વિશાળ વૃક્ષની માટી (The soil of a wide tree)

વિશાળ વૃક્ષની માટી (The soil of a wide tree)

…બનેલી ઘટના છે, ગુજરાતનાં સર્વપ્રકારે અને સર્વ સ્તરે વિકસિત શહેરમાં વસતા એક પરિવારની વાત છે. એ કુટુંબ ખાધેપીધે ખૂબ સુખી. ઘરમાં ભાઇ પોતે સરકારી અધિકારી, એમના ઘરવાળા પણ કેન્દ્ર સરકારના એક નિગમમાં ઉચ્ચ હોદ્દા પર, દીકરો-દીકરી બંને હાઇસ્કૂલના ઉંબરે પહોંચેલા. ભણવામાં હોશિયાર. ભાઇના પિતાજી પણ સરકારમાં ડેપ્યુટી ડાયરેક્ટર જેવા હોદ્દા પર સેવા આપી નિવૃત્ત થયા. વડિલ તો ખૂબ જ ધાર્મિક અને સેવાભાવી. એમના પત્ની વરસો પહેલાં ધામમાં પધારી ગયેલા. ટૂંકમાં આખું કુટુંબ ઘણું સંતોષી, સુખી અને સંપીંલું.

AVAKARNEWS
The soil of a wide tree

કુટુંબપ્રેમી વડિલ સેવા નિવૃત્ત થયા કે તુરત થોડા દી’ આરામ કરી પશ્વિમ બંગાળમાં પરણાવેલી દીકરીના ઘેર આંટો મારી આવ્યા, દૂરના પિતરાઇઓને આજે પણ સ્વજનગણી તેમનું વડિલપણું ભોગવતા, તેમને ત્યાં 'કેમ છો, કેમ નહિ’ કરી આવ્યા. લગભગ એમના જેટલી જ વયે પહોંચેલા એમના સાળા સાથે મિત્ર જેવો ઘરોબો એટલે એમને ત્યાં થોડા દી' ફરી આવ્યા, સાળા-બનેવી દ્રારકા-સોમનાથે પણ દર્શને ગયા હતા. આવી કુટુંબ જાત્ર કરી એ વડિલે ઘરમાં પોતાના થોડા-ઘણાં વસાવેલા પુસ્તકો પરની ધૂળ ખંખેરી નવા પૂંઠા ચડાવ્યા. વરસો પહેલા કરકસર કરી મકાનનો જોગ કરી લીધેલો એટલે એ બધી રીતે સગવડ ભરેલું હતું. પોર્યમાં બેસી ગમતાં પુસ્તકો વાંચે, પૌત્ર-પૌત્રીને ધ્રુવ-પ્રહલાદ કોણ એ વિગતવાર સમજાવે અને નિરાંતનો આનંદ માણે. પુત્રવધૂને સસરા પર પિતાતુલ્ય પ્રેમ. એણે નાનપણથી માતા-પિતા ગુમાવેલા એટલે પ્રેમાળ સસરાએ વહુને એ બંનેનું હેત આપેલું. પુસ્તકો વાંચતા સસરાજીને બીજા બધા કામ પડતાં મૂકી એમના 'ટેસ'ની ચા બનાવી આપતી ત્યારે એવી રાજી થતી, એવી રાજી થતી કે ના પૂછો વાત !

એ દંપતી વચ્ચે હાલમાં એક જ સંવાદ થતો, 'બાપુજીને આમ રાખીશું, બાપુજીને આમ સાચવશું...!'

એક દી' સાંજે ભાઇ ઓફિસેથી ઘેર આવ્યો. ઘરની માલકણ તો ક્યારની આવી ગઇ હતી. બાપાએ હમણાં જ સ્વામી આનંદનું એક પુસ્તક પૂર્ણ કરી એ જતનથી બાજુમાં રાખ્યું હતું. પોર્યમાં હિંચકાના હલકારે હળવાશ અનુભવતાં હતા. હિંચકાના બેરિંગ તેલના અભાવે 'કીચૂડ, કીચૂડ' એવો આછેરો પણ મીઠો કકળાટ કરતા હતા. પોર્યની રેલિંગની ઉપર બે-ચાર પંખી કૂદાકૂદ કરી રહ્યા હતા. સાથોસાથ એમનો ‘બી ક્વિક, બી ક્વિક’નો પાઠ ચાલુ હતો.

બધા એકબીજા સાથે તાલ પૂરાવતા હતા. સ્વામીના પુસ્તકનો જાણે સમીક્ષાત્મક સંવાદ થતો હતો.

ઓફિસેથી આવેલા ભાઇએ આ દ્રશ્ય જોયું તો તેના આખા દિવસનો થાક ઊતરી ગયો ! પરવારીને બેઠો ત્યાં પિતાએ બૂમ પાડી બોલાવ્યો અને 'આપણી આસપાસમાં કોઇ પેન્ટર છે ? લોકો થોડે દૂરથી વાંચી શકે એવું બે-ચાર વાક્યનું બોર્ડ ચીતરાવવું છે.', એવું પૂછયું.

દીકરાને તો પહેલાં કંઇ સમજ ન પડી. રસોડામાં વ્યસ્ત વહુ માટૅ પણ આ વિષય અચંબાભરેલો હતો.

પુત્રે સામો સવાલ કર્યો, ‘બાપુજી એની શું જરુર પડી ?'

પિતાએ પોતાની વાતનો તંત પકડી રાખ્યો અને કહ્યું, 'તું તપાસ તો કર.'

કલાક પછી જ દીકરાએ પિતાને સમાચાર આપ્યા કે, ‘આપણી શેરીથી ત્રીજી શેરીના નાકે એવો પેઇન્ટર છે.’

પછી આગળની વાત માટે ઊભો રહ્યો, પણ પિતાએ વાત ટૂંકાવી, 'ઠીક તું છૂટો, કંઇક કામ હશે તો કહીશ.'

પતિ-પત્ની વચ્ચે સાંજે અને રાત્રે સુવા ટાણા સુધી આ વાત ચર્ચામાં રહી પણ બાપુજીને ઠીક લાગે તેમ કરે અવું મન મનાવી જંપી ગયા.

બીજા દિવસે સવારે સહુ સહુના કામ-ધંધે ગયાં. બાપા પણ નિત્યકર્મથી પરવારી ત્રીજી શેરીના નાકે પહોંચી ગયા. પેઇન્ટરને શોધી તેને કહ્યું,

'એક ટેબલના ટેકે ઊભું રાખી શકાય એવું બોર્ડ લઇ તેમાં મોટા અક્ષરે લખી દે કે, 'અહીં બહારગામથી આવતા દરદીના ઘેર અને તેમના સગાંને મફત પોસ્ટકાર્ડ લખી દેવાશે."

પેઇન્ટરે એક દી’ની મુદત નાખી. બાપાએ ઘેર જઇ માળિયામાંથી પતરાની એક ફોલ્ડિંગ ખુરશી ઉતરાવી તેને કામવાળા પાસે સાફસૂફ કરાવી. સરકારમાંથી મળેલો એક બગલથેલો ખંખેરીને ખાલી કર્યો. પછી ઘરનાં દરવાજે શેરીમાં આવી, ભાગીદારીની રીક્ષામાં ત્રણ રૂપિયા આપી સાંકડમૂકડ નજીકની પોસ્ટઓફિસે ગયા. ત્યાંથી પચાસેક રૂપિયાની પોસ્ટકાર્ડ ખરીદી ફરી તેજ રીતે ઘેર આવ્યા. ઘરમાં કામવાળા સહુ બાપાની આ દોડધામને નવાઇભરી રીતે જોતા હતા, પણ એમને કશું પૂછવાની કોઇની હિમ્મત નહોતી. તે દી' તો હેમખેમ ગયો. સાંજે કામવાળા સહુએ બહેનને માંડીને બધું કહ્યું. વહુએ ધણીને સવિસ્તાર અહેવાલ આપ્યો. ભાઇ ધીરજવાળો હતો. એક જ વાક્યમાં વાત ટૂંકાવી 'જુઓ તો ખરાં બાપુજી શું કરે છે ?' બધા સરકારી નોકરિયાત એટલે રજાના દી’ સિવાય બપોર પહેલાં જમી પરવારી પોતપોતાની ઓફિસે પહોંચી જવાવાળા. બાપા પણ બીજે દિવસે વહુ-દીકરા સાથે જ ભાણે બેસી ગયા. પુત્રે પુછી લીધું, 'બાપુજી આજે કેમ વહેલાં ? કયાંય બહાર જવું છે ?’

બાપાએ હકારમાં ડોકું હલાવ્યું અને કહ્યું, 'તું નીકળ ત્યારે ગાડીમાં મને લેતો જજે, સાંજે પાછો તમારી હારોહાર ઘેર આવી જઇશ.’ હવે વહુથી ન રહેવાયું. તે અથરી ગઈ! તેણે પણ પૂછ્યું, ‘’પણ બાપુજી આખો દી’... ! ક્યાં જવું છે ?’ વહુ પર બાપાને હેત એટલે પૂછે એ કહી દેતા.

પિતાએ કહ્યું, ‘મોટા દવાખાને જવું છે.’ દીકરો-વહુ ચોંકયાં, “દવાખાને ? કેમ તબિયત ઠીક નથી ?”

વહુએ એલાન કરી દીધું, ‘બાપુજી આજે હું ઓફિસે નથી જતી, તમારા ભેગી આવું છું.’

બાપાએ બંનેને ટાઢા પાડયાં અને કહ્યું, ‘આજે મને જવા દે, કાલે નિરાંતે વાત કરીશું.’

ભાઈ સમજુ હતો. નાકે આંગળી દબી પત્નીને સમજાવી દીધી, ‘જે થાય તે જોયા કર.’

તૈયાર થઈને દીકરાએ ગાડી બહાર કાઢી એટ્લે બાપાએ તેની હોન્ડા સિટી કારની ડેકીમાં પેલું બોર્ડ અને પતરાંની ખુરશી નાખી, ખભે થેલો લટકાવ્યો. પેન પેન્સિલ છે કે નહીં તે તપાસી લીધું પુત્રવધૂ આકળી થતી હતી. એનું મન સસરાજી બરાબર વાંચી-સમજી શકતા હતા. જતા જતા વહુને કહેતાં ગયા, ‘બેટા ચિંતા કરતી નહીં, સાંજે ઘેર આવી જઈશ.’

સિવિલ હોસ્પિટલના ઝાંપે બાપા તેનો માલસામાન લઈ ઊતરી ગયા. જતા જતા દીકરાએ કહ્યું, ‘બાપુજી સાંજે લેવા આવું ?

પિતાએ એક વાક્યમાં પતાવ્યું, ‘’હું તને કહેવડાવીશ’.

હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બધાની અવરજવર હોય તેવા લીમડાના ઘટાદાર વૃક્ષની નીચે વડીલે ખુરશી પર આસન જમાવ્યું. પાસે ઝાડના થડના ટેકે પેલું બોર્ડ રાખ્યું, ‘અહીં બહારગામના દરદીને તેમના ઘેર કે સગાને મફત પોસ્ટકાર્ડ લખી દેવાશે.’

આ અહીં કોણે ખુરશી પાથરી એવું વિચારી શરૂઆતમાં તો હોસ્પિટલનો સિક્યુરિટી ગાર્ડ ત્યાં દંડો પછાડી ગયો. ઝાડની સામેની હોસ્પિટલના પોલીસચોકીનો જમાદાર પણ આંટો મારી ગયો. બીજા બે-ચાર જોઈ ગયા. કંઇક નવું છે, પણ વાંધાજનક નથી એવું લાગતા ચોકીદાર અને જમાદાર પણ ‘પછી વાત’ એવું વિચારી આઘે ઊભા ઊભા અરધી-અરધી પીવા લાગ્યા.

વડિલે તો થેલો બાજુમાં રાખી લીમડાના છાંયે આસન જમાવ્યું. આવતાં જતાં ઘણાં લોકો બોર્ડ વાંચી કૌતૂકભરી નજરે જોતા હતા. ત્યાં ૮૦-૯૦ વર્ષના એક માજી આવ્યા. વડિલને ઉદ્દેશી કહ્યું, ‘ભાઈ, ત્યાંથી મને એક જણે કહ્યું કે, આ ભાઈ ઘેર પોસ્ટકાર્ડ લખી આપશે.’ તો તમે મારે ઘેર બે અક્ષર માંડી આપશો ? મારી પાસે પોસ્ટકાર્ડ તો નથી.

વડિલે તેમને પ્રેમથી આવકાર્યા. પાસે બેસાડયા. થેલામાંથી પોસ્ટકાર્ડ કાઢ્યું અને સ્વસ્થાન શ્રી મધે ગામ...થી શરૂ કર્યું. માજીના હેતથી જયશ્રીકૃષ્ણ લખ્યા અને પછી માજી જેટલું બોલ્યા તે બધું પ્રવાહી ગુજરાતી ભાષામાં ગાળીચાળી લખી આપ્યું. એ લખ્યા પછી માજીને ફરી આખો કાગળ વાંચી સંભળાવ્યો, કંઇ રહી જતું હોય તો યાદ કરીને કહેવા કહ્યું.

મોટાભાગે તો તેમાં ખુશી સમાચાર હતા. દાક્તર દેવના દીકરા જેવા છે અને કાનાની સારવાર કુટુંબના માણસની જેમ કરે છે તેમ લખ્યું હતું. પખવાડિયામાં દ્રારકાનો નાથ કરશે તો કાનાને સાજાસમો લઈ ઘેર આવી જાશું એવું ખાસ લખવા માજીએ ભલામણ કરી હતી અને છેલ્લે બની શકે તો સરપંચ પાસેથી ઉધાર લઈને પણ થોડા પૈસા મોકલવા તા. ક. કરી હતી. બસ થયું. આજના દી’ની સેવા પૂરી. બાપા ‘હરિનો થડો’ સંકેલવાની તૈયારી કરતાં હતા ત્યાં બીજા બે-ચાર જણ આવે ચડયા.

‘કાકા, અમારે પણ ઘેર સમાચાર પૂગાડવા છે. ઘેર તો બધાનો સમાચાર માટે જીવ આભે પૂગ્યો છે. અમને પણ બે અક્ષર માંડી આપો’ અને આવી કેસેટ રિપિટ થવા લાગી. બાપાએ તો ‘હરિ કરે સો હૉય’ એવી હાકલ કરી ‘મારો વાલો જાગ્યો પણ દી આથમે જાગ્યો.’ એમ હરિને ટપારી કલમ અને ખડિયો કર્યા વહેતા તે ઘડીકભરમાં ડઝનેક પોસ્ટકાર્ડ લખાઈ ગયા.

સાંજ પડી.... વહુ-દીકરો બંને ઘેર ભેગા થઈ ગયા હતા. બાપુજીના આવવાના રસ્તા પર નજર માંડીને પૂતળાં જેમ બેઠા હતા. ઘરમાં આવી બંનેમાંથી કોઈ ‘ફ્રેશ’ થયા નહોતાં કે ‘ચેઈન્જ’ નહોતું કર્યું. છોકરાવ એની મેળે, ‘બાપુજી કયાં ?’ એવો પ્રશ્ન કરી એમના હોમવર્કમાં ગૂંથાઈ ગયા હતા.

અંતે પુત્ર-પુત્રવધૂની ધીરજ ખૂટી. બંને પગરખાં પહેરી થયા તૈયાર. મોટરગાડી તો બહાર જ રાખી હતી. ગાડીમાં બેઠા અને મોટર સ્ટાર્ટ કરી ત્યાં બાપુજી એમના સામાન સાથે રીક્ષામાંથી ઉતર્યા. વહુ-દીકરા બંનેએ ગાડી બંધ કરી. પપ્પા તરફ દોટ મૂકી. એમનો સામાન લઈ બાપુજીને હળવા કર્યા, ઘરમાં લઈ ગયા. વહુ તો અધીરી થઈ હતી. ‘બાપુજી, આટલું મોડું હોય ? આખો દી’…’ પતિએ તેને વાળી. બાપુજીને નિરાંતનો શ્વાસ લેવા દેવા ઇશારત કરી. બધા પરવાર્યા. બાપા તો ખુશખુશાલ હતા કે ન પૂછો વાત ! સાંજનું વાળુ કરી બધા બાપાને વીંટળાઈ વળ્યા. બાપા તો એમનું પ્રિય ભજન, ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’ એ ઊંચા સાદે લલકરતા હિંચકે ઝૂલતા હતા. અંતે વહુને પાસે બેસાડી, દીકરાને સામો બેસાડયો અને જાણે ભજનનું ભાષાંતર કરતા હૉય તેવા આનંદ સાથે, ‘આખા દી’ના કામનો અહેવાલ આપ્યો...’ દીકરો મૂંગો હતો, પણ તેનો આનંદ તેના મુખ પર ઝલકતો હતો. વહુ તો સસરાના ખભે માથું મૂકી મોકળા મને રડી...

સસરાએ તેના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં જાણે તે દી’નું પૂણ્ય દીકરી જેવી વહુને આપી દીધું.

બીજે દી’ સવારથી ઘરમાં ધમાલ મચી, ‘બાપુજીને મોડું થશે, મોડું થશે’ એવી બૂમરાણ થઈ.

દીકરો તેના નરસિંહ મહેતા જેવા બાપને દવાખાને મૂકી આવ્યો. આજે તો બાપા આવ્યા કે પોસ્ટકાર્ડ લખવવા કતાર જામી. પોલીસ ચોકીનો હવાલદાર મદદમાં આવ્યો. બાપાને ‘ચા-કોફી લેશો’ એવો વિવેક કરી ગયો. બપોર થતાં દવાખાનાના મેદાનમાં છાપરે પીળી લાઇટવાળી એમ્બેસેડર આવીને ઊભી. અંદરથી બાપાની પુત્રવધૂ સફરજન અને કેળાનો ટોપલો ભરી ઉતરી અને બાપુજીને આપીને કહી ગઈ, ‘તમારા બધા ક્લાયન્ટને પોસ્ટકાર્ડ લખી દેવા ઉપરાંત આ પ્રસાદી પણ આપજો.’

બાપાની જિંદગીમાં વધુ એકવાર હરખના આંસુ આંખમાં ડોકાયાં.

વહુ તો મોટી ઓફિસર હતી એટલે ઘેર આવ-જા આવી પીળી લાઇટવાળી એમ્બેસેડરમાં કરતી હતી. હવે ઓફિસે આવતાં-જતાં વાયા હોસ્પિટલના મેદાને થઈ ચાલવાનું ડ્રાઇવરને કહી દીધું !

વરસો સુધી આ કુટુંબનો આવો સેવાયજ્ઞ ચાલ્યો. સમયની ગંગા તો વહેતી જ રહે છે. વરસો પછી એક યુવાન એ સ્થળે આવ્યો અને વિશાળ વૃક્ષની માટી લઈ માથે ચડાવી. તેની સાથે આવેલી ધોળી મેડમ, તેની વિદેશી પત્નીએ તેના યુવાન પતિને પૂછ્યું, ‘આ શું છે ?’

પેલા જાણે કહ્યું, ‘તું પહેલા ભારતીય બન... પછી તને આ બધું સમજાવીશ.”

એ યુવાન ઉપરોક્ત સેવાભાવી નિવૃત સજજનનો પૌત્ર હતો. વિદેશમાં ખૂબ ભણી બહુ ઊંચી પદવી મેળવી હતી, તેના માતા-પિતા, દાદા હવે કોઈ આ દુનિયામાં રહ્યું નહોતું બહેન દક્ષિણમાં ખૂબ સારી કંપનીમાં તેના કુટુંબ સાથે સ્થાયી થઈ ગઈ હતી, પરંતુ આજે પણ એ ભાઈબહેન માટે આ દવાખાનાનું મેદાન અને એ વૃક્ષ એક પવિત્ર યાત્રાધામથી પણ વિશેષ મહત્વના બની રહ્યા છે.
       - નારણભાઇ પરમાર (પૂર્વ તંત્રી – ફૂલછાબ)

કેટલીક વાતો આપણને સ્હેજ વધુ સારા વ્યક્તિ બનાવનારી હોય છે. સારા કાર્યો કરવા માટે વધુ ધન દોલતની જરૂર નથી તમે તમારી ક્ષમતા પ્રમાણે કરી શકો છો.(જેવી રીતે અમે કરી રહ્યા છીએ, અને અમારા જેવા ઘણા કરી રહ્યાં છે.,.. — અમે એવા લેખકનો પણ આભાર માનીએ છીએ કે જેની વાતો અમને સારા કર્યો કરવા માટે પ્રેરિત કરે છે. ) @આવકાર™ 7878222218

આ એવી જ એક વાત છે જે સત્ય ઘટના છે...આ વાત વર્ષો પહેલા વાંચી ત્યારથી હંમેશા હૃદયમાં વસેલી રહી છે. કદાચ તમને પણ ગમી હશે.... સૂતા પહેલા વાંચો તો નકારાત્મકતા ખંખેરાઈ જશે અને ઊંઘમાં પણ મોં પર સ્મિત રહેશે અને સવારે વાંચી હોય તો પૂરો દિવસ હકારાત્મકતાથી ભરાઈ જશે...!! વાંચ્યા પછી... શેર કરવા જેવુ લાગે તો નીચે આપેલ શેર બટનથી જરૂર શેર કરશો...!!🌺🌹 ___🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ની મુલાકાત કરો, આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, આરોગ્ય ટિપ્સ, સરકારી યોજના જેવી જનરલ અપડેટ અને વધુ પોસ્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post