દે તાલ્લી...!
~~~~~~~~~~~~~~ - વાસુદેવ સોઢા
ત્યારે મારી વય નાની હતી. હજી તો માંડ મને મૂછનો દોરો ફૂટતો હતો. મને શે'રમાં ભણવા માટે મોકલ્યો હતો.
મને હજી યાદ છે કે તે દિવસે કાકા અને કાકીની સમજાવટ કે હુંફ ન હોત તો ભણી શક્યો ન હોત. બાપુ મને ડરાવીને, મારીને નિશાળે મૂકી જતા. હું રોતો રોતો શાળાએથી પાછો આવતો, ત્યારે કાકી મને પાસે બેસાડીને બે મીઠી વાતો કરીને મનાવી લેતા.
દે તાલ્લી!
બાને તો હું હોંકારો જ ન દેતો. એને ગણકારતો જ નહીં. બા મને 'અવળચંડો 'જ કહેતા. બા કહે 'આમ કર'તો હું તેમ ન જ કરું. બા કહે 'તેમ ન કર' તો હું તેમ જ કરું. બા મારાથી થાકી હારીને 'લખણ ખોટા' નું બીજું બિરુદ આપે. મારા વિશે બાપુને ફરિયાદ કરે. બાપુ મને બાવડેથી પકડે ને એક થપાટ મારી દે. હું ભેંકડો તાણીને કાકી પાસે જાવ. કાકી મારા માથે હાથ ફેરવીને છાનો રાખે. હું હીબકા લેતો લેતો છાનો રહી જાવ.
કાકીને કહું," હવે હું ત્યાં જવાનો જ નથી. અહીં તમારી પાસે જ રહીશ. બા ,બાપુને રાવ કરે. એટલે બાપુ મને મારે છે."
કાકી મને કહે સંજુ બેટા, બા કહે તેમ કરીએ. તું તોફાન ન કરતો હો તો..!" હું કાકીની વાત માની જાવ.
" હો. "હવેથી તોફાન ન કરવાનું કહું એટલે કાકી પણ માની જાય. અને હસી પડે. કાકી મારી સામે હાથ લાંબો કરીને કહે,"દે .. તાલ્લી....!"
હું કાકીના રકાબી જેવડા પહોળા પંજામાં મારી નાનકડી હથેળીથી ટપાક..! તાળી આપું. ને એ ખડખડાટ હસી પડે.
દિવાળીનું વેકેશન પડ્યું ત્યારે હું મારો સામાન લઈને ઘરે આવ્યો. ડેલીમાં પગ મૂક્યો તેવો જ હું ખમચાઇને ઉભો રહી ગયો. મારા પગ જાણે ધરતી સાથે ચોંટી ગયા. હું પૂતળા જેવો સ્તબ્ધ બની ગયો.
અમારા ઘરના વિશાળ ફળિયાના બે ભાગ પડેલા જોયા. વચ્ચોવચ માટીની કાચી વંડી ચણી દેવામાં આવી હતી. હું જે ડેલીમાં ઉભો હતો તે ઘરમાં મેં કાકીને જોયા. કાકી મને જોઈને અંદર ચાલ્યા ગયા. મને નવાઈ લાગી.
સમજાય ગયું કે બાપુ અને કાકાએ ભાગ જુદા કરી લીધા હતા. મને થયું. એવું તે શું બન્યું કે વચ્ચે વંડી ચણવી પડી ? અમે અને કાકા જુદા તો રહેતા જ હતા. એક ઓછરીએ ત્રણ ત્રણ ઓરડા હતા. તેમાં જુદા જ રહેતા હતા. વળી વીઘા એકનું ફળિયું હતું. તેમાં ભાગલા પાડવાની શી જરૂર પડી ?
મને કંઈ સમજાયું નહીં. મને હતું કે કાકી મને જોઈને રાજી થતી બહાર આવશે. દર વખતની જેમ મારા હાથમાંથી સામાન ઉપાડી લેશે. પાણીનો પ્યાલો અંબાવશે. ખાટલો ઢાળી દેશે. મને પાસે બેસાડીને પૂછવા લાગશે.' કેમ છે દીકરા? તબિયત સારી છે ને !! કેમ મોળો પડી ગયો? તારે શેની ઉપાધિ છે? તારે તો ખાવું પીવું ને ધ્યાન રાખીને ભણવું. કામ કરવાં વાળા અમે છીએ."કાકીની વાતોનો અંત જ ન આવતો.
બાને તો પછી જ ખબર પડે કે હું આવ્યો છું. મારી ને કાકીની વાતો સાંભળી બા બહાર આવે. ને તરત બોલે," અલી...! પુષ્પા, મારા દીકરાને તે અધવચ્ચે રાખી પાડ્યો..!"
ત્યારે પુષ્પા કાકી કહેતા," ભાભી, દીકરો ભલે તમારો રહ્યો..! પણ એને મોટો તો મેં કર્યો છે." મારી સામેં જોઈને કહે," છો ને મારો દિક્કો ?"
હું તરત કાકીનો પક્ષ લઉ," હા આ...!"
તરત જ કાકી મારી સામે હાથ લંબાવે. ને કહે,"દે તાલ્લી..!!
પણ હવે હું થોડો મોટો થયો હતો. ને મારા બાવડામાં બળ પણ આવ્યું હતું. એટલે હું કાકીના લંબાયેલા હાથમાં જોરથી તાળી ચમચમાવી દેતો.
"કાકી કહે ,"મારા રોયા, બહુ જોર આવી ગ્યું છે.?"
ને પછી હસી પડતા.
મને આ બધું તાજુ થઈ ગયું. મારી આંખોમાંથી આંસુડા બહાર આવી ગયા. ઘરના પછવાડે અમારું નવું હલાણ હતું. ત્યાં નવી ડેલી મૂકી હતી. ભારે પગલે હુ ડેલીમાં દાખલ થયો. બા ઘરમાં હતા. મને જોઈને સામે આવ્યા," આવી ગયો?"
હું કશો જ ઉત્તર આપી શક્યો નહીં. ને ફળિયા વચ્ચે ઉભેલી અજગર જેવી વંડી સામે જોયું. મારું મન ઉદાસ થઈ ગયું.
બા સમજી ગયાં. જુદા થવાની વાતની મને ખબર ન હતી. વેકેશન ખુલ્યું ત્યારે હું શહેરમાં ભણવા ગયેલો. ત્યારે અમે ભેગા જ હતા. કાકા મને બસ સ્ટેન્ડે મૂકવા આવેલા. કાકીએ સુખડી કરીને મારા ડબામાં ભરેલી.
બા પાણીનો પ્યાલો ભરી આવ્યા. પાણી પીધા પછી હું જમવા બેઠો. મને જમવાનું ભાવ્યું નહીં. થોડું ખાઈને ઉભો થઈ ગયો. ચૂપચાપ ખાટલામાં લાંબો થયો. વંડીની પેલી તરફ કાકા પણ કામેથી આવી ગયા હોય એવું લાગ્યું. મને થયું કે પુષ્પાકાકીને મારા આવવાની ખબર પડશે કે તરત આવશે. ભલે બંને જુદા થયા. તેથી શું થયું? લાકડીએ માર્યા પાણી થોડા જુદા પડે?? કાકા સાદ કરીને હમણાં કહેશે," એ... સંજ્યા ..અહી આવ,"
પણ એવો કોઈ શબ્દ મારા કાને પડ્યો નહીં. એ આખી રાત મને ઊંઘ આવી નહીં. મનમાં જુદા જુદા વિચારો આવતા રહ્યા. શા માટે આવું કરવું પડ્યું હશે,? કાકા અને કાકી મારા પર અપાર પ્રેમ વર્ષાવતા. નાનપણથી જ હું કાકા અને કાકીનો હેવાયો હતો. ક્યારેક તો એની પથારીમાં જ સૂઈ જતો.
જ્યારે જ્યારે હું કંઈક વાંકમાં આવતો ત્યારે બાપુ મને મારવા આવતા. હું ત્યારે સમજતો કે બાપુ કાકી પાસે આવશે નહીં. હું દોડીને કાકીની સાડીનાં પાલવમાં લપાઈ જતો. બાપુ ત્યારે મજબૂર થઈને દૂર ઊભા રહી જતા. ને હસતા હસતા તેમનાથી બોલી જવાતું ," ખરો છે હો," અને ચાલ્યા જતા. બાપુ જાય કે તરત હું કાકીના પાલવમાંથી બહાર નીકળું. કાકી સામે જોઈને હું હસી પડું. ને કહું," જોયું કાકી ..! આપણો વટ પડ્યો ને ..!બાપુથી અવાય જ નહીં. દ્યો તાલ્લી..!"
કાકી આનંદમાં આવી મારી નાનકડી હથેળીમાં ત્રણ આંગળીથી ત્યારે હળવેકથી તાલી દે. ને કહે,"જો હવે તોફાન કરીશને તો હું તને અહીં મારી પાસે નહીં આવવા દઉં. પછી ભલે તને બાપુ ઠમઠોરે ."
હું કબુલ કરું. પછી રમતે ચડી જાવ.
સુતા સુતા મારી નજર વંડી તરફ ગઈ. હું છળી પડતો. વંડી મને જીવતા અજગર જેવી લાગે. મને એક જ શરીરના બે ચીરા લાગ્યા.
મને હજી સુધી કોઈએ જુદા થવાનું કારણ જણાવ્યું નહીં. તેથી ખીજાતો. મારુ ચાલે તો કોદાળી લઈને વંડીનો ભૂકો બોલાવી દઉં.
બીજે દિવસે સવારે હું ગામમાં ગયો. ત્યારે મને માહિતી મળી. અઠવાડિયા પહેલા જ આ બનાવ બની ગયો હતો. ગામના માણસો પાસેથી સાંભળ્યા મુજબ, કાકીને ત્યાં તેમના બા રહેવા આવેલા. અને બે ચાર દિ' રોકાયા હતા. કાકીના મોમાં વાતવાતમાં મારું નામ આવતું. વાતવાતમાં અમારો સંજુ..! અમારો સંજુ...! કરતા. કારણ કે કાકાને સંતાન ન હતું. કાકા કે કાકીના મોં પર સંતાન ન હોવા વિશેની ગમગીની જોઈ પણ નહીં.
પણ કાકીના બાથી આ સહેવાતું ન હતું. તેણે કાકીને કહ્યું," તારે સંતાન નથી તો તેની બાધા કંઈક લે. એટલે થશે. સંતાન વિના ભવ કેમ કાઢશો ?"
કાકી કહે," અમારે આ સંજુડો છે ને..! એકે હજારા છે હો..!"
ત્યારે કાકીના બાએ એ કહેલું," અત્યારે તું સંજુ.. સંજુ .. કરે છે. પણ મોટો થઈને એ તમારા ઘડપણ થોડો પાળશે ? ઇ સરગે ન પુગાડે."
ત્યારે કાકીએ વાત કરી કે સંજુના બાપુએ તો ઘણું કીધું છે કે દાગતર પાસે જાવ. પણ અમે જ ના પાડી. ત્યાં દાકતર શું કરવાના?
તેની બાની વાતમાં કાકી ઓછું ધ્યાન આપતા. અમે ત્રણ ભાઈ બેન હતા. એમાં બંને મોટી બહેનો તો સાસરે હતી. બે ઘર વચ્ચે માત્ર બાળક નામે હું જ હતો. તેથી કાકીને મારા પર અપાર હેત હતું. કાકીની બાએ જોયું કે તેની વાતની અસર થતી નથી, ત્યારે સીધું જ કહ્યું," આમાં તારા જેઠને શું વાંધો હોય?બધી જ મિલકતનો ભાગ એને જ મળે ને.."
કાકીના બાના ત્રણ દિવસના રોકાણમાં કાકીના વિચારો ફેરવી નાખ્યા. તેમના બા ઊંબાડિયું મુકતા ગયા. કાકીની મતિ ફરવા લાગી. ધુંધવાયેલા અગ્નિમાં ધુમાડો નીકળે તેમ કાકીના મનમાંથી વિચારો નીકળવા લાગ્યા.
તે થોડા દિવસ કઈ કહી શક્યા નહીં. એક દિવસ કાકા આગળ કાકી એ પોતાનામાં ભરેલો અગ્નિ ઉખેળ્યો. કાકા ,કાકીની વાતથી નવાઇ પામ્યા.,' આ તું બોલે છે?"
" હા.. હા.. તમને અક્કલ જ ક્યાં બળી છે?"
કાકી અને કાકા વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું. વાત બાપુ સુધી આવી. બાપુએ કાકાને કહ્યું ,"પુષ્પાની વાત સાચી છે. આપણે જે કાંઈ મિલકત છે, મકાન છે, એના ભાગ પાડી લઈએ.'
કાકા કશું બોલ્યા નહીં. એ જાણતા હતા કે ભાઈ રોજનો કંકાસ ટાળવા ભાગ પાડવા તૈયાર થયા છે. બાકી બાપુના દિલમાં તો દુઃખ જ હતું.
બાપુ જાણતા હતા કે હું ભણી ગણીને નોકરી કરીશ. બીજું કંઈ કામ કરવાનું નથી. જે કાંઈ કામ છે એ તો કાકા પાસે જ છે. તેની પાસે જ રહેવાનું. છતાં મન પર પથ્થરો મૂકીને બંને ભાઈએ સહી લીધું.
દિવાળીના તહેવારોનો ઉત્સાહ અમારા કુટુંબમાં ન હતો. એક જ માળાના બે ભાગ પડતા હતા. કાકા અંદરથી અત્યંત દુઃખી હતા. રોજના કંકાસથી બચવા જુદાઈ સ્વીકારી લીધી. જુદા થવાની શરમથી તેઓ બાપુ સાથે બોલી શકતા પણ નહીં.
આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. મને ક્યાંય ચેન પડતું ન હતું. તેથી રેડિયો લઈને સાંભળ્યા કરતો હતો. સવારે જ રેડિયો પર જાહેરાત આવેલી કે સાંજ સુધીમાં પવનની ગતિ ઝડપી બનશે. અને વધીને 100 કિલોમીટર થશે. ગાજવીજ સાથે વરસાદ પડશે. સવારથી જ આકાશ વાદળાથી ઘેરવા લાગ્યું. બપોર થતા આખું આકાશ વાદળોથી છવાઈ ગયેલું. ખેડૂતો પોતાના માલ ઢોર, ઘાસચારો ગાડામાં લઈને ઘેરે આવી ગયા.
સાંજ સુધીમાં પવન ફૂંકાવા લાગ્યો. ગણતરીની પળોમાં પવનની ગતિ તેજ થવા લાગી. બાપુ અને કાકા ઘેરે આવી ગયા. એકાએક વીજળીનો કડાકો થયો. આખું આકાશ મેઘ ગર્જનાથી ધ્રુજી ઉઠ્યું. મુશળધાર વરસાદ પડવા લાગ્યો.
હું અને બાપુ ઓસરીમાં એક ખાટલો ઢાળીને વરસાદનું તાંડવ જોઈ રહ્યા હતા. અમારું મકાન બીજા મકાનોની આડશે આવી જતું હતું. જ્યારે કાકાના ભાગમાં આવેલું મકાન ખુલ્લામાં પડતું હતું. આથી બાપુને કાકા અને કાકીની ચિંતા થઈ. મારી નજર કાકાના મકાન પર ગઈ. પવને વાવાઝોડાનું રૂપ ધારણ કરેલું. આડાઅવળા પવનના સુસવાટા આવવા લાગ્યા. કાળજુ કંપાવવા લાગ્યા.
કાકાના મકાન પરથી ટપોટપ નળિયા ઉડી ઉડીને પડવા લાગ્યા.બાપુ ઉદાસ થઈને તાકી રહ્યા. ત્યાં જ પવનનો એક જોરદાર આંચકો આવ્યો. માટીની વંડી વરસાદમાં ઓગળવા લાગી. બાપુ અને બા પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. હું બાઘા જેવો બનીને ઓગળતી વંડી તરફ જોઈ રહ્યો.
એકાએક વંડીમાં મોટું ગાબડું પડ્યું. વંડીનો થોડો ભાગ પડી ગયો. ફળિયામાં ક્યાંય પાણી સમાતું ન હતું. થોડીવાર વરસાદ ચાલુ રહેશે તો પાણી ઓસરી પર ચડવા લાગશે, તેવી ભીતિ થઈ.
વંડીના પડેલા ભાગમાંથી કાકાનું મકાન સ્પષ્ટ દેખાયું. કાકાના મકાન પરથી બધા જ નળિયા ઉડી ગયા હતા. ઘરમાં વરસાદની ધાર પડતી હતી.
એકાએક કાકા અને કાકી બહાર દોડી આવ્યા. તેઓ ખૂબ જ ગભરાયેલા હતા. ક્યાંય ઊભા રહેવાની જગ્યા ન હતી. બાપુને ચિંતા થવા લાગી. ત્યા જ મોટો અવાજ થયો. કાકાના મકાનની ભીંત સુઈ ગયી. કાકા અને કાકી ઉગરી ગયા. બાપુ કાકાને ત્યાં ગયા. તેમને દુઃખ ન લાગે એમ કહ્યું,"ચાલો ઘરે..!" બંને પડેલી વાડીને ટપીને અમારા ઘરે આવ્યા. ભીંજાઈ ગયાં હતાં. બાએ કોરાં કપડાં આપ્યા.
ઘણાં સમય પછી કાકી હળવાં થયાં. પછી કાકા બહાર આવીને બાપુને કહે," પુષ્પા કહે છે કે અમારે નોખું નથી રહેવું."
આ સમાચાર સાંભળી બાપુ ને બાના દિલ ખીલી ઉઠ્યા.
મને થયું કાકી પાસે જાઉં. એવું વિચારી હું એકદમ ઉઠીને ઘરમાં ગયો. તરત બોલ્યો," એમ વાત છે..! ત્યારે કાકી..! આપો તાલ્લી...!
કાકીએ તાલ્લી આપી. હું ખુશ થતો ઝડપથી બહાર નીકળવા ગયો. પરંતુ ઘરમાં ભીની થયેલી ગારથી હું લપસી પડ્યો.
બા અને કાકી, કાકા અને બાપુના ખડખડાટ હાસ્યથી અમારો માળો ગુંજી ઉઠયો.#####
----- – વાસુદેવ સોઢા. મો:૯૯૨૫૯૮૬૮૪૬
24, આદર્શ નગર, ચક્કર ગઢ રોડ અમરેલી - 365601
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
