આજ જાને કી જીદ ના કરો!
શ્રાવણનો ઝરમર વરસાદ પડી રહ્યો હતો. મૌસમ મદહોશ કરનારી હતી. જૂની સીડીના પગથિયાં ચડતા ચડતા આ વૈભવી ગ્રાહકને થયું. હું કોઈ ખોટી જગ્યાએ તો નથી આવી ચડ્યો ને? આજે આ બધું નવું નવું કેમ લાગે છે? સીડી એકદમ સ્વચ્છ દેખાય છે? ઉપર જતાં જ બારણે નવા પડદાઓ ફરફરી રહ્યા હતા. બારણા પાસે સુશોભિત અને આકર્ષક કોતરણીવાળું સત્કારની મુદ્રામાં નાનકડું વોલપીસ હતું. ક્ષણભર એ આ ફેરફાર જોઇ રહ્યો.આજ જાને કી જીદ ના કરો
ઝૂલી રહેલા રેશમીના પડદાને આઘો કરીને એ અંદર પ્રવેશ્યો. ઉંબરામાં પગ મૂકતાં જ આસપાસ પ્રસરી રહેલી સુગંધે તેને ઘેરી લીધો. ઓહ્...! કેટલી માદક અને મદહોશ કરનારી સુગંધ હવામાં વહેતી હતી...,! ફ્લોર પર નવી કાશ્મીરી કારપેટ બિછાવી હતી. બારીઓ પર નવા રંગબીરંગી પડદાઓ ઝૂલી રહ્યા હતા. દિવાલોની સજાવટ જોઈને એને થઈ ગયું કે એણે કોઈ જુદી જગ્યાએ પગ મૂકી દીધો છે કે શું?.
એ અવારનવાર અહી આવતો. એણે અહીંની જૂની સ્થિતિ જોઈ હતી. સાવ સાદો ઓરડો. બારી આગળ વર્ષો જૂના પડદા. બારણા જૂના ને રંગ કામ વગરના. કોઈ કશી ખાસ સજાવટ ક્યારેય જોઈ નથી. પણ તેને બદલે આજે ? આજે નવ દુલ્હન જેવો ઓરડો સજાવેલો હતો..!
શું વાત છે? કંઈ પ્રસંગ હશે? અગાઉની મુલાકાતે ક્યારેય આવા કોઈ પ્રસંગની વાત પણ થયેલી ન હતી. આજે એકાએક આ નવા કલેવરો કયા કારણોસર સર્જાયા હશે? અને આ અલૌકિક સુગંધ....!!!? આખો ઓરડો મધમઘી રહ્યો છે. જાણે હમણાં જ મદહોશીમાં ડુબાડી દેશે.
એણે વિચાર્યું. કજરીબાઈની આંખોમાં એટલી મદહોશી હોય છે કે બીજા કોઈ બાહ્ય ઉદ્દીપકની જરૂરત રહેતી નથી. તે નજરનું એક કાતિલ તીર ફેંકે એટલે સામેવાળો આરપાર વિંધાઈ જ જાય. એના ગુલાબી પાતળા હોઠનું સ્મિત સામેવાળાની શુદ્ધબુદ્ધ ખોવડાવી નાખે. એની એક અંગડાઈ ગમે તેવા તપસ્વીને તોડી નાખે.
કજરીબાઈને આવી કશી જ સજાવટ કરવાની જરૂર જ નથી. સાવ સીધા સાદા ને સ્વચ્છ ઓરડામાં કજરીબાઈ બેઠી હોય તો આખો ઓરડો તેના રૂપથી છલકાય જાય. ચાંદનીએ જાણે ઓરડામાં ઉતારો કર્યો હોય એવું લાગે. ત્યારે બહારનાં સુશોભનો જોવાની કોઈને સાનભાન ક્યાં રહેતી હોય..!!?
પણ આજે કજરીબાઈએ આટલો સુંદર ઓરડો શા માટે શણગાર્યો હશે?! એવા વિચારો એ કરતો ત્યાં એ ઉંબરામાં જ ઉભો હતો. એજ વખતે અંદરનું બારણું ખોલ્યું અને એક મીઠો ટહુકાર આવ્યો."આઇએ જનાબ..!"
કજરીબાઈના કંઠનો જ એ રણકાર હતો. એણે કજરીબાઇ સામે જોયું. એના હોઠો પર સ્મિત રમી રહ્યું હતું. પુષ્પ પર સ્થિર બેઠેલું પતંગિયું તેની પાંખો ધીમે ધીમે ફફડાવે એવું કજરીબાઈના હોઠ પર સ્મિત રમતું હતું. ચહેરા પર પ્રસન્નતા પ્રગટેલી હતી. એક અદ્રશ્ય આત્માનું વલય કજરીબાઈની આસપાસ દેખાતું હતું. જેમ દેવી-દેવતાઓના ફોટામાં તેના મસ્તક પાછળ પ્રકાશ દેખાતો હોય તેવો ભાસ થતો હોય છે, બરાબર તેવો જ પ્રકાશ તેણે કજરીબાઈની આસપાસ જોયો. જાણે કજરીનો પ્રતાપ અને પ્રભાવ તેને આગળ વધતા અટકાવતો હતો.
વૈભવી ઠાઠમાઠવાળો એ નયન શેઠ સહેજ થમી ગયો. ક્ષણભર પગ અટકી ગયા. આજે તો કજરીબાઈનો રણકો કંઈક ઓર જ હતો. ઘેનઘૂંટેલો.
ઘણી વખત નયન શેઠ એની વૈભવી કારમાં અહીં આવતો. સીડી ચડી જતો. અને કજરીબાઈ સાથે એકાંતની પળો માણતો. ક્યારેક તો આખી રાત વિતાવતો. નયન શેઠને શાંતિ મળતી. કજરીબાઈ તેના દિલને આનંદ આપતી. ઘટાદાર, સુંવાળા, કાળા કેશની ઘટામાં કજરી નયન શેઠને ઢાંકી દેતી.
" કજરી..!" નયન શેઠ કજરીની નાજુક આંગળીઓના નેઇલ પોલિશ પર આંગળીઓ ફેરવીને કહેતો," તારો સાથ દિલ દિમાગના થાકને હળવો કરી નાખે છે." પછી ઉઠતા ઉઠતા રૂપિયાની થપ્પી આપતો બોલતો," લે તારું ઈનામ..!"
" ના શેઠ, આટલા બધા પૈસા નથી થતા. અમારા ધંધામાં ઈમાનદારી હોય છે. અમે ગ્રાહકને છેતરતા નથી. જે ભાવ હોય એટલું જ લઈએ છીએ." કજરીબાઈ નોટોની સામે નજર નાખ્યા વિના જ બોલતી.
" પણ હું ખુશ થઈને જ આપુ છું." નયન શેઠ આગ્રહ કરતો.
" તમે ખુશ થયા, તેથી મારા દિલને કરાર થયો કે અમે ગ્રાહકને સંતોષ આપી શક્યા છીએ. પણ પૈસા તો જેટલા થાય એટલા જ લઈશ." પછી કજરીબાઈ નોટોની થપ્પીમાંથી પૈસા ગણીને અલગ કરી લઈ લેતી. અને બાકીના નયન શેઠના કોટનાં ખિસ્સામાં સેરવી દેતી. પછી એક ચસચસતું ચુંબન શેઠના ગાલે ચોડી દેતી. શેઠના ગાલની ચામડી લાલ લાલ બનીને થરથરી જતી.
નયન શેઠ એટલે જ માત્ર કજરીબાઈ પાસે આવતો. ક્યારેક કહેતો," કજરી હું તારો તમામ નિર્વાહ પૂરો પાડીશ. પણ મારી એકની થઈને રહે."
" ના શેઠ, એ શક્ય નથી. મારા ગ્રાહકો મને ચાહે છે. એને હું ઠુકરાવી ન શકું. હા, એ બધા ગ્રાહકોમાં વધુ તમે મને ગમો છો, એની ના નહીં." કજરી ફૂલ જેવું ખીલેલું હસીને નયન શેઠને વિદાય પણ કરી દેતી.
આજે નયન શેઠ ઘણા વખતે આવ્યા હતા. વચ્ચે વિદેશ ગયા હતા. ત્યારે સાંભળેલું કે આતંકીઓએ દેશની સરહદે હુમલો કરેલો. આપણા સૈનિકો પર હુમલો થયો હતો. કેટલાક સૈનિકો શહીદ થયા. દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે દેશમાં ઇલેક્શન ચાલી રહી હતી. તેઓ વિદેશ જ રોકાઈ ગયેલા. છેક અત્યારે આવ્યા.
નયન શેઠ આવ્યા એવા જ કજરીબાઈ પાસે આવ્યા. કેટલું બધું ફરી ગયું. કજરીબાઈ પણ આજે વધારે કાતિલ લાગતી હતી.
કજરીબાઈએ તેને ઈશારાથી નજીક, વધુ નજીક બોલાવ્યા. નયન શેઠ ચારે તરફ જોતા કજરીબાઈની નજીક જઇને ઉભા.
કજરીબાઈએ નયન શેઠનો હાથ પકડ્યો. આજે તો કજરીબાઈએ ખુદે કોઈ અલૌકિક સેન્ટ છાંટ્યું હતું. એક તો કજરીના યૌવનનો ઉન્માદ અને માદક સેન્ટનો પમરાટ. કજરીબાઈએ નયન શેઠને દિલમાં કેદ કરી લીધા."શેઠ..!" કજરીબાઈએ નયનનું કાતિલ તીર છોડયું. કજરી આજે માત્ર સોળ વર્ષની હોય એવી તોફાની લાગતી હતી. તેના કામણગારા નયન, નયન શેઠને નંદવી રહ્યા હતાં. કજરી આટલી જલદી વશ થઈ જશે એ નયન શેઠને માનવું મુશ્કેલ હતું. પેલા તો એ ઝટ રીઝે જ નહિ. માનતી જ નહીં. ખૂબ તડપાવતી. ખૂબ તરસાવતી. જ્યારે નયન શેઠ કાકલુદીએ ચડી જાય, તરસ્યો પાણી માટે વલખા મારે, એવી સ્થિતિ આવે ત્યારે, કજરી ઈચ્છે તો દિલ સાથે દેહને પાથરી દેતી. નહિતર કોઈપણને સીડીએથી ધક્કો મારી દેતી.
આજ તો આવતાની સાથે જ નયનશેઠને અંદર આવવાનું આમંત્રણ મળ્યું. અને એ પણ સામેથી કજરીબાઈએ આપ્યું. શું કહેવાય ?! ચમત્કાર જ?! રૂપલલનાઓ ઘણી જ હોય છે. દેહના સાટા કરનારી ઘણી જ હોય છે. પણ કજરીબાઈ તો સાવ અલગ માટીની છે. પૈસાથી પીગળે નહિ. તેનું મનમાને તેને જ એ દેહની દોલત સોપતી.
નયન શેઠે કજરીબાઈની આંખોમાં જોયું. એ આંખોમાં કોઈ ઓર જ ચમકારા થઈ રહ્યા હતા.
"ક..જ..રી...આજે...આજે.......!"નયન શેઠ જાણે સાનભાન ખોઈ બેસવાની ઘડીમાં હતા.
નયન શેઠે કજરીબાઈની આંખોમાં જોયું. એ આંખોમાં કોઈ ઓર જ ચમકારા થઈ રહ્યા હતા.
"ક..જ..રી...આજે...આજે.......!"નયન શેઠ જાણે સાનભાન ખોઈ બેસવાની ઘડીમાં હતા.
" હા ....! આજે તમને લુંટાય એટલા લુંટી લેવા છે..!" અને શેઠને ખાસ ઓરડામાં ખેંચી ગઈ. અંદરનો ઓરડો બહારના ખંડને ભૂલાવે તેઓ શણગારેલો હતો.
કજરીએ જામ તૈયાર કર્યો. ફૂલોની મ્હેકથી ઓરડો ઉભરાતો હતો. "આજે..જેટલું લુંટાવાય એટલા લૂંટાઈ જાવ શેઠજી, ફરી આવી તક નહીં મળે...!" શેઠના હાથમાં શરાબનો પેગ કજરીએ પકડાવી દીધો.
નયન શેઠ તેને તાકી રહ્યો," હું તો તારી પાસે લૂંટવા હંમેશા તૈયાર જ છું. પણ તે ક્યારેય મારી પાસેથી વધારે ક્યાં લીધું છે ?"
નયન શેઠને થયું કે કજરીને હવે પૈસાની જરૂર હશે. તેથી વધારે માગવા માટેની ભૂમિકા રચે છે. પણ મેં ક્યારેય ક્યાં ઇન્કાર જ કરેલો છે.!
" આજ તો મારો ભાવ ઊંચો છે..શેઠ..!" કજરી દુપટ્ટાને ઉડાવીને નયન શેઠને દુપટ્ટા નીચે ઢબૂરી દીધા. અને આંખ ઉલાળી.
" બોલ કજરી ..! બોલ. તું કહે એટલી દોલત લૂંટાવી દઈશ." નયન શેઠે ઘડિયાળમાં નજર નાખી.,"પછી મોડું થશે. હો.!!"
કજરી નયન શેઠ સામે જોઈ રહી. કાતિલ સ્મિતને ભીનાં ભીનાં હોઠોથી વહેતું મૂક્યું. પછી ગણગણી,"આજ જાને કી જીદ ના કરો...! આજે તમે મને ઈચ્છો એટલું ન્યોચ્છાવર કરી શકો છો. આજે હું ના નહીં પાડું." કજરીના ચહેરે આકાશી મેઘધનુષ જેવું હાસ્ય ખીલ્યું. ખીલતા ગુલાબ જેવી તાજગી આજે કજરી ચહેરે ચમકી રહી હતી.
" એક સવાલ પૂછું? તું આટલી બધી ખુશ કેમ છે,?"નયન શેઠે કજરીને બાહુઓમાં લીધી.
કજરી થોડી વાર મૌન રહી. પછી બોલી," કારણ કે આજે જે કંઈ કમાણી અમે કરશું, એ આપણા દેશની સરહદે આતંકી હુમલામાં શહીદ થયેલા છે. એ સૈનિકોના નોંધારા કુટુંબને આપી દઈશું. આજની કમાણી એ શહીદ સૈનિકોને અર્પણ છે. આજે અમારું દિલ અને દેહ દેશને માટે છે."થોડું અટકી, આંખો ભીની થઈ ગયી. પછી બોલી,"અમે પણ આ દેશના અભાગી સંતાન છીએ. અમે પણ અમારી ફરજ અદા કરશુ." કજરીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા.
નયન શેઠના હાથમાંથી પેગ પડી ગયો. નયન શેઠ સડસડાટ સીડીના પગથિયાં ઉતરી ગયો. નીચે આવીને ઉપર જોયું.
કજરી બાલ્કનીમાં આવીને ઊભી હતી.
નયન શેઠે કહ્યું, "કજરી, આજે તારી ઊંચાઈને હું આંબી શકતો જ નથી. તું હીરો છો. તારી આગળ હું તો સાવ જીરો છું."
અને નયન શેઠનું માથું શરમથી ઝૂકી ગયું.
• વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ, અમરેલી 365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
