મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-21)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૧)

આશાની ચિંતા સાંભળીને યશુ પણ ચિંતામાં આવી ગઇ અને આશાની પરીક્ષાનું "રીઝલ્ટ" આવે ત્યાંસુધી એને યશુએ પોતાની જોડે જ રહેવાની ફરજ પાડીને કહ્યું: "તને હવે હું મારાથી છૂટી પડવા દઊં તો મને તારી ચિંતા રહ્યા કરે. કંઇ સૂઝે નહીં ત્યારે માણસ ગમેતેવું "સ્ટેપ" ભરી દેય છે. એટલે હું તને હમણાં અહીંથી ક્યાંય જવા નહીં દઊં. દુ:ખનું ઓસડ દહાડા! મારા રામ સૌ સારું કરશે."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"દીદી, મારી હિંમત પણ એકલા રહેવામાં રહી નથી. તારી વાત માનીને હું અહીંજ રોકાઇ જાઊં છું, પણ આ બધું તું સરને કહીશ નહીં, હોંકે?"

"હું થોડી એવી ગાંડી છું! તું ને હું જુદાં છીએ? આવી વાત કોઇનેય કહીને શું હું મારીજ આબરૂને ઉઘાડી પાડું? તું નિશ્ચિંત રહેજે, મારી બહેન. હું જીવતી છું ત્યાંસુધી તને કોઇ તકલીફ પડવા નહીં દઊં." 

વાત પૂરી થયા પછી ઘણીવારે સુમિત ઘેર આવ્યો. આશાને જોતાં જ એના મોંમાથી ઉદગાર નીકળ્યો: "અરે આશા, વેલકમ! બહુ દિવસે તારી દીદી યાદ આવી! સ્વાર્થી થઇ ગઇ છો? અત્યારસુધી ક્યાં ખોવાઇ ગયેલી?"

"સર, છેલ્લું વર્ષ હતું ને? ફાયનલ પરીક્ષાની તૈયારીમાં હતી. પરીક્ષા પૂરી થઇ ગઇ એટલે તરત જ પહેલાં દીદી પાસે તો આવી છું!"

"સરસ, તો હવે હમણાં અહીં રોકાઇશને?"

"હા સર. મારી દીદી મને હમણાં થોડીજ જવા દે?"

"સરસ. યશુ, આજે આશાની પસંદનું ખાવા બનાવીશને?"

"હાસ્તો! હવેતો આશા અહીં એના "રીઝલ્ટ" સુધી રહેવાની છે. રોજ એ કહે એ જ બનાવવાનું છે!"

"આશા, હવે તો તને ડોક્ટર કહેવું પડશેને?" સુમિતે સહજ પૂછ્યું.

"હા, એકલું ડોક્ટર નહીં ચાલે, ફેમીલીડોક્ટર કહેવું પડશે!" આશાએ વળતો જવાબ આપ્યો.

"આગળ ભણવાનું છે?"

"હા સર. "પીજી" કરવાની છું."

આશા તો પોતે "પિરિયડ"માં આવે એ માટે ઉત્સુક હતી. પંદરેક દિવસ થયાં, તેથી એની ઇંતેજારી અને ચિંતા બન્ને વધી ગયેલ. પણ, સદનસીબે આશા "પિરિયડ"માં આવી એટલે ચિંતામાંથી છૂટકારો થયો. 

એ દિવસે યશુનો આનંદ આશા કરતાં પણ વિશેષ હતો. ભગવાન રામે મારી આશાને ઉગારી લીધી છે તેવા વિચારથી ત્રીજે દિવસે આશાને લઇને યશુ રામજીમંદિરે દર્શન કરવા ગઇ. 

યશુએ આશાની ચિંતામુક્તિ માટે ભગવાનનો થાળ માન્યો'તો! ઘેર જઇને લાડુનું મિષ્ટાન બનાવ્યું, ને મંદિરે થાળ ધરાવીને સૌ જમવા બેઠાં. સુમિતે કહ્યું પણ ખરું: "યશુ, આશાને લાડુ પ્રિય લાગે છે."

"આશાને એકલીને નહીં, મનેય ભાવે જ છેને!"

હવે આશા ચિંતામુક્ત હતી. સોનુને તેડીને રમાડે, ને કહેતી જાય: "જો બેટા, મમ્મી જેવોજ થજે, હોં! મમ્મી કેવી બધાંને વહાલી છે? એમ તુંયે બધાનો લાડકો થજે!"

યશુના ઘરે આશાનાં દિવસો ખૂબજ આનંદપૂર્વક પસાર થવા લાગ્યાં ને આશાના ફાયનલ યરનું "રીઝલ્ટ" પણ આવી ગયું; એણે ઊંચી મેરીટ સાથે ફાયનલની પરીક્ષા પાસ કરી હતી. 

યશુને પગે લાગીને બોલી: "દીદી, મારા "રીઝલ્ટ"માં તારો ફાળો અનન્ય છે. જો સર, દીદી મને ભણવા સિવાય કંઇ કે'તાં કંઇ કરવા દેતી નહીં. ખાવાથી માંડીને બધુંયે કામ દીદી જ કરતી ને હુંતો તૈયાર ભાણે ખાવાનું જ કામ કરતી."

"મને જરીક અમથું માથુ દુખવા આવ્યું હોયને, ત્યારે તો દીદી મારી પાસેથી જરાય આઘીપાછી થતી નહીં, બધું કામેય કરતી જાય ને મારી ચાકરી પણ કરતી જાય, મને ઉઠવા પણ ન દેય! હું સરખી ન થાઊં ત્યાંલગી એ બેચેન રહેતી હોય છે."

"દીદી જો પુરુષ હોતને સર, તો હું ચોક્કસ એને પરણી જાત! તમે રહી જાત! સર, તમે બહુ નસીબદાર છો, હોં? મારી દીદી તમને મળી ગઇ તેથી!"

"સાચું છે, આશા! પણ તારી દીદીને પ્રશંસા ગમતી નથી એટલે હું કરતો નથી. મેં નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોત તો મને કદીયે ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન થયું ન હોત?"

યશુએ બન્નેને આગળ પ્રશંસા કરતાં અટકાવ્યાં. બીજે દિવસે આશા થોડાં દિવસો માટે પોતાનાં ગામ જવા માટે નીકળી ગઇ, એ વખતે યશુએ ધીમેથી એને ટકોર કરી કે, "ફરી કોઇ ભૂલ થવી ન જોઇએ; ભગવાન એકવાર દયા કરશે, પણ પછી કમ્મનું ફળ ભોગવવું પડે. ક્યાંય મોહવશ થઈને ફસાતી નહીં."

આ બાજુ સુમિતનાં પ્રોગ્રામો દિવસે દિવસે વધવા માંડ્યા. એ ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો. એને ફિલ્મી ગીતો લખવા માટે તેમજ તે ગાવા માટેની ઓફરો મળવા લાગી. સાઇડ ઇનકમ ધરખમ રીતે વધવા માંડી. 

અતિવ્યસ્તતાને કારણે ખાવાપીવામાં બેધ્યાન બનવા લાગ્યો તેથી યશુ ઘણીવાર એને ટોકતી પણ ખરી, ને એકધારા આટલાં બધાં પ્રોગ્રામો નહીં કરવાનું સૂચન પણ કરતી. 

પણ, માણસને જ્યારે પૈસો અને પ્રતિષ્ઠાનો મોહ જાગે ત્યારે એ કોઇનું માને ખરો? સુમિત પણ એ બાબતે યશુનાં સૂચનની અવગણના કરતો થયો. 

એક મોડી રાતે સુમિત પ્રોગ્રામમાંથી ઘેર આવ્યો. આવતાંની સાથે જ કંઇપણ કર્યા વગર આવીને સીધો પલંગમાં સૂવા માટે પડ્યો; કપડાં બદલવાનો ટાઇમ પણ નહોતો! 

યશુએ જોયું કે સુમિત આ બધું બરાબર નથી કરી રહ્યો, પણ એણે તે રાતે કંઇજ કહ્યું નહીં. સવારે વાત છે, એમ નક્કી કરીને એ પણ સૂતી. સવારે એ તો એનાં ટાઇમે તોય ઊઠી ગઇ હતી. 

પણ સુમિત ઊઠવામાં આળસ કરી રહ્યો હતો. યશુએ સુમિતને જગાડવા જોરથી સાદ કર્યો એટલે સુમિત જાગીને પલંગમાંથી જેવો ઊભો થયો ને બે ડગલાં માંડ્યાં કે તરત જ ઉંધે માથે નીચે ફસડાઇ પડ્યો. 

એના અવાજથી યશુ સફાળી ત્યાં દોડતી આવી પહોંચી. ધીરેથી સુમિતને ચત્તો કરીને બોલી: "સુમિત, શું થાય છે? કેમ ઓચિંતા પડી જવાયું, હં...?" 

સુમિતે આંખો ખોલી પણ એને કંઇજ દેખાતું નથી! એ બોલ્યો: "યશુ, ચક્કર આવી ગયાં; હજી માથુ ખૂબ દુ:ખે છે; રહેવાતું નથી. પ્લીઝ, મને સૂવા દે."

યશુ ઊભી થઇ, પાણીનો ગ્લાસ લઇને થોડું પાણી સુમિતના મોંઢા પર છાંટ્યું, ને થોડું પાણી પી લેવા કહ્યું. સુમિતે ઇનકાર કરતાં કહ્યું: "પ્લીઝ યશુ, મને એમ જ થોડીવાર સૂવા દઇશ?"

"સુમિત, ચલો આપણે અત્યારે દવાખાને જઇએ. તારી તબિયત દેખાડીને પાછાં આવી જઇશું."

"ના યશુ. રાત્રે બહુ મોડો આવ્યો'તો; થોડો આરામ કરવા દઇશ તો ઠીક થઇ જશે. ચિંતા ના કર."

"ચિંતા તો થાય ને, સુમિત!? તને કંઇ થાય તો મારું ને સોનુનું શું થાય?"

"મને કંઇ નહીં થાય. એક કામ કર, મને ધીમેથી ઊભો કરીને પલંગ સુધી દોરી જા."

યશુ સુમિતને ધીમેથી ઊભો કરીને એના બન્ને ખભા પકડીને પલંગ ભણી લઇ જવા પ્રયત્ન કરે છે, પણ સુમિતને હજી ચક્કર શમ્યાં નથી; એ યશુના સહારે પણ ચાલી શકતો નથી. 

એટલે, યશુએ કહ્યું: "સુમિત, થોડોક પ્રયત્ન કર. મેં તને પકડી રાખ્યો છે; પડવા નહીં દઊં. બધું વજન મારા શરીર પર રાખીને ચાલ, ચલાશે. હિંમત કર, પ્લીઝ."

"સોરી યશુ. મને ફરીથી પડવાની બીક લાગે છે!"

"નહીં પડવા દઉં. તને હમણાં ઊંચકીને લઇ જઊં. પણ મને ડર છે કે હું તારું વજન ઉપાડીશ ને ચાલવા જતાં ક્યાંક આપણે બેય ભોંય ભેગા થયા હોઇએ તો? તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય! એટલે, પ્લીઝ, સુમિત! તું મને સહકાર આપ."

સુમિત છેવટે એનું સંપૂર્ણ વજન યશુ ઉપર રાખીને ચાલવાનો પ્રયાસ કરે છે. હળવે હળવે પણ યશુ એને ઢસડાતાં પગે પલંગ સુધી પહોંચાડીને ધીમેકથી સૂવડાવે છે. એનો જીવ આજે અધ્ધર થઇ ગયો છે. 

એ સુમિતની જોડેજ પલંગ પર બેસે છે. સુમિતનું માથું એની ગોદમાં રાખીને હળવે હાથે દબાવે છે ને શ્રી રામનું રટણ કરવા માંડે છે. મધુબા આવી પહોંચે છે. યશુને થોડો હાશકારો થાય છે.

"સોનુ ઊઠી જાય તો એને લઇ લેજો; હમણાં બધાં કામ રહેવા દો, બા. ઉતાવળ નથી. સુમિતની તબિયત ઠીક નથી." યશુએ મધુબાને કહ્યું એટલે મધુબા સોનુના પલંગે જઇને બેઠાં. 

થોડીવાર સુમિતનું માથુ દબાવીને યશુ સુમિતને પૂછે છે: "સુમિત, હવે કેમ લાગે છે? થોડી ચા કે કોફી પીવી છે? લીંબુનું શરબત પીશ?"

સુમિતે લીંબુનું શરબત પીવા ડોકું હલાવ્યું એટલે યશુ રસોડામાં દોડતી શરબત બનાવવા ગઇ. હજી એ શરબત બનાવીને સુમિતને બેઠો કરીને પીવરાવતી હતી ત્યાંજ સુમિતે પલંગમાં રહેરહે જોરથી ઊલ્ટી કરી. 

યશુ સુમિતને વાંસે હાથ ફેરવવા લાગી અને સુમિતની ઊલટી સાફ કરવા મધુબાને વિનંતી કરી. સોનુ હજી જાગ્યો નો'તો એટલે મધુબાએ ઊલ્ટી સાફ કરીને ત્યાં સાબુના પાણીમાં ભીનું કપડું ફેરવીને ચોખ્ખું કર્યું.

"ચલો સુમિત, અત્યારેજ દવાખાને જઇ આવીએ. બી.પી. હોય તો ખબર પડે."

"યશુ, પ્લીઝ અત્યારે મને આરામ કરવા દઇશ? ઊલ્ટી પછી રાહત લાગે છે. એવું લાગશે તો સાંજે જઇશું. ઓફીસ તો આજે જઇ શકાય એવું લાગતું નથી!"

"ઓફીસ તો આમેય આજે હું તમને જવા પણ ન દઊં. કહેતાં હોવ તો શરબત ફરી બનાવી આપું? નહીંતો ચા કે કોફી?"

સુમિતે કશું લેવાની ના પાડી અને માત્ર આરામ કરવા દેવાનું કહ્યું. બપોરે સુમિત જમવા પણ ઊઠ્યો નહીં, એટલે યશુ પણ જમી નહીં! સાંજે સુમિતની ઇચ્છા ન હોવા છતાં એને દવાખાને લઇ ગઇ. 

ડોક્ટરે બી.પી. ચેક કર્યું. નોર્મલ હતું. કદાચ "ટાઇમ બીઇંગ" બી.પી. આવ્યું હશે. ઉજાગરાને કારણે કે ખાધાપીધા વગર સતત વ્યસ્ત રહેવાને કારણે તકલીફ થઇ હશે. 

છતાં ડોક્ટરે "પ્રિકોશન" માટે દવા આપી અને જરૂર લાગે તો ફરી તબિયત બતાવી જવાનું કહ્યું. અત્યારે કોઇ રીપોર્ટ કરવાનું જરૂરી જણાયું નહીં. બન્ને શાંતિથી ઘેર પાછા આવ્યાં. 

રાત્રે બન્ને જણાંએ જમીપરવારીને સૂવા માટે પલંગમાં લંબાવ્યું ત્યારે યશુ બોલી: "સાચું કહેજે, સુમિત. સવારે તારા મોંએથી વાસ આવતી હતી, તારી ઊલ્ટી પણ વાસ મારતી હતી તો તેં કોઇ નશો કર્યો'તો?"

"તારી આગળ ખોટું નહીં બોલું, યશુ. પ્રોગ્રામ પત્યા પછી મિત્રોના ખૂબ આગ્રહને કારણે દારૂ પીવો પડ્યો'તો. ફરી ક્યારેય નહીં પીઊં. કસમથી કહું છું."
 
"સાચું કહે, આ પહેલીવાર જ પીધો હતો?"

"હા, પહેલી વાર જ."
 
"સુમિત, બહાદુરભાઇના દારૂના ધંધાને કારણે તો તને એમની "એલર્જી" છે તોપછી તારામાં અને એમનામાં ફેર શું?"

"હું કયાં રોજ પીઉં છું કે પીવાનો છું?"
 
"ફરી આવું કરીશ ને તો હું તારી સાથે રહી નહીં શકું! ભાઇને (સોનુને) લઇને ગમેત્યાં ચાલી જઇશ, સમજ્યો? મારા સુમિતની સામે કોઇ આ બાબતે આંગળી ચિંધે એ મારાથી સહન નહીં થાય."
 
"સોરી, યશુ. તારી સોગંદ, ફરી કદીયે આવી ભૂલ નહીં કરું."

"જોઊં છું. બીજુંકે, હવેથી તું આટલાં બધાં પ્રોગ્રામો ના કર. આમતો મેં જ તને પ્રોગ્રામો આપવા માટે ઉત્સાહિત કરેલો, પણ માપમાં કરવા માટે; એટલાં બધાં નહીં કે તારું શરીર અને મન બેય બગડે, સુમિત!"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."