મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૮)
યશુ અને સુમિત- બંનેએ સાહેબના અને એમનાં પત્નીના પગે પડીને નતમસ્તકે બે હાથ જોડી વિદાય લેવા રજા માંગણી એટલે પદમાવતીએ કહ્યું, "લગ્નમાં અમને યાદ કરશો ને?"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"હું કદીયે નહીં ભૂલું, બા! મારા માબાપ તો દૂર ગામડે છે; પણ તમે તો અહીં જ છો! તમારા વગર હું નહીં પરણું." યશુ બોલી.
"તમે બેય અહીં આવતા-જતા રહેશો તો બહુ ગમશે."
"હા, જરૂરથી આવીશું. એટલું જ નહીં તમને બેયને અમારા ઘેર પણ લઈ જઈશું અને તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અમારા ઘેર આવશો તો અમે રાજી થઈશું.
પણ, બા! માઠું નહીં લગાડશો, મારી એક વિનંતી છે કે આ દીકરો સાવકો છે એવું પ્લીઝ, કદીયે કોઈને કહેશો નહીં અને એવું માનશો પણ નહીં; આ દીકરો મારી કૂખેથી જ જન્મ્યો છે એમ જ માનજો, હોં બા?"
"વારુ, બેટા. ભગવાન તને કાયમ સહાય રહેશે એવા મારાં આશીર્વાદ છે." પદમાબાના આશીર્વાદ ગ્રહણ કરીને ત્યાંથી યશુ સુમિતની સાથે ઘેર પરત ફરી.
ઘેર આવતા વેંત જ સુમિતે કહ્યું, "યશુ મારા ઉપરાંત તું કેટકેટલાં દિલમાં વસે છે, નહીં!? આશા, કંચન, મધુબા, ગુપ્તાસર, પદમાબા અને.. હજી તો આખી જીંદગી પડી છે. તું કોઈ દિવ્યલોકમાંથી આ પૃથ્વી પર આવી ગઈ હોય એવું લાગે છે!"
"જો સુમિત, જગતમાં પ્રેમથી વિશેષ કોઈ ચીજ નથી. હું દરેકને ચાહું છું. એક તું મારો પતિ, તે સિવાયનો કોઈપણ પુરુષ મારે મન મારો ભાઈ છે કે મારા પિતા છે.
અને સ્ત્રીનાં પણ કેટકેટલાં રૂપ હોય છે? પત્ની, બહેન, દીકરી, મા- આ બધાં સ્વરૂપે એણે પ્રેમ સિવાય શું આપવાનું હોય? પ્રેમ કોઈની પાસે કોઈ જ માંગણી કરતો નથી. બસ, એ તો આપવામાં જ રાજી છે.
ઘણાં મોહને પ્રેમ સમજવાની ભૂલ કરે છે. મોહ શેનો હોય? પૈસાનો, પ્રતિષ્ઠાનો, પદનો કે શરીરનો. પણ આ મોહ કાયમ રહેતો નથી. આજે હું યુવાન છું. તારી નજરમાં હું રૂપાળી છું.
પણ, જો તું માત્ર મારાં રૂપને જ મહત્વ આપતો હોય તો ચેતી જજે. કેમ કે, હાડમાંસ ને મળમૂત્રથી ભરેલું આ શરીર આખરે તો માટીમાં જ મળી જવાનું છે. આજે એ જેવું દેખાય છે તેવું કાયમ થોડું જ રહેશે!?
શરીર ક્ષીણ થાય એટલે રૂપ ઓસરી જશે ને પછી એમાં મોહ રહેશે નહીં, પણ પ્રેમ હશે ને! તો એ કાયમ ટકશે, સુમિત.
બસ, હું તો એટલું જ કહીશ કે હું મારું શરીર અને મન, બંને તને સોંપી દઈશ, પણ તું મારા શરીરને કે મારા રૂપને નહીં, મને જ ચાહજે. મારા આત્માને ચાહજે; આત્માનું સૌંદર્ય દિનપ્રતિદિન વધતું જતું હોય."
"યશુ...! કયા શબ્દોથી તારી પ્રશંસા કરું?! હું કવિતા રચી શકું છું પણ, તારા વિશે હું કેમની કવિતા લખું? મારી પાસે તને હુબહુ રજૂ કરી શકે એવા કોઈ શબ્દો નથી!
ભાષાનાં સઘળાં અલંકારોથી શબ્દોને શણગારીને કવિતા લખું તોપણ તને એમાં હું સમાવી શકું એમ નથી. તું સાચે જ પ્રેમસ્વરૂપા છે. ગુપ્તાસરે કહ્યું તેમ, તને પામીને હું ધન્ય બન્યો છું. હું ખરેખર ભાગ્યશાળી છું, યશુ!"
"સુમિત તું મારી આટલી બધી પ્રશંસા કરે તે યોગ્ય નથી. પ્રશંસા જો પચાવી ન શકે તો માણસનું અધઃપતન કરી શકે. હું કોઈનીયે પ્રશંસાની ભૂખી નથી!
મને લોકો મહાન સ્ત્રી માને એ માટે હું કંઈ કરું છું, એવું માનીશ નહીં ને, સુમિત? હું તો મારા આત્માના અવાજને સાંભળીને જ વર્તું છું. સુમિત મારાથી વધુ પડતું કંઈ કહેવાયું હોય તો માફ કરજે."
"ના..ના યશુ. હવેથી હું સંપૂર્ણ હોંશહવાસમાં રહીશ. લગ્ન પહેલાં તારી સાથે સહશયન નહીં કરું કે એવી કોઈ અપેક્ષા નહીં રાખું.
એકવાર લગ્ન થઈ જાય પછી આખી જીંદગી પડી જ છે ને? હું તારા રૂપનું રસપાન કરવા ઉતાવળો નહીં બનું."
આમ, સુમિતના હૃદયમાં યશુના ઉપદેશે જાદુઈ અસર કરી હતી. યશુ ત્યાં ત્રણ દિવસ રોકાયેલી જેમાં પ્રથમ રાત્રિ સિવાયની બંને રાત્રિઓ યશુ પણ શાંતિપૂર્વક ઊંઘી શકી'તી.
ચોથે દિવસે વિદાય લેતી વખતે સોનુની સંભાળ રાખવાની તેમજ પોતાનું પણ ધ્યાન રાખવાની સુમિતને ભલામણ કરીને તે ત્યાંથી ચાલી ગઈ.
સુમિત માત્ર એટલું બોલી શકેલો કે, "યશુ, જેમ બને તેમ જલદી આશાને સાથે લઈને મમ્મી-પપ્પાની પાસે જજે અને આપણી વાતમાં સંમતિ લઈને મને ખબર આપજે. એકલા મારા ખાતર નહીં, આપણા સોનુના ખાતર પણ!"
આશાને સાથે લઈને યશુ પોતાને ગામ આવે છે. આશા દ્વારા મમ્મી-પપ્પાને બધી વાત કરે છે. સુમિત સાથે યશુનાં લગ્ન થાય તે વાતે મમ્મીએ સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી.
કેમ કે સુમિત બીજવર છે, એને આગલા ઘરનું એક બાળક પણ છે. એવા છોકરા સાથે યશુ જેવી ગુણવંતી ને રૂપવંતી છોકરી શું કામ પરણે? બીજાં ઘણાં સારા મુરતિયાઓ છે.
એકની એક દીકરી બીજવરને પરણે એમાં કઈ મા રાજી થાય? પણ, યશુની ઉપર એનાં ભાઈઓ અને પપ્પાને પૂરો વિશ્વાસ હતો.
યશુ કદીયે કોઈ નિર્ણય લેવામાં થાપ ન ખાય એવી સમજ એનામાં છે, એવી એમને સૌને ખાતરી પણ હતી. પરંતુ યશુની "મા"ની નારાજગી આગળ બાપ કે ભાઈઓ પણ લાચાર હતા.
યશુ ચાહતી હોવા છતાં સુમિતની સાથે ઘર માંડવાનું એનું સ્વપ્ન સાકાર થવાની શક્યતા ધૂંધળી જણાતી હતી. યશુની મા, બાપા, ભાઈઓ યશુને બહુ જ સમજાવે છે.
પણ યશુ નિરાશ વદને એટલો જ જવાબ આપે છે કે, "મેં મરનાર બાઈને વચન આપ્યું છે કે એનાં મૃત્યુ પછી હું એનાં પતિ સુમિતને પરણીશ ને એનાં બાળકને સંભાળીશ; કદીયે અળગા નહીં કરું.
મરનાર બાઈ દેવીતુલ્ય હતી; એનામાં મેં હમેંશા એક "મા"નું જ દર્શન કર્યું છે; એ દેવીમાને આપેલાં વચન કાજે હું મોતને પણ વહાલું કરતાંય ડરતી નથી!"
યશુ જ્યારે આવી વાત કરે ત્યારે ઘરનાં એની વાતને હસી તો કાઢતાં, પણ ચિંતા કરતાં કહેતાંય ખરાં કે, "તું કઈ દુનિયામાં જીવે છે, યશુ? નક્કી તને એ મરનાર બાઈએ ભોળવીને વશીભૂત કરી દીધી છે."
યશુનાં ઘરનાંને ક્યાં કંચનનો પરિચય હતો તે એવું ન માને! આમ, યશુ જેને દેવી માનીને માત્ર સુમિતને જ પરણવાની હઠ લઈને બેઠી છે તેણે જ યશુની ઉપર વશીકરણ કર્યું છે એવું માનીને ઘરનાં સૌએ યશુને વશીકરણમાંથી બહાર લાવવાના આશયથી દૂરના ગામમાં રહેતાં એક સાધુમહાત્મા પાસે લઈ ગયાં.
સાધુમહાત્માએ યશુની આંખોમાં આંખો પરોવીને જોયું ને તરત જ બોલ્યા, "અરે! આ દીકરીની આંખોમાં જ એવું અલૌકિક તેજ ભર્યું છે કે એને દુનિયાની કોઈ તાકાત વશીભૂત કરી શકે એમ નથી.
તમારો વહેમ તદ્દન ખોટો છે; આનો સુંદર અને નિર્દોષ ચહેરો જોતાં, આ દીકરી જેને પણ પરણશે એનાં ભાગ્ય ખૂલી જશે. એને પ્રેમથી સમજાવો અને ન માને તો ચિંતા છોડો; બધું ઉપરવાળા પર છોડી દો. જે થશે તે સારું જ થશે."
સાધુમહાત્માની વાતથી યશુના બાપ અને ભાઈઓની ચિંતા દૂર થઈ ને તેઓ ઘણે અંશે યશુનાં પક્ષમાં પીગળ્યા પણ ખરાં, પરંતુ મા હજી પીગળી નથી. મા હજી હઠ લઈને બેઠી છે કે યશુને ન્યાતમાં જ પરણાવવી છે.
"મા"ને ક્યાં ખબર છે કે યશુ તો કંચનનાં પ્રેમને વશ થયેલી હતી; એને વળી વશીકરણનું ભૂત શેનું વળગે! એ જ્યાં પરણવા માંગે છે ત્યાં નહીં પરણાવે તો એ આજીવન કુંવારી રહેશે, પણ બીજે તો પરણશે જ નહીં.
અને બન્યું પણ એવું કે એકવાર ખૂબ જ દેખાવડો અને સુશિક્ષિત છોકરાનું માગું લઈને એક પરિવાર યશુનાં ઘેર આવે છે ત્યારે યશુએ છોકરાને જોવાની જ ઘસીને ના પાડી દીધી.
એ છોકરાની લાયકાત વિશે કંઈપણ જાણવામાં એણે જરાય રસ ના દાખવ્યો. યશુ માબાપને કહેવા લાગી, "સુમિતને મેં મનથી પતિ માન્યા છે તેથી હરકોઈ પુરુષ મારે મન મારો ભાઈ કે બાપ સમાન ગણું છું.
હું સુમિતનાં રૂપથી અંજાઈને નથી કહેતી. આ દુનિયાના અન્ય કોઈપણ પુરુષ પ્રત્યે, ભલે તે કામદેવના અવતાર સમો કેમ ન હોય, હું લગીરે મોહિત થાઉં તેવી નથી.
કંચનબાની કૂખે જન્મેલ ‘સોનુ’ મારો માનસપુત્ર છે ને એના વગર મને ક્યાંય ગોઠતું નથી ને ગોઠશે પણ નહીં! સ્વર્ગનું સુખ હોય તોપણ મારે મન નકામું છે." ઘરનાંને થાય છે કે થોડો સમય જવા દઈએ તો કદાચ يશુનું મન ઠેકાણે આવશે.
આશા યશુની જીગરજાન દોસ્ત હોવાના નાતે સુમિત અવારનવાર- લગભગ રોજેરોજ આશા પાસે આવીને આશાને કરગરીને કહેતો કે, જેમ કંચન વગર એનું જીવવું મુશ્કેલ હતું તેવું જ હવે યશુ વગર પણ એને જીવવું મુશ્કેલ થઈ પડેલ છે.
તેથી જલદી યશુના માવતરને મનાવવા માટે આશાને ભારપૂર્વક આગ્રહ કરતો હતો. આશા પણ જાણતી હતી કે સુમિત જેવી જ મનોસ્થિતિ યશુની પણ હોય જ અને વળી યશુ તો વટનો કટકો; એ કંચનદીદીને આપેલાં વચનને ખાતર બીજે ક્યાંય પરણશે પણ નહીં.
આથી એક દિવસ આશા યશુનાં ગામ આવે છે ત્યારે યશુનાં જીવમાં જીવ આવ્યો; એને આશાનાં સથવારાની જરૂર હતી. તે આશાને જોતાં જ દોડીને એને વળગી પડી.
આશા પાસેથી સુમિત અને સોનુની ખબરઅંતર જાણે છે. સુમિતસર વારંવાર આશાની પાસે આવીને યશુ માટે તલસી રહ્યા છે એવી વાત જ્યારે યશુએ આશા પાસેથી જાણી ત્યારે એની આંખો ભીની થઈ ગઈ.
ઘરનાં સભ્યોમાં પણ આશાને જોઈને આશા પ્રગટી અને એને વિનંતી કરી કે તે યશુને સમજાવે.
આશા તો સ્વ.કંચનદીદી અને સુમિતસર તથા સોનુ પ્રત્યેનાં યશુનાં અણીશુધ્ધ પ્રેમ વિશે જાણતી જ હતી! યશુને બેચેન જોઈને આશાને ખૂબ લાગી આવેલું. આશા પણ યશુની મનોસ્થિતિ જોઈને રડવું રોકી શકી નહીં.
તેથી યશુ વતી આશા પણ ઘરનાં સૌને ખૂબ જ કાકલૂદીપૂર્વક સમજાવે છે; ખાતરી પણ આપે છે કે યશુનો નિર્ણય યોગ્ય છે; સુમિતસર બધી જ વાતે યશુને લાયક છે. વાતની રજૂઆત કરવામાં આશાની પૂરેપૂરી કુશળતા પણ આ વખતે કારગત નીવડી! છેવટે ઘરનાં બધાંની સંમતિ મળી ગઈ.
યશુએ આશાને ફરી બાથમાં લઈને તેનાં ગાલે પ્રેમભર્યું ચુંબન કર્યું ને આશાનાં ઉપકારને પોતે કાયમ યાદ રાખશે તેવો વિશ્વાસ આપ્યો. યશુનો હરખ જોઈને ઘરનાં સૌને પણ મોટી નિરાંત થઈ.
યશુ પોતાની મા પાસે ગઈ ને કહેવા લાગી, "મા, મને માફ કરીશ ને? મેં જીદ કરી તેથી તું નારાજ તો નથી ને? પણ મા, હું સાચું કહું છું- કંચનદીદી જેવી પવિત્ર, પ્રેમાળ અને ઉદાર સ્ત્રીના વચનને પાળીને હું તેના પર કોઈ ઉપકાર નથી કરતી; એ તો મારું સદભાગ્ય છે કે હું એનાં વચનને પાળી શકીશ. અને હા, તને કદીયે નીચાજોણું થાય એવું નહીં વર્તું."
આટલું સાંભળતાં જ યશુની માની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ઊઠી ને યશુને વહાલપૂર્વક ભેટી પડી, એને અંતઃકરણથી આશીર્વાદ આપ્યાં.
તે પછી યશુ પિતા પાસે ગઈ તો પિતાએ વહાલથી યશુને ગળે વળગાડીને માથે હાથ ફેરવીને કહ્યું, "દીકરી, તું મારું આભૂષણ છે; તારા પ્રત્યે મને અપાર પ્રેમ ને શ્રદ્ધા છે. મારા તને આશીર્વાદ છે, બેટા! તું જ્યાં પણ હોઈશ ત્યાં તારી હાજરીથી જ કરમાયેલાં ફૂલ પણ ફરી ખીલી ઉઠશે!
પેલાં સાધુમહારાજની વાત ઉપર મને પાકો ભરોસો છે, તું જ્યાં પરણીશ ત્યાં બધાંને સુખી કરીશ ને સૌની પ્યારી બનીને રહીશ. તારાં પાવન પગલાં જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં કોઈ અનિષ્ટ તત્વો ટકશે નહીં. તારાં જનમ પછી જ આ ઘર બધી વાતે સુખી-સંપન્ન બન્યું છે. દીકરી, મારા ફરી આશીર્વાદ છે કે ખૂબ સુખી થઈશ ને બીજાંને પણ સુખી કરીશ."
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
