છૂટી સમયની ગાંઠ
વીજળી વેગે દોડી જતી કાર પુલનો છેડો છાંડીને અપના બજાર- સરદારબાગના ખૂણા પાસે પહોંચી. તરત જ તન્વીએ કાર ડ્રાઈવિંગ કરી રહેલા સમીરનો હાથ દાબ્યો. સમીરનો પગ એકાએક બ્રેક પર ગયો. કારની સ્પીડને કાબૂમાં લઈને સમીરે તન્વી તરફ જોયું.છૂટી સમયની ગાંઠ - નવલિકા
" લેફ્ટ સાઈડ લઈ લે.." તન્વીએ કાળી આંખો પટપટાવીને સમીર સામે જોયું.
ત્યાં સુધીમાં કાર સીદી સૈયદની જાળીની લગોલગ પહોંચી ગઈ હતી. કારને વધુ ધીમી પાડતાં સમીર બોલ્યો," પણ આપણે તો બાપુનગર વૈશાલીને ત્યાં....!" વાક્ય પૂરું થાય એ પહેલા જ તન્વીએ સ્ટિયરિંગ પર હાથ મૂકીને લેફ્ટ સાઈડે ખાનપુર તરફ વાળી.
" અરે ..!અરે...!"સમીરનો શ્વાસ અધ્ધર થઈ ગયો.," જો તો ખરી ? આ રીતે મારા હાથમાંથી ડ્રાઇવિંગ છીનવીને તું એક્સિડન્ટ સર્જી દઈશ."
સમીરે તરત તેના હાથને હડસેલો મારીને કાર પરનો કાબુ મેળવ્યો.," પાછળ ટ્રાફિક કેટલો છે?' રોષ કરીને, તન્વી તરફ જોઈને સમીરે કારને સંભાળી. ને ડાબે ખાનપુર તરફ વાળી લીધી.
" આમ ક્યાં લઈ જવા માગે છે તન્વી? તારા મિજાજ જેવો તોફાની નિર્ણય તે લીધો નથી ને?" સમીર જાણતો હતો કે તન્વી ક્યારેક કોઈ પણ બાબતનો એકાએક નિર્ણય કરતી, ત્યારે એકાએક જ કરતી. એ નિર્ણય જાહેર કરે પછી તેને પૂરો કરવા માટે વળગી રહેતી. ગમે તેટલી દલીલ કરો, છતાં તે મહાત ન થતી.
તન્વીની આ અદાએ જ સમીર એના તરફ આકર્ષયો હતો. તન્વીએ તેને દિલમાં કેદ કરેલો. વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીમાં બંને સાથે ભણતા. તેમાં કેટલીયે યુવતીઓમાં તન્વી જુદી તરી આવતી. તન્વી ક્યારેક ગંભીર લાગતી, તો ક્યારેક તોફાની. ક્યારેક એ નાની બાળક જેવી લાગતી, તો ક્યારેક મહામુત્સદ્દી. કોઈપણ યુવકને તન્વીએ જલ્દી કોઠું નહોતું આપ્યું. પણ સમીરમાં તેણે શું જોયું કે બંને એકબીજા તરફ આકર્ષાયા.
શરૂઆતમાં સમીરને પણ થયું કે તન્વી સાથેનો પરિચય માત્ર ઔપચારિક હશે. માત્ર કોલેજના સમય પૂરતો હશે. પણ તન્વીને સમીરનું બુદ્ધિચાતુર્ય, વ્યક્તિત્વ ગમતું હતું. ઓછાબોલો સમીર તન્વીમાં સ્નેહના સ્પંદનો જગાવી ગયો.
કોલેજના યુવાનો એને સલાહ દેવા લાગ્યા હતા --સમીર, આ તન્વીથી સંભાળજે હો..! ભલભલાને ભૂ પાઈ દે એવી છે. તને ટટળતો રાખીને બીજા જોડે આંખ લડાવશે, ત્રીજા જોડે પ્રેમ કરશે, અને ચોથાને ચાર ફેરા ફરી જશે, તો પાંચમાને ખબર પણ નહીં પડવા દે."
તન્વીની આવી વાતો એ સાંભળતો. તેને મનોમન ગુસ્સો પણ આવતો. કારણ કે તન્વીને એ તેના દિલના તળને સ્પર્શી ગયો હતો.
એક દિવસ તન્વીએ બધા વચ્ચે સમીરને કહ્યું," બોલ, મારી સાથે મેરેજ કરીશ?'
આ સાંભળીને સમીર સડક થઈ ગયો. બધા વચ્ચે? આમ ?બેધડક?? ઘડી તો એના માન્યામાં નહોતું આવતું કે આ તન્વી બોલે છે.? એણે બધા સામે જોયું.
"શું બાઘાની જેમ જુએ છે? યસ ઓર નો."તન્વીએ સ્તબ્ધ થયેલા સમીરને તકાદો કર્યો.
"તન્વી પણ....!"સમીરને શું જવાબ આપવો તે સૂઝ્યું નહીં.
" કેમ? તું મને નથી ચાહતો?" તન્વી બોલી.
"ચાહું છું..!" સમીર માંડ બોલી શક્યો.
" તો, મેરેજ કરવા નથી ઇચ્છતો?'
"ઈચ્છું છું ..!"
"તો જવાબ કેમ ટાળે છે?"
" તન્વી, પણ આપણા વડીલો શું વિચારે?"
"આપણે મેરેજ કર્યા પછી વડીલોને વિચારવાનો પૂરતો સમય આપશુ. આપણે પુખ્ત છીએ. વિચારી શકીએ છીએ. અને નિર્ણય પણ કરી શકીએ છીએ.બોલ શું વિચાર્યું??" જાણે અહીં જ લગ્ન વિધિ આટોપવાની હોય એમ તન્વીએ કહ્યું.
" done ," માત્ર એક શબ્દમાં સમીરે મંજૂરીની મહોર મારી દીધી. બીજા યુવકો અવાક થઈને જોતા રહ્યા.
તન્વી અને સમીર પરણી ગયા.
પરણ્યાં પછી સમીરે તેની અને તન્વીએ તેના કુટુંબની વાત કરી.
તન્વીએ કહ્યું," મારા પપ્પા રમણભાઈ ને હું તેને લાડકી દીકરી. બે જ છીએ. પપ્પા રંગ રસાયણની ફેક્ટરીમાં ઉચ્ચ હોદ્દાની નોકરી કરે છે. સુંદર મજાનો બંગલો છે. સુખી છીએ. અમારા બે સિવાય બીજું કોઈ નથી. બંને પિતા-પુત્રી એકબીજાની હૂંફમાં રહીએ છીએ. મમ્મી નથી. વર્ષો પહેલા ગુજરી ગઈ છે. પપ્પા, મારા નિર્ણયથી ખુશ થશે જ. ચાહે તેના મનથી મારો નિર્ણય ખોટો હોય તો પણ.....!!"તન્વી બોલી.
" મારું જીવન પણ એવું જ છે."સમીર બોલ્યો,"પપ્પા મુંબઈમાં બિઝનેસ ધરાવે છે. બે ભાઈ એક બેન છે. મને ભણવા માટે અહીં વડોદરા મોકલ્યો છે. મને બિઝનેસમાં રસ નથી. બીજો ભાઈ પપ્પાને હેલ્પ કરે છે. ને મમ્મી....!" કહીને એ અટકી ગયો.
તન્વીએ પૂછ્યું" મમ્મી ....?"
"એ ખબર નથી. મમ્મી વિશે પપ્પાએ ક્યારેય કશું કહ્યું જ નથી. અમે પૂછવાની હિંમત પણ કરી નથી."
" તારા પપ્પા આપણા મેરેજથી ખુશ થશે ?"તન્વીએ પૂછ્યું.
" ખબર નથી. પપ્પાનો સ્વભાવ અકળ રહ્યો છે. ચોક્કસ કહી ન શકું. પણ તે નારાજ થશે તો આપણે અલગ રહીશું. અહીં જ...!" તન્વીનો હાથ પકડીને દાબ્યો. સમીરે તોડ કાઢ્યો.
ત્યારે તન્વી તેને ભેટી પડી.," મારો નિર્ણય સાચો હતો..!"
રમણભાઈએ હર્ષથી તન્વી અને સમીરને આશીર્વાદ આપીને પોતાનામાં સમાવી લીધા હતા. સમીર તન્વીને મુંબઈ લઈ ગયો, ત્યારે તેના પિતા કાનજીભાઈએ રમણભાઈ જેટલો ઉમળકો ન બતાવ્યો. છતાં તન્વી માટે એટલો આનંદ હતો કે તેનો ઉગ્ર વિરોધ પણ ન કર્યો.
કાનજીભાઈએ એટલી ટકોર કરી," મારે તને ધામધૂમપૂર્વક પરણાવવાનો લાહવો લૂંટવા હતો પણ એ તે થવા ન દીધું સમીર...!! પણ, જે થયું તે. હવે તું શું કરવા માંગે છે ?"
"હું એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં જોડાઈ જવા માંગુ છું. મને બિઝનેસ નહીં ફાવે."સમીર બોલ્યો.
" જેવી તારી મરજી." એને છૂટો કરવા માંગતા હોય એમ કાનજીભાઈએ કહ્યું," બોલ કેટલા પૈસા તને કાઢી આપું?"
' પપ્પા અમારે પૈસા નહીં, તમારો પ્રેમ જોઈએ છે..!"સમીરને બદલે તન્વી બોલેલી. ત્યારે કાનજીભાઈને તન્વી સામે જોવું પડ્યું. અને ક્ષણિક વિચારી, હસીને તન્વી પાસે ગયા. માથા પર હાથ મૂક્યો." તું મારા પુત્રની પત્ની છે. મારી પુત્રવધુ થઈ છે. તમારો બન્નેનો અધિકાર છે મારા પર. મારી મિલકત પર. એટલે પુછયું.!"
છતાય જે લાગણીની અપેક્ષા સમીર અને તન્વી રાખતાં હતાં એવી લાગણીની ભીનાશ કાનજીભાઈ પાસેથી ન જ મળી.
સમીરની બહેન વૈશાલીને મુંબઈ પરણાવેલી. પણ તેના પતિનો બિઝનેસ અમદાવાદ હોવાથી તે અહીં રહેતા. અહીં આવ્યા એને ચારેક માસ થયા હતા. તન્વી અને સમીર વડોદરાથી વૈશાલીને મળવા માટે આવ્યા હતા. મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હોવાથી આશ્રમરોડની એક હોટલમાં ઉતર્યા હતા. અને સવારે ફ્રેશ થઈને વૈશાલીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું.
તેઓ મુંબઈથી કાર લઈને જ નીકળ્યા હતા.
બાપુનગર જતા જતા વચ્ચે તન્વીએ નિર્ણય ફેરવ્યો, એટલે સમીરે ન છૂટકે તન્વી સાથે સહમત થવું પડ્યું હતું.
એક સાંકડી શેરીમાં કારને વાળવાની તન્વીએ સૂચના આપી, ત્યારે સમીરથી ન રહેવાયું," તન્વી,તું મને ક્યાં તાણી જાય છે?"
"મારા બચપણના સાગરમાં..!" તન્વી આંખ નચાવતી બોલી.
" બચપનના સાગરમાં ?" કાર ચલાવતા સમીરે તન્વી સામે જોયું.," આ શું નવું તૂત છે ?"
'એ તૂત નથી, પણ અહીં મારું બચપણનું ભૂત છે..!" કહીને તન્વી ખિલખિલ હસી પડી." રોક ....!રોક....!"
સમીરે કારને થોભાવી. સાંકડી શેરી. જૂના મકાનો. ક્યાંક ઊંચા ઓટલા. ક્યાંક કેટલાક શેરીમાં રખડતા છોકરાઓ. કેટલાક અવરજવર કરતા માણસો. સમીર આ દ્રશ્ય તાકી રહ્યો.
"ચાલ.. ,ને ઉત્તર...!"તન્વીએ કહ્યું.
બંને નીચે આવ્યા. સામે જાળીવાળું દેખાતું મકાન જોઈ તન્વીએ સમીરનો હાથ પકડ્યો.,"ચાલ'
બન્ને જાળીવાળા મકાન પાસે આવ્યા,"અહીં હું સાત વર્ષની થયેલી..
!!"
" તું ?"
"હા, મને થોડું યાદ છે. હું, મારા મમ્મી ને પપ્પા. આ મકાનમાં રહેતા હતાં. મમ્મી હું છ વર્ષની હતી ત્યારે ગુજરી ગયી. પપ્પા ને હું એકલા પડી ગયા હતા ત્યારે..! જો સામે દેખાય છે, અહી...!!" તન્વીએ આંગળી ચીંધી કહ્યું," ત્યાં સવિતામાસી રહેતા હતા. મમ્મી ગુજરી ગઈ ત્યારે સવિતા માસીએ મને છાની રાખેલી. હું ખૂબ રડતી. સવિતામાસી રોજ મારી પાસે આવતા. મને ખોળામાં લેતા. રમાડતા. સમજાવતા. મને નવડાવતા. મારા કપડાં ધોતા. મારું માથું ઓળી આપતા. તન્વી જાણે ભૂતકાળમાં સરી પડી હોય એમ આંખો મીંચી ગયી.
સમીર આશ્ચર્યથી તન્વીને અને આસપાસના વિસ્તારને તાકી રહ્યો.
" અરે... ભૈ...!! કોણ આયું સે...?" એક સ્ત્રી આવી પહોંચી.
તન્વીએ આંખો ઉઘાડી. તેની સામે ટગર ટગર જોઈ રહી. એક સ્ત્રી ઊભી હતી. જેના વાળ અસ્તવ્યસ્ત હતા. કપડાં ફાટેલાં હતા. ચહેરા પર અનેક રેખાઓનું ચિત્રણ હતું. શરીર કૃશ થયેલું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી સફેદ વાળની લટો ચહેરા પર પથરાયેલી હતી. ઉપલા હોઠના ડાબે ખૂણે રહેલો, ચણા ચેવડો કાળો મસો જોઈને તન્વીના મગજમાં તરત જ ઝબકારો થયો.- અરે આતો સવિતામાસી...!
તન્વીને સવિતા માસી ખોળામાં લેતા, ત્યારે એ નાનકડા હાથથી સવિતામાસીના મસાને અડતી. દબાવતી. ત્યારે સવિતામાસી તેને કહેતા,"અરે.. ગાંડી.., દુખે છે.આ કંઈ રમકડું દેખાય છે?
તન્વીને ત્યારે ગમ્મત થતી હતી. એ વારે વારે મસાને મસળતી. નાની નાની બે આંગળીઓ અને અંગૂઠેથી દબાવતી. સવિતામાસી ક્યારેક ખિજાઈને તેને છોડીને ચાલ્યા જતા.
રમણભાઈ નોકરીએ ગયા હોય, ત્યારે તન્વીને સવિતા માસી સાચવતા. તન્વી એકલી પડે ને રડવા લાગે, ત્યારે તરત સવિતામાસી આવીને તેને સંભાળતા. જો તનુડી, હવે ડાહી થઈને રમજે. મારા મસાને બતાવીશ નહીં. બતાવીશ તો તને રૂમમાં પૂરીને ચાલી જઈશ. તનુ ડરીને ડાહી ડમરી થઈ જતી.
બસ એ જ સવિતામાસી. "માસી... સવિતામાસી...! મને ઓળખી?"
" તું કોણ છે બેન?" સવિતામાસીએ ઝાંખી આંખે ઝીણવટથી જોયું.
" હું. તન્વી, તનું..!! રમણભાઈની તનુ..!"તન્વીએ કહ્યું.
" અરે મારી વ્હાલી, તું તનુડી છો? રમણભાઈની તનુડી.!?" સવિતામાસી તનુને માથે, ગાલે હાથ ફેરવવા લાગ્યા." કેવડી મોટી મોટી ગઈ છે..!! "આખેથી હર્ષના આંસુ ખરી પડવા લાગ્યા," મારી તનુડી.. આવી..!!" કહીને એને છાતીએ વળગાડી. ક્યાંય સુધી ભીંસી રાખી. તન્વીને આવું સ્નેહાળ આલિંગન આજ વર્ષો બાદ મળ્યું. તેની આંખો ભીંજાણી.
સવિતા માસીની છાતીએથી છૂટી પડીને તન્વીએ સમીર સામે જોયું," માસી આ સમીર છે. મારો પતિ છે."
સવિતામાસી સમીરને તાકી રહ્યાં. અને તરત યાદ આવ્યું હોય એ ઓવારણાં લીધા," સુખી રહો.. ચાલો, ઘેરે...!!"
બાજુમાં સવિતામાસી નાનકડી ઓરડીમાં એકલા રહેતા હતા. ગરીબ હતા. માંડ ખાવા મળતું. હવે તો શરીર પણ થાકી ગયું હતું. પારકા કામ પણ થતા ન હતા. દરિદ્રતા ચારે બાજુ દેખાતી હતી.
બે ભાંગલી તુટલી ખુશીઓ લાવ્યા. તેના પર પાથરણું પાથરીને સવિતામાસીએ બંનેને બેસાડ્યા.
" તું આવી, અને સાથે તારા પતિને લાવી, તે મને બહુ ગમ્યું. મને થાય છે કે મારી દીકરી ને જમાઈ મને મળવા આવ્યા છે.!" સવિતામાસીના શબ્દોમાં લાગણી ટપકતી હતી.
" તમે ઘડીક બેસો.." સાડલાના છેડે બાંધેલી ગાંઠ છોડી. થોડાં રૂપિયા નિકળ્યા., "તમારા મોં મીઠા કરાવવા છે, શેરીના નાકેથી થોડી મીઠાઇ લઈ આવું..."
સવિતામાસી ગયા. તન્વી ને સમીર એનો ભાવ જોઈને ના ન પાડી શક્યા. અને ગંભીર થઈને ચારે તરફ જોઇ રહ્યા.
" સમીર, સવિતામાસી બિચારા એકલા જિંદગી કાઢે છે. તેણે મને સાચવેલી. પપ્પા નોકરીએ જતા. માસી મને સમજાવતા. પપ્પાને કહેતા કે ભાઈ તમે તનુની જરાય ચિંતા ન કરશો. હું મારી દીકરીની જેમ તેને રાખીશ.
પછી પપ્પા વડોદરા આવી ગયા. સવિતામાસી ત્યારના અહીં જ રહ્યા છે. મને પપ્પા એની ઘણી વાતો કહેતા. સવિતામાસી જેવી સ્નેહાળ વ્યક્તિના ભાગ્યમાં કોઈનું સુખ નથી. સવિતામાસીનો પતિ હતો. એમ પપ્પા કહેતા. એ એને મૂકીને ભાગી ગયો. એના ત્રણ સંતાનને લઈને ભાગી ગયો હતો. કે છે કે ત્યારથી જ સવિતામાસી સાવ એકલા જ છે. એના બાળકો હતા. એના માટે સવિતા માસી રોતા રહ્યા. પણ તેનો પતિ ત્યાર પછી આવ્યો જ નહીં."
" શું વાત કરે છે?'
" હા, આજ દિન સુધી તેને તેના પતિની કે સંતાનોની ભાળ મળી નથી. એવું એક દિવસ દિનુકાકા વડોદરા આવેલા, ત્યારે પપ્પાને કહેતા હતા. પણ એટલા સમાચાર જરૂર આવેલા કે સવિતામાસીના પતિએ મુંબઈ ધંધો કર્યો છે. કમાણી કરી છે. છોકરાને મોટા કર્યા છે. પણ સવિતામાસીને તેણે તેડાવ્યા નહીં. છતાં સવિતામાસીને થયું કે ભલે મને ન બોલાવે, પણ ત્રણ સંતાનોને સાચવ્યા છે. તેથી મને નિરાંત છે. હવે હું ચેનથી મરીશ..!
સમીર આ વાત સાંભળીને ગંભીર થઈ ગયો. ત્યાં સવિતામાસી મીઠાઈ લઈને આવ્યાં." દીકરા મીઠું મોં કરો."
સમીરે અને તન્વી એક એક મીઠાઈનું બટકું ઉપાડી પોતાના મોંમાં મુકવા જતા હતા, ત્યાં સવિતામાસી બોલ્યા," એમ નહીં ..,એકબીજાના મોંમાં મુકો મુકો." બન્ને થોડું શરમાયા. ખાસ કરીને તન્વી અત્યારે શરમાળ દેખાતી હતી.
"શરમાઓ નહીં, અમારા જમાનામાં અમે એકબીજાના મોં મીઠા કરાવીએ છીએ એવો ફોટો પણ પડાવ્યો છે. તમે આજે શરમાવ છો?" સવિતામાસીએ કહ્યુ," ઉભા રહો..! તમને હું બતાવું છું. મેં ખૂબ જતનથી ફોટો સાચવી રાખ્યો છે."
સવિતામાસીએ જૂનો પુરાણો ટ્રંક ઉઘાડયો. કપડાના નીચેથી એક ફોટો કાઢ્યો. અને સાડલાના છેડાથી કાળજીપૂર્વક સાફ કરીને ઘડીક તેઓ તાકી રહ્યા. એ ફોટો જોઈને સવિતામાસીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
" માસી..માસી.... "તન્વી ઉભી થઈને સવિતામાસી પાસે આવી." તમે રડો છો ?"
"હા. દીકરી મને જૂની યાદ આવી ગયી.. ! કેટ કેટલા વર્ષ કાઢી નાખ્યાં. બસ...! આ ફોટાના સહારે જીવું છું. એ આજે આવશે, એ કાલે આવશે. પણ હવે તો મોત જ આવશે એવું લાગે છે." આંસુ લૂછી તન્વીના હાથમાં ફોટો મૂક્યો," જો, અમે પરણ્યાંને ક્યારનો ફોટો."!
તન્વી ફોટાને તાકી રહી. અને તેણે સમીર સામે જોયું.," સમીર, ફોટામાં તો તું હોય એવો ભાસ થાય છે..!"
" હું?" કહેતો સમીર ઉભો થયો. ફોટો જોયો," અરે આતો.. આતો.. મારા પપ્પા છે." તન્વી ફોટાને તાકી રહી.
" તારા પપ્પા?' સવિતામાસીએ હવે સમીરનું નિરીક્ષણ કર્યું. સમીરની રેખાઓ તપાસી. તેના નાક-નકશો જોયો. કપાળ જોયું. કાનની બુટ્ટી જોઈ.
"હા, મારા પપ્પા કાનજીભાઈ..!" સમીર બોલ્યો.
" કાનજી.....!!" સવિતામાસી બબડયા," તો તું મારો દીકરો છો ..!!!??" સવિતા માસીનું હૈયું હરખથી મૂંઝાવા લાગ્યું.
" હા..! મમ્મી હા..!"
" મમ્મી...!" શબ્દ સાંભળીને સવિતામાસીનો હાથ પોતાના રુક્ષ વક્ષ પર ગયો. એ ભીનાં ભીનાં થઈ ગયાં."તું મારો દીકરો..!" સવિતામાસીએ સમીરને બાથમાં લીધો,"તારા ભાઈ ને બેન..?"
"છે મમ્મી...એ છે...!! વૈશાલી અહી જ છે. મારાથી નાનો રાજુ મુંબઈ છે. મારા પપ્પા સાથે બિઝનેસમાં છે." સમીરની આંખો હર્ષથી ભીંજાણી.
અને પપ્પા શબ્દ સાંભળતાં સવિતામાસીએ સમીરનો પકડેલો હાથ છોડી દીધો.- "જેણે મને આટલા વર્ષ સુધી તડપાવી. મને યાદ નથી કરી. એની માયા શું? દીકરા..!!??"
"મમ્મી, હું તમારો દીકરો છું. હું તને મારી સાથે વડોદરા લઈ જઈશ. ત્યાં હું ને તન્વી તારી સેવા કરીશું. અમે ધન્ય થઈશું...!!" સમીરે તન્વી સામે જોયું.
"હા માસી. મારા પર તમારું ઋણ ઓછું નથી. તમે મને માનો પ્રેમ આપ્યો છે." તન્વીની આંખો સજળ બની.
" તો માસી..માસી... શું કરે છે ? મારા દીકરાની વહુ..!!તુ તો દીકરી થઈને આવી છો..!!" સવિતામાસીએ તન્વીના ગાલે હળવો ચીંટીયો ભર્યો. અને આખું ઘર વર્ષો પછી આનંદના સાગરથી ભરાઈ ગયું......■
• વાસુદેવ સોઢા
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
24,આદર્શનગર, ચક્કરગઢ રોડ અમરેલી-365601
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
