ઉઘડતી બારીનું અજવાળું (Ughadti Barinu Ajvalu)

Related

ઉઘડતી બારીનું અજવાળું
~~~~~~~~~~~~~~~~~~--વાસુદેવ સોઢા

ઘેરા અંધકારનું સામ્રાજ્ય ફરી વળ્યું. રાત્રીના અગિયાર થવા આવ્યા. ઓરડામાં ઢાળેલા ઢોલિયે, દળદાર રુએલ ગાદલા પર, સફેદ ચાદર બિછાવેલી હતી. બાજુબાજુમાં એવા સફેદ કવરના બે ઓશીકા એકબીજાને અડીને વ્યવસ્થિત ગોઠવાયેલા હતા.

#આવકાર
ઉઘડતી બારીનું અજવાળું

ઢોલિયા પર કાચબાની જેમ અંગો સંકોરીને સાવિત્રી નવવધૂનો શણગાર સજીને બેઠી હતી. તેની આંખોમાં અકળ ભાવો ઉપસતા હતા. એ આંખોમાં કેવા ભાવ હતાં? ભય, આનંદ, જિજ્ઞાસા,, કુતૂહલ કે વિષાદ !!? કશું જ પામી શકાય તેવું ન હતું.

ઓરડાના ખૂણામાં રહેલા ટમટમતા દીવડાનો પ્રકાશ આખા ઓરડામાં લીંપાઈ ગયો હતો. સાવિત્રી દીવડાની જ્યોતને તાકી રહી. એવી જ બે જ્યોત સાવિત્રીની આંખમાં ઉભરાયેલા આંસુમાં ઉપસવા લાગી હતી. એણે આંખો પટપટાવી. ખળખળ વહેતાં આંસુ આંખમાંથી સરી પડ્યા.

કેવા કેવા અરમાન હતા.!! કેવી આશાઓ હતી!! સપનાના તોરણો શણગારીને તેણે પોતાના હૈયે ટીંગાડયા હતા. પણ એ અરમાનો, એ સજેલા સપનાઓ, જાણે છિન્નભિન્ન થઇને તૂટી પડેલી માળાના મણકાની જેમ વેરણછેરણ થઈ ગયા હતા.

નાનપણથી જ ઓશિયાળી બનીને મોટી થઈ હતી. એની સાવકી માની કેટલીય ધોલ, થપાટ ખાધી હતી. કેટલીએ ગાળોનો સામનો કર્યો હતો.' અભાગણી' 'નભાઈ' જેવા શબ્દો તો એમના નામના પર્યાય બની ગયા હતા.

પણ એ સમજણી થઈ ત્યારે તેને થયું કે એક દિવસ હું સાસરે જઈશ. ત્યારે જરૂર સુખ પામીશ. પ્રેમ સાગરમાં પાગલ બનીને ડૂબી જઈશ. ઘેરા અંધકાર પછી ઉજાસનું કિરણ ફુટે છે. રાત્રી ગમે તેટલી લાંબી હોય,પણ પ્રભાત ફુટયા વિનાનું થોડું રહેવાનું છે!!?

બસ સાવિત્રીએ ત્યારથી મનને મજબૂત કરી લીધું હતું. અને સુખ કે દુઃખનું અંતર જોયા વિના, બંનેને એક જ લાગણીથી સહી લીધા હતા.

એક દિવસ અચાનક તેને સાસરે વળાવી. પણ ન ઘર શણગારવામાં આવ્યું.ન શરણાયુંના ગીત વાગ્યા. ન ગીત ગવાયા. ન ઢોલ પર ધ્રુબાગ ધ્રુબાંગ દાંડી પડી કે ન એને વળાવી ત્યારે કોઈએ આંસુ સાર્યા.

ચૂપચાપ રાત્રિના અંધકારમાં તેને વળાવી લીધી. જાણે કોઈ ચોરીનો માલ સગેવગે કરતા હોય એમ.

એને મોટું દુઃખ તો એ થયું કે એને લેવા દુલ્હારાજા નહોતા આવ્યા. પણ તેના પિતા અને સાવકીમા તેને અહીં મૂકીને ચાલ્યા ગયા હતા. જતા જતા એણે પિતાની આંખમાં ભીની લાગણી જોઈ હતી.પણ મા આગળ પિતા લાચાર હતા. એ સાવિત્રીને છોડીને ચાલ્યા ગયા હતા.

છતાં સાવિત્રી સહી લેત. બધું જ સહી લેત. પણ એણે જાણ્યું કે એને જેની સાથે પરણાવવામાં આવી છે એ વ્યક્તિ તો આધેડ વયની હતી. એ પણ સહી લેત.પણ તેને ચાર પાંચ નાના છોકરાઓ છે. એને બાજુના રૂમમાં જોયા ત્યારે તો સાવિત્રી સાવ ભાંગી પડી. તેના અરમાનોનો કડુસલો વળી ગયો.

હજી તેનો કહેવાતો પતિ તેની પાસે આવ્યો જ ન હતો. એ તો એના છોકરાઓને ખવડાવવા પીવડાવવા, અને સુવાડવાની માથાકૂટમાં પડ્યો હતો. અને સાવિત્રી તેના ભાગ્યને કોસતી સંકોડાઈને બેઠી હતી. એ વિચારતી હતી- ન જાણે મારા ભાગ્યમાં શું લખ્યું છે!!?

અચાનક પગરવ થયો. સાવિત્રીના કાન ચમકી ગયા. મનમાં બગડી.- એ આવતા લાગે છે. તેથી ઢોલિયા નીચે આવી અને બારી આગળ આવીને ઉભી રહી ગયી. બહાર ખદબદતા અંધકારમાં આશાના કિરણને શોધવા માંડી.

' હું પ્રીતમલાલ છું.!" તેના પતિએ ઓરડામાં પગ મૂકતાં કહ્યું. તેનો અવાજ અત્યંત ધીમો અને લાગણી ભર્યો હતો. છતાં સાવિત્રીએ સળગતી નજરે તેની સામે જોયું.

પ્રીતમલાલનું સૌમ્ય મો અને હળવા હાસ્યે ગાયત્રીના ક્રોધને થોડો ઠંડો પાડી દીધો. છતાં સાવિત્રી મનોમન વિચારતી રહી. મારા મનને જીતવા આ માણસ ફાંફા મારી રહ્યો છે. પણ નહીં..! હું એની બનાવટી લાગણીમાં નહીં આવું.

" સાવિત્રી, તમે તમારી મરજીથી...." પ્રીતમલાલ એટલું બોલે, ત્યાં સાવિત્રી ભડકો થઈ ગઈ. અને ઊંચા અવાજે બોલી," મરજી...!? કોની?"

સી ઇ.ઇ.ઇ.....!!! પ્રીતમલાલે નાકે આંગળી અડાડી," ધીમે બોલો. બાળકો માંડ ઊંઘ્યા છે.!"

" પાંચ પાંચ છોકરાના બાપને પરણવાના કોડ પૂરા નથી થયા કે હજી...."સાવિત્રી વધુ ઉગ્ર અવાજે બોલી.

પ્રીતમલાલ માત્ર સાવિત્રીની સામે કરુણા દૃષ્ટિથી જોઈ રહ્યા. તેની નજરમાં સાવિત્રી પ્રત્યે લાગણી, પ્રેમ અને ઉષ્મા હતા. સાવિત્રીના વેણથી તે જરાય પણ ન ઉશ્કેરાયા.

" તમે નિરાંતે બેસો. હું તમને બધું જ કહું છું .'

સાવિત્રી તેનો ઇનકાર ન કરી શકી. એ બેઠી.પ્રીતમલાલ બેઠા.

" સાવિત્રી,મેં માન્યું કે તમે તમારી મરજીથી આવો છો. હું પહેલા તમને ન મળ્યો તે મારી ભૂલ છે..!"

" પાંચ છોકરાના બાપને એક કુંવારી કન્યાને પત્ની બનાવતા શરમ ના આવી!!?'

" તમને આ બધું જોઈને દુઃખ થયું હશે. પણ એ છોકરા મારા નથી."

"તો ?"સાવિત્રી આંખો ફાડીને પ્રીતમલાલ સામે જોઈ રહી.

" એ બાળકો કોના છે, એ હું નથી જાણતો. હું તેને ઈશ્વરનાં સંતાનો માનીને ઉંચેરું છું. આ બધા અનાથ છે. હું એનો પિતા બન્યો છું. અને તેની સાર સંભાળ રાખું છું ."

સાવિત્રી આશ્ચર્યથી પ્રીતમલાલની વાત સાંભળવા લાગી.

" મેં લગ્ન કર્યા નથી. પણ આવા અનાથ બાળકોને ઉછેરી તેની સાર સંભાળ રાખું છું. તેને ભણાવું છું..!"

" તો હવે તમને લગ્નનો વિચાર કેમ આવ્યો ?"પ્રીતમલાલની વાત સાવિત્રીને સ્પર્શી ગઈ હતી. પણ તેના મનમાં રમતો સવાલ પૂછી નાખ્યો.

" સાવિત્રી, તમારો પ્રશ્ન સાચો છે. આટલા બાળકોનું લાલન-પાલન હું એકલો કરી શકતો નથી.મારાથી પહોંચાતું નથી. રસોઈ માટે કોઇ સ્ત્રીની જરૂર પડે. તેને માતા જેવું વ્હાલ પણ મળે.એવા આશયથી જ મેં લગ્નનો વિચાર કર્યો. અને એ માત્ર આ બાળકોની માતા માટે જ...!"

સાવિત્રીના દિલના ખૂણામાં લાગણીની સરવાણી ખળખળ વહેવા લાગી. પ્રીતમલાલને પહેલી વખત જોઈને એના મનમાં જે ઘૃણા પેદા થઈ હતી, તે ત્યારે પલટાઈ ગઈ. આવા પણ માણસ હોય છે. જે અનાથ બાળકો માટે આટલું બધું કરે છે.

" સાવિત્રી મને ખબર જ નહિ કે તમે મારાથી ઉંમરમાં ઘણા નાના છો. અને તમારી મરજી વિરુદ્ધ તમને ધકેલી દીધા છે. મને માફ કરજો. સાવિત્રી હું ચલાવી લઈશ. આ બાળકો માટે હું જીવું છું. તમે ખુશીથી તમારા ઘરે જજો. હું તમને મૂકી દઈશ."પ્રીતમલાલ ઉભા થયા."તમે આરામ કરો.હું સવારે આવીશ..!"

પ્રીતમલાલે પગ ઉપાડ્યા. ત્યાં સાવિત્રીએ દોડીને પ્રીતમલાલના બન્ને હાથ પકડી લીધા," નહીં, નહીં, મારે ઘરે પાછા નથી જવું. હું એ બાળકોની માતા બનીને રહીશ. તમે રહેવા દેશો..!!?"

સાવિત્રી સામે જોઇને પ્રીતમલાલ બોલ્યા," મને સંસારની કોઈ માયા નથી. પણ લોક લાજે લગ્ન કરવા પડશે."

" હું કરીશ. તમારી સાથે જ કરીશ. મેં તમને ઓળખ્યા નહિ. મારે તમારા કાર્યમાં સાથ આપવો છે .!"સાવિત્રીએ કહ્યું. તેની આંખોમાં આંસુ ઉભરાવા લાગ્યા.

પ્રીતમલાલ ક્યાંય સુધી સાવિત્રીને લાગણી ભરી નજરથી તાકી રહ્યા. ને પછી બોલ્યા," ભલે. "

અને સાવિત્રીના જીવનનો ઘેરો અંધકાર જાણે ઓગળવા માંડ્યો હોય, તેમ તેનું દિલ હળવું થઈ ગયું. કોઈ બારી ઉઘડી રહી છે ને અજવાળું પથરાય રહ્યું છે.

**************
------------------------- – વાસુદેવ સોઢા
24, આદર્શ નગર, ચક્કર ગઢ રોડ અમરેલી - 365601

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post