મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૭)
સુમિતના મનમાં કામેચ્છા પ્રબળ બનતાં યશુ એને આગળ વધતો અટકાવીને સમજાવે છે, " "કામ" જાગે એ કુદરતી આવેગ છે; કોઈ સ્ત્રી હોય કે પુરુષ, દરેકને કામેચ્છા થવી એ કુદરતી ક્રમ છે, એમાં કંઈ ખોટું પણ નથી. અને એટલે તો સંસાર ચાલે છે!
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
પણ, એ યોગ્ય સમયે શોભે. અત્યારે આપણો યોગ્ય સમય ન ગણાય. તું એમ માને છે કે આવી ઈચ્છા માત્ર તને જ થાય છે? શું મને નહીં થતી હોય? હું પણ સ્ત્રી છું, યુવાન છું. તારા જેવી ઈચ્છા મને પણ થાય જ છે, પણ હું સંયમ રાખું છું.
સંયમ એ મોટું રક્ષાક્વચ છે. જો એ ન હોય તો માણસને શાનભાન રહે નહીં. આપણે હજુ પરણ્યાં નથી અને જો કોઈ ભૂલ કરી બેસીએ તો સમાજમાં બદનામી તો મળે જ, પણ એનાથી પણ વિશેષ, હું કાચીકુંવારીકા છું તેથી મારું કૌમાર્ય ખંડિત થાય તો શું મારા આત્માને, મારી જાતને મેં છેતરી ન કહેવાય?
શું તું એવું ઈચ્છે છે કે હું કાયમ મારી જાતથી પણ શરમાયા કરું? હું એક પતિવ્રતા નારી તરીકે જીવવા માંગું છું, મારા સતીત્વને આંચ આવે તો તને ગમે? જો હું તને તારી ઈચ્છા મુજબ કરવા દઊં તો મારામાં અને વેશ્યામાં કોઈ ફેર ખરો?
વેશ્યા તો બાપડી લાચારવશ પણ હોય. હું ક્યાં લાચારવશ છું? પ્લીઝ, સુમિત તું સમજ અને સંયમી થા. લગ્ન પછી મારા તન-મન પર તારો જ સંપૂર્ણ અધિકાર છે. હું એ અધિકારથી તને કદીયે વંચિત નહીં રાખું, બલ્કે તારા એ અધિકારની રક્ષા કાજે હું બધું જ કરીશ.
તને કદીયે હું અતૃપ્ત નહીં રાખું. મારા પર વિશ્વાસ રાખ, સુમિત. પ્લીઝ, જો તું નહીં સમજે તો હું અહીંથી હમણાં જ ચાલી જઈશ!! મને આજે તારો ડર લાગે છે. ભાનમાં આવ, સુમિત!"
"સોરી યશુ. તારી વાત સાચી છે. તારે શરમાવું પડે એવું કોઈ કૃત્ય હું નહીં કરું. તને સ્પર્શ કરવામાં પણ અત્યારે પાપ ગણાય. મારી દ્રષ્ટિ બગડી'તી. સારું થયું તેં મને તત્કાળ રોક્યો.
નહીંતો આજ હું મોટી ભૂલ કરી બેસત અને એ તો ઠીક, પણ મારી વહાલી યશુની પવિત્રતાને અભડાવી દીધી હોત! હું તારી પવિત્રતાનું કાયમ જતન કરીશ. મારી એક પતિ તરીકેની એ ફરજ પણ છે. હવે ભૂલ નહીં કરું, પ્લીઝ."
"હાશ, સુમિત. મારા જીવમાં જીવ આવ્યો. હવે તું તારી જગ્યાએ જઈને સૂઈ જા. થોડો સમય ખમવાનો છે. હું સદાય તારી જ છું ને તારી સાથે જ કાયમ છું. શું કામ ચિંતા કરે છે? તને કોઈ વાતની ઉણપ નહીં રહેવા દઊં! મારામાં વિશ્વાસ રાખ."
સુમિતને અણીટાઈમે યશુએ સાચું જ્ઞાન કરાવ્યું ને એની મહાનતાનો પરિચય પણ સુમિતને થયો. એ પછી બંને પોતપોતાના અલગ સ્થાને સૂઈ ગયાં.
યશુ તો સવારે એના રોજના સમયે ઊઠી ગઈ. ઊઠીને શૌચ-સ્નાન આદિ કામ પતાવીને ધીમા રાગે પ્રભાતિયા ગાતી ગાતી દીવા પ્રગટાવ્યાં. તુલસીક્યારે દીવો મૂકી પગે લાગી, પછી પૂજાના સ્થાને દીવો મૂક્યો.
બે હાથ જોડી, આંખો બંધ રાખી ઈશ્વરની પ્રાર્થના કરીને તાંબાના એક પાત્રમાં જળ ભરીને સૂર્યદેવ સમક્ષ અર્ધ્ય આપીને બે હાથ જોડ્યાં. ઘરમાં આવીને વાસી કચરો કાઢીને રસોડામાં ગઈ. ચા મૂકીને સુમિતને જગાડ્યો.
સુમિત બ્રશ વગેરે કરીને સોફે બેઠો એટલે બે કપ લઈને યશુ ત્યાં એની પાસે બેઠી. સુમિતને ચાનો કપ આપીને પોતે પણ ચા લીધી. સુમિતે કપ નીચે મૂક્યો ને નીચે જમીન તરફ તાકી રહ્યો.
"શું વિચારે છે, સુમિત?"
"કંઈ નહીં." યશુની સામે જોયા વગર સુમિતે જવાબ આપ્યો.
"મારી સામે તો જો, સુમિત!"
"સામે જોવાની હિંમત નથી. મને આજે તારી શરમ આવી રહી છે. રાતે મેં તને હેરાન કરી એનો ખૂબ પસ્તાવો થાય છે, યશુ. પ્લીઝ તું મને માફ કરીશ ને?"
"તે એમાં તું આટલી બધી ભોંઠપ અનુભવે છે? માફ કરવાનો પ્રશ્ન જ નથી. આમ જોઈએ તો તારું વર્તન જરાય અણછાજતું નહોતું, સુમિત!
તારી જગ્યાએ હું પુરુષ હોત ને મારી જગ્યાએ તું સ્ત્રી હોત તો તેં કર્યું એવું જ મેં પણ કર્યું હોત! સાચે જ કહું તો રાતે તારામાં જાગેલા "કામાગ્નિ" નો મને ગર્વ છે.
સમય ઉચિત નહોતો, બસ એટલું જ. આપણે પરણી જઈએ પછી તારું આવું વર્તન મને બહુ જ ગમશે, સુમિત!"
"સાચે જ, યશુ?"
"હાસ્તો! ચાલ હવે તૈયાર થા, સાથે નાસ્તો કરીશું. તારું ટીફીન કરવાનું છે, પણ નાસ્તો કરી લઈએ તે પછી."
સુમિત અને યશુએ સાથે નાસ્તો લીધો. ઓફીસ જવાનો સમય થઈ જતાં સુમિત ટીફીન લઈને ઓફીસ જવા નીકળ્યો. યશુએ "સાંજે મને એક ઠેકાણે લઈ જઈશ ને?" એવી વિનંતી કરી. "ક્યાં?" સુમિતે કહ્યું. "અત્યારે "સસ્પેન્સ" છે, પછી કહીશ. તને ગમશે."
"ઓ.કે." કહીને સુમિત ઓફીસ ગયો. યશુ સોનુને લઈને ઘરનાં આંગણામાં આવી. સોનુને ધીમે ધીમે ડગ માંડતાં શીખવતી હતી. બપોરે એને જમાડીને પછી પોતે જમી લીધું.
સરસ મજાનાં હાલરડાં ગાતી ગાતી સોનુને સૂવરાવ્યો ને પોતે પણ સૂઈ ગઈ. ચારેક વાગે જાગીને ચા બનાવીને પી લીધી. એકલી એકલી સુમિતનાં ગાયેલાં મધુર ગીતો ગણગણતી સુમિતની રાહ જોવા લાગી.
સાંજે સુમિત આવ્યો એટલે એના માટે ચા-નાસ્તો બનાવ્યો. સુમિતે યશુને પણ ચા-નાસ્તો કરવામાં સામેલ કરી. પછી સુમિતે પૂછ્યું, "સાંજે તું ક્યાં લઈ જવાનું કહેતી'તી?"
"મારા સરની મેં વાત કરેલી ને? ગુપ્તાસરની. એમના ઘેર જવું છે."
"તેં જોયું છે?"
"એડ્રેસ છે, જોકે, એકપણ વાર હજી હું ત્યાં ગઈ નથી. મારા "રીઝલ્ટ"ની જાણ કરતાં આવીએ; એમને ગમશે."
"ઓ.કે. અત્યારે જ જવું છે ને? તું તૈયાર છે કે થવાનું છે?"
"ના, તૈયાર જ છું."
"સોનુને ક્યાં મૂકીશું?"
"સોનુને જોડે જ લેવાનો હોય ને! હું હોઊં ત્યાં સુધી એને કોઈનીયે પાસે શું કામ મૂકીએ? મા-નો જીવ એમ ચાલે?
મને તો ભગવાને કુંવારી માતા બનાવી છે એ વાતે કંઈ હું જરાય શરમાતી નથી, ઉલ્ટાનું, ધન્યતા "ફીલ" કરું છું!"
બંને જણાં સ્કુટર પર એડ્રેસ પ્રમાણે સરનાં ઘેર પહોંચ્યા. સરે યશુને જોઈ એટલે ખુશ થતાં સામે આવ્યા. બંનેને ઘરમાં લઈને સોફા પર બેસવાનું કહેતાં, બંને બેઠા.
"પદમા, જો અહીં ડ્રોઇંગરૂમમાં આવ તો? જો આજે આપણી દીકરી ઘેર પધારી છે, જલ્દી આવ." સરે એમની પત્ની-પદમાને "બૂમ" મારીને બોલાવી. એ તરત આવી.
સરે ઓળખાણ આપતાં કહ્યું, "હું ઘણીવાર વાત કરું છું ને, એ જ આ યશુ દીકરી. બહુ સંસ્કારી દીકરી છે."
"હા, દીકરી. સાહેબ તારાં બહુ જ એટલે.. બહુ જ વખાણ કરતા હોય છે. કહેતા હોય છે કે, આખી કોલેજમાં યશુ જેવી કોઈ છોકરી નથી.
સારું થયું, આવી બેટા. તને શું લેવું ગમશે? ચા, કોફી, ઠંડુ કે આઇસ્ક્રીમ?" પદમાએ પૂછ્યું.
"ના, બા. થેંક્યુ. સાહેબને ફાયનલ એક્ઝામનું રીઝલ્ટ જણાવવા જ આવી છું. (પછી સાહેબ તરફ મોં રાખીને) સર, ફર્સ્ટ ક્લાસ આવ્યો છે."
"વેરી વેરી કોન્ગ્રેટ્સ, બેટા! બહુ આનંદ થયો. (પછી ઘરમાં કામ કરતા નોકરને બૂમ પાડી) નાથુ...જલ્દી આવ તો બેટા!"
નોકર આવ્યો એટલે સાહેબે યશુને મનગમતો આઇસ્ક્રીમ લઈ આવવાની આજ્ઞા આપી. પછી એમણે વાત ચાલુ કરી, "જો બેટા, અમે ઘરમાં બે જ જણાં છીએ. અમારે સંતાન નથી.
ભગવાને એક સુંદર દીકરી આજથી અઢારેક વરસ પહેલાં આપી'તી. પણ, અમારા નસીબમાં નહીં હોય તેથી તે બે વરસની હતી ને તે વખતે ન્યુમોનિયામાં એ ગુજરી ગઈ.
અમને બહુ વહાલી દીકરી હતી. આજે જો હોત તો યશુ, તારા જેવડી હોત. તારા જેવી જ હોત, બેટા. પણ ખેર, તને કોલેજમાં જોઈને મને એ દીકરી યાદ આવતી ને મનોમન શાતા થતી."
"ઓહ, સર!"
ગુપ્તાસરની પત્ની પદમાવતીએ એમની દીકરીનો બાળફોટો દેખાડ્યો. કહ્યું, "જો દીકરી, આ એનો ફોટો છે. કેવી લાગે છે? બસ, અમે દિવસમાં ઊઠતાં-બેઠતાં એનો આ ફોટો જોયાં કરીએ છીએ ને જીવ બાળ્યાં કરીએ છીએ!"
"વાઉ..! અત્યંત સુંદર છે. પણ, બા, હવેથી તમારે અને સરે આ ફોટો જોઈને જીવ બાળવો નહીં. તમે એને મરેલી નહીં, જીવતી જ માનો!
એ દીકરી હવેથી હું જ છું, એવું માનો. તમારી આ દીકરી જીવતી છે ત્યાં સુધી તમને દુખી નહીં થવા દે. અરધી રાતે બોલાવશો ને! તોયે દોડતી આવીશ, પાપા."
યશુના મોંએથી આમ "પાપા" શબ્દ સાંભળતાં જ ગુપ્તાસાહેબ અને એમના પત્ની- પદમાવતી બંનેની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઈ આવ્યા. એટલામાં આઇસક્રીમ આવી ગયો. સૌએ પ્રેમથી ખાધો.
સાહેબે યશુને ૧૦૦ રૂપિયાની નોટ ધરીને તેના માથે હાથ રાખી આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું, "સાથે આવનાર કોણ છે, યશુ? પાપાને ઓળખાણ નહીં કરાવે?"
"મારા પતિ છે, પાપા. અને (સોનુને બતાવતાં) આ મારો દીકરો!"
"તેં કદીયે તારી આ વાત કરી નથી, દીકરી! મને નવાઈ લાગે છે કે તું પરિણીત અને એક બાળકની મા પણ છે! લગ્ન વહેલાં કરી લીધા હશે ને?"
યશુ જવાબ આપે તે પહેલાં જ સુમિતે કહ્યું, "સાહેબ, યશુએ જે કહ્યું તે અર્ધસત્ય છે. હકીકત એવી છે કે, આ બાળક મારી પહેલી પત્નીથી થયેલ છે.
આ વાત યશુ જાણે છે, પણ યશુ અને હું એકબીજાની રાજીખુશીથી પરણવા તૈયાર છીએ, હજી વિધિવત પરણ્યાં નથી!"
"સાચે જ દીકરી! તું આ બાળકની જવાબદારી સહિત પરણવા રાજી છે?"
"હા, પાપા! પણ મારા મમ્મી-પપ્પાની સંમતિ લેવાની બાકી છે અને એટલે જ તમારા આશીર્વાદ માંગું છું."
"દીકરી, તું ભલે મારી આગળ અર્ધસત્ય બોલેલી, પણ છતાં મને તે પૂર્ણસત્ય જેવું જ કલ્યાણક જણાય છે. હું તને આશીર્વાદ આપું છું.
જા તારા મમ્મી પપ્પાની સંમતિ પણ તને મળશે. ભગવાનને એ સારુ હું પ્રાર્થના કરીશ. (પછી સુમિત તરફ મોં રાખીને) અને દીકરા, તું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે કે લાખોમાં-કરોડોમાં એક એવી આ યશુ તને પરણશે.
તારું જીવન ધન્ય બની જશે, બેટા. પણ આ અમારી લાડકી યશુને કદીયે દુખ પહોંચાડશો નહીં. એને જીવની માફક સાચવજે."
યશુ અને સુમિત- બંનેએ સાહેબના અને એમનાં પત્નીના પગે પડીને નતમસ્તકે બે હાથ જોડી વિદાય લેવા રજા માંગી એટલે પદમાવતીએ કહ્યું, "લગ્નમાં અમને યાદ કરશો ને?"
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
