મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-14)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૪)

આશા યશુને કહી રહી હતી કે, "તારી ચિંતા હોય તો સુમિતસર અહીં આવ્યા ન હોય? તું ક્યાં એ કોઈની ઓશિયાળી છે! તારામાં રૂપ અને ગુણ બંને છે, તને મનગમતો જીવનસાથી મળશે જ. નાહકની ચિંતા કર્યા કરે છે."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"ના, આશા. સુમિતસર સાથે જ પરણવું એવી મને જરીકેય ઘેલછા નથી, પણ મારી બેન! કંચનદીદીને આપેલું "પ્રોમીસ"નું શું થશે? સોનુનું શું થશે? મેં સોનુને મારું દૂધ પીવડાવ્યું છે ને, એથી જાણે એ મારું જ સંતાન ન હોય! એવી માતૃસહજ લાગણી અને પ્રેમ જ મને અત્યારે તડપાવે છે!" યશુ બોલી.

"તારી વાત સાચી, પણ કંચનદીદીને તેં આપેલ "પ્રોમીસ"ની સુમિતસરને જાણ જ ન હોય તો તારે એ પ્રોમીસને પાળી બતાવવાની જરૂર ક્યાં છે? સોનુની ચિંતા એક બાપ તરીકે સુમિતસરને નહીં હોય?"

"એટલે જ મને એમ થાય છે કે એકવખત આપણે સુમિતસરના ધ્યાને પ્રોમીસવાળી વાત કરવી ન જોઈએ? મારું મન કહે છે કે કરવી જ જોઈએ અને એમને આ વાત કર્યા પછી જો કોઈ "હા-ના"નો જવાબ ન આપે તો મને વચનભંગનો અપરાધભાવ તો નહીં સતાવે!

હા, એક વાત મને જરૂર સતાવશે- મારા સોનુનું શું થશે? સાચું કહું તો હું સોનુ વગર રહી શકતી નથી! સુમિતસરને એકવખત મળીને એમની જોડે વિગતે વાત કરવી છે. તું મને સાથ આપીશ ને, આશા?"

યશુનો સોનુ પ્રત્યેનો લગાવ જોઈને આશાએ કહ્યું, "યશુ, તારે મને એવું પૂછવું ન જોઈએ. હું તારી કઈ વાતને અવગણું છું? આ તો હુંયે સ્ત્રી છું ને તુંયે સ્ત્રી છે એટલે શું, પણ આપણા બેમાંથી જો કોઈ એકાદ પુરુષ હોત ને, તો તો હું તારી સાથે જ પરણી જાત!

હું તને અનહદ પ્યાર કરું છું, યશુ. મને જ નહીં, તારા સંપર્કમાં આવ્યા છે તે બધાંયને ખબર છે કે યશુ માત્ર પ્રેમ આપવામાં માને છે, પણ સવાલ એ થાય છે કે તું જ કહેતી હોય છે કે પ્રેમ કોઈ અપેક્ષા રાખતો નથી તો તું શા માટે સોનુ માટે આટલી બધી અપેક્ષા રાખે છે? શું કામ ચિંતા કરે છે કે મારા સોનુનું શું થશે?"

"આશુ! મારો સોનુ તો હજી નાનો છે, પણ એ મોટો થયા પછી પણ હું એની પાસેથી કોઈ જ અપેક્ષા રાખતી નથી, એના બાપ સુમિતસર પાસેથી પણ નહીં. પ્રેમ અપેક્ષા વગરનો જ છે, એ તો હું આજેય કહું છું ને કાયમ કહીશ.

પણ, પ્રેમ માણસને તડપાવે તો ખરો જ ને? શું રાધા કે શું મીરાં, એ બંને શ્રીકૃષ્ણ પ્રત્યે માત્ર પ્રેમ જ કરે છે ને છતાંયે તેઓના વિયોગમાં તડપતી નથી? સોનુ મારા પેટેથી ભલે જન્મ્યો નથી, એ મારો માનસપુત્ર તો છે ને!

સુમિતસર ભલે મારી સાથે ન પરણે, પણ સોનુની કોઈ સારી પેઠે સંભાળ લે એટલું જ હું ઈચ્છું છું. અને સોનુ ગમે ત્યાં હશે તોયે મારો પ્રેમ એના માટે એવો ને એવો જ હશે. એમાં હું શું ખોટું કરું છું?"

"વાહ દીદી! તારો જન્મ જ જાણે કોઈ દૈવીકાર્ય માટે થયો હોય તેમ લાગે છે! પણ, થોડી ધીરજ રાખ, દીદી. તું અત્યારે તારી "એન્યુઅલ એક્ઝામ"માં ધ્યાન આપ એ પછી આપણે બેય સુમિતસરને મળીને પ્રોમીસવાળી વાત ચોક્કસ કહીશું."

આશાની આવી હૈયાધારણ જોઈને યશુ એને ખૂબ વહાલપૂર્વક ભેટી પડી, એના ગાલે-મોંએ પોતાનો મુલાયમ હાથ ફેરવીને આશાને સસ્મિત મીઠું ચુંબન કરતાં કરતાં બોલી, "આશુ! હું તારા વગર સાવ જ અધૂરી છું.

હું મા સીતા પર જેટલો વિશ્વાસ રાખું છું એટલો તારામાં પણ રાખું છું. તારો સાથ હોય ને, તો હું અશક્યને પણ શક્ય કરી દેવાની હિંમત ધરાવું છું. તારા કહ્યા મુજબ એન્યુઅલ એક્ઝામ પૂરી થવા દઈશ."

યશુની એન્યુઅલ એક્ઝામ પૂરી થઈ ગયા પછી પણ સુમિત યશુની ભાળ લેવા પણ આવ્યો નહીં, તેથી હવે યશુ નિરાશ થઈને પોતાના ઘેર ગામડે જવા માંગતી હતી, પરંતુ આશાએ એને યુનિવર્સિટીનું રીઝલ્ટ આવે ત્યાં સુધી રોકાઈ જવાનું કહ્યું.

તે રોકાય એ માટે સુમિતસરને મળીને કંચનદીદીને આપેલ પ્રોમીસવાળી વાત કરવાની બાબત આશાએ યશુને યાદ દેવડાવી. યશુને જો કે એ બાબત યાદ તો હતી જ, પણ આટલા બધા દિવસો વીતવા છતાં સુમિતસર એકપણ વાર એ બંનેને મળવા પણ આવ્યા નહોતા.

તેથી યશુને હવે એ બાબતે ખાસ રસ રહ્યો હોય તેમ જણાતું નથી; એ તો હવે કંચનદીદી તેમજ સોનુ સાથે જોડાયેલી બધી જ મધુર યાદોને જીવનભર હૈયે સંઘરીને જીવવા મથતી હતી. પણ, આશાએ એને ગામડે જતી રોકવા સારું જ એક પ્રલોભન મૂક્યું હતું.

આશા એવું માનતી હતી કે સુમિતસરને હજીયે કદાચ યશુ સાથે પરણવામાં રસ હોય તો કંઈ મોડું થયું ન કહેવાય, ને યશુયે ઉત્સાહમાં આવી જાય. યશુ રોકાઈ પણ ગઈ અને એક રવિવારે સવારના દસેક વાગે એ બંને સખીઓ સુમિતના ઘેર આવી.

ત્યાં આવીને જોયું તો જયાદીદીને જોયા નહીં એટલે મનને થોડી નિરાંત પણ થઈ! સુમિતે બંનેને આવકાર્યા. બંનેએ સોફા પર સ્થાન લીધું. એક વૃદ્ધ માજીએ ઊભા થઈને એ બંનેને પીવાનું પાણી આપ્યું.

યશુએ સહજ રીતે વૃદ્ધ માજી કોણ છે તે જાણવા પૂછ્યું એટલે સુમિતે માજીની ઓળખાણ આપતાં કહ્યું, "મારા સાસુમા છે- કંચનનાં મમ્મી."

"હં... જયાદીદી નથી?"

"ના, એ અહીં એક મહિનો રોકાયેલી, પછી એના ઘેર સુરત જતી રહી છે. માજી આવી ગયાં હતાં, ને તેઓ હમણાં રોકાશે."

"ભાઈ સોનુ ક્યાં છે?"

"એને હમણાં જ સુવડાવી દીધો છે, બોન! એ પરાણે વહાલો લાગે એવો છે, પણ બાપડાના નસીબમાં "મા"નું સુખ લખ્યું નહીં હોય ને!" માજીએ જવાબ આપ્યો. યશુ મનમાં જ ગણગણી કે મારા રામજી કરશે તો સોનુ મા વગરનો નહીં રહે.

"આ બેય બહેનો- યશુ અને આશા કંચનને સારી રીતે જાણે છે, બા. એમાંય આ યશુએ તો અહીં કંચનની બહુ સેવા કરી છે, બા." સુમિતે કહ્યું.

"સારું બહેન, ભગવાન તારું ખૂબ સારું કરશે, તારી બધીય આશા પૂરી કરશે. મારી કંચન તો કંચન હતી. અમને માબાપને મૂકીને જતી રહી, એના કરતાં ભગવાને અમને લઈ લીધાં હોત તો!?" એટલું બોલીને માજી તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં.

યશુએ ઊભા થઈને માજીની પીઠ વાંસે હાથ ફેરવીને કહ્યું, "બા, જુઓ, જનમ ને મરણ આપણા હાથમાં ક્યાં છે?! હવે રડ્યા કરતાં ઈશ્વરનું નામરટણ કરીએ; દીદીના આત્માને શાંતિ મળે!"

માજીએ સાડલાના છેડા વડે પોતાનાં આંસુ લૂછ્યાં ને પછી બોલ્યાં, "બેન તમે બેય ચા પીવો છો ને?"

"ના, બા. અમારે ચા નથી પીવી. થોડીવાર બેઠાં છીએ. સોનુ ઊઠે પછી થોડીવાર એને રમાડીને જાશું", યશુએ કહ્યું.

"બા, સોનુ આને બહુ વહાલો છે; એ રમાડતી હોય ત્યારે તમને એનામાં કંચન દેખાશે. (થોડીવાર અટકીને) પણ બેય ચા પીવે છે. તમે તમારે ચા મૂકો", સુમિતની વાત સાંભળીને માજી રસોડા ભણી ચાલ્યાં.

એટલે યશુ એમની પાછળ જ ગઈ અને માજીનો હાથ ઝાલી તેમને સોફા પર બેસાડ્યાં, ને બોલી, "બા, હું ચા મૂકી દઈશ. તમે તસ્દી ના લો."

યશુ જેવી ચા મૂકવા ગઈ કે તરત માજી પાછા રસોડામાં ગયાં અને યશુને બે હાથ જોડીને કીધું, "બેન, મારી કંચનની તેં બહુ સેવા કરી છે તો હું આજે તને ચા મૂકવા નહીં દઉં. તું આરામથી બેસ ને ત્યાં હું ચા બનાવી લઉં છું."

સુમિતે પણ યશુને સોફા પર બેસવાનો ઈશારો કર્યો. આમ, માજી રસોડામાં હતાં અને અહીં સુમિતસર જોડે આશા અને યશુ- એમ બે જ જણાં હતાં એટલે યશુએ કહ્યું, "સર, આજે અમે એક ખાસ વાત કહેવા આવ્યા છીએ.

દીદીએ તમને એ વાત નથી કરી. (આશા તરફ નજર કરીને) હું અને આશા સિવાય કોઈને આ વાતની ખબર પણ નથી. સર, દીદીના મૃત્યુ બાદ આ ઘરનું- તમારું અને સોનુ દીકરાનું ધ્યાન રાખવા માટેની જવાબદારી દીદીએ મને આપેલી.

ને એ માટે સર, આપની સાથે લગ્ન કરવા માટે મારી પાસેથી વચન લીધું છે. (સહેજવાર મૌન રહીને) તો તમે સર તૈયાર છો? મારી સાથે પરણવા!?"

થોડીવાર રૂમમાં નીરવ શાંતિ પ્રસરી રહી. માજી ચા લઈને આવ્યા. બધાંને ચા આપી. ચા પીવાઈ ગઈ. રૂમનું મૌન તોડીને સુમિતે કહ્યું, "કંચન મને બધી જ વાત કરતી; ક્યારેય કોઈ વાત મારાથી છૂપાવતી નહીં.

પણ, આ વચન અંગેની કોઈ વાત એણે મને કરી નથી અને હું હજી એ દિશામાં કંઈ જ વિચારી શકું એમ પણ નથી. માફ કરજે યશુ! પણ... મને થોડો સમય મળે પછી હું નિર્ણય આપી શકું."

માજી ચાના વાસણો ધોવા બહાર ગયાં એટલે યશુએ કહ્યું, "સર, દીદીએ હમણાં આપને પણ વાત કરવાની ના પાડી હતી, કેમ કે જીવતાંજીવત દીદી આવી વાત આપને કરે તો આપ સહી જ ન શકો.

એ જે હોય તે, પણ આપના નિર્ણયની હું રાહ જોઈશ, પણ બહુ લાંબી રાહ નહીં જોઈ શકું, સર. હું મારા માવતર કને જવાની છું. એ લોકોએ મારા માટે બે-ચાર છોકરાં જોઈ રાખ્યા છે.

મને પરણાવવા ઉતાવળા છે. છતાં, તમારા જવાબની રાહ જોવાશે એટલી જોઈશ. સર, ખોટું નહીં લગાડતાં ને તમને યોગ્ય લાગે એ જ નિર્ણય કરજો. મારી કોઈ જબરદસ્તી નથી; હું એવું કરી પણ ન શકું ને!"

સુમિતને વિચાર કરતો મૂકીને બેય બહેનો ઘેર જવા નીકળતી હતી ત્યાં માજી સોનુને લઈને આવ્યા, "અરે દીકરી! આને રમાડવો નથી?"

વળી બેય ત્યાં થોડીવાર રોકાઈ ગયાં. યશુ ખૂબ વહાલથી સોનુને રમાડતી જતી હતી ને સુમિતને ખબર ન પડે તેમ સુમિતની સામે નજર પણ ફેરવી લેતી હતી.

યશુએ જોયું કે સુમિતસર પોતાને પરણે એ વાતમાં તેમણે ખાસ રસ બતાવ્યો નહોતો. પછી બંને બહેનો ત્યાંથી વિદાય થઈ.

ઘરની બહાર નીકળીને યશુએ સહેજવાર પાછળ મોં ફેરવીને ઘરમાં નજર નાખી. તે વખતે સુમિતની અને યશુની આંખો એક થઈ હતી અને જાણે કે યશુનાં કામણ કેરાં તીર સુમિતના દિલનાં તારને હચમચાવી ગઈ હતી!

આ પ્રસંગને મહિના ઉપરનો સમય વ્યતીત થઈ ચૂકેલો. બે દિવસ પછી યશુની એન્યુઅલ એક્ઝામનું રીઝલ્ટ હતું. હજી સુધી સુમિતસરનો કોઈ જવાબ મળ્યો નહોતો.

યશુએ આશા ગુમાવી દીધી હતી. રીઝલ્ટ આવી જાય તે પછી એકાદ દિવસ આશા પાસે રોકાઈને તે પોતાના વતન ભણી જતી રહેવાની હતી. એને આગળ ભણવાની ઈચ્છા રહી નહોતી.

માબાપને યોગ્ય લાગે એવા પુરુષની સાથે પોતાનું ઘર બાંધીને રહેવાનો એનો નિર્ધાર હતો. રીઝલ્ટના દિવસે એણે આશાને સાથે લીધી અને બંને યુનિવર્સિટી રૂબરૂ પહોંચી.

યશુનું રીઝલ્ટ નવાઈ પમાડે તેવું આવ્યું; એણે એટલી બધી તૈયારી નહોતી કરી છતાં એનો "ફર્સ્ટ ક્લાસ" આવ્યો હતો તે જોઈ તે ખુશ થઈ ગઈ.

એનો "ફર્સ્ટ ક્લાસ" આવ્યો હોવાથી આશાએ આગળ ભણવાનું ચાલુ રાખવાનું કહ્યું, પણ યશુએ હવે આગળ નહીં જ ભણવાનું મન બનાવી લીધું હતું.

રીઝલ્ટ લઈને બેય બેનો ઘેર પાછી ફરી રહી હતી; આશા સ્કુટર ચલાવતી હતી ને યશુ પાછલી સીટ પર બેઠી હતી. રસ્તામાં અચાનક "યશુ..યશુ.." એવી બૂમો સંભળાઈ.

જોયું તો સુમિતસર એનાં વાહન પર આવી રહ્યાં હતાં. "યશુ, પ્લીઝ...પ્લીઝ યશુ... ઉભી રહે. તારું ખાસ કામ છે."

આ તો સુમિતસર જ કહી રહ્યા છે તેવું જાણીને યશુએ સ્કુટર ઉભું રખાવ્યું. સુમિત સાવ પાસે આવીને ઉભો રહ્યો ને બોલ્યો, "બંને ક્યાં જઈ રહ્યાં છો?"

"મારું રીઝલ્ટ હતું તે લઈને ઘેર જતાં'તા." યશુએ જવાબ દીધો.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."