ઇમોઝોન -21 (લઘુનવલ) લેખિકા:- હીના મોદી

Related

ઇમોઝોન -21 (લધુનવલકથા) imozon-21 short novel — લેખિકા: હીના મોદી


ઇમોઝોન- 21 - લેખિકા હીના મોદી સુરત
ઇમોઝોન -21 (લઘુનવલ)

લેખિકા: હીના હેમંત મોદી
૯, સિદ્ધિવિનાયક રો હાઉસ, ઝુડીયો મૉલની પાસે, આનંદમહલ રોડ, અડાજણ, સુરત. Mob: +91 99256 60342

પરિચય: ૨૦૨૦ અને ૨૦૨૨ શ્રેષ્ઠ પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો, આ સહિત પંદરથી વધુ પુરસ્કાર પ્રાપ્ત થયાં. પંદર પુસ્તકો પ્રકાશિત, વિવિધ સામાયિકો', રેડિયો, એપ્લીકેશન અને વર્તમાનપત્રોમાં કવિતા, વાર્તા, પત્રો વિગેરે પ્રકાશિત. રાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઇન અને ઓફલાઇન 'વિવિધ મંચ પર સાહિત્યિક પ્રસ્તૃતિ.
============
આ લઘુનવલ કુલ ૧૬ પ્રકરણમાં છે.

હણહણતાં શ્વાસ

એ દિવસે જય ભારતમ હોસ્પિટલનાં આઇ.સી.યુ. વોર્ડમાં દોડાદોડી હતી. હેડ નર્સ વિશાખાએ ત્યાં હાજર ડૉક્ટરને સફાળા અવાજે બૂમ પાડી બોલાવ્યાં. આઇ.સી.યુ. વોર્ડમાં હાજર એમ.ઓ. ડૉ.આરોહી બેડ નં. 6 તરફ ધસી આવ્યાં.

પેશન્ટની પરિસ્થિતિ વધુ વણસતી જણાતાં એમણે સિસ્ટર વિશાખાને ઇન્ટેન્સીવ કેર યુનિટનાં હેડ ડૉ. દિવ્યેશ દેસાઈને ઇન્ફોર્મ કરવા જણાવ્યું.

ગણતરીની મિનિટોમાં ડૉ. દેસાઈ આવી પહોંચ્યાં. પેશન્ટને તપાસી પોતાની તમામ કાબેલિયત કામે લગાવી અનેક પ્રયત્નો પછી એમણે વોર્ડનાં હાજર ડૉ.આરોહીને જણાવ્યું "પેશન્ટનાં સગાંને મળવા માટે રજા આપો અને મને પેશન્ટનાં અપડેટ જણાવતાં રહો". કહી ડૉ. દેસાઇ આઇ.સી.યુ વોર્ડમાંથી નીકળી પોતાની કેબીનમાં ગયા.

વેઈટિંગ રૂમમાં બેઠેલી માલાએ ડૉ. દિવ્યેશનાં કપાળ પર ઉપસેલી રેખાઓ જોઈ. માળાનાં માનો મસ્તિકમાં એનાં દિમાગમાં એકસામટાં અનેક નકારાત્મક વિચારોએ હુમલો કર્યો. પણ, એનું દિલ માનવા તૈયાર નહીં હતું.

માલાને જાણે, સુરજ આજે ગોળગોળ ઘૂમતો, ચક્કર ખાતો ભાસતો હતો. એ પોતાનું મન માતારાણીનાં જાપમાં કેન્દ્રિત કરવા મથી રહી હતી.

સિસ્ટર વિશાખાએ વેઈટિંગ રૂમમાં આવી કહ્યું, "ગુલમહોરનાં સગાં પેશન્ટને મળી શકે છે." માલાનાં ખોળામાં માથું નાંખીને ગુમશૂમ સૂઈ રહેલી શ્રેષ્ઠી પણ સફાળી ઉભી થઈ ગઈ. સિસ્ટરે શ્રેષ્ઠીને આઇ.સી.યુ.માં પ્રવેશ માટે મનાઈ ફરમાવી. માલાએ સિસ્ટર અને સ્ટાફને ખૂબ આજીજી કરી. માલાએ કરગરતાં અવાજે બે હાથ જોડી કહ્યું,, " ગુલમહોર એની દીકરીને જોશે તો એના હામમાં હામ ભરાશે. એનો જીવ એની દીકરી માટે તડ૫તો હશે. પ્લીઝ થોડી રહેમ કરો." સિસ્ટરને માલા પર દયા આવી. શ્રેષ્ઠીનો નિર્દોષ ચહેરો જોઈ સિસ્ટરનું હદય પીગળી ગયું. સિસ્ટર વિશાખાએ આઇ.સી.યુ. વોર્ડનાં મેડિકલ ઓફિસર ડૉ.આરોહીને બેડ નં.6 નાં સગાં બાળકીને વોર્ડમાં લઈ આવવા જીદ કરે છે એવું જણાવ્યું. ડૉ.આરોહી શ્રેષ્ઠીની હાલતથી પરિચિત હતા આથી, એમણે રજા આપી નહીં. છેવટે માલાએ શ્રેષ્ઠીનાં ગાલ પર ટપકતી લાળ સાફ કરી. એક ખૂણામાં બેસાડી. આજુબાજુમાં બેઠેલ બીજા પેશન્ટસનાં સગાંને શ્રેષ્ઠીનું ધ્યાન રાખવા કહ્યું. રૂપરૂપનો અંબાર, નીલી પણ ઝીણી આંખો અને આછા પાતળા ભૂખરા પણ લાંબા વાળ, છીંબુ નાક, ગુલાબી ગાલવાળી શ્રેષ્ઠીને જોઈ ત્યાં બેઠેલ વિઝીટર્સ એકબીજાની સામે આશ્ચર્યની નજરે જોઈ રહ્યાં. એકબીજાની આંખોમાં આંખો નાંખી જાણે પરિસ્થિતિનો અને ખાસ તો શ્રેષ્ઠીનો તાગ મેળવવા મથામણ કરી રહ્યા હતા. પાછળની બેંન્ચ પર બેઠેલ વૃદ્ધા એમની અનુભવી આંખોથી પરિસ્થિતિ સમજી ગયા. એમણે કહ્યું,. " વાંધો નહીં. તમ તમારે જાઓ. હું અહીં બેઠી જ છું હું દીકરીનું ધ્યાન રાખીશ."

માલા આઇ.સી.યુ. વોર્ડમાં ધ્રુજતા પગે અને હાંફતાં શ્વાસે દાખલ થઈ. બેબાકળી થઈ દરેક બેડ પર નજર ફેરવી રહી હતી.

સિસ્ટરે વિશાખાએ આંગળી ચીંધી ગુલમહોરનો બેડ બતાવ્યો. માલા ગુલમહોરનાં બેડ સુધી પહોંચતા રીતસર ટૂટી રહી હતી. એણે પોતાની ભીતરની તમામ ઊર્જા એકઠી કરી ગુલમહોરનો હાથ પોતાનાં હાથમાં લીધો. માલાનાં હાથનાં સ્પર્શથી ગુલમહોરમાં થોડી સભાનતા ઘડીભર માટે આવી. ગુલમહોરનાં હોઠ દડડી રહ્યાં હતાં. એ કશુંક કહેવા મથતી હતી. પરંતુ, એનો અવાજ બહાર આવી રહ્યો ન હતો. માલાએ પોતાનો બીજો હાથ ગુલમહોરનાં કપાળે પસવાર્યો. ચૂમીઓ ભરી અને કહ્યું, "ગુલ! તું જે કંઈ કહેવા માંગે છે એ બધુ તારાં હણહણતાં શ્વાસમાં મને સંભળાય છે. તું જરાયે ચિંતા કરીશ નહીં. શ્રેષ્ઠીને ભલે તે જન્મ આપ્યો પણ એની પાલક ‘મા’ હું છું. તું 'મા' હોવા છતાં એનાં બાપની તમામ જવાબદારી નિભાવી છે. શ્રેષ્ઠી મારી પણ જવાબદારી છે. હું પણ એની 'મા' હોવાની સંપૂર્ણ જવાબદારી નિભાવતી આવી છું. અને, આજીવન નિભાવતી રહીશ. શ્રેષ્ઠી આપણાં બંનેનાં માવજતનું ફૂલ છે. હું એને ક્યારેય કરમાવવા નહીં દઉં. હું એનાં માટે જીવીશ. ઘણું જીવીશ. એ જીવશે ત્યાં સુધી હું પણ જીવીશ. કોઈ માણસ તો શું પવનનું ઝોકું પણ એનો વાળ વાંકો નહીં કરી શકે. આ મારું વચન છે."

માલાના શબ્દોથી જાણે ગુલમહોરનાં હદયમાં શંખનાદ ફૂંકાયો એનાં ચહેરા પર સંતોષની રેખાઓ અંક્તિ થઈ. ગુલમહોર અને માલાએ માથું હલાવી એકમેકને સહમતી આપી. ગુલમહોર કંઈક કહેવા માંગતી હતી. પરંતુ, એનાં અવાજમાં ઘરરરાટ શરૂ થઇ ગયો. એની છાતી ધમણની જેમ ઉછાળા મારતી હતી. મોનીટરમાં બીપ..બીપ..અવાજ શરૂ થઈ ગયો. નર્સીંગ સ્ટેશન પરથી એમ.ઓ. ડૉ.આરોહી સહિત આખો સ્ટાફ દોડી આવ્યા. સેકન્ડનાં છઠ્ઠા ભાગમાં ડૉ. દિવ્યેશ દેસાઇ પણ દોડી આવ્યાં. એમણે તમામ પ્રયત્નો કર્યા. પણ, જીવન વેરવિખેર કરનાર ઇ.સી.જી.ની લીટીઓ સીધી થતાં કોઈ રોકી શક્યું નહીં.. ઈ.સી.જી.ની લીટીઓ સીધી થઇ ગઈ. પરંતુ, હવે જીવન કેવાં – કેવાં વળાંકો લેશે અને પોતે પહાડ જેવી જિંદગીને કેવી રીતે સંભાળશે એવાં વિચારોથી માલા શૂન્યમનસ્ક થઇ ગઈ. માલા સ્તબ્ધ થઈ ગઈ. એ સ્થિર પહાડ જેવી ત્યાં ને ત્યાં જ ખોડાય ગઈ. સિસ્ટર વિશાખાએ માલાની પીઠ થપથપાવી એને વિચારતંદ્રામાંથી બહાર કાઢી. હોસ્પિટલનાં સ્ટાફે માલાને હાથ પકડી કોરીડોરમાં બેઠેલ શ્રેષ્ઠી પાસે લઈ ગયા. ત્યાં સુધી પહોંચવામાં માલાને માઇલો ચાલ્યાનો થાક લાગ્યો.

પરંતુ, શ્રેષ્ઠીનાં માસૂમ અને પ્રશ્નાર્થ ચહેરાને જોઈ માલામાં બ્રહમાંડની અગમ્ય શક્તિનો સંચાર થયો. આંખોમાં ધસમસતાં પ્રવાહને એણે પાંપણની પાળથી રોકી દીધો.

પરંતુ, શ્રેષ્ઠીનાં જીવનમાં સૂરજ આજે ગોળ ખાઈ ઉગ્યો. જાણે શ્રેષ્ઠીનાં આખા આયખામાં નવો પ્રાણ ફુંકાય રહ્યો. શ્રેષ્ઠીનાં સુવાળાં હાથ માલાનાં ગાલ પર ઝાંકળની જેમ થીજી ગયેલ આંસુઓ લૂછી રહ્યાં હતાં. માલાનાં દુપટ્ટાથી શ્રેષ્ઠીએ પોતાની લાળ જાતે જ લુંછી અને મોં સાફ કર્યું. અચાનક શ્રેષ્ઠીમાં સ્ફૂરેલી સમજણથી માલની છાતીને ભીંસી રહેલ ડૂમો ઓગળી ગયો. એક તરફ માલાનાં ગળે બાઝેલો ડૂમો ધમાસણ મચાવી રહ્યો હતો તો બીજીતરફ શ્રેષ્ઠીનાં ચમત્કારિક અને બદલાયેલ વર્તનથી એનાં હૈયે આનંદનો હાશકારો થઇ રહ્યો હતો. પરંતુ, માલા આ ઘટનાને સમજી શકતી ન હતી એ મનોમન વિચારતી હતી જિંદગી ક્યાં વળાંકે આવી ઊભી છે? ડર, ભય, આનંદ, હાશકારો આ બધી મિશ્રિત લાગણીઓ ધમાસણ યુદ્ધ કરી રહી હતી. માલાના દિલો- દિમાગમાં મહાયુદ્ધ ચાલી રહ્યું હતું.

ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને કળી શક્તી ન હતી. એ ફરી ગુલમહોરનો ખાલીપો અનુભવી રહી હતી. હે ગુલમહોર! તું આમ જઈ નહીં શકે? મને એકલી મૂકીને આમ જઈ નહીં શકે. આ મહાસાગરમાં મારી નાવ આલકડોલક થઈ રહી છે. પ્લીઝ! ગુલમહોર પાછી આવીજા.

“બહેન! તમારું બિલ ભરી દો.” કાઉન્ટર પરથી અવાજ સાંભળી, માલા એના વિચારતંદ્રામાંથી બહાર સફાળી જાગી ગઈ. પરિસ્થિતિને સ્વીકારી. એણે પોતાની ભીંસાતી છાતી ઉપર મણનો પથ્થર મુક્યો. હવે માલા મજબૂત બનવા મથામણ કરી રહી હતી. એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહીં હતો. એ હોસ્પિટલની પ્રોસિજર એકલા હાથે કરી રહી હતી. શ્રેષ્ઠી એની ટપકતી લાળને પોતે જ પોતાનાં હાથથી, તો ક્યારેક માલાનાં દુપટ્ટાથી, તો ક્યારેક હેન્ડબેગમાંથી નેપકિન કાઢી લૂછી લેતી હતી.

જીવતેજીવ ગુલમહોર રોજબરોજની રીતભાત શ્રેષ્ઠીને નહીં શીખવી શકી તે આજે કુદરત શ્રેષ્ઠીમાં પુરી રહ્યો હતો. આમ, અચાનક શ્રેષ્ઠીની વર્તણુંકમાં આવેલ ફેરફારથી મેઘધનુષ ખુદ આજે રંગોળીથી પુરી રહ્યું હતું. એ, જોઈ માલા વારંવાર અવાક થઈ રહી હતી. તો બીજી તરફ ગુલમહોરનાં વિરહથી એનું હૈયું અંદરોઅંદર વલોપાત કરી રહ્યું હતું. જિંદગી એક તરફ રણ તરફ તો બીજી તરફ શહેર ભણી દોડતી અનુભવી રહી હતી. મનોમન દ્વન્દ્વ યુદ્ધ સામે એકલે હાથે મોરચો લઇ, ભારે હૈયે માલા ગુલમહોરનો મૃતદેહ ઘરે લઈ આવી. એનાં હાથપગ ધ્રુજતાં હતાં. છતાં, મન મક્કમ હતું. જીવન કસોટીની એરણ પર જાણે નૃત્ય કરી રહ્યું હતું.

એ જાણતી હતી "જે કરવાનું છે એ બધું મારે એકલીએ જ કરવાનું છે."
============

કુદરતે કોડિયામાં ઘી પૂર્યું

ગુલમહોરની મરણોત્તર બધી વિધિ માલા એ છાતીએ પથ્થર મૂકી શ્રેષ્ઠી પાસે પૂરાં સમર્પણ ભાવે કરાવી. જેથી ગુલમહોરનું તર્પણ થાય અને એનાં આત્માને શાંતિ મળે.

આમ તો, ગુલમહોર કે માલાનાં કોઈ અંગત સગાં હતા નહીં. પણ, એમનાં ક્લાયન્ટસને જેમ -જેમ સમાચાર મળતાં ગયા એમ એમ એકલદોકલ માલાને આશ્વાસન આપવા આવતાં હતાં. ગુલમહોરનાં ફોટા સમક્ષ દરેક એક જ વાત કરતાં "બિચારી! ગુલમહોર..ભગવાને બહુ કસોટી લીધી. ભલે એનો દેહવિલિન થયો પણ આત્મા તો પોતાની સગી જણી દીકરીમાં જ હોય ને. આજે ચૌદ વર્ષની જુવાન દીકરી!"... આ સમાજમાં સમજું દીકરીઓને ફસાવવાળાં મવાલી ઘણા છે. તો આ નાસમજુ દીકરીનું શું થશે.? અને પછી શબ્દો ગળી જતાં. ફરી બોલતાં ભગવાન એનાં આત્માને શાંતિ અર્પે"

માલા ધસમસતા આક્રંદને રોકવા સફળ રહેતી. પણ, શ્રેષ્ઠી બધુ સમજી શકતી હતી. એ એની ગુલાબી કૂણી કૂણી હથેળીથી માલાને પસવારતી અને પીવા પાણી લઈ આવતી. શ્રેષ્ઠીનો બદલાયેલ વહેવાર જોઈ જોનારા પણ અચંબામાં પડી જતાં અને ભગવાનનાં આયોજન અને કુદરતની કરામત પર શ્રદ્ધાથી એકમેક સાથે ચર્ચા કરતાં અને કહેતાં આ તો ગજબનો ચમત્કાર. જાણે કુદરત કોડિયામાં ઘી પૂરી ગયું હોય એમ શ્રેષ્ઠીની ચપળતા જગમગવા મંડી છે. અંદરોઅંદર એકબીજા સાથે વાતો કરતા "બિચારી છોકરીનું કોઈ સંગુંવહાલું નથી. પારકાં તે પારકાં અને પોતાનાં તે પોતાનાં. ભલે માલા હમણાં બધું સાચવે છે પણ લોહીનો સંબંધ તો નહીં જ ને. આ જમાનામાં પોતાનાં નથી થતાં તો પારકાં તો ક્યાંથી થાય! સૌ સ્વાર્થનાં સગાં હોય. વળી,જુવાનજોધ છોકરી. ભગવાનને રૂપ પણ ખોબલે ખોબલે દીધું છે. "વળી કોઈ બોલતું" બિચારી ‘મા’ વગરની દીકરીને ઉપર વાળી માવડી જ સાચવી લેશે. એ બહુ દયાળું છે." 'ચાર મોઢાની બાર વાતો.' માલા સમજી શકતી ન હતી લોકો શું કામ પંચાતી કરે છે? જાણે શ્રેષ્ઠીનાં દુઃખનો ડુંગર પોતે ઉંચકી લેવાના હોય એમ. કટાક્ષ વેણ ઓકતાં કોઈને સંકોચ થતો ન હતો.

માલા થોડીવારમાં લોકોની વાતો ભૂલી જતી. અને પોતે જે યજ્ઞ હાથમાં લીધો છે એમાં કોઈ કચાશ રહે નહીં એ રીતે તન, મન ધનથી કાર્યરત થઈ જતી.

માલાએ ગુલમહોરની અંતિમ સંસ્કારથી લઈ તર્પણ સુધીની બધી વિધિ શ્રેષ્ઠીનાં હાથે કરાવી. માલાએ શ્રેષ્ઠીનાં હાથે આંગણામાં ગુલમહોરની યાદમાં ગુલમહોરનાં છોડનું વૃક્ષારોપણ કરાવ્યું. માલાની આજ્ઞાનું પાલન શ્રેષ્ઠી કરતી હતી. શ્રેષ્ઠીએ નહીં તો ક્યારેક રાડારાડ કરી કે નહીં તો ક્યારેક ચીસો પાડી. જાણે એક તોફાની સમંદરે શાંત પડી રળિયામણું સ્વરૂપ ધારણ કરી લીધું. ક્ષિતિજનાં સૌંદર્યની માફક શ્રેષ્ઠીની સમજણ પણ સોહી ઉઠી. શ્રેષ્ઠી જ્યારે જીદે ચડતી ત્યારે કાળા નાગની જેમ ફૂંફાડા મારતી જે આજે કોકડું વાળી શાંત પડી ગઈ જાણે એના ભાલે મણી શોભી રહ્યો હોય એમ એનામાં ડાહપણ આવી ગયું.

ભેંકાર ભાસતી ઘરની ભીંતો તરફ મીટ માંડી માલા મનોમન વિચારતી રહી કુદરત તારી કળા સમજવાને હું પામર છુ. હે પ્રભુ! આ તારી રહેમ છે કે કહેર. હું કશું સમજી શકતી નથી. એ મનોમન ગુલમહોર સાથે વાતો કરતી "ગુલ! તું આપણી શ્રેષ્ઠીને જોઇ રહી છે ને! જો કેવી સર્વમાં શ્રેષ્ઠ છે. તું હોત તો... "

એક દિવસ શ્રેષ્ઠીની સ્કૂલનાં પ્રિન્સીપાલ પ્રતિમા મેડમ, ટીચર્સ સ્ટાફ અને ટ્રસ્ટી મેહા મેડમ ખરખરો કરવા માટે આવ્યાં. સ્કૂલ સ્ટાફ જોઈ માલાનો અત્યાર સુધી અકબંધ રાખેલ ડૂમો બધાં બંધનો તોડી વહી પડ્યો. એનું આક્રંદ આખા વાતાવરણને કરુણ કરી ગયું. ટ્રસ્ટીશ્રી મેહા મેડમે માલાનો ખભો થબથબાવતા કહ્યું,, "માલાબેન ! જરા જાતને સંભાળી લો. અમે જાણીએ છીએ તમારા માથે ખૂબ મોટી જવાબદારી આવી પડી છે. તમારે એકલે હાથે પાર પાડવાનું છે. પણ, તમે એકલા નથી. અમારું ટ્રસ્ટ તમારી સાથે જ છે. રાત અને દિવસ અમે તમારી પડખે રહીશું. ભગવાન સમસ્યા એને જ આપે જે સમસ્યાનું સમાધાન શોધી શકે. આપણે બધાં ભેગાં મળી શ્રેષ્ઠીને સાચવી લઇશું."શ્રેષ્ઠી તો ભગવાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. ગુલમહોરને તમારાં પર અતૂટ ભરોસો હશે તો જ તમારે ભરોસે પોતાનાં 'જીવ ' ને મૂકી ગઈ હશે. બધું સારાંવાનાં થશે. ભગવાનના ઘરે દેર છે, પણ અંધેર નથી. જે એણે ઝુટવી લીધું છે હવે એ જ પૂરશે ભગવાન પર ભરોસો રાખો."

સૌ બાળકો અને વાલીઓમાં આનંદ જ આનંદ વહેંચતાં કલાસટીચર આનંદીબેનમાં નામ પ્રમાણે જ ગુણ હતા. બાળકો અને વાલીઓમાં આનંદીદીદી ખૂબ પ્રિય. એમણે માલાને બાથમાં લઈ પૂંછ્યું "આવું બધું એકદમ... કઈ રીતે ?"

માલાએ એક ઊંડો શ્વાસ લઈ કહ્યું, "ગુલમહોર મુંબઈ ગઈ હતી. બીજે દિવસે શ્રેષ્ઠીની બર્થડે હોય એ નાઈટ ટ્રાવેલીંગ કરી પાછી ફરી રહી હતી. અમારાં ત્રણેય માટે અને ખાસતો શ્રેષ્ઠી માટે ખૂબ શોપીંગ કર્યું હતું એનો આનંદ વ્યક્ત કરતાં ગુલમહોરે હરખભેર કહ્યું, 'બસ, હવે હું ઘરની નજીક જ છું. એવું જણાવ્યું અને કહ્યું, "ચાલો હવે સૂતાં હોય તો જાગી જાઓ. હું બસ હવે દશ જ મિનિટમાં ઘરમાં હાજર. "

ફોન મૂકી હું ઝડપભેર ફ્રેશ થઈ ગઈ. ગેસનાં એક બર્નર પર ચા અને બીજા બર્નર પર ગુલમહોરને ભાવતી જાડાં લોટની ભાખરીની તૈયારી કરી. જેથી, અમે ત્રણે ભેગાં બ્રેકફાસ્ટ કરી શકીએ અને ચાર દિવસથી ભેગી થયેલ વાતો કરી શકીએ. હું વારંવાર ઘડિયાળમાં જોતી રહી. વીસ પચ્ચીસ મિનિટ થઈ ગઈ હતી. ગુલ આવી કેમ નહીં! હું બે વખત ઓટલા પર આંટો પણ મારી આવી. મારી નજર બારીમાંથી સોસાયટી ગેઇટ પર જ હતી. ત્યાં જ એનાં જ ફોન પરથી રીંગ આવી. સામેથી કોઈ અજાણ્યાં ભાઈનો અવાજ હતો એણે કહ્યું "ફોનમાં લાસ્ટ નંબર તમારો હતો એટલે તમને ફોન કર્યો. એક્સિડન્ટ થયું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઇ છે.” મેં કહ્યું, ભાઈ પ્લીઝ જયભારત હોસ્પિટલમાં એડમીટ કરો હું થોડી જ વારમાં પહોંચું જ છું. બોલતાં બોલતાં માલા ફરી છૂટાં પોકે રડી પડી. પ્રતિમા મેડમે માલાની પીઠ પર હાથ પસવાર્યો. "મેડમ! બનતાં બધાં જ પ્રયત્નો કર્યા. હોસ્પિટલમાં મોટાભાગનો સ્ટાફ આપણા ક્લાયન્ટસ. બધાંએ જ જીવ રેડીને પ્રયત્નો કર્યા છતાં પણ ગુલ ચાલી જ નીકળી. અમારાં ત્રણથી બનેલ આ ત્રિભુવનમાં સૂનકાર વ્યાપી ગયો.” માલાએ આનંદીદીદીનાં ખોળામાં માથુ મૂકી હૈયામાં વમળ લેતો ડૂમો ઠાલવી દીધો.

માલાને હૈયાઘરપત આપી શ્રેષ્ઠીનાં માથે હાથ ફેરવી. ગુલમહોરનાં ફોટાને વંદન કરી શાળાનો સ્ટાફ નીકળી ગયાં. શ્રેષ્ઠી પોતાના ટીચર્સને ગેટ સુધી મૂકવા ગઈ. શ્રેષ્ઠીમાં આવેલા અચાનક ફેરફારથી આખો સ્ટાફ અચંબાથી એક મેકને જોતા રહ્યા. પ્રિન્સિપાલ પ્રતિમા મેડમનાં મુખેથી શબ્દો સરી પડ્યા "એ જ વિસર્જન કરે છે અને એજ સર્જન પણ કરે છે. કુદરતની કેવી કરામત."

ફરી માલા આ ભવસાગરનાં ચક્રવાતમાં શ્રેષ્ઠીને ખોળામાં બેસાડીને વિચારોનાં વમળે ચડી ગઈ.
============

પૂનમે ઉગ્યાં અજવાળાં

ગુલમહોરની અંત્યેષ્ઠી ક્રિયાઓ પૂર્ણ થઇ. હવે માલાએ શ્રેષ્ઠી સાથે એક નવી દુનિયાનું સર્જન કરવાનું હતું. દુઃખનું ઓસડ દહાડા. એણે શ્રેષ્ઠીનું પણ જીવન નિભાવવાનું હતું. ગુલમહોરનાં પગથીયે ચડી વિકાસ કરવાનો હતો. આથી એણે પોતે મક્કમ મનોબળ કર્યું. જેથી રોજીંદા જીવનમાં ફરી આવી શકાય.

એક દિવસ રાત્રે માલા શ્રેષ્ઠીને લઈને એમનાં ટેરેસ ગાર્ડનમાં બેઠી.

ગુલમહોર હતી ત્યારે તેઓ દર રવિવારે ટેરેસ ગાર્ડનમાં બેસી ઉજાણી કરતાં, રમતો રમતાં અને આનંદ આનંદ કરતા. શ્રેષ્ઠીને અચાનક ગુલમહોરની યાદ આવતાં એ ‘પા ! પા!’ કહેતી અગાશીમાં દોડાદોડી કરવા માંડી. માલાએ એની લાળ લૂછી અને વહાલ કરતાં કહ્યું, "બેટા ! ‘પા’ હવે ભગવાનનાં ઘરે ગયાં છે. શ્રેષ્ઠી જીદ્દે ચડી મારે પણ ભગવાનનાં ઘરે જાવું છે. મારે પણ ‘પા’ પાસે જવું છે. માલાએ પોતાનો હાથ શ્રેષ્ઠીનાં મોં પર મુકતા રડમસ અવાજે કહ્યું, “ના...ના... બેટા! આવું નહીં બોલાય. બેટા! તું જ તો મારી જીવાદોરી છે. બેટા! આપણે બંનેએ ભેગાં મળી આ ભવસાગર તરવાનો છે. તું જ મારું તરણું છે. તું જ મારું ઝરણું છે. તારાં પ્રેમનાં ઝરણાં મહીં તો હું ભીજાવું છું અને જીવું છું, ના... ના.... બેટા! આવા વેણ બીજીવાર કાઢીશ નહિં.”

પણ, શ્રેષ્ઠી જીદ્દે ચડી હતી. માલાની વાતો એણે સંભાળવી કે સમજવી ન હતી. એ ‘પા’ ‘પા’ ચીસો અને બૂમો પાડી અગાશીમાં દોડતી રહી. એની જીદ્દ બંડ પોકારી રહી હતી. એણે માલાને બટકું ભરી લીધું. માલાની આંગળીઓ લોહીલુહાણ થઇ ગઈ.

માલાની આંગળીઓમાંથી લોહી વહેતું જોઈ. માલાને ગુલમહોરની યાદ આવી ગઈ. માલાએ ગુલમહોરનાં લહેકામાં બંને બાહુઓ નીલાઆકાશની જેમ ફેલાવી શ્રેષ્ઠીને ઘેલી ઘેલી બોલીમાં કહ્યું, "બેડ ગર્લ હોય એ આવું તોફાન કરે! મારી શ્રેષ્ઠી તો ગુડ ગર્લ છે એ ક્યારેય આવું હેરાન નહિં કરે. ચાલો, સોરી બોલો. ગુડ ગર્લ." શ્રેષ્ઠી માલાને સોરી.. મા સોરી.. મા કહેતી ભેટી પડી અને માલાને ચુમીઓથી ભીંજવી દીધી. જાણે હેત ભરેલું નીલું આસમાન ધોધમાર વરસી પડ્યું. શ્રેષ્ઠી માલાને ભેટી પડી. મા અને દીકરીનું જાણે હૈયા સાથે હૈયાનું મિલન થયું.

શ્રેષ્ઠી આપમેળે શાંત પડી ગઈ. માલાએ હાશકારો લીધો. માલાએ આકાશમાં ચમકતાં તારા તરફ લોહી નીતરતી આંગળી ચીંધી કહ્યું, "જો બેટા! આ ઝળહળ ઝળહળ તારો છે એ 'પા' છે. એમને તોફાની બચ્ચાં નહીં ગમે. 'પા' ને તો શ્રેષ્ઠી જેવાં ડાહ્યાંડમરાં અને ગુડગર્લ જ ગમે. વળી, માલાએ કાલીઘેલી ભાષામાં શ્રેષ્ઠીને વ્હાલ કરતાં કહ્યું, "બેટા શ્રેષ્ઠી તને ખબર છે. આકાશમાંથી ' પા' તારા માટે આ-ટલાં બધાં રમકડાં, આ-ટલાં બધાં કપડાં, આ -ટલી બધી ચોકલેટસ અને મીઠી મીઠી કાર્ટુન સેઈપની કુકીઝ મોકલશે. જો..જો..પેલ્લો તારો દેખાય છે ને એ 'પા' છે. હવે મારી વ્હાલી ઢીંગલી ધમાલ નહીં કરેને? નહીં તો 'પા' આપણાં માટે કશું જ નહીં મોકલે."

માલાની વાત સાંભળી શ્રેષ્ઠી શાંત થઈ ગઈ. માલાએ શ્રેષ્ઠીના માથા પર હાથ ફેરવતાં શ્રેષ્ઠીને ગમતું ગીત ગાયું.

યશોદા કા નંદલાલા, બ્રીજ કા ઉજાલા હૈ,
મેરે લાલ સે તો સારા જગ ઝિલમિલાયે,

રાત ઠંડી ઠંડી હવા ગા કે સુલાયે,
ભોર ગુલાબી પલકે ઝૂમ કે જગાએ.

શ્રેષ્ઠી માલાનાં ખોળામાં માથું મૂકી સૂઈ ગઈ. માલાની આંખોમાંથી ટપકી પડેલ બે અશ્રુનાં બિંદુઓ શ્રેષ્ઠીનાં ગાલ પર પડ્યાં. પુનમનાં ચાંદનાં અજવાળામાં શ્રેષ્ઠીનાં સુંવાળા ગુલાબી ગાલ પર અશ્રુબિંદુઓ મોતીડાં બની ઝળકી ઉઠ્યાં. શ્રેષ્ઠીનો માસૂમ ચહેરો માલાએ ચૂમી લીધો. આ હવે એમનો નિત્યક્રમ બની ગયો.

શ્રેષ્ઠી સૂઈ જતી અને માલા ગુલમહોર સાથેની યાદોની દુનિયામાં પ્રવેશી, ગુલમહોરની યાદો વાગોળતી. ગુલમહોર સાથે વિતાવેલ દિવસો એની આંખ સામે ચલચિત્રની પટ્ટી માફક ફરવાં માંડતા.

આડોશી પાડોશી પોતાનાં બાળકોને શ્રેષ્ઠી સાથે રમવા ધરાર 'ના' કહેતાં. શ્રેષ્ઠી સામેથી રમવાં જાય તો બધાં બાળકો સંતાઈ જતાં. આથી, ગુલમહોર હયાત હતી ત્યારે એ અને માલા જ એની સાથે બાળક થઈ રમતો રમતાં.

ગુલમહોર અને માલા શ્રેષ્ઠીને ડાઉન સિન્ડ્રોમનાં વિવિધ ક્લાસીસ કરાવતાં અને અનેક વિધ પ્રવૃતિઓ કરાવતાં. શ્રેષ્ઠી એનાં મૂડ પ્રમાણે શીખતી. ડાન્સિંગ, સિંગિંગ, ચિત્રકળા બધી જ કળા શીખવતાં. આથી, તે પ્રવૃત્ત રહેતી અને આનંદિત રહેતી. ગુલમહોર અને માલાની માવજતને કારણે શ્રેષ્ઠીને 'નીયર ટુ નોર્મલ ચાઇલ્ડ'નો ખિતાબ પણ મળ્યો હતો.

યાદો વાગોળતા વાગોળતા માલા ઊંઘમાં સરકી ગઈ. બીજે દિવસે એ એક નવા જોમ સાથે જાગી. શ્રેષ્ઠીને ઉઠાડી, નવડાવી દીધી, નાસ્તો કરાવ્યો. મુંબઈથી ગુલમહોર શ્રેષ્ઠી માટે જે કપડાં, હેરપીન, માળા વિગેરે લાવી હતી એ બેગ ખોલી. શ્રેષ્ઠીને પરી જેવી સુંદર તૈયાર કરી. આમપણ,આજે શિયાળાની ગુલાબી સવાર હોય માલાએ શ્રેષ્ઠીને બે ઢીંગલીઓ સાથે મહેંદીનો કોન લઈ ઓટલાં પર ફૂણાં ફૂણાં તડકામાં બેસાડી. શ્રેષ્ઠી ઢીંગલીઓનાં હાથમાં મહેંદી મૂકી રહી હતી. બાજુનાં ઘરનાં ઓટલા પર હોમવર્ક કરતી રાહી પર શ્રેષ્ઠીનું ધ્યાન ગયું. શ્રેષ્ઠીએ ધીમાં સ્વરે કહ્યું, "એય ! રાહુડી ! અહીં આવ એક વાત કહું" મારાં 'પા ' આકાશમાં ભગવાન પાસે ગયાં છે. મારા માટે આ -ટલાં બધાં રમકડાં 'આ-ટલાં બધાં કપડાં, ચોકલેટસ અને બ-હુ બધ્ધુ મોકલે છે. તું મારી જોડે રમીશ તો હું એ તને આ -ટલું બધ્ધું આપીશ."

રાહી દોડીને ઘરમાં એની મમ્મી અનન્યાબેન પાસે ગઈ "મમ્મા ! મમ્મા ! પેલી ગાંડી, બાજુવાળી શ્રેષ્ઠુડી મને કહેતી હતી એનાં ‘પા’ આકાશમાંથી રમકડાં,કપડાં ચોકલેટસ વિગેરે મોકલે છે. એ બુદ્ધુને કંઈ સમજ પડે જ નહીં કે શું! હવે ગુલમહોર આંટી રહ્યાં જ નથી. એ મરી ગયા છે. અને એ બુદ્ધુ ગુલમહોર આંટીને ' પા' કેમ કહેતી હશે? આ ગુલમહોર આંટી અને માલાઆંટી માંથી એની મમ્મી કોણ છે ? એનાં ઘરમાં પપ્પા કેમ નથી? મારાં તો બધાંને ફ્રેન્ડ્સનાં ઘરે પપ્પા છે."

એકીશ્વાસે ફટાફટ બોલી રહેલ રાહીને અટકાવવાં જતાં અનન્યાબેનનાં હાથમાંથી સર્વિંગ બાઉલ છટકી ગયો. એ રાહીને કંઈક સમજાવવાં માંગતાં હતાં પણ રાહીનાં નાદાન પ્રશ્નો સામે એ અવાક બની ગયા.
============

સંવેદનાનાં સૂર

ડાઇનીંગ ટેબલ પર બ્રેક્ફાસ્ટ કરી રહેલ ડૉ. તીર્થ વ્યાસ ચિડાયા. "રાહી! તને કેટલીવાર સમજાવાનું ! ? આમ, કોઈને ગાંડું નહીં કહેવાય. એને પણ બધી સમજ પડતી હોય.એને પણ આપણી જેમ લાગણીઓ હોય. ફર્ક માત્ર એટલો કે એમનો આઇ.ક્યૂ.નોર્મલ બાળકો કરતાં ઓછો હોય. અને, એમને એમનાં વિચારોને અમલ કરવાની સૂઝ નહિવત હોય. આથી, અવિવેકી વર્તન કરી બેસે. આવાં બાળકોને શીખવા માટે થોડો વધારે સમય જોઈએ. આવા બાળકોને ગુસ્સો ખૂબ જલ્દી આવે. તેઓ પોતાની જાતને કાબૂમાં રાખી નહિં શકે. પણ લાગણીઓ અને સંવેદના આપણી જેમ જ નોર્મલ હોય. અને, તું પણ.. અનન્યા! ભગવાને આપણને નોર્મલ બાળક આપ્યું એ આપણું સદ્દભાગ્ય છે. હવે રાહી નાની નથી. શ્રેષ્ઠી અને એનાં ફેમિલીની વાત રાહીને સમજાવજે. જેથી, એનામાં સમભાવ અને સદભાવનાં ગુણો વિકસે. જો આપણે સંતાનને સંવેદનાનાં પાઠ નહી શીખવીશું તો નોર્મલ બાળકનાં પેરેન્ટસ હોવાનો શું ફાયદો! ?" અનન્યાબેન પર રોષ ઠાલવી ડૉ. તીર્થ વ્યાસ હોસ્પિટલ જવા નીકળી ગયાં.

"રાહી ! આ અગાઉ પણ મેં અને ડેડીએ તને સમજાવ્યું છે કે આપણાં કરતાં અલગ હોય એટલે એને ગાંડુ નહીં કહેવાય. ડેડી આજે ગુસ્સે થઈને ગયા. એ સારું નહીં કહેવાય ને, બેટા! હવે તું નાની નથી. તારામાં ડહાપણ આવવું જોઈએ. સારાં વ્યક્તિત્વની પ્રથમ નિશાની એ એની સમજણ અને બીજા પ્રત્યેની સંવેદના છે. એનીવેઝ પહેલાં તારું હોમવર્ક કમ્પલીટ કરી દે ત્યાં સુધીમાં હું પણ મારાં હાઉસહોલ્ડ કામો પતાવી દઉં. આજે આમ પણ, તમારે સ્કૂલમાં રજા છે તો સોસાયટીનાં બધાં ફ્રેન્ડ્સને ઘરે આવવા જણાવ. હું તમને બધાને શ્રેષ્ઠીનાં જીવન વિશે જાણકારી આપીશ." કહી અનન્યાબેને એમનાં કામમાં ઝડપ વધારી દીધી.

રાહી ઉત્સાહમાં આવી ગઈ. ફટાફટ હોમવર્ક પતાવી સાયકલ લઈને નંદનવન સોસાયટીનાં બધા ફ્રેન્ડ્સને કહી આવી.

"મારાં મમ્મા બધાં ફ્રેન્ડસને ઘરે બોલાવે છે."

ઘરે આવીને રાહી એકી શ્વાસે બોલી ગઈ. "મમ્મા ! મમ્મા ! અર્ચના આંટીએ કહ્યું, કે અમે બધાં આંટીઓ પણ આવીશું. ઘણા દિવસથી ભેગાં પણ નથી થયા."

અનન્યાબેને કહ્યું, " ગુડ આઇડિયા ચાલ, હમણાં જ હું વોટ્સએપ ગ્રુપ પર મેસેજ મૂકી દઉં છું"

બપોરે નિયત સમયે રાહીનાં ઘરે બધી મમ્મીઓ અને છોકરાંઓ ભેગાં થયા. દેબોશ્રી આંખ ઉલાળી બોલી, “ ક્યાં હૈ આજ? કુછ સ્પેશીયલ હૈ ક્યો એકદમ અચાનક સે સબકો ઇકઠ્ઠા કીયા? સર્વીસ ટેબલ પર જ્યુસ ગ્લાસીસ તૈયાર કરી રહેલ. અનન્યાબેને કહ્યું "થોડી ગંભીર બાત હૈ. આજે જરા ડૉક્ટર સાહેબ મારાં પર અકળાયા હતાં. "ઓહ ! વાય ? વોટસ હેપન્ડ !? " દેબોશ્રીએ આંખો પ્હોળી કરી પૂંછ્યું. " છોકરાંઓ શ્રેષ્ઠીને ગાંડી ગાંડી કહે છે. છોકરાંઓ હવે મોટાં થઈ ગયા છે.આપણી, પેરેન્ટસની ફરજ છે એમને શ્રેષ્ઠી બાબતે સાચી માહિતી આપવી જોઈએ. અને સંવેદનાનાં પાઠ શીખવવા જોઈએ" રાહી અને રાવ્યાનાં ગાલ પર હળવી ટપલી મારતાં અનન્યાબેને જણાવ્યું.

રાવ્યાની મમ્મી દેબોશ્રી બોલ્યાં "ડૉક્ટર સાહબ કી બાત હન્ડ્રેડ પર્સેન્ટેજ સચ હૈ" ત્યાં સુધીમાં અર્ચનાબેન ઘરમાં પ્રવેશી ચુક્યાં હતાં. એ વાત અને મિટિંગનો મુદ્દો સમજી ચુક્યાં અને પોતાની સહમતી વ્યક્ત કરતાં કહ્યું, "આપણાં પેરેન્ટિંગમાં બહુ જ મોટી ગફલત થઈ ગઈ છે.સારું કે ડૉક્ટર સાહેબે આપણું ધ્યાન દોર્યું."

અનન્યાબેને એમનાં ફેમિલિ સિટિંગ રૂમમાં મહિલા મંડળ અને બાળકોની ટોળકીને બેસાડી લીચી જ્યુસ પીરસ્યું. બધાં બાળકો પલાઠી વાળી બેસી ગયા અને બહેનોએ સોફા પર આસન જમાવ્યું. બધાંની નજર અનન્યા બહેન પર હતી. બાળકોની સાથે મહિલામંડળની પણ ધીરજ ખૂટતી જતી હતી.

"ચાલોને મમ્મા ! જલ્દી વાત શરૂ કરોને. અમારે જાણવું છે શ્રેષ્ઠી વિશે. " સત્વ,તત્વ સહિત રાવ્યાએ પણ રાહીનાં બોલમાં સૂર પુરાવ્યો. "હા. હા. આંટી જલ્દી કરો પ્લીઝ " બાળકોની ઉત્સુક્તા જોઈ બધી મમ્મીઓ પણ અંદરોઅંદર ચાલી રહેલ પોતાની ગોસિપ બંધ કરી. આખા ઘરમાં એકદમ શાંતિ છવાય ગઈ.

અનન્યાબેને રૂમની વચ્ચોવચ્ચ સજાવેલ પુહ પર બેઠાં અને વાત શરૂ કરી.

“જુઓ છોકરાઓ! વાત લગભગ વીસ વર્ષ પહેલાંની છે. ત્યારે તો અમે કોલેજમાં અભ્યાસ કરતાં હતાં.અમારાં કોઈનાં લગ્ન પણ થયા ન હતા તે સમયની વાત છે. “સોરી સોરી” બહુ મોડું થઇ ગયું બોલતાં બોલતાં દોડતાં રૂપમબહેન પણ આવી ગયા. ફટાફટ જગ્યા અને આસનગ્રહણ કરી લીધું. અનન્યાબેને વાત આગળ વધારી.” “આપણા શહેરમાં ખૂબ જ એડવાન્સ અને લોકપ્રિય એકમાત્ર બ્યુટીપાર્લર હતું. જેનું નામ ગુલમહોર.” રાહીએ વચમાં ટહુકો પૂર્યો "અચ્છા !આપણા ગુલમહોર આંટીનું ?" અનન્યાબેને માથું ધુણાવ્યું "હા એ જ."

વર્ષો પહેલાં ગુલમહોર આંટી કાશ્મીરથી આપણા શહેરમાં આવ્યાં હતાં. એકદમ ચપળ, રૂપવાન અને સ્ટાયલીશ. રૂપ રૂપનો અંબાર, પાતળો, ઊંચો, સુડોળ બાંધો. ભૂરાં દરિયા જેવી વિશાળ આંખો અને આઇબ્રો તો જાણે તીર કાંમઠાના કમાન જેવી. ગોરો વાન. પાણી પીવે એ પણ ગળામાંથી દેખાય. અદલ ઈન્દ્નનાં દરબારનાં અપ્સરાં. ભલભલાનું ત૫ ભંગ થઈ જાય એવી ઉર્વશી જ જાણે જોઈ લો.

આખા વડોદરા શહેરનાં સ્ત્રી હોય કે પુરુષ બધા જ એનાં રૂપનાં એની પર્સનાલીટીના દિવાનાં. એનાં જવા આવવાનાં સમયે શેરીઓનાં નાકે છોકરાઓની ભીડ જામતી. સમય જતાં ગુલમહોરને વર્તન નામનાં એક નબીરા સાથે આંખ લાગી ગઈ. "આંખ લાગી ગઈ એટલે શું?” રાવ્યાએ રાહીને ધીમા અવાજે કાનમાં પૂંછ્યું.

અનન્યાબેને રાવ્યાની વાત પકડી લીધી એમણે છોકરાંઓને કહ્યું આંખ લાગી જવી એટલે “પ્રેમનું આકર્ષણ થવું. લવઅફેર થવો.”

"હમમ.. સમજ મેં આયા." દેવોશ્રીએ મીઠાં અવાજે રણકો કર્યો.
============

અષાઢ ચઢ્યો

બંનેનો પ્રેમ સોળ કળાએ ખીલી ઉઠ્યો. શહેરમાં તમામ પુરુષોને વર્તનની ઇર્ષ્યા થતી.

આખા શહેરમાં વાત ચોરેને ચૌટે ફેલાઈ ગઈ. જાણે બ્રેકિંગ ન્યૂઝ. એ નબીરાનાં ઘરે પણ વાતની જાણ થઈ. એનાં ઘરનાં બધાં જ સભ્યોએ વાંધો ઉઠાવ્યો. પરપ્રાંતિય છોકરીને ઘરની વહુ બનાવવા તમામનો વિરોધ હતો. વર્તનનાં પપ્પાએ કહ્યું, “આપણું કુટુંબ સમાજમાં પ્રતિષ્ઠિત છે. આમ, ઐરીગૈરી કોઈપણ છોકરી ઘરમાં આવી, વહુ બનીને બેસી જાય એ આપણને નહીં શોભે. અમારે લોકોને શું મોઢું બતાવવું?” છોકરાનાં દાદાએ તો ત્યાં સુધી કહી દીધું "જો એ પરપ્રાંતિય છોકરીને પરણશે તો મારી વારસાઇ મિલકતમાંથી વર્તનને બાકાત કરવામાં આવશે." વર્તનને જ્યારે બે માંથી એક વિકલ્પ પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે એણે પ્રેમ કરતાં પૈસાને મહત્વ આપ્યું. વડીલોની જીદ સામે વર્તને વડીલોની શરત સ્વીકારી લીધી. વર્તનને કરોડોનું નુકશાન વેઠવું અઘરું લાગ્યું. એણે ગુલમહોર સાથેનાં સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું.

પરંતુ ગળાડૂબ પ્રેમમાં રહી ચૂકેલ ગુલમહોર પ્રેગનન્ટ થઈ ચૂકી હતી.

વર્તનની મમ્મીને આ વાતની જાણ થઈ કે પોતાના દીકરા વર્તન થકી ગુલમહોરને અષાઢ ચઢ્યો છે. ત્યારે એમનું સ્ત્રીહદય દ્રવી ગયું. ઘરમાં પોતાનાં પતિ, સસરા બધાંને સમજાવવા મરણ્યા પ્રયાસો કર્યા. પણ, ઘરનાં પુરુષવર્ગ ગુલમહોરને સ્વીકારવા તૈયાર નહીં થયાં તે નહીં જ થયા.

વર્તનનાં મમ્મી લતાઆંટી સ્વભાવે ખૂબ સ્નેહાળ, પ્રેમાળ અને સંવેદનાથી છલોછલ હતાં. એ મારાં મમ્મીનાં ફ્રેન્ડ હતાં. આથી, હું એમને રૂબરૂ ઓળખતી હતી. એમણે વર્તનને ત્યાં સુધી કહ્યું, "બેટા! તું ગુલમહોરને લઈને ભાગી જા. અહીં હું બધું જ સંભાળી લઈશ. સ્ત્રી એ શક્તિ રૂપેણ સંસ્થિતા હોય, નારી એ નારાયણીનું સ્વરૂપ છે. ગુલમહોર તારી લક્ષ્મી છે. કોઈ દીકરીનાં ભોળપણ અને લાગણીને ધિક્કારાય નહીં. એનાં સમર્પણની મજાક નહીં બનાવ. એણે તારાં પર મૂકેલ આંધળા વિશ્વાસનો વિશ્વાસઘાત નહીં કર બેટા. આવનાર બાળક તમારા બંનેનું ફરજંદ છે. એકલી ગુલમહોરની ભૂલ નથી. એણે પોતાની જાત કરતાં વધારે તારાં ઉપર ભરોસો મૂક્યો એની સજા તું આપી રહ્યો છે? બેટા! ભગવાન નહીં સાખી લે. આવનાર બાળકને અન્યાય કરીશું તો કુદરત રૂઠી જશે. બાળક એ ભગવાને આપેલ પ્રસાદ હોય. બેટા! હજી પણ સમય છે. તું સમજી જા. તું એને પ્રેમ કરે છે તો જા, તારું જીવન જીવી લે. અહીં હું બધું સંભાળી લઈશ. સમાજ તો ચાર દિવસ બોલશે પછી ભૂલી જશે. તારાં પપ્પા અને દાદા પણ સમય જતાં સ્વીકારી લેશે. તું તારી જિંદગીને આમ લાત નહીં માર. પાછળથી ખૂબ પસ્તાવું પડશે ત્યારે કહેશે ' મા ! મને કોઠીમાંથી બહાર કાઢ. ત્યારે હું પણ કંઈ નહીં કરી શકીશ. બેટા! હજી સમય છે સમજી જા." 

પરંતુ, વર્તન પણ એનાં બાપદાદા જેવો જીદી, સ્વાર્થી અને અહમથી છલોછલ હતો. 'દોરડું બળે પણ વળ નહીં છૂટે' એવો વર્તન. એને બાપદાદાની મિલ્કત આંખ સામે દેખાતી હતી. પુરુષપણાનાં નશામાં ચકચૂર થઈ એણે એની મમ્મીને જવાબ આપ્યો "રૂપિયા હોય તો રૂપ તો ઘણાં ખરીદી શકાય. એવી ગુલમહોર જેવી તો પચાસ છોકરીની લાઇન લગાડી દઉં એટલી મારામાં કાબેલિયત છે. લાગણીવેડાથી નિર્ણય નહીં લેવાય. તારી સાહિત્યક અને પુસ્તકિયા વાતોથી મને ગુસ્સો આવે છે. બી પ્રેક્ટિકલ. વેવલાવેડાંથી જિંદગીનાં નિર્ણયો નહીં લેવાય. પપ્પા અને દાદા સાચું જ કહે છે સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય. તું કેવી મા છો? તારો દીકરો પૈસા વિના રસ્તે રઝળશે એવું તું ઈચ્છે છે! હું એવું બેવફૂફી ભર્યો નિર્ણય નહીં લઈ શકું. તારાં આ ચાર આંસુઓથી હું પીગળવાનો નથી. આથી તારાં ડ્રામા બંધ કર. તારી ફિલોસોફી તારી પાસે રહેવા દે. " પગ પછાડી, હાથની મુઠ્ઠી બારણામાં મારી એ ગાડીનો સેલ ચાલુ કરી નીકળી ગયો.

"દીકરા! ધીરે. તને વાગશે” લતાબેનનાં શબ્દો એમનાં મોઢામાં જ રહી ગયા. પોતાનાં દીકરાનાં આવાં વેણ અને વેશથી લતાઆંટીને ખૂબ આઘાત લાગી ગયો. પોતાનાં ઉછેર પણ લતાબેનને પોતાનાં પર તિરસ્કાર થતો હતો. એ કહેતાં "મારા પેટે દીકરો નહીં પ્હાણો અવતર્યો છે". પૈસાવાળા બાપનાં બગડેલા સંતાન સામે લતાબેન કશું જ કરી શક્યાં નહિં.

ગુલમહોરની એકમાત્રા આશા લતાઆંટી હતાં. પરંતુ,એ પણ પુરુષપ્રધાન ઘરમાં કંઇ કરી શક્યા નહીં. ગુલમહોર પાસે કોઈ સહારો રહ્યો નહીં. એ ખૂબ ગભરાય ગઈ. હવે લોકોને શું મોઢું બતાવવું એ વિચારમાત્રથી ધ્રુજી જતી હતી. આખા શહેરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. આમ પણ, આવી વાતોને પ્રસરતાં સમય નથી લાગતો. સ્ત્રીઓએ એનાં બ્યુટીપાર્લરમાં જવાનું બંધ કર્યું. શહેરનાં ઘરોમાં પોતાની વહુ, દીકરીઓને મનાઈ ફરમાવવામાં આવતી કે 'ગુલમહોર 'બ્યુટી પાર્લરમાં જવું નહિં. એની આવકમાં અણધાર્યો ફટકો અને બીજીતરફ વર્તન તરફથી જાકારો. એ પોતાનાં ગામપણ જઈ શકે એમ નહીં હતી. દશે દિશામાંથી એનાં માટે બારણાં બંધ થઇ ગયાં હતાં. એ ડિપ્રેશનમાં આવી ગઈ. એને કોઈ રસ્તો સુઝતો ન હતો. આથી અબોર્શન માટે એણે મેડિસીન લીધી પરંતુ અબોર્શન થયું નહીં. માલાનાં સથવારે એણે પુરાં નવ મહિને દીકરીને જન્મ આપ્યો. ગુલમહોરનાં હાથમાં ડોક્ટરે ગુલાબનાં ફૂલ જેવી દીકરી મૂકી. ગુલમહોરનું માતૃત્વ છલકી ઉઠ્યું. એમનામાં દુનિયા સામે ગૌરવભેર ઉભા રહેવાનો જુસ્સો આવી ગયો. પોતાનું બાળક દરેક માને મન શ્રેષ્ઠ જ હોય. એ રીતે ગુલમહોરને મન પણ એની શ્રેષ્ઠી શ્રેષ્ઠ જ હતી. આથી, એણે બાળકીનું નામકરણ 'શ્રેષ્ઠી ' કર્યું. સમય જતાં ખ્યાલ આવ્યો કે એણે અબોર્શન માટે મેડિસીન લીધી હતી. એની આડઅસરને કારણે બાળકી ડાઉનસિન્ડ્રોમ છે.

પરંતુ, ગુલમહોર બિલકુલ ડરી નહિં. એણે પોતાનું માતૃત્વ દીકરી પર ન્યોછાવર કરી દીધું. દીકરી શ્રેષ્ઠીને શ્રેષ્ઠ જીવન આપવાં કટીબદ્ધ થઈ ગઈ.

“ગુલમહોર અને શ્રેષ્ઠીને જોંઉ એટલે મારાં દિલમાં તો ઈશ્વર પેટલીકરની વાર્તા ‘ લોહીની સગાઇ’ તરી આવે. અમરતકાકીને મન મંગુ એટલે મંગુ.” અર્ચનાબેન બોલ્યાં. રાહી વચ્ચે બોલી “બીજી વખત અમને એ વાર્તા કહેજો અર્ચનાઆંટી.” “હા, બેટા જરૂર કહીશ. આમ પણ મને વિચાર આવે છે કે દર રવિવારે એક વાર્તા અમારે તમને બાળકોને કહેવી જોઈએ, જેથી તમારામાં સમજણ અને સંવેદનાના બીજ રોપી શકાય.” રૂપમબેન બોલ્યા, “અર્ચનાબેનની વાત સાચી છે. આજનાં બીજ આવતીકાલનું વટ વૃક્ષ બનશે. આપણા બાળકોમાં માણસાઈના ફૂલો ખીલશે. જેનાં પમરાટથી સમાજનું ભવિષ્ય મહેંકશે. કારકિર્દી ભલે ગમે તે ફિલ્ડમાં હોય પણ માણસાઈનાં દીવા તો ઝળહળવાં ખૂબ જરૂરી છે.”

અનન્યાબેન વાત આગળ વધારતાં બોલ્યાં “શ્રેષ્ઠી એની મમ્મા જેવી જ રૂપાળી. વર્તનને ફોન કરવાનું બંધ જ કરી દીધું. એનાં જીવનમાં કોઈ વર્તન નામનું વ્યકિત હતું એ વાત પણ એ ભૂલી ગઈ. સમય વહેતાં શ્રેષ્ઠી નોર્મલ બાળક નથી. એ વાતની જાણ જ્યારે વર્તનને થઇ ત્યારે ઠંડા પાણીએ ખસ ગઈ હોય એમ વર્તને હાશકારો લીધો.”

ભવિષ્યમાં કોઈ જવાબદારી આવી પડે એ ભયથી વર્તન વિદેશ જતો રહ્યો. અને મનોમન ખુશ થતો રહ્યો, “હાશ! કાસળ ગયું. નહીં તો આખી જિંદગી ગાંડી છોકરીનાં બાપ તરીકે જીવવું અને ભોગવવું પડત.” એનાં બાપ દાદા સહિત એને પોતાના નિર્ણય પર ગર્વ થયો. એનાં દાદાએ કહ્યું, જોયું “બેટા! વડીલોની વાત સ્વીકારવાથી ફાયદો થયો ને! નહીં! તો તારું જીવન ડોહળાય જાત.” વર્તનને પણ મહા સંકટમાંથી ઉગારી બચી ગયાનો હાશકારો થયો. એમને કોઈપણ પ્રકારનો ભાર લેવો ન હતો. બીજી તરફ વર્તનનાં ઘર તરફથી ગુલમહોરને બદનામ કરવામાં કંઈ બાકી ન રખાયું. લોકોનાં મોઢે તાળાં મારી શકાય નહિ. શહેર આખાનાં મોઢે એક જ વાત "ગુલમહોર એનાં કર્મનાં ફળ ભોગવે છે."

ગુલમહોર લોકનિંદાથી ખૂબ ત્રાસી ગઈ હતી. પરંતુ દીકરીને લઈને વતન પણ જઈ શકે એમ ન હતું. ઘરડાં મા-બાપ આધાતનાં માર્યા પરલોક સિધાયા અને ગુલમહોરનાં ભાઈબહેને તો સંબંધ જ કાપી નાંખ્યો.

છતાં અનેક વિટંબણાઓ, આધિ, વ્યાધિ,ઉપાધિ સામે ગુલમહોરનું માતૃત્વ છલકતું રહ્યું. એણે હાર માની નહીં. જાણે એક ગભરું હરણી પરિસ્થિતિ રૂપી એક વિકરાળ સિંહ સાથે બાથ ભીડી રહી હતી. એનાં જીવનનો એક માત્ર ધ્યેય હતો 'શ્રેષ્ઠીને શ્રેષ્ઠ જીવન આપવું. એ પુરી શ્રદ્ધાથી કહેતી "ભોલેનાથજીને મારામાં વિશ્વાસ હશે એટલે આ નાનકડાં જીવાત્માની જવાબદારી મને સોંપી હશે." એનો ઈશ્વર પ્રત્યેનો અટલ વિશ્વાસ અને જિંદગી પ્રત્યેનાં અડગ મન અને અભિગમથી ભલભલાંનું મન પીગળી જતુ.
============

કુંડળીમાં રચાયો લક્ષ્મીયોગ

ગુલમહોરનાં બ્યુટીપાર્લરમાં મેનેજર માલા હતી. એ ગરીબ મા -બાપની દીકરી હતી. એ જમાનામાં દહેજપ્રથા હતી. સાસરાપક્ષની વારંવારની માંગણીઓથી કંટાળી માલાએ ડાયવોર્સ લઈ લીધા હતા અને ગુલમહોરનું બ્યુટીપાર્લરમાં કામ કરતી હતી. માલાની કામ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને કારણે ગુલમહોરનો માલા પર વિશ્વાસ વધતો ગયો.

માલા અને ગુલમહોર બંને સમદુખિયા. પ્રેમ અને સમાજથી તરછોડાયેલી હોય બંનેની મિત્રતા પ્રગાઢ થતી ગઈ. ગમે તે પરિસ્થિતિમાં માલા ગુલમહોરની સાથે પડછાયાની જેમ રહેતી. જાણે ભગવાને એ બંનેને એકબીજા માટે જ સર્જયા હોય. “હા... સાચી વાત, પરિસ્થિતિ જે કોઈ હોય પણ બંને ખૂબ પોઝીટીવલી સમસ્યાનો ઉકેલ શોધી કાઢતા. એ બંનેની મિત્રતા જોઈ મને તો આભમાં ' મિત્રપૂર્ણિમા' ખીલી હોય એવો અહેસાસ થતો.” ઓછા બોલા રૂપાબેને પણ હંકારો પૂર્યો.

ગુલમહોર, માલા અને શ્રેષ્ઠીની એક અલાયદી દુનિયા વસી હતી.. જાણે યુનિવર્સનો એક ઝગમગતો ગ્રહ. માલાએ પણ પોતાનું માતૃત્વ શ્રેષ્ઠી પર ન્યોછાવર કરી દીધું. સમયની સાથે એ ત્રણની નાનક્ડી દુનિયામાં પણ સોનાનો સૂરજ ઉગ્યો. શ્રેષ્ઠી ભલે ડાઉન સિન્ડ્રોમ હતી. પણ,એની જન્મકુંડળીમાં લક્ષ્મીયોગ રચાયો હતો. ગુલમહોરનાં બ્યુટીપાર્લર સામે કોઈ બ્યુટીપાર્લર ટકી શકતું ન હતું. એને ત્યાં ત્રણ- ચાર દિવસ પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. ગુલમહોર અને માલા ભૂતકાળ ભૂલીને વર્તમાનને શણગારતાં હતાં. ગુલમહોરે રીઅલ એસ્ટેટ અને શેરમાર્કેટમાં નસીબ અજમાવ્યું. જોત જોતામાં કરોડો રૂપિયાનાં સ્વામિની બની. વુમન એમ્પાવરમેન્ટનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ગુલમહોર અને માલા.

સમયની સાથે એમની પ્રગતિનું ચક્ર પૂરજોશમાં ચાલતું રહ્યું. માલા શ્રેષ્ઠીની માવજત રાખતી અને બ્યુટીપાર્લરનું મેનેજમેન્ટ કરતી. જ્યારે ગુલમહોર રીઅલ એસ્ટેટમાં આગળને આગળ વધતી રહી. બ્યુટી પાર્લરમાં આસિસટન્ટ રાખતાં થયાં. ધીરે – ધીરે કરતાં બ્યુટી પાર્લરમાં વીસ પચ્ચીસ આર્ટીસ્ટનો સ્ટાફ રાખી દીધો. શહેરમાં 'ગુલમહોર' બ્યુટીપાર્લરનો ડંકો વાગી રહ્યો હતો. સમય જતાં પાર્લરમાં ડર્મેટોલોજીસ્ટની પણ સુવિધા રાખી. એન.આર.આઇ. તો ઇન્ડિયા આવવા પહેલાં જ અપોઇન્ટમેન્ટ લઈ લેતાં. નસીબનું જોર એટલું ચાલ્યું કે બ્યુટીપાર્લર સાથે નેઈલ આર્ટ, મેકઅપ, હેરસલુન, સ્કીન ટ્રીટમેન્ટ વિગેરેનાં ક્લાસીસ પણ ખોલ્યાં. નેશનલ લેવલની ઈન્સ્ટીટ્યુટ ખોલી દીધી. અતિસંપતિ, અતિધનવાન પણ ગુલમોહર અને માલા ડાઉન ટુ અર્થ રહ્યા. ક્યારેય પણ છલકાયા નહીં. ખોટો દેખાડો કર્યો નહીં. એ બંનેને નહીં તો રૂપનું અભિમાન કે નહીં તો રૂપિયાનું અભિમાન. ગુલમહોરે પણ શ્રેષ્ઠીનું જીવન શ્રેષ્ઠ બનાવવા કોઈ કમી છોડી નહીં. સાઈક્યા ટ્રીસ્ટ અને ચાઈલ્ડ કેર ડેવલોપર પાસે એની ટ્રીટમેન્ટ કરાવતાં. ઘરે સાયકોલોજીસ્ટ ટ્યુશન આપવા આવતા હતા. ડૉ. તીર્થ કહેતાં હતાં ડૉક્ટર એસોસિએસનમાં હંમેશા એનો દાખલો પૂરો પડાય છે. ડાઉન સિન્ડ્રોમવાળાં બાળકો માટે ગુલમહોરે એક સંસ્થા પણ બનાવી છે. શહેર ઉપરાંત બહારથી આવનારાં બાળકો અને એમનાં પેરેન્ટ્સ માટે અનેક સુવિધાઓથી સુસજ્જ બિલ્ડીંગ બનાવ્યું છે. જેનું નામ ‘શ્રેષ્ઠ સંતાન’ આપ્યું છે. ગુલમહોરમાં સાચ્ચે જ એનાં નામ જેવાં જ ગુણો છે. રૂપ, રંગ, સમજદારી, દયા, કરુણાનું સંપૂર્ણ પેકેજ એટલે ગુલમહોર. વળી, માલાનો સંપૂર્ણ સાથ જાણે સોનામાં સુગંધ મળી ગઈ.

આમ છતાં ગુલમહોરનું માતૃહૃદય ક્યારેક ચિંતિત થઈ જતું. એ વિહવળ થઈ જતી એને ઉદાસીનાં વાદળો ઘેરી વળતાં.

એક વખત માલા અને ગુલમહોર ટેરેસ ગાર્ડનમાં બેસી વાતો કરતાં હતા હું પણ મારાં ટેરેસ પર હતી. મારું ધ્યાન એમની તરફ ખેંચાયું. માલા ગુલમહોરને પૂછી રહી હતી, “ગુલ! શ્રેષ્ઠી દરેક પ્રવૃત્તિઓ કરે છે. હા, એ બીજા બાળકોનાં પ્રમાણમાં વધુ જિદ્દી છે. ધમાલે ચડી જાય ત્યારે આકાશ પાતાળ એક કરી નાંખે. વળી, એને ગુસ્સો પણ તરત આવી જાય. તો એમાં શું થયું?" આપણી પણ પાંચ આંગળીઓ સરખી તો નથી. કોઈ બાળક હોય થોડુંક ‘લાડગાંડું’. એમાં તું કેમ આટલી બધી ઉદાસ થઈ જાય છે.આપણી માવજતથી જેમ - જેમ મોટી થતી જશે તેમ - તેમ એનામાં ફેરફાર આવતો જશે. તું અમસ્તી ચિંતા કરે છે. ‘ટિપિકલ મધર’ જરા ગુલને છણકો કરી માલા ઊભી થવા જઈ રહી હતી ત્યાં ગુલમહોરે માલાને હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડી અને પોક મૂકીને રડી.

માલા અચંબિત થઈ ગઈ. ગુલ આટલી સ્ટ્રોંગ છે તો આજે શું થયું એ ગુલને પૂછી રહી હતી., હું પણ એમની નજીક ગઈ અને પડોશીની નાતે ઔપચારિક પૂછ્યું, “શું થયું? કેમ આટલું બધું રડો છો!”

ગુલમહોરે પેટ છુટ્ટી બધી વાતો માંડી. માલા! ભલે તું આશા રાખે છે. પણ શ્રેષ્ઠીને ડાઉન સિન્ડ્રોમ છે. 'ક્રોમોઝોન- 21' ની ખામી છે. એ ક્યારેય સાઝી નહીં થાય. આજીવન એણે આ ખામી સાથે જીવવાનું છે. આપણી સામે પડકાર છે એને આ માણસોના જંગલમાં જીવતા શીખવવું પડશે.

માલાએ ગુલમહોરને સાંત્વના આપતા કહ્યું, એ બધું ક્રોમોઝોન - 21 બ્રોમોઝોન ફલાણું ઢીંકણું – એ બધાં ભારેખમ શબ્દ, નંબરો અને ગણિતનાં આંટાપાટાનું આપણે શું કામ????

આપણે તો લાગણીનાં ઝરણાં, પર્વતોની છાતી ફાડી વહી નીકળનારાં. આપણાં માટે એ ઈમોઝોન- 21 છે. બસ,જો એકવીસનો આંકડો પણ કેવો શુકનિયાળ છે. ચાલો કંકુ ચોખા છાંટી શ્રેષ્ઠીની જિંદગીને વધાવી લઈએ. ‘મેં હું ના તેરે સાથ. શ્રેષ્ઠી કે સાથ.’

માલાએ પરિસ્થિતિને હળવાશનો મોડ આપી દીધો. હું ઊભી ઊભી એ ત્રિપુટીને જોતી રહી.

આરવે પૂછ્યું, “ પણ આંટી... આ ક્રોમોઝોન 21 એટલે શું?”

અનન્યાબેને વાત આગળ વધારતાં કહ્યું. મેં પણ એક દિવસ ડૉ.તીર્થને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. એમણે મને સમજાવ્યું હતું. તમને પણ ભણવામાં આવશે.

આપણાં નોર્મલ માણસોમાં ત્રેવીસ જોડ એટલે છેતાળીસ ક્રોમોઝોન હોય. જે બાળકમાં એકવીસમી જોડમાં બે ની જગ્યાએ ત્રણ ક્રોમોઝોન હોય એ બાળકને ડાઉન સિન્ડ્રોમ હોય. આને ‘ટ્રાયઝોમી – 21’ પણ કહી શકાય.

ઓહ..... આરવનાં માથાં પર હાથ ફેરવતાં રૂપમબેને એક નિ:સાસો મૂક્યો અને બોલ્યાં, “આપણે ભગવાનનો પાડ માનવો જોઈએ કે આપણાં બાળકો નોર્મલ છે. બિચ્ચારી ગુલમહોર પર શી વીતી હશે!”
============

મોહિનીરૂપ

"પર મૈને સુના હૈ ગુલમહોર ઔર માલા લેસ્બિયન હૈ." વચ્ચેથી વાત અટકાવતાં દેબોશ્રી બોલી પડ્યાં. અર્ચનાબેને પૂછ્યું, "હમેં બીના દેખે કિસી કે બારે મેં ઐસા નહીં બોલના ચાહિયે. વે અપને બલ્બૂતે પર યહા તક પહુચી હૈ તો લોગોકો તો જલન હોગીના. બલ્કે મેં તો ઉન દોનો કો સ્ત્રી સશક્તિકરણ કે ઉદાહરન કે રૂપ મેં દેખતી હુ'' "નહીં બાબા.મૈંને કુછ નહીં કહાં. વો તો કરવાચૌથ પેં મેરે કુછ દોસ્તો રીસોર્ટ્મેં સેલિબ્રેશન કે લિએ ગયે થે ઉન્હોંને બતાયા કિ બ્યુટીપાર્લર વાલી ગુલમહોર ઔર માલા કરવાચૌથ મના રહે થે માલાને મંગળસૂત્ર, બિંદીયા, કંગન પહેના થા ઔર ગુલમહોર એઝ યુઝવલ જેન્ટસ કે કપડો મેં થી. વે દોનો કરવાચૌથ કી પૂજા કર રહે થે.” વો તો તુમ્હારી સોસાયટી મેં રહતી હૈ ના ? તો ક્યાં ઘર પેં ભી હસબન્ડ-વાઈફ કી તરહ રહતે હૈ ક્યા ? "ઐસા વો લોગ મુજે પૂછ રહે થે. વો મૈં બતા રહીં થી. આટલું કહી દેબોશ્રી સાડીનો છેડાથી મોં લુંછી ચૂપ થઈ ગઈ.”

અનન્યાબેને જરા ઠાવકાઈથી કહ્યું, "એ બે વચ્ચે ક્યા પ્રકારનો સંબંધ હતો એની સાથે આપણને શું મતલબ. એ બે સ્ત્રીઓએ એકલપંથે એબનોર્મલ દીકરીનો સર્વાંગી વિકાસ કરવાનાં બધાંજ પ્રયત્નો કર્યા. એ જ બહુ મોટી વાત છે. એમની પાસે પોતાનું અંગત કહી શકાય એવું નથી તો મિત્રમંડળ કે નથી તો કોઈ સગું કે વહાલું. ક્યારેય આપણી પડોશીઓની પણ મદદ લીધી નથી. હું તો બાજુમાં જ રહું એટલે મને થોડી ઘણી વાતોનો અણસાર આવે. ક્યારેક હું કહું પણ ખરી કંઈ કામકાજ હોય તો જણાવજો. પડોશી એ પહેલો સગો પણ, ક્યારેય ગુલમહોર કે માલાએ કોઈ ફેવર લીધી નથી. મેડિકલી કામ હોય તો પણ ડાયરેક્ટ હોસ્પિટલમાં જાય. ઘરે બિલકુલ સાથ નહીં લે. એ ત્રણનું વિશ્વ જાણે ત્રિભુવન હોય એમ. અને રહી વાત એ બે વચ્ચેનાં સંબંધની તો એ એમનું અંગત જીવન છે. ઉંમર અને સમયની સામે પણ એમણે પણ હોર્મોનલ યુદ્ધ તો કરવાં જ પડ્યાં હશેને! હશે જે હશે તે એ આપણો વિષય નથી. સજાતીય સંબંધો વિદેશોમાં તો સ્વીકાર્ય છે જ અને આપણાં પુરાણોમાં પણ અનેક ઉદાહરણો જોવા મળે છે. શ્રીકૃષ્ણએ પણ મોહિનીરૂપ ધારણ કર્યું જ હતું. અર્ચનાબેન વચમાં બોલ્યાં, "પણ, કહેવું પડે. માલાનાં માતૃત્વની પ્રશંસા કરીએ એટલી ઓછી. ભલે શ્રેષ્ઠી એનાં ફૂખે નથી જન્મી. પણ, માલા જશોદામાની તોલે આવે એ વાત તો કહેવી જ પડે." હા ! ઔર આપકો પતા હૈ ગુલમહોરકી યાદમેં માલાને શ્રેષ્ઠી કે હાથો સે ઉનકે આંગનમેં ગુલમહોર લગવાયા થા. મેરી બાલ્કની મેં સે તો સીધા દીખતા હૈ. દોનો મા-બેટી માલા ઔર શ્રેષ્ઠી હરરોજ ગુલમહોર મેં પાની ડાલતે હૈ. દેખતે દેખતે વૃક્ષ ક્તિના બડા ભી હો ગયા.” આંખોની ભ્રમર ઊંચીનીચી કરતા દેબોશ્રી બોલી, "ધન્ય છે માલા" અનન્યાબેન આંખો પર હાથ પર ફેરવતાં બોલ્યાં.

રાવ્યા એ રાહીને કોણીથી ઈશારો કર્યો "પૂછને રાહી ! શ્રેષ્ઠી ગુલમહોર આંટીને 'પા ' કેમ કહેતી હતી?"

અનન્યાબેને છોકરાંઓની અંદરઅંદરની ગુસપુસ પકડી લીધી અને કહ્યું, લેસ્બિયન વાળી વાત તો મને નથી ખબર. પણ,એટલું ચોક્કસ ખબર છે કે શ્રેષ્ઠી નાની હતી ત્યારે એને વિવિધ ક્લાસીસ માં, સેમિનારમાં, ગાર્ડનમાં લઈ જતાં. ત્યાં બધાં બાળકોનાં મમ્મી પપ્પાને જોઈએ શ્રેષ્ઠી ખૂબ ધમાલ કરતી. મને પણ મમ્મી અને પપ્પા બંને જોઈએ.. બંને શ્રેષ્ઠીને સમજાવતાં ખૂબ પ્રયત્ન કરતાં. પણ, શ્રેષ્ઠી ખૂબ અગ્રેસીવ થઈ તોડફોડ કરતી.. એ કોઈ વાતથી, લાલચ કે લાડથી સમજતી નહીં હતી. આખરે એની ધમાલને શાંત પાડવા માટે ગુલમહોરે પુરુષનો પરિવેશ અને માલાએ સ્ત્રીનો પરિવેશ ધારણ કરેલો. ગુલમહોર એ શ્રેષ્ઠીને પપ્પાનો પ્યાર અને માલાએ શ્રેષ્ઠીને મમ્મીની મમતા આપી ડાઉન સિન્ડ્રોમ બાળકીને 'નિયર ટુ નોર્મલ ચાઇલ્ડ'નું જીવન આપવા મહેનત કરતાં હતાં. "ધન્ય છે એ બંને સ્ત્રીઓને. બાકી મરદ થઈને વર્તન મેદાન છોડીને ભાગી જ ગયો હતોને ! "અર્ચનાબેન આંખનાં ખૂણે આવેલા આંસુઓ લૂછતાં લૂછતાં બોલ્યાં.
============

મહા હેતવાળી દયાળી મા જ તું

વર્તનનાં વર્તન અને પુરુષપ્રધાન ઘરમાં એની મમ્મીનો જીવ ધૂંટાતો હતો. જયારે લોકો કહેતાં ગુલમહોરની દીકરી એનાં જેવી જ રૂપાળી છે. જાણે કે ગુલાબનું ફુલ. આવી વાતો સાંભળી લતાઆંટીને પોતાની પરી જોવાની, રમાડવાની ખૂબ ઇચ્છા થતી. એ એમની લાગણીઓ કાબુ કરી શક્યાં નહીં. રાત દિવસ એમના દિલો દિમાગમાં એક જ વાત રમતી કે મારે મારી પૌત્રીને એકવાર મન મૂકીને રમાડવી છે. એ સવાર સાંજ ઠાકોરજીને પ્રાર્થના કરતા. હે, પ્રભુ! આયખામાં આ મારી છેલ્લી મહેચ્છા પૂર્ણ કર. હું એકવાર મારી શ્રેષ્ઠીને આંખો ઠારીને જોઈ લઉં. પછી, ભલે તું મારા પ્રાણ લઈ લે. મારાં હૃદયને ટાઢક ત્યારે જ થશે જ્યારે હું મારી શ્રેષ્ઠીનાં માથા પર હાથ ફેરવું એને વ્હાલની ચૂમીઓથી ભીંજવી દઉં. “જાણે ઠાકોરજીએ એમની વાત સાંભળી. એમના હિંમતભરી અને એક દિવસ એ ઘરમાં બધાની જાણ બહાર શ્રેષ્ઠીને મળવા આવ્યા હતાં. ફૂલ જેવી શ્રેષ્ઠીને બાથમાં લઇ દાદીનું વ્હાલ ઘસી આવ્યું. એમણે શ્રેષ્ઠીને વ્હાલ કરતાં ગીત ગાયું,”


ઉગ્યો રે ધબકારો ખમ્મા 
મારા નભનો તારો ખમ્મા 
નજર તો ઉતારો ખમ્મા હો...

આતમનો અણસારો ખમ્મા
મારો નવો જન્મારો ખમ્મા
નજર તો ઉતારો ખમ્મા હો...

મીઠપ રાંધો હરખ રાંધો
વ્હાલપની કોઈ પરબ બાંધો
ખલકમાં ખીલ્યું રે નમણું ફૂલ

લતાઆંટી શ્રેષ્ઠી માટે અવનવાં ફ્રોક્સ, ચોકલેટસ, રમકડાં લઈને આવ્યાં હતાં. એ પોતાનાં હાથે શ્રેષ્ઠીને નવું ફ્રોક પહેરાવા ગયા ત્યારે શ્રેષ્ઠી ખૂબ અગ્રેસિવ થઇ ગઈ. એણે નવાંનકોર કપડાં ફાડી નાંખ્યા. લતાઆંટી વહાલથી કહ્યું "લો -ગુસ્સો તો બાપદાદા પર જ ગયો છે."

માલાએ લતાઆંટીને શ્રેષ્ઠીનાં વર્તણૂકની વાત કરી ત્યારે લતા આંટી માલા પર ઓવારી ગયા. પોતાનાં જીવ કરતાં પણ વધારે શ્રેષ્ઠીને સાચવતાં જોઈ લતા આંટીએ માલાને પોતાનાં કંગન ભેટમાં આપ્યા પણ માલાએ નહીં લીધા. ફક્ત આશીર્વાદ માંગ્યા.

લતાઆંટીએ કહ્યું "ભલે શ્રેષ્ઠી નું રૂપ એની મમ્મી પર ગયું છે પણ નાકનકશો એનાં પપ્પા જેવો છે. એની આંગળીઓ પસવારતાં બોલ્યા લો આ તો મારાં જ જેવી.” એમની હરખની હેલીઓ શ્રેષ્ઠી પર વરસી પડી. લતાઆંટી પોતાના હાથે બનાવેલી સુખડી શ્રેષ્ઠીને ખવડાવી. શ્રેષ્ઠી રાજીના રેડ થઈ ગઈ. શ્રેષ્ઠી એ પણ લતાઆંટીનાં વહેતાં આંસુ લુછ્યાં અને પોતાના ગજવામાંથી ચોકલેટ કાઢી લતાઆંટીના મોંમાં મૂકી. જાણે તન અને મનનો જમણવાર થઈ ગયો. લતાબેને શ્રેષ્ઠી પર વ્હાલનો વરસાદ વરસાવ્યો. જાણે પર્વતોમાંથી ઝરણા ફૂટી નીકળ્યાં, જાણે અંબરમાંથી મેહ વરસી પડ્યો અને શ્રેષ્ઠી પણ એની દાદીને છાતી સરસી ચાંપી એ એમનાં પાલવમાં કલાકો સુધી લપાઈ રહી. પૌત્રી અને દાદીનું આ અલોકિક દ્રશ્ય જોઈ. માલા અચંબામાં પડી ગઈ. એણે મનોમન વંદન કર્યા અને ધીમા સ્વરે કહ્યું, “આંટી! હવે સાંજ ઢળી રહી છે. તમારે હવે તમારા ઘરે જવું જોઈએ. મારી વાતનું ખોટું નહીં લગાડશો પણ ઘણો સમય વીતી ગયો. તમારા ઘરે જાણ થશે તો તાંડવ થશે.” “હા, માલા બેટા તારી વાત સાચી છે." હવે મારે અહીંથી નીકળવું છે. બેટા! મા જેવી તું માવજત કરી રહી છે હવે મને કોઈ ચિંતા રહી નથી ભલે હવે મારું મોત આવી જાય. ભગવાન તમને બંનેને હંમેશા રાજી રાખે. સાચ્ચે તો મારે તમારાં બંને માટે હરખનાં તેડાં કરાવવાનાં હોય. પણ હું લાચાર છું. હું ઘરનાં દ્વારે તો તમને તેડી નહીં શકું પણ મારાં હૃદયનાં કમાડ હંમેશાં તમારે માટે ઝૂરતાં રહેશે. આશીર્વાદ આપી, શુકન કરાવી લતા આંટી ઘરે ગયા પણ, ઘરનાં અહમનાં ઓટલે બેઠેલા ઘરનાં પુરુષો એમનાં પર રીતસર ત્રાટકી પડ્યા તે દિવસે એમનાં ઘરે ખુબ મોટો ઝગડો થયો હતો અને આખરે બળાપામાં એમને તે રાત્રે એટેક આવ્યો અને એ પરલોક સિધાયા.
============

વેધક પ્રશ્ન

"તમને એ ફેમિલી અને સ્પેશ્યલિ શ્રેષ્ઠી માટે જો આટલી જ બધી સહાનુભૂતિ હતી તો અમને બાળપણમાં સાથે રમવા કેમ ન્હોતા દેતાં ???" ચુલબુલી રાહીએ વેધક પ્રશ્ન પૂછ્યો.

અર્ચનાબેન બોલ્યાં "મને આ જ દિવસનો ડર હતો. બચ્ચાંઓ એક દિવસ તો આપણને આ પ્રશ્ન પૂછશે જ."

એક ઉંડો શ્વાસ લઈ અનન્યાબેને કહ્યું, “આવાં ડાઉનસિન્ડ્રોમવાળાં બાળકો આક્રમક હોય છે. શ્રેષ્ઠી જ્યારે ખૂબ નાની હતી ત્યારે હમણાં છે એથીય વધુ આક્રમક હતી. એનું ધારેલું નહિં થાય તો એના હાથમાં જે કંઈક હોય એનો છૂટ્ટો ઘા કરી દેતી. ખૂબ ગુસ્સો કરતી. રાડારાડ કરતી. ચીસો પાડતી. એનાં મોંમાંથી સતત લાળ ટપકતી રહેતી. આવા બાળકોનો ગ્રાસપીંગ ખૂબ ઓછો હોય એટલે સમજાવવાથી એ સમજે નહીં. એને શીખતાં ઘણો સમય લાગે. તમે પણ નાનાં હતાં. તમે પણ અણસમજુ હતાં. આથી, તમને ઇજા નહીં થાય કે તમે એના જેવી વર્તણૂંક શીખી નહીં જાઓ એ કારણસર અમારે અલગ રાખવા પડતાં હતાં. હવે તમે મોટાં થઈ ગયાં. એને સમજાવવાની તમારામાં સમજણ છે. બલ્કે એની કાળજી પણ તમે રાખી શકો અને પ્રેમ - હૂંફ પણ આપી શકો એટલાં પરિપકવ થયાં છો. હવે અમને ચિંતા નથી. હવે તમારે માનવતા રાખી શ્રેષ્ઠીને સથવારો અને હૂંફ આપવાનો સમય આવી ગયો છે. અમને વચન આપો કે હવે તમે શ્રેષ્ઠી પ્રત્ય સંવેદનાસભર વ્યવહાર રાખશો. અને, માનવતા મહેંકાવશો. વસુધૈવ કુટુંબકમની ભાવના તમારામાં વિકસવી જોઈએ. વિશ્વનાં દરેક બાળકો તમારાં ભાઈ-બહેન છે. ભગવાને દરેકને કંઈને કંઇ વધતું -ઓછું આપ્યું હોય. તમારો આઈક્યૂ એનાં કરતાં વધુ છે તો ભગવાને એને રૂપ સોહામણું આપ્યું છે. બાળકો ! કુદરતને આપણે કળી નહિં શકીએ. એની લીલા અપરંપાર છે. "

રાવ્યા આનંદમાં આવી ગઈ. એ પોતાની જગ્યાએથી છલાંગ મારી રાહીની નજીક જઈને કહ્યું, રાહી! આપણી ટીમમાં શ્રેષ્ઠીને શામિલ કરીએ? “હું પણ એ જ વિચારું છું” “રાહીએ ઉત્તર આપ્યો. પણ, બાળકો !થોડાં પ્લાનિંગ સાથે. જેથી તમે કંટાળી નહીં જાઓ. શ્રેષ્ઠીને પુરાં ન્યાય સાથે સાથ સહકાર, હૂંફ આપવી પડશે.”

કારણ, શ્રેષ્ઠી સાથે ડીલ કરવું એ ખાવાનાં ખેલ નથી. બધું એનાં મૂડ પર આધારિત છે. એનો મૂડ ખરાબ હોય ત્યારે કેવી ધમાલે ચડે છે એ તો તમને બધાને ખબર છે.” અર્ચનાબેને પોતાનો મત જાહેર કર્યો. અનન્યા બેને કહ્યું, “અર્ચના આંટીની વાત સો ટકા સાચી છે. બાળકો! પહેલાં તમે પોતે સ્ટ્રોંગ અને મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. તમારે એક સમજુ, જવાબદાર અને પરિપક્વ વ્યક્તિ બનવું પડશે. એની 'હા' માં 'હા' કરી સમજાવટથી કામ લેવું પડશે.” “રૂપમબેને પોતાનો વિચાર રજુ કરતાં પ્રસ્તાવ મૂક્યો.” અર્ચનાબેનની વાત સાચી છે આપણે આપણા બાળકોને સંભવિત દરેક પડકારથી વાકેફ કરીશું. પણ, એક વખત ડૉ. તીર્થ બાળકોને મેડિકલી સમજાવશે તો બાળકો શ્રેષ્ઠીની પરિસ્થિતિથી વધુ વાકેફ રહેશે અને શ્રેષ્ઠીની દરેક વર્તણુંકનેં ગંભીરતાથી લેશે. છેવટે બાળકો તો બાળકો કહેવાય. ક્યારેક શ્રેષ્ઠીની જીદથી અકળાય ઉઠે કે કંટાળી જાય એવું પણ બની શકે.. “સત્વ - તત્વ, આરવ સહિત બધાં બાળકોએ એકમત જાહેર કર્યો અને એકબીજાને તાળી આપી કહ્યું "અમે શ્રેષ્ઠીને અમારી ટીમમાં કાચું લીંબુ ગણીશું. નાના બેબીની જેમ એને સાચવીશું. અને સમજાવી, પતાવીને એને મનાવી લઈશું."

અનન્યાબેને કહ્યું "સાચ્ચે તમારો પ્રસ્તાવ આવકાર્ય છે. હું ‘એમને’ વાત કરીશ. એક રવિવારે સેમીનાર ગોઠવીશું સાથે ચાઈલ્ડ સ્પેશ્યાલીસ્ટ અને સાઇકિયાટ્રીસ્ટનેં પણ બોલાવીશું." અનન્યાબેને હાશકારો લીધો અને મહિલામંડળને કહ્યું, " આપણાં છોકરાંઓ સમજુ છે એ લોકો પોતાની મેળે મેનેજ કરી લેશે. ફક્ત આપણે વડીલોએ થોડી નજર નાંખતાં રહેવું" મિટિંગ વિખેરાય. બધાં પોતાનાં ઘરે ગયાં.

સાંજે છોકરાંઓ બધાં ભેગાં મળી શ્રેષ્ઠીનાં ઘરે ગયા અને કહ્યું, " માલા આંટી ! શ્રેષ્ઠીને અમારી સાથે રમવા મોકલો પ્લીઝ. અમે બધાં એને સાચવીશું." માલા જરા વિચારમાં પડી પછી કહ્યું, સારું શ્રેષ્ઠીને લઈ જાઓ. પરંતુ, અહીં અમારાં આંગણામાં જ રમો. જેથી મારું ધ્યાન શ્રેષ્ઠી પર રહે. એ પહેલી વખત તમારાં ગ્રૃપમાં આવી રહી છે બની શકે કદાચ સેટ નહીં થાય. અને, કંઈક ઓવર રીએક્ટ કરે. "ઓ કે આંટી" બધાં બાળકોએ સાથે જવાબ વાળ્યો.

માલાએ શ્રેષ્ઠીને સમજાવી કહ્યું, " આ બધાં તારાં ફ્રેન્ડસ છે. તું રમવા જા. ખૂબ મજા આવશે."

શ્રેષ્ઠીએ થોડી આનાકાની કરી અને કહ્યું, "મા ! એ લોકો મને ચીડવે છે. ગાંડી કહે છે"

માલાએ શ્રેષ્ઠીનાં માથા પર હાથ ફેરવતાં કહ્યું, " હવે એ લોકો તારાં ફ્રેન્ડસ છે એવું નહીં કરે. પ્રોમિસ હેં ને ફેન્ડસ !

બધાં એકી સાથે બોલ્યાં "શ્રેષ્ઠી અમારી પાક્કી દોસ્ત છે. ચાલ, શ્રેષ્ઠી આપણે ખૂબ રમીશું' ઉજાણી પણ કરીશું. ખૂબ મજા આવશે. ચાલ"

શ્રેષ્ઠી રમવા ગઈ. માલા સતત ઓટલા પર બેસીને ધ્યાન રાખતી હતી. અનન્યાબેન સહિત બધી મમ્મીઓની નજર પણ અવારનવાર રમતાં બાળકો પર હતી.

છેલ્લે ઉજાણી કરી બાળકો છૂટાં પડ્યાં. બાળકો સાથે એમનાં મમ્મી -પપ્પા પણ ખૂબ ખૂશ થયાં.

હવે તો રોજ સાંજે બાળકોનો રમવાનો બાળકોનો નિયમ થઈ ગયો હતો.

બધાં બાળકો પોતાનું હોમવર્ક પતાવી રાત્રે આઠ થી નવ રમવા આવતાં. શ્રેષ્ઠી આઠ વાગ્યાની રાહ પાંચ વાગ્યાથી જોયાં કરતી. ઘડિયાળની સામે તાકીને બેસી રહેતી. જેમ ઘડિયાળમાં કાંટા ફરે તેમ એની ઉત્સુકતા વધતી જતી. દર પાંચ, દશ મિનિટે, વારેઘડીએ માલાને પૂછતી ‘મા’ કેટલા વાગ્યા? માલા ખૂબ ધીરજથી એને ઉત્તર આપતી.પરંતુ, થોડાં જ દિવસોમાં શ્રેષ્ઠી ઘડિયાળમાં સમય જોતા શીખી ગઈ. જેમ જેમ મિત્રનાં આગમનનો સમય નજીક આવતો શ્રેષ્ઠીની નીલી આંખોમાં હર્ષાશ્રુ વહી ત્યારે આવતાં ત્યારે એની આંખોમાં ભૂરો દરિયો લહેરાતો અને જાણે ભૂરું નભ આભેથી ઉતરી આવ્યું હોય એમ.

શ્રેષ્ઠીને રાજીના રેડ જોઈ માલા ને પણ હાશકારો થયો. એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો. કાશ! આ લહેરાતાં ચાંદ જેવાં દિવસ જોવા ગુલમહોર હાજર હોત. એણે મનોમન પ્રાર્થના કરી "ગુલ! તું બિલકુલ ચિંતા કરીશ નહીં. અહીં અમે ખુશ છીએ. શ્રેષ્ઠી પણ બહુ ખુશ છે. પણ, તારી ગેરહાજરી ખૂબ સાલે છે. છે.

ઝડપથી વિકસતાં ગુલમહોરનાં વૃક્ષને જોઈ મારું મન હળવું થાય છે જાણે તું અહીં ક્યાંક આસપાસ છે. "
============

મગરમચ્છનાં આંસુ

શેરમાર્કેટમાં મોટી ખોટ જતાં વર્તન અને એનાં ફેમિલી બિઝનેસમાં મોટી ખોટ થઈ. રાતોરાત રસ્તા પર આવી ગયા હતાં. મોટી માંદગીઓએ ઘરનાં તમામ સભ્યોને વારાફરતી ઝપેટમાં લીધા હતાં. વર્તનનું એબ્રોડમાં ગેરકાયદેસર ધુસણખોરી કરવાનાં સ્કેમમાં સંડોવણી થતાં એને દશ વર્ષની કેદની સજા થઈ હતી.

અઢળક જાહોજલાલીમાં રાચનારા નબીરા વર્તન અને એનાં કુટુંબએ જ્યારથી ગુલમહોર અને દીકરી શ્રેષ્ઠીનો ત્યાગ કર્યો ત્યારથી એમની પડતી શરૂ થઇ એવી વાતો શહેરમાં ઘરે ઘરે થતી હતી.

દશ વર્ષની સજા પુરી થતાં વર્તનને છોડવામાં આવ્યો. એની પાસે એબ્રોડમાં કોઈ કામ ન મળતાં એને પી. આર. મળ્યાં નહિ . એ ફરી ઇન્ડિયા આવી ગયો. પરંતુ ઇન્ડિયામાં જાહોજલાલી રહી ન હતી. વર્તન માનસિક રીતે ખૂબ પડી ભાંગ્યો. મિત્રો દ્વારા એને જાણવા મળ્યું કે ગુલમહોર કરોડોની સંપતિ મૂકી પરલોક જતી રહી. એની દીકરીતો ગાંડી છે એને શું સમજ પડે? કરોડોની સંપત્તિ પર માલા બેસીને એશોઆરામની જિંદગી જીવી રહી છે.

વર્તનને એનાં પિતાએ કહ્યું, "આપણે દીકરીને અપનાવી લઈએ. માલા નહીં માને તો કોર્ટમાં અપીલ કરીશું. તું એનો જીનેટિકલ બાપ છે. તારાં ફેવરમાં જ કોર્ટનું જજમેન્ટ આવશે. એ ગાંડી છોકરીની સ્થાવર જંગમ બધી મિલ્કત આપો આપ તને મળી જશે." વર્તન પણ એનાં બાપ જેવો નાશર્મી હતો. એને એનાં બાપની સલાહ ગળે ઉતરી.

બીજે દિવસે સવારમાં બાપ બેટા માલાનાં ઘરે ગયાં. ગુલમહોરનાં ફોટાને હાર ચડાવી માફી માંગી. મગરમચ્છનાં આંસુ સારી શ્રદ્ધાંજલિ આપી. ગુલમહોરનાં આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી.

માલા કંઈ સમજે વિચારે એ પહેલાં એનાં પગે પડી માફી માંગી. "વાહ! કેવી સુંદર ફૂલ જેવી દીકરી છે. રૂપેરંગે એની મા પર ગઈ છે. જોતાવેંત કોઈને પણ ગમી જાય એવી મીઠડી છે. એની મમ્મીએ નામ પણ ખૂબ સરસ રાખ્યું છે. અમને અમારાં કર્યાં પર ભારે પસ્તાવો છે." શ્રેષ્ઠીનાં માથાં પર હાથ ફેરવતાં વર્તનનાં પિતા જીવણજી બોલ્યાં. "બેટા માલા! હવે મારી ઉંમર કેટલી બાકી! હું જતી જિંદગીએ આ બોજ સહન કરી શકતો નથી. મારે પ્રાયશ્ચિત કરવું છે. વર્તન અને શ્રેષ્ઠી બાપ બેટી ને સાથે જોવાં માંગું છે. મેં મારું જીવતર તો મારાં હાથે બગાડ્યું પણ મારું મોત સુધારવાનું તારાં હાથમાં છે. તું શ્રેષ્ઠી અમને સોંપી દે." 'શ્રેષ્ઠી અમને સોંપી દે' નાં પડધાં થી જાણે માલાનાં હદયમાં ભૂકંપ આવી ગયો. એ સ્તબ્ધ થઈ ગઈ. એ જમીન પર ફસડાઇ પડી. માલાને અર્ધબેહોશ જોઈ શ્રેષ્ઠીએ ચીસો પાડી. શ્રેષ્ઠીની ચીસો સાંભળી અડોશી પડોશીઓ દોડી આવ્યાં. અનન્યાબેન ઝડપથી પાણી લઈ આવીને માલાને પીવડાવ્યું. માલા શ્રેષ્ઠીને ચસોચસ ભેટી પડી અને સિંહણની જેમ ગર્જના કરી કહ્યું, "શ્રેષ્ઠીને મારાથી અલગ કોઈ નહીં કરી શકે. કોર્ટ પણ નહીં " શ્રેષ્ઠી આ ઘટના સમજી શકી નહીં. પરંતુ માલાની મક્કમ દહાડ ઘરની દિવાલ સાથે સમગ્ર વાતાવરણને ધ્રુજાવી ગઈ. અડોશપડોશનાં લોકોને એકત્ર થયેલા જોઈ જીવણજીએ ખૂબ જ સિફતાઇથી કહ્યું, "ના! ના! કોઈ વાત નથી. આતો અમારી દીકરી શ્રેષ્ઠીને હવે મા પણ નથી રહી તો અમારી ફરજ છે હવે એની સારસંભાળ અમે રાખીએ. માલાબેન ગમે તેમ પારકાં. તમે જ કહો પારકાં તે પારકાં અને પોતાનાં તે પોતાનાં "વર્તન વચમાં વાત અટકાવી બોલ્યો," “માલાબેન ! તમે નાહકની ચિંતા કરો છો. તમારું ભરણ પોષણ આજીવન અમે કરીશું" વર્તને શ્રેષ્ઠીને પોતાની નજીક બોલાવવા પ્રયત્નો કર્યા. એનાં માટે લાવેલ ચોકલેટસ એને આપવાં પ્રયત્નો કર્યા. પણ શ્રેષ્ઠી વર્તનથી દૂર ભાગી બારીનાં સળિયા પકડી ઉપર ચડી ગઈ. ચોકલેટનો ડબ્બો દૂર ફેંકી દીધો. શ્રેષ્ઠી આમ પણ અજાણ્યાંથી ડરતી હોય. પણ, બાપદાદાને જોઈ એનો આક્રોશ કુદરતી રીતે જ વધી ગયો.

બાપબેટા વટમાં ઘર બહાર નીકળતાં બોલ્યાં "અમે કાલે અમારા વ્હાલનાં દરિયાને લેવાં આવીશું. તૈયાર રાખજો. અને હા . . શ્રેષ્ઠીને કાન ભરશો નહીં . એને ઊંઠા ભણાવશો નહી, એ અમારું લોહી છે. એનાં પર સૌથી પહેલાં અમારો અધિકાર છે. રસ્તે રઝળતાં પારકાંનો નહીં. કાલે આ સમયે એને તૈયાર રાખજો. નહિં તો... વર્તને વાક્ય અધુરું છોડ્યું પણ, માલા તાડુકી ..નહીં તો..શું ??? કહી રીતસર વર્તન અને જીવણ તરફ ધસી આવી. અનન્યાબેને મહામહેનતે માલાને અટકાવી અને કહ્યું, "અમે બધાં તમારી સાથે છીએ. કોઈ માયનો લાલ શ્રેષ્ઠીને તમારાથી અલગ નહીં કરી શકે ખુદ ભગવાન પણ નહીં. માલાબેન ! તમે શાંત પડો. આવેશમાં નિર્ણયો સાચાં નથી લઈ શકાતાં. પરિસ્થિતિને જરા ઠંડી પડવા દો." માલા સ્વસ્થ થઈ. 'પડ્યાં તેવાં દેવાશે ' નો જોમ એનામાં આવી ગયો.

બે દિવસ શાંતિ રહી. માલા અને અનન્યા બેન સહિત બધાને થયું " ચાલો ટાઢે પાણી ખસ ગઈ. શાંતિથી સમજીને વર્તન અને એનો બાપ બેસી ગયા લાગે છે."
============

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી!

ત્રીજા દિવસે સવારમાં પોસ્ટમેનભાઈ મેઈન ગેટ ખોલી અંદર આવ્યાં. ઓટલા પર ઢીંગલી સાથે કાલીધેલી ભાષામાં રમતી શ્રેષ્ઠીને જોઈ ઘડીભર ઉભાં રહી ગયા. ખુશખુશાલ થઈ શ્રેષ્ઠીએ તાળી પાડી અને કિલ્લોલ કર્યો "પોસ્ટમેન અંક્લ આયા પોસ્ટમેન અંકલ આયા" કરીને નાચવા મંડી. પોસ્ટમેન પરેશભાઈએ શ્રેષ્ઠીનાં માથે હાથ મૂકી, ગળગળા સ્વરે આશીર્વાદ આપ્યાં "હે જગન્નાથ ! આ પારેવડીને સાચવી લેજે. "

'જશોદાનો જાયો’ પુસ્તક વાંચી રહેલ માલા સફાળી ઊભી થઈ બહાર આવી. મીઠું હાસ્ય કરી પોસ્ટમેનને આવકાર આપ્યો. પોસ્ટમેન પરેશભાઈનાં મુખારવિંદ પર નિરાશા વર્તાતી હતી. હંમેશાં હસતાં હસાવતાં ખુશમિજાજી પરેશભાઈનું નાનું મોં જોઈ માલાએ કહ્યું " ભાઈ! બહુ થાક્યાં લાગો છો. ઠંડુ પાણી, લીંબુ શરબત લાવું છું. બેસો થોડીવાર પંખા નીચે. "ના . . આ તો ગરમી વધારે છે એટલે જરા અમસ્તું જ" કહી પોસ્ટમેને પરબીડિયું માલાનાં હાથમાં મૂક્યું. થોડી વાર ઉભો રહ્યો. "બેન ! હું નીકળું? કંઈ કામ હોય તો જણાવજો" કહી પોસ્ટમેન પરેશભાઈ ધીમા ડગલે પરત ફરી રહ્યો હતો. માલાએ પરબીડિયું ખોલ્યું એનાં મોં માંથી ચીસો નીકળી ગઈ "ગુલ ! ગુલ!તું ક્યાં છે. પ્લીઝ હેલ્પ મી . પ્લીઝ હેલ્પ મી." માલાને આમ વિહવળ જોઈ શ્રેષ્ઠી બેબાકળી થઇ ગઈ એ પણ મોટે મોટેથી રડવા મંડી. માલાનો હૈયાફાટ વલોપાત દિવાલ ફાડીને પડોશમાં વાવાઝોડાંની જેમ પહોંચી ગયો.

રાહીને હોમવર્ક કરાવી રહેલ અનન્યાબેનનાં હદયમાં ધ્રાસકો પડ્યો. રાહીને કહ્યું, "તું હોમવર્ક ચાલુ રાખ. હું જરા માલા આંટીને મળીને આવું છું. " અનન્યાબેનની પાછળ રાહી પણ માલબેનનાં ઘરે ગઈ.

માલાએ શ્રેષ્ઠીને ચસોચસ પોતાની છાતી સાથે જકડી રાખી હતી અને કહ્યું, હું કોઈને નહીં આપું. શ્રેષ્ઠી મારી છે. ફક્ત મારી" અનન્યાબેન પરિસ્થિતિની ગંભીરતા સમજી ગયા. એ ઝડપભેર ફ્રિઝમાંથી પાણીની બોટલ લઈ આવ્યાં માલા અને શ્રેષ્ઠીને પાણી પીવડાવ્યું. પોસ્ટમેનભાઈ પણ ત્યાં જ રોકાઈ ગયા એમણે અનન્યાબેનને આંખોનાં ઇશારાથી પરબીડિયું બતાવ્યું. અનાન્યબેનની નજર બાજુમાં પડેલ પરબીડિયા પર પડી. બાજુમાં ખુલ્લો એક લેટર ફરફર કરતો હતો. એમણે ઝડપભેર ઉડતી નજરે પત્ર વાંચ્યો. અનન્યાબેન પણ પત્ર વાંચી સમસમી ગયાં. રાહીને કહ્યું,- - - " જા..રાહી..જા ..બધાં જ આંટીઓને બોલાવી લાવ.પાંચ-સાત મિનિટમાં આખુ મહિલામંડળ માલાનાં ઘરે ભેગાં થઈ ગયા. અર્ચનાબેને અનન્યાબેનને પૂંછ્યું "શું વાત છે ? તમારાં કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી છે. માલાબેન કેમ બેબાકળા છે ?" આખું મહિલામંડળનો રીતસર શ્વાસ થંભી ગયો .અનન્યાબેનનાં ઉત્તરની રાહ જોવા બધા ઉત્સુક હતા.

અનન્યાબેને માલાનાં માથા પર હાથ પસવારતાં પસવારતાં રડમસ અવાજે કહ્યું, " વકીલની નોટિસ આવી છે. પેલો ઈડિયટ વર્તન અને એનાં બાપે શ્રેષ્ઠીની કસ્ટડી માટે લીગલ નોટીસ મોકલી છે." અર્ચનાબેન, દેબોશ્રી બધા એકમેકની સામે ફાટી આંખે જોતાં રહ્યાં. "વકીલ કોણ છે" અર્ચનાબેને પૂંછ્યું. "શહેરનાં મોટા ગજાનાં એડવોકેટ તક્ષક દેસાઇ." અનન્યાબેને ઉત્તર આપ્યો.

"અરે બાબા. વો તો બહુત પહુંચા હુઆ એડવોકેટ હૈ. ઉનકે સામને કેસ લેને કે લિયે શહેરમેં કોઈ એડવોકેટ રેડી હી નહીં હોતા હૈ. મૈંને પીછલે હપ્તે હી ન્યૂઝ પેપર કી કોલમ 'શહેર કા એક્સપર્ટેસ' મેં પઢા થા" દેબોશ્રી એની ગોળમટોળ આંખો પહોળી કરીને બે હાથે પોતાનાં જ ગાલ પર હળવી ટપલીઓ મારીને કહ્યું,. અનન્યાબેને બધી હિંમત એકઠી કરી બોલ્યાં "હું લડીશ. શ્રેષ્ઠી અને માલાનો કેસ હું લઈશ. મારી વકીલાતની ડિગ્રી ક્યારે કામ આવશે.!" મહિલામંડળમાં થોડી હિંમત આવી.

માલા અને શ્રેષ્ઠીને મહામહેનતે થોડું જમાડી બધાં છૂટાં પડ્યાં. શ્રેષ્ઠી સૂઈ ગઈ પણ માલા ગૂમસૂમ થઈ ગઈ હતી. એને કંઈ સૂંઝતું નહીં હતું. એ પોતાની ઝોળી શ્રીકૃષ્ણ આગળ ફેલાવી અને આજીજી કરી પ્રાર્થના કરતી રહી. હે કૃષ્ણ ! “મારા ખોળા પર ખાલીપો ત્રાટકી રહ્યો છે. મારી પરીક્ષા નહીં કર. જેમ ઉત્તરાનાં ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ કરવાનું દ્રોપદીને તે વચન આપ્યું હતું તેવી જ રીતે મને પણ વચન આપ. શ્રેષ્ઠીને મારા જીવનમાંથી કોઈપણ છીનવી નહીં શકે. શ્રેષ્ઠી મારાં હૈયાનો હાર છે. મારાં ખોળાનું રતન છે. મારો જીવ છે. હે દિનાનાથ! તું જાણે છે - મારો આત્મા શ્રેષ્ઠીમાં વસે છે. અને શ્રેષ્ઠીનો આત્મા મારામાં વસે છે. તું અંતર્યામી છે. તું બધું જ જાણે છે. તો પછી આ કસોટી કેમ ? પ્રભુ! તારી કસોટીની પ્રથા સારી નથી. તારાં મોરપંખ વડે તારે મારાં અને શ્રેષ્ઠીનાં મિલન પર મહોર મારવી પડશે. સાંભળ્યું છે તારી પાસે અક્ષૌણી સેના છે. એ લઈને આવ. મારું અને શ્રેષ્ઠીનું રક્ષણ કર . અમને સંભાળી લે હે! નાથ અમને સાચવી લે. " માલાએ ઘર નાં મંદિરમાં દીવો કરી કહ્યું "હે પ્રભુ! મેં તને પુરાં મન, વચન, કર્મથી ભજ્યો છે. છતાં, મારી આટલી કસોટી !  ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી."
============

વસંતે વધામણા

મહિલામંડળની બહેનો પોતપોતાનાં ઘરે ગયા. રાત્રે દરેકે પોતપોતાનાં પતિદેવને શ્રેષ્ઠીની કસ્ટડીની વાત કરી.

માનવતાંનાં પૂજારી એવાં ડૉ. તીર્થ વ્યાસ એમનાં લાગણીશીલ સ્વભાવ માટે આખાં શહેરમાં લોકલાડીલા હતા. ડૉ. તીર્થ વ્યાસ માટે શ્રેષ્ઠી ફક્ત એક પેશન્ટ નહી હતી. પડોશી પણ હતી. પોતાની દીકરીની ખાસ મિત્ર પણ હતી. એમનો શ્રેષ્ઠી સાથેનો સંબંધ ફક્ત એક ઈંટની દિવાલ અલગ કરી શકે એમ નહીં હતું. શ્રેષ્ઠી સાથે એ પહેલેથી જ હૃદયનાં તાંતણે જોડાયા હતા. લાગણીથી બંધાયેલ હતાં.

ખૂબ ઓછાબોલાં પરંતુ શ્રેષ્ઠી પ્રત્યે કુણી લાગણી હોવાને કારણે એમણે 'શ્રેષ્ઠી ' નામથી એક અલગ વોટ્સએપ ગૃપ બનાવ્યું. સોસાયટીનાં દરેક રહીશોને એમણે ગ્રૃપમાં સમાવી લીધા.

બે દિવસ પછી આવી રહેલ રવિવારે સોસાયટીમાં શ્રેષ્ઠી વિશે ચર્ચા વિચારણા કરવા માટે મિટિંગ નું આયોજન ગોઠવ્યું. આ મહા યગ્નમાં સોસાયટીનાં તમામ પુરુષ વર્ગ જોડાયાં. દરેક પુરુષો સહિત શ્રેષ્ઠી માટે કોઈપણ લડત આપવા બધાએ પોતપોતાની તૈયારી બતાવી. દરેકની એકમાત્રા સંવેદના અને ધ્યેય શ્રેષ્ઠીની કસ્ટડી માલાને જ મળવી જોઈએ એ હતી. કોઈને કોઈ પ્રકારનાં પોતાનાં પ્રોફેશનલ કે પૈસાનો અહમ નડ્યો નહીં. બધા જ એક જ માળામાં પરોવાય ગયાં. દરેકે પોતપોતાની રીતે તન, મન, ધનથી મદદરૂપ થવા તૈયારી બતાવી. નંદનવન સોસાયટીમાં જાણે ' વસંતે વધામણાં ' થયાં.

એક સૂરે દરેક પુરુષોએ માલાને કહ્યું, "બેન ! જે કરવું પડે એ અમે બધું જ કરીશું. માલાબેન તમે બિલકુલ ચિંતા કરશો નહીં. તમે એકલાં નથી. તમારાં ભાઈઓ જીવે છે અમે હજાર હાથે પહોંચી વળીશું. આ અમારું વચન છે. શ્રેષ્ઠી નંદનવન સોસાયટી જ દીકરી છે અને રહેશે. એને જગતનો કોઇપણ વ્યક્તિ અલગ કરી શકશે નહિં " .

ડૉ. તીર્થ વ્યાસે કહ્યું, "અનન્યા! આજથી ઘરની અને રાહીને ભણાવવાની જવાબદારી મારી. રાહીનાં જન્મ પછી તારી વકીલાતની પ્રેકટીશ છૂટી ગઈ છે. આથી, તું તારું કાયદાકીય જ્ઞાન એક વાર ફરી તાજું કરી લે જેથી યોગ્ય દલીલ કરી શકે."

એકી સાથે મહિલા મંડળની બહેનો બોલી ઉઠી " તમારા ઘરનાં કામો અમે ઉઠાવી લઈશું. તમે તમારું સ્ટડી ફરી રીવાઈઝ કરી લો." સોસાયટીનાં રહીશોનાં સહકારથી અનન્યાબેનમાં થોડી હિંમત તો આવી. પણ, એ ઇમોશનલી ડાઉન થઈ રહયાં હતાં. અનન્યાબેનની મુખમુદ્રા પરથી ડૉ.તીર્થ વ્યાસે પત્નીની મૂંઝવણ માપી લીધી. એમણે કહ્યું, "અનન્યા ! આઇ કનો. યુ કેન ડુ. બી કોન્ફ્રીડન્ટ. આફ્ટર ઓલ તું તારા બેચની ટોપર હતી. તારો ગોલ્ડમેડલ ફક્ત શોકેસમાં મૂકવા માટે નથી. હા, ઠીક છે તે રાહી માટે તારાં કરિયરને પ્રાયોરિટી નહીં આપી. અમને તારાં પર ગર્વ છે. જેવી રીતે તે આપણી દિકરી રાહી માટે તારી મહત્વાકાંક્ષા અને કારર્કિદીનું હસતે મુખે બલિદાન આપ્યું. તે જ રીતે શ્રેષ્ઠી પણ આપણી જ દીકરી છે. એને ન્યાય અપાવવો એ તારું કર્તવ્ય છે. શ્રેષ્ઠી કેટલું મીઠડું 'માસી ' કહી તને વહાલ કરે છે. તો અનન્યા માસી એટલે મા કરતાં સવાઈ. આજે તારે તારી માસી તરીકેની ફરજ પુરી કરવાનો સમય આવી પહોંચ્યો છે. કમ ઓન અનન્યા ! ઊભી થા. જો શ્રેષ્ઠીનો માસૂમ ચહેરો તને કેવો ટગરટગર જુએ છે. પણ, હવે તારા ટેલેન્ટની માલા અને શ્રેષ્ઠીને જરૂર છે. બહુ વિચાર નહીં કર. તારી ટેલેન્ટને ઘરની ચાર દિવાલમાંથી બહાર કાઢ.હું મમ્મી – પપ્પાને ફોન કરી દઈશ. એ લોકો પણ ગામડેથી આવી જશે .

આથી, તું ઘરમાંથી નિશ્ચિંત થઇ કેસ સ્ટડી કરી શકે. "

"હવે શંખનાદ ફૂંકાય ચૂંક્યો છે. હવે બેશરમ વર્તનને ચણા ખવડાવાં જ પડશે. કોર્ટ દ્વાર હવે ખટખટશે જ. "આરવનાં પપ્પા પ્રશાંતભાઈએ મક્કતાથી પોતાનો મત જાહેર કર્યો.

અનન્યાએ કહ્યું, "તમારી વાત સાચી છે. પણ.." " પણ-બણ કશુંનહિ." અર્ચનાબેન અનન્યાબેનની પીઠ થાબડતાં બોલ્યાં "હું મારાં સત્વ અને તત્વને સ્કૂલ -ટ્યુશન લેવા મૂકવાં તો જાઉં છું. સાથે રાહીને પણ લઈ જઈશ અને લઈ લાવીશ. એનો લંચબોક્ષ પણ હું જ તૈયાર કરી દઈશ. " અનન્યાબેન કંઈક બોલે એ પહેલાં એમને અટકાવતાં અર્ચનાબેને કહ્યું, "મારે ક્યાં એકસ્ટ્રા કરવાનું છે! બે ભેગાં ત્રીજું અને આમપણ ક્યાં આપણા બાળકો વચ્ચે ' તારાં -મારાં ' જેવું કંઈક રાખ્યું છે. એ બ્હાને મારે પણ દીકરીનો શોખ પુરો થશે" કહી અનન્યાબેનની પીઠ થાબડી."

બપોરનું જમવાનું હું મોકલીશ. આમપણ હું ટીફિન આરવનાં પપ્પા અને દાદા માટે મોકલું જ છું. એનાં ભેગાં ભેગાં ડૉકટર સાહેબનું પણ મોકલીશ. પહેલાં તમારી હોસ્પિટલ આવે છે પછી અમારો શોરૂમ. એટલે કોઈ તકલીફ નથી. આજે બાવીસવર્ષથી મોહન અમારું ટીફિન પહોંચાડે છે. ક્યારેય ખાડો નહીં. સમયનો એકદમ પાક્કો. એટલે જરા પણ ચિંતા કરશો નહીં. રૂપમબેને ભરપૂર વિશ્વાસથી છલોછલ પોતાની તૈયારી બતાવી. "દેબોશ્રી એનાં મધુર અવાજે ધીમેથી રણકી" શામ કો હમસબ સાથ મેં ડીનર લેંગે. વહ જીમ્મેદારી મેં લેતી હું. મેરા મહારાજ બહુત સ્વાદિષ્ટ ખાના બનાતા હૈ. સાથ સાથ મેં મિટિંગ ભી હો જાએગી હરરોજ કી બાતચીત ભી હોતી રહેંગી "

દેબોશ્રીનો વિચાર બધાંને ગમી ગયો. બધાંએ એકી સાથે દેબોશ્રીના વિચારને વધાવી લીધો. એમનાં પતિ બિપ્લવે કહ્યું "પૈસાથી ક્યારેય કામ અટકશે નહિં એની જવાબદારી હું ઉપાડું છું. "

ગામડેથી અનન્યાબેનનાં સાસુ રીટાયર્ડ શિક્ષિકા શ્રી જયશ્રીબેન પણ આવી પહોંચ્યાં.

નંદનવન સોસાયટીમાં વસંતનાં વધામણાં થઈ ચુક્યાં.
============

દુર્ગા કવચ

બીજા દિવસથી નવરાત્રીનો શુભારંભ થવાનો હોવાથી અનન્યાબેને માતાની પૂજા માટે બધી તૈયારી કરી લીધી. સવારે વહેલાં ઊઠી માતાજીની આરતી પૂજા કરી. સાસુજીનાં આશીર્વાદ લીધાં. સાસુજી જયશ્રીબેને આશીર્વાદ આપતાં બોલ્યાં "અનન્યા ! એક વાત યાદ રાખજે. રામરાજ્યની સ્થાપના કરતાં પહેલાં લંકાદહન કરવું પડશે. તારે એડવોકેટ તક્ષક દેસાઇને ધારદાર દલીલો કરી પછાડવો પડશે. હરામી વર્તન પર પ્રશ્નોરૂપી શસ્ત્રો ચલાવવા પડશે અને સમય આવ્યે જજસાહેબ સાથે શાસ્ત્રાર્થ પણ કરવું પડશે." પોતાનાં વકીલાતનાં પુસ્તકોને તિલક કરી, માનાં આશીર્વાદ લઈ અનન્યાબેન અભ્યાસ કરવા બેસી ગયાં.

અનેક પુસ્તકોનો અભ્યાસ કરી. જરૂર લાગે ત્યાં ટીકમાર્ક કર્યા. જરૂરી મુદ્દા એક નોટબુકમાં નોંધતાં ગયાં. આમપણ, વકીલાતમાં ગોલ્ડમેડાલીસ્ટ અનન્યાબેનનો ગમતો વિષય. વળી, શ્રેષ્ઠી કેસ સાથે એમનું ઇમોશનલ જોડાણ પણ. આથી, એક અઠવાડિયામાં એમણે બધાં પેપર્સ તૈયાર કરી નાંખ્યા.

જગદંબા માતાની આઠમનાં દિવસે એમણે માલા તરફથી કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાં દાખલ કરી દીધો. કોર્ટની કાર્યવાહી ખૂબ ઝડપભેર શરૂ થઈ ગઈ. વર્તનને પણ નોટીસ પહોંચી ગઈ. પરંતુ વર્તને પોતે શહેરનાં ખૂબ પ્રખ્યાત વકીલ રોક્યાં હોવાને કારણે એ એનાં ઘમંડનાં ફાંકામાં ચકચૂર હતો. પરંતુ, અનન્યાબેન ક્યાંય ચૂક ન રહે એ માટે વચ્ચે - વચ્ચે એકસપર્ટ એડવાઈઝ પણ લેતાં રહેતાં.

કોર્ટમાં કેસ શરૂ થયો. વર્તને દલીલ કરી. "શ્રેષ્ઠી જીનેટીકલી મારું સંતાન છે આથી એની કસ્ટડી મને જ મળવી જોઈએ. આ માલા.? ગુલમહોરની બ્યુટીપાર્લરની તુચ્છ એક આસીસ્ટન્ટ! હું તો કહું ઘરકામ કરનાર કામવાળી. એ શું મારી દીકરીની પરવરીશ કરી શકે? દીકરીનો બાપ જીવે છે. અમારું ખાનદાન શહેરનું એક પ્રતિષ્ઠિતિ અને નામાંક્તિ પરિવાર છે. એબનોર્મલ દીકરી માટે અમારું ઘર બધી જ રીતે સુરક્ષિત છે. આ માલા.! હમમ. એ શું મારી દીકરીની દેખભાળ કરી શકે. એની પાસે નથી પોતાનું ઘર કે નથી પોતાની કોઈ આર્થિક આવક. એણે ગુલમહોરનાં ટુકડાં પર જીંદગી જીવી છે. એ શું મારી દીકરીને સુખસગવડ આપી શકવાની?"

વર્તનનાં શબ્દો માલાની છાતી વિંધી રહ્યાં હતાં. અનન્યાબેનનાં ઇશારાથી એ સમસમીને બેસી રહી. મહિલામંડળ સહિત બધાંનું લોહી ઉકળી રહ્યું હતું.

અનન્યાબેને વર્તન પર સીધો પ્રહાર કર્યો અને પૂંછ્યું "જ્યારે ગુલમહોર અને દીકરી શ્રેષ્ઠીને તમારા સાથ, સહકાર, હૂંફ લાગણીની જરૂર હતી ત્યારે તમે ક્યાં ગયાં હતાં.?" હું પરિવારનાં ઉજજવળ ભવિષ્ય માટે એબ્રોડ ગયો હતો. ત્યાંથી ગુલમહોર અને મારી પ્યારી દીકરી સાથે સંપર્ક હતો. "વર્તને વળતો જવાબ આપ્યો. અનન્યાબેને ગુલમહોર અને વર્તનનાં મોબાઇલનાં ડેટા રજૂ કર્યા. એ બંને વચ્ચે છેલ્લાં ચૌદ વર્ષમાં ક્યારેય કોન્ટેક્ટ થયો ન હતો. અનન્યાબેને ગુલમહોરનો ફોન નંબર પૂછ્યો. વર્તનની જીભ થોથવાય ગઈ”. અનન્યાએ જજસાહેબને કહ્યું, "માય લોર્ડ! નોટ ધીસ પોઈન્ટ" અનન્યાબેને વર્તનને લગ્ન સર્ટિફ્રિકેટ, ચૌદ વર્ષ દરમિયાન કોઈ ફેમિલિ ફોટો , ગુલમહોર અને શ્રેષ્ઠી સાથેની પારિવારિક ઘટના, યાદગીરી વિગેરે કંઈ હોય તો રજૂ કરવાં જણાવ્યું.

વર્તનનાં વકીલને કેસ હાથમાંથી સરતો દેખાતાં એણે જજસાહેબ પાસે થોડો સમય માંગ્યો. કોર્ટ એને દોઢ મહિનાનો સમય આપ્યો. રાહી, રાવ્યા, આરવ, સત્વ, તત્વ બધાં જ બાળકો શ્રેષ્ઠીને લઈને દરરોજ ગુલમહોરનાં વૃક્ષ નીચે બેસી પ્રાર્થના કરતાં. “ હે કૃષ્ણ ! જેમ તું સુદામા વિના અધૂરો તેમ અમે અમારી શ્રેષ્ઠી વિના અધૂરા. હે કૃષ્ણ ! જેમ તેં તારા મિત્રમંડળને બચાવવા કાળીનાગને નાથ્યો હતો તેમ અમારાં મિત્રમંડળને અખંડ રાખવા તું પણ એડવોકેટ તક્ષક અને આખી ટીમને હરાવી દે.”

ફરી કોર્ટમાં હાજર થવાના દિવસે બધાં બાળકોએ એમનાં મમ્મી – પપ્પા પાસે કોર્ટમાં સાથે જવા જીદ્દ પકડી. "અમારે પણ કોર્ટમાં આવવું છે." અનન્યાબેને બાળકોને સમજાવ્યા કે કોર્ટમાં બાળકો માટે રજા મંજુરી નથી. પરંતુ , આ બાળકો સમજે એવાં નહીં હતાં. એમણે હાથમાં બેનર લીધાં જેનાં પર લખ્યું હતું “વી વોન્ટ અવર શ્રેષ્ઠી,” “વી વોન્ટ જસ્ટીશ”, “અમે સૌ એક જ ડાળનાં પંખી” આ દ્રશ્યો જોઈ આખું શહેર ભાવવિભોર થઇ ગયુ. લોકજુવાળ અને લોક લાગણીને જોઈ કોર્ટ પણ દંગ રહી ગઈ. પરંતુ, મદહોશ વર્તન કોર્ટમાં પુરાવા સાથે હાજર થયો. એડવોકેટ તક્ષક દેસાઇએ એક પછી એક પુરાવા જજસાહેબને રજૂ કર્યા. જજસાહેબ આંખો ઝીણી કરી એક પછી એક કાગળો પર નજર ફેરવી રહ્યાં હતાં. એમનાં ચહેરાની રેખાઓ બદલાતી જતી હતી. કચેરીમાં બેઠેલ બધાનાં જીવ અદ્ધર થઈ ગયા. અનન્યાબેનનો પણ જરા શ્વાસ ઘડીભર થંભી ગયો. એમની નજર એમનાં સાસુ જયશ્રીબેન પર પડી જયશ્રીબેનનાં હાથમાં દુર્ગા કવચ હતું. દુર્ગા કવચ જોઈ અનન્યાબેનમાં ફરી જુસ્સો આવી ગયો.

અનન્યાબેને જજસાહેબને એડવોકેટ તક્ષક દેસાઇએ રજૂ કરેલ પેપર્સ જોવા માંગ્યા. જજ સાહેબે આપ્યાં. પરંતુ અનન્યાબેને ર્કોર્ટ પાસે આ કાગળો સાચાં છે? એની તપાસ માટે અપીલ કરી અને તારીખ માંગી. જજ સાહેબે પંદર દિવસની મંજૂરી આપી.

આ પંદર દિવસ દરમ્યાન અનન્યાબેને આકાશપાતાળ એક કરી નાંખ્યા. જીનેટિકલ પિતા હોવાને કારણે વર્તનનો કેસ સ્ટ્રોંગ બનતો જતો હતો .નંદનવન સોસાયટીનાં રહીશોનો જીવ અધ્ધર થતો જતો હતો.

એક દિવસ અચાનક સોસાયટીનાં ડીનર સમયે પોસ્ટમેન પરેશભાઈ મનસુખને લઈને આવ્યો. આ અજાણ્યા માણસને અને કસમયે પરેશભાઈને જોઈને બધાંની નજર એકમેક પર પડી. બધાં વાતો કરતાં અને જમતાં અટકી ગયાં અને એકીટશે પરેશભાઇને જોતાં રહ્યાં. જયશ્રીબેને પૂછ્યું "કેમ ભાઈ! કટાણે? રાત્રે પણ તારી ડ્યુટી શરૂ છે કે શું સરકારે ? ચાલ, અમારી સાથે જમી લે."

બે હાથ જોડી પરેશ બોલ્યો "ના . . બા! હું નથી સરકારની ડ્યુટી કરવા આવ્યો કે નથી જમવા આવ્યો. હું ઉપરવાળી માવડીનાં હુકમથી આ મારા મિત્ર મનસુખને લઈને આવ્યો છું."

મનસુખે માંડીને બધી વાત કરી. અનન્યાબેન સહિત બધાનાં ચહેરા પર રોનક આવી ગઈ. એણે વચન આપ્યું કે આ બધી જ સત્ય હકીકત હું કોર્ટમાં રજૂ કરીશ.

અનન્યાબેને થોડી કડાકાઇથી મનસુખને પૂછ્યું "જો ભાઈ! તું અહીયા તો હીગમરી, ચોપડી -ચોપડી વાતો તો કરે છે. પણ, અણીનાં સમયે કોર્ટમાં ફરી તો નહીં જાય ને? તું એડવોકેટ તક્ષક, વર્તન કે એનાં પરિવાર તરફથી અમને ભ્રમિત કરવા નથી આવ્યો ને? " નંદનવન વાસીઓનાં મુખ પર ચિંતાનું વાદળ ફરી વળ્યું.

મનસુખે વળતો જવાબ આપ્યો "બહેન ! મેં બેટી શ્રેષ્ઠીને મનથી દીકરી માની છે. મારાં પર વિશ્વાસ રાખો. એકવખત હું પૈસાની લાલચમાં ફસાયો છું. એ ભૂલ ફરી નહિં કરું. મારે પણ એક દિવસ ભગવાનનાં દરબારમાં હાજર થવાનું છે. ભગવાનને જવાબ આપવાનો છે. પણ, તમે બધાં આ અભણ ગરીબની એક વાત યાદ રાખજો બેટી શ્રેષ્ઠી ગુલમહોરનું ફૂલ છે. ગુલમહોર ફક્ત દેખાવે જ સુંદર નથી. ગુલમહોરનાં ફુલમાં ભલભલાં ઝેરી વિંછીઓનાં ઝેર ઉતારવાનાં ઔષધિય ગુણો છે. તો પછી, આ તક્ષક, વર્તન કે બીજાં ત્રીજાંની આ ગુલમહોરનાં ફૂલ સામે શું વિસાત !? "

મનસુખની વાતથી નંદનવાસીઓએ હળવાશ અનુભવી. અચાનક આવેલ પવનની એક લહરકીથી ગુલમહોરનાં વૃક્ષ પરથી સુગંધ વાતાવરણમાં પ્રસરી ગઈ.

તે દિવસે માલાએ પણ નિરાંતે ખાધું. બાળકોમાં પણ ખુશાલી વ્યાપી ગઈ.
============

પ્રભુ! તારાં પગરવનાં એંધાણ હોજી રે....

પંદર દિવસ પછી ફરી કોર્ટમાં હાજર થવાનો સમય આવ્યો. વર્તન, જીવણજી અને એડવોકેટ તક્ષક સહિત આખી એમની ટીમ જલસો કરવાનાં મૂડમાં હતાં. ઢોલ નગારાં સાથે નાચગાન કરતાં તેઓ કોર્ટમાં હાજર થયાં. એમને પોતાની જીત પર પૂરો ભરોસો હતો. તેઓ માલા અને આખી ટીમને માનસિક રીતે તોડી પાડવાં અનેક ગતકડાં કરી રહ્યાં હતાં.

નિયત સમયે કોર્ટ શરૂ થઈ. જજસાહેબે અનન્યાબેનને પોતાની કાર્યવાહી શરૂ કરવા જણાવ્યું. અનન્યાબેને મનસુખને કોર્ટમાં હાજર કરવા માટે જજ સાહેબ પાસે પરવાનગી આપી.

મનસુખને જોઈ વર્તન અને એડવોકેટ તક્ષક એકબીજાની સામે જોઈ અવાક થઈ ગયાં. એમની આંખોનાં ડોળાંઓ પહોળાં થઈ ગયા. વર્તને ઈશારામાં મનસુખને પોતાની તરફેણમાં જુબાની આપવા કાલાવાલા કર્યા. પરંતુ, મનસુખની મક્કમતા એડવોકેટ તક્ષક દેસાઈને સમજાય ગઈ. એડવોકેટ તક્ષકે વર્તનને કેસ નબળો પડી જશે એવી જાણકારી આપી. વર્તને મનસુખને આંખોનાં ઈશારામાં વધુ પૈસા આપવા જણાવ્યું અને છેવટે ધાકધમકી ભરી નજરે મનસુખને બીવડાવવા પ્રયત્ન કર્યો. વારેવારે એનાં ભવાં ઊંચા ચઢી રહ્યાં હતાં.

અનન્યાબેને મનસુખને કઠેરામાં હાજર કર્યો. કોઈ કંઈ પૂછે એ પહેલાં મનસુખે ગીતા પર હાથ રાખી કહી દીધું "વર્તને આ ફેમિલિ ફોટોઝ મારી પાસે ધાકધમકીથી કરાવ્યાં હતાં. આ ફોટો ફેક છે મારાથી ભૂલ થઈ છે. કોર્ટ મને જે સજા આપે તે ભોગવવા હું મંજૂર છું". જજસાહેબ કહ્યું, “મનસુખ! તું ભાનમાં તો છે ને? તારી કબુલાતથી તને સજા થઇ શકે છે. મનસુખે જવાબ વાળ્યો “હું તે સમયે વર્તનની ધાકધમકીથી ડરી ગયો હતો. વળી એમણે મને રોકડા એક લાખ રૂપિયાની લાલચ આપી હતી. 

મારે દીકરાને ભણાવવા માટે પૈસાની જરૂર છે. આથી હું એ લોકોની વાતમાં આવી ગયો. એ વખતે હું ભાનમાં નહીં હતો. હવે હું સભાન છું. હું લાલચું બની ગયો હતો. પરંતુ, ત્યારપછી મને ક્યારેય ઉંઘ નથી આવી. મારો આત્મા મને ડંખી રહ્યો હતો. પોસ્ટમેન પરેશભાઈને મેં મારાં મનની વાત કરી. એમણે મને કહ્યું "હું એ પરિવારને ઓળખું છું. એમણે જ મને સાચું બોલવાની હિંમત આપી. મારે રૂપિયાનાં લોભમાં એક દીકરીનું ખોટું નથી કરવું. તમે જે સજા આપશો તે મંજુર છે પણ મારે ભગવાનને ઘેર ગુનેગાર થઈને નથી જવું.”

જજસાહેબે ફરી મેરેજ સર્ટિફ્રિકેટ માંગ્યું ત્યારે એડવોકેટ તક્ષક દેસાઇ ગલવાય ગયા અને એમણે 'જીનેટીકલ પિતા |હોવાનું સર્ટીફિકેટ હાજર કરી એનાં પર ભાર મૂક્યો. વળી, મુદ્દો ઉઠાવ્યો કે માલા માનસિક સ્વસ્થ નથી.

એડવોકેટ તક્ષક ધડીકમાં માલાની માનસિક અવસ્થા, ઘડીકમાં જીનેટિકલ પિતા તો ઘડીકમાં પોતાનાં અસીલની સામાજીક પ્રતિષ્ઠા વિગેરે મુદાઓ લાવી જજ સાહેબને ભ્રમિત કરવા અનેક તુક્કાઓ રજૂ કરતો હતો.

અનન્યાબેને જજસાહેબ સામે આજીજી કરી "સર! આ બધાં અસીલના ગતકડાં છે. બાળકનાં ઉછેર માટે લાગણીની જરૂર હોય નહિં કે પ્રતિષ્ઠાની.

ઇતિહાસ સાક્ષી છે કે બાળકૃષ્ણનું લાલન પોષણ જશોદાએ કર્યું હતું અને લાલો જશોદાનો જાયો તરીકે હજારો વર્ષોથી પૂજાતો આવ્યો છે. હજારો વર્ષોથી દરેક હિન્દુનાં હદયમાં જશોદાના જાયો એ જ એની ઓળખાણ છે અને હકકીત છે.

એડવોકેટ તક્ષક દેસાઇએ વચ્ચે બોલવા માટે રજા માંગી અને કહ્યું, " અનન્યામેમ કોર્ટનો સમય બગાડી રહ્યાં છે. ધર્મની લાગણી વચમાં મૂકી કોર્ટને ઇમોશનલ બ્લેકમેઈલ કરી રહ્યાં છે. વળી, કૃષ્ણનાં માતાપિતા કારાવાસમાં હતાં. તે સમયે એમની મજબૂરી રહી હશે આથી, બાળક બીજા પરીવારને સોંપ્યું હશે. અહીં આ ઉદાહરણ ઉચીત નથી. મારો અસીલ કારાવાસમાં નથી. એની ઉપર કોઈ કોર્ટકેસ નથી. એ શુદ્ધ આચારવિચાર ધરાવનાર એક સુસજજ, પ્રતિષ્ઠિત નાગરિક છે. અને, સૌથી મહત્વની સાબિત થયેલ વાત એ છે કે એ બાળકીનો જીનેટીકલ પિતા છે."

જજસાહેબનો ન્યાય વર્તન તરફ ઢળી રહ્યો હતો. એમણે કહ્યું, પહેલી વાત મિસ્ટર વર્તન શ્રેષ્ઠીના પિતા છે એ વાત મિથ્યા નથી. બીજી વાત માલાબેન બાળકીની જરૂરિયાત પુરી પાડવા માટે સક્ષમ નથી. વળી, તે માનસિક પિડિત પણ છે. જજ સાહેબ વધુ કંઈ ચુકાદો આપે તે પહેલાં 
શહેરનાં જાણીતા સાયકીયાટ્રીસ્ટ ડૉ. બિરવા જોષીએ કોર્ટમાં દાખલ થતાં જજસાહેબને વિનંતી કરી કે મારે પણ કંઇ કહેવું છે.

જજસાહેબે એમને કઠેરામાં આવી પોતાની વાત રજૂ કરવાની મંજૂરી આપી. ડૉ. બિરવા જોષીએ કહ્યું, “ માલા માનસિક રીતે તદન સામાન્ય છે. પોતાનું હૈયું જયારે છીનવાય રહ્યું હોય ત્યારે કોઈપણ 'મા' વિહવળ થાય એ કુદરતી છે. 'મા' હંમેશા પોતાના સંતાન માટે ઘેલી હોય છે.એને ગાંડી કહેનાર આ સમાજમાં સમજણનો અભાવ છે. આ દુન્વયી સમાજ પોતાનાં સ્વાર્થ ખાતર ગાંડા અને ઘેલાં વચ્ચેની પાતળી ભેદરેખા સમજવા માટે આંખો અને બુદ્ધિ પર પાટા બાંધી દેતાં હોય છે. હું મેડીકલ સર્ટીફીકેટ રજૂ કરું છું કે માલાબેન શારીરિક અને માનસિક રીતે તદન સ્વસ્થ છે.”

જાણે કુદરત એક પછી એક પુરાવા રજૂ કરવા કોઈને કોઈ સ્વરૂપે હાજર થતો હતો. "પ્રભુ !તારા પગરવનાં એંધાણ હોજી રે .. " ભજન જયશ્રીબાને મુખેથી સરી પડ્યું.
============

કલમ નં ૩૭૬ અને કલમ નં. ૪૨૦

એડવોકેટ તક્ષક દેસાઈ વારંવાર 'જીનેટિકલ પિતા ' નાં મુદ્દા પર ભાર આપતાં હતાં. આથી,

અનન્યાબેન ત્રાડુકી ઊઠ્યાં અને બોલ્યાં "હિન્દુ લગ્ન ધારા કલમ નં. ૩૭૬ મુજબ લગ્ન વગર પુરુષ કોઈ યુવતીને ગર્ભવતી કરે એ ગુનો છે. વળી, ગુલમહોરને લગ્નની લાલચમાં ફસાવી ગર્ભવતી કરી હતી એની લાગણીઓનું ગળું ઘૂંટ્યું હતું. ગુલમહોરને ગર્ભાવસ્થામાં તરછોડી દીધી હતી. આ બાબતોને ધ્યાનમાં લેતાં મિસ્ટર વર્તનને કલમ ૪૨૦ પણ લાગુ પડે છે.

ગુલમહોર પવિત્ર અને સંસ્કારી સ્ત્રી હતી. એ સમજણથી ભરેલી હતી. બાળકનાં જન્મ માટે એ પોતે પણ જવાબદાર છે એવું એણે સ્વીકારી લીધું હતું. આથી, સંપૂર્ણ જવાબદારી પોતાને માથે લીધી હતી. ધારત તો તે સમયે એ વર્તન પર કેસ કરી શકી હોતી. પણ, ગુલમહોર સંસ્કારી અને ફરજનિષ્ઠ સ્ત્રી, હોવાને કારણે એણે વર્તનની મોહમાયા અને અપેક્ષા છોડી દીધી હતી. દીકરી પેટમાં સમાય શકે તો હાંડીમાં પણ સમાય જ શકે એવી એની મહાન વિચારધારા હતી. એણે પોતાનાં કાળજાના કટકાને ઉરમાં સમાવી લીધી હતી. દીકરીને પોતાનાં પાલવ રૂપી પાંખોથી સંકોરી લીધી હતી. ક્યારેય એણે ભરણપોષણનો દાવો પણ નથી કર્યો.

આજે અસીલનો અચાનક પિતૃપ્રેમ વહી આવ્યો એનું કારણ સ્પષ્ટ છે માયલોર્ડ! ગુલમહોરની પ્રોપર્ટી પર એની ખારી નજર છે. ગુલમહોર ધારત અને અસીલ પર કલમ ૩૭૬ અને કલમ ૪૨૦ હેઠળ કોર્ટમાં કેસ નોંધાવ્યો હોત તો આજે સમાજમાં વર્તનની ગુનેગાર તરીકે ઓળખ હોત.

બાળકી ચૌદ વર્ષની થઇ ત્યાં સુધી એનો પિતૃપ્રેમ ક્યાં હતો. ??? ગુલમહોર અને શ્રેષ્ઠીને હૂંફની જરૂર હતી. જયારે ગુલમહોરને શ્રેષ્ઠીનાં ડાઉન સિન્ડ્રોમની જાણ થઈ હશે ત્યારે એનાં પર આભ ફાટી પડ્યું હશે. એ સમયે સામાપક્ષની માનવતા ક્યાં મરી પરવારી હતી ???. અરે! એક બાપનું હૃદય આટલું કાળું હોય શકે એવો ઇતિહાસમાં પણ દાખલો જોવા નથી મળ્યો ."

માયલોર્ડ ! ગુલમહોર એક અસામાન્ય બાળકીને લઈ એક ડૉક્ટરથી બીજાં ડૉક્ટર . ગુલમહોરએ દવા, દુવા કશુંજ બાકી રાખ્યું નહીં હતું. પથ્થર એટલાં દેવની બાધા આખડી રાખી હતી. વ્રત, ઉપવાસ, જા૫ -તપ વધું જ એકલપંડે કર્યું છે. એક સમય હતો જ્યારે એ પાઈપાઈ માટે વલખાં મારતી હતી. ત્યારે સામા પક્ષનાં ક્યાં હતાં? ?? એક નિર્દોષ પંખી જેવી બાળકીનો બાપ ક્યાં હતો??? શું મિસ્ટર વર્તન કોઈ ચૌદ વર્ષનો વનવાસ ભોગવી રહ્યાં હતાં. ??? . " ઉપસ્થિત ગણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું . અનન્યાબેને હાથનાં ઈશારાથી ઉપસ્થિતિનોને શાંત રહેવા જણાવી પોતાની વાત આગળ વધારી

"એક માતૃહદયની વેદના, ઝુરાપો તમે શું સમજી શકવાનાં જજસાહેબ !. જ્યાં સુધી આ સમાજની માનસિક્તા પુરુષપ્રધાન રહેશે ત્યાંસુધી સમાજમાં એક સ્ત્રી હંમેશાં અબળા જ રહેશે. માયલોર્ડ ! હવે બધું તારામાં હાથમાં છે. "

અનન્યાબેનની વાત સાંભળી તાળીનાં ગડગડાટ સાથે કચેરીમાં ઉપસ્થિતિ 'બધાં જ લોકો ઉભા થઈ ગયા. એકી અવાજે હાજર લોકોએ વર્તન માટે સજાની માંગણી કરી. જજ સાહેબે લોકોને શાંતિથી પોતાની જગ્યાએ બેસવા અપીલ કરી. અનન્યાબેને હાથનાં ઈશારે દરેકને પોતાની ખુરશી પર બેસવા જણાવ્યું.

'જીનેટિકલ પિતા 'નાં ગીતો ગાનાર એડવોકેટ તક્ષક દેસાઇનાં કપાળે પરસેવાનાં બિંદુઓ વહેવા માંડ્યાં. 'જીનેટિકલ પિતા 'નું સર્ટીફ્રિકેટ એમણે પોતાનાં જ હાથમાં મસળીને ડૂચો કરી નાંખ્યો. વર્તને જોરથી મુક્કો માર્યો. બન્નેની આ વર્તણૂક જજસાહેબની નજરે ચડી. આખા કેસનાં સમયગાળા દરમ્યાન જજ સાહેબએ પણ નોંધ્યું હતું કે હંમેશાં શ્રેષ્ઠી માલાની સોડમાં ગભરું પારેવાની જેમ લપાઈને બેસી રહેતી હતી. અણસમજુ શ્રેષ્ઠીની સમજ જાણે પરિપકવ થતી જતી હતી. એ વર્તન, એડવોકેટ તક્ષકની હાજરીમાં સમસમી ઉઠતી ત્યારે માલાની સોડમાં પોતાની જાતને મહેફુસ અનુભવતી હતી.

આટલાં માનસિક પરિતાપ વચ્ચે પણ માલાનું ધ્યાન સતત શ્રેષ્ઠી પર રહેતું. એ હંમેશાં શ્રેષ્ઠીને પરીની જેમ તૈયાર કરીને લાવતી હતી. માલાનાં હાથમાં હંમેશા રૂમાલ રહેતો. શ્રેષ્ઠીને એ બિલકુલ સાફસુથરી રાખતી હતી. એનાં અસામાન્ય વ્યવહારને ખૂબ જ ધીરજથી સમજાવી, પતાવીને સમેટી લેતી હતી. આ બધું જોઈ

જજ સાહેબમાં રહેલ કૃષ્ણત્વ જાગી ઉઠ્યું.

જજસાહેબનાં હાવભાવ જોઈ એડવોકેટ તક્ષક દેસાઇને પોતાના હાથમાંથી કેસ સરતો દેખાઈ રહ્યો હતો. 'જીનેટિકલ પિતા નાં મુદ્દા પર વારંવાર ભાર મૂકીને જાણે હાથની કુહાડી પગ પર મારી હોય એવો અહેસાસ થયો.

કોર્ટમાં હાજર બધાં જ લોકો તાળીનાં ગડગડાટ સાથે ફરી ઉભાં થઈ ગયાં.

જજસાહેબ લોકલાગણી અને લોકજુવાળ સમજી ગયાં. એમનું પોતાનું પિતૃ હદય દ્રવી ગયું. એમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી અને કહ્યું,. "અહીં દરેક બાબતોને ધ્યાનમાં લઈ કોર્ટ ફરમાવે છે કે

'જશોદાની જાયા 'એટલે કે શ્રેષ્ઠી માલા પાસે જ રહેશે. લગ્ન વગર યુવતીને ગર્ભવતી કરનાર વર્તનને દસ વર્ષની સજા.

માલાને માનસિક ત્રાસ આપવા બદલ મિસ્ટર વર્તન એક લાખ રૂપિયા માલાને ચૂકવશે. પાંચ લાખ રૂપિયા જીનેટિકલ પિતા હોવાને કારણે શ્રેષ્ઠીને ચૂકવશે જે અઢાર વર્ષની ઉંમરે શ્રેષ્ઠીને મળશે.

જજસાહેબનો ચુકાદો સાંભળી નંદવન સોસાયટીનાં રહીશો અને ઉપસ્થિત માનવગણ અનન્યાબેનને અભિનંદન આપવા ધસી આવ્યાં. અનન્યાબેન ઉપસ્થિત મહેરામણનાં અભિવાદન ઝીલી, ભીડને ચીરી સાસુમા જયશ્રીબેન પાસે ગયાં અને કહ્યું "મમ્મી! આજે એક 'પાલક મા' ની મમતા સામે 'ક્રોમોઝોન - 21' હારી ગયું. આજે વિજય થયો 'ઇમોઝોન ' નો. "

જયશ્રીબેને પોતાનાં પર્સમાંથી 21 રૂપિયાનું શુકનકવર અનન્યાને આપી ઓવરણાં લીધા. હાજર બધાં લોકો તાળીનાં ગડગડાટ સાથે બોલી ઉઠ્યાં "વિજય હો ઇમોશન -21 "
============

મા! મેં તેરી છાવમેં બડી હો ગઈ

જીત થઈ એક માની. એક નિઃસ્વાર્થ લાગણીની, મહેંક ઊઠી માનવતાની.

વર્તન જે બેન્ડ લઈ કોર્ટમાં ગયો હતો. એ જ બેન્ડ વાજતે ગાજતે માલાબેનની વધામણી કરી. શરણાઈનાં સૂર સાથે નંદનવનનાં રહીશો ફરી નંદનવન સોસાયટીમાં પહોંચ્યાં.

બાળકો સીટી ચેનલ પર લાઈવ કોર્ટની કાર્યવાહી જોઈ રહ્યાં હતાં. જીતની ખુશીથી ઝૂમી ઉઠેલ બાળકો માલાઆંટી શ્રેષ્ઠી સહિત પોતાનાં પેરેન્ટસને વધાવવાં વેલકમ તૈયાર રાખી કાગની ડોળે રાહ જોતાં હતાં.

શ્રેષ્ઠી સોસાયટીમાં દાખલ થઇ ત્યારે બધાં બાળકો શ્રેષ્ઠીને ભેટી પડ્યાં. જ્યારે નંદકિશોરીનું વૃંદાવનનાં બાળગોપાળ અને ગોપીઓ સાથે મિલન થયું . આ અલૈકિક પ્રસંગ જોનારાઓએ પોતાનાં જીવનની ધન્યતા અને ભવ્યતા અનુભવી.

બાળકોએ પોતાની પિગી બેંકમાંથી પૈસા ભેગાં કરી શ્રીફળ અને ૨૧ રૂપિયાનું શુકનકવર શ્રેષ્ઠીને આપ્યું. પોતાનાં વ્હાલાં માલાઆંટી અને શ્રેષ્ઠીનું કંકુઓખા છાંટી ગુલમહોરનાં ફૂલોથી સ્વાગત કર્યું.

વાતાવરણમાં હર્ષોલ્લાસ ઉજવાયો. છતાં, બે વર્ષ ભયંકર ચિંતામાં વિતાવવાને કારણે માલા ગૂમસૂમ થઈ ગઈ હતી. એ કશું પણ બોલતી ન હતી. સોસાયટીનાં બધાં રહીશોનાં પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યાં હતાં. સૌ કોઈ ચિતિંત હતા ' ' હવે શું કરવું ? "

અનન્યાબેને માલાને ઝંઝોળીને કહ્યું "માલા! વર્તન નામની પનોતી ગઈ. હવે આપણે આંગણે હરખનાં તેડાં આવ્યાં છે."

જીતની ખુશીમાં નંદનવન સોસાયટી તરફથી શ્રેષ્ઠી અને માલાનાં જ આંગણાંમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન રાખ્યું હતું. બાળકોની ‘ શ્રેષ્ઠી સેના’ એ સુંદર સજાવટ કરી હતી.

માલા અને શ્રેષ્ઠીની જીત ઉજવવા મેઘધનુષી રંગો માલાનાં આંગણા પર પથરાય ગયાં. ગુલમહોર પર બેઠેલ પંખીઓ સુમુધુર ગીતો ગાય ચહેંકી રહ્યાં. પણ માલાની આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી. એણે ચૂપકીદી સાધી લીધી હતી. એનું મૌન પણ ખામોશ થઈ ગયું હતું. અચાનક શ્રેષ્ઠીએ ગીત છેડ્યું:

પેલું પંખી બોલે, સબ માનવ બોલે
પણ કેમ ના બોલે મારી મા મને કોઈ બતાવો.

પેલું પાંદડું હાલે, સબ માનવ હાલે,
પણ કેમ ના બોલે મારી મા
મને કોઈ બતાવો. હો....મા.... હો....મા....

ખુદ ભૂખી રહી મને ખવડાવે
ખુદ સુવે નહીં મને સુવડાવે
પણ કેમ ના બોલે મારી મા 
મને કોઈ બતાવો. હો....મા.... હો....મા....

આખું વાતાવરણ હીંબકે ચડ્યું, વૃક્ષની ડાળીઓ, પાંદડાંઓ, ફૂલો અને પંખીઓનાં ડૂસકાંથી વાતાવરણ ગમગીન થઇ ગયું.

શ્રેષ્ઠીએ પોતાનાં ફ્રોકનાં ગજવામાંથી રૂમાલ કાઢી માલાનાં આંસુઓ લૂંછ્યાં અને માલાને "મા" કહી છાતી સરસી ચાંપી દીધી.

માલા શ્રેષ્ઠીને ભેટી પડી. જાણે એક સામટાં હરખનાં તેડાં ઉમટ્યાં. માલાએ ડુમા ભરેલાં છતાં હરખાતાં હૈયે કહ્યું "બેટા! તું ખૂબ મોટી થઈ ગઈ. તું ક્યારે આટલી મોટી થઈ ગઈ મને તો ખ્યાલ પણ નહીં રહ્યો. ખરેખર ! બેટા! તારામાં નામ પ્રમાણે જ ગુણ છે. તું સર્વમાં શ્રેષ્ઠ છે. તું શ્રેષ્ઠી છે." હા! મા! હું સ્વસ્થ છું. તમે પણ હિંમત રાખો. એ ખરાબ સ્વપ્ના ભૂલી જઈએ. મા! આપણે આપની સંસ્થા ‘શ્રેષ્ઠ સંતાન’ નો પણ વધુને વધુ વિકાસ કરવાનો છે. તો જ ‘ગુલ પા’નું સાચું તર્પણ કર્યું કહેવાશે. શ્રેષ્ઠીની વાત સાંભળી જાણે હરિવર પણ હસી પડ્યાં, વાદળો પણ વરસી પડ્યાં"

શ્રેષ્ઠીએ માલાને વ્હાલ કરતાં કહ્યું, "મા! આ બે વર્ષમાં દુનિયાએ મને ખૂબ શીખવી દીધું. કહે છે કે આ સંસારમાં જીવતાં જીવતાં ડાહ્યો માણસ પાગલ થઈ જાય. પણ મા! આ સંસારનાં તમાચાથી મારા જેવી ક્રોમોઝોન - 21 ખોડ ધરાવનારને પણ ડહાપણ આવી ગયું.

ઘુટનો સે રંગતે રંગતે કબ પૈરો પર ખડી હો ગઈ
માં તેરી મમતા કી છાંવ મેં ન જાને કબ મેં બડી હો ગઈ "

શ્રેષ્ઠીનાં મોંમાંથી લાળ પડી રહી હતી. માલા એનાં દુપટ્ટાથી લૂછે એ પહેલા શ્રેષ્ઠીએ પોતાનાં હાથમાં રાખેલ રૂમાલથી પોતાની લાળ લુંછી નાંખી અને માલાને ભેટી પડી. ગુલમહોરનાં વૃક્ષ પરથી ફૂલો માલા અને શ્રેષ્ઠીનાં ખોળામાં ખરી પડ્યાં.


સમાપ્ત....

નોંધ:- ક્રોમોઝોન- 21ની ખામી પૂરી શકાતી નથી. પરંતુ, આધુનિક તબીબી વિજ્ઞાનને કારણે ડાઉન સિન્ડ્રોમ પિડિત બાળકોનો વધતે ઓછે અંશે બૌદ્ધિક વિકાસ કરી એમનું કૌશલ્ય વિકસાવી શકાય છે.

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts."

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."