વટ્ટ કે વળ - [વાર્તા]

Related

વટ્ટ કે વળ

સિવિલ હોસ્પિટલના બિછાને પડીને કણસી રહેલી સમજૂની આંખ એકાએક ઉઘડી ગઈ. તેના પગ તરફના છેડે એક માણસને ઉભેલો જોઈને સમજુ અડધી ઊભી થઈ ગઈ. પગ ઉંચો કરવા જતા તેને અસહ્ય પીડા ઉપડી. તે પાછી બિછાનામાં ચતીપાટ પડી ગઈ.

વટ્ટ કે વળ - લઘુકથા
વટ્ટ કે વળ - લઘુકથા

સમજુની આંખો વિસ્ફારિત થઈને પેલા માણસને તાકી રહી. ઘણીક વાર પહેલા પગમાં ઉપડેલું દર્દ જાણે વિસરાઈ ગયું. પેલો માણસ પણ સમજુને તાકી રહ્યો હતો. કંઈક આશ્ચર્યથી, થોડા અચંબાથી અને થોડી દ્વિધાથી.

થોડી ક્ષણો આમ જ પસાર થઈ ગઈ. બંને એકબીજાને તાકી રહ્યા. બપોરનો સમય હતો. હોસ્પિટલમાં દર્દીઓ ઓછા હતા. અને હતા તે બધા બપોરની દવા પીને સુઈ ગયા હતા.

દર્દીઓના સંબંધીઓ પણ ચાલ્યા ગયા હતા. ક્યાંય કશી જ અવરજવર ન હતી.

"સમજુ..." ધીમા ખુલતા હોઠોમાંથી પેલા માણસે શબ્દો કાઢ્યા.

તેની વધી ગયેલી દાઢી અને લધરવઘર વેશ જોઈને કોઈ પણ છળી પડે. પણ સમજુની પારખું નજરે તેને પકડી પાડ્યો હતો.

"તમે ? અહીં? દીપુના બાપુ..!" સમજુના હોઠ ફફડી ગયાં.

" હું અહીં શહેરમાં મજૂરી કરું છું. તું મને ઓળખી ગયી ?"

"હજી ઓળખવાનું પૂછો છો? તમને બંધ આંખ્યું હોયને તોય ઓળખી જાવ." સમજુના બોલવામાં ક્યાંય કડવાશ ટકી ન હતી. નરી મધુરતા હતી. જ્યારે પહેલી જ વાર એ અને સમજુ મળ્યા હતા. આમ જ એ આછું મલકીને બોલી હતી.-

સમજુના પગ આગળ જોઈને ખાટલે બેસવું કે કેમ, એવી દ્વિધામાં પડેલા વાલાના વિચારને સમજુ પામી ગઈ. એણે પગને થોડા સંકોડયા. પગને સંકોડતા ઉંહકાર નીકળી ગયો," બેહો..!" સમજુ બોલી.

વાલો પલંગની કોરે બેઠો. હળવેથી સમજુના પગને ઢાકેલી ચાદર ઊંચી કરી."શું થયું ?"

" ઘરની પછીતે તિરાડ પડી'તી. નીસરણીએ ચડી હતી. ને... નિસરણી લસરી....!" સમજુ આગળ બોલી ન શકી.

" સમજી ગયો. પગમાં લાગ્યું છે.."

" હા, નળાના હાડકામાં તિરાડ પડી છે." સમજુએ ચણિયો ઊંચો લઈને પગ દેખાડ્યો. પ્લાસ્ટર પર વાલાએ હળવેકથી હાથ મૂક્યો. ને પછી લઈ લીધો.

" શું કરે છે દીપલો?"

" મજો !"સમજુની આંખમાં આછા ઝળઝળીયા આવ્યા." તમને તમારો છોકરો ગળે નો વળગ્યો.?"

વાલો કશું ન બોલી શક્યો. પાંચ વર્ષ પહેલા બંને માણસને વાંધો પડ્યો હતો. વાત વધી પડી. છેક લખણા સુધી આવીને ઉભી રહી.

વાલો કહેતો : એ ઘર મૂકીને ગયી છે. તો એની મેળે વળ ખાધા વિના આવી જાય. બાકી તેડવા નો આવું."

" તો મારેય ક્યાં જાવું છે. એને વળ હોય તો ભલે રહ્યો..!"

" એકની લાખેય તો મારે આ બાયડી તો ન જોઈએ."

ને એ એને છોડીને ચાલ્યો ગયેલો. સમજુ પિયરમાં ચાલી ગયેલી. દીકરાને લઈને. વાલો શહેરમાં રહીને મજૂરી કરવા લાગ્યો. વટનો માર્યો પછી ક્યારેય સમજુને તેડવા ગયો નહિ.

પણ આજે તેની નજરે સમજુ ચડી ગઈ. વાલો હોસ્પિટલે કોઈનો સામાન મુકવા આવેલો. ત્યારે સમજુને એના વોર્ડમાં જોઈ અને વાલાને કોઈએ એ તરફ ખેંચ્યો. ખાતરી થયી કે સમજુ જ છે.

"કેમ કંઈ બોલ્યા નહીં ?"સમજુએ વાલાને સજાગ કર્યો.

" સાચું કહું? તને છોડીને તો હું રાનરાનને પાનપાન થઈ ગયો છું." વાલાએ કહ્યું.

" તો પછી તેડવા વયા આવવું જોઈએ ને? કે વાલો સામેથી તેડવા જાય તો વટ કેમ ? એવું હતું ને..!"સમજુ વાલાને તીરછી નજરથી જોઈ રહી.

"તુ એય ઓછી નથી. વળમાં તો તુંય હતી..!" પણ વાલો બોલ્યો નહીં. સમજુનો ઉખળતો વળ જોઈ રહ્યો.

" બોલો, હજી વટ રાખવાનો છે ?"

"તારે કંઈ વળ ન હોય તો મારો વટ તો ક્યારનો તૂટી ગયો છે.."વાલો બોલ્યો.

"તો આય કોની ના છે. મારોય વળ ક્યારનો વીંખાય ગયો જ છે."

આવા વાતાવરણમાં પણ સમજુએ મજાક છેડી. હવે કંઈ વટ નથીને ?"

વાલાએ વાત બદલી," પગમાં કેવુંક દુખે છે?"

" બીજા દુઃખ સામે પગનું દુઃખ બહુ કઠતું નથી. દાકતર કહે છે કે તિરાડ બૂરાય જશે, એટલે હરતી ફરતી થઈ જઈશ." સમજુએ પગ સહેજ ઊંચો કર્યો, થોડું દર્દ ઉપડ્યું.

વાલાએ પગને હળવેથી હાથમાં લીધો. પગ વાળવામાં મદદ કરી. સમજુ જોઈ રહી.

હવે વાલો રોજ દવાખાને આવતો પણ કોઈ હોય નહીં ત્યારે જ. સમજુ માટે દવા અને ફળો લાવતો. થોડીવાર બેસતો. વાતો કરતો. બીજાના આવવાનું ટાણું થાય ત્યારે ત્યાંથી નીકળી જતો.

સમજુના મા-બાપ પૂછતા ,"દીકરી આ દવાયું અને ફળ કોણ લાવી આપે છે?"

" મગાવી લઉં છું." એ હસી.

હરતી ફરતી થઈ ત્યારે તેને રજા આપી," જાવ હવે તિરાડ બિલકુલ પુરાઈ જશે. થોડું ધ્યાન રાખજો. હવે તમે ઘરે જઈ શકો છો." ડોકટરે તપાસીને કહ્યું.

" હાલ દીકરી..રજા થઈ ગઈ. રીક્ષા કરી આવું." સમજુના બાપા બોલ્યા.

" ના, હું તો મારે ઘેર જાવ છુ."

" ત્યાં તારી સંભાળ અને દીકરાનું ધ્યાન કોણ રાખશે?" સમજૂની માએ કહ્યું.

" છે ને ..! હવે વળ ઉતરી ગયો છે. અને વટ રહી ગયો છે મારો. મને તેડવા આવ્યા છે..!"વોર્ડના બારણાં તરફ જોઈને સમજુ બોલી.

ત્યાં વાલો નજરને નમાવીને ઉભો હતો...#####

• વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"નવા વાચકો માટે ☞ નવલકથાઓ વાંચવા માટે વેબસાઈટમાં નીચે સ્ક્રોલ કરો. 'Main Tags' માં તમારી મનપસંદ નવલકથાના નામ પર ક્લિક કરો અને એકથી એક ચડિયાતી નવલકથાઓની મજા માણો!"