મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૬)
જયાદીદીએ યશુ સાથે જે અણગમતું વર્તન કર્યું'તું તે વિશે સુમિતે યશુને યાદ અપાવતાં જ યશુએ કહ્યું, "સુમિત. મને બહુ દુખ લાગ્યું'તું. તેં પણ મારા તરફ કોઈ દરમ્યાનગીરી કરી નહોતી!"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"એ બદલ સોરી યશુ! તારા ગયા પછી મેં જ્યારે જયાને તારી ને કંચનની વચ્ચેનાં પ્રેમની વાત કરી ત્યારે જયાએ મને તરત જ ટોક્યો હતો.
એટલું જ નહીં, મને કહે કે- જોજે, આ છોકરીથી સંભાળજે. એ મને સારી લાગતી નથી. શહેરમાં આવી ધૂતારી છોકરીઓ પહેલાં તમારી સેવા કરે, તમને ધીમે ધીમે એની મોહજાળમાં ફસાવી દે,
ને પછી તમે પુરુષ જો એવી કોઈ ભૂલ કરી બેસો તો એ લોકો વારેવારે તમને પૈસેથી ને બધી બાજુએથી ખંખેરી લે. એટલે કંચનભાભી તો ભોળાં ને, તેથી એને આ છોકરી વહાલી લાગે જ ને!? શું કામ ન લાગે!?"
જયાની વાતે તારા પ્રત્યે; તારા અણિશુધ્ધ પ્રેમ પ્રત્યે પણ મારા દિલમાં શંકા જન્માવી, હું એની વાતમાં આવી ગયો! ઘણાં દિવસો તું જ્યારે જ્યારે યાદ આવતી ત્યારે ત્યારે જયાની વાત પણ યાદ આવી જતી.
રાતે સૂતા સૂતા જ્યારે તારા વિચારે ચડી જતો ત્યારે મને પોતાને પાછું એમ પણ થતું કે હું ક્યાં એવી કરોડોની મિલકત ધરાવું છું કે યશુને એની લાલચ થતી હોય! ના ના.. યશુ એવી સહેજપણ નથી, જેવી જયા કહે છે.
યશુ તો કંચનને અને સોનુને દિલથી પ્રેમ કરે છે, અણિશુધ્ધ પ્રેમ કરે છે. ને એ પ્રેમથી જ તો એ અહીં ખેંચાઈને આવે છે! બાકી, એનો બીજો કોઈ આશય હોય જ નહીં.
કંચનને વચન આપ્યું હોવાથી એને એ વચન પાળવાની તો તાલાવેલી છે! ખરેખર યશુ અને કંચન, બંનેમાં ઘણી બધી સામ્યતા છે. બસ, આમ દરરોજ મારા મનમાં બેય બાજુનાં વિચારો આવ્યા કરતાં.
એમાં હજી ચાર દિવસ પહેલાં મને કંચન સ્વપનામાં આવેલી. મને કહે, "જોજો સુમિત, યશુ વિશે કોઈ ગમે તે કહે, પણ એ છોકરી બધી રીતે તમને લાયક છે; એનામાં રૂપ, ગુણ બધું જ છે.
એને મેં વચનથી બાંધી છે એટલે તમે એને તડપાવ્યા વગર એની સાથે લગ્ન માટે માની જજો. તમે મારું માનશો જ, મને વિશ્વાસ છે. અને તમે એને પ્રેમથી અપનાવજો.
પછી જોજો તમારી જીંદગી સ્વર્ગ જેવી સુંદર ન બનાવી દે તો મને કાયમ માટે ભૂલી જજો. નિર્ણય કરવામાં લગીરેય મોડું નહીં કરતા, નહીંતો આખી જીંદગી વસવસો રહેશે!"
કંચનનું સપનું મને પરોઢિયે આવેલું. સપનું પૂરું થયું ને તરત હું ઊઠી ગયેલો. બસ, મેં નક્કી જ કરી લીધું કે હવે પરણું તો યશુને જ, બીજા કોઈનેય નહીં.
મારો આ નિશ્ચય તને જણાવવા હું અધીરો હતો, પણ વચ્ચે એક દિવસ મારે ઓફીસ કામે મુંબઇ રોકાવું પડ્યું. મનમાં ચિંતા હતી કે તું ગામડે જતી ન રહી હોય તો સારું!
આજે સવારે ઓફીસ જતાં જ નક્કી કરેલું કે તમને બેયને મળવા આવું. પણ, કુદરતે અદભૂત સંયોગ ઊભો કરી દીધો, ને તું ને આશા મને રસ્તે જ મળી ગયાં! મારું નસીબ જોર કરતું હશે ને! નહીં યશુ?"
"હા. નસીબ વગર બધું નકામું. મેં તો આશા છોડી દીધી'તી. આશાએ મને રીઝલ્ટના દિવસ સુધી પરાણે રોકી રાખી'તી, નહીંતો હું મમ્મી પપ્પા જોડે ગામડે જતી રહી હોત. પણ...!"
"પણ શું, યશુ?"
"પણ હું મારા સોનુ વગર રહી શકતી નહોતી, હોંકે સુમિત!"
"યશુ, સોનુ તને બહુ જ વહાલો છે?"
"હાસ્તો! મારા પ્રાણથીયે વધુ."
"માત્ર સોનુ જ વહાલો છે? હું નથી?"
"તુંય મને એટલો જ ગમે છે. શંકા છે?"
"ના, તેં આટલું કહ્યું પછી શંકા નથી રહી. ખરેખર, જો આશાએ તને ગામડે જતાં રોકી ન હોત તો મારા પસ્તાવાનો પાર ન રહેત.
આશાનું સારું કરજો, ભગવાન. એણે તને રોકી દીધી'તી એટલે આપણું મિલન શક્ય બન્યું", સુમિતે કહ્યું, "યશુ, તું મારી લાઇફમાં બીજી સ્ત્રી છે; પહેલી કંચન હતી.
સાચું કહું છું, એ પહેલાં કોઈ સ્ત્રી મારી લાઇફમાં આવી નથી. તારી લાઇફમાં હું પહેલો જ પુરુષ હોઈશ ને?"
"હા, પહેલો ને છેલ્લો."
"યશુ, તું આટલી સુંદર છે તો કોલેજમાં ઘણાં છોકરાં તારા આશિક નહીં હોય?"
"મને શી ખબર? હું કોલેજમાં નવીસવી દાખલ થઈ ત્યારે કોલેજથી ઘર ને ઘરથી કોલેજ.., બસ! રસ્તામાં ક્યાંય આડુંઅવળું જોવાની મને ટેવ જ નથી.
હા, હું કોઈની સામું ક્યારેય નજર કરતી નહીં તેથી કોલેજમાં બધાં છોકરાં મને મજાકમાં "દીદી" કહેવા મંડેલાં, ને હુંય પછી તો છોકરાંઓથી અતડી નહોતી રહેતી.
બધાંને મારાં ભાઈઓ માનીને તેઓની સાથે ભળીને નિર્દોષ મજાકમસ્તી પણ કરતી."
"તને છોકરાં "દીદી" ભલે કે'તાં તા, પણ વાસ્તવમાં એ બધાં તને ચાહતા હતાં, હું એવું માનું છું."
"તું ભલેને જે માને એ. પણ હું તો એ બધાંને મારાં "ભાઈ" જ માનતી'તી ને? કુદરતી મારામાં એવું કંઈ હશે કે કોલેજમાં છોકરાં બીજી કોઈ હરકત કરવાનો વિચાર સુધ્ધાં નહોતા કરી શકતાં.
હું તો ક્લાસમાંય લેક્ચર્સમાં જ પૂરેપૂરું ધ્યાન આપતી. એક સર તો કાયમ મારી સામે જ નજર સ્થિર રાખીને ભણાવતા એટલે હું પણ બીજે કશેય ધ્યાન આપતી નહીં; માત્ર લેક્ચરમાં જ ધ્યાન રાખતી."
"યશુ, જે સર તારી સામે નજર રાખીને ભણાવતા'તા, એ વાસ્તવમાં તને પ્રેમ નહીં કરતા હોય એની શી ખાતરી?"
"જોજે એવું બોલતો, સુમિત. એ સર મને દીકરી તરીકે જ જોતાં. એકવાર ભરી ક્લાસમાં મારા તરફ આંગળી ચિંધીને એવું કહેલું કે, "તમારી આખી ક્લાસમાં આ યશુ જેવું કોઈ નથી.
યશુને જોઈને જ મનમાં એક પ્રકારનું તાદાત્મ્ય અનુભવાય છે. આ છોકરીનું મુખમંડળ જ એવું છે કે મને બહુ વહાલી લાગે છે", સરે કલાસમાં બધાંની વચમાં આવું કહ્યું તેથી મને તો બહુ જ શરમ થતી'તી.
અને કોલેજ છૂટ્યા પછી હું એ સરને સ્પેશ્યલ મળવા ગઈ'તી ને એમને કહ્યું'તું, "સર, મારા વિશે ક્યારેય ક્લાસમાં ફરી આવી કોઈ વાત કરશો નહીં, તમે તો મારા બાપ સમાન છો."
ત્યારે સરે મને શું કહ્યું, ખબર છે? "માફ કરજે દીકરી! મારે એકપણ દીકરી નથી તેથી તને જોઈને એમ થાય કે તું જ મારી દીકરી હોત તો હું કેવો ભાગ્યશાળી હોત!?
તને મારી વાતમાં ખરાબ લાગ્યું હોય તો માફી માંગું છું, પણ હું તને દીકરી જ માનું છું, બેટા! કદાચ આ વાતને લીધે છોકરાં તને ચિડવશે એવી દહેશત હશે, હેંને!"
"મેં કહેલું : "ના, સર. હજી સુધી તો કોઈ છોકરાએ મારી સાથે કશું અણછાજતું વર્તન કર્યું નથી. પણ કોઈ કદાચ કરે તોયે હું પ્રેમથી એને મારો ભાઈ જ માનીશ".
અને ખરેખર, સુમિત! એ સરની વાતને કારણે કોલેજમાં કદી કોઈ ઈસ્યુ થયો નથી; ક્યારેય કોઈએ મારી મશ્કરી કરી નથી! હું તો બધાંને પ્રેમ કરું છું; મારો કોઈ શત્રુ નથી!
તારા સિવાય આ જગમાં બધાં પુરુષો કાંતો મારા ભાઈ સમાન, ને કાંતો મારા પિતા સમાન છે."
"યશુ, તારી વાત મને બહુ ગમી. તારામાં એવું તો કંઈક છે જ કે તને જોતાં વેંત કોઈનેય તારું આકર્ષણ થયા વગર રહે નહીં.
એક હું જ એવો છું કે મને તારું આકર્ષણ મોડું થયું; જાણે છે, કેમ? કેમ કે અત્યારસુધી હું સંપૂર્ણ કંચનમય હતો. આ જગતમાં કંચન સિવાય મેં કોઈ સ્ત્રીને પ્રેમ તો નથી કર્યો,
પણ એની તરફ એવા ભાવથી જોયું પણ નથી. હા, હવે તું મારા માટે બીજી કંચન જ છે. હું તને એટલો જ ચાહું છું, જેટલી કંચનને ચાહી છે."
"સારું, સુમિત. હવે કાલે વાતો કરીશું? આપણે ઊંઘ લઈશું ને?"
"એ પહેલાં મારી એક વાત માનીશ? તું મને વચન આપ કે તું કોઈ વાત મારાથી ક્યારેય છૂપાવીશ નહીં. હુંય તને એ વચન આપું છું કે હું તારાથી કોઈ વાત અજાણી રાખીશ નહીં."
"હા, વચન આપું છું, બસ ને!"
"અવે એક બીજું વચન આપ કે તું મને ને સોનુને તારાથી કદીયે અળગાં કરીશ નહીં."
"મારામાં પ્રાણ હશે ત્યાં સુધી હું તને કે સોનુને મારાથી ક્યાંય અળગાં નહીં કરું, એટલું જ નહીં, કદીયે દુખી નહીં થવા દઉં! હવે નિરાંતે ઊંઘી શકીશ ને?"
સુમિત પલંગમાં યશુની પડખે સૂવા જતો'તો ત્યાં જ યશુએ એને અટકાવ્યો, "અહીં નહીં, સુમિત! મેં તને શું કહ્યું'તું? ભૂલી ગયો?
તારે પડખેના રૂમમાં સૂવાનું છે; અહીં નહીં. અહીં તો હું ને મારો સોનુ- બે જ જણ. જા જલ્દી ત્યાં જઈને સૂઈ જા."
સુમિતે યશુની સૂચના મુજબ બાજુના રૂમ તરફ કચવાતા મને પ્રયાણ કર્યું. ત્યાં જઈ પલંગમાં લંબાવ્યું. પણ ઊંઘ શાની આવે?
એને થાય છે કે, "યશુ સમજતી કેમ નહીં હોય? હું એનો સ્પર્શ સુધ્ધાં કર્યા વગર માત્ર એની પડખે સૂવા જ માંગું છું. હું એનો ભાવિ પતિ છું. મને એટલો પણ હક્ક નહીં?
દરિયા કિનારે માણસ બેઠાં બેઠાં ઊંચે ઉછળતાં મોજાંની ભવ્યતા માણે જ ને? એમાં ખોટું શું છે? યશુના રૂપનો સાગર લહેરાતો હોય તો એની લહેરો જોવાનો પણ મને અધિકાર નહીં?
હું ક્યાં આજે બીજી કોઈ ઈચ્છા સેવું છું? યશુને જોયા જ કરવી છે, પણ એ તો સ્થિતપ્રજ્ઞ હોય એમ વર્તે છે! હું કંઈ થોડો એના જેવી અડગતા ધરાવું છું? કંચન હોત તો શું મને એના પડખે સૂવા ન દે?"
આવા ને આવા વિચારોથી સુમિતનું મન આજે અસ્થિર બન્યું છે. એણે જોયું કે રાતનો દોઢ વાગ્યો છે. યશુ ભરનિંદ્રા માણતી હશે. ધીમેકથી એના રૂમ તરફ ગયો, અંદર પ્રવેશ્યો.
યશુ સોનુને છાતી સરસો રાખીને પડખું ફરીને સૂતી છે. મોં પેલી દિશામાં છે; પીઠ સુમિતની તરફ છે. એનું વસ્ત્ર પગના ગોઠણ સુધી ઊંચું ચડી ગયું છે.
એના ગોરા પગની માંસલ પીંડીઓને જોઈને સુમિત સહજ બેચેન બને છે. ધીમેકથી યશુનું વસ્ત્ર સહેજ વધુ ઊંચું કરીને સુમિત જેવો એને સ્પર્શ કરવા ગયો કે તરત જ યશુ સફાળી જાગી જાય છે, પોતાનું વસ્ત્ર સરખું કરે છે.
એ પરસેવાથી રેબઝેબ થઈને ગભરાયેલી હાલતમાં બોલી, "સુમિત, આ શું કરવા માંગે છે?"
"તું મારી પત્ની તો થવાની જ છે ને? તો શું કામ મને દૂર રાખે છે? શું હું તારો સ્પર્શ પણ ન કરી શકું?"
"તું મારો ભાવિ પતિ ચોક્કસ છે, પણ અત્યારે હજી પતિ બન્યો નથી. ધીરજ રાખ, સુમિત! તું મારાં અંગને સ્પર્શ કરવા માંગે છે, પણ તને ખબર નથી કે સ્પર્શથી "કામાગ્નિ" પ્રબળ બને અને પછી માણસને વિવેકભાન ન રહે!"
"યશુ, તને ખબર તો છે કે, કંચનની માંદગીનાં દિવસો તેમજ તે પછી એનું મૃત્યુ થયાને કેટલો સમય થઈ ગયો છે? કંચન સાથે જાતીયસુખ માણ્યાને ઘણો સમય થયો છે.
હું માણસ છું, કંઈ યોગીપુરુષ થોડો છું કે તું મને અડવા પણ દેતી નથી?!" સુમિતે પોતાની અકળામણ ઠાલવતા કહ્યું.
"હું સમજું છું. "કામ" જાગે એ કુદરતી આવેગ છે; કોઈ સ્ત્રી હોય કે પુરુષ, દરેકને કામેચ્છા થવી એ કુદરતી ક્રમ છે, એમાં કંઈ ખોટું પણ નથી. અને એટલે તો સંસાર ચાલે છે!
પણ, એ યોગ્ય સમયે શોભે. અત્યારે આપણો યોગ્ય સમય ન ગણાય. તું એમ માને છે કે આવી ઈચ્છા માત્ર તને જ થાય છે? શું મને નહીં થતી હોય?
હું પણ સ્ત્રી છું, યુવાન છું. તારા જેવી ઈચ્છા મને પણ થાય જ છે, પણ હું સંયમ રાખું છું. સંયમ એ મોટું રક્ષાક્વચ છે. જો એ ન હોય તો માણસને શાનભાન રહે નહીં." યશુએ ખૂબ જ શાંતિથી સુમિતને સમજાવ્યો.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
