મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-13)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૩)

મધુબા દવાખાને આવ્યાં એટલે સુમિત મધુબાને ત્યાં રાખી, જરૂરી ભલામણો કરીને તેમજ થોડાંઘણાં પૈસા આપીને બહાદુરની જોડે ઘેર પરત આવ્યો. આવીને ખૂબ રડ્યો. 

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

યશુ સમજી ગઈ કે દીદીની તબિયત વધુ ખરાબ છે. એણે સુમિતને પૂછ્યું, "દીદીને હમણાં તો રાખશે ને?" 

"હા, યશુ. ડોક્ટરે ચારેક દિવસ દવાખાને રહેવાનું કહ્યું છે." સુમિતે જવાબ આપ્યો. 

"ભલેને અઠવાડિયું થાય! પણ દીદીને સારું તો થઈ જશે ને?" 

"ભગવાનને ખબર! ડોક્ટર કહે છે, સેવા કરો. સારવાર પણ ચાલુ રાખો. જે મહિનો બે મહિના પીડા વગર કાઢે!" 

યશુ બોલી, "ઓહ! તો સર તમે આજે ઓફીસે જાવ. આખો દિવસ પૂરો કરો. પણ, કાલથી થોડાં દિવસોની રજા મૂકી દો." 

"તમારે હવે દીદીને એકલાં પડવા દેવાય નહીં. (થોડીવાર અટકીને) અને આશાએ પણ ખાસ કીધું છે કે, સરને રજા મૂકીને દીદીની પાસે જ રહેવાનું કહેજે. એટલે, હું પણ ખાસ કહું છું." 

"તારી વાત સાચી. પણ ઘર કોણ સંભાળશે એની ચિંતા છે." 

"હું નથી? જુઓ સર, બે-ત્રણ દિવસ તો હું અહીં રહી શકું એમ છું. મારે પણ હવે પ્રિલિમ પરીક્ષા નજીક છે, ને મેં કોઈ તૈયારી નથી કરી." 

"થોડાં દિવસ અહીંયા, ખાસ તો સોનુ માટે જો કંઈ વ્યવસ્થા થાય તો હું જઈ શકું. મારું મન તો તોયે અહીં જ રહેશે, સર!" 

સુમિતે કહ્યું, "તારી વાત વાજબી છે, યશુ. નાહકનું તારું ભણવાનું બગડે એવું તો મનેય ના ગમે." 

"મારી એક બહેન સુરત છે, એને હું આજે ઓફીસેથી ફોન કરીને કહીશ એટલે એ ચોક્કસ દોડી આવશે. એ આવી જાય એટલે તું આરામથી જજે. એ કંચનની ઉંમરની જ છે. સોનુને પણ સંભાળી લેશે." 

એ દિવસે યશુની સલાહ મુજબ સુમિતે ઓફીસે જવાનું નક્કી કર્યું ને બીજા દિવસથી રજા પર ઉતરવાનુંયે નક્કી કર્યું. ઑફીસે જતાં પહેલાં યશુએ ટીફીન તૈયાર કરીને સુમિતને પકડાવ્યું. 

સુમિતે એક કોરો ચેક-"સેલ્ફ" નો લખીને યશુને આપી રાખ્યો; જરૂર પડે તો નજીકની જ બેંકમાંથી રકમ ઉપાડી શકાય. એ દિવસે યશુએ તો બપોરે પણ કશું જ ખાધું નહીં. 

આખો દિવસ મધુબા દવાખાને જ રહ્યાં. સુમિત સાંજે ઓફીસેથી ઘેર આવ્યો ને એની બહેન, જયા પણ સુરતથી તરત આવી પહોંચી. 

સુમિતે યશુની ઓળખાણ કરાવી ને પછી યશુને ઘેર જવા માટે રજા પણ આપી. યશુએ બિચારીએ આખો દિવસ મોંમાં અન્નનો દાણો પણ નાખ્યો નહોતો. 

સુમિત કંચનની ચિંતામાં ગળાડૂબ હતો એટલે યશુએ કંઈ ખાધું છે કે કેમ એ વિશે યશુને કાંઈ પૂછી પણ ન શક્યો. યશુને એ વાતનું કશું માઠું પણ લાગ્યું નથી. 

કેમ કે યશુ સમજદાર હતી; એ સુમિતની મનોદશા બરાબર જાણતી હતી. એ પોતાના ઘરે ગઈ. 

જતાં જતા એણે જયાદીદીને ભલામણો કરી કે સરનું અને સોનુનું ખાસ ધ્યાન રાખવું. પોતે વચ્ચે વચ્ચે ટાઈમ કાઢીને ખબર કાઢી જશે. 

યશુ એના ઘેર પરત થયા પછી બે-ત્રણ દિવસ સળંગ કોલેજ જઈ આવી. રવિવારે એની ઈચ્છા કંચનદીદીની ખબર લેવા જવાની હતી. 

પણ, તે દિવસે યશુની જ તબિયત નરમ થઈ ગયેલ હોવાથી આશાએ એને ત્યાં જતાં અટકાવી ને આરામ કરવા કહ્યું. 

એવું લાગે તો બીજે-ત્રીજે દિવસે કોલેજથી પાછા વળતી વેળા ત્યાં જઈ આવજે એ મતલબનું આશાનું સૂચન એણે સ્વીકાર્યું. 

પણ છેક પછીના શનિવારે એનો મેળ પડ્યો એટલે એ કોલેજથી છૂટીને સીધી જ સુમિતના ઘરે પહોંચી. ત્યાં જઈને એ સાવ જ અવાક બની ગઈ. 

સુમિત અને તેની બહેન જયા સહિત આસપાસનાં અમુક પડોશીઓ ત્યાં ઉપસ્થિત હતાં. સુમિતે યશુને આવેલી જોઈ. 

યશુએ જોયું કે સુમિતનું ચિત્ત ઠેકાણે નથી. સંપૂર્ણ મૌન અને શોકમય વાતાવરણ જોતાં યશુ પરિસ્થિતિને પામી ગઈ. કંચનદીદીએ સંસારને કાયમ માટે અલવિદા કરી દીધી હતી. 

યશુને એટલું બધું લાગી આવ્યું કે પોતે રડી પણ શકતી નહોતી! એણે સુમિતને એટલું જ પૂછ્યું કે, "દીદીના અવસાનની ખબર પણ ન આપી? દીદીની શરમ ખાતર પણ નહીં?!" 

"સોરી યશુ. એને દવાખાનેથી લઈને આવ્યા ત્યારે મને મારું પણ ભાન નહોતું. કંચન તો બિલકુલ બોલી પણ નહોતી શકતી." 

"ઘરે સૂવડાવ્યા પછીના એક કલાકમાં જ એ ઈશ્વરના ધામમાં સીધાવી ગઈ! કોઈ જ વાતચીત કે ભલામણ એ કરી શકી નથી! હું સાવ જ નિરાધાર થઈ ગયો છું, યશુ!" 

યશુ ધીમેકથી જયાદીદી પાસે ગયાં, "બેન, તમે તો હમણાં અહીં રોકાશો ને? સુમિતસર સાવ જ એકલા પડી ગયા છે." 

"ખાસ તો, નાનકડા, નિર્દોષ સોનુને સંભાળવો પડશે, બરાબર ને દીદી?" 

"હા, હું અહીં જ છું હમણાં. સોનુને ધીમે ધીમે બહારનું દૂધ અને પાણી જેવી દાળ, દાળનું ઓસામણ ને ભાત ખવરાવવાનું શરૂ કર્યું છે." જયાએ જવાબ આપ્યો. 

સોનુની ચિંતા કરતી યશુથી કહેવાઈ ગયું, "પણ જોજો દીદી હોં, એ ભૂખ્યો ન રહે. જરૂર લાગે તો બેન, એને તમે ધવરાવશો ને?" 

"એટલી તો બહેન મને સમજ પડે છે! હું સુમિતભાઈની જ બહેન છું; કાંઈ કોઈ પારકી બાઈ નથી! તમે નાહકની આટલી બધી ચિંતા કરો છો!" 

યશુને જયાદીદીનો આવો ઉપેક્ષાભર્યો જવાબ મળે એવી અપેક્ષા નહોતી! સુમિતસર આ અંગે કંઈ કહે છે કે કેમ, એ જોવા એણે સુમિતની સામે જોયું, પણ સુમિત કશું જ બોલ્યા નહીં. 

એ વાતનું યશુને મનમાં બહુ માઠું લાગી આવ્યું. થોડીવાર એ ત્યાં બેઠી, આજુબાજુ નજર કરી, પણ મધુબા ક્યાંય દેખાયા નહીં. એટલે એણે પૂછ્યું, "મધુબાને રજા આપી દીધી છે?" 

જયા બોલી, "હા, બહેન. અત્યારે હું અહીં છું ત્યાં લગી કોઈનીયે જરૂર નહીં પડવા દઉં. તમે ચિંતા નહીં કરતા!" 

આ પળે પણ સુમિતસર કંઈ જ બોલ્યા નહીં તેથી યશુને બહુ જ લાગી આવ્યું. એણે ત્યાંથી વિદાય થવાનું જ મુનાસિબ ગણ્યું. 

એ ત્યાંથી જતી હતી ત્યારે સુમિત એટલું બોલ્યો કે, "આવતીકાલ રવિવારે સાંજે ચારથી છ વાગ્યા સુધી કંચનનું બેસણું અહીં આગળ જ રાખ્યું છે; આવી શકાય તેમ હોય તો આવજે ને અનુકૂળ હોય તો આશાને પણ લેતી આવજે." 

યશુ આટલું સાંભળીને ત્યાંથી વિદાય થઈ. પોતાના ઘેર જઈને આશાને બધી જ હકીકત જણાવીને ખૂબ રડી, ખૂબ રડી. બંને જણીઓ બેસણાને દિવસે ત્યાં સમયસર પહોંચી. 

બધાંની જેમ ત્યાં નીચે પાથરેલી સાદડી પર બેઠી. મધુબા ત્યાં આવેલા હતાં. એણે આ બંનેને ત્યાં જોયાં. એટલે એમની સાવ નજીક આવીને બેઠાં ને સાવ ધીમેકથી બોલ્યાં. 

"દીદી, કંચનબા ગુજરી ગયાં એ દિવસે સૌએ શું કલ્પાંત કર્યું! અહીં તો કોઈને કંઈ સૂઝ પડતી નહોતી. આ તો સારું થયું કે આજુબાજુના સૌ ભેગાં થઈ ગયેલાં એટલે એમણે સૌએ કંચનબાની બધી વિધિ કરી." 

"કંચનબાને દાખલ કરેલાં એ દિવસે તો હું ત્યાં ગઈ'તી જ ને? બિચારા એમને તો બોલવામાંયે પીડા થતી'તી." 

"હું એ દિવસે આખો દિવસ દવાખાને હતી ત્યારે વારેવારે કંચનબા તમને બહુ યાદ કરતા'તા હોં દીદી! બરાબર બોલી શકતા નહોતા છતાં તમારા નામની એમણે રટ લીધી'તી." 

"યશુ આવી છે? અહીં મારી પાસે આવશે? મારે આજે એને ઘણુંબધું કહેવું છે. પણ બિચારી અહીં આવે તો સોનુનું કોણ ધ્યાન રાખે? એટલે જ બાપડી ત્યાં ઘરે એકલી પડીને મારી જ ચિંતામાં હશે!" 

"આમ, બેન હું ત્યાં રહી ત્યાં સુધી તમારા નામની માળા જપ્યા કરતા'તા. મને તો કંચનબા ગયા પછી જયાદીદીએ રજા આપી દીધી છે." 

"મને કોઈ ફેર પડતો નથી, બેન, પણ આ સુમિતભાઈની ચિંતા જયાદીદીને થતી નહીં હોય?" 

યશુએ કહ્યું, "મધુબા, સોનુને લીધે હું દવાખાને આવી શકી નહોતી; મનેય એ વાતનું ભારે દુઃખ છે. અત્યારે સોનુ કોની પાસે હશે, બા? જયાદીદી પાસે હશે? મારી પાસે થોડીવાર માટે લઈ આવશો? મારું એટલું કહ્યું કરોને, બા!" 

યશુનું સોનુ પ્રત્યેનું મમત્વ જોઈને મધુબા ધીરેથી ઊઠ્યાં ને સોનુને થોડીવાર માટે જયાદીદી પાસેથી લઈ આવીને યશુના હાથમાં આપ્યો. પાછળને પાછળ જયા ત્યાં આવી પહોંચી. 

યશુએ સોનુને હાથમાં લઈ માથે ને મોંએ હાથ ફેરવ્યો. સોનુ કિલકિલાટ કરવા માંડ્યો એટલે એના ગાલે હેતથી ચુંબન કર્યું ને તરત જયાએ યશુના હાથમાંથી સોનુને જાણે કે છીનવી જ લીધો! 

યશુને કંચનદીદી યાદ આવી ગયાં: ક્યાં કંચનદીદી ને ક્યાં જયાદીદી! મારી હાજરી જ જાણે જયાદીદીને ગમતી નથી! 

આ બધું જોઈને આશાએ ત્યાંથી ઊઠવાનો ઈશારો કર્યો એટલે બંને ત્યાંથી ઉભા થયાં. બે હાથ જોડીને રજા લીધી. 

યશુથી રહેવાયું નહીં એટલે આશાની મરજી વિરૂદ્ધ એ સુમિત પાસે ગઈ ને કહેતી ગઈ, "સર, દીદીના આત્માને શાંતિ મળે એવી અમે ઈશ્વરને, મારા રામને પ્રાર્થના કરીએ છીએ." 

"આપના ઉપર શું વીતતી હશે એની અમને ખબર છે, પણ તમે દીદીની સારવાર ને સેવા કરવામાં ક્યાં કોઈ કચાશ રાખી છે. પણ, ઈશ્વર આગળ આપણે લાચાર છીએ." 

"તમારા સિવાય સોનુનું કોણ? એટલે સર, સોનુની ખાતર પણ સ્વસ્થ તો થવું જ પડશે; હિંમત રાખજો એવી અમારી વિનંતી છે. જરૂર પડે તો મને બોલાવજો, સર. ચોક્કસ આવીશ. મારાથી બનશે એ બધું કરીશ." 

યશુ હવે નિયમિતપણે કોલેજથી સીધી ઘેર જ આવતી. એની પ્રિલિમ પરીક્ષા પૂરી થયા પછી કોલેજમાં લગભગ વેકેશન જ હતું. એટલે વાર્ષિક પરીક્ષાની તૈયારીમાં સતત વાંચન કરતી હતી. 

આ એના કોલેજનું છેલ્લું વર્ષ હતું એટલે થોડી વધુ ચિંતિત હતી. પોતે ખૂબ સંવેદનશીલ હતી અને ટૂંકા સમયમાં કંચન સાથેની એની ગાઢ આત્મીયતાથી ખેંચાઈને કંચનની સેવામાં તેમજ એના ઘર-પરિવારને મદદરૂપ થવા માટે એ કોલેજમાં છાશવારે રજાઓ રાખીને ત્યાં રોકાઈ જતી. 

હવે એને સુમિતની બહેન જયાનું વર્તન અણગમો ઉપજાવે તેવું હોવાથી તેમજ જયાના વર્તન બાબતે ગમે તે કારણસર સુમિતસર પણ જયાદીદીને વારતા નહોતા તેથી યશુનું મન ખિન્ન રહ્યા કરતું. 

સોનુની ચિંતા અને કંચનના મૃત્યુ બાદ સુમિતસરને પરણીને ઘરને પોતે સંભાળશે એવી કંચનની અંતરની ઈચ્છાથી યશુએ કંચનદીદીને આપેલ વચન એને ખટક્યા કરતું હતું. 

પોતે આપેલા વચન બાબતે કંચનદીદીના કહેવાથી એણે સુમિતસરને પણ વાત કરી નહોતી; માત્ર આશા એ વાત જાણતી હતી. 

આવી યશુની મનોદશા હોવા છતાં ઊંડે ઊંડે હજુ એની આશા મરી પરવારી નહોતી. એને એવી આશા હતી કે ગમે ત્યારે સુમિતસર એને મળવા જરૂર આવશે! 

પણ, દિવસો વીતવા છતાં સુમિતસર એકપણ વાર યશુને મળવા આવ્યા ન હોવાથી એની આશા હવે ધીમે ધીમે ઓસરતી જતી હતી.

"યશુ, તું કંચનદીદીને અને બીજાં બધાંયને હવે ભૂલી જા! તારી ચિંતા હોય તો સુમિતસર અહીં આવ્યા ન હોય? તું ક્યાં એ કોઈની ઓશિયાળી છે! તારામાં રૂપ અને ગુણ બંને છે, તને મનગમતો જીવનસાથી મળશે જ. નાહકની ચિંતા કર્યા કરે છે."

"ના, આશા. સુમિતસર સાથે જ પરણવું એવી મને જરીકેય ઘેલછા નથી, પણ મારી બેન! કંચનદીદીને આપેલું "પ્રોમીસ"નું શું થશે? સોનુનું શું થશે? મેં સોનુને મારું દૂધ પીવડાવ્યું છે ને, એથી જાણે એ મારું જ સંતાન ન હોય! એવી માતૃસહજ લાગણી અને પ્રેમ જ મને અત્યારે તડપાવે છે!"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."