ખોટી સંગત (Khoti Sangat)

Related

ખોટી સંગત (બની કોઈના જીવનું દોજખ )
~~~~~~~~~~~~~~~-- લેખક: શરદ મણિયાર

રણજીત અને રમાકાંત જેવા કાલા ચૌકી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા કે એમના પગ ધ્રૂજવા માંડ્યા અને દિલની ધડકન તેજ થઈ ગઈ. ચિંતિત ચહેરા પર મૂંઝવણ લઈને તેઓ એક પોલીસ ઓફિસરના ટેબલ સુધી પહોંચ્યા. "બોલો શું કામ છે?" એ ઓફિસર, જેનું નામ ઉજ્જવલ શેખાવત હતું, એમને આવકાર્યા અને ખુરશી પર બેસવાનો નિર્દેશ કર્યો. 

#આવકાર
ખોટી સંગત

"સાહેબ મારું નામ રણજીત છે અને આ મારો મિત્ર રમાકાંત છે". રણજીત નો જવાબ સાંભળીને ઓફિસરે ફરી પૂછ્યું, "કોની કમ્પ્લેન છે?". "સાહેબ, મારી પાર્ટનર નિશિતા વિશે વાત કરવી છે". રણજીતે ખચકાતા સ્વરે જવાબ આપ્યો". એનો આ જવાબ સાંભળીને ઓફિસર મુંઝાયો, "વોટ ડુ યુ મીન બાઈ પાર્ટનર? શેનો બિઝનેસ છે તમારો?" "ના, ના સાહેબ, પાર્ટનર મીન્સ અમે લિવિંગ રિલેશનશીપમાં રહીએ છીએ એટલે પાર્ટનર કહ્યું, પણ નિશિતા મારી વાઈફ નથી". રણજીત નો ખુલાસો સાંભળીને ઇન્સ્પેક્ટર માર્મિક રીતે થોડું હસ્યા. "ઓહો, ઓકે. બોલો શું વાત કરવી છે તમારે એની?" 

રણજીતે હવે ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, "સાહેબ, અમે લગભગ બે વર્ષથી લિવિંગ રિલેશનશિપમાં સાથે રહીએ છીએ, પણ છેલ્લા છ મહિનાથી એના એક ઓફિસના કલીગ ને લઈને અમારા વચ્ચે વારંવાર ઝઘડાઓ થયા કરે છે". "શા માટે, શું તમને એના ઉપર શક છે?". ઇન્સ્પેક્ટરે પુછ્યું. "સાહેબ શક નથી પણ પૂરેપૂરું યકીન છે કે નિશિતા એની સાથે પણ રિલેશન રાખી રહી છે અને મને એ બેવકૂફ બનાવી રહી છે". રણજીતના સ્વરમાં હવે ઉગ્રતા હતી. "તો એમાં અમે તમારી શું મદદ કરી શકીએ? આ તો તમારો અંગત મામલો છે". ઇન્સ્પેક્ટરે થોડુંક અકળાઈને જવાબ આપ્યો. "સાહેબ પ્લીઝ પહેલા અમારી પૂરી વાત સાંભળો". રણજીતની આ વિનંતી સાંભળીને ઇન્સ્પેક્ટર થોડા નરમ પડ્યા અને બોલ્યા, "ઠીક છે, પરંતુ જે કહેવું હોય તે મુદ્દાસર જણાવો.

 "જી સાહેબ." રણજીતે આગળ ચલાવ્યું, "થયું એવું કે તારીખ ૧૦ નવેમ્બર ની સાંજે જ્યારે એ ઓફિસેથી મોડી આવી અને એનો એ કલીગ મન્સૂર એને ઘર સુધી મૂકવા આવ્યો એ મેં જોઈ લીધું અને આ બાબતે અમારો ફરી પાછો ખૂબ જ મોટો ઝઘડો થયો. અને અમારા વચ્ચે લગભગ એક કલાક સુધી ખૂબ જ ઉગ્રપણે વાદવિવાદ ચાલ્યો. છેવટે અમે કાયમ માટે છુટા થઈ જવાનું નક્કી કર્યું, અને મેં તરત જ મારા આ મિત્ર રમાકાંતને એક મોટી સૂટકેસ લઈને મારા ઘરે બોલાવ્યો. અને એના આવ્યા બાદ એણે પણ અમને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી. પણ અમારા વચ્ચે તંગદિલી એટલી હદે સજ્જડ થઈ ગઈ હતી કે અમારે હવે કાયમ માટે છુટા પડી જવું જ અમને યોગ્ય લાગ્યું. 

અને બીજા દિવસે સવારે મારો બધો સર સામાન લઈને કાયમ માટે મારા ગામ જતા રહેવું એવું અમારા બંનેની સંમતિથી નક્કી થયું. એ રાત્રે રમાકાંત અમારા ઘરે જ રોકાઈ ગયો અને મોડે સુધી મેં મારું બધું પેકિંગ કરી લીધું અને અમે અમારી રૂમમાં સુવા જતા રહ્યા. બીજી દિવસે સવારે અમે જ્યારે ઉઠ્યા ત્યારે નિશિતા ઓલરેડી એની ઓફિસ જવા નીકળી ગઈ હતી એટલે અમે પણ તૈયાર થઈને મારો બધો સામાન સાથે લગભગ ૧૦:૦૦ વાગે મારા ગામ જવા રવાના થઈ ગયા.‌ મેં નક્કી જ કરી લીધું હતું કે હવે મારે કાયમ માટે મુંબઈ છોડીને મારા ગામ કાત્રજ માં રહીને મારા ભાઈના કામકાજમાં મદદ કરવી. 

ગામમાં આવ્યા બાદ લગભગ એક અઠવાડિયા સુધી મેં નિશિતા નો કોઈ પણ પ્રકારે સંપર્ક કરવાની કોશિશ જ નહીં કરી. અને એણે પણ મને એ અઠવાડિયા દરમિયાન ફોન ન કર્યો. એટલે મારું મગજ પણ થોડું શાંત થયું અને હું એના વિશે ફરીથી વિચારવા લાગ્યો ત્યાં જ અચાનક ગઈકાલે મને એની ઓફિસેથી ફોન આવ્યો અને નિશિતા વિશે પૂછ્યું તો હું પણ હેરાન થઈ ગયો. મને એમ જણાવવામાં આવ્યું કે નિશિતા છેલ્લા એક અઠવાડિયાની રજા લઈને એના ગામ જતી રહી છે પણ અઠવાડિયું પસાર થઈ ગયું છતાંયે નિશિતા તરફથી કોઈ બીજો મેસેજ નથી અને હવે એનો ફોન પણ બંધ આવે છે. આ સાંભળીને મને ટેન્શન થઈ ગયું એટલે હું તરત જ અહીં પાછો અહીં આવ્યો અને અમારા ઘરે જઈને મેં જોયું તો બધું એમનું એમ જ પડ્યું છે પણ નિશિતા નો કોઈ પત્તો જ નથી. એટલે એના ગામમાં એના મમ્મી પપ્પા ને પણ ફોન કરીને આ બાબત પૂછ્યું તો એ લોકોને પણ ખબર નથી કે નિશિતા ક્યાં ગઈ છે. એટલે અમે તમારી પાસે મદદ લેવા આવ્યા છીએ. પ્લીઝ અમને મદદ કરો મને હવે નિશિતાની ખૂબ જ ચિંતા થઈ રહી છે." 

રણજીતની બધી વાત ખૂબ જ ચીવટ પૂર્વક સાંભળ્યા બાદ તરત જ ઉજ્જવલ સાહેબે એના સહાયકને બોલાવ્યો અને રણજીત ને ઉદ્દેશીને બોલ્યા, "આ મારો આસિસ્ટન્ટ બ્રિજેશકુમાર છે, તમે સૌ પ્રથમ નિશિતાનો ફોટો અને એનો મોબાઇલ નંબર આપો તથા તમારા ઘરનું સરનામું આપો. તમારો અને તમારા આ મિત્રનો પણ નંબર આપો. ત્યાર બાદ નિશિતા ના ઓફિસનું સરનામું પણ આપો અને શક્ય હોય તો એના ઓફિસ મિત્ર મન્સુર નો પણ નંબર આપો્ ત્થા એના વલસાડ ના ઘરનો પણ નંબર આપો ‌". ઇન્સ્પેક્ટર ઉજ્જવલ સાહેબ ના કહ્યા પ્રમાણે રણજીતે એમને બધી માહિતી આપી અને વ્યવસ્થિત રીતે નિશિતાના "ગુમશુદા" ની ફરિયાદ નોંધાવાઈ ગઈ અને એ લોકોના ગયા બાદ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ સાહેબે એમના સહાયક બ્રિજેશ કુમાર સાથે આ વિશે ચર્ચા વિચારણા શરૂ કરી દીધી, "બ્રિજ, સૌપ્રથમ આપણે બે ટીમ બનાવીએ.‌ 

એક ટીમમાં તમે સબ ઇન્સ્પેક્ટર નંદીતાને લઈને એની ઓફિસે જાવ અને ત્યાંથી શક્ય એટલી માહિતી મેળવો અને ખાસ કરીને નિશિતાના આ કહેવાતા ઓફિસ મિત્ર મન્સુર પાસે થી પણ શક્ય એટલી વિગતવાર માહિતી મેળવો. બીજી ટીમમાં હું અને હવાલદાર સાવંત એના ઘરે જઈને તપાસ કરીએ છીએ. બાદ આવતીકાલે સવારે ફરી પાછા આપણે આ બંને જગ્યાએથી મેળવેલી માહિતીના આધારે આપણો એ પછીનો પ્લાન ઓફ એક્શન તૈયાર કરીશું, અને હા, ઇન ધ મીન ટાઈમ, આ બધાના મોબાઈલ ડેટા અને ૧૦ નવેમ્બર ની રાતથી લઈને આજ સુધીનું એ લોકોનું લોકેશન ટ્રેક કરાવવા આપી દો".

બીજી દિવસે ઇન્સ્પેક્ટર ઉજ્જવલ અને બ્રિજેશકુમાર પોતપોતાની રીતે એકઠી કરેલી માહિતી લઈને સામસામે બેસી ગયા. ઇન્સ્પેક્ટર ઉજ્જવલ બોલ્યા, "અમે નિશિતાના ઘરે જઈને સૌપ્રથમ સીસીટીવી ફૂટેજ ના આધારે રણજીત ના કહેવા પ્રમાણે એ વાતની પુષ્ટિ કરી કે ૧૦ નવેમ્બર ની રાત્રે નિશિતા લગભગ ૮.૩૦ વાગે ઘરમાં પ્રવેશી અને ત્યારબાદ રણજિત નો મિત્ર રમાકાંત પણ લગભગ 10:30 વાગે એક મોટી સુટકેશ લઈને એના ઘરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ બીજી દિવસે વહેલી સવારે લગભગ ૭.૩૦ વાગે નિશિતા એના ઘરેથી નીકળી અને એના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એની સ્કૂટી લઈને જતા દેખાઈ રહી છે.‌ અને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને હાથેથી અભિવાદન કરીને બહાર જતી પણ દેખાય છે.‌ 

ત્યારબાદ લગભગ 10:00 વાગે રણજીત અને રમાકાંત પણ એ જ મોટી સુટકેસને લઈને બહાર જતા અને કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક સફેદ કારમાં જતા કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.‌ આટલું જોયા બાદ અત્યારે આપણે એક કાચો નિષ્કર્ષ એમ લઈ શકીએ કે રણજીતે કહેલી એની વાત લગભગ સાચી છે અને નિશિતા ના ગુમ થવા પાછળ એ કદાચ જવાબદાર નથી". "ઓકે સર". 

હવે બ્રિજેશ કુમારે એનો રિપોર્ટ આપ્યો, "સાહેબ, સૌપ્રથમ તો અમે પેલા મન્સૂરને જ મળ્યા તો એણે અમને જણાવ્યું અને એના મોબાઇલમાં દેખાડ્યું પણ કે ૧૦ નવેમ્બર ની વહેલી સવારે લગભગ સાડા સાત વાગે એના ઉપર નિશિતાનો મેસેજ આવ્યો કે એની મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હોવાથી એ અત્યારે એના ગામ વલસાડ જઈ રહી છે અને ત્યાં પહોંચ્યા બાદ એને ફોન કરશે. જોકે આ મેસેજ મન્સુરે લગભગ ૯.૩૦ વાગે વાંચ્યો એટલે એણે તરત જ નિશિતાને ફોન કર્યો. પણ નિશિતાએ ફક્ત એટલું જ કહ્યું કે "એ અત્યારે ટ્રેનમાં છે અને ટ્રેનના અવાજને કારણે એની સાથે વાત નહીં કરી શકે." 

ત્યારબાદ અમે નિશિતાના મેનેજરને પણ મળ્યા તો એણે પણ એમને એના મોબાઈલ પર લગભગ એ જ સમયે આવેલા નિશિતાના એ જ મેસેજ નો ઉલ્લેખ કર્યો એમાં નિશિતાએ એમ પણ જણાવ્યું હતું કે એ લગભગ એક અઠવાડિયા સુધી ઓફિસ નહીં આવી શકે. ત્યારબાદ અમે ઓફિસના લગભગ અન્ય ત્રણેક કર્મચારીઓ સાથે પણ નિશિતા વિશે અને ખાસ કરીને નિશિતાના ઓફિસ કલિંગ મન્સુર સાથેના સંબંધ વિશે પણ જાણવાની કોશિશ કરી તો આડકતરી રીતે અમને એ વાતની પુષ્ટિ થઈ કે નિશિતા અને મન્સુર ના સંબંધો એક સાધારણ ઓફિસ કલિગ કરતા કંઈક વિશેષ હતા એટલે રણજીતનો આ આક્ષેપ કે એની શંકા ને થોડો આધાર જરૂર મળે છે". "ઓહો ઓકે" ઇન્સ્પેક્ટર ઉજ્વલે ઉદગાર કાઢ્યો. "ઓકે તો હવે નિશિતાના મમ્મી પપ્પાનો સંપર્ક કરો અને એ જાણવાની કોશિશ કરો કે શું નિશિતા ત્યાં આવી હતી અથવા હજુ સુધી ત્યાં જ છે કે ત્યાંથી જતી રહી છે?" 

અને સબ ઇન્સ્પેક્ટર નંદિતાએ નિશિતાની મમ્મીને ફોન કર્યો અને એને સ્પીકર પર રાખીને રેકોર્ડિંગ ચાલુ કર્યું. "હેલો, શું તમે શાંતાબેન બોલો છો"? "હા બેન હું શાંતાબેન બોલું છું, આપ કોણ છો અને શું કામ છે"? "હું મુંબઈથી સબ ઇન્સ્પેક્ટર નંદિતા દાસ બોલું છું મારે નિશિતા સાથે વાત કરવી છે". "સબ ઇન્સ્પેક્ટર નંદિતા"?. શાંતાબેને મૂંઝવણ ભર્યા સ્વરે પૂછ્યું, "મેડમ, નિશિતા તો અહીંયા નથી પણ તમારે એનું શું કામ પડ્યું. એ તો મુંબઈમાં જ રહે છે અને ત્યાં જ કામ કરે છે?". "પણ અમને એમ જણાવવામાં આવ્યું છે કે એ છેલ્લા એક અઠવાડિયાથી તમારે ઘરે જ રહે છે". 

નંદિતાની આ વાત સાંભળીને શાંતાબેન એકદમ રડમસ સ્વરે કરગરી ઊઠ્યા, " હાય, હાય, મેડમ આ શું બોલી રહ્યા છો તમે? મારી નિશિતા તો છેલ્લા ચાર મહિનાથી અહીંયા આવી જ નથી અને ગયા અઠવાડિયે એનો મેસેજ આવ્યો હતો કે એ રણજીત સાથે એક અઠવાડિયા માટે કેરાલામાં કોઈ જગ્યાએ ટ્રેકિંગ કરવા જઈ રહી છે એટલે અમારે એનો કોન્ટેક ન કરવો બસ એટલે અમે પણ એના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ તમે એમ કેમ પૂછી રહ્યા છો કે અમારે ત્યાં છે કે નહીં? મેડમ, શું પેલો રણજીત એની સાથે નથી ગયો કે એ ત્યાં જ મુંબઈમાં જ છે?" શાંતાબેન નું કુતૂહલ સાંભળીને નંદિતાએ કહ્યું કે "ના, એ તો અહીં જ છે અને એણે જ અમને એના નહીં હોવાના સમાચાર આપ્યા છે." "મેડમ", શાંતાબેન હવે થોડા ઉગ્ર સ્વરે બોલ્યા, "એ માણસ તો એક નંબરનો હ**** અને જુઠ્ઠો છે, એની વાત ઉપર તમે જરાય ભરોસો નહીં કરતા.

******

“એ મારી દીકરીને ખૂબ જ હેરાન કરે છે.‌ અમે તો નિશિતા ને કેટલું સમજાવતા હતા કે એને છોડી દે પણ એ માનતી જ ન હતી". સ્પીકર પર વાત સાંભળીને સૌ કોઈ એકદમ સ્તબ્ધ થઈ ગયા અને ઇન્સ્પેક્ટર ઉજ્જવલે નંદીતાને ઇશારાથી ફોન કટ કરવા જણાવ્યું. એટલે એણે પણ શાંતાબેનને એમ કહીને ફોન મૂકી દીધો કે, "અચ્છા, અમે થોડી વધુ તપાસ કરીને તમને જણાવીએ છીએ". 

અને તરત જ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ બોલ્યા, "હવે સૌ પ્રથમ નિશિતાના મોબાઈલ નંબર ના આધારે એના કોલ ડેટા કઢાવો અને એના લોકેશન ટ્રેક નો રિપોર્ટ જલ્દીથી લાવો. અને એ દરમ્યાન નિશિતાના મમ્મી પપ્પાને પણ અહીંયા આવવાનું જણાવી દો અને પેલા મન્સૂરને હમણાં ને હમણાં જ અહીંયા બોલાવો. કારણ કે હવે દાળમાં કંઈક કાળું નથી પણ કોઈએ આખે આખી દાળ જ કાળી કરી છે એટલે હવે એ દાળના રસોયા ને શોધવો પડશે". અને ત્યાં જ સબ ઇન્સ્પેક્ટર બ્રિજેશ કુમારે સાહેબ નું ધ્યાન દોર્યું, "અરે સાહેબ, નિશિતા તો એના ઘરેથી એનું સ્કુટી લઈને નીકળી હતી તો ટ્રેનમાં બેસતા પહેલા એણે એ સ્કૂટી ક્યાંક તો પાર્ક કરી હશે ને, તો આપણે પહેલા સ્કૂટી નો કબજો મેળવીએ તો કદાચ એમાંથી કોઈ એકાદ નાની કડી મળી જાય.". બ્રિજ ની વાત પર બધા સહમત થયા અને સૌપ્રથમ રણજીતને ફોન કરીને નિશિતાના સ્કૂટીનો નંબર મેળવ્યા બાદ બોમ્બે સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ ખાતેના પાર્કિંગ પ્લોટના વ્યવસ્થાપકોને આ સ્કૂટી વિશેની માહિતી જણાવવા આદેશ દીધો.‌ 

લગભગ એકાદ કલાકના અંતરાલ બાદ મન્સુર પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો ત્યાં સુધીમાં તો રણજીત, રમાકાંત તથા નિશિતા ના મોબાઈલ ડેટા અને લોકેશન ટ્રેકનો રિપોર્ટ પણ આવી ગયો. એ સર્વે રિપોર્ટને ધ્યાનથી જોવા લાગ્યા અને તરત મન્સુર ને સવાલ કર્યો, "જો મન્સુર, હવે નિશિતાના ગુમ થવાની વાત ખૂબ જ ગંભીર સ્થિતિએ આવી પહોંચી છે એટલે હું ઈચ્છું છું કે તું કંઈ પણ ચાલાકી કર્યા વગર કે કોઈપણ વાત છુપાવ્યા વગર સીધેસીધો જવાબ આપ કે તારા અને નિશિતા વચ્ચેના સંબંધો કેટલા વિશેષ હતા. એના લિવિંગ પાર્ટનર રણજીતે તો સ્પષ્ટપણે અહીંયા જણાવ્યું છે કે તારા અને નિશિતા ના સંબંધો ખૂબ જ ગાઢ હતા અને એ વિશે એ લોકોના ખૂબ જ ઝઘડા થયા કરતા હતા". "સાહેબ, હું ખરેખર કહું છું કે શરૂઆતમાં હું અને નિશિતા એક માત્ર સામાન્ય ઓફિસ મિત્રો થી વિશેષ કંઈ જ નહીં હતા. પણ જોગાનુંજોગ કંપનીના એવા ઘણા પ્રોજેક્ટ અમે સાથે મળીને પાર પાડ્યા હતા જે થકી અમને બંનેને કંપની તરફથી ખૂબ જ પ્રશંસા અને બઢતી પણ મળતી ગઈ.‌ અમારા બંનેની વિચારધારા ખૂબ જ એક હોવાથી અમને અવારનવાર કંપનીના આવા પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનો મોકો મળતો ગયો અને એ રીતે અમે ધીરે ધીરે એકબીજાની નજીક આવતા ગયા. 

એ દરમ્યાન મને જાણવા મળ્યું કે નિશિતાનો લિવિંગ પાર્ટનર રણજીત એક સામાન્ય જમીન મકાનના લેણ દેણ નું કામકાજ કરનારો રીયલ એસ્ટેટ એજન્ટ છે જેનું એના આ વ્યવસાયમાં કંઈ વધારે ઉપજતું ન હતું અને એટલે એ ઘર ચલાવવા માટે નિશિતાના પગાર પર વધારે નિર્ભર રહેતો. તદુપરાંત એને રોજ બિયર બાર માં જઈને દારૂ પીવાની પણ લત હતી જેમાં એ વધુ પૈસા ઉડાડતો હતો. અને આ બાબત પર ધીરે ધીરે એ બંને વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું હતું. એ દરમ્યાન મારા અને નિશિતાના કામકાજ સંબંધે અવારનવાર સાથે જવા વિશે પણ એ લોકો વચ્ચે ઝઘડા થવા માંડ્યા અને ઘણીવાર એણે નિશિતા પર હાથ પણ ઉપાડ્યો હતો. 

તેથી નિશિતા એના આવા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ધીરે ધીરે ઓફિસના કામમાં વધારે ને વધારે રુચિ લેવા લાગી અને એ રીતે એ રણજીતથી દૂર રહેવા નું વધારે પસંદ કરવા લાગી અને મારી વધુને વધુ નિકટ આવવા માંડી. અને એકવાર એણે એવી પણ ઈચ્છા દર્શાવી હતી કે એ રણજીત સાથેના લિવિંગ રિલેશનમાંથી હવે છૂટી થવા માંગે છે.‌ પણ ૧૦ નવેમ્બર ની સાંજે એ ઓફિસેથી જવા નીકળી ત્યારે એને અચાનક ચક્કર આવી ગયા અને એ લગભગ બેહોશ જેવી થઈ ગઈ. એટલે એની તબિયત સારી ન જણાતાં હું એને એના ઘર સુધી મૂકવાં ગયો". 

થોડુંક અટકીને મન્સુરે આગળ ચલાવ્યું, "પછી બીજે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે મને એનો મેસેજ આવ્યો કે અચાનક એની મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે એ વલસાડ જઈ રહી છે.‌ મેં જ્યારે આ મેસેજ લગભગ 9:30 વાગે વાંચ્યો તો તરત જ એને ફોન કર્યો પણ એ ટ્રેનમાં હોવાથી આસપાસની ભીડ અને ટ્રેન ચાલવાના અવાજને લીધે હું એની વાત બરોબર સાંભળી ન શક્યો એ કદાચ એટલું જ બોલી કે વલસાડ પહોંચીને મને રાત્રે ફોન કરશે. મેં આ મેસેજ ઓલરેડી આપના કલિગ ને બતાવ્યો છે અને અમારા વચ્ચેની વાતચીત નું રેકોર્ડિંગ પણ મારા મોબાઈલમાં છે, જો આપ ઈચ્છો તો હું એને આપના મોબાઈલ પર ફોરવર્ડ કરી શકું છું" "ઠીક છે મને એ રેકોર્ડિંગ ફોરવર્ડ કર અને હમણાં તો તું જઈ શકે છે પણ અમને જરૂર પડશે ત્યારે ગમે તે સમયે તારે અહીંયા હાજર થવું પડશે". ઇન્સ્પેક્ટર ઉજ્જવલ નો આ આદેશ સાંભળીને મન્સુર જતો રહ્યો. 

ત્યારબાદ અગાઉ નક્કી કર્યા મુજબ બધાંના મોબાઈલ નો ડેટા રેકોર્ડ તથા લોકેશન ટ્રેકનો રિપોર્ટ લઈને સર્વે ચર્ચા વિચારણા કરવા લાગી ગયા. "સર", બ્રિજેશ કુમારે શરૂઆત કરી, " સૌ પ્રથમ નિશિતાનું લોકેશન લગભગ 8:30 વાગ્યા ની આસપાસ બાંદ્રા ટર્મિનસ ખાતે બતાવે છે અને પછી કંટીન્યુઅસલી એનું લોકેશન અલગ અલગ જગ્યાએ બદલાઈ રહ્યું છે. લગભગ 12:30 વાગે એ વલસાડ પર બંધ થયું હતું અને પાછું રાત્રે લગભગ 10:30 વાગે વલસાડની જ્યુપિટર હોસ્પિટલ પાસે શરૂ થયું હતું અને પછી થોડીવારમાં જ એનો મોબાઈલ ઓફ થઈ ગયો જે આજ સુધી બંધ જ આવી રહ્યો છે. એટલે નક્કી વલસાડ ખાતે જ એનું કંઈ અહિત થયું હોવું જોઈએ પણ આશ્ચર્યની વાત એ છે કે અગર જો એ 12:30 વાગ્યે વલસાડ ઉતરી તો પછી એ ક્યાં ગઈ અને એના ઘરે કેમ ન ગઈ?" પાછું 12:30 થી 10:30 સુધી એનો મોબાઇલ ફોન બંધ હતો તો ફક્ત એક મિનિટ માટે જ એણે મન્સૂરને ફોન કરીને એમ કેમ કીધું કે એની મમ્મી ની તબિયત સિરિયસ છે એટલે એમને અહીંની જ્યૂપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે હકીકતમાં એવું કંઈક હતું જ નહીં તો શા માટે એણે આવી ખોટી માહિતી મન્સુર ને આપી અને પછી એનો ફોન બંધ જ થઈ ગયો." 

બ્રિજેશ કુમારના આ વિધાનથી સૌ કોઈ અસમંજસમાં મુકાઈ ગયા. તો ઇન્સ્પેક્ટર ઉજ્જવલે સાહેબ બોલ્યા, "પણ હવે રણજીત અને એના મિત્ર રમાકાંતના કોલ ડેટાનો રેકોર્ડ અને એના લોકેશનના ટ્રેકનો રિપોર્ટ શું કહે છે તને?" તો બ્રિજેશે માહિતી આપવા માંડી, "સાહેબ, રણજીતના કહેવા મુજબ એના મિત્ર સાથે સવારે લગભગ ૧૦.૦૦વાગે ઘરે થી નીકળ્યા પછી એમનું લોકેશન કંટીન્યુઅસલી ચેન્જ થયા કરતું હતું કારણ કે એ લોકો રણજીતના ગામ કાત્રજ જે પુના થી લગભગ 40 કિલોમીટર દૂર છે ત્યાં જવા નીકળ્યા હતા. પણ પછી રસ્તે આવતા માલસેજ ઘાટ પર એ લોકો લગભગ બે કલાક રોકાયા હતા પછી પુના ના એક્સપ્રેસ હાઈવે પરનો સેકન્ડ ટોલ પાર કર્યા બાદ એક ધાબા પર પણ તેઓ એક કલાક માટે રોકાયા હતા અને ત્યારબાદ રાત્રે લગભગ 9:30 વાગે કાત્રજ પ્હોંચી ગયા હતા અને બીજે દિવસે સવારે એનો મિત્ર રમાકાંત પણ મુંબઈ આવવા નીકળી ગયો હતો. ત્યાર બાદ ગઈકાલ સુધી રણજીત નું લોકેશન એના કાત્રજ ગામ માં બતાડે છે અને રમાકાંતનું લોકેશન મુંબઈના એના વરલી એરિયામાં જ બતાડે છે. 

એનો મતલબ સ્પષ્ટ જણાય છે કે તારીખ ૧૧ નવેમ્બર ની રાત્રે નિશિતા વલસાડમાં હતી અને રણજીત એના ગામમાં જ હતો". આ સાંભળી ઉજ્જવલે સાહેબ ગંભીરતાથી બોલ્યા, "હા બ્રિજ, તારી વાત તો સાચી છે, પણ હવે આ સમસ્યા ખરેખર ખૂબ જ અટપટી લાગી રહી છે.‌ જો તે રાત્રે 10:30 વાગે પછી નિશિતા નો મોબાઇલ બંધ થઈ ગયો તો એ ગઈ ક્યાં? શું એ આકાશમાં વિલિન થઈ ગઈ કે જમીનમાં સમાઈ ગઈ?” "પણ સાહેબ," સબ ઇન્સ્પેક્ટર નંદિતાએ એક અલગ જ પ્રકારની શંકા વ્યક્ત કરી, "શું એવું ન બની શકે કે નંદીતાના ગુમ થવા પાછળ એના મમ્મી પપ્પાનો જ હાથ હોઈ શકે?".‌"એવું તને શા પરથી લાગે છે નંદિતા?" બ્રિજેશ કુમારે ખુલાસો માંગ્યો.‌

"બ્રિજ, એની મમ્મીના વાત પરથી શું એવું નથી લાગતું કે એ લોકોને નિશિતા ના રણજીત સાથેના લિવિંગ રિલેશનશિપમાં આ રીતે રહેવા વિશે ખૂબ જ વાંધો હશે અને સમાજમાં હવે પોતાની વધુ બદનામી ન થાય એ માટે કદાચ એ લોકોએ શાંતાબેન ની બીમારીનું બહાનું કાઢીને તેને વલસાડ બોલાવીને એનું કાસળ કાઢી નખાવ્યુ હોય, આઈ મીન ઓનર કિલિંગ?" નંદિતાએ ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો એટલે ઉજ્જવલ સાહેબ બોલ્યા, "ઠીક છે, તારી આ વાતને પણ આપણે આપણા વિચાર હેઠળ રાખીએ કારણકે હવે આ પ્રશ્ન બહુ પેચીદો છે એટલે આ બાબતે હવે ખૂબ જ સતર્કતાથી ઊંડાણમાં ઉતરવું પડશે." 

ત્યાર પછી એમણે બ્રિજેશને પૂછ્યું, "બ્રીજ, નિશિતા ની સ્કુટી નો કોઈ પત્તો લાગ્યો?". "હોય સાહેબ" બ્રિજેશ કુમારે ખૂબ જ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો, "બાંદ્રા ટર્મિનસ પર એનું સ્કૂટર પાર્ક કરેલું હતું અને એ હવે અહીંયા આવી રહ્યું છે". "વેલ ડન, એ સ્કુટી તમારી પાસે આવી જાય એટલે એની બરોબર તપાસ કરો કદાચ એમાંથી આપણને કોઈ કડી મળી જાય. તો હવે આપણે એક કામ કરીએ, પહેલા લંચ બ્રેક લઈ લઈએ અને પાછા ત્રણ વાગ્યે મળીએ, એ દરમિયાન નિશિતા ના મમ્મી પપ્પા પણ અહીં આવી પહોંચશે જ એટલે એમની પણ વાત આપણે શાંતિથી સાંભળીએ, સમજીએ અને પછી આપણે આગળના પ્રયોજન વિશે વિચાર કરીએ".

લગભગ સાડા ત્રણ વાગ્યે ફરી પાછા બધાએ ઉજ્જવલ સાહેબની કેબિનમાં બેઠક જમાવી અને ત્યાં સુધી નિશિતાનું સ્કૂટર પણ સંપૂર્ણપણે ચેક થઈ ગયું હતું પણ એમાંથી એની કોઈ વિશેષ માહિતી મળે એવા કોઈપણ સગડ મળ્યા નહીં. સૌ કોઈ પોત પોતાની રીતે તર્ક વિતર્ક કરતા રહ્યા પણ કોઈ નક્કર નિર્ણય પર નહીં આવી શક્યા કે નિશિતા નું ખરેખર શું થયું હશે. સાંજે લગભગ સાડા પાંચ વાગે નિશિતાના મમ્મી પપ્પા પણ પોલીસ ચોકી પર આવી ચડ્યા અને ઇન્સ્પેક્ટર ઉજ્જવલ સાહેબ ને ઉદ્દેશીને બોલ્યા, "સાહેબ શું થયું અમારી દીકરીનું?? ક્યાં ખોવાઈ ગઈ છે એ? એનો કોઈ અત્તો પત્તો લાગ્યો કે નહીં તમને?"

*****

એમના આ પ્રશ્નમાં રહેલો ઉચાટ વ્યાજબી હતો. કારણ કે પોતાની એકની એક દીકરીનું આમ અચાનક એક અઠવાડિયાથી લાપતા થવું એ ખૂબ જ ગંભીર અને પીડા દાયક બાબત હતી એટલે ઉજ્જવલ સાહેબે પણ એમની સાથે ખૂબ જ સહાનુભુતી ભર્યા સ્વરમાં આશ્વાસન આપતા જણાવ્યું કે, "અમે શક્ય એટલી ઝડપે નિશિતા ની ભાળ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ પણ હજી સુધી અમે કોઈ નક્કર નિર્ણય પર નથી આવી શક્યા એટલે હવે તમારી પાસેથી નિશિતા અને રણજીત વિશે થોડી વધુ માહિતી જોઈએ છે તો આપ અમારાથી કંઈ પણ છુપાવ્યા વગર જેટલું જાણતા હોય એટલું જણાવશો તો નિશિતાને શોધવા માટે અમારરી પાસે વધુ રસ્તાઓ ખોલી શકાશે". 

ઉજ્જવલ સાહેબ ની વાત સાંભળીને નિશિતાના પપ્પા મનસુખભાઈ ખૂબ જ રડમસ સ્વરે બોલ્યા, "સાહેબ, અમે વલસાડમાં રહીએ છીએ અને હું અહીંની એક સરકારી હાઈસ્કૂલમાં પ્રાધ્યાપક છું અને મારી વાઈફ શાંતા ઘરેથી નાના બાળકોના ટ્યુશન કરે છે. અને આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા હતા. તેમ છતાંય અમે અમારી દીકરીને ભણાવવામાં કોઈ કસર નથી છોડી અને એની ઈચ્છા મુજબ અમે એને મુંબઈમાં વધુ ભણવા માટે મોકલી.‌ એણે પણ ખૂબ જ ખંત થી અભ્યાસ કર્યો અને સારા માર્ક્સ લાવી ને એમબીએ નો અભ્યાસ પૂરો કર્યા બાદ ખૂબ જ સારી જગ્યાએ નોકરી મેળવી લીધી. પણ પછી ઘર શોધવાની તજવીજમાં એ રણજીતના સંપર્કમાં આવી અને રણજીતે પણ એને ખૂબ જ મદદ કરી અને સારા ભાવમાં એક સરસ મકાન ગોતી આપ્યું એટલે એ રીતે એની સાથે મિત્રતામાં આગળ વધી અને એમની મિત્રતા પ્રેમમાં પરિણમી.‌ નિશિતા એ અમારા થી કોઈ વાત નહીં છુપાવી અને અમને બધું સ્પષ્ટપણે જણાવી દીધું કે એ અત્યારે રંણજીત સાથે લગ્ન કરીને પોતાની નોકરીમાં અને રણજીત ના વ્યવસાયમાં કોઈ દખલ દેવા નથી માંગતી, પણ પછી ક્યારે એ બંનેએ અંદરોઅંદર નક્કી કરી લીધું કે લગ્ન કર્યા વગર એકબીજાને સંપૂર્ણપણે જાણી લે એ ઉદ્દેશથી સાથે રહેવા લાગ્યા જેનો અમને સખત વિરોધ હતો, પણ દીકરીની હઠ આગળ અમે લાચાર થઈ ગયા તો પણ અમે એમના આ સંબંધનો અવારનવાર વિરોધ કરતા જ રહ્યા. તેમ છતાંય, અમે એકવાર મુંબઈ આવ્યા અને રણજીતને મળ્યા ત્યારે એને જોઈને જ અમને એમ લાગ્યું કે મારી દીકરીએ બહુ મોટો અને ખોટો નિર્ણય લીધો છે". 

"એવું તમને શા પરથી લાગ્યું?" ઉજ્જવલ સાહેબે એમની વાત વચ્ચે અટકાવીને પૂછ્યું. તો હવે શાંતાબેને પોતાનો સૂર પુરાવ્યો, "સાહેબ, અમે જાણ્યું કે રણજીત ના ધંધામાં કોઈ વિશેષ બરકત ન હતી અને નિશિતાના પગાર પર જ એનું ઘર ચાલતું હતું અને રણજીતને દારૂ પીવાની પણ લત હતી અને એ વાતચીત કરવામાં પણ ઘણીવાર તોછડો લાગ્યો. પછી નિશિતાએ પણ આ વાતનો સ્વેચ્છાએ ખુલાસો કર્યો હતો કે એની અને રણજીત વચ્ચે ઘણીવાર બોલાચાલી પણ થાય છે અને ઉગ્ર દલીલો પણ થવા લાગી છે.‌ આ સાંભળીને અમારી ચિંતા ખૂબ જ વધી ગઈ તો અમે એને ખૂબ જ સમજાવવા લાગ્યા કે એ રણજીતને છોડી દે અને શક્ય હોય તો એની નોકરી પણ છોડીને પાછી ગામ આવી જાય તો અમે એને કોઈ યોગ્ય ઠેકાણે પરણાવીને એને જિંદગીમાં ઠરીઠામ કરી શકીએ. પણ નિશિતાએ અમારી વાત બહુ ગંભીરતાથી નહીં લીધી અને ખબર નહીં હવે કઈ તકલીફમાં ભેરવાઈ ગઈ છે. 

સાહેબ હું તમને હજુ પણ કહું છું કે તમે માનો કે ન માનો પણ એની આ મુસીબત માટે રણજીત જ જવાબદાર હોઈ શકે છે. તમે એને અહીંયા અમારી સામે બોલાવો અને એની ખૂબ જ કડક રીતે ઉલટ તપાસ કરો તો કદાચ તમને સાચી વાત જાણવા મળી શકે છે". 

શાંતાબેન ની વાત સાંભળીને સૌ કોઈ એકદમ અચંબીત થઈ ગયાં પણ પછી રણજીતે આપેલા પોતાના નિવેદન અને અત્યાર સુધીની તપાસ ની બધી માહિતી નિશિતાના મમ્મી પપ્પાને આપીને ઉજ્જવલ સાહેબ બોલ્યા, "જુઓ બેન, કદાચ તમારી વાત માં થોડી સચ્ચાઈ હોય તો પણ અત્યારે જે પ્રમાણે અમે જે બધી માહિતી એક્ઠી કરો છે એ માહિતીના આધારે અને હાથ લાગેલા પુરાવાઓને જોતા એવી કોઈ કડી અમને નથી મળી રહી કે જેમાં તમારી નિશિતા ના ગુમ થવા પાછળ રણજીત જ નો હાથ હોઈ શકે". આટલું કહીને ઉજ્જવલ સાહેબે રણજીતના નિવેદનો તથા એની ઓફિસે થી મેળવેલી બધી માહિતી અને સી.સી. ટીવી ફૂટેજ પણ બતાવી દીધી.‌ 

એટલે નિશિતાના પપ્પા બોલ્યા, "સાહેબ શું અમે એક વાર એના ઘરે જઈ શકીએ અને અમારી રીતે પણ થોડી ચોકસાઈપૂર્વક તપાસ કરી શકીએ?". આ વાત સાંભળીને ઉજ્જવલ સાહેબે એમના સહાયકો તરફ પ્રશ્નાર્થ ભરી નજર કરી તો બ્રિજેશ કુમારે અને નંદિતાએ આંખના ઈશારે નિશિતાના પપ્પાની વિનંતી સ્વીકારવા જણાવ્યું એટલે ઉજ્જવલ સાહેબ બોલ્યા, "ઓકે પણ તમે એકલા હવે ત્યાં નહીં જઈ શકો કારણ કે એ ઘર હવે અમારી નીગરાની હેઠળ છે, એટલે તમારી સાથે અમારા આ બે સહાયક પણ આવશે અને તમને ત્યાં એક કલાક રહેવા દેવાની છૂટ આપશે. અત્યારે તો હવે અમારી ઓફિસ નો સમય પૂરો થઈ ગયો છે એટલે આપ બંને આવતીકાલે સવારે 10 વાગે નીશીતાના ઘરે પહોંચી જજો, અમારા આ બંને સહાયક પણ તમને ત્યાં મળશે.‌ 

બીજે દિવસે સવારે બરોબર 10:00 વાગે નિશિતાના મમ્મી પપ્પા, સબ ઇન્સ્પેક્ટર બ્રિજેશ કુમાર અને સબ ઇન્સ્પેક્ટર નંદિતા પણ ત્યાં પહોંચી ગયા.‌ નિશિતાના મમ્મી પપ્પા ખૂબ જ ચીવટ પૂર્વક આખા ઘરની તપાસ કરવા લાગ્યા તો એ દરમ્યાન બ્રિજેશ કુમાર અને નંદિતા પણ અલગ અલગ રીતે નિશિતાના પાડોશીઓ સાથે પણ મસલત કરવા લાગ્યા.‌ 

આ બાજુ નિશિતાના મમ્મી પપ્પા એના ઘરની તપાસ કરી રહ્યા હતા ત્યાં જ રણજીત પણ અચાનક આવી ચડ્યો.‌ એને આ રીતે આવેલ જોઈને નિશિતાના મમ્મી થી રહેવાયું નહીં અને ખૂબ જ ઉગ્ર સ્વરે બોલ્યા, "સાલા હ****, તે જ અમારી દીકરીને ગુમ કરી છે. તને ભગવાન ક્યારે પણ માફ નહીં કરે. આજે નહીં તો કાલે તારી બધી પોલ ખુલ્લી પડશે અને તું જેલ ભેગો થઈ જઈશ". આ સાંભળીને રણજીત ખૂબ જ નમ્ર સ્વરે હાથ જોડીને બોલ્યો, "મમ્મી, પ્લીઝ મારી વાત માનો અને મેં જે પણ કંઈ કહ્યું છે એ સત્ય જ કહ્યું છે અને સત્ય સિવાય કાંઈ જ નથી કહ્યું. મને પણ નિશિતાની એટલી જ ચિંતા છે જેટલી આપને છે". 

તો નિશિતાના પપ્પા એ પણ એમનો આક્રોશ ઠાલવ્યો, "તારા આ જુઠ્ઠાણાની અને આ મગરના આંસુની અમારા પર કંઈ અસર થવાની નથી કારણ કે મેં તને પહેલી જ મુલાકાતમાં બરોબર ઓળખી લીધો હતો અને ત્યાર પછી મારી દીકરીએ અવારનવાર તમારા ઝઘડા વિશે અને તારી બધી કરતુતો વિગતવાર જણાવી હતી. એટલે તું મહેરબાની કરીને અહીંથી જતો રહે અને અમને અમારું કામ કરવા દે." પણ રણજીત ઘરમાં જ બેઠો રહ્યો અને થોડીવાર પછી જ્યારે બ્રિજેશ અને નંદિતા પાછા આવ્યા ત્યારે રણજીત ને ત્યાં હાજર જોઈને તે તેવોને થોડી નવાઈ લાગી.‌ 

પણ રણજીતે પોતાની બેઠકથી ઊભા થઈને ખૂબ જ વિનમ્રપણે બ્રિજેશ કુમાર ને પૂછ્યું, "સાહેબ, જો હવે મારું કામ ન હોય તો શું પાછું મારા ગામ જઈ શકું છું, કારણ કે ત્યાં પણ ઘણા બધા અગત્યના કામો અધૂરા મૂકીને આવ્યો છું". તો નંદિતાએ જવાબ આપ્યો, "ના એ શક્ય નથી, કારણ કે નિશિતાના ગુમ થવા વિશે હજુ અમને કોઈ અગત્યની કડી મળી નથી અને કદાચ ફરીથી એકવાર તને બોલાવીને વધુ પૂછપરછ કરવી પડશે, એટલે તું હમણાં મુંબઈ છોડીને ક્યાંય નહીં જઈ શકશે અને અમે જ્યારે પણ તને બોલાવીએ ત્યારે તારે તુરંત હાજર થઈ જવું પડશે". "જી મેડમ, હું હાલ મારા મિત્ર રમાકાંતના ઘરે જ રહીશ અને આપ જ્યારે મને બોલાવશો ત્યારે તુરંત જ હાજર થઈ જઈશ." આટલું બોલીને એ ત્યાંથી રવાના થઈ ગયો એટલે બ્રિજેશ કુમારે શાંતાબેન ને પૂછ્યું, "તમારી તપાસ પૂરી થઈ ગઈ હોય તો હવે આપણે જવું પડશે અને જરૂર પડશે તો તમને પણ ફરી પાછા બોલાવીશું એટલે તમારે મુંબઈ ખાતે હજુ બે ત્રણ દિવસ સુધી રોકાવું જ પડશે." "પણ શું અમે અહીં જ આ ઘરમાં ન રોકાઈ શકીએ?". મનસુખભાઈએ પૂછ્યું. "ના સાહેબ, હવે આ ઘર અમારા કબજામાં હોવાથી અને જરૂર પડે તો અવારનવાર અહીં આવીને વધુ તપાસ કરવાની હોવાથી આપ અહીંયા નહીં રોકાઈ શકો." 

બ્રિજેશનો આ જવાબ સાંભળીને નિશિતાના પપ્પાએ પુછ્યું, "શું અમે આ સોસાયટીની સીસીટીવી ફૂટેજ જોઈ શકીએ છીએ અને સોસાયટીના પડોશીઓ સાથે ત્થા નિશિતાના પેલા ઓફિસ મિત્ર મન્સુર સાથે પણ વાતચીત કરી શકીએ છીએ?". તો બ્રિજેશ કુમારે જવાબ આપ્યો કે, "જો તમારે સોસાયટીનું સીસીટીવી ફૂટેજ જોવું હોય તો પાછા પોલીસ ચોકી આવવું પડશે અને અમે ઓલરેડી સોસાયટીના પડોશીઓ સાથે અને પેલા મન્સુર સાથે પણ નિશિતા અને રણજીત વિશે ઘણી બધી તપાસ કરી લીધી છે અને એ વિશે તમારે વધુ જાણવું હોય તો તમારે અત્યારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે." "ઠીક છે સાહેબ, તો ચાલો આપણે પાછા તમારી પોલીસ ચોકી એ જઈએ અને એ સીસીટીવી ફૂટેજ ફરી એકવાર જોઈ લઈએ" નિશિતાના મમ્મી પપ્પા એ સંમતિ દર્શાવી એટલે એ લોકો ફરી પાછા પોલીસ ચોકી જવા ઉપડી ગયા.‌ 

અહીંયા આવીને સોસાયટીનું સીસીટીવી ફૂટેજ બરોબર ધ્યાનથી જોઈ રહ્યા હતા ત્યારે નિશિતાના મમ્મી પપ્પા એક અલગ પ્રકારની મૂંઝવણ અનુભવી રહ્યા હતા. એ જોઈને ઇન્સ્પેક્ટર ઉજ્જવલ બોલ્યા, "આપ જોઈ ચૂક્યા છો કે રણજીતના કહેવા પ્રમાણે તારીખ 10 મી નવેમ્બર ની રાત્રે લગભગ ૮.૪૦ વાગે નિશિતા ઘરમાં આવી છે અને ત્યારબાદ રણજીત નો મિત્ર રમાકાંત પણ લગભગ 10:30 વાગે આવ્યો છે અને બીજે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે નિશિતા ઘરની બહાર જઈ રહી છે અને ત્યારબાદ રણજીત અને રમાકાંત પણ ૧૦.૦૦ વાગે એના ગામ જવા નીકળી રહ્યા છે જે એણે લખાવેલા નિવેદનની સંપૂર્ણપણે પુષ્ટિ કરે છે, તો આ વિશે તમારે કંઈક મૂંઝવણ હોય તો જણાવો". 

આ સાંભળીને મનસુખભાઈએ પ્રશ્ન કર્યો, "પણ સાહેબ અગર જો રણજીતે એમ કહ્યું હોય કે એ એનો બધો સામાન મોટી સૂટકેસમાં લઈને એના ગામમાં કાયમ માટે રહેવા જતો રહ્યો હોય તો અમારી તપાસ મુજબ એના ઘરમાં જે પણ કંઈ ઘરવખરીનો સામાન અને કબાટમાં પડેલા એના બધા કપડા અગાઉથી હતા એ બધા લગભગ એટલા જ છે અને રસોડામાં પણ ઘરવખરીનો સામાન પણ એમનો એમ જ છે. તો એ એટલી મોટી સૂટકેસમાં શું લઈ ગયો હશે, શું આ બાબત પર તમારૂ ધ્યાન નથી ગયું?"

*****

આ સાંભળીને ઉજ્જવલ સાહેબ બોલ્યા, "પણ તમને એ કઈ રીતે લાગ્યું કે એની ઘરવખરીનો સામાન અને એના બધા કપડા લગભગ એટલા જ છે જેટલા પહેલેથી જ હતા?" "કારણ કે, મનસુખભાઈ એ સ્પષ્ટતા કરી, "નિશિતાએ જ્યારે મુંબઈમાં એનું ઘર લઈને રણજીત સાથે રહેવાનું નક્કી કર્યું ત્યારે અમે એને વલસાડ બોલાવી હતી અને આમ નહીં કરવા માટે ખૂબ જ સમજાવી હતી પણ પછી એ પોતાની જીદ પર અડગ રહી એટલે અમારે નમતું જોખવું પડ્યું, એને ઘર વસાવવા માટે અહીંયા વલસાડથી જ મોટાભાગનો ઘરવખરી નો સર્વ સામાન અને રણજીત માટે પણ લગભગ ૧૦ થી ૧૨ જોડી નવા કપડા પણ એને અપાવ્યા હતા.‌ 

જોગાનુજોગ એ બધો જ સામાન એના રસોડામાં અને રણજીતના એ બધા કપડા એના કબાટમાં એમને એમ જ હતા, તો પછી એ કઈ રીતે કહી શકે છે કે એ એનો બધો સામાન લઈ ગયો?". મનસુખભાઈ ની આ વાત સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને પ્રશ્નાર્થ ચિન્હે એકબીજા સામે જોવા લાગ્યાં. "પણ ફક્ત આ જ એક માત્ર મુદ્દા ઉપર આપણે એને શકના ઘેરામાં કેવી રીતે લઈ શકીએ જ્યારે આપણે ખુદ જોયું છે કે નિશિતા ના ઘરમાંથી નીકળ્યા પછી રણજીત અને રમાકાંત એના ગામ જવા નીકળ્યા હતા અને રાત્રે લગભગ 10:30 વાગે નિશિતા જ્યારે વલસાડ ખાતે હતી ત્યારે રણજીત એના ગામ કાત્રજ માં જ હતો તો આપણે એ કઈ રીતે કહી શકીએ કે નિશિતા સાથે એણે કાંઈ ખોટું કર્યું હશે". 

ઉજ્જવલ સાહેબે પોતાની દલીલ રજૂ કરી.‌ "સાહેબ, એણે ભલે પોતે પ્રત્યક્ષપણે અમારી દીકરીનું અહિત નહીં કર્યું હોય પણ પરોક્ષ રીતે કરાવ્યું પણ નહીં હોય તેની શું ખાતરી છે તમારી પાસે?". શાંતાબેને ચોખવટ માંગી તો નંદિતાએ સામે પ્રશ્ન કર્યો, "પણ આપણે એની કયા કારણસર નિશિતાના ગુમ થવા વિશે ધરપકડ કરી શકીએ?". 

"સાહેબ, અમે એમ નથી કહેતા કે તમે એની ધરપકડ કરી સીઘો જેલમાં પૂરી દયો. કારણકે અમે પણ જાણીએ છીએ કે આ માટે તમારી પાસે કોઈ સજ્જડ પુરાવા હોવા જોઈએ. ફક્ત શકના આધાર પર તમે કાયદાનું ઉલ્લંઘન ન કરી શકો પણ ફરી પાછું અમારી આ વાતને લક્ષમાં રાખીને એક નવા એંગલ પરથી એને પૂછપરછ માટે તો બોલાવી શકો છો ને, અને એણે આપેલા બધા નિવેદનોને ફરી પાછા ખૂબ જ બારીકાઈથી ચકાસો તો કદાચ કોઈ સગડ મળી જાય ને?" 

નિશિતાના પ્રાધ્યાપક પિતા મનસુખભાઈ ની આ વાત સૌના ગળે ઉતરી ગઈ અને ફરી પાછું અંધારામાં એક વઘુ તીર મારવા ના આશયથી સબ-ઇન્સ્પેક્ટર બ્રિજેશ કુમાર અને સબ ઇન્સ્પેક્ટર નંદિતા સીધા રમાકાંતના ઘરે પહોંચી ગયા અને રણજીતને અને રમાકાંતને એની પેલી મોટી સુટકેસ સાથે પોલીસ ચોકીમાં લઈ આવ્યા. પોલીસ ચોકીમાં પહોંચ્યા બાદ સૌપ્રથમ બંનેના મોબાઈલ તેમના કબજામાં લઈ લીધા અને રમાકાંતની સુટકેશને પણ બારીકાઈથી તપાસ કરવા એક બીજી ટીમને સોંપીને એ બંનેને અલગ અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. એ દરમ્યાન એવું પણ નક્કી થયું કે રણજીતના ગામ કાત્રજ ની પોલીસને પણ આ કેસમાં સામેલ કરવી અને એના ઘરે જઈને એના ભાઈ અને ભાભીના પણ નિવેદનો નોંધવા અને રણજીતના અને રમાકાંતના આપેલા નિવેદનો સાથે સરખાવવાની કોશિશ કરવી.‌ પણ જો એ બંનેના નિવેદનોમાં કંઈ અજુગતું અથવા કંઈ શંકાસ્પદ લાગે તો એના ભાઈ ભાભીને પણ અહીંયા લઈ આવવા સુધીની કાયદાકીય તૈયારીઓ થઈ ગઈ. 

સૌપ્રથમ એમના કોલ રેકોર્ડ અને લોકેશન ટ્રેકનો રેકોર્ડ ને ફરી એકવાર ખૂબ જ ચીવટ પૂર્વક તપાસીને એ બંનેની ઉલટ તપાસ શરૂ કરી. . રણજીત ની પૂછપરછ ઉજ્જવલ સાહેબે અને રમાકાંતની પૂછપરછ ની જવાબદારી બ્રિજેશકુમાર અને નંદિતાએ ઉપાડી. ખૂબ જ વ્યવસ્થિત રીતે એ બંનેનું નિવેદન રેકોર્ડ કર્યું. થોડી વાર એ બંનેને રૂમમાં એકલા મૂકીને ઉજ્જવલ સાહેબ, બ્રિજેશ કુમાર અને નંદિતા એ બંનેવે આપેલા નિવેદના આધારે તર્કવિતર્કો કરતા રહ્યા. અને પોતાના અભિપ્રાયો નોંધતા ગયા. એ દરમ્યાન કાત્રજ પોલીસ ના પણ સતત સંપર્કમાં રહીને એમની પાસેથી પણ જરૂરી માહિતી મેળવતા રહ્યા અને એમને પણ અગત્યની સૂચનાઓ દેતા રહ્યા. લગભગ ત્રણ ચાર રાઉન્ડ અલગ અલગ રીતે એ બંનેની પૂછપરછ ચાલતી રહી. જોત જોતામાં રાત પડી ગઈ પણ વાત હજુ ચાલી જ રહી હતી. 

છેવટે ઉજ્જવલ સાહેબે રણજીતને અને રમાકાંતને પોતાની રૂમમાં બોલાવ્યા અને રણજીતને સંબોધીને ખૂબ જ વિનમ્ર ભાવે બોલ્યા, "મારા દોસ્ત રણજીત, તમારા બંનેની વાતો અમે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી અને તમારા આપેલા નિવેદનોને પણ અમે સરખાવ્યા અને હવે તને એ જાણીને પણ આનંદ થશે કે અમારી કાત્રજ ની કાબેલ પોલીસે પણ તારા ભાઈ ભાભી સાથે સત્સંગ કરી લીધો છે અને એમની પણ વાત સાંભળીને અમે એટલું તો જાણી જ ગયા છીએ કે નિશિતાના ગુમ થવા પાછળ તારો જ હાથ છે પણ આ કામ તે ખૂબ જ ચાલાકીથી અને એવા જડબેસલાક પ્લાનિંગ થી કર્યું છે કે તને સંપૂર્ણપણે ગુનેગાર પુરવાર કરવા માટે હજુ કેટલીક કડીઓ ખૂટી રહી છે. જો તું એ અમને પ્રેમપૂર્વક સ્વેચ્છાએ આપી દે અને તારો ગુનો કબુલ કરી લે તો અમારી શક્તિ અને સમય વેડફાશે નહીં, નહીંતર અમારી પાસે એવી એવી શક્તિઓ છે જેના થકી અમે પથ્થરને પણ પોપટની જેમ બોલતો કરી શકીએ એમ છીએ". 

ઉજ્જવલ સાહેબની આ મૂંઝવણ ભરી ધમકી સાંભળીને રણજીત અને રમાકાંત હતપ્રભ થઈ ગયા, "સાહેબ, અરે સાહેબ, આ તમે શું બોલી રહ્યા છો, અમને તો કાંઈ સમજાતું નથી. અમે જ તો નિશિતા ના ગુમ થવાની ફરિયાદ કરવા સામેથીઆવ્યા અને તમે જબરદસ્તીથી અમને જ ગુનેગાર ઠેરવવાની પેરવી કરી રહ્યા છો કે શું?". 

આ સાંભળીને ઉજ્જવલ સાહેબને થોડો ગુસ્સો તો જરૂર આવ્યો પણ હજુ ઘણી અગત્યની માહિતી રણજીત પાસેથી મેળવવાની હોવાથી એમણે પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો અને ફરી પાછો પ્રેમપૂર્વક રણજીત ને સવાલ પૂછ્યો, "ઓકે બેટા, તું ફક્ત અમને એટલું જ કહેશે કે મુંબઈથી કાત્રજ પહોંચવા માટે સાધારણપણે કેટલો સમય લાગતો હોય છે? ત્રણ કલાક, ચાર કલાક કે બસ તેથી વધુ?" 

આ પ્રશ્ન સાંભળીને પહેલા તો રણજીત મુંઝાયો પણ પછી પોતાની મૂંઝવણ પર કાબુ રાખીને એણે જવાબ આપ્યો કે, "સાહેબ, લગભગ ચાર થી પાંચ કલાક, કારણ કે મુંબઈથી પુના લગભગ ચાર કલાક અને પુના થી આગળ કાત્રજ લગભગ એક કલાક વધુ લાગે". "વેરી ગુડ". ઉજ્જવલ સાહેબે ખૂબ જ ઉત્સાહમાં આવીને સસ્મિત રણજીતની પીઠ થાબડી અને થોડુંક માર્મિક હસીને બોલ્યા, "તો પછી મારા દોસ્ત, 11મી નવેમ્બરે તમે સવારે 10:00 વાગે ઘરે થી નીકળ્યા તો ચાર કે પાંચ કલાક પણ લાગ્યા હોત તો તમે મોડામાં મોડું સાંજે ચાર થી પાંચ વાગ્યા સુધી તો પહોંચી શક્યા હોત પણ તમે તો રાત્રે ઠેઠ ૧૦ ૩૦ વાગે પહોંચ્યા, એમ કેમ બન્યું?" 

રણજીત જો કે થોડો મૂંઝાયો પણ પોતાના આત્મવિશ્વાસથી એણે જવાબ આપ્યો, "બસ એમ જ. અમે તે દિવસે ફરતા ફરતા જવાનો વિચાર કર્યો અને એટલે અમે મોડા પહોંચ્યા. રસ્તામાં ત્રણ ચાર જગ્યાએ સ્ટોપ કર્યો, ખાધું પીધું એટલે અમે મોડા પહોંચ્યા". 

આ સાંભળીને ઉજ્જવલ સાહેબે ભવા ચડાવ્યાં અને થોડાક ઉગ્ર સ્વરે બોલ્યા, "પણ ફરવા માટે "માલશેજ ઘાટ" થઈને જવાનો કેમ વિચાર આવ્યો?". આ સાંભળીને રણજીત અને રમાકાંત બંને અવાક્ થઈ ગયા. 

બે ક્ષણ માટે ચુપ રહ્યા અને શું જવાબ આપવો એ નક્કી નહીં કરી શક્યા એટલે ઉજ્જવલ સાહેબે ફરી પાછું ઉચ્ચાર્યું, "તમને કદાચ માલશેજ ઘાટની ભૌગોલિક રચના ની ખબર નહીં હોય તો સાંભળી લ્યો, માલશેજ ઘાટ એવા રૂટ પર છે જે તમે મુંબઈથી પૂણે જતા લઈ શકો છો, પરંતુ તે સૌથી સીધા અથવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રૂટ નથી. મુંબઈ થી પુણે જવાનો સૌથી સીધો માર્ગ મુંબઈ-પુણે એક્સપ્રેસવે દ્વારા છે. પુણે જતા તમારા માર્ગ પર માલશેજ ઘાટની મુલાકાત લેવા માટે તમને મુંબઈથી કલ્યાણ તરફ જવું પડે, પછી મુરબાડ તરફનો રસ્તો લેવો જોઈએ. માલશેજ ઘાટની મુલાકાત લીધા પછી, તમે પુના તરફ આગળ વધી શકો છો પણ તે એક્સપ્રેસવેની તુલનામાં વધુ સમય લે છે. તો તમે એ રૂટ પરથી શા માટે ગયા? અને ત્યાં લગભગ બે કલાક નું રોકાણ કેમ કર્યું"?. "અમે બસ ત્યાં થોડું ખાધું અને પીધું". રણજીતના આ જવાબની સામે વધુ એક ધારદાર પ્રશ્ન ઉજ્જવલ સાહેબ પાસે તૈયાર જ હતો, " સૌપ્રથમ તો તમે "માલશેજ ઘાટ" પાસે એવી જગ્યાએ બે કલાક રોકાયા કે ત્યાં કોઈ પણ નાનું કે મોટું ધાબુ કે રેસ્ટોરન્ટ જ નથી તેથી ખાવા અને પીવા માટે તમે એક્સપ્રેસ વેના બીજા ટોલનાકા પછી વધુ એક કલાક ઊભા રહ્યા હતા, બોલો, સાચું કે ખોટું?" 

હવે કોણ જાણે પણ કેમ રણજીતના હાવ ભાવ બદલાઈ રહ્યા હતા અને ચહેરા પર સતત તાણ વર્તાઈ રહી હતી. પણ ઉજ્જવલ સાહેબ હવે ફૂલ તૈયારી સાથે એમના પ્રશ્નોની જડીઓ વરસાવી રહ્યા હતા, "ભાઈ રણજીત, અમને હમણાં એ પણ ખુશ ખબર મળ્યા કે તમારા મોટાભાઈ અવિનાશભાઈ પણ તમને માલશેજ ઘાટ પર જોડાઈ ગયા હતા, ખરુંને? પણ શા માટે એવો તમને ઠેઠ માલશેજ ઘાટ સુધી મળવા લાંબા થયા, નહિતર પણ તમે તો રાત્રે એમને મળવાના જ હતા, તો પછી માલશેજ ઘાટ સુધી આવવાનું કોઈ ખાસ કારણ કે કોઈ પૂર્વયોજિત કાવતરું હતું તમારું?". 

હવે રણજીતની સહનશક્તિ એની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ અને ખૂબ જ ઉગ્ર સ્વરે બોલી ઉઠ્યો, "માફ કરજો સાહેબ, તમે આ બધું કહી ને અમને જબરદસ્તીથી આ ગુનામાં સંડોવવાની કોશિશ કરી રહ્યા છો, કારણ કે તમને અસલી ગુનેગારની કોઈ માહિતી નથી મળી રહી એટલે મારા પર બધા આરોપો લગાવી રહ્યા છો." છેલ્લા 25 વર્ષથી એક અતી ઈમાનદાર પોલીસ ઓફિસરની છબી ધરાવતા ઇન્સ્પેક્ટર ઉજ્જવલ સાહેબ માટે આટલું જ સાંભળવું પૂરતું હતું. એટલે તેમણે રણજીતને એની ખુરશી પરથી ઉભા થવા જણાવ્યું અને પછી પોતે પણ પોતાની ખુરશી થી ઊભા થઈને બહાર આવ્યા અને રણજીત ને સીધો ઉભો રાખીને સૌપ્રથમ તો એના બંને ખભા પર પ્રેમથી હાથ મૂક્યો, થોડાક પાછળ ગયા, એક ચોક્કસ જગ્યા બનાવી, પછી પોતાના રોમે રોમમાં વ્યાપી રહેલા ગુસ્સા પર કાબૂ ગુમાવી સમગ્ર તાકાત લગાવીને રણજીતના ચહેરા પર એક સણસણતો તમાચો ચોડી દીધો. આ તમાચા નો આવેગ એટલો બધો વ્યાપક હતો કે સૌપ્રથમ તો રણજીત પોતાની જગ્યાથી કમસેકમ ત્રણ ફૂટ દૂર ફંગોળાયો. એના ગાલ પર ઉજ્જવલ સાહેબની પાંચેય આંગળીઓના નિશાન ઉપસી આવ્યા અને એનો સપાટો એટલો બધો પીડાદાયક હતો કે રણજીત ને લગભગ તમ્મર જ આવી ગયા અને મોઢામાંથી લોહી ની ધારા વહેવા લાગી.

*********

આ બાજુ રમાકાંત પણ એટલો બધો ડઘાઈ ગયો કે અનાયાસ એ પોતાની ખુરશી પરથી એકદમ ઉભો થઈ ગયો અને ઉજ્જવલ સાહેબને પોતાની તરફ આવતા જોઈને ભયથી થર થર ધ્રુજવા માંડ્યો. હવે ઉજ્જવલ સાહેબ બિલકુલ એની સન્મુખ આવ્યા અને બોલ્યા, "ચાલ, સારું થયું કે તું જાતે જ ઉભો થઈ ગયો છે તો હવે જાતે જ બોલી નાખ કે સત્ય શું છે?". પણ રમાકાંત કાંઈ બોલી શકે એવી પરિસ્થિતિમાં જ ન હતો, એ તો ફક્ત પોતાની બંને આંખો પ્હોળી કરીને ઉજ્જવલ સાહેબને એકીટસે જોઈ જ રહ્યો.‌ એટલે ઉજ્જવલ સાહેબનો પિત્તો ગયો અને બોલ્યા, "રમાકાંત, અત્યારે તો તે ફક્ત મારો ગુસ્સો જ જોયો છે, હવે મારું તાંડવ પણ જોવું છે કે તારે?" તો પણ રમાકાંત હજુ ચૂપ જ છે. એટલે ઉજ્જવલ સાહેબે ત્રાડ નાખી, "બ્રિજેશ, જા, મારો લોખંડનો સળીયો લઈ આવ. લાગે છે કે આ આટલું સહેલાઈથી નહીં બકે". અને થોડીક ક્ષણમાં જ બ્રિજેશકુમાર એક ધારદાર અણી વાળો લાંબો લોખંડનો સળીયો લઈ આવ્યો અને ઉજ્જવલ સાહેબના હાથમાં પકડાવી દીધો.‌ એટલે ઉજ્જવલ સાહેબે એને રમાકાંતની સામે ધરી દીધો અને બોલ્યા, "હવે જો તેં મને વધુ તપાવ્યો છે ને તો આ સળિયાને તપાવીને તારા શરીરની એવી એક ખાસ જગ્યાએ નાખીશ કે તું પછી કાંઈ બોલી જ નહીં શકે માત્ર ચિસાચીસ જ કરીશ." એમ કહીને બ્રિજેશ કુમારને આદેશ આપ્યો, "બ્રિજ, ચલ એને રૂમમાં લઈ જા અને આ સળિયાને ગરમ કરવા મુક". 

આ સાંભળીને થરથર કાંપી રહેલો રમાકાંત પોતાની થોથવાતી જીભ થી ફક્ત એટલું જ બોલ્યો, "ના, ના, સાહેબ ના, પ્લીઝ મારી સાથે આવું નહીં કરતા, મેં કાંઈ જ નથી કર્યું". આટલું સાંભળીને ઉજ્જવલ સાહેબ ના આક્રોશમાં થોડી નરમાશ આવી અને રમાકાંતને પૂછ્યું, "ઓકે, તો તે શું કાંઈ નથી કર્યું?" ફરી પાછું રમાકાંત બોલ્યો, "હું સાચું જ કહું છું સાહેબ કે મેં કાંઈ નથી કર્યું". 

"અચ્છા, તો તું જાણે જ છે કે કાંઈ થયું છે પણ તે નથી કર્યું, બરોબર? ઉજ્જવલ સાહેબના આ ગુગલી બોલ પર રમાકાંત "કલિ્ન બોલ્ડ" થઈ ગયો, "હા સાહેબ મેં કાંઈ નથી કર્યું". "તો હવે સીધેસીધો કહે કે શું થયું છે નહીંતર પછી આ સળિયા ને સીધે સીધો જવા દઉં તારા શરીરમાં ?" આટલું કહીને ઉજ્જવલ સાહેબે જેવો એ સળીયો એના તરફ ઉગામ્યો કે રમાકાંત એકદમ બોલી ઉઠ્યો, "નિશિતાનું ખૂન મેં નથી કર્યું સાહેબ". અને આ સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા. આખા કેબિનમાં સોંપો પડી ગયો. નિશિતાના મમ્મી થી ચીસ પડાઈ ગઈ, "ઓહ માં" અને આટલું કહીને એ પોતાની ખુરશી પર ફસડાઈ ગયા. પણ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર ઉજ્જવલ સાહેબે રમાકાંતને ગળેથી પકડ્યો અને બોલ્ય, "તો કોણે કર્યું છે નિશિતાનું મર્ડર"?

આ બાજુ રણજીત ને થોડી કળ વળી. એ જેવો ઉભો થવા ગયો કે તરત જ બ્રિજેશ કુમારે એને ટેકો આપીને હળવેકથી ઊભો કર્યો.‌ ડગમગતા પગલે ચાલીને નતમસ્તક એ ઉજ્જવલ સાહેબ સમક્ષ ઉભો રહ્યો અને ધીરેથી બોલ્યો, "જી સાહેબ, મેં જ નિશિતાનું મર્ડર કર્યું છે". "ઓહો, અચ્છા, એમ? તો હવે આરામ થી બેસ અહીંયા અને સંભળાવ તારા આ કાંડની કર્મ કહાની, તારી જુબાની, ચલ બોલવા માંડ ત્યાં સુધી તારા ભાઈ અને ભાભી પણ અહીંયા આવી પહોંચશે". 

"સાહેબ", રણજીતે ધીમા સ્વરે બોલવાનું ચાલુ કર્યું, "હું અને નિશિતા છેલ્લા બે વર્ષથી લિવિંગ રિલેશનશિપમાં એના ફ્લેટ ઉપર સાથે રહી રહ્યા હતા. લગભગ દોઢ વર્ષ સુધી બધું બરાબર ચાલે જતું હતું પણ છેલ્લા છ મહિનાથી એણે એના મમ્મી પપ્પા ના કહેવાથી મારા ઉપર લગ્ન કરી લેવા વારે ઘડીએ દબાણ કરવાનું ચાલુ કર્યું.‌ જો કે મેં એને ઘણી સમજાવી કે મારે હજુ મારા આ રિયલ એસ્ટેટ ના ધંધામાં સ્થિર થવું જરૂરી છે અને અત્યારે આ કામમાં ખૂબ મંદી પણ ચાલી રહી છે.‌ તેમ છતાંય એણે સતત મને આ વાતથી મારા માનસિક તણાવમાં વધારો કરે જ રાખ્યો. પણ પછી એનું મારા તરફનું વલણ પણ ધીરે ધીરે બદલાવવા લાગ્યું. એ મને થોડી થોડી અવોઈડ કરી રહી હોય એવું પણ મને લાગવા લાગ્યું. પછી મેં એક દિવસ એના ઓફિસેથી એનો પીછો કર્યો ત્યારે ખબર પડી કે એની ઓફિસમાં કામ કરતા પહેલા મન્સુર સાથે એની મિત્રતા અને લાગણીઓ વધવા માંડી છે.‌ એ લોકો અવારનવાર ઓફિસના કામના બહાને બહાર જવા લાગ્યા અને એક દિવસ એ લોકો ઓફિસના સ્ટાફ સાથે પિકનિક જવાના બહાને બે રાત ક્યાં બહારગામ પણ ફરી આવ્યા હતા. આ બધું જાણીને હું ખૂબ જ વ્યથિત થઈ ગયો. ખૂબ જ નિરુત્સાહી અને હતાશ રહેવા લાગ્યો.‌અને ધીરે ધીરે દારૂની લત તરફ પણ વળવા માંડ્યો. જોકે મારી આવક એટલી બધી નહોતી કે રોજ બીયર બારમાં જવું મને પરવડે એટલે મેં નિશિતા પાસેથી પણ બળજબરી પૂર્વક પૈસા લેવાનું ચાલુ કર્યું અને ઘણીવાર નશામાં ઘરે આવીને એની સાથે ઝઘડો અને એને મારપીટ પણ કરવાનું ચાલુ કર્યું. પણ પછી 10 નવેમ્બર ની રાતે જાણે એણે મારી સાથેના બધા સંબંધોનો અંત કરવા માટેની બધી તૈયારી કરી લીધી હોય એવું મને લાગ્યું જ્યારે હું એની રાહ જોતો. મારા ઘરની બારી પાસે ઉભો હતો ત્યા મેં જોયું કે નિશિતા એક ટેક્સીમાંથી ઉતરી અને એની સાથે આવેલો પેલો મન્સુર એનો હાથ પકડીને અમારી સોસાયટીના ગેટ સુધી મૂકી ગયો જે ત્યાં ઉભેલા દરેક લોકોએ બરોબર નોટિસ કર્યું. આ રીતે સોસાયટીના લોકો સામે મારી આબરૂના ધજાગરા ઉડતા જોઈને મને મારા ગુસ્સા પર કાબૂ ના રહ્યો. અને એ જેવી ઘરમાં આવી કે મેં એને પહેલા ધક્કો મારીને સોફા ઉપર પછાડી દીધી અને એ વાતનો ખુલાસો માંગ્યો કે એના અને મન્સુર વચ્ચે શું રંધાઈ રહ્યું છે. તો ત્યારે પણ એણે પહેલા તો કબુલ નહીં કર્યું પણ પછી જ્યારે અમારો ઝઘડો એકદમ વધી ગયો ત્યારે એણે મને સ્પષ્ટ રૂપે કહી દીધું કે એ હવે મારી સાથે રહેવા નથી માંગતી અને મન્સુર સાથે લગ્ન કરીને કાયમ માટે એની સાથે સ્થિર થવા માંગે છે. બસ આ સાંભળીને હું મારું માનસિક સંતુલન ગુમાવી બેઠો. અને મેં એને કહી દીધું કે અગર જો તું મારી નહીં થઈ શકે તો હવે કોઈની પણ નહીં થઈ શકે. તેમ કહીને મેં એનું ગળું દબાવી દીધું અને ત્યાં સુધી દબાવી રાખ્યું જ્યાં સુંધી એ નિશ્ચેતન બનીને જમીન પર ઢળી નહીં પડી. પણ પછી એને એ દશામાં જોઈને થોડીવારમાં જ મારો ગુસ્સો એકદમ ઉતરી ગયો અને મને એ અહેસાસ થયો કે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે મેં તરત જ આ મારા મિત્ર રમાકાંતને ફોન કરીને એને બધી વાત કરી દીધી અને મને આ કાંડથી બચાવવા માટે મદદ કરવાની વિનંતી કરી." પણ ત્યાં જ ઉજ્જવલ સાહેબ વચ્ચે બોલી ઉઠ્યા, "અરે, એ કેવી રીતે શક્ય બને કારણ કે બીજે દિવસે સવારે તો નિશિતા બહાર જતી દેખાય છે". "સાહેબ એ નિશિતા ન હતી, એ દિપાલી હતી". 

રણજીત ની આ વાત સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. "કોણ દિપાલી?". 

નંદિતાનો આ પ્રશ્ન સાંભળીને રણજીતે આગળ ચલાવ્યું, "દિપાલી રમાકાંતની ગર્લફ્રેન્ડ છે. મેં જ્યારે રમાકાંતને ફોન કરીને મારા આ કાંડની બધી વાત કરી અને મને એમાંથી બચાવી લેવા માટે વિનંતી કરી ત્યારે એ દિપાલી પણ એની સાથે જ હતી. એટલે એણે પણ આખી વાત ધ્યાનથી સાંભળી અને પછી અમે ત્રણેય જણાયે મળીને એક યોજના બનાવી કે નિશિતાની લાશને એવી જગ્યાએ મૂકી આવવી જોઇએ કે જેથી કરીને કોઈને બિલકુલ ખબર જ ન પડે કે એ ક્યાં ગઈ હશે". 

હવે બ્રિજેશ કુમારે પૂછ્યું, "પણ દિપાલી ઘરમાં આવતા ક્યાંય દેખાય જ નથી તો એ કેવી રીતે બને?". 

"દિપાલી ઘરમાં આવતા એટલા માટે ન દેખાઈ કારણ કે એ રમાકાંતે પોતાની સાથે લાવેલી સુટકેસમાં પુરાઈને આવી હતી". "ઓ માય ગોડ". લગભગ બધાના મોઢામાંથી આ ઉદગાર સરી પડ્યા.‌ 

પણ પછી ઉજ્જવલ સાહેબ બોલ્યા, "ઓકે, ઓકે, હવે મને બધું સમજાઈ ગયું‌ કે તે દિવસે સવારના સાડા સાતે દિપાલીએ નિશિતાના કપડા પહેરીને એનો મોબાઈલ લઈને એની સ્કુટી ઉપર બાંદ્રા ટર્મિનસ જવા રવાના થતા પહેલા નિશિતાના મોબાઈલથી મન્સુરને અને એના ઓફિસના મેનેજરને મેસેજ કર્યો. અને એક ઈરાદાપૂર્વક બાંદ્રા ટર્મિનસ થી ઉપડતી મુંબઈ સુરત એક્સપ્રેસ ટ્રેનના અન-આરક્ષિત ડબ્બામાં બેસી ગઈ કારણ કે એ જાણતી જ હતી કે જેવો મન્સુર ને એનો મેસેજ મળશે કે તરત જ એને ફોન કરશે, એટલે એણે મન્સુર સાથે વાત કરીને એ વાતની પુષ્ટિ કરી કે નિશિતા હજુ જીવિત જ છે અને એ સાચે જ વલસાડ જઈ રહી છે". 

"જી સાહેબ, અમારે કોઈ પણ પ્રકારે એવું સાબિત કરવું હતું કે અમે જ્યારે નિશિતાની લાશને સૂટકેસમાં ભરીને બહાર નીકળ્યા ત્યારે દિપાલીના રૂપમાં નિશિતા જીવતી જ હતી એટલે એના ગુમ થવા પાછળ અમારો કોઈ હાથ ન હતો. પછી મેં મારા મોટા ભાઈને ફોન કરીને આખી વાત જણાવી દીધી અને એમને પણ આ લાશ ને ઠેકાણે પાડવા માટે કોઈ રસ્તો સુઝાડવા વિનંતી કરી.‌ તો મારા ભાઈએ અમને સીધા માલશેજ ઘાટ પાસે એક એવી જગ્યાએ બોલાવ્યા જ્યાં નું વાતાવરણ સંપૂર્ણપણે જંગલ જેવું જ હતું અને ત્યાં કોઈની વિશેષ અવરજવર પણ નહોતી થતી.‌ અમે ત્યાં પહોંચ્યા ત્યારે મારા ભાઈએ એના ગામના બે મજૂરોને તૈયાર જ રાખ્યા હતા, અમે જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે એ જગ્યાએ એક બહુ મોટો ખાડો ખોદવાનું શરુ કરી દીધું. ખાડો સંપૂર્ણપણે ખોદાઈ ગયા પછી અમે નિશિતાની લાશને એમાં દાટી દીધી જે કરતા અમને લગભગ બે કલાકનો સમય ગયો. બસ પછી અમે રાત્રે ભાઈ ના ઘરે પહોંચી ગયા અને બીજે દિવસે સવારે રમાકાંત પણ મુંબઈ જવા રવાના થઈ ગયો". 

રણજીત ની કબુલાત પૂરી થઈ એટલે નિશિતાના મમ્મી પપ્પા ભાંગી પડ્યા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. નિશિતાનો એક ખોટો નિર્ણય અને પોતાના મા-બાપની સલાહ ન માનવાની ભૂલ એને આટલી હદે ભારી પડશે એવી કોઈએ કલ્પના પણ ન કરી હતી. અને એના દુષ્પરિણામ સ્વરૂપે એક આશાસ્પદ યુવતીની પ્રેમ કહાની ના દુઃખદ અંત નું કારણ બન્યું એની ખોટી સંગત.

Writer – Shharad Maniyar (પુણે મહારાષ્ટ્ર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post