુમિત, હવે તો કદાચ સોનુ મારા કરતાં યશુનો લાડકો વધારે હોય એવું નથી લાગતું? જાણે કે યશુ જ એની મા ન હોય!" 

"બસ, યશુનું આ વર્તન, સોનુની મા થઈને રહેવાનું વર્તન મને અત્યંત ખુશી આપે છે." 

આશા જમતાં-જમતાં કંચનની યશુદીદી માટેની લાગણીસભર વાત સાંભળીને યશુ તરફ દૃષ્ટિ કરીને મનોમન વિચારવા લાગી, "કંચનદીદીના દિલમાં આટલું બધું વહાલભર્યું સ્થાન આટલા ટૂંકા ગાળામાં યશુદીદી પામી છે." 

"તે યશુદીદીની પણ મહાનતા તો બતાવે જ છે! યશુ બિચારી એકબાજુ મારી ચિંતા કરતી હોય છે ને બીજીબાજુ એને કંચનદીદીનું પણ સાચવવાનું." 

"ખરેખર, મારે એટલીસ્ટ મારા પૂરતી ચિંતા એને ન રહે એવો કોઈ રસ્તો કાઢવો જ પડશે." 

સૌએ શાંતિપૂર્વક જમી-પરવારી લીધું. મધુબાના કામમાં પણ યશુ અને આશાએ મધુબાને મદદ કરવા માંડી. એટલે, જમ્યા પછીનું વાસણ ઉટકવાથી માંડીને કચરા-પોતાનું કામ જલ્દી પૂરું થયું. 

હવે મધુબા બીજાં કામો માટે ત્યાંથી રવાના થયા. કંચનદીદીવાળા રૂમમાં યશુ, આશા અને કંચન ત્રણેય જણાંએ આરામથી થોડીવાર ઊંઘવાની તૈયારીઓ કરી. 

સુમિતે પણ બીજા રૂમમાં જઈ, પલંગ પર શરીર લંબાવ્યું. સાંજના ચારેક વાગ્યા સુધી સૌએ ઊંઘ લીધી. સુમિત સિવાય બધાં ઊઠી ગયા એટલે કંચનના કહેવાથી યશુ ચા બનાવવા જઈ રહી હતી. 

ત્યાં જ સોનુ ઊઠી જતાં yશુએ એને પેટ ભરાવવાના આશયથી લીધો, પણ આજે કંચનની ઈચ્છા જુદી જ હતી. 

સોનુને યશુ પાસેથી લઈને પોતે પેટ ભરાવવા માટે ખોળામાં સોનુને લઈને બોલી, "યશુ, ખોટું તો નહીં લાગે ને? હમણાંથી તો સોનુને તું જ માનું દૂધ આપે છે, પણ આજે મને ઈચ્છા થઈ છે." 

"થોડા સમય પછી મારું દૂધ હવે ક્યાં સોનુને મળવાનું છે?! છેવટે એને જનમ દેનારી મા તો છું જ ને? ભલે જેટલું પણ આવે એટલું, પણ મારું દૂધ તો પીવડાવું ને?" 

આ ક્ષણે કંચનનો ચહેરો એટલો બધો દયામણો અને લાચાર જણાતો હતો કે કોઈ કશું જ બોલી શક્યું નહીં. 

યશુ માત્ર એટલું જ બોલી કે, "દીદી, કાના ઉપર દેવકીનો હક્ક તો હોય જ ને? મારી કનેથી મારો સોનુ એની જનેતા પાસે જતો હોય તો શું મને કે કોઈનેય એ વાતનું ખોટું લાગી શકે ખરું?" 

માંડ-માંડ અડધુંપરધું પેટ ભરાવીને કંચને માના દૂધની પૂર્તિ કરવા છેવટે સોનુને યશુના ખોળે આપ્યો. 

એટલે જરાય સંકોચ વગર યશુએ એનું પાલક માનું કર્તવ્ય કોઈપણ કાયદેસરના હક્ક કે અધિકાર વિના અને એટલું જ નહીં, પણ એક કુંવારી કન્યા હોવા છતાં માત્ર સાક્ષીભાવે પૂરું કર્યું! 

આશાના મનમાં આજે યશુનું સ્થાન અનંત ઊંચાઈને પામ્યું. યશુ પોતાની સમોવડી હોવા છતાં આશાને થયું, "યશુ મારી પણ મા હોત તો!" 

"અને મને આ ઉંમરે પણ યશુ એના ખોળામાં રાખીને જેમ સોનુને પેટ ભરાવે છે એમ મને પણ પેટ ભરાવે તો કેવો આનંદ આવે?!" 

સુમિત હવે ઊઠી ગયો હતો એટલે એણે ચા મૂકી છે કે કેમ એવી પૃચ્છા કરી કે તરત યશુ સફાળી રસોડામાં ગઈ ને ફટાફટ ચા બનાવીને લઈ આવી. બધાંએ ચા પી લીધી.

સુમિત ચા પીને બીજા રૂમમાં જઈને સોફા પર બેસીને કોઈ પુસ્તક વાંચવાનો ડોળ કરી રહ્યો હતો કેમ કે, દિવસે દિવસે એને કંચનનાં મૃત્યુનો સમય હવે સાવ નજીક આવતો દેખાતો હતો.

બસ, એ જ ચિંતામાં એનો જીવ ક્યાંય ચોંટતો નથી; એને કંઈ જ સારું લાગતું નથી, પણ એ એના ભીતર રહેલી આગની જ્વાળાઓને બહાર આવવા દેતો નથી. 

સૌથી ખરાબ દીનદશા સુમિતની હતી અને એનું એકમાત્ર કારણ જો કોઈ હોય, તો એ એનો કંચન પ્રત્યેનો અગાધ અને નિર્વ્યાજ પ્રેમ!

બપોરે સોનુના જન્મદિવસ નિમિત્તે ભારે વાનગીઓનું જમણ લીધેલું તેથી એ સાંજે કંચનની ઈચ્છા મુજબ બધાં જ, કંચન, સુમિત, યશુ અને આશા કંઈક હળવું ભોજન લેવા વાસ્તે એક હોટેલમાં ગયાં.

ત્યાંથી સૌ જમીને પરત થયાં અને રસ્તામાં એક પાર્લરમાંથી "આઈસક્રીમ"ના કપ લીધાં હતાં તેથી રાત્રે બધાંયે "આઈસક્રીમ" ખાઈ લીધા પછી કંચને સુમિતને ગીતો ગાવાનું સૂચન કર્યું.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."