મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૫)
‘હવેથી સોનુને માટે મારા પ્રત્યે તારી કોઈ ફરિયાદ નહીં આવે, એની તને ખાતરી આપું છું. સોનુ અને ગૌરી, બેયને હું તારી માફક જ રાખીશ, બસ!’ એવું વચન આપતો સુમિત યશુના પ્રભાવ હેઠળ આવી ગયો.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
યશુ સુમિત ઉપર કોઈ આધિપત્ય જમાવવાનો ઈરાદો સેવતી નહોતી, એને તો બસ, એના સ્વામીનું ક્યાંય કોઈ ઘસાતું બોલે નહીં કે વિચારે નહીં, એવો જ ઈરાદો રાખીને એ સૂચન કરતી.
સુમિત જ્યારે જ્યારે ગૌરી દીકરીને બહાર નજીકમાં ફરવા લઈ જાય ત્યારે ત્યારે એ સોનુને પણ સાથે જ લઈ જવા માંડ્યો, તેથી સોનુને હવે પપ્પા પણ બહુ ગમે છે!
એ યશુને ગર્વથી કહેતો થયો છે કે, "મમ્મા! પપ્પા મને બહુ ગમે છે. બધેય દીદીની જોડે મનેય લઈ જાય છે ને ચકડોળમાં બેસાડે, આઈસક્રીમ ખવડાવે."
"હવે હું મોટો થાઉં ને પછી તારી જોડે પપ્પાને પણ હું બધેય ફરવા લઈ જઈશ!" સોનુની વાત સાંભળી યશુ બોલી, "હાસ્તો! હું ને પપ્પા બેય તારી જોડે ફરવા આવીશું. પછી મમ્મા ચાલી શકતી ના હોય તો તું હાથ પકડીશને?"
"તું ચાલી ન શકે તો મને કહેજે, હું તને તેડી લઈશ, મમ્મા! હું થાકી જાઉં ત્યારે તું મને તેડી નથી લેતી! તો હુંય તને તેડી લઈશ, હોં મમ્મા!" સોનુ વહાલથી બોલ્યો.
આવું જ્યારે યશુ સાંભળતી ત્યારે એના હરખનો ક્યાંય પાર નહોતો રહેતો! સોનુને હવે દ્વિજ બનાવવાની ઉંમર થઈ હતી. સારો દિવસ નક્કી કરીને સોનુને "યજ્ઞોપવિત" ધારણ કરવાનો અવસર આવે છે.
જોડે જોડે પાંચ વરસના ગોપુને પણ "યજ્ઞોપવિત" ધારણ કરવા બેસાડે છે. સગાંસંબંધીઓને, મિત્રોને, આડોશપાડોશમાં ઉત્સાહભેર નિમંત્રણો પાઠવવામાં આવ્યા.
યશુના પિયરમાંથી ભાઈઓ-ભાભીઓ વગેરે પણ આવી ગયા. બંને બટૂકોને સફેદ પોતડી પહેરાવીને પૂજાવિધિમાં બેસાડે છે. સોનુને જનોઈ આપવાની વિધિમાં મા-બાપ તરીકે યશુ અને સુમિત બેસે છે.
ગોપુને જનોઈ આપવાની વિધિમાં આશાને અને રાજેશને બેસાડ્યા છે. બંને બટૂકોને વિધિવિધાનપૂર્વક મુંડન પણ કરાવ્યું. ત્યારબાદ, ભાલે કુમકુમ અને ચંદનથી ચાંલ્લા કર્યા ત્યારે બંનેના મુખારવિંદો જાણે કે સૂર્યના તેજ સમાન લાગતા હતા!
વિધિ સંપન્ન થઈ પછી બટૂકયાત્રા નીકળી. બટૂકો હાથમાં દંડ રાખીને મામાના ખભે શોભાયમાન થયા. કંચનને બહાદુરે બહેન માની હતી તેથી તેણે પણ મામાની ભૂમિકા અદા કરી.
યશુના ભાઈઓની સાથે સાથે બહાદુરે પણ યશુને મામેરું કર્યું. આશાએ ગોપુની મા તરીકેની ભૂમિકા અદા કરેલી તેથી આશાના પિયરિયાંએ પણ મામેરું કર્યું. આખોય પ્રસંગ દીપી ઉઠ્યો.
પ્રસંગ પૂરો થયા પછી યશુએ આશા પાસે ગોપુની માંગણી કરી. આશાએ તો ગોપુને તે પૂરેપૂરું ભણી લે ત્યાં સુધી પોતે રાખશે એવી આશા સેવી હતી.
એણે કહ્યું પણ ખરું કે ગોપુ ભણી લે ત્યાં સુધી ભલે પોતાની સાથે રહે. છતાં યશુ ગોપુ માટે તલસી રહી હતી તેવું આશાએ જોયું તેમજ મા તરીકે યશુનો જ અધિકાર બનતો હોઈ તે તેની પ્રિય યશુને "ના" ન પાડી શકી.
પણ ગોપુ આશાને છોડવા તૈયાર નહોતો, યશુની સાથે રહેવા એ રાજી નહોતો! ત્યારે આશાએ જ બાજી સંભાળીને ગોપુને સમજાવવા બેઠી.
"જો બેટા, તારે બે મમ્મા ને બે પપ્પા છે, કાનુડાની જેમ જ! તને હવે યશુમમ્મા રાખશે! પછી તને અહીં ન ગમે ને તો હું પાછી તને અહીંથી તેડી જઈશ!"
"યશુમમ્મા તો મારાથીયે સારી છે, દીકુ! તને એની જોડે બહુ મજા આવશે, સરસમજાની વાર્તાઓ કહેશે, ગીતો ગાશે ને તને બહુ મજા કરાવશે, જોજેને! અને તું કહે ત્યારે હું તને તરત લેવા આવીશ." આશાએ સમજાવ્યો.
"યશુમમ્મા તો ગમે છે. પણ મમ્મા, મને અહીંયા ગૌરીદીદી નથી ગમતી, મને ગૌરીદીદી રમકડાં રમવા નથી આપતી!" નાનો ગોપુ બોલ્યો.
"મારા લાલને હું નવાં નવાં રમકડાં અપાવીશ, ભલેને દીદી ના આપે!" આમ કહીને યશુએ વહાલથી ગોપુને ખોળામાં લીધો ને એના ગાલે ને હાથે બચ્ચીઓ ભરવા માંડી.
પહેલા દિવસે તો ગોપુએ સતત આશામમ્માના નામનું જ રટણ કર્યા રાખ્યું. પણ, આ તો યશુ છે! એના સ્નેહની સરવાણીમાં પડ્યા પછી બહાર આવવાનું કોઈનેય ગમે? તો પછી, આ તો બાળક છે, એ ભીંજાયા વગર રહી શકે ખરો?!
સોનુ જે શાળામાં ભણે છે એ જ શાળામાં યશુ ગૌરી અને ગોપુને પણ દાખલ કરાવે છે. સોનુ હવે સાતમા ધોરણમાં ભણે છે, જ્યારે ગૌરી અને ગોપુ પહેલામાં.
શાળાએ બાળકોને લેવા-મૂકવા માટે શાળાની જ બસની વ્યવસ્થા છે. ત્રણેય બાળકોના અભ્યાસ માટે યશુ અંગત કાળજી રાખે છે.
સુમિતને જનરલ મેનેજરનું પ્રમોશન મળ્યું હોઈને ઓફીસમાં જવાબદારી વધી જવાથી તેમજ પ્રસંગોપાત ગીતોના પ્રોગ્રામ આપવાના થતા હોઈ એ ખાસ ધ્યાન આપી શકતો નથી.
પણ યશુની કુશળતા ઉપર સુમિતને પૂરો વિશ્વાસ અને ગર્વ પણ છે એટલે બાળકોના અભ્યાસની એને ચિંતા નથી. બાળકોને માની મમતા મળતી હોય તો બીજા કશાની જરૂર રહેતી નથી.
બાળકો ધીમે ધીમે મોટા થતા ગયા. સોનુ દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા ટકાએ પાસ થયો અને એણે અગિયારમા ધોરણ (કોમર્સ સ્ટ્રીમ)માં પ્રવેશ મેળવ્યો.
અહીંયાથી સોનુ અમુક આવારા ટાઈપના રખડુ છોકરાની સોબતના લીધે છાનામાના બીડી-સિગરેટ પીવાના રવાડે ચડે છે. એક કુટેવ આવે ત્યારે બીજી કુટેવો પણ સહેલાઈથી આવતી હોય છે.
સોનુને મમ્મી વાપરવા જે પૈસા આપતી હતી તે હવે એને ધુમ્રપાનની લતને કારણે ઓછા પડે છે. એણે ઘરમાં પપ્પાના પાકીટમાંથી પૈસા ચોરવાનું શરૂ કર્યું.
વારંવાર આમ કરતો હોવાથી એકવાર સુમિતના પાકીટમાંથી મોટી રકમ ઓછી હોવાનું જણાયું. એણે યશુને પૂછી જોયું, કદાચ કોઈ કારણસર યશુએ સુમિતના પાકીટમાંથી રૂપિયા લીધા હોય અને કહેવાનું ભૂલી ગઈ હોય!
સુમિતે જાણ્યું કે યશુએ રૂપિયા નથી લીધા, તો પછી સોનુ સિવાય બીજા કોણે લીધા હોય? એણે સોનુને પૂછ્યું, પણ સોનુએ "ના" પાડી.
સુમિતે તે દિવસે સોનુને કે યશુને કંઈ જ કહ્યું નહીં, પણ સોનુ ઉપર એને શક પડ્યો હતો! તે પછી હંમેશાં સુમિત એનું પાકીટ ચેક કરવાની તકેદારી રાખતો થઈ ગયો.
ફરીવાર પાકીટમાંથી રૂપિયા ઓછા થયા. એણે તે દિવસે સોનુને પૂછ્યું, "આજે સાચું બોલજે, તેં પૈસા લીધા છેને?"
સોનુએ નકારમાં માથું ધૂણાવ્યું એટલે યશુને થયું કે સોનુએ જ લીધા હશે ને માનશે નહીં, તેથી આજે સુમિત નક્કી સોનુને ફટકારશે.
એવી શંકા રાખીને યશુએ સુમિતને બચાવતા કહ્યું, "સોનુએ નથી લીધા, મેં લીધેલા છે, પણ કહેવાનું ભૂલી ગઈ!"
સુમિતને યશુ ઉપર પૂરો વિશ્વાસ હતો કે યશુએ લીધા જ નથી, છતાં સોનુ પ્રત્યેની મમતાને કારણે એ ખોટું બોલી રહી છે. એ દિવસે પણ સુમિત ચૂપ રહ્યો.
પણ પછી એક દિવસે એ ઓફીસથી અન્ય કામે બહાર નીકળ્યો ત્યારે રસ્તામાં એણે સોનુને કેટલાક છોકરા સાથે સિગરેટ પીતાં પીતાં મસ્તી કરતો જોયો.
એણે ત્યાં જ ગાડી થંભાવી ને સોનુને જોરથી એક તમાચો ફટકારીને એના મોંએથી સિગરેટ બહાર ફેંકાવડાવી દીધી. પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી સુમિત નીકળી ગયો.
સોનુ હવે ડરી ગયો હતો, આજે ઘરે પપ્પા જરૂરથી કડક શિક્ષા કરશે. એ ડરનો માર્યો પપ્પા ઘેર આવે તે પહેલાં ઘેર આવી ગયો.
મમ્મી હાજર હતી. એની પાસે જઈને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યો. યશુએ ચિંતા સાથે પૂછ્યું, "કેમ બાપ! આજે આટલો બધો રડે છે? સ્કૂલમાં કંઈ થયું છે? જે વાત હોય તે મને બીધા વગર કહે."
સોનુએ મમ્મીને સાચેસાચી હકીકત જણાવી ત્યારે યશુની આંખો પણ ભરાઈ આવી. એણે કહ્યું, "દીકરા! મનેય તારા ઉપર વહેમ હતો જ કે પપ્પાના પાકીટમાંથી તું જ તફડંચી કરે છે."
"છતાં તે દિવસે પપ્પા તને મારે નહીં એટલા વાસ્તે હું પપ્પા આગળ ખોટું બોલેલી કે પૈસા મેં લીધા છે. પણ હવે તું મારા સમ ખાઈને કહે કે ફરીથી આવું ક્યારેય નહીં કરું." યશુએ સોનુને સમજાવ્યો.
"મમ્મા, આજે મને પપ્પા માર્યા વગર નહીં છોડે. હું તારા સમ ખાઈને કહું છું કે હવેથી હું આવું નહીં કરું. મમ્મા, તું મને આજે બચાવીશને!?" સોનુ કરગરી પડ્યો.
યશુએ જેવું હકાર ભણ્યું કે તરત સોનુને નિરાંત થઈ કે મમ્મી ચોક્કસ મને આજે બચાવશે. સુમિત રાત્રે ઘેર આવ્યો ને આવતાવેંત, "સોનુ ક્યાં છે?" એવી રાડ નાખી.
સોનુ બીજા રૂમમાં હતો ત્યાંથી દોડતો મમ્મીની સોડમાં ભરાઈને ઊભો રહ્યો. સુમિત ગુસ્સામાં એની તરફ ધસ્યો ને જોરથી મુક્કો ઉગામ્યો, પણ યશુ આડી ફરી અને બોલી, "મારા સોગંદ છે જો સોનુ ઉપર હાથ ઉગામ્યો તો!"
"યશુ તું જ એને છાવરી રહી છે! 'મારો લાલ, maરો બાપ' એમ કહી કહીને તેં જ એને બગાડ્યો છે! તને ખબર છે તારા લાડલાના પરાક્રમો? એ ચોર બની ગયો છે, સિગરેટ પીવાની લતે ચડી ગયો છે!"
"આજે એ સિગરેટ પીવે છે તો કાલે શરાબ, ગાંજો બધું પીતો થશે! આજે તો એને સખત ઝૂડવો જ પડે. તું આઘી ખસ, પછી જો, એની હું શું વલે કરું છું!" સુમિતે ગુસ્સામાં લાલચોળ થઈને કહ્યું.
"હશે સુમિત, એ હજી છોકરું છે! ભૂલ થાય! આજે જવા દે. ફરી આવું કરે તો તારે એને જે કરવું હોય એ છૂટ છે!" યશુ આજીજી કરતા બોલી.
"યશુ તારા લાડથી જ એ બગડ્યો છે! શું એની મા કંચન આજે જીવતી હોત તો એ એની આવી કરતુતો ચલાવી લેત ખરી?" સુમિતના મુખેથી અજાણતા જ સત્ય નીકળી ગયું.
આવું બોલતા સુમિતને સાંભળતાં જ યશુ દિગ્મૂઢ થઈ ગઈ! આજે સુમિત અનાયાસે શું બોલી ગયો? જે વાતથી આજ સુધી સોનુ અજાણ હતો એ વાત સુમિતે શું કામ જાહેર કરી?
સોનુ કંચનનો દીકરો છે એવું જાણ્યા પછી શું એને આઘાત નહીં પહોંચે? આજ સુધી જે હકથી સોનુ મારી જોડે વર્ત્યો છે એ હકથી હવે એ વર્તશે ખરો? એને મારી જોડે આ ઘરમાં પરાયાપણું નહીં લાગે?
ખરેખર, સુમિતે આવું બોલ્યા કરતાં તો સોનુ ઉપર હાથ ઉપાડી લીધો હોત તો સારું થાત! સોનુ પણ એકદમ હેબતાઈ ગયો! એ જોઈને યશુને થયું કે કદાચ પપ્પાએ ધોલધપાટ કરી લીધી હોત તો એ આમ હેબતાઈ તો ન જાત!
સોનુ રડમસ ચહેરે વિચારવા માંડ્યો, "કંચન કોણ છે? મારી મા? તો યશુમમ્મા કોણ? શું એ મારી મા નથી?"
"એ જો મારી મા નથી તો કેમ એણે કે કોઈએય એ વાત આજ સુધી કરી નથી? શું યશુમમ્મા ખાલી દેખાડો કરે છે? મારી મા હોવાનો ઢોંગ કરે છે? પણ એવો ઢોંગ એ શું કામ કરે?" આવા બધા વિચારોના તોફાનમાં સોનુ સાવ દીનદશા અનુભવવા લાગ્યો.
આ જોઈને યશુએ એને ગળે વળગાડ્યો ને પછી ખૂબ રડી! સોનુ પણ એને વળગીને ખૂબ રડ્યો!
સુમિતથી અનાયાસે છતું થઈ ગયેલ રહસ્ય પછીનું આ દ્રશ્ય જોઈને સુમિતને પણ પસ્તાવો થયો. એણે યશુને અને સોનુને બંનેને ઝાલીને શાંતિથી સોફા પર બેસાડ્યા.
યશુ તરફ અપરાધભાવે જોઈને એણે કહ્યું, "સોરી, યશુ! મારાથી અક્ષમ્ય ભૂલ થઈ છે! સોનુની સાંભળતા કંચનને મેં નાહકની યાદ કરી!"
"પણ તેથી શું થઈ ગયું? સોનુની સગી મા ભલે તું નથી, પણ તેં એને માનું દૂધ પાયું છે. કંચને સોનુને જન્મ આપ્યો છે તો તેં એને જીવન આપ્યું છે! તું જ તો એની સગી મા થઈ કહેવાયને?" સુમિતે પસ્તાતા હૃદયે કહ્યું.
સોનુ તરફ મોં કરીને યશુ સોનુના મોંએ તેમજ માથે હાથ ફેરવીને પંપાળતી પંપાળતી બોલી, "બેટા, આજે હું તને સાચેસાચું કહીશ કે તારી અસલી મા કંચનદીદી હતી. એના જેવી રૂપવંતી ને પ્રેમાળ બાઈ તો આ ધરતી ઉપર ક્યાંય શોધે જડે નહીં!"
"બધી રીતે મારાથીયે ચડિયાતી એવી! દીકરા! તને જન્મ દેનાર કંચનદીદી કંઈ જેવી તેવી સ્ત્રી નહોતી, દેવીમા જોઈ લો જાણે! હુંયે એને મારી મા માનું છું, એ જો ન હોત તો હુંયે અહીં ન હોત. પૂછ, પપ્પાને."
"તું બહુ નસીબદાર છે, દીકરા! કંચનમમ્માનો દીકરો હોવું એ જ મોટું નસીબ કહેવાય. અને મેં તને જન્મ નથી આપ્યો તો શું થયું? તારી નસનસમાં દીકરા, મારું દૂધ ભર્યું છે."
"તું મને ગોપુ ને દીદી કરતાંયે વહાલો છે. તું ને હું જુદા છીએ? એક થાળીમાં આપણે બેય નથી જમતાં? ગોપુ ને દીદીયે એની જુદી થાળી લે છે. અને તું? તેં ક્યારેય મમ્મા વગર ખાધું છે, દીકરા?" યશુએ વહાલથી સોનુના આંસુ લૂછતાં કહ્યું.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
