મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-12)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૨)

બપોરે સોનુના જન્મદિવસ નિમિત્તે ભારે વાનગીઓનું જમણ લીધેલું તેથી એ સાંજે કંચનની ઇચ્છા મુજબ બધાં જ, કંચન, સુમિત, યશુ અને આશા કંઈક હળવું ભોજન લેવા વાસ્તે એક હોટેલમાં ગયાં.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

ત્યાંથી સૌ જમીને પરત થયાં અને રસ્તામાં એક પાર્લરમાંથી "આઈસક્રીમ"ના કપ લીધાં હતાં તેથી રાત્રે બધાંયે "આઈસક્રીમ" ખાઈ લીધા પછી કંચને સુમિતને ગીતો ગાવાનું સૂચન કર્યું.

સુમિતે આશા અને યશુ તરફ જોઈને કહ્યું કે, "તમને બેયને પણ ગીતો આવડતા જ હશે. તો પહેલાં તમારામાંથી કોઈ મનગમતાં એક-બે ગીતો સંભળાવો, તે પછી હું તો ગાવાનો જ છું!"

આશાએ તરત જ કહ્યું કે, "યશુને સરસ ગીતો ને ભજનો આવડે છે. તે ગાતી પણ હોય છે. ને વળી, એનો અવાજ પણ બહુ સરસ છે, હોં!"

કંચન, સુમિત, બંનેએ યશુને ઈશારાથી ગાવાનું સૂચન કર્યું. યશુ કંઈપણ ગાય તે પહેલાં "વૈષ્ણવજન તો તેને કહીએ..." ભજન ગાવા માટે આશાએ સૂચવ્યું.

યશુના મધુર કંઠેથી એ ભજન સાંભળીને બધાં જ "વાહ, યશુ, વાહ..." બોલી ઊઠ્યાં. કંચને યશુને કહ્યું, "આવું જ બીજું કોઈ ભજન કે ગીત થવા દે, યશુ."

ત્યાં જ આશાએ ઉમેર્યું, "હા, યશુ. પેલું સત્યમ, શિવમ, સુંદરમ પિક્ચરનું ગીત છે ને, યશુમતિ મૈયાવાળું! એ ગાઈ સંભળાવ, એ પણ બહુ સરસ ગાય છે."

યશુ કંચન સામે જોઈને સમજી શકી કે કંચન એને સાંભળવા આતુર છે. આથી, યશુએ એ ફિલ્મીગીત પણ ગાઈ સંભળાવ્યું.

કંચને સહજ રીતે જ સુમિતની સામે જોઈને કહ્યું, "સુમિત, તમારી સાથે યશુને પાર્ટીઓમાં ગાવા લઈ જાઓ તો સોનામાં સુગંધ ભળે, હોં!"

સુમિતે જવાબ આપ્યો, "હા, ચોક્કસ. પણ યશુ એ માટે તૈયારી બતાવે તો થાય!"

યશુ બોલી, "નાના સાહેબ. આ તો હું આપણાં જાણીતાં કહો કે ઘરનાં કહો, એ બેઠાં છે એટલે ગાયું. બાકી હા, હું એકલી ગણગણતી હોઉં, પણ જાહેરમાં કોઈ મંચ ઉપરથી ગાવાની મારી હિંમત ન ચાલે."

આશાએ કહ્યું, "એકવાર તું શરૂ કરે પછી હિંમત આપમેળે જ આવી જાય."

યશુએ પૂછ્યું, "પણ આશા, હું કંઈ સુમિતસરની જેમ કવિતાઓ કે ગીતો થોડાં કંઈ જાતે બનાવી શકું?"

"તો શું થઈ ગયું? ભલેને સુમિતસરે ગીતો બનાવ્યા હોય, પણ એ કઈ રીતે, કેવા રાગમાં કે ઢાળમાં ગાઈ શકાય, એ તો સર તને શીખવે જ ને?" આશાએ યશુને પ્રોત્સાહન આપવા માટે જ ઉમેર્યું.

યશુએ કહ્યું, "એ તો હવે ગાશું ત્યારની વાત છે... પણ હવે સુમિતસરનો વારો છે; આપણે સૌએ હવે એમને સાંભળવાના છે."

યશુએ જ્યારે આવો જવાબ આપ્યો કે તરત કંચને એને સપોર્ટ કરતાં કહ્યું, "હા, સુમિત. હવે તમે શરૂ કરો."

અને પછી એ રાતે સુમિતે એક પછી એક એમ ગીતોની રમઝટ બોલાવી. રાતના દોઢ વાગ્યા સુધી સૌએ પાર્ટીની મજા માણી.

છેવટે, જ્યારે સૌએ સૂવા માટે પથારીમાં લંબાવ્યું ત્યારે રાતના બે-અઢીનો સમય વીતી ગયો હતો. સૂતી વેળા કંચને આશાને પૂછ્યું, "કાલે તારે કોલેજ જવાશે?"

આશાએ કહ્યું, "હા, દીદી. સવારે હું વહેલી અહીંથી જઈશ. યશુ દીદી તો અહીં જ છે!"

કંચને વળતો જવાબ આપ્યો, "તો યશુ, તું સવારે સૌથી પહેલાં આશાને માટે કંઈ નાસ્તો કરી આપજે, બપોરે ખાવા માટેનું રાંધી પણ નાખજે ને આશાને ટીફીન ભરીને સાથે લઈ જવા માટે આપજે."

"નહીં તો એ બાપડી બપોરે શું ખાશે? અને આમેય સુમિત માટે તો બનાવવાનું જ છે ને! જોડે જોડે આશાનુંય બનાવવા માટે ક્યાં ચાહીને મહેનત કરવી પડે એમ છે?"

યશુએ કંચનનું કહ્યું સ્વીકાર્યું ને પછી, સૌ મીઠી નીંદર માણવા માંડ્યાં.

વહેલી સવારે યશુએ ઊઠીને સ્નાનાદિ કામ પતાવીને રોજની જેમ તુલસીના ક્યારે અને પૂજાના સ્થાને દીવા મૂક્યા.

પ્રભાતના ભજન ગણગણતાં યશુ કંચનદીદીને જગાડવા ગઈ તો કંચન તો પડી પડી જાગતી જ હતી, પણ આજે એને ઠીક નહીં હોવાથી એ પથારીમાં પડી જ રહી.

એણે યશુને કહ્યું, "બહેન, આપણા બે માટે અત્યારે ચા મૂક ને પછી શાંતિથી આશાને ઉઠાડીને એના માટે અને સુમિતને માટે ચા-નાસ્તો કરીને રાંધી નાખજે."

"એટલે આશાને વહેલું અહીંથી નીકળી શકાય. એને કોલેજ જવામાં મોડું ન થાય, બરોબર ને?"

યશુ તરત રસોડામાં ગઈ અને હજી ચા મૂકવાની તૈયારી કરે છે ત્યાં એને કંચનની ધીમી ચીસ સંભળાઈ.

એથી દોડીને કંચન પાસે ગઈ ને જોયું તો કંચન બાપડી નીચે ભોંય પર પડેલી હતી ને એના બંને હાથથી મોં ઢાંકીને પડી પડી "હે મારા રામ, હે રામ... રામ, રામ" એમ બોલતી હતી.

યશુએ પૂછ્યું, "શું થાય છે, દીદી? ઠીક નથી લાગતું?!"

કંચન બોલી, "હા, યશુ. કોણ જાણે, આજે બહુ જ પીડા થાય છે, નથી સહી શકાતું. છૂટી જાઉં તો સારું! બધાંને હેરાન કરી રહી છું!"

યશુએ ધીમેથી કંચનને ઉઠાવીને પલંગ પર લેવાનો પ્રયાસ કર્યો, પણ એની એકલીથી કંચનને ઊભી કરી શકાઈ નહીં, એટલે તરત આશાને જગાડી.

આશાની મદદથી કંચનને ઊભી કરીને પલંગે સુવડાવી. આશાએ કહ્યું, "યશુ, કંચનદીદીની હાલત સારી નથી. સુમિતસરને ઉઠાડ, તો દીદીને દવાખાને લઈ જવાય."

આશાની વાત સાંભળીને યશુએ સુમિતને જગાડીને વાતથી વાકેફ કર્યો. સુમિતે યશુને કહ્યું, "તમે કંચનને સંભાળો તો હું આટલામાંથી રીક્ષા લઈ આવું. એને અત્યારે જ હોસ્પિટલ લઈ જવી પડશે."

યશુએ સૂચન કર્યું, "સર, પાછળ બહાદુરભાઈ રહે છે તો એમને જ બોલાવો ને! આમેય દીદીને ઘણીવાર એમની ગાડીમાં લઈ જ ગયા છો ને? એવું હોય તો તમે ઘેર રહો, હું જ ત્યાં જઈ એમને બોલાવી આવું."

એટલું કહીને યશુ ઉતાવળે બહાદુરના ઘેર ગઈ અને બહાદુરને જગાડતાં જ તેણે ગાડી કાઢીને યશુને એમાં બેસાડીને સુમિતના ઘર આગળ આવી પહોંચ્યો.

આશા અને સુમિતે કંચનને ધીરે ધીરે ગાડી સુધી લાવવાનો પ્રયાસ કર્યો, પણ કંચન જરાય ડગ ભરી શકતી નહોતી. તેથી સુમિતે તેને તેડીને ગાડીમાં પાછલી સીટ પર ધીરેકથી સુવડાવી. કંચનની આંખો બંધ હતી.

યશુ સીટ પર કંચનના માથા તરફ બેસવા જતી હતી ત્યાં સુમિતે તેને રોકીને ગાડીમાંથી નીચે ઉતારી તેની જગ્યાએ આશાને સાથે આવવા કહ્યું.

આશા ડોક્ટરનું ભણતી હતી તેથી દવાખાને સાથે હોય તો સારું રહે તથા ઘરે સોનુની સંભાળ રાખવા યશુ ઘેર રહે તો ચિંતા ન રહે એવા આશયથી યશુને ઘરે રાખી. બહાદુરે ગાડી હંકારી મૂકી.

યશુ ઘરે એકલી બેઠી રહી, એને કંઈ સૂઝતું નહોતું. થોડીવારે સોનુ ઊઠ્યો કે તરત એણે સોનુને ખોળે લીધો.

એના શરીરે ભીનું સ્વચ્છ લુગડું ફેરવીને બીજાં કપડાં પહેરાવીને છાતીએ લગાડી પેટ ભરાવ્યું.

સોનુનું પેટ ભરાતાં તે શાંતિથી રમવા માંડ્યો એટલે એના હાથમાં નાનું રમકડું આપીને એને পલંગમાં બેઠો કરી આસપાસ ઓશીકાના ટેકા કર્યા જેથી તે બેઠાં બેઠાં પડી ન જાય.

લગભગ બેએક કલાકમાં બહાદુર આશાને લઈને ત્યાં આવ્યો ને આશા ગાડીમાંથી બહાર ઉતરી એટલે બહાદુર ગાડીમાં બેઠો રહ્યો. તે ત્યાં યશુને કહેતો ગયો કે, "હું થોડીવારમાં પરવારીને પછી પાછો આવું જ છું; એટલે દવાખાનાનું કંઈ કામ હોય, કંઈ લાવવા-લઈ જવાનું હોય તો કહેજો."

આ બાજુ આશા ઘરમાં દાખલ થઈ એટલે યશુએ કંચનદીદીની તબિયતના સમાચાર પૂછ્યા.

આશાએ કહ્યું, "દીદી, બહુ જ નાજુક છે. મને તો લાગે છે કે, બહુ લાંબું નહીં કાઢે. તું સુમિતસરને સમજાવજે કે હવે હમણાં ઓફીસે રજા મૂકી દે, ને કંચનદીદીની જોડે જ રહે."

યશુએ ચિંતા વ્યક્ત કરી, "આશુ, બહેન! તેં ચાય પીધી નથી, તો હું ચા મૂકી દઉં છું, એકબે ભાખરી કરી આપું તું ચા-નાસ્તો કરી લે. તારે કોલેજ જવાનું છે ને? ખાધા વગર જઈશ તો મારો જીવ બળશે."

આશા બોલી, "તું કહેતી હોય તો જાઉં."

યશુએ કહ્યું, "મને શી ખબર? તારે ચાલે એમ હોય તો રજા રાખ, નહીં તો તું તારે ખુશીથી જા. હું અહીં સંભાળી લઈશ."

"મારે આજે બહુ અગત્યનું લેસન છે, નહીં જાઉં તો કોઈ પાસે સ્પેશ્યલ શીખવા જવું પડશે."

"તો તો તું જા. પણ ચા-નાસ્તો કરીને."

"દીદી, તેંય ક્યાંથી ચા પીધી હશે? તું મારી સાથે ચા-નાસ્તો કરતી હોય તો જ હું કરીશ."

આશા સાવ ભૂખી ન જાય એટલે યશુએ હા ભણી. બંનેએ ચા-ભાખરી ખાધી. યશુએ તો માત્ર અડધી ભાખરી પણ પરાણે ખાધી.

પણ, આશાને માટે બે ભાખરી અને અથાણું એક ડબામાં ભરીને આપ્યું એટલે આશા ત્યાંથી વિદાય થઈ.

જતાં જતાં એ પાછું વળીને કહેતી ગઈ કે, "જોજે હોં! સુમિતસરને ઓફીસે રજા મૂકવાનું કહેવાનું ભૂલીશ નહીં ને?"

યશુને કંઈ જ સૂઝતું નથી. સોનુને ગોદમાં લઈ આમથી તેમ આંટા મારે છે. કંચનદીદીના સારા સમાચારની રાહ જોઈ રહી છે.

એને એકેક મિનિટ કલાક જેવડી લાગતી હતી. માંડ માંડ અગિયાર વાગ્યા હશે. હજી કોઈ આવ્યું કેમ નહીં હોય, એની ચિંતા સતાવે છે.

આજે મધુબાને પણ આવતાં મોડું થયું છે એવા વિચારે હતી ત્યાં જ મધુબા આવી ગયાં. યશુ સિવાય ઘરમાં કોઈને જોયાં નહીં એટલે મધુબાથી સહજ રીતે પૂછાઈ જવાયું કે, "કેમ આજે કંઈ થયું છે?"

યશુએ જવાબ આપ્યો, "હા, બા. જુઓને કંચનદીદીને સવારના પહોરમાં દવાખાને લઈ જવા પડ્યા છે."

"દવાખાને સુમિતભઈની જોડે છે કે કોઈ? ના હોય તો હું જાઉં."

યશુ જવાબ આપે તે પહેલાં બહાદુર ત્યાં આવ્યો. દવાખાને કંઈ મોકલવાનું હોય તો તે લેવા માટે આવેલ.

પણ અહીંયા યશુને કંઈ સમજ પડતી નથી. મનમાં જ ગણગણે છે, "શું મોકલવું? સરે ચાયે નહીં પીધી હોય! મોકલીએ તો પીવે એવા પણ ક્યાં છે? દીદીની આવી હાલતમાં એય એકલા મૂંઝાતા હશે!"

મધુબાએ બહાદુરની સાથે દવાખાને જવાની ઈચ્છા દર્શાવી.

યશુએ કહ્યું, "એક કરતાં બે ભલાં. હું તો સોનુને મૂકીને ત્યાં કેમ જઈ શકું? હા, તમે જાવ તો સુમિતસરને ત્યાં આઘુંપાછું થવું હોય તો થવાય."

બહાદુરની સાથે મધુબા દવાખાને આવ્યા એટલે સુમિત મધુબાને ત્યાં રાખી, જરૂરી ભલામણો કરીને તેમજ થોડાં ઘણાં પૈસા આપીને બહાદુરની જોડે ઘેર પરત આવ્યો.

આવીને ખૂબ રડ્યો. યશુ સમજી ગઈ કે દીદીની તબિયત વધુ ખરાબ છે. એણે પૂછ્યા વગર એક કપ ચા બનાવીને સુમિતના હાથમાં કપ આપ્યો.

સુમિતની અનિચ્છા છતાં યશુએ આગ્રહ કરીને ચા પીવડાવી. પછી યશુ બોલી, "સર, તમારે ઓફીસ જવાનું હોય તો હું ટીફીન તૈયાર કરી આપું. વાર નહીં લાગે."

સુમિતે કહ્યું, "ના યશુ. આજે કંચનને હોશ નથી. મારું મન ઓફીસે લાગશે નહીં."

"દીદીને હમણાં તો રાખશે ને?"

"હા, ยશુ. ડોક્ટરે ચારેક દિવસ દવાખાને રહેવાનું કહ્યું છે."

"ભલેને અઠવાડિયું થાય! પણ દીદીને સારું તો થઈ જશે ને?"

સુમિતે નિસાસો નાખ્યો, "ભગવાનને ખબર! ડોક્ટર કહે છે, સેવા કરો. સારવાર પણ ચાલુ રાખો. જે મહિનો બે મહિના પીડા વગર કાઢે!"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."