મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૩)
આશાએ એક ડોક્ટર સાથે પોતાની સગાઇ થઈ ગઈ છે એવું યશુને જણાવ્યું. જે ડોક્ટર સાથે સગાઇ થઈ છે તેણે પીજી અમેરિકા જઇને કરી લીધેલું છે. એ કાર્ડીઓલોજીસ્ટ છે અને અમેરિકાથી ટૂંક સમયમાં આવી રહ્યા હોઇ આશા એમને સાથે લઈને આવી શકી નથી એવો ખુલાસો કરતાં યશુને કહ્યું: "અમે બન્નેએ એકબીજાનાં બાયોડેટા અને ફોટા જોઇને પસંદ કરેલ છે."
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"એનાં પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ એકબીજાને સારી રીતે ઓળખે છે એટલે બન્ને પક્ષેથી હા છે. એ જ્યારે આવશે ત્યારે અમે એકબીજાને મળીશું ત્યારે વધુ પરિચય થશે."
"એનું નામ તો કહ્યું નહીં?" યશુ બોલી.
"રાજેશ નામ છે." આશાએ કહ્યું.
"ડો. રાજેશ બોલ!"
"હા, ભૂલ થઈ!" આશાએ શરમાઇને કહ્યું.
"એ જ્યારે આવે ત્યારે અમારી મુલાકાત કરાવીશ ને?"
"તે કરાવવાની જ હોય ને, દીદી! એણે એક પ્લોટ પર હોસ્પીટલ પણ બનાવી રાખી છે. અહીં આવ્યા પછી શરૂ કરશે; રહેવાનું પણ ત્યાં જ, હોસ્પીટલનાં જ બિલ્ડીંગમાં. આપણાં કરતાં બહુ જ સધ્ધર પાર્ટી છે, દીદી!"
"સરસ, તારેય હવે એ હોસ્પીટલમાં સેવા આપવાની ને?"
"હજી મને એવું જણાવ્યું નથી. પણ અમે એકજ ફિલ્ડમાં છીએ તેથી એ મને કહેશેજ્ને? એવું થશે તો તારી ડીલીવરી પણ ત્યાંજ અને હું જ કરીશ હોં, દીદી?"
"પણ તને ખબર છે, આશા? મારે ટ્વીન્સ છે!"
"અરે વાહ! ભગવાને તને એટલાં માટે ટ્વીન્સ આપ્યા છે કે તું એકલા હાથે બેયનો ઉછેર કરે એવી શક્તિ છે તારામાં. અને માત્ર શક્તિ જ નહીં, પ્રેમ પણ તારામાં ઠસોઠસ ભગવાને ભર્યો છે, તે તારાં બેય બાળકના નસીબમાં લખ્યો હશેને, દીદી!"
"અરે હા આશા, તું જ્યારે રાજેશને મળે ને ત્યારે તારા એફેર્સવાળી વાત પૂરેપૂરી એને જણાવજે, હોં? એનાથી કંઇ છાનું રાખીશ નહીં, મારા રામજી ઉપર વિશ્વાસ રાખજે. બધું સારું જ થશે." યશુની આટલી વાત સાંભળીને આશા ત્યાંથી વિદાય થાય છે.
યશુના સીમંતની તારીખ નજીક આવી ગઈ. મધુબા ઉપરાંત એક બીજી બાઇને રસોઇના કામે સુમિતે રાખી લીધેલી, જેથી યશુ એનાં જન્મનાર બન્ને બાળકોની પૂરી કાળજી રાખી શકે.
રાતે સૂતી વખતે સોનુ યશુનાં પેટ ઉપર હાથ રાખીને એની ભાષામાં પૂછે છે: "મમ્મા! તને આ શું થયું છે? તારું પેટ કેમ ફુલી ગયું છે? તને દુખતું નથી?"
યશુ વહાલથી સોનુને એની છાતીએ વળગાડે છે, ને કહે છે: "ના દીકુ, મને જરાય દુખતું નથી, આમાં તો, બે નાનાનાના બાઉ છે ને એટલે પેટ ફુલી ગયું છે!"
"પણ મમ્મા, બાઉ પેટમાં શું કરતું હોય? બહાર કેવી રીતે આવશે?"
"તું હાથ અડાડી જો. તને લાગશે કે બાઉ અંદર રમે છે!"
"પણ એને બહાર કાઢ ને, મમ્મા! મારે જોવું છે."
"એ આપણાંથી ના નીકળે, દીકુ! ડોક્ટરથી જ નીકળે!"
"દાક્તર કેવી રીતે કાઢશે?"
"દાક્તર પેટને ચીરીને બહાર કાઢે, ને પછી પેટને સાંધી પણ ધ્યે."
"મમ્મા, મનેય તારા પેટમાંથી દાક્તરે ચીરીને બહાર કાઢેલો? તને વાગ્યું નો'તું, મમ્મા?"
"હાસ્તો! તનેય મારા પેટમાંથી એવી રીતેજ કાઢ્યો'તો, પણ મનેય જરાય વાગ્યું નો'તું. ને તનેય વાગવા નો'તું દીધું, દીકુ!"
"મમ્મા, પછી તું તારી જોડે મને સૂવાડીશ કે બાઉને? હું તો તારી જોડે જ સૂઇશ મમ્મા, હોં? બાઉને તારી જોડે નહીં સૂવાડેને? મનેજ સૂવાડીશને?"
"અને પછીતો મારી જોડેજ આ બાજુ મારો સોનુ સૂશે ને બીજી બાજુ બેય બાઉ સૂશે, બરાબરને?"
હા..હા..હા.. કરતો હસતો સોનુ મમ્મીની વાતથી ખુશ થઈ ગયો ને યશુએ એને પંપાળીને સૂવડાવી દીધો.
સોનુ સૂઇ ગયો એટલે સુમિત યશુની સાવ લગોલગ આવીને સૂતો અને યશુને પૂછ્યું: "યશુ, તું શું ઇચ્છે છે? બેય છોકરાં કે છોકરીઓ કે પછી, એક છોકરો ને એક છોકરી?"
"સુમિત, ભગવાન જે આપશે એને હું પ્રસાદ સમજીશ. મારે મન તો જે હશે તે મને ગમશે. પણ, તારી શું ઇચ્છા છે, સુમિત?"
"હું તો એટલીસ્ટ એક છોકરી ઇચ્છું છું, તારા જેવી રૂડીરૂપાળી અને તારા જેવીજ મુખાકૃતિવાળી!"
"તારી ઇચ્છા ફળે એ માટે હું મારા શ્રી રામને અને મારી મા સીતાનેય પ્રાર્થના કરું છું."
યશુ સુમિત માટે પૂરા આદર-માન ધરાવતી હોવાથી પતિપરમેશ્વર તરીકે સવારે ઊઠતાં કાયમ સુમિતના ચરણસ્પર્શ કર્યા પછીજ બીજાં કામ હાથ પર લેતી.
અરે એ તો ઠીક, પણ ભગવાનને દીવા અગરબત્તી પણ પછી જ કરતી તેમ છતાં આજે એને એ વાતનો પણ ગર્વ થતો'તો કે સુમિત પણ મને કેટલો બધો પ્રેમ કરે છે!
સુમિત એનાં ભાવિ સંતાનમાંય મને જ જોવા તલસે છે! વાહ, સુમિત! તેં મારા જીવનને ધન્ય બનાવી દીધું છે. હે ભગવાન, ભવેભવ મારા પતિ તરીકે સુમિત જ મને મળે એવી મારી પ્રાર્થના સાંભળજે!
યશુનું સીમંત આવી પહોંચ્યું. એ પ્રસંગે ખૂબ ધામધૂમ કરી. એની મહેમાનગતિ કરનારા પણ સૌ યશુને દિલથી શુભેચ્છાઓ પાઠવતા હતા. પણ આશા ક્યાંય જોવામાં ન આવી.
આશા કેમ નહીં આવી હોય? એની સગાઇ થવામાં કોઇ વિઘ્ન તો નહીં આવ્યું હોયને? નહીંતર, એ આવ્યા વગર રહે નહીં!
એવા વિચારોમાં ડૂબેલી રહેતી યશુની ચિંતા ભગવાને સાંભળી હોય એમ, આશા એકદમ અચાનક આવી પહોંચી.
સીમંતમાં નહીં આવી શકવા માટે એણે કારણ બતાવ્યું કે બરાબર એ જ દિવસે અને એ જ ટાઇમે મારી અને ડો. રાજેશની પ્રથમ મુલાકાત ગોઠવાઇ હતી. મારાથી એમાં ફેરફાર થઈ શકે એમ નહોતો.
એમના આગ્રહથી અમારાં બન્નેની સગાઇ અને તરત જ ઘડીયાં લગ્ન પણ સાદગીપૂર્વક થઈ ગયા છે! બન્ને પક્ષેથી ગણ્યાંગાંઠ્યાં માણસોની હાજરી હતી.
મમ્મી-પપ્પાને તો ધામધૂમ કરવી'તી, પણ છેવટે સંમત થઈ ગયેલાં. તને ને સુમિતસરને બોલાવવાની ખૂબ ઇચ્છા, છતાં સોરી દીદી, અમે તમારા વગર લગ્ન કરી લીધાં છે.
રાજેશની ઇચ્છા જલ્દી હોસ્પીટલ શરૂ કરવાની છે અને તે પહેલાં લગ્ન કરી લેવાની હતી. અમે પછીથી લગ્નની પાર્ટી રાખવાનાં છીએ અને એમાં સૌથી પહેલાં દીદી તને ને સરને આમંત્રણ આપીશું.
અત્યારે તો હું ખાસ હેતુથી આવી છું, ત્રણ દિવસ પછી ડો. રાજેશની હોસ્પીટલ શરૂ થવાની છે અને એમાં હાજરી આપવાનું આમંત્રણ આપવા જ આવી છું.
રાજેશ પણ તારા ઘેર મારી સાથે આવવાનાં જ હતા, પણ બીજે એમનાં અમુક ખાસ ફ્રેન્ડ્સ ને આમંત્રણ આપવા એમને જ રૂબરૂ જવું પડે તેમ હતું, ટાઇમ હતો નહીં, એટલે હું એકલી જ અહીં આવી.
"ચલો, સારું થયું તું પણ પરણી ગઈ. અમને એ વખતે બોલાવી નથી શકી તો તારી મોટીબેનના નાતે તને હું માફ કરું છું, બસ! અને તમારી હોસ્પીટલના ઉદ્ઘાટનમાં ચોક્કસ આવીશું પણ ખરા, બરાબર? રાજીને?"
"હા, દીદી, થેંકયુ."
યશુ સોનુને લઈને સુમિત સાથે આશાની હોસ્પીટલના પ્રારંભમાં આયોજિત પ્રસંગમાં ઉપસ્થિત થઈ; આશાએ ડો. રાજેશને બન્નેની ઓળખાણ કરાવી.
ડો. રાજેશે સ્માઇલ સાથે આવકાર આપ્યો અને કહ્યું: "મેડમ, તમારી ઘણી બધી વાતો મને આશાએ કરી છે, આશા તમને ખૂબ ચાહે છે; તમને માત્ર બેસ્ટફ્રેન્ડ નહીં, પણ મા તુલ્ય ગણે છે."
"કદાચ મને ચાહે છે એના કરતાંય વધુ એ તમને ચાહે છે! તમારા પ્રત્યેની એની ચાહના જોઇને, સાંભળીને મેં મનોમન તમારી જે સુંદર કલ્પના કરેલી એનાં કરતાંય તમે અધિક સુંદર છો, મેડમ!"
"થેંક્યુ, ડો. રાજેશ. હું અને આ મારા હસબન્ડ, અમે બન્ને આશાને જેટલી ચાહીએ છીએ એટલી તમે ચાહશો ને? એનું તન જેટલું સુંદર છે એટલું એનું મન પણ સુંદર છે."
"આશાને મારી બેજોડ સખી ગણો કે મારી બહેન કે દીકરી ગણો, જે ગણવું હોય તે ગણજો, પણ એને તમે ભરપૂર પ્રેમ આપશો અને બન્ને જણ એકમેકમાં એકરૂપ થઈને રહેશો એ જ આ પ્રસંગે અમારી શુભેચ્છાઓ માનજો!"
"ચોક્કસ. આશા કહેતી'તી કે તમારા બાળકની પ્રસૂતિ એના જ હાથે, આ આપણી હોસ્પીટલમાં કરવાની છે; એ પ્રસૂતિવિજ્ઞાનનું જ ભણી છે; એનું પહેલું કામ જ તમારા બાળકની પ્રેગનન્સીનું કરશે."
"ત્યાં સુધી એ અહીં હોસ્પીટલે મારી સાથે સેવામાં જોડાયેલી રહેશે. પણ, એનાં ક્ષેત્રમાં એક્ચ્યુઅલ કામની શુભ શરૂઆત એ તમારાથી જ કરશે."
"એ તમને એક દેવી તરીકે પણ માને છે એટલે એની ઇચ્છાને માન આપીને પ્રસૂતિ ટાઇમે અહીં જ આવતા રહેશો. અમારા માટે એ શુભ અવસર ગણાશે ને બાળકના જન્મને અહીંયાં આપણે સૌ સાથેજ ઉત્સવ તરીકે ઊજવીશું."
"થેંક્યુ સર. અમે હવે અહીં સિવાય બીજે જઇએ પણ નહીં!"
"રાજેશ, હું મારી દીદીની ડીલીવરી તો કરાવીશ, પણ એને ટ્વીન્સ છે એ બન્ને જોડીયાં બાળકોને... પેલું શું કહેવાય......? હા, ગળથુંથી એ પણ હું જ પીવરાવીશ!"
"એમ કહેવાય છે કે જે ગળથુંથી પીવરાવે, બાળક એના જેવું થાય! મારી યશુદીદીને તો હું બહું જ વહાલી છું તેથી એનાં બાળકો મારા જેવા થાય એમાં દીદી કેટલી રાજી થાય!?"
"હા, તારેજ ગળથુંથી પીવરાવવાની છે." યશુએ આશાને સપોર્ટ કરતાં કહ્યું.
સુમિત અને ડો. રાજેશ, વાતોમાં મગ્ન હતા; હોસ્પીટલમાં ધીમેધીમે જુદાંજુદાં નિષ્ણાંતોની કન્સલ્ટન્સી સેવા અને બેડની સંખ્યામાં વધારો કરવાનું પણ પ્લાનીંગ છે એવું રાજેશે સુમિતને જણાવ્યું.
ત્યારે સુમિતે આનંદ વ્યક્ત કર્યો: "તોતો બહુજ સરસ, સાહેબ! અમારે બીજે ક્યાંય જવાની જરૂર તો ન પડે!"
આામ, સુમિત અને રાજેશ વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો એટલે યશુ આશાને સહેજ આઘે લઇ ગઇ અને પૂછ્યું: "તેં પછી તારા ફર્સ્ટ અફેરની વાત રાજેશને કરી કે નહીં? ના કરી હોય તો વહેલીતકે કરી દેવાની. કશુંય છૂપાવવાનું નહીં."
"દીદી હજી એ વાત કરવાની બાકી છે, પણ તારા સૂચન મુજબ હું તક મળ્યે હિંમતપૂર્વક વાત કરી દઇશ. એ પછી તને જાણ પણ કરીશ. ચિંતા નહીં કરતી યશુ!"
જેમજેમ દિવસો પસાર થતા ગયા તેમતેમ સુમિત યશુની વધુનેવધુ કાળજી લેવા માંડ્યો. ડીલીવરીની અપેક્ષિત તારીખને એક સપ્તાહની વાર હતી એટલે સુમિતે ઓફીસમાં રજા મૂકી દીધી; ઘેર યશુની પાસેજ રહેવા લાગ્યો.
યશુએ સહેજ ગળગળા અવાજે સુમિતને કહ્યું: "સુમિત, બાળકનો જન્મ થતાંજ સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે, એના માટે એ સૌભાગ્યનો અવસર કહેવાય."
"સોનુને હાથમાં લીધો તે દિવસથી જ હું માતૃત્વ ધારણ કરી ચૂકી છું. તેમછતાં....."
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
