મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૪)
યશુએ સહેજ ગળગળા અવાજે સુમિતને કહ્યું: "સુમિત, બાળકનો જન્મ થતાંજ સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે, એના માટે એ સૌભાવ્યનો અવસર કહેવાય. સોનુને હાથમાં લીધો તે દિવસથી જ હું માતૃત્વ ધારણ કરી ચૂકી છું."
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"તેમછતાં, તારી ઇચ્છા હતી એટલે મારી કૂખેથી હું તને એક નહીં, પણ બે બાળકો આપવા જઈ રહી છું એથી મારો હર્ષ ક્યાંય સમાતો નથી! હું અત્યંત ખુશ છું, સુમિત."
"પણ ક્યારેક પ્રસૂતિ વખતે માતાનું મરણ થવાના પ્રસંગો પણ બને છે! એવું કંઇ થવાનું નથી, છતાં જો એવું થાય અને હું જીવતી ન રહું તો મને ભૂલીશ નહીંને? સોનુ અને આવનાર બાળકોનું ધ્યાન રાખીશને? એમનામાં મને જોઇને મન મનાવજે!"
સુમિત સાવ ઢીલા સ્વરે બોલ્યો: "યશુ આવું અમંગલ નહીં બોલ, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી યશુ હેમક્ષેમ રહે. તું જરાય ઢીલી નહીં પડતી અને તને તો રામભગવાન ઉપર અતૂટ શ્રધ્ધા છે, અને એજ તારી રક્ષા કરશે."
યશુને એ દિવસે વહેલી સવારે પ્રસૂતિની અસહ્ય પીડા શરૂ થઇ. સુમિત એને તાબડતોબ આશાની હોસ્પીટલે લઇ ગયો. આશા તરત યશુ સમક્ષ હાજર થઈ ગઈ; બીજો સ્ટાફ પણ હાજર હતો.
આશાએ એના આ પ્રથમ કામનો પ્રારંભ કરતાં પહેલાં તાબડતોબ માણસ મોકલીને આસોપાલવનું તોરણ એની ઓફીસ આગળ, લેબર રૂમ આગળ તેમજ યશુ માટેનાં સ્પેશ્યલ રૂમ આગળ બંધાવરાવ્યું.
એણે ઓફીસમાં ભગવાન રામના દરબારનો ફોટો મૂકાવીને ત્યાં દીવા-અગરબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરી અને પછી યશુનો કેસ હાથમાં લીધો. યશુને હિંમત આપી.
લેબર રૂમમાં યશુને સ્ટ્રેચરમાં લઈ જવાઇ. યશુની ડીલીવરી વખતે સુમિતને અંદર રહેવા માટે આશાએ સહર્ષ સંમતિ આપી.
આશરે એકાદ કલાકે યશુની પ્રથમ ડીલીવરીમાં તંદુરસ્ત પુત્રીનો જન્મ થયો તે પછી પંદર મિનિટે બીજું બાળક- પુત્ર જન્મ્યો, સ્વસ્થ પુત્ર.
બન્ને વખતે કોઇ ઝાઝી વાઢકાપ વગર નોર્મલ કોર્સમાં જ જન્મ થવાથી આશા હર્ષભેર કૂદવા લાગી. બોલી: "યશુ! કોંગ્રેચ્યુલેશન્સ, સુમિતસર, કોંગ્રેચ્યુલેશન્સ. મને શું ભેટ આપશો? હું આ પ્રસંગે ભેટ લીધા વગર છોડીશ નહીં! નાનીદીદી તરીકે હું કાયદેસરની હકદાર છું!"
યશુએ સ્માઇલ સાથે સુમિત તરફ જોઇને કહ્યું: "આશા જે માંગે એ એને આપીને ખુશ કરો."
સુમિતે આશાને શું ભેટ જોઇએ છે તે માટે પૂછ્યું તો આશાએ કહ્યું: "આપી શકશો? હું માંગું તો ફરી નહીં જાવને!?"
"બોલ, આશા. તેં બાળકોનો સુખરૂપ જન્મ કરાવ્યો છે અને મારી યશુને પણ કંઇ તકલીફ પડવા દીધી નથી તેથી હું ખૂબ જ ખુશ છું. તું જે માંગે તે આપવાનું પ્રોમીસ કરું છું."
"બરાબર વિચારીને કહો છોને!? પ્રોમીસ પાળવું અશક્ય નથી, પણ સરળ પણ નથી! બોલો, બે બાળકોમાંથી એક મને આપશો? હું યશુની જેમજ ઉછેરીશ, જરાયે કસર નહીં રાખું. એ ભણીગણી લે ત્યાંસુધી. બોલો, જવાબ આપો."
સુમિતે યશુની સામે જોયું. યશુએ હા સૂચક ઇશારો કર્યો. એટલે સુમિતે આશાને કહ્યું: "દીકરી અમારી પાસે રહે અને દીકરાને તું રાખ. અમને જરાય વાંધો નથી! ઉલ્ટાનું, તેં યશુની જવાબદારી હળવી કરી છે! સાચુંને, યશુ?"
"આશા મારો જીવ માંગે તોપણ આપતાં અચકાઉં નહીં, સુમિત. પણ બાળકો ઉપર તારો પણ એટલોજ અધિકાર છે, જેટલો મારો છે. તું ખરેખર આશાની વાતે રાજી છેને? તને જરાય વાંધો નથી ને?"
"ના, યશુ. આશા ક્યાં પારકી છે?"
"સાચું કહું, સર! હું પોતે ડીલીવરી કરતાં ડરતી હતી. યશુને કંઇપણ થયું હોત ને, તો હું પાગલ થઈ જાત! મેં પણ યશુના પગલે રામભગવાનને પ્રાર્થના કરી'તી. મને રાજેશે ખૂબ હિંમત આપેલી."
"એણે કહ્યું'તું: તું યશુની ડીલીવરી કરે છે એવું વિચારીશ જ નહીં. આ પ્રોફેશનમાં જો અત્યંત લાગણીશીલ બનીએ તો સફળ ન થવાય. આપણી આગળ જે પેશન્ટ આવે તે આપણો સગો હોય તોપણ જાણે એ આપણો કોઇ સગો નથી એમ માનીને જ ચાલવું પડે."
"એટલે મારામાં હિંમત આવી ગઈ. બીજું કે, મેં મનોમન ઇશ્વર સમક્ષ સંકલ્પ કરેલો કે જો યશુનું કામ સુખરૂપ પતે તો એનાં ગમે તે એક બાળકની હું જવાબદારી લઈશ. આમેય યશુની જવાબદારી એટલી ઓછી થાય. તમે મારા સંકલ્પને સાકાર થવા દીધો એ બદલ હું ખૂબ આભારી છું, સુમિતસર!"
"તું મને ક્યાં સુધી સર કહીશ? સગપણમાં હું તારો બનેવી છું, તેથી હવે સર નહીં કહેતી, પ્લીઝ આશા."
"હા.... તમેતો મારા બનેવી! તમને હવેથી કુમાર કહીશ. એ તો બરાબર ને?"
"હા, આશા. કુમાર બરાબર છે, સર નહીં."
એ દિવસે આશાએ અને ડો.રાજેશે યશુનાં બાળકોનાં જન્મની ખુશાલીમાં હોસ્પીટલમાં દર્દીઓને અને સ્ટાફને આઇસક્રીમ પાર્ટી આપી.
બપોરે સુમિતની સાથે ભવ્ય લંચ લીધું અને ગરીબ તથા મધ્યમવર્ગીય દર્દીઓને એક સપ્તાહ સુધી નિ:શુલ્ક સારવાર આપવાની જાહેરાત કરી. રાતના સમયે હોસ્પીટલના મકાનને રોશનીથી ઝળહળતું કર્યું.
યશુને ત્રીજે દિવસે રજા આપી. ડો. રાજેશે જ્યારે જાણ્યું કે આશા હજી તાજી પરણેલી કહેવાય, તોપણ આશાએ યશુના દીકરાને રાખવાનું નક્કી કરી લીધું ત્યારે રાજેશને આશાની ખુમારી માટે ખૂબ જ માન ઉપજ્યું.
એટલું જ નહીં, એણે આશાને બિરદાવી પણ ખરી અને પોતે આશાની જવાબદારી નિભાવવામાં એને સંપૂર્ણ સહકાર આપશે, એની ખાતરી પણ આપી.
યશુ નવજાત બાળકીને સાચવવાની કાળજી લેતી વખતે એ સોનુને તરછોડતી નથી, બલ્કે પથારીમાં એક પડખે સોનુ અને બીજે પડખે દીકરીને સૂવડાવે છે.
દીકરીને પોતાનું દૂધ પીવરાવતી હોય તે વખતે પાંચ વર્ષના સોનુની બાળહઠ્નો પણ પ્રેમથી સ્વીકાર કરીને એનેય પોતાનું દૂધ પીવરાવે છે; સોનુને જરાય નિરાશ કરતી નથી.
સુમિત યશુને ટકોર પણ કરતો કે: "સોનુને હવે બહારનું દૂધ અને રાંધેલું ખવડાવીએ છીએ તો શીદને એને ફરી ધાવણ ઉપર ચઢાવે છે?" એ વિશે કોઇજ પ્રત્ત્યુત્તર આપવાનું પણ યશુને યોગ્ય જણાતું નહીં; એ સોનુની હઠને પોષવામાં પ્રસન્ન થતી.
એક મહિના પછી શુભ મુહૂર્ત નક્કી કરીને યશુનાં બન્ને સંતાનોનાં નામકરણની વિધિ થાય છે. એ દિવસે આશા અને રાજેશ પણ યશુનાં દીકરાને સાથે લઈને યશુનાં ઘેર આવે છે.
બન્ને બાળકોની જન્મ રાશિ કુંભ હોવાથી અને યશુનો આગ્રહ રાશિ ઉપરથી નામકરણ કરવાનો હોવાથી દીકરીનું નામ ગૌરી અને દીકરાનું નામ ગોપาล રાખ્યું.
એ દિવસે યશુએ ગોપુને પણ છાતીએ લીધો અને માનું દૂધ પીવરાવ્યાનો સંતોષ લીધો.
આશા જ એને ઉછેરી રહી હતી તેથી આશા માનું કામ અધિકારપૂર્વક કરતી જ હતી, પણ યશુએ તો એને જન્મ આપ્યો છે એટલે એની ઇચ્છા તો સ્વાભાવિકપણે હોય!
આશા યશુનું મન કળી શકતી હતી એટલે એણે યશુને વચન આપ્યું કે એ ગોપુને અવારનવાર યશુ પાસે સ્પેશ્યલી જન્મદાત્રી માનું દૂધ પીવરાવવા માટે જ લાવશે.
જોતજોતામાં યશુનાં સંતાનો મોટાં થવા લાગ્યાં. સોનુ અગિયાર વર્ષનો અને ગૌરી-ગોપુ પાંચ વર્ષનાં થઇ ગયાં છે.
ગૌરીમાં ધીમેધીમે યશુની આબેહૂબ મુખાકૃતિ દેખાય છે એટલે સુમિતને ગૌરી ખૂબ વહાલી લાગે છે. જ્યારેપણ ટાઇમ મળે, સુમિત ગૌરીને આસપાસ ફરવા લઇ જાય છે.
એ વખતે સોનુ પણ પપ્પા...પપ્પા... કરતો સુમિતની સાથે જવા દોટ મૂકતો, પણ યશુએ જોયું કે સુમિત સોનુને સાથે લીધા વગર જ નીકળી જતો.
આમ, સોનુ પ્રત્યે સુમિત ખાસ ધ્યાન આપતો નહીં. આથી યશુનું મન ભરાઇ આવે છે, એને ખૂબ માઠું લાગે છે; એ કંચનદીદીને યાદ કરીને વિચારે છે: "દીદીનાં આત્માને કેટલું દુ:ખ થતું હશે!"
સોનુની અવગણના યશુના રૂદિયામાં શૂળની જેમ ભોંકાય છે. એણે સુમિતને કહ્યું: "તું સોનુ પ્રત્યે ધ્યાન આપતો નથી એ મને બિલકુલ ગમતી વાત નથી. જેટલી ગૌરી તને પ્રિય છે એટલો સોનુ કેમ નથી?"
"સોનુ મારા જીગરનો જ એક ટૂકડો છે. અત્યારે સોનુ અગિયાર વરસનો છે, એ છ ધોરણમાં ભણે છે; એ હવે બધું સમજી શકે છે."
"મને કહેતો હોય છે: ગૌરીદીદી પપ્પાને બહુ ગમે છે, મમ્મા! હું નથી ગમતો? તને હું બહુ ગમું છું, પણ પપ્પાને કેમ નથી ગમતો?"
"ત્યારે હું એને આશ્વાસન આપું કે, પપ્પાને દીકરી વધારે ગમે ને મમ્મીને દીકરો! મને તો તું ગૌરી કરતાંય વધારે વહાલો લાગે છે."
"આવું સાંભળીને એ એટલો ખુશ થઇને મને કહેવા લાગે છે કે: મમ્મી, તું ને દીદી મને બહુ ગમો છો એટલે હું મોટો થઈને તને ને દીદીને ફરવા લઈ જઈશ, પપ્પાને નહીં!"
"આમ અત્યારે તો એ નાનો છે, સુમિત. છતાં આવું તો કહેછેજ, પણ મોટો થશે ત્યારે તારા પ્રત્યે એને પ્રેમ થશે? માટે જ કહું છું કે તું સોનુ તરફ પણ ધ્યાન આપ. એને લાગવું જોઈએ કે પપ્પાને હુંય ખૂબ વહાલો છું."
"વારુ, હવે એ વાતનો ચોક્કસ ખ્યાલ રાખીશ. હકીકત એ છે કે ગૌરી અત્યારથી જ તારી જેવી લાગે છે, વળી એ નાની છે એટલે હું એને વિશેષ રાખું છું! સોનુ તો હવે મોટો છે."
"તો શું થઈ ગયું? કંચનદીદી હોત તો એને આવો પક્ષપાત ગમત ખરો? એનાં આત્માને દુ:ખ ન થાય!?"
"એને તું પક્ષપાત સમજે છે એ તારી ગેરસમજ છે. સોનુને હું ક્યાં નથી સાચવતો?"
"ઠીક છે, સુમિત! તું તારી વાત પકડી રાખે છે. હું એમ નથી કહેતી કે સોનુ તને વહાલો નથી, પણ એ તને વહાલો છે એવો એને અહેસાસ તો થવો જોઇએને!"
"જો, સુમિત, પ્રેમનું પ્રદર્શન કરવા હું નથી કહેતી, પણ સામેની વ્યક્તિને અહેસાસ થાય કે કોઇ મને પણ પ્રેમ કરે છે તો એ વ્યક્તિને ખૂબ હૂંફ મળે છે અને ઘણીવાર માણસ માત્ર હૂંફથી પણ હિંમતભેર જીવી શકે છે."
"યશુ, તારી સામે દલીલબાજીમાં હું નહીં પડું. તું કહે છે એમ હું કરીશ, ઓ.કે?"
"હા, સુમિત. હું કદીયે તારા વ્યક્તિત્વને ઝાંખપ આવે એવું સૂચન નથી કરતી. આ જગતમાં પ્રેમ ના હોય તો શું જગત જીવવા જેવું લાગે? કોઇનેય તિરસ્કારની નજરે શા સારુ જોઇએ?"
"પ્રેમ આપવો ને પ્રેમ પામવો એજ તો જીંદગીની મઝા છે! વળી, આ તો આપણું સંતાન છે! એના પર વહાલથી વરસી ન પડીએ?"
"અષાઢી વાદળો વરસે ત્યારે ધરતી કેવી ભીંજાય છે! ને તે પછીજ માટીમાંથી મીઠી સોડમ આવે છેને! જો, સામેનું પાત્ર આપણા પ્રેમથી તરબતર થાય ત્યારે એના દિલમાંથી લાગણીની જે મીઠી મહેંક આવે ને, એજતો આપણો સંતોષ હોય!"
"વાહ, યશુ! તું ખરેખર મહાજ્ઞાની છે! હવેથી સોનુને માટે મારા પ્રત્યે તારી કોઇ ફરિયાદ નહીં આવે, એની તને ખાતરી આપું છું. સોનુ ને ગૌરી- બેયને હું તારી માફક જ રાખીશ, બસ!"
સુમિત યશુનો પતિ હોવા છતાં એનો જાણે કહ્યાગરો કંથ હોય એમ એની વાતે કોઇજ દલીલ કરતો નહીં, જાણે કે એણે યશુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી ન હોય!
જોકે, યશુ એના ઉપર કોઇ આધિપત્ય જમાવવાનો ઇરાદો સેવતી નો’તી, એને તો બસ, એના સ્વામીનું ક્યાંય કોઇ ઘસાતું બોલે નહીં કે વિચારે નહીં, એવો જ ઇરાદો રાખીને એ સૂચન કરતી.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
