“બસ આટલી વાર લાગે!!”
~~~~~~~~~~~~ – લેખક :- મુકેશ સોજીત્રા.
“બસ આટલી વાર લાગે જોયું?” એમ કહીને દુદાએ એક ઝાટકો માર્યો અને નવે નવું હોન્ડા બાઈકનો હેન્ડલ લોક તોડી નાંખ્યો!!
બસ આટલી વાર લાગે
રસોડામાં બેઠેલા સહુ જોઈ જ રહ્યા હતાં. રાતના અગિયાર વાગવા આવ્યા હશે. પાંચા પટેલની ઘરે દીકરીના લગ્ન હતા. આવતી કાલે જાન આવવાની છે. ગામના લોકો રસોડે કામ કરવા ભેગા થયા હતા. અમદાવાદ અને સુરતથી મહેમાનો આવ્યાં હતા. વાતમાંથી વાત નીકળી અને પાંચસો રૂપિયાની શરત જીતવા માટે દુદાએ એક જ ઝાટકે અને એક જ હાથે હેન્ડલ લોક તોડી નાંખ્યું . સહુ મહેમાનો દંગ જ થઇ ગયા . જોકે ગામવાળાને કોઈ નવાઈ નહોતી. એને તો દુદાના આવા પરાક્રમો કોઠે પડી ગયા હતા.
તળશી માધાના બે છોકરાં!!
એક દુદો અને બીજો નરશી!! બેયમાં ઘી અને ઘાસલેટ જેટલો ફરક!! પાછા બેય બેલડાના. દુદો નરશી કરતા ચાર જ મિનીટ મોટો અને નરશી ચાર મિનીટ નાનો!! પણ જન્મથી જ બેયના લક્ષણો તરી આવતા હતા. નરશી દુબળો, પાતળો, અને શાંત જયારે દુદો જાડિયો પાડીયો અને રાડીયો!! તળશી માધાના પત્ની કુંવરબેનને ઉપરા ઉપરી ચાર કસુવાવડ થઇ ગયેલ. પછી શહેરમાં મોટા દવાખાને બતાવેલ અને ત્યાં જ ડીલેવરી થયેલ. જન્મતા વેંત જ ડોકટર દુદાને હાથમાં લઈને બોલેલા.
“કુંવર બહેન આ મોટો છોકરો તમારા પેટમાં પણ આ નાના છોકરાના ભાગનું ખાઈ ગયો છે. અને એટલે જ આ નાનો આના કરતા અડધા વજનનો છે. પણ છે શાંત !! બાકી આ મોટો થાશે માથાભારે એવું લાગે છે.. જુઓ હજી દસ મિનીટ ય નથી થઇ એના આગમનને ત્યાં એ મને પાટા મારે છે!!! . જ્યારે આ નાનો થશે શાંત!! જુઓ એ કેવું ચકળ વકળ જોવે છે!!”
અને ડોકટરે હસતા હસતા કરેલી ભવિષ્યવાણી સાચી પણ પડી હતી. અત્યારે પચાસની આજુબાજુ પહોંચેલો દુદો આ પંથકમાં માથાભારે માણસ ગણાતો. અમુક માણસો તો એનો પડછાયો લેવા પણ રાજી નહોતા. પણ બીકને કારણે એની રૂબરૂ એના વખાણ કરતા બાકી મનમાં તો મણ મણ ની ચોપડાવતા હતા. જ્યારે નાનો નરશી બહુ પૈસાવાળો તો નહિ પણ દયાળુ અને ખરું ખાનદાન હતો!! એટલે જયારે કોઈ મહેમાન ને ઘરધણી એમ કહે કે આ દુદો અને નરશી સાવ સગા ભાઈઓ છે ત્યારે મહેમાન બોલી જ ઉઠે
“ નો હોય નો “!!!
દુદાનો તકિયા કલામ હતો “ જો આટલી વાર લાગે”!! એ વાત વાતમાં બોલે “ જો આટલી વાર લાગે “ !! ગામમાં નાનપણમાં એ નિશાળે ભણતો ને ત્યારથી જ એ કાંડા બળીયો હતો. ખાવા માટે જ જન્મ થયો હોય એમ લાગતું. નિશાળમાં મધ્યાહ્ન ભોજનમાં એ ખાય!! પાછો ઘરે જઈને એ ખાય અને મોટી રીશેષમાં પોતાના પૈસા તો એ વાપરી નાંખે પણ નરશીના પૈસા પણ વાપરી નાંખે!! આમેય અક્કલમઠ્ઠા હોય લોંઠકા એ ઉક્તિ એણે સાચી ઠેરવી હતી. ખેતી કામ નરશી સંભાળે અને દુદાએ નાંખી દુકાન!! ગામમાં એ વખતે દુકાન નહિ એટલે એની દુકાન જામી ગઈ.. ધંધો ધંધાને શીખવાડે એમ પછી તો કપાસ , શીંગ , તલ જેવી ખેતપેદાશ નો બની ગયો એજન્ટ!! ગામમાં કોઈ પણ વેપારી આવે એની મેળે કપાસ રાખે કે દુલાને સાથે રાખીને કપાસ રાખે દુલાનું કમીશન તો લાગે જ!! એક વખત એક વેપારીએ ગામના ચાર પાંચ જણાની હાજરીમાં જ દુલાને રોકડું પરખાવી દીધેલું.
“મારો જમાઈ પાલીતાણામાં પીએસઆઈ છે એણે કીધેલું કે કોઈ ગામડામાં કોઈપણ માણસ કપાસનું કમીશન માંગે તો મને કહી દેજો સસરાજી” દુદો ત્યારે કઈ ના બોલ્યો . પણ કપાસનો ખટારો ભરાણો અને ગામને પાદર પહોંચ્યો શહેર બાજુ જવા માટે ત્યારે દુદો હાથમાં બડીયો લઈને ઉભો હતો. એક બડીયો નાંખ્યો ડ્રાઈવર ના હાથમાં અને ખટારો રાખ્યો ઉભો. અને ખટારાની ચાવી કાઢીને બાજુમાં જ ગામનો કૂવો હતો. સો ફૂટ ઊંડો. જેમાં પચાસ ફૂટ તો પાણી ભરેલું હતું. એમાં કર્યો ચાવીનો ઘા અને બોલ્યો.
“ બસ આટલી વાર લાગે !! હવે તારો જમાઈ છે ને પાલીતાણામાં પીએસઆઈ!! એને બોલાવ એના બાપને પણ બોલાવ!! મારા બાપના સમ તળશી માધાના સમ!! પીએસઆઈ આવે ને એટલે એની પિસ્તોલ પણ આજ કુવામાં ના હોય તો મુછ મૂંડાવી નાંખું મુછ!! ગામ થઈ ગયું ભેગું. વેપારીથી તો બોલતા બોલાઈ ગયું હતું હવે એ કરે શું??? કમીશન તો આપ્યું, ઉપર હજાર આપ્યા ત્યારે દુદાએ કુવામાં કુદકો મારીને દસ જ મીનીટમાં ચાવી કાઢીને વેપારીના હાથમાં આપતા કહ્યું.
“બસ આટલી જ વાર લાગે”
બસ પછી એ વેપારી ગામમાં બીજી વાર ડોકાણો નહિ કોઈ દિવસ!! દુલાની ફાટ્ય સાથે કમાણી પણ વધતી ચાલી.. એમાં એણે રાજકારણમાં ઝંપલાવ્યું. જાણે કે શેત્રુંજીમાં ગાગડીયો ભળ્યો!! તાલુકા અને જીલ્લામાં ઓળખાણ વધતી ચાલી!! એક તો ઊંટ અને એમાય પાછું ઉકરડે ચડ્યું એવો તાલ થયો. દુદો પરણ્યો બાઈ પણ એમનું માથું ભાંગે એવી મળી. જાણે કે ભૂતને પીપળો મળી ગયો. વરસ દિવસ પછી નરશી પરણ્યો અને દુદો જુદો થઇ ગયો. ગામની બાર એક સરકારી પડતર વાળી લીધું. બનાવ્યું આલીશાન મકાન. નાના ભાઈને એક ખેતર આપ્યું ને પાણી વાળી જમીન પોતે પચાવી લીધી. નરશીને તોય વાંધો નહોતો. ગામની મધ્યભાગમાં આવેલ ચાર ઓરડાવાળું ઘર નરશીના ભાગમાં આવ્યું. દુદો અલગ રહેવા ગયો એ જ નરશીને મન મોટું ઇનામ હતું.થોડા જ સમયમાં તળશી આતા અને કુંવરબેનનું અવસાન થયું અને દુદાને મોકલું મેદાન મળી ગયું. એમાં ઈ થયો સરપંચ.. દોડવું હતું ને ઢાળ મળ્યો.નદી કાંઠા બાજુમાં બાવળિયાથી છવાયેલું એક મોટું પડતર હતું. આજબાજુના બાર બાપની વેજા ભેગા કરીને ખાનગીમાં પોતે સુત્રધાર પણ જાહેર નહિ એમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગી.અનીતિનું નાણું દુદાના ઘરે ઠલવાવા લાગ્યું. ઘરે અધિકારીઓનો આવરો જાવરો વધ્યો. ખાવા અને પીવાના પ્રોગ્રામ થવા લાગ્યાં. હવે એને બરાબરની કળ હાથ આવી ગઈ હતી.પાંચસો રૂપિયા આપતા તાલુકા કે જીલ્લામાં કામ ના થાય એ એક દેશીની કોથળીમાં કામ કઢાવતો થઇ ગયો. ગામની સેવા સહકારી મંડળીનો પ્રમુખ થયો. ગામની લુખી બટાટ એવી ટણક ટોળી એણે વશમાં કરી લીધી. સવાર બપોર અને સાંજ ખાવાનું મફત મળવા લાગ્યું. બસ રાતે માલ સપ્લાય કરી આપવાનો!!
બસ પછી તો એક પછી એક જાકુબના ધંધાએ દુદાનો રીતસરનો ઘેરો ઘાલી દીધો. નદીમાંથી ભરાતા ગેરકાયદેસર રેતીના ટ્રેકટર દીઠ ૨૦૦ રૂપિયા રોયલ્ટીના એ ઉઘરાવવા લાગ્યો. બધાને કહેતો ફરે કે આ નદી આપણે લીઝ પર રાખી લીધી છે. સરકારી પડતરના બાવળિયામાંથી કોલસા બનાવવાનો ધંધો પણ ચલાવ્યો.અઢળક નાણું હવે ક્યાં નાંખવું એ પ્રશ્ન થઇ પડ્યો..!!
એવામાં એક બનાવ બન્યો. ગામની છેવાડે ઢોર વેચવાવાળા ના સાત આઠ ઘર હતા. એ પોતાની થયેલ કમાણી દુદાને ત્યાં મૂકી આવે અને જરૂર જણાયે ત્યારે લઇ આવતો દુદો એની માટે એક બેંક સમાન હતો. ઉપરવાસમાં તૂટેલા એક ડેમને કારણે એ ઘર તણાયા. ઘરના ચાર મોભી તણાયા. પછી તો ક્યાં ગયા એનો પત્તો પણ ના લાગ્યો. એમની પત્નીઓને ખબર કે આપણા પૈસા દુદા શેઠને ત્યાં છે. પણ દુદા એ તો બેય હાથ ઊંચા કરી દીધા કે તમારા નામે એક પણ ફૂટી કોડી આહી છે જ નહિ. ઘણી વિનવણી થઇ.પણ દુદો એ ધન પણ ગપચાવી ગયો. બાયું ખાધા પીધા વગરની ત્રણ દિવસ બેસી રહી પણ દુદાએ ત્રિકમના સાંબડા થી બાયુંને ઢોર માર માર્યો અને બોલ્યો.
“બસ આટલી વાર લાગે હો!! હાલતીની થાવ નકર જીવતી નહિ રહો, કોઈ બાપોય આડો નહિ આવે” બાયું રડતી રડતી હાલી ગઈ પણ એક બાઈના મોઢામાંથી શબ્દો નીકળી ગયા.
“ એ તારે દીકરીએ પણ દીવો નહિ રે, એવું મોત મળશે કે સ્મશાન પણ નસીબ નહિ થાય , રોયા એવા ભૂંડે હાલે મરીશ કે ઠાઠડી પણ નસીબ નહિ થાય” અને દુદો ખડખડાટ હસ્યો અને બોલ્યો.
“ મારે તો દીકરી ય નથી બે દીકરા જ છે એટલે દીવા ફીવાની વાત રેવા દે!! દીવા તો શું આયે મોટા મોટા લેમ્પ બળશે લેમ્પ , તું તારે જેટલા શ્રાપ આપવા હોય એટલા આપ !! હું તો શ્રાપનોય બાપ છું બાપ!!”!!
એક બે પ્રસંગમાં નરશી એ ભાઈને ટોકી પણ જોયો.
“મોટા હવે છોકરા મોટા થયા છે, હવે બહુ નહિ હારું હો!! હવે તારે શું ઘટે છે ઈ કહે , શું કામ મલક આખાના નીસાકા લે છો. મૂકી દે ને બધી માથાકૂટ!!”
“સગો ભાઈ છે એટલે બીજું તને શું કહું બાકી બીજો કોઈ હોય તો આટલી વાર લાગે” એમ કહીને બાજુમાં પડેલો એક પાણો નિરાંતે સુતેલા એક કુતરાને માથે એવો તો માર્યો કે કુતરું ઘૂમરી ખાઈને ભાગ્યું બોકાહા પાડતું પાડતું.!! નરશીને પણ લાગ્યું કે હવે આમાં બધુય ભેળાઈ ગયું છે ભેગું થાય એમ જ નથી.
નરશી પોતાનું ખેતર ખેડી ખાય એને એક દીકરો અને દીકરી હતી. ભાગમાં આવેલ નકામી જમીન બેય પતિ પત્નીએ મહેનતથી ફળદ્રુપ બનાવી હતી. છોકરો ભણીને શહેરમાં નોકરી કરતો હતો.દીકરી ભણતી હતી. બેય ભાઈ બહેનનો સબંધ પણ ગોઠવાઈ ગયો હતો. આ બાજુ દુદાના બે ય બાપનું માથું ભાંગે એવા પણ ક્યાય ગોઠવાય નહિ. ઘણી જગ્યાએ વાત નાંખે પણ લોકો એમ કહીને છટકી જાય.
“દુદા શેઠ અમે તમારી આગળ નાના પડીએ નાના , તમારે તો તમારા માન મોભા જેવું સારું ઠેકાણું ગોતવું જોઈએ” લોકો પણ સમજતા કે આવા સાથે ઉભા રહેવાય , બે વાત કરાય , પણ દીકરી તો આને ના જ દેવાય... મનમાં ને મનમાં દુદો મુંજાયો.
સો કિલોમીટર એક જગ્યાએ મેળ પડી ગયો. સાવ અજાણ્યું ઘર હતું. ગામમાં લાકડા લેવા એ લોકો આવ્યા હતા અને દુદા શેઠની નાંખણીમાં આવી ગયા. બેય ભાઈ ના સબંધ એક જ ઘરે ગોઠવાઈ જાય એમ હતું. વાત લગભગ પાકી જ હતી. બધું જ પાકે પાયે ગોઠવાઈ ગયેલ હતું. બસ હવે ચાંદલો કરે એટલી જ વાર હતી. ચોમાસાનો સમય હતો. આઠમ પછી ચાંદલા વિધિ રાખવાની હતી . એવામાં સમાચાર આવ્યા કે સામા વાળા પાણીમાં બેસી ગયા છે. કોઈ ખણ ખોદીયાએ એવી વાત વહેતી મૂકી કે તમારા નાના ભાઈ નરશીના સગામાંથી ત્યાં વાત પહોંચી ગઈ છે કે ઘર દીકરી દીધા જેવું તો નથી જ!!
અને દુદાનો પીતો ગયો અને બોલ્યો.
“સગો ભાઈ થઈને ભાઈનું સારું જોઈ શકતો નથી , હવે તો એ નાનડીયાને બતાવી જ દેવું છે” એને પણ ખબર પડે કે આટલી વાર લાગે આટલી જ” કહીને પોતે નવું જ લીધેલું ટ્રેકટર બહાર કાઢ્યું. પોતે ટ્રેકટરની ડ્રાઈવર સીટે બેઠો અને એની પત્ની બોઘીમાં એની બાજુમાં ગોઠવાઈ ગઈ એના બેય છોકરા ટ્રેલરમાં આગળ ઉભા રહી ગયા અને ટ્રેકટર ઉપડ્યું નરશીના ઘર બાજુ. બસ આજ નરશીને ખબર પાડી દેવાની હતી કે આટલી વાર લાગે!!
ગામલોકો પણ તમાશો જોવા પાછળ પાછળ ગયા.ધીમી ધારે વરસાદ વરસતો હતો. નરશીના ઘર પાસે જઈને ટ્રેકટર નું ભોડું વંડી ને અડાડ્યું અને અડધી વંડી પાડી દીધી.
નરશી બહાર આવ્યો , એની પત્ની અને દીકરી પણ બહાર આવ્યા . નરશી બોલ્યો
“ભાઈ આ શું કર છો???”
“ આ મકાનમાં અડધો ભાગ મારો છે ને એટલે હું ગમે તેમ કરું તારે શું ?? મારા ભાગની અડધી વંડી મારે પડી નાંખવી છે. અહી ભેંસો નો તબેલો કરવો. મારા ભાગના મકાન મારે પાડી નાંખવા છે નયા મારે છાણ ભેગું કરવું છે.”
“ કઈ વાંધો નહિ ભાઈ તમારા ભાગમાં બે ઓરડા આવે છે તે તમારા જ છે ને તમ તમારે પાડવા હોય તો પાડી દ્યો” નરશી કરગરતો કરગરતો બોલ્યો.
“ એમ ભાગ નથી પાડવા મારે.. મારે તો આડા ભાગ પાડવા છે આડા.. ચારેય મકાનમાંથી અડધો અડધો ભાગ મારો અને અડધો તારો!! હું મારો અડધો ભાગ પાડું છું તારો અડધો રેવા દઉં છું” આમ કહીને દુદાએ એક મકાન અડધું તોડી નાંખ્યું.” બધા તમાશો જોઈ રહ્યા હતા આઘે આઘે!! નરસીના વાસણ કુછણ પલળી રહ્યા હતા. ગાદલા ગોદડા વરસાદમાં પલળી રહ્યા હતા.
“ બસ આટલી વાર લાગે શું સમજ્યો નાના” કહીને દુદા એ ટ્રેકટર જાવા દીધું બીજા ઓરડા પાસે અને એવું જોરથી ટ્રેલર ભટકાડ્યુ કે અડધો ઓરડો પડી ગયો. દુદાની વહુ અને એના બેય ઉતરેલ છોકરા હસી રહ્યા હતા. નરશી અને એની દીકરી , એની પત્ની મકાનમાંથી બાર નીકળી ગયા અને કીધું કે
“ એ તમને યોગ્ય લાગે એમ કરો , એ બધું જ પાડી નાંખો તમતમારે , કાઈ સાજુ રેવું ના જોઈએ અમે ખેતરે ઝૂંપડું બનાવીને રેશું.” દુદાને એમ હતું કે મારી માફી માંગશે , પગે પડશે , આજીજી કરશે પણ આવું તો કશું ના બોલ્યું. એટલે એણે દાઝમાં ને દાઝમાં ટ્રેકટરનું ભોડું વાળ્યું. નરશી અને એની પત્ની અને દીકરી તો શેરીમાં દૂર જ્યાં માણસનું ટોળું હતું ત્યાં પહોંચી ગયા હતા. ઘરની બધી જ વસ્તુ ત્યાં જ રેવા દીધી હતી!!
અચાનક જ દુદાની મતિ ફરી કે ટ્રેકટરમાં કઈ ગડબડ થઇ!! ટ્રેકટર ત્રીજા ઓરડા તરફ જવાને બદલે આડું હાલ્યું અને બાજુમાં જ આવેલ એક ડેલા સાથે જોરથી ભટકાણું, ડેલા ઉપર ભરેલ સિમેન્ટ નો બીમ આવ્યો ટ્રેકટર માથે અને ઉપરનું હુડ તોડીને સ્લેબનો બીમ આવ્યો દુદા અને તેની પત્ની માથે અને ત્યાં જ એનું બોર્ડ પૂરું થયું ..!! અને એ જ વખતે ટ્રેકટર ડેલા પાસે આવેલ જીઇબી ના થાંબલા સાથે ભટકાયું અને જીવતા તાર પડ્યા ટ્રેકટર પર.. અને એક ભડકો થયો વીજળી જેવો!!ચારેય ત્યાં બળીને ખાખ થયા!! એક જ મીનીટમાં આખી ઘટના બની ગઈ અને આકાશમાં વીજળી કડાકો થયો. અને ગડગડાટ થયો.!! ઉપરવાળો જાણે બોલ્યો
“ બસ આટલી વાર લાગે!!!”
દૂર ઉભેલા ગામલોકો ને પેલી બાઈની વાત યાદ આવી કે દીકરીએ દીવો નહિ રહે!! એવું મોત મળશે કે ઠાઠડી ય નહીં મળે!!
પોલીસ આવી , એમ્બ્યુલંસ આવી , નિવેદનો લેવાયા , ચારેયના વીમા પાકી ગયા હતા.!! સરકારે સહાય જાહેર કરી!! બીજું તો કોઈ વારસદાર નહોતું તે બધું જ નરશીના ભાગે આવ્યું. દુદાની તમામ સંપતિ જમીન જાયદાદ એકી જ ઝાટકે નાના ભાઈ નરશીની થઇ ગઈ!! બસ આટલી જ વાર લાગે છે!! અનીતિ નો પૈસો કોઈનો ના થાય!! કીડી સંઘરે ને તેતર ખાય!!
©લેખક- મુકેશ સોજીત્રા.Ⓜ️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
_____________________
નોંધ: આ નવલિકા તમામ હક લેખક ©️મુકેશ સોજીત્રાના 〽️💲છે. આ નવલિકાનો કોઈ પણ ભાગ લેખકશ્રીની લેખિત પરવાનગી સિવાય બીજી કોઈ પણ જગાએ પ્રકાશિત કરવો એ કોપીરાઇટ એકટનું ઉલ્લંઘન ગણાશે. આથી આ નવલિકાનો કોઈપણ ભાગ કોઈ અન્ય પ્લેટફોર્મ પર કોપી - પેસ્ટ કરીને મુકવો નહી, અહીથી માત્ર લિંક શેર કરી શકો છો. – મુકેશ સોજીત્રા©
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories
