મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-19)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૧૯)

યશુને સુમિત સાથે પરણાવવા ઘરનાં બધાં રાજીખુશીથી સંમત થયાં અને યશુનાં પિતાએ આશીર્વાદ પણ આપ્યાં કે યશુનાં પાવન પગલાં જ્યાંજ્યાં પડશે ત્યાંત્યાં કોઇ અનિષ્ટ તત્વો ટકશે નહીં.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

યશુનાં જનમ પછી જ પિતાનું ઘર બધી વાતે સુખીસંપન્ન બન્યું છે, એવું જણાવીને યશુ ખૂબ સુખી થાય અને બીજાંને પણ સુખી કરશે એવા આશીર્વાદ યશુનાં પિતાએ ફરીથી આપ્યા.   

યશુની ઇચ્છા મુજબ લગ્ન નક્કી થયાં કંચનના મૃત્યુને હજી વરસ પણ નો’તું થયું એટલે લગ્નમાં પણ બહુ ભપકો નહીં કરવાનું નક્કી થયું. 

તે પછી, મમ્મી-પપ્પા અને મોટા એક ભાઇને સાથે રાખીને યશુ સુમિતની મુલાકાત કરાવવા માટે સુમિતના ઘેર આવે છે. એ લોકો સુમિત સાથે વાર્તાલાપ કરે છે.

સુમિત એક કવિ છે; માનવીય સંવેદના ધરાવે છે, એને સારા પગારની નોકરી પણ છે, તે સઘળાં પાસાંની પાકી ખાતરી અને સંતોષ થયા બાદ નજીકની તારીખમાં લગ્ન ગોઠવાય છે.

યશુના કહેવાથી આસપાસનાં પડોશીઓ, સુમિતનો ઓફીસ-સ્ટાફ, સુમિતના ગામડેથી બેચાર સગાં, એની પરિણીત બહેનો અને ગુપ્તાસાહેબ તથા પદમાબાને નિમંત્રિત કરીને સુમિત એ સૌને યશુનાં ગામે લઇ જાય છે.

સોનુને તો લગ્ન પહેલાં યશુ જ પોતાની સાથે ગામડે લઇ ગયેલી! લગ્નની બધીજ વિધિ-વિધાન વખતે તેમજ અગ્નિ સમક્ષ ચાર ફેરાં ફરતી વખતે યશુએ ખૂમારીપૂર્વક સોનુને પોતાની પાસેજ તેડી રાખેલો!

લગ્ન સંપન્ન થાય છે. યશુ હવે પૂરા આત્મવિશ્વાસથી કાયદેસર દાંપત્યજીવનમાં પ્રવેશી હતી. સુમિતના મનને પરમ સુખદ અનુભવ થયો છે. હવે યશુએ અધિકારપૂર્વક સુમિતના ઘરની “બાગડોર” સંભાળી લીધી છે. 

લગ્નની પ્રથમ રાત હતી. સુમિતના આનંદનો પાર નહોતો. યશુએ પોતાનું વચન સિધ્ધ કરવા માટે સુમિતને પત્ની પાસેથી અપેક્ષિત ભરપૂર સુખ છૂટા હાથે- કોઇપણ રોકટોક વગર લૂંટવા દીધું.

સુમિતને એ રાતે જ પરમ તૃપ્તિનાં ઓડકાર આવી ગયાં. તેથી યશુ અતિ પ્રસન્ન હતી. આમનેઆમ સુખમાં દિવસો વીતવા માંડ્યાં. સોનુ પણ ત્રણ વરસનો થઇ ગયો.

"મમ્મી..મમ્મી..." કરતો દોડતો આવે ને યશુ એને વહાલથી ઊંચકીને રમાડે. સોનુ યશુમય થઇ ગયો. યશુ ખવરાવે તો જ ખાય, બીજાં કોઇને હાથે ખાય પણ નહીં. ખુદ સુમિતના હાથે પણ નહીં!

ખાતી વખતે સોનુ એનાં નાનાં કોમળ હાથે મમ્મીને પણ ખવરાવતો જાય! યશુનું અરધુંપરધું જમવાનું સોનુની સાથે ને બાકીનું સુમિતની સાથે. યશુ બન્નેને સાચવે છે. 

સુમિત ઓફીસ કામે બેત્રણ દિવસના પ્રવાસે બહાર જાય છે. હવે યશુ કાયમ ખાતે એની જોડે હોવાથી સુમિતને સોનુની કે ઘરની સહેજપણ ચિંતા નથી, તેમછતાં એને યશુનું વળગણ એટલું બધું લાગેલું હતું કે એક રાત પણ એને યશુ વગર ફાવતું નહોતું.

છતાં, ઓફીસ કામે ગયા વગર છૂટકો પણ નહોતો! ત્રીજા દિવસે તો સવારે એ ઘેર પરત આવી જ જવાનો હતો. પણ, એ આવી જવાનો હતો એ રાતે યશુ ઊંઘમાંથી સફાળી જાગી જાય છે.

પોતપોતાની પડખે વળગીને સૂઇ રહેલ સોનુ અચાનક રડવા માંડે છે. યશુએ જોયું કે સોનુનું પેટ સતત ઉછળી રહ્યું હતું, એ શ્વાસ બરાબર લઇ શક્તો નહોતો, છાતીમાંથી કફનો એકધારો અવાજ પણ આવી રહ્યો હતો.

સોનુને શરદી-કફનો ભરાવો થઇ ગયો હતો. રાતનો ત્રીજો પ્રહર ચાલતો હતો. સોનુને તાત્કાલિક દવાખાને લઇ જવો પડે તેમ લાગ્યું, પણ આ ટાઇમે કેવી રીતે લઇ જવો એની ચિંતાથી યશુ ગભરાઇ ગઇ હતી!

કંચનદીદી વખતે બહાદુરભાઇ ગાડી લઇને દવાખાને લઇ જવામાં મદદ કરતા તેથી યશુને થયું : બહાદુરભાઇનું બારણું ખખડાવું. પણ હજી તેઓ ગાઢ નિંદ્રામાં હશે તો જલદી જાગશે પણ નહીં. શું કરું? કંઇ સૂઝતું નથી.

પણ જેમ “દુ:ખમાં હરિ સાંભરે..” તેમ યશુએ પોતાના ભગવાનનું સ્મરણ કર્યું. ધીમે ધીમે “રામ રામ રામ..” એમ રામનામની માળા જપવા લાગી ને "ભગવાન મારા સોનુની રક્ષા કરજે.., જલદી સવાર ઉગાડ!"

થોડા સમય પછી ઘડિયાળમાં જોયું તો વહેલા પાંચ વાગ્યા’તા, બહાર દૂધવાળા તથા છાપાવાળાની અવરજવર શરૂ થઇ હોય તેમ લાગ્યું. એટલે તરતજ ઊઠી, સોનુને બાહોંમાં લેતાંકને સીધી ઘરની બહાર એકલીએ દોટ મૂકી.

રોડ પર એક રીક્ષા મળી ગઇ, એને ઊભી રખાવી ને કંઈપણ પૂછ્યા વગર રીક્ષામાં બેસી ગઇ ને જલદી નજીકના કોઇ દવાખાને લઇ જવા કીધું. રીક્ષાવાળો પરિસ્થિતિ પામી ગયો.

એણે ઝડપથી રીક્ષા હંકારી ને દવાખાને પહોંચાડી. રીક્ષાવાળાએ માનવતા દાખવીને કહ્યું, "બેન, પહેલાં બાળકને જલદી અંદર લઇ જાવ. હું થોડીવાર અહીં રોકાઇ જઊં છું. ભાડું પછીથી આપજો."

પણ યશુને તો એ સાંભળવાની પણ ફુરસદ નહોતી ! એ તો સડસડાટ દવાખાનામાં પ્રવેશી ગઈ. રાતની “ડ્યુટી” વાળી નર્સ હાજર હતી. એણે કહ્યું, "ડોક્ટર તો સાડા દસ પહેલાં નહીં આવે. કહેતાં હોવ તો “ઇમરજન્સી” માં ફોનથી બોલાવીએ, પણ એકહજાર રૂપિયા ચાર્જ થશે."

"અરે બેન, જે ચાર્જ થાય તે, પણ સાહેબને ફોન કરીને જલદી બોલાવો!"

નર્સે ફોન કર્યો ને પંદર મિનિટમાં સાહેબ આવી ગયા. સોનુને તપાસ્યો. એને સખત કફ થયો હતો તેથી ડોક્ટરે એને “નાસ” આપવો પડશે એમ જણાવી, નર્સને તે માટે સૂચના કરી.

સોનુને “નાસ” લેવડાવવા માટે નર્સે અને યશુએ પકડી રાખ્યો, પણ સોનુનું રડવાનું ચાલુ હતું ને કોઇના હાથમાં ઝાલ્યો રહેતો નહોતો. “નાસ” લેવરાવવામાં મૂશ્કેલી થતી’તી.

દરમ્યાન, ઓચિંતા જ સોનુએ ઉલ્ટી કરી. એટલી બધી ઉલ્ટી કરી કે આજુબાજુ ઊભું રહી શકાતું નહોતું. ઉલ્ટીની તીવ્ર વાસ આવતી હતી.

નર્સનાં ને યશુનાં કપડાં પણ બગાડ્યાં હતાં. એ બદલ યશુએ નર્સની માફી માંગી, તો નર્સ હસવા માંડી, "બેન, અમારે આની કંઇ નવાઇ નથી. ક્યારેક આવું થાય પણ ખરું! બાળક છે તે ઉલ્ટીયે કરે ને ઝાડોયે કરે, તો એમાં થોડી માફી માંગવાની હોય! આજે આપનું બાળક છે ને કાલે મારુંજ બાળક હોય તો?!"

ડોક્ટરે યશુને એમની ચેમ્બરમાં બોલાવીને કહ્યું, "બેન, બહુજ સમયસર દવાખાને આવ્યાં છો. જરાકપણ ઢીલ રાખી હોત તો બાળકને ગુમાવી દીધો હોત. જુઓ, ઉલ્ટી થઇ એ સારું થયું, ઘણો કફ ઉલ્ટી વાટે નીકળી ગયો છે.

ત્રણચાર દિવસ સવારે અહીં આવીને બાળકને “નાસ” લેવરાવી જજો. બે દિવસની દવા લખી આપી છે; સવારે અને સાંજે અડધી અડધી ગોળી સહેજ ગરમ- હુંફાળા પાણીમાં પલાળીને પીવરાવજો.

એનાથી બાળકને ઝાડા રહેશે, પણ ગભરાશો નહીં; બાળકને ઉધરસ ખાતા ફાવે નહીં, નહીંતો ઉધરસમાં કફ છૂટો પડે. આપણે ઝાડા વાટે કફ બહાર કાઢીશું."

"હાશ સાહેબ! મારા દીકરાને સારું થઈ જશે ને?"

"હા, બહેન! ચિંતા ના કરો."

"સાહેબ, માફ કરજો, અત્યારે ઉતાવળે અહીં આવી છુંને? એટલે પૈસા વગર આવી ગઇ છું. રીક્ષાવાળાને પણ હજી આપ્યા નથી. એ નીચે ઊભોજ છે, એનીજ રીક્ષામાં ઘેર જઇને પૈસા લઇને તરત જ આવું છું. પછી તમારો જે કંઇ ચાર્જ હોય તે તમને આપી જઇશ! ચાલશે, સાહેબ?!"

"કંઇ વાંધો નહીં, બેન! કાલે “નાસ” લેવરાવવા આવો ને ત્યારે આપજો. આજે એ માટે સ્પેશ્યલ ધક્કો નહીં ખાશો. અને કદાચ સગવડ ન હોય તોપણ વાંધો નહીં, હું એવા કેસમાં મારી “ઇમરજન્સી”ફી માફ કરું છું."

"થેંક્યુ, સાહેબ. હું કાલે આવીને ચોક્કસ આપી દઇશ. મારા પતિ સારું કમાય છે; “ફી” આપવામાં મને કોઇજ તકલીફ નથી, મારેતો મારો દીકરો બચી ગયો એ જ બસ છે. પણ સાહેબ, કાલે ક્યારે આવવાનું. આપ હોવ ત્યારેજ આવુંને? સાડા દસ પછીને?"

"હા, સાડા દસ પછી, પણ બપોરે બે વાગ્યા પહેલાં."

યશુ દવાખાનેથી બહાર આવી. પેલી રીક્ષા ત્યાંજ ઊભી’તી, એટલે એમાં બેસીને ઘરે પહોંચી. ઘરે સુમિત આવી ગયો’તો, પણ સુમિતની સાથે કંઇપણ વાતચીત થાય તે પહેલાં ઘરમાંથી પાકીટ લઇને બહાર દોડી આવી.

અને રીક્ષાવાળાએ જેટલાં પૈસા માંગ્યા એનાથી એને વધારે રકમ આપીને કહ્યું, "સારું થજો ભઇલા તમારું. તમે મને ટાઇમે મળી ગયા, નહીંતો મારા છોકરાનું શું થાત ?"

રીક્ષાવાળો ખુશ થઇને જતાંજતાં એના નજીકમાં જ આવેલા રહેઠાણનું સરનામુ યશુને આપતો ગયો જેથી ગમે ત્યારે “ઇમરજન્સી”માં એ રીક્ષા લઇને આવી શકે.

એ પછી યશુ ઘરમાં આવી એટલે તરત સુમિતે કહ્યું, "યશુ, સોનુને દવાખાને લઇ જવો પડ્યો’તો ? અહીં હું આવ્યો ને જોયુંતો તને ને સોનુને જોયાં નહીં તેથી હું સમજી તો ગયો’તો કે કાં તારી ને કાં સોનુની તબિયત નરમ થઇ ગઇ હશે તેથી દવાખાને ગઇ હશે."

"હા, સુમિત. ભાઇને બહુ કફ થઇ ગયો છે. શ્વાસ પણ નહોતો લઇ શક્તો ! મને ગુપ્તાસરની બે વરસની દીકરી યાદ આવી ગઇ’તી. બિચારી ન્યુમોનિયામાં ગુજરી ગયેલી!"

"પણ યશુ, ઘર સાવ જ ખુલ્લું મૂકીને જતી રહી’તી?!"

"હાસ્તો! ઘરને શું ડોકે બાંધવાનું હોય? મારા સોનુ કરતાંય ઘર મને વહાલું હોય?! ખુલ્લું હોય તો ઘરમાંથી કોઇ બધુંય લૂંટી જાય, એમજ ને! હું એવી ચિંતા જરાય ન કરું! તને જે લાગવું હોય તે ભલે લાગે, પણ મારા સોનુને માટેતો હું મારા જીવનીયે પરવા ન કરું તો ઘર શું વિસાતમાં વળી! એને જીવાડવા માટે મારે મરવું પડે તો મરવાય રાજી છું."

"યશુ, તારા માટે મને જે માન અને ગર્વ છે તે આજે સો ગણું વધી ગયું છે! જાણે તારા પેટનું બાળક હોય એવી તું એની ચિંતા રાખે છે!"

"સુમિત, આજે બોલ્યો એ બોલ્યો. ક્યારેય આવું બોલીશ નહીં. સોનુને મેં જ; મારા પેટેથી જ જનમ આપ્યો છે, એને મારું જ લોહી માનજે; કદીયે ઓરમાનપણું નહીં.

એની રગેરગમાં મારું દૂધ ભરેલું છે. તું ભૂલી જજે કે એ કંચનદીદીનો દીકરો છે; એ મારોજ- યશુનો જ દીકરો છે.

અને એના પ્રત્યે કદીયે ઓરમાનપણું ન આવે તે માટે ભવિષ્યમાં મારી કૂખેથી કોઇ બાળક જન્મે જ નહીં એવું કરવા પણ હું તૈયાર છું!"

સુમિત શું બોલે? પોતાની જાત આજે યશુની આગળ એને ખૂબ વામણી લાગી!

બીજે દિવસે સોનુને ફરી તપાસવા અને “નાસ” લેવરાવવા માટે યશુ દવાખાને લઇ ગઇ. આજે ઓફીસ થોડું મોડેથી જવાના યશુનાં આગ્રહથી સુમિત પણ સાથે દવાખાને ગયો. 

ડોક્ટર હાજર હતાં. બેત્રણ બાળકોનાં વાલી લાઇનમાં બેઠાં હતાં. જ્યારે સોનુનો વારો આવ્યો ત્યારે એને લઇને યશુ અને સુમિત ડોક્ટરની ચેમ્બરમાં પેઠાં. 

સોનુને તપાસીને ડોક્ટરે કહ્યું, "આજે ઘણું સારું છે. આજે, આવતીકાલે અને પરમદિવસે “નાસ” લેવા આવવાનું છે. આજે કોઇ બીજી દવાની જરૂર નથી. ઝાડાની દવા પૂરી થઇ જાય તે પછી એ દવા બંધ કરી દેજો."

"સાહેબ, કાલનાં બાકી પૈસા અને આજના જે હોય તે કહો, અમે આપતા જઇએ."

"કાલનો “ઇમરજન્સી” ચાર્જ લેવાનો નથી. બાકી જે કંઇ પૈસા આપવાના થાય તે કાઉન્ટર ઉપર પૂછીને આપી દેશો."

"ના, સર. “ઇમરજન્સી” ચાર્જ પણ અમે આપવા ખુશી છીએ. મને તો મારો છોકરો સાજો થાય એમાં જ રસ છે." પછી સુમિતની ઓળખાણ આપતાં બોલી, "આ મારા “હસબન્ડ” છે."

ડોક્ટર કહે, "તમને જે વાઇફ મળી છે સાહેબ, એનો સંતાનપ્રેમ જોઇને મેં “ઇમરજન્સી”ફી માફ કરી છે; એ પોતાના છોકરાની ચિંતામાં પૈસા લીધા વગર જ દવાખાને દોડી આવ્યા."

"એ વાત મારા દિલોદિમાગને અસર કરી ગઇ છે, એટલે હું “ઇમરજન્સી”ફી માફ કરું છું; તમે તે આપવા માટે સધ્ધર હોવ તોપણ!"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."