મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૫)
આશા સ્કુટર ચલાવતી હતી ને યશુ પાછલી સીટ પર બેઠી હતી. રસ્તામાં અચાનક "યશુ..યશુ.." એવી બૂમો સંભળાઈ. જોયું તો સુમિતસર એનાં વાહન પર આવી રહ્યાં હતાં.
મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"યશુ, પ્લીઝ...પ્લીઝ યશુ... ઉભી રહે. તારું ખાસ કામ છે." આ તો સુમિતસર જ કહી રહ્યા છે તેવું જાણીને યશુએ સ્કુટર ઉભું રખાવ્યું. સુમિત સાવ પાસે આવીને ઉભો રહ્યો ને બોલ્યો, "બંને ક્યાં જઈ રહ્યાં છો?"
"મારું રીઝલ્ટ હતું તે લઈને ઘેર જતાં'તા." યશુએ જવાબ દીધો.
"અરે! શું રીઝલ્ટ છે, યશુ!"
"ફર્સ્ટ ક્લાસ"
"ઓહ, વેરી ગુડ! હાર્ટ્લી કોન્ગ્રેચ્યુલેશન્સ, યશુ."
"થેંકયુ સર. શું કામ હતું? બોલો!"
"યશુ મેં તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી દીધો છે. મને ચિંતા હતી કે મેં નિર્ણય બહુ મોડો લીધો તેથી તું ગામડે જતી તો નહીં રહી હોય?! વિલંબ બદલ મને માફ કરીશ ને, યશુ?"
"થેંકયુ સર. તમે ટાઇમસર નિર્ણય લીધો છે. હું પરમ દિવસે જ ગામડે જતી રહેવાની છું."
"યશુ, અત્યારે રસ્તામાં આ બધી વાતો ન કરીએ ને આપણે ત્રણેય જણાં થોડેક જ દૂર એક હોટલમાં જઈને નિરાંતે વાતો કરીએ તો ઠીક રહેશે.
આમેય તું "ફર્સ્ટ ક્લાસ" આવી છે એની ખુશીમાં આપણે સાથે બેસીને નાસ્તા-પાણી કરીએ. ચાલો, પ્લીઝ. ચાલો મારી પાછળ જ આવો. હોટેલમાં લઈ જઉં."
થોડેક આગળ જઈને ત્રણેય એક હોટલમાં પ્રવેશ્યાં. ત્રણેયના આનંદની કોઈ અવધિ નહોતી રહી.
"યશુ, મારા ઘરેથી વિદાય થતી વેળાં તારી છેલ્લી ઝલક જે મેં જોઈ હતી એણે મારા રોમેરોમમાં જાણે કે દીપોત્સવીનાં દીવા પ્રગટાવ્યાં હોય તેવી એક જબરદસ્ત અનુભૂતિ મને થઈ હતી..!"
"ઓહ...! તો પછી નિર્ણય કરવામાં આટલો સમય કેમ થયો, સર?"
"એની પાછળ પણ કારણ છે. અત્યારે શું કહેવું? પણ મારા મગજમાં સારાં ને નરસાં વિચારોનું દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું'તું.
એ બધી વાત હું નિરાંતે કરીશ. અત્યારે તો એટલું જ કહીશ કે હું તને પરણવા માટે ઉત્સુક છું. હું તને ગમીશ તો ખરો ને?"
સુમિતે જ્યારે આવું પૂછી જ નાંખ્યું ત્યારે યશુએ એકાક્ષરી જવાબ આપ્યો, "હં."
"સ્પષ્ટ રીતે જણાવ કે હું તને ગમું છું?" સુમિતે કહ્યું.
"સર, કંચનદીદીને ગમતી બધી જ વસ્તુ મનેય ગમે છે. એટલે એમાં તમેય આવી ગયાં!"
"જવાબ ગમ્યો. બહુ જ ચતુરાઈપૂર્વકનો જવાબ છે. સાચે જ કહેને કે હું ગમું છું?"
યશુ શરમાઈ ગઈ. આશા તરફ નજર નાંખીને મંદ હાસ્ય સાથે માત્ર "હા" સૂચક માથું નમાવ્યું.
"આઇ રીયલી લવ યુ, યશુ."
"આઇ લવ યુ ટુ, સર." શરમાતાં શરમાતાં યશુએ કહ્યું.
પછી થોડી વાર અટકીને બોલી, "પણ હા સર, એ તો કહો કે મારો સોનુ અત્યારે ક્યાં છે?"
"જો યશુ, હવેથી તારે મને સર નહીં કહેવાનું. માત્ર સુમિત, સમજીને? અને તારો યશુ અત્યારે બાળઘરમાં સચવાય છે."
"અરે! બાળઘરમાં?"
"હાસ્તો!"
"સર, પ્લીઝ એને ત્યાં શું કામ રાખો છો?"
"યશુ, તું ચિંતા ના કર. એ ટેમ્પરરી વ્યવસ્થા છે. રોજ ઓફીસથી આવીને હું એને ઘરે લઈ આવું છું.
ને જેટલો સમય બાળઘરમાં હોય છે એટલો સમય એની સારી કાળજી લેવાય છે. આપણાં લગ્ન થાય તે પછી તો તારી પાસે જ સોનુ રહેશે ને? હવે સોનુની ચિંતા છોડ અને બીજી વાત કરીએ."
"જી સર."
"જો પાછું "સર" આવ્યું?"
"સોરી, સુમિત!"
"હં... બીજું કે, "તમે", "તમારું" એવાં માનવાચક શબ્દો મારે માટે હવેથી વાપરવા નહીં. પણ પ્રેમથી "તુંકારા"થી મારી સાથે વાત કરીશ તો મને ખૂબ ગમશે. કરીશ ને?"
"કંચનદીદી ક્યારેય તમારી સાથે "તુંકારા"થી વાત નહોતા કરતા તો હું તમને "તુંકારો" કયા અધિકારથી આપી શકું?"
"કંચનને મેં ઘણીવાર આ બાબતે સમજાવેલી, છતાં એ બીજાંની હાજરી ન હોય તોપણ મને કાયમ માનવાચક સંબોધન કરતી.
ગામડાનાં સંસ્કાર ખરાં ને? પણ એ વાત જુદી છે, કેમ કે મને જ્યારથી ખબર પડી કે કંચન બિચારી લાંબું જીવવાની નથી ત્યારથી સંબોધન કરવા બાબતે મેં એને કોઈપણ સૂચન કરવાનું બંધ કરેલું.
એટલે મારી સાથે "તમે", "તમારું" એવું કહેવાનું એણે ચાલુ રાખેલું. પણ, તું તો કોલેજ કલ્ચરથી પરિચિત છે એટલે તને અત્યારથી જ કહી દઊં કે તું "તુંકારા"થી મારી સાથે વાત કરીશ તો મને ખૂબ ગમશે. કરીશ ને?"
"હા."
નાસ્તો કરી લીધા પછી સુમિતના આગ્રહને વશ થઈને ત્રણેય જણાંએ "આઇસક્રીમ" પણ ખાધો. સુમિતે યશુને સાંજે એના ઘેર આવવાનું કહ્યું, "આવીશ ને યશુ?"
"હવે કંઈ તમને "ના" પડાય?"
"જો પાછું વળી "તમને" બોલીને માનવાચક શબ્દ!"
"સોરી, સુમિત! (પછી હસતાં હસતાં) "તને" કંઈ "ના" પડાય? પણ સુમિત, "તુંકારો" તો જ્યારે આપણે બે જ જણાં હોઈએ ત્યારે જ આપીશ, હોંકે?
બધાંની વચ્ચે હું ક્યારેય તારી સાથે "તુંકારા"થી વાત નહીં કરું. આ તો આશાની હાજરીનો વાંધો નહીં, બાકી બીજાં હોય ત્યારે તો હું "તને" કે "તારું" એમ કહું તો હું ભૂંડી ન લાગું?"
"સારું હવે, ચાલ યશુ. હું છૂટો પડું છું. સાંજે તારી રાહ જોઈશ. આશા, યશુને મોકલજે! ને તુંય આવી શકે, હોં આશા!"
"થેંકયુ સર. યશુ આવશે. હું પછીથી આવતી રહીશ. પણ જોજો, એને કાલે ગામડે જવાનું છે એ ખ્યાલ રાખજો."
"ના આશા, કાલે નહીં જવા દઉં. બે-ત્રણ દિવસ મારે એને રોકવી છે. મારે એને ઘણી અંગત વાતો કહેવી છે, આશા!"
આશાએ હસતાં હસતાં કહ્યું, "મિયાં-બીવી રાજી તો ક્યા કરે કાજી!?"
રાત્રે આશા સાથે ભોજન પતાવીને યશુ સુમિતના ઘેર આવી. આવતાં વેંત જ એણે સોનુને સંભાર્યો.
"સોનુ દેખાતો નથી! પેલાં બા પણ નહીં! તમે સોનુને બાળઘરમાંથી જલ્દી લઈ આવો. મેં કેટલાંય દિવસોથી મારા દીકરાનું મોંઢું જોયું નથી!"
"જો પાછી "તમે" એમ બોલી?"
"સોરી સુમિત. તું પ્લીઝ, જલ્દી સોનુને પહેલાં લઈ આવ."
"તું બેસ તો હું સોનુને બાળઘરમાંથી લઈ આવું. એનાં જેવાં નાનાં ભૂલકાંઓની જોડે બાળઘરમાં એને "મા"ની માફક જ સાચવે છે.
અહીંથી થોડે જ દૂર એ બાળઘર છે. રાતના સમયે હું સોનુને લઈ આવું છું. ને બા, એટલે કે મારા સાસુ તો ગામડે પાછા જતા રહ્યાં છે; બિચારા અહીં કેટલાં દિવસ રહી શકે?"
"જો સુમિત, હું અહીં છું એટલા બે કે ત્રણ દિવસ તો હું ત્યાં બાળઘરમાં એને નહીં જ રહેવા મોકલું. લગ્ન પછી તો સવાલ જ ઊભો થતો નથી!"
સુમિત સોનુને લેવા ગયો એ દરમ્યાન યશુએ ઘરમાં આડો અવળો પડેલો સામાન સરખો કર્યો ને એને યોગ્ય જગ્યાએ ગોઠવ્યો.
જેવો સુમિત સોનુને લઈને આવ્યો કે તરત એણે જાણે "મા"થી છૂટા પડેલા બિલાડીના બચ્ચાને જોતાં વેંત બિલાડી જેમ તરાપ મારે એમ યશુએ તરાપ મારીને સુમિતના હાથમાંથી સોનુને આંચકી લીધો!
એને માથે ને મોંએ પોતાનો કોમળ અને પ્રેમભર્યો હાથ ફેરવ્યો, ગાલે બચ્ચીઓ ભરી ને હળવેકથી ઊંચો કરી કરીને રમાડવા માંડી. સુમિતે આ જોઈને કહ્યું, "હવે મને તો ટાઇમ આપ! હુંય આવું વહાલ પામવા માંગું છું."
યશુ તો જમી કરીને આવી'તી; એને જમવાનું નહોતું. સુમિતને પૂછ્યું, "તેં કંઈ ખાધું છે, સુમિત? ના ખાધું હોય તો બનાવી દઉં, વાર નહીં લાગે!"
"યશુ, મને તો તારા પ્રેમની ભૂખ લાગી છે. અન્નની નહીં!"
"તે એય મળશે. હમણાં ધીરજ ધારણ કર. હવે તું કહે ત્યારે ઘરે જઈને મમ્મી-પપ્પાની સંમતિ લઈ લઉં એટલે તારી સાથે જ પરણવાની છું ને!?"
"હા, ત્રણ દિવસ તો તું અહીં જ રોકાઈ જા. પછી જજે. આશાને લઈને જવાનું છે કે?"
"હાસ્તો! આશા વિના આવી વાત માવતર આગળ કોણ કરે? હું થોડી કહી શકું? મને શરમ ન આવે?"
"તું કહેતી હોય તો હુંય આવું. હું એમને સમજાવીશ."
"ના, એકવાર આશા વાત કરશે, ને મને એટલો તો વિશ્વાસ છે જ કે, મારાં મમ્મી પપ્પા મને નારાજ નહીં કરે.
હું પપ્પાને ને ભાઈઓને બહુ જ વહાલી છું. ચાર ભાઈઓ વચ્ચે હું એકની એક જ બહેન છું!"
સુમિતને પણ જમવાનું નહોતું. એટલે યશુએ સોનુને થોડું ચા-દૂધ પીવરાવ્યું. એને લઈને પલંગમાં ગઈ.
પલંગમાં સાફસૂફી કરીને સોનુને સૂવરાવ્યો. પછી સુમિતને કહ્યું, "દીદી વખતે તું બીજા રૂમમાં સૂવા જતો'તો એમ જ તારે ત્યાં સૂવાનું. હું ને મારો આ લાલ અહીં આ દીદીવાળા પલંગમાં સૂઈ રહીશું."
હજી સૂવાને વાર હતી એટલે સુમિત પણ કંચનવાળા પલંગ પર બેઠો. પછી યશુને કહ્યું, "યશુ, તેં જ્યારે લગ્ન માટે પ્રપોઝ કર્યું'તું ત્યારે મેં તને તરત કેમ જવાબ ન્હોતો આપ્યો, ખબર છે? તણે યાદ હોય તો.., મારી જયાદીદીએ તારી સાથે થોડું અણગમતું વર્તન કર્યું'તું, બરાબર ને?"
"હા, સુમિત. મને બહુ દુખ લાગ્યું'તું. તેં પણ મારા તરફ કોઈ દરમ્યાનગીરી કરી નહોતી!"
"એ બદલ સોરી યશુ! તારા ગયા પછી મેં જ્યારે જયાને તારી ને કંચનની વચ્ચેનાં પ્રેમની વાત કરી ત્યારે જયાએ મને તરત જ ટોક્યો હતો.
એટલું જ નહીં, મને કહે કે- જોજે, આ છોકરીથી સંભાળજે. એ મને સારી લાગતી નથી. શહેરમાં આવી ધૂતારી છોકરીઓ પહેલાં તમારી સેવા કરે, તમને ધીમે ધીમે એની મોહજાળમાં ફસાવી દે,
ને પછી તમે પુરુષ જો એવી કોઈ ભૂલ કરી બેસો તો એ લોકો વારેવારે તમને પૈસેથી ને બધી બાજુએથી ખંખેરી લે. એટલે કંચનભાભી તો ભોળાં ને, તેથી એને આ છોકરી વહાલી લાગે જ ને!? શું કામ ન લાગે!?"
જયાની વાતે તારા પ્રત્યે; તારા અણિશુધ્ધ પ્રેમ પ્રત્યે પણ મારા દિલમાં શંકા જન્માવી, હું એની વાતમાં આવી ગયો!
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
