મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૨)
સુમિતે યશુનાં સોગંદ ખાઇને ફરી કદીયે પીવાની ભૂલ નહીં કરે તેવું આશ્વાસન આપ્યું અને યશુની માફી પણ માંગી ત્યારે યશુએ કહ્યું: "જોઊં છું. બીજુંકે, હવેથી તું આટલાં બધાં પ્રોગ્રામો ના કર. આમતો મેં જ તને પ્રોગ્રામો આપવા માટે ઉત્સાહિત કરેલો, પણ માપમાં કરવા માટે; એટલાં બધાં નહીં કે તારું શરીર અને મન બેય બગડે, સુમિત!"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"આપણે કંઇ બહુ પૈસાવાળા નથી થવું કે બહુ ફેમસ પણ નથી થવું. આપણે પણ જીંદગી માણવાની છે. આપણે સોનુને લઇને બહાર ક્યાંય કોઇ સ્થળે આનંદ કરવા ગયાં છીએ? મને મન નહીં થતું હોય!?"
"સો ટકાની વાત કરી, તેં. હું તારા કહ્યા પ્રમાણે હવેથી પ્રોગ્રામ માપમાં જ કરીશ. આપણે ટુરબુરમાં પણ જઇશું ને જીંદગીને માણીશું."
એ પછી, સુમિતે યશુની વાત પૂરેપૂરી પાળી બતાવી. પ્રોગ્રામો ઓછાં કરી દીધાં અને સિમલા, મનાલી જેવાં હિલસ્ટેશનોએ ફરવા જઇ આવ્યાં. યશુ સાથે ખૂબ રોમાન્સ પણ કર્યો.
રોમેંટિક ક્ષણોને કેમેરાથી ફોટાઓમાં કંડારી પણ લીધી. સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવી સ્થાનિક ધાર્મિક યાત્રાઓ પણ કરી. હરિદ્વાર જેવાં પવિત્ર સ્થળોએ પણ યાત્રા કરી. આથી યશુ ખૂબજ પ્રસન્ન રહેતી.
એક દિવસ બન્ને નિરાંતની પળો માણી રહ્યાં હતા ત્યારે યશુએ એની ઇચ્છા પ્રગટ કરતાં કહ્યું: "સુમિત, આપણે સોનુની પહેલી વરસગાંઠ મનાવી ત્યારે કંચનદીદીની હાજરી હતી. સોનુને પાંચમું વર્ષ ચાલે છે."
"એની પાંચમી વરસગાંઠ નિમિત્તે કોઇ સરસ મજાનું ફંકશન ગોઠવીએ તો કેમ રહે?"
"ચોક્કસ, સરસ રહે. તારી ઇચ્છા છે તો મારે એ પૂરી કરવાની જ હોય! પણ, મારી પણ એક ઇચ્છા છે- મારે તારાથી એક બાળક જોઇએ છે!"
"અરે, કેવી વાત કરે છે? સોનુ મારો જ છોકરો છે ને!? તું એવું કેમ માને છે કે એ કંચનદીદીનો છે? શું હું ક્યારેય એને અળગો કરી શકું એવું લાગે છે તને? તને મારા પર વિશ્વાસ નથી?"
"વિશ્વાસની વાત નથી. જેમ કંચને મને સોનુ આપ્યો એમ તું મને કોઇ બાળક ન આપે!? તારાથી મારું એક બાળક થાય એ માટે મારો અધિકાર ખરો કે નહીં?"
"તેં મને કહેલું ને કે મારો તારા પર પૂરેપૂરો અધિકાર છે અને એ અધિકારથી મને તું ક્યારેય વંચિત નહીં રાખે?"
"હાસ્તો! હું તારી તો છું! આપણે એકજ આત્માથી જોડાયેલાં બે ખોળિયાં છીએ. તને કોઇ વાતની ઉણપ નહીં રહે એવુંતો હું આજેય ક્યાં નથી કે'તી?"
"તો પછી મારી આ એક ઇચ્છા પૂરી કરને! સોનુ તારો નથી એવું હું ક્યારેય કહેતો નથી, ને કહીશ પણ નહીં. પણ, એને જનમ દેનારી તો કંચન છે. ખરું કે નહીં? એ હકીકત તો સ્વીકારવી પડે કે નહીં?"
"તારી કૂખેથી બાળક એટલા માટે યાચું છુ કે એનું લોહી, એનાં હાડમાંસ, એના જીન્સમાં તારી છબી ચિતરાયેલી હોય તો એ બાળકમાં હું તને નિહાળી શકું, તારાંજ સ્વરૂપને પરોક્ષપણે પણ માણી શકું!"
"અને જો એ છોકરી હોય તોતો એ જ્યારે મોટી થાય ત્યારે યશુ, તારી કોલેજકાળની અપ્રતિમ સુંદરતાને એનામાં જોઇને આપણાં ભૂતકાળનો આનંદ પણ લઈ શકું!"
"વાહ, કવિ છો ને! બોલતાં તો બહુ સરસ આવડે!"
"મારી વાત ખોટી હોય તો કહે. પણ આજે તું મને ખાતરીથી કહે કે તું મારા બાળકને જનમવા દઇશ. હું દરેક ભવમાં તારો ઋણી રહીશ!"
"સારુંસારું, મારા રામજીનું રટણ કરો. એની મરજી હશે તો ચોક્કસ મારી કૂખેથી સંતાનપ્રાપ્તિની તમારી ઇચ્છા હું પૂરી કરીશ."
સોનુની વરસગાંઠનો પ્રસંગ યશુની ઇચ્છા મુજબ ખૂબ રંગેચંગે ઉજવાયો. મહોલ્લાનાં પાડોશીઓને નિમંત્રણ હતું.
તે સૌ હાજર રહેલ ત્યારે લોક્જીભે ચર્ચા થવા માંડી કે આ બાઇ એના સાવકા દીકરાને પણ કેટલું હેત વરસાવે છે! સાવકો છતાં પોતીકો હોય એવી રીતે ખુશાલી મનાવે છે!
જ્યારે યશુના કાને આવી ચર્ચા સાંભળવામાં આવતી ત્યારે તે દુ:ખી થતી અને અચૂક્પણે કહેતીયે ખરી: "સોનુને મારો સાવકો દીકરો કહીને એને મારાથી દૂર કરવાનો, મહેરબાની કરીને, કોઇએ પ્રયત્ન ન કરવો."
જ્યારેજ્યારે યશુ કોઇના મોઢેથી સોનુ માટે સાવકો દીકરો કે કંચનનો દીકરો શબ્દો સાંભળતી ત્યારેત્યારે તે ફરીનેફરી આવી કાકલૂદી સૌને બે હાથ જોડીને કરતી.
યશુ આ જ કારણથી સોનુને એના મોસાળમાં પણ ક્યારેય એકલો મોકલતી નહીં; એને સાથે રાખીને જ જતી અને ક્યાંયપણ એને રેઢો મૂકતી નહીં. સતત એ સોનુના પડછાયાની જેમ એની સાથે જ રહેતી. કેમ કે, રખેને સોનુ એ જાણી જાય કે યશુ એની સગી મા નથી!
બે માસ વિત્યા છતાં યશુને આ વખતે માસિક આવ્યું નહીં. એને લાગ્યું કે એને ગર્ભ રહ્યો છે. થોડાં દિવસો હજી એ રાહ જોવા આતુર હતી. ઉતાવળમાં હરખપદુડા થઇએ, ને પછી ધારણા ખોટી પડી હોય તો સુમિત નિરાશ ન થાય! એટલે સુમિતને હમણાં કંઇ જ કહેવું નથી.
એ અરસામાં આશાએ યશુના ઘરની મુલાકાત લીધી. આશાને તો વાત કરવી જ પડે. એતો પાછી ડોક્ટર! એને ખ્યાલ પણ આવી જશે! એવા વિચારથી યશુએ આશાને જણાવ્યું કે, પોતાને બાળક રહ્યું હોય તેમ જણાય છે. આશાએ તો વાત સાંભળતાંવેંત ખુશખુશાલ થઇને યશુને પોતાની બાહોપાશમાં જકડી લીધી.
યશુ જાણે કે બાળક હોય એમ આશાએ બન્ને હાથ યશુની ફરતે વીંટાળીને ખૂબ આસાનીથી યશુને તેડી લીધી અને એને ગોળ ફુદડી ફેરવવા માંડી. સુમિત ઘેર નહોતો એટલે આશા યશુને દવાખાને લઇ ગઇ. યશુને ગર્ભ રહ્યો છે એ વાતની ખાતરી થઇ.
ઘેર આવતાં રસ્તેથી આશાએ પેંડાનું બોક્સ ખરીધ્યું ને ઘેર આવીને બન્ને સખીઓએ એકબીજાને મોં મીઠું કરાવ્યું. સોનુએ મમ્મી પાસે પેંડો માંગ્યો.
આશા હરખમાંને હરખમાં સોનુને પેંડો ખવડાવવા જતી હતી ત્યાંજ યશુએ ટકોર કરી કે, "આશા! આ શું કરે છે? મારા સોનુને આખો પેંડો અપાય? કફ થઈ જશે, ખબર નથી પડતી?"
"અરે, યશુ, મારી મા! હું ડોક્ટર છું, તારા સોનુને કફ નહીં થવા દઊં. તુંતો સોનુની ચિંતા કંચનદીદી કરતાંયે વધારે કરે છે! કંચનદીદી જીવતી હોત તોયે આટલી ચિંતા ના કરત."
"આશા! આજ પછી તું ક્યારેય કંચનદીદીને સંભારીશ નહીં, પ્લીઝ."
"કેમ? કંચનદીદીને તો તું ખૂબ ચાહે છે, છતાં એને સંભારવાની કેમ ના પાડે છે?"
"દીદીને આજેય હું ક્યાં નથી ચાહતી? એમને તો હું મારી આદર્શ માનીને ચાલું છું. પણ હવે એ ક્યાં આપણી વચ્ચે છે? એટલે, મારા સોનુની કંચનમમ્મી હું જ છું ને એની સગી મા પણ હુંજ છું, સમજી, મારી પ્યારી આશુ?"
"સમજી ગઈ, દીદી. આખીયે સૃષ્ટિમાં મારી આ યશુદીદીની તોલે કોઇ કે'તાં કોઇ આવી શકે નહીં. દીદી! ઊંમરનાં પ્રમાણમાં તું કેટલી બધી પીઢ થઈ ગઈ છે?"
"હુંયે તારી કૂખે જન્મી હોત તો? મને તો સોનુની ઇર્ષ્યા થાય છે; એની યશુમમ્મીનો એ દીકરો હોવાનું એનું સદ્ભાગ્ય છે."
"અરે, મારી પ્યારી આશુ! એતો મારું સદ્ભાગ્ય છે કે સોનુ મારો દીકરો છે ને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે."
"દીદી, હું તો તારામાં મારી માને જોયા કરું છું. તું જેમ સોનુને તારો માનસ પુત્ર ગણે છે તેમ મને તારી માનસ પુત્રી ગણેને તો હું ખૂબજ રાજી થઈશ. ગણીશને, દીદી?"
"આશુ! તું ચાહે તો મને બહેન ગણે, દોસ્ત ગણે કે મા ગણે, પણ આ યશુ ગમેતે રૂપમાં તારી જ છે, તારા માટે જ જીવે છે ને વખત આવ્યે તારા માટે મરવા પણ તૈયાર હશે."
બન્ને સખીઓ વચ્ચે સંવાદ ચાલતો હતો ત્યાંજ સુમિત ઘેર આવી ચડયો. એટલે આશાએ જ વાત કરી કે પોતે ફરી માસી બનવાની છે, એણે સુમિતને પણ મોં મીઠું કરાવ્યું.
આશા અત્યારે ઓબસ્ટ્રેશીયનનું જ ભણતી હતી અને બસ, હવે એ પણ પુરું થઈ જવા આવ્યું છે. એટલે એણે સહજ રીતે જ કહ્યું: "યશુ, ભલું હશે તો હું જ કદાચ બાળકનો જન્મ કરાવીશ!"
"ચાર મહિનામાં તો હું ઓબસ્ટ્રેશીયન થઇ જઇશ. તારી ડીલીવરી થી જ મારી કારકિર્દીની શરૂઆત થાય તો કેવું સારું?"
"હું આજે બહુ રાજી થઇ છું ને હવે અહીં આવતી રહીશ, પણ તું સરને લઇને નિયમિત ચેક કરાવતી રહેજે અને ખાવાપીવામાં ખાસ કાળજી રાખજે."
"ઉપવાસ ને એવાં બધાં અઘરાં વ્રતો હમણાં કરતી નહીં, હોંકે?" સુમિત ખૂબ જ ખુશ હતો ત્યાં બીજે દિવસે એની ઓફીસમાં સુરતથી જયાનો ફોન આવ્યો.
જયા પણ પ્રેગ્નેન્ટ હતી અને એનાં સાસરિયાનો આગ્રહ હતો કે જયાની ડીલીવરી માટે સુમિત એને અમદાવાદ લઇ આવે.
સુમિતને થાય છે: "બહેન છે, મારી ફરજમાં આવે જ છે કે હું જયાને અહીં તેડતો આવું ને અહીંજ એની સુવાવડ થાય. પણ, યશુ પણ પ્રેગ્નેન્ટ છે, એ જયાનું ધ્યાન કેમની રાખી શકે?"
એણે યશુને આ વાત કરી તો યશુનો પ્રતિભાવ જોતાં યશુ માટે અજાણ્યા માણસને પણ અહોભાવ જાગે! યશુએ કહ્યું: "એ તો સારી વાત છે. તમે જરીકેય ચિંતા નહીં કરશો."
"જયાદીદીને ખુશેથી અહીં લઇ આવીશું. મારા રામજી બધું પાર પાડશે. આપણાં કરતાં એને વધુ ચિંતા છે!"
જયાદીદીને તેડી લાવવા સુમિત અને યશુ બન્ને સુરત જાય છે, પણ કુદરતે કંઇ જુદું જ નિર્મ્યું'તું!
જે દિવસે તે બન્ને સુરત ગયાં એની આગળની રાતેજ જયાને મીસકેરેજ થઈ ગયેલ! જયાદીદી યશુને વળગીને ખૂબ રડી. એને પૂરતી સાંત્વના આપીને બન્ને ઘેર પરત આવ્યાં.
સુમિત યશુનાં નિયમિત "ચેક અપ" માટે દવાખાને લઈ જવાની પૂરી કાળજી લે છે. ડોક્ટરે ભારે કામ કરવાની ના પાડી હતી, ને મધુબાને કામે તો રાખ્યા જ હતા, છતાં યશુ મધુબાના પ્રત્યેક કામમાં મદદ કરે છે.
સુમિત જ્યારે એને આરામ કરવાની વાત ઉપર ભાર આપે છે ત્યારે યશુ એક જ જવાબ આપે છે: "ડોક્ટરો તો કહે! અમારે ગામડે તો બધું જ કામ કરતી હોય તોપણ ક્યારેય કોઇ બાઇને ડીલીવરી વખતે જરાય તકલીફ નથી પડતી."
"ઉલ્ટાનું, નોર્મલ ડીલીવરી થતી હોય છે. એટલે તમે નાહકની ચિંતા કરો છો. મારે તો મારા રામનો રખોપો છે!"
યશુના સીમંત માટેનું શુભ મુહુર્ત નક્કી થાય છે. આશા જ્યારે ઘેર આવી ત્યારે આશાને જાણ કરી અને સીમંત વખતે એણે અવશ્ય હાજરી આપવાની છે એવું ભારપૂર્વક આશાને આમંત્રણ આપ્યું.
આશાએ પણ એ અચૂક આવશે એની ખાતરી આપી. આશાએ હવે યશુને પોતાની સગાઇ વિશે વાત કરી.
યશુએ પૂછ્યું: "અરે! એવું ભાગ્યશાળી કોણ છે? અને એ ક્યાં છે? તું એને અહીં કેમ ન લાવી? એ પણ ડોક્ટર જ હશે ને?"
"હા, એણે તો મારા પહેલાં પીજી અમેરિકા જઇને કરી લીધેલું છે. એ કાર્ડીઓલોજીસ્ટ છે. અમેરિકાથી ટૂંક સમયમાં આવી રહ્યા છે એટલે અત્યારે હું એને સાથે કેમની લાવું?"
"અમે બન્નેએ એકબીજાનાં બાયોડેટા અને ફોટા જોઇને પસંદ કરેલ છે. એનાં પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ એકબીજાને સારી રીતે ઓળખે છે એટલે બન્ને પક્ષેથી હા છે. એ જ્યારે આવશે ત્યારે અમે એકબીજાને મળીશું ત્યારે વધુ પરિચય થશે."
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
