મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૦)
ડોક્ટરે યશુના સંદર્ભમાં સુમિતને જણાવ્યું કે એને જે વાઇફ મળી છે એનો સંતાનપ્રેમ જોઇને પોતે "ઇમરજન્સી"ફી માફ કરી છે.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
યશુ પોતાના છોકરાની ચિંતામાં પૈસા લીધા વગર જ દવાખાને દોડી આવી એ વાત ડોક્ટરનાં દિલોદિમાગને અસર કરી ગઇ'તી, એટલે "ઇમરજન્સી"ફી આપવા માટે સુમિત સધ્ધર હોય તોપણ પોતે "ઇમરજન્સી"ફી માફ કરી છે.
"સાહેબ, હું તો શું, કોઇપણ મા એનાં સંતાન માટે આવું જ કરે. મેં પણ કંઈ નવાઇ કરી નથી. તમે કોઇ ગરીબ દર્દીની "ઇમરજન્સી" ફી માફ કરશો તો મારો રામ રાજી થશે. અમે ફી આપી શકીએ છીએ એટલે તમે પ્લીઝ, ફી લઈ લેશો." યશુએ સ્વમાનભેર કહ્યું.
યશુનાં આગ્રહથી ફી લઈ લીધા પછી ડોક્ટરે બાળકને "નાસ" લેવા માટે લઇ જવાનું કહેતાં યશુ સોનુને લઇને ચેમ્બરમાંથી બહાર આવી. સુમિત અંદર જ બેઠો રહ્યો.
ડોક્ટરે સુમિત ક્યાં જોબ કરે છે તે જાણ્યા પછી સુમિતને કહ્યું: "તમારી જ કંપનીમાં મારો એક "કઝીન" પણ જોબ કરે છે. તમે એને ઓળખો છો?"
"શું નામ છે, આપના કઝીનનું?" સુમિત બોલ્યો.
"ભરત પરીખ." ડોક્ટરે કહ્યું.
"જી સર. ભરત આપનો "કઝીન" છે તો એને મારા વતી સલાહ આપજો કે વધુ પગારની લાલચમાં એ આ જોબ છોડી ન દે. કેમ કે, એણે છૂટા થવા માટે ત્રણ મહિનાની નોટીસ આપી છે. એ પાછી ખેંચી લેવા સમજાવજો. મેં તો એને "ઓલરેડી" કહ્યું જ છે. આ કંપનીમાં આગળ આવવાના એને સારા "ચાન્સ" છે."
"ઓ.કે. અત્યારે જ એને કહી દઉં. સારું થયું કે આજે આપણી મુલાકાત થઇ. જ્યારે પણ બાળકને કંઇ તકલીફ લાગે ત્યારે અહીં જરૂરથી આવશો."
આટલું કહીને ડોક્ટરે બેલ માર્યો એટલે પ્યુન અંદર આવ્યો. એને ડોક્ટરે સૂચના આપી કે સોનુ પેશન્ટનાં મમ્મી કાઉન્ટર ઉપર "નાસ" લેવાનાં પૈસા આપવા આવે તો લેવાના નથી અને જો આપી દીધા હોય તો પરત કરી દેવાના છે!
દવાખાનેથી કામ પતાવીને સુમિત અને યશુ ઘેર જતાં રહ્યાં. સુમિતના મનમાં યશુ વિશે વિચારો આવ્યાં કરે છે: "યશુ, તારા સંપર્કમાં જેકોઇ આવે છે તે બધાં તારા પ્રભાવમાં તરત જ આવી જાય છે! મને થયા કરે છે કે તું ઉપરથી નીચે આ પૃથ્વી પર જગકલ્યાણ અર્થે જ આવી છે; જેમ ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું છે તેમ તારું પણ!"
યશુનું વ્યક્તિત્વ જ એવું ભવ્ય હતું કે, ભલભલા એનાથી અંજાઇ જાય! સુમિત તો એનો પતિ છે ને રાતદિવસ એની સાથે રહે છે, તોપછી એ અંજાયા વગર રહે ખરો!? સુમિત પોતાને દુનિયાનો શ્રેષ્ઠ ભાગ્યશાળી માનવા લાગ્યો.
યશુનાં અનેરા વ્યતિત્વને કવિતાઓના શબ્દોમાં કંડારવાના કામે વ્યસ્ત રહેવા લાગ્યો. પણ, સાગરના નીરને ગાગરમાં સમાવી શકાય છે? હા, એ નીરનું આચમન તો લઇ શકાય ને?!
સુમિતે યશુ ઉપર એનાં માતૃપ્રેમ, સખીપ્રેમ, મોટેરાંઓ પ્રત્યેનો આદરભાવ, દાંપત્યજીવનનું એનું અપ્રતિમ લાલિત્ય, તનમનની એની સુંદરતા.... આવા બધાં વિષયો પર સુમિતે કવિતાઓ લખવા માંડી.
અને એક દિવસે એણે યશુ સમક્ષ પોતાનો વિચાર રજૂ કર્યો: "યશુ, હમણાં કેટલાંય સમયથી મેં એક્પણ પ્રોગ્રામ આપ્યો નથી. હવે ઇચ્છા છે. મારી પાસે મારી પોતાની લખેલી અનેક કવિતાઓનું ગાન કરવા મળે. તું પણ મારી સાથે જોડાય તો તને ઉચિત ઢાળમાં ગાતાં શીખવું; તારો કંઠ તો મધુર છેજ! તું પ્રભાતિયા, ભજનો, ને ક્યારેક ફીલ્મી ગીતો તો ગણગણતી હોય છે જ ને?"
"સુમિત, હું તો મારાં નિજાનંદને માટે, મારા પ્રભુને માટે ગાતી હોઊં છું. હા, તને ને મારાં સોનુને ધ્યાનમાં રાખીને પણ ગાતી હોઊં છું, હોં! હું તારી સાથે પ્રોગ્રામમાં જોડાઊં તો મારા સોનુનું, તારું, ને ઘરનું બરાબર ધ્યાન આપી ન શકું. એટલે હું તો ના કહું છું."
"પણ તું જરૂરથી પ્રોગ્રામો આપ; મને કોઇ વાંધો નથી. ઉલ્ટાનું, મને ગમશે. કેમ કે, આપણું મિલન તો તારા ગીતોને આભારી છે! તારો પ્રોગ્રામ સાંભળવા આવી ન હોત તો શું આપણે મળી શકયાં હોત?"
"બીજું, ઘણાં લોકોને તારા ગીતો માણવાથી આનંદ ઉપજે, ને આપણને થોડી એક્સ્ટ્રા આવક પણ થાય, એથી સોનુને ખૂબ સારી રીતે ઉછેરી શકીએ, જરૂરિયાતમંદોને પણ બનતી આર્થિક મદદ કરી શકાય."
આમ, સુમિતને પ્રોગ્રામો કરવા માટે યશુએ રજા જ આપી એટલું નહીં, એનો ઉત્સાહ પણ વધાર્યો. ત્યારપછી, યશુનાં કહેવાથી સુમિતે મધુબાને ફરીથી ઘરના કામ માટે રાખી લીધાં.
યશુ એકલા હાથે બધું કરી શકે તેમ હતી, પરંતુ મધુબા પ્રત્યે તેને ખૂબ આદરભાવ હતો તેમજ ઘરમાં મધુબા જેવાં વડિલ હોય તેવું યશુ ઇચ્છતી પણ હતી.
સુમિતે પણ હવે ઓફીસ સિવાયના સમયમાં ગીતોનાં પ્રોગ્રામોની ઓફરો લેવા માંડી. એકપછીએક એનાં પ્રોગ્રામો યોજાતા ગયાં.
ઘરે હોય ત્યારે યશુના પ્રત્યક્ષ સહવાસનો આનંદ, ને પ્રોગ્રામોમાં યશુ ઉપરનાં જ ગીતો દ્વારા યશુના પરોક્ષ સહવાસનો આનંદ માણતાંમાણતાં સુમિત જાણે કે ધરાતો જ નથી!!
આજે રવિવાર હોવાથી સુમિતને ઓફીસમાં રજા હતી. એ વાળ કપાવવા બહાર નીકળ્યો હતો. સોનુ ઘરનાં પ્રાંગણમાં રમતો હતો.
મધુબાને પણ રવિવારે રજા આપેલી એટલે યશુ એકલી ઘરકામમાં પરોવાયેલી હતી. એને આજે આશાની યાદ આવી ગઇ છે. મનમાં થાય છે: "લગ્નમાં મારે ગામડે આવી તે પછી આશા કેમ ક્યારેય મને મળવા નથી આવી? હુંય ક્યાં એને મળવા ગઈ છું! પણ, હું તો ક્યાંથી ટાઇમ કાઢું?"
"જોકે, એ તો હવે હોસ્ટેલમાં રહેતી હશે! એનું ભણવાનુંયે કદાચ પૂરું થવા આવ્યું હશે. એ બિચારી કોઇ મૂશ્કેલીમાં તો નહીં હોયને? મૂશ્કેલીમાં તો એને સૌ પહેલાં હું જ યાદ આવું, એટલે કોઇ મૂશ્કેલીમાં તો નહીં જ હોય! તોતો સારુ, રામ!"
આમ, યશુ આશાનાં જ વિચારોમાં મગ્ન હતી ત્યાંજ: "દીદી..દીદી... આ તારો લાલ અહીં એકલો રમે છે ને કોઇ ઉપાડી જશે તો તને ખબરેય નહીં રહે!" એવો આશાનો મધુર રણકાર સાંભળતાંજ યશુની નજર ઘરનાં પ્રવેશદ્વાર પર પડી. આશા સોનુને તેડીને ઘરમાં આવી રહી હતી.
"વાહરે, મારા ભગવાન! મારા રામે મારું મન જાણી લીધું ને આશા, તું સાક્ષાત હાજર પણ થઇ! હું તારુંજ સ્મરણ રટતી હતી!" યશુએ કહ્યું.
"હા, દીદી. હુંયે હાજરાહજૂર છુંને!? તું મને યાદ કરે ને હું પ્રગટ ન થાઉં!?"
"કેમ, અત્યાર સુધી ક્યાં હતી તું? બધું સારું તો છેને?"
"હા દીદી." (પછી સહેજ અટકીને) "કોઇ ઘરમાં છે?"
"ના. હું એકલી જ છું. સુમિત તો વાળ કપાવવા બહાર નીકળ્યા છે, તું કેમ એવું પૂછે છે?"
"દીદી, એક ખાનગી વાત તને કરવાની છે. તું એ વાત કોઇનેય કહીશ નહીં; સુમિતસરને પણ નહીં."
"ઓહ!! એવી કઇ ખાનગી વાત છે? કોઇના પ્રેમમાં પડી છે કે શું?"
"દીદી, પ્રેમમાં પડી'તી એટલે જ મોટી સમસ્યા થઇ છે! તારા સિવાય મને રસ્તો કોણ બતાવે?"
"ખુલીને વાત કર, આશા! પ્રેમમાં દગો થયો છે?"
"દગો તો ન કહેવાય, પણ તું સુમિતને ક્યારેય વાત નહીં કરતી, દીદી. મારા સમ છે, પ્રોમીસ આપ."
"પ્રોમીસ, મારી બહેન! બસને? હવે નિશ્ચિંત થઈને વાત કર."
"દીદી, મારી ક્લાસમાં જ એક છોકરો મને ખૂબ ચાહતો'તો. એક દિવસ એણે હિંમત કરીને મને ચોખ્ખેચોખ્ખું કહ્યું કે આઇ લવ યુ, આશા."
"હું તો ચોંકી ગઇ! કોઇ હતું નહીં તેથી એણે મારો હાથ પકડીને કહ્યું કે આપણે બન્ને કોલેજના આ છેલ્લા વરસ પછી કદાચ ફરી ન મળી શકીએ."
"તેથી મેં આજે કહેવાની હિંમત કરી છે કે તું મને ખૂબજ ગમે છે. જો તું તૈયાર હોય તો આપણે લગ્ન કરીશું? હું પહેલાં તો મૌન રહી."
"એણે મને ફરીથી પૂછ્યું. દીદી, એ મનેય ખૂબ ગમતો'તો. મેં પણ એની સમક્ષ પ્રેમનો એકરાર કર્યો. પછીતો અમે બન્ને રજારજામાં બહાર ઘૂમવા નીકળી જઇએ."
"એકરાતે અમારે બન્નેને એક સ્થળે ફરજિયાત એકસાથે રોકાઇ જવું પડ્યું. સંજોગો જ એવાં હતાં કે રાત સાથે ગાળ્યા વગર છૂટકો નહોતો."
"પણ, દીદી એ રાતે એ પોતાની જાત ઉપર કાબૂ રાખી ન શક્યો! હુંયે એના આવેગનો સામનો ન કરી શકી! અને દીદી, પછી તો જે ન થવું જોઇતું'તું એજ થઇને રહ્યું. એમાં એનો એકલાનો વાંક નથી. મારી પણ ભૂલ હતી!"
"તેં ખોટું તો કર્યું જ છે. પણ બે યુવાન હૈયાને એકાંત મળે ત્યારે કો'ક વિરલાજ આવી ભૂલ ન કરે! એ તારી સાથે લગ્ન કરવા રાજી હોય તોપછી વહેલીતકે પરણી જાઓ."
"પણ દીદી, એ શક્ય નથી. એ પોતે તો તૈયાર છે, પણ એનાં પેરેન્ટ્સ નથી ઇચ્છતાં; તેમની મરજી વિરૂધ્ધ તે જવા નથી માંગતો."
"આથી, એણે હવે લાચાર થઇને બધું ભૂલી જવા કહ્યું છે. લે આ ચિઠ્ઠી વાંચીશ એટલે તને પૂરો ખ્યાલ આવી જશે." એમ કહીને આશાએ યશુના હાથમાં ચિઠ્ઠી મૂકી.
યશુએ ધ્યાનથી વાંચી, ને પછી બોલી: "કંઇ નહીં. એનામાં પેરેન્ટ્સને મનાવવાની ત્રેવડ ન હોય તો શું કરીએ? અને આશા! મને તો લાગે છે કે આ કંઇ પ્રેમ નથી; મોહ છે, વિજાતીય આકર્ષણ જ છે."
"એને પ્રેમ સમજવાની ભૂલ નહીં કરતી. આશા, તું તારી જાતને જ પૂછી જો કે ખરેખર તમારી વચ્ચે પ્રેમ છે કે ઊંમર સહજ આકર્ષણ?"
આશા ચૂપ રહી; કંઈ જ બોલી નહીં. એટલે યશુએજ કહ્યું: "તું ચૂપ છે એટલે માનું છું કે તમે બન્ને એકબીજાને મોહવશ તાબે થઈ ગયેલાં; એ પ્રેમ નથી. પ્રેમની પવિત્રતાને મોહના સ્પર્શથી અભડાવવી એ તો પાપ છે."
આશા: "દીદી, તારી વાત સાથે હું સહમત છું, પણ હવે કોઇ ઉપાય તો બતાવ!"
યશુ: "આપણે એ પ્રસંગ ભૂલી જવાનો. બીજો શું ઉપાય હોય?"
"પણ દીદી, રાતનો પ્રસંગ હજી પંદર દિવસ પહેલાંનો છે. એણે તો મને છેલ્લી મુલાકાતમાં આ ચિઠ્ઠી પકડાવી દીધી."
"અને ક્યારેય નહીં મળીએ, પણ જીંદગીભર ભૂલીશું નહીં, એવું કહીને ચાલ્યો ગયો. એ હવે પીજી કરવા અમેરિકા જતો રહેવાનો છે. મને ડર છે કે જો હું પીરીયડમાં નહીં આવું તો?"
"તુંતો ડોક્ટર છે! શું કરવું જોઇએ એ તને ખબર પડેજ ને?"
"બાળક રહી ગયું હશે તો હું શું કરીશ? મને રસ્તો બતાવ, દીદી. સુમિતસર આવી જાય તે પહેલાં."
"વિચારવું પડે! ગર્ભપાત એ તો મોટું પાપ છે! ને વળી ગુનો પણ બને! પણ એવો ગુનો ને પાપ ન કરીએ તો તને બદનામી મળે, એ તું જીરવી શકે? કોઇ સ્ત્રી કેમની જીરવી શકે? તું શું આવું પાપ કરીને કુદરતની ગુનેગાર અને કાયદાની પણ ગુનેગાર બને ખરી? હું તને જાણું છું કે તું એવું ન કરી શકે અને કરવું પણ ન જોઇએ."
"તોપછી શું કરીશું?" આશાએ પ્રશ્ન કર્યો એટલે થોડીવાર મૌન રહ્યા પછી યશુ બોલી: "જો આશા, મને જ્યારે કંઇજ સૂઝે નહીં ત્યારે હું તો મારા રામને બધું સોંપી દઉં! એજ આપણને ઉગારે."
"દીદી તને તારા રામ પર ભરોસો છે, ને મને તારા પર. તું જેમ કહીશ એમ હું કરીશ."
"સારુ. હમણાંતો તારું ભણવાનું પૂરું થઇ ગયું છે! કોલેજ તો હવે જવાનું નથી! પરીક્ષાનું "રીઝલ્ટ" આવે ત્યાંસુધી તું મારી જોડે અહીંજ રહે. તને હવે હું મારાથી છૂટી પડવા દઊં તો મને તારી ચિંતા રહ્યા કરે. કંઇ સૂઝે નહીં ત્યારે માણસ ગમેતેવું "સ્ટેપ" ભરી દેય છે. એટલે હું તને હમણાં અહીંથી ક્યાંય જવા નહીં દઊં. દુ:ખનું ઓસડ દહાડા! મારા રામ સૌ સારું કરશે."
"દીદી, મારી હિંમત પણ એકલા રહેવામાં રહી નથી. તારી વાત માનીને હું અહીંજ રોકાઇ જાઊં છું, પણ આ બધું તું સરને કહીશ નહીં, હોંકે?"
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
