તુમાખી (Tumakhi)

Related

તુમાખી
````````````
વાંકાણીના જીવનમાં એ દિવસે એક સાથે બે ઘટના બની. એક એ કે વાંકાણી અર્ધશતક વતાવીને વનમાં પ્રવેશ્યો. અને બીજી ઘટના એ કે તે જ દિવસે વાંકાણી સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કની ખુરશી પર આવી ગયો.

#આવકાર
તુમાખી

પહેલી ઘટનાનો એને મન આનંદ ન થયો કે રંજ પણ ન થયો. એમાં શું? બધા જ પચાસ વટાવીને વનમાં પ્રવેશે છે.એમાં મેં શું ધાડ મારી? એ તો થવાનું જ હતું. હું ન ઈચ્છું તો પણ..! તેનાથી કંઈ ફેર પડતો નથી. એમ વાંકાણીને લાગ્યું. અને કદી ન હસનારા વાંકાણીને આવા વિચાર પર હસવું પણ આવી ગયું.

પચાસનું આ વર્ષ એટલે? એટલે એ કંઈક યાદ કરવા લાગ્યો. હા.. હા.. મારું બેટુ કંઈક પચાસ જેવું થઈ જાય એટલે જયંતી ઉજવે છે. કેવી જ્યંતી ..!? કેમ મને યાદ નથી આવતું? રજત કે..? નહીં... ના..ના..! બીજું કંઈક.. જયંતી..! પણ મારે શું? મને પચાસ પૂરા થાય કે સાંઠ !કઈ ફેર નહીં. હે ?હા ..એ તો ખરું ને..! પછી આ વાંકાણી નહીં હોય, પેન્શન પર હશે. શું મોથ મારી? પચાસ પુરા કરીને..!

બસ આ ઘટના તેને સાવ નિરસ લાગી. આનંદ કે રંજ વિનાની.

બીજી ઘટનાએ તેને થોડો થોડો ખળભળાવ્યો.એ હેડ ક્લાર્ક થયો. પણ જોઈએ તેવી જામી નહીં. કારણ કે બાંધકામ શાખામાંથી એ શિક્ષણમાં મુકાયો. એના માટે સાવ નિરસ. અર્થહીન. અર્થ એટલે પૈસા.

ભલે એ બાંધકામ શાખામાંથી સિનિયર હતો, હેડ નહોતો. પણ વટ કેવો પડતો! વાંકાણીભાઈ...! વાંકાણીભાઈ.. ! એવા ચારે બાજુથી અવાજો આવતા. ટેન્ડરો ભરાતા. અરજીઓ આવતી. પાસ થતી. નાપાસ થતી. બધું આ વાંકાણીના હાથ નીચે.

ભલભલાને વાંકાણી વાંકા વાળી દેતો. એ બધા વાંકા વળીને સલામ દેતા. વાંકાણીનો રોફ પણ એવો જ હતો. મિજાજ ફાટી ગયેલો. જલદ પિયાલો.કોઈ ફર ન કહે. વાંકાણી વાંકો ચાલે એટલે માનો બારે ડૂબ્યા.

પણ પછી રસ્તો નીકળે. વાંકાણી ટેબલ નીચેથી હાથ સરકાવે. હાથ ભરાઈ જાય. વાંકાણી વરસી પડતો. કામ પત્યું સમજો. આપણે તો તડને ફડ કરવાવાળા. આ બાજુ દામ અને આ બાજુ કામ. ભલભલાને ભૂ પાઈ દઉં .હું કોણ? વાંકાણી. શું સમજ્યા?

તોછડી બોલી. તુંડમિજાજી. આવનારનું અપમાન કરવામાં જાણે એને ટેસ આવતો," કાં ,કેમ આવ્યા છો? બીજું કંઈ કામ નથી?" વગેરે શબ્દોનો પ્રહાર વાંકાણી કરતો. પણ ગરજાઉં ગ્રાહક મૂંગા મોઢે વાંકાણીનો મૂંઢ ઘા સહી લેતો. કડવો ઘૂંટડો ગળે ઉતારી જતો.

વાંકાણી ફાટ્યો. ફાટીને ધુમાડે ગયો. અરજદારોને જવાબ આપે કે ન પણ આપે. કાઢી મૂકે. તેની સામે રાવ નહીં. તેની સામે ફરિયાદ નહીં.

સિનિયર ક્લાર્ક હતો, ત્યારે પણ મિજાજ લશ્કરી વડા જેવો રાખતો. લોકો એનાથી કંટાળતા. થાકતા. પણ કામ તેની પાસે જ કરાવવાનું હોવાથી તેને નિભાવ્યે જ છૂટકો.

ઘરમાં પણ વાંકાણીને વાંકું પડતું. ત્યારે ઘરની દાઝ ઓફિસમાં અને ઓફિસની દાઝ ઘરમાં ઉતારતો. તેની પત્ની કહેતી," જમી લેવું છે?"

" ત્યારે શું ભૂખે મરીશ?" વાંકાણીનો અવળો જવાબ.

" પપ્પા પેન્ટ ધોઈ નાખુ?"તેની બેબી પૂછતી.

" ના..ના.. હું ધોઈ નાખીશ કાં !"વાંકાણી પ્રહાર કરતો.

"વાંકાણીભાઈ શું ચાલે છે?" કોઈ સામે મળે તો પૂછે.

" ટાંટિયા જોતો નથી?" પેલાનું મો વાંકાણીના જવાબથી સિવાય જતું.

" બેઠા છો ને વાંકાણીભાઈ..!" ઘર આગળ નીકળીને કોઈક ટહુકો કરતા.

"તું કે' તો ઊંધે માથે થાઉં! બીજું શું? હું બેઠો છું એ તને નથી દેખાતું ?"બસ વાંકાણીનાં આવા તોછડા જવાબો.તમતમતી વાણી. કડવા ઘૂંટડા.

બાંધકામમાંથી છૂટો થઈને એ હેડ ક્લાર્ક થયો. ત્યારે એના સાથી ક્લાર્ક ગેલમાં આવી ગયા. ગયો..! ભલા ટળી..! હવે શિક્ષણમાં ભલે રોફ કરતો. શિક્ષણમાં વાંકાણીને માલમલિદા મળતા બંધ થઈ ગયા. રૂટીન કામ ચાલતું. નહોતા ટેન્ડર. નહોતા પૂલ, તળાવ, મકાન કે રસ્તાનું રીપેરીંગ. નહોતા નકશા, નહોતા ઉઘરાણીના બિલો. સાવ નિરસ .અર્થહીન. વાંકાણી વંકાઈ ગયો.

બાંધકામમાં ચા પર ચા. પાન પર પાન. અને ચેઈન સ્મોકિંગ. ધુમાડાના ગોટે ગોટા. ટેસડો..! ના ખિસ્સા પર જરાય ભાર. વાંકાણીના ખિસ્સામાંથી પાઈ પણ ઓછી ન થાય. ને તોય ટેસડો.! વાંકાણી મનોમન કહેતો- ટેસ કરો ભાઈ..! કોના બાપની દિવાળી..!

આવા જીવને શિક્ષણમાં કીડીઓ ચડતી. રડ્યો ખડ્યો કોઈ શિક્ષક અરજી લઈને આવતો. કામ થાય તો ભલે. કશી ઉતાવળ નહીં. ને વાર લાગે તોય સારું. કશું જ નહીં. માલ નહીં, મલિદા નહીં. આતે કંઈ કામ છે? ટેબલ ખુરશી વચ્ચે વાંકાણી ભીંસાઈ જતો. આ તે કંઈ શાખા છે?

આસપાસ બેઠેલા ક્લાર્કના ચહેરાને તાકતો. જોઈ રહેતો.ખીજાતો. મૂંઝાતો. અકળાતો. વાંકાણી બેટા, ફસાયો. ના.. ના.. એમ સાવ નહીં. બદલીની મોસમ માથે છે. માલ મળી જશે. એમાંથી કાઢવાના હોય, વીરા વાંકાણી. ત્યારે તારી કિંમત થશે. હા.. બસ, ત્યારે જ સાચી મોસમ ખુલશે.

પણ આ અધિકારી બારોબાર પતાવી લે એવા છે. હું હેડક્લાર્ક છુ. શરૂઆત અહીંથી થવી જોઈએ. પણ મારે બેટે,બોર્ડ લગાવી દીધું છે. કામકાજ માટે શિક્ષકોએ સીધા અધિકારીને જ મળવું. વાંકાણીને બોર્ડ તોડીને ફેંકી દેવાની ઈચ્છા જોર કરી ગઈ. પણ એ કરી શક્યો નહીં. સમસમીને બેસી રહ્યો.

વાંકાણીએ એક બે ફાઈલો ઉથલાવી. પછાડીને બંધ કરી. આલમારીમાં ઘા કરી દીધો.

વનમાં પ્રવેશવાનો ઉત્સાહ ઠંડો પડતો ગયો.હેડક્લાર્ક થવાની બઢતી અકળાવી ગઈ. આ કરતા તો સિનિયર રહ્યો હોત તો સારું હતું. હજી બાંધકામ શાખામાં વટ પડતો. હવે તો જે માણસો સામે મળે છે તે પણ મોં ફેરવી લે છે.બંદો વાકાણી બાંધકામમાં હતો, ત્યારે તો રાજા હતો રાજા. આ બધા લટુડા પટુડા કરતા આવતા. આજે આ રસ વગરની શાખામાં ક્યાંથી કસ નીકળે !!?

લાંબા મો પર ગાલના ઉપસેલા હાડકા પર વાંકાણીએ હાથ ફેરવ્યો.હોઠ પરની પાતળી મૂછો પર હાથ આંગળીઓ દબાવી. નવાં કપડાં કરાવ્યાં હતાં.એ પહેરેલાં હતાં .પણ જામી નહીં. કપડાં શોભે એવું કામ નહોતું. રોફ નહોતો. કોઈને રંજાડ નહોતી. પણ વાંકાણી એમ એનો સ્વભાવ ભૂલે? ભૂલેચૂકે આવી ચડેલા શિક્ષકને તેના શબ્દના બાણથી પેલા માસ્તરના કાનને કડવા કરી મેલતો. વગર કારણે ટેલીફોન ખખડાવ્યા કરતો. વારેવારે બાંધકામ શાખામાં ફોન કરતો. સામેવાળાને પછી થતું,- આ તો વાંકાણી. ઘૃણા થઈ આવતી. એ પણ ત્રાસી ગયા વાંકાણીનો અવાજ સાંભળીને. ફોન મૂકી દેતા. ક્યાંય પણ સારા શબ્દો નહીં. હૃદયની લાગણી અને માણસાઈની કોઈ વાત નહીં. મદદગારી, જરા સરખી દયા નહીં. માયા નહીં. કોણ તું? કોણ હું ?કશો જ કોઈ સાથે સંબંધ નહીં.

વાંકાણીનું સ્થાન કોઈના અંતરમાં નહીં.એ છતાં હેડ ક્લાર્ક હતો.દમામ રાખતો. રોફ છાંટતો. ઉકળાટ કાઢતો. આ બધું હોદ્દાની રૂએ કરતો. અને સૌ હોદ્દાની રુએ સાંખી લેતા.

ફાઈલોના પાના આમતેમ ફફડાવતો. કોઈને તતડાવતો. નહીં સહાનુભૂતિ, નહીં કોઈ પ્રત્યે સ્નેહ. બસ રોફ રોફ અને રોફ. બીજા કહેતા- સારું છે, વાંકાણી માત્ર હેડ ક્લાર્ક છે .એ તો આ કચેરીનો વડો હોત તો!! ત્યાં તો ઉતરી ગયો હશે.બલા ટળી ગયી હશે.સડો નીકળી ગયો હશે.ભિંગડું ઉખડી ગયું હશે.

વાંકાણીની નજર ત્યાં બેઠા બેઠા બહાર પડી .પટાવાળો સ્ટુલ પર બેઠો હતો. ઘંટડી મારી. પટાવાળો દોડતો આવ્યો. વાંકાણી બોલ્યો," પાણી.."

પાણી પીધું ને ગ્લાસ ટેબલ પર પછાડ્યો.પટાવાળો ગ્લાસ લઈને ગયો. ફરી ત્યાં બેઠો. વાંકાણી કારણ વગર ધૂંધવાતો રહ્યો. એ જ વખતે સાવ સાદા કપડાંવાળા એક શિક્ષકભાઈ આવ્યા. પટાવાળો તેને ઓળખતો હતો. એ આદરથી ઉભો થયો ગયો," આવો રમણભાઈ ..!"

રમણભાઈએ કહ્યું,"કેમ છો ભાઈ!?"

" તમે મજામાં?"

રમણભાઈએ પટાવાળાને કહ્યું ,"લેર છે. મજા છે."

" તમે આવ્યા, તેથી આનંદ થયો. "રતુ પટાવાળો પ્રસન્નતાથી રમણભાઈને જોઈ રહ્યો.

રમણભાઈ શિક્ષક હતા. બે વર્ષ પહેલાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્યપાલના હસ્તે મળેલો. અધિકારીઓ પણ તેમનો આદર કરતા.

રમણભાઈએ વિવેકથી પૂછ્યું." સાહેબ નથી?"

" ના નથી."

" તો દહીંવાલા ભાઈ છે?"

"હવે અહીં દહીવાલા નથી.તેઓને બીજી શાખામાં ફેરવવામાં આવ્યા છે. એ બદલાઈ ગયા છે."

" તો એની જગ્યાએ કોણ આવ્યા છે?"

" એ...! સામેના ટેબલે બેઠા છે." પછી પૂછ્યું," કંઈ કામ છે?"

" હા." કહીને રમણભાઈ વાંકાણી પાસે ગયા. વાંકાણી ટેલીફોનમાં કોઈ સાથે વાત કરવા ડાયલ ઘૂમાવી રહ્યો હતો. રમણભાઈ થોડીવાર તેના ટેબલ સામે ઊભા રહ્યા. વાકાણીનો ફોન લાગ્યો."હલ્લો,હું વાંકાણી બોલું છું ..!હા.. હા... દસ ટિકિટ આવી ગઈ છે.. ડ્રો કે દિ' છે? હા. ભલે.. ભલે.. અરે..હોય? હા.. હા..!" વાંકાણીએ ફોન મુક્યો. અને રમણભાઈ સામે કરડી નજર કરી.

" તમે વાંકાણીભાઈ!!?" રમણભાઈએ નમ્રતાથી પૂછ્યું.

" તમને કોણ લાગું છું? હું સીધાણી લાગું છું ?"વાંકાણીના શબ્દો રમણભાઈને પાણાનીજેમ વાગ્યા.

" હું રમણભાઈ છું. શાળામાં આચાર્ય છું.તમે મને ન ઓળખો..! કારણકે આપણી પહેલી મુલાકાત છે."

" એ જે હોય તે!? છેલ્લે મળતા હોય તોય શું? લાંબી લપ કર્યા વિના બોલો..!" વાંકાણીએ વાણી પ્રહાર કર્યો.

"જુઓ ,શાળામાં એક સુંદર ફંક્શન ગોઠવવું છે. અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ ..," રમણભાઈ એટલું બોલી ન રહ્યા ત્યાં વાંકાણીની વાણી વછૂટી," એ જે હોય એ ,તમે જે કરો એ.તમારે ઓફિસનું શું કામ છે એ કહો ને .,!"

રમણભાઈ ઘા ખાઈ ગયા. નિ:સાસો સરી પડ્યો. કશું જ બોલ્યા વિના સાથે લાવેલ નિમંત્રણ કાર્ડ વાકાણીના ટેબલ પર મૂક્યું.

પટાવાળાએ રમણભાઈ બહાર આવ્યા અને પૂછ્યું," સાહેબ પાણી આપું?"રમણભાઈ કંઈ જવાબ આપે ત્યાં જ વાંકાણીએ બેલ મારી.

રતુ પટાવાળો દોડીને અંદર ગયો.,"તને માસ્તરની સેવામાં નથી રાખ્યો! ઓફિસ પગાર ચૂકવે છે!"

પટાવાળો બહાર આવ્યો. રમણભાઈને પગે લાગ્યો. રમણભાઈ ગયા.

ત્યારે ત્યાં કોઈ નહોતું. ઓફિસ ખાલી હતી. એક કૂતરું વાંકાણીના રૂમ સુધી પહોંચ્યું. અને અંદર ડોકિયું કરીને ઉભી પૂછડીએ ભાગ્યું.

વાંકાણી ખુરશીમાં બેઠો બેઠો બેલ મારી રહ્યો હતો. પેલી... બીજી.... ત્રીજી ...! પટ્ટાવાળો જાણે બેલ સાંભળતો જ ન હતો.

તુમાખી ભર્યા વાંકાણીને ચહેરા પરથી માખી ઉડાડવાની ત્રેવડ પણ ન રહી. ######

----- – વાસુદેવ સોઢા. મો:૯૯૨૫૯૮૬૮૪૬
24, આદર્શ નગર, ચક્કર ગઢ રોડ અમરેલી - 365601

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post