દગાબાજ - [વાર્તા]

Related

દગાબાજ

ડોક્ટર આનંદ અને પૂનમ આવ્યાં ત્યારે હોલ મહેમાનોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ખાલી ટેબલે બંને સામસામે ગોઠવાયાં. પૂનમની નજર દરેક માણસોના ચહેરા પર ફરવા લાગી. કોઈ વાતો કરતા હતા. તો કોઈ મોજથી ડ્રીંક્સ લઈ રહ્યા હતા. કેટલાક મીઠી મજાક કરી હસી રહ્યા હતા.

દગાબાજ - લઘુકથા
દગાબાજ

ત્યાં જ તેની નજર પીઠ ફેરવીને ઉભા રહેલા એક માણસ તરફ ગઈ. એ માણસની આસપાસ ચાર-પાંચ લોકો ઉભા હતા. અને તેની સાથે વાતો કરતા હતા. પેલા માણસે એવું કંઈક કહ્યું કે સાંભળનારા બધા ખડખડાટ હસી પડયાં. અને પેલો માણસ પણ હસતા હસતા ચો તરફ મોં ફેરવવા લાગ્યો.

પૂનમની નજર એ માણસના ચહેરા પર પડતાં જ તેના રુંવે રૂંવે આગ લાગી. એકેએક રુવાડાં બેઠા થઈ ગયા. આંખોમાં ક્રોધ ભભૂકી ઉઠ્યો. એક નજર નાખીને એ અવળું જોઈ ગઈ. અને તેના મોંમાંથી અનાયાસ સરી પડ્યું- દગાબાજ.

" પૂનમ, તે કંઈ કહ્યું?" ડોક્ટર આનંદ પૂનમના ચહેરાના વિકૃત થયેલા ભાવને તાકી રહ્યો. પણ પૂનમે તરત જ સ્વસ્થતા પ્રાપ્ત કરી દીધી.

" નહીં તો!?"

" હમણાં તું કંઈક બોલી હતી ને..!'

" નહીં, મે કશું જ નથી કહ્યું.!" પૂનમે જવાબ આપ્યો. પણ ડોક્ટર આનંદને કંઈ સમજાયું નહીં. ક્ષણભર પૂનમ સામે તાકીને નજરને વાળી દીધી.

પુનમે ચહેરા પરના ભાવ ભલે સમેટી લીધા. તેના દિલમાં આગ હતી. તેના મનમાં જવાળા લાગી ગઈ હતી. મનોમન એ તિમિરને શ્રાપ વરસાવતી રહી. કાયર..! પ્રેમ કરીને પલાયન થઈ ગયો!? અરે, એક વખત રૂબરૂ પણ ન મળી શક્યો? માત્ર પત્રથી જ જાણ કરી દીધી? અને એ પણ બે જ લીટીમાં? - સોરી પુનમ, હું તને ચાહું છું. ખૂબ ચાહું છું. પણ આપણે મળી નહીં શકીએ. તું યોગ્ય પાત્ર શોધી લેજે. એ પત્રના શબ્દો તો ત્યારે પૂનમના હૈયાને ચારણી કરી ગયા. જાણે તેના માથે આસમાન તૂટી પડ્યું હતું. તિમિર આવો દગાખોર નીકળશે તેવી પૂનમે સ્વપ્નને પણ ધાર્યું ન હતું.

ત્યારે પૂનમનું મન ભાંગી પડ્યું હતું. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ તેમ તિમિર તરફ એક વૈરભાવ ઉત્પન્ન થતો ગયો. એ જો ક્યારેક મળી આવે, તો તિરસ્કારની આગમાં તને ભુંજી નાખવો હતો. પણ એ ગયો તે ગયો. ત્યાર પછી તેના કોઈ સમાચાર પૂનમને પ્રાપ્ત થયા ન હતા.
 
આખરે પૂનમે ડોક્ટર આનંદ સાથે લગ્ન કરી લીધા. અને અહીં આવી ગઈ હતી.
ત્યાં અકસ્માત જ આ પાર્ટીમાં તેણે તિમિરને જોયો. તેનું અંતર ખળભળ્યું. તે અસ્વસ્થ બની ગઈ. તેને અહીંથી તિમિરની પોતાનાં પર નજર પડે તે પહેલા ભાગી છૂટવાની ઈચ્છા થઈ. તે હવે તેમનું મોઢું જોવા પણ ઇચ્છતી ન હતી.

"શું વિચારે છે ?" ડો.આનંદે પૂછ્યું."પૂનમ શું વિચારમાં પડી ગઈ?"

પૂનમ ચમકી ગયી. " કંઈ નહીં. મને જરા..."

ડોક્ટર આનંદ હસી પડ્યા." પાર્ટીમાં આવવાની ઉતાવળ તું જ કરતી હતી. ને અહીં આવીને ગમગીન કેમ થઈ ગઈ!?"

" કંઈ સમજાતું નથી."

"કેમ ?" આનંદ પૂનમના ચહેરાને જોઈ રહ્યો. પુનમે કંઈ ઉત્તર ન આપ્યો.

" એમ લાગે છે કે તારી તકલીફ શારીરિક હોય કે માનસિક હોય, જે કંઈ હોય તે. પણ તને એક ઉદાહરણ આપું!?"

પૂનમે ડોકટર આનંદ સામે જોયું.

" જો, સામે છેડે એક માણસ એવો છે કે..!"

" પ્લીઝ, મને ચૂપ બેસવા દો."પુનમે બન્ને હાથે માથું દબાવ્યું.

" હું તને એક ઓળખાણ કરાવું. જે મારો પેશન્ટ છે. જેનું આયુષ્ય હવે માત્ર થોડા સમયનું છે. ને એ તે સારી રીતે જાણે છે. બિલકુલ આનંદ ફિલ્મના જેવો પેશન્ટ. છતાં તું જો..! એ કેટલો ખુશ છે.! કેટલો આનંદમય છે."

" કોણ?" પૂનમને આ વાતમાં રસ પડ્યો છે.

" છ એક માસ પહેલાં એ મારી પાસે ચેકકપ કરવા આવેલો. ત્યારે મેં તેને તેના આયુષ્ય વિશે જણાવ્યું હતું. પછી એ મૌન થઈ ગયો થોડી વાર. કારણ કે તેમને હાર્ટની જે તકલીફ હતી, એ સાંભળીને મૃત્યુને સામે જોતો હોય એમ. પણ મારી ધારણા જૂઠી હતી. આ માણસનું કારણ જુદું હતું."

" શું ?"પુનમે પૂછ્યું.

"એ કોઈને ચાહે છે. ખૂબ ખૂબ ચાહે છે. અત્યંત ચાહે છે. બેસુમાર ચાહે છે. આવી ચાહત મે મારી જિંદગીમાં જોઈ નથી."

" એ કોને ચાહે છે?"

" એ જ મને ખબર નથી. મેં પૂછ્યું પણ ખરું. પણ એણે ન તો એની પ્રેયસી બતાવી. કે ન ક્યારે એનું નામ કહ્યું. અરે તેનો ત્યાગ તો જો ..! એણે એની પ્રેયસીને સ્પષ્ટ શબ્દોમાં કહી આપ્યું હતું. - તું અન્યત્ર સુપાત્ર જોડે પરણી જજે."

આનંદના છેલ્લા વાક્ય સાથે તેના હાથ પકડી લીધા. ને પૂછવા લાગી," આનંદ ! કોણ છે? શું નામ છે?"

" સામે જો. જેના મુખ પર આનંદની લહેર દોડે છે. એનું નામ છે તિમિર. જેની જિંદગી થોડા સમય પછી ધીમે ધીમે વિલીન થવાની છે. ક્યારે એ નકકી નથી."

તિમિરનું નામ સાંભળતા જ પૂનમનું હૃદય એક થડકો ચૂકી ગયું. તેનું સમગ્ર અસ્તિત્વ ચૂર ચૂર થવા લાગ્યું. આવો ત્યાગી તિમિર..,!! જેને પોતાની જિંદગી વિશે કશું જ કહ્યા વિના, મારા જીવનના સુખને ખાતર એ મારા માર્ગેથી હટી ગયો.!!

એના પર મેં કેટલા આક્ષેપો કર્યા. તેના ચારિત્ર પર કેવી શંકાઓ કરી. અને એના માટે મારા હૃદયમાં મેં સદાય તિરસ્કાર સેવ્યો..,,!! પૂનમના ગળામાંથી એક ચીસ નીકળી. અને દૂર રહેલા તિમિરની નજર પુનમ પર પડી. પણ પવનની ઝપટ લાગતા જેમ દીવો ઓલવાઈ જાય, એમ પુનમની નજર પડતા જ, એક જ ક્ષણમાં તિમિર ત્યાંથી અલોપ થઈ ગયો.

• વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ, અમરેલી - 365601

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"