મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-26)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૬)

સોનુની અસલી મા તો કંચન છે એવી જ્યારે અનાયાસે સોનુને ખબર પડી ત્યારે યશુ એનાં પ્રાણથીયે પ્યારા એવા સોનુને પ્રેમથી પંપાળતી વેળા કહી રહી હતી.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"તને જન્મ દેનાર કંચનદીદી કંઈ જેવીતેવી સ્ત્રી નહોતી, દેવીમા જોઈ લો જાણે! હુંયે એને મારી મા માનું છું, એ જો ન હોત તો હુંયે અહીં ન હોત, પૂછ પપ્પાને."

"તું બહુ નસીબદાર છે દીકરા, કંચનમમ્માનો દીકરો હોવું એ જ મોટું નસીબ કહેવાય અને મેં તને જન્મ નથી આપ્યો તો શું થયું? તારી નસનસમાં દીકરા, મારું દૂધ ભર્યું છે."

"તું મને ગોપુ ને દીદી કરતાંયે વહાલો છે, તું ને હું જુદા છીએ? એક થાળીમાં આપણે બેય નથી જમતાં? ગોપુ ને દીદીયે એની જુદી થાળી લે છે."

"અને તું? તેં ક્યારેય મમ્મા વગર ખાધું છે દીકરા? તું કંઈ નમાયો કે ઓશિયાળો નથી! જ્યાંસુધી હું જીવતી છુંને, ત્યાંસુધી તારે કોઈજ ચિંતા કરવાની નથી."

એ દિવસે રાત્રે વાળુ કરી લીધા પછી યશુ બીજા રૂમમાં જ્યાં સોનુને સૂવાનો પલંગ રહે છે ત્યાં સોનુની સાથે ઘણીવાર સુધી બેઠી.

સુમિતના પરિચયમાં પોતે ક્યારે આવી? ક્યારે કંચનમમ્માના પરિચયમાં આવી? એ પછી સુમિતના ઘર-પરિવાર વિશે શું જાણ્યું? 

કંચનમમ્માને કેન્સરની બીમારી, એનો યશુ પ્રત્યેનો ભાવ, એના મૃત્યુ પહેલાં યશુએ આપેલું વચન, પપ્પા સાથેનાં એનાં લગ્ન, આશામાસી સાથેનો ઘરોબો બધી વાતો કહી.

સોનુને અડધી રાતે અચાનક ન્યુમોનિયાની અસર વખતે ઘરમાં પપ્પા કે કોઈ નહીં હોવા છતાં પોતે ઘર ખૂલ્લું મૂકીને દવાખાને કેવી દોડી ગઈ’તી, વગેરે બધીજ વાતોથી સોનુને પૂરેપૂરો વાકેફ કર્યો.

મોડીરાત સુધી એ સોનુના પલંગ પર જ બેઠી. બીજાં બેય બાળકો તો સૂઈ ગયાં હતાં, પણ સોનુ મમ્માના મોંએથી બધી વાત રસપૂર્વક સાંભળી રહ્યો હતો.

તે પૂરી થયા પછી યશુએ સોનુને માથે સ્નેહભર્યો હાથ ફેરવીને એને ઊંઘાડી દીધા પછીજ યશુ એના રૂમમાં સૂવા માટે ગઈ.

આ બધી વીતક કથા સાંભળ્યા પછી સોનુને મમ્મા માટે અનહદ પ્રેમ ઊપજ્યો, "મારી કંચનમમ્માનું તો મેં મોંયે જોયું નથી, પણ તેથી શું? આ મમ્માએ તો મારું જતન કર્યું છે!"

"એણે મને જીંદગી આપી છે, એ મને કેટલો બધો પ્રેમ આપે છે? કોઈ મા એનાં બાળકને આટલો પ્રેમ નહીં આપતી હોય! યશુમમ્મા જેવી કોઈ મમ્મા નહીં હોય, બધાંયથી અલગ ને બધાંયથી મહાન!"

"એના માટે મારો જીવ આપી દઉં તોયે ઓછું પડે! આ મમ્માને હું ક્યારેય દુખી નહીં કરું." એવો દ્રઢ નિશ્ચય સોનુએ મનોમન કરી લીધો.

પછીના દિવસે સવારે ઊઠીને સોનુ મમ્મી પાસે ગયો. યશુ તો સૌથી પહેલાં પરોઢિયે ઊઠી જઈને એનાં નિત્યક્રમમાંથી પરવારીને રસોડામાં ચા બનાવી રહી હતી.

સોનુએ બેહાધ જોડી મમ્મીને "જયશ્રીરામ" કહ્યું, મમ્મીએ સોનુની સામે સ્મિતસહ "જયશ્રીરામ" કહ્યું. સોનુ તે પછી નીચે નમ્યો.

મમ્મીને ચરણસ્પર્શ કરી પોતાની આંખો પર એ સ્પર્શને અડાડીને પપ્પા પાસે ગયો અને પપ્પાને પણ એ રીતેજ "જયશ્રીરામ" કહીને ચરણસ્પર્શ કર્યો.

આજથી જાણેકે સોનુમાં પરિવર્તન આવી ગયું હતું! યશુને અને સુમિતને હવે સોનુમાં તેનું આગવું વ્યક્તિત્વ પ્રગટ થતું જોઈને કંચનને આપેલી હૈયાધારણ સાકાર થઈ રહી છે તેનો અપ્રતિમ અનુભવ થયો.

થોડાં સમય પહેલાં સુમિતને મળેલી બઢતીને કારણે એની વધી ગયેલી જવાબદારીઓ ધ્યાનમાં રાખીને કંપનીએ એક નવીનકોર મોટર સુમિતના હવાલે મૂકી અને ઘરે એક ટેલીફોન જોડાણ પણ કરાવી આપ્યું.

રજારજાના સમયે ફુરસદ કાઢીને સુમિત યશુને અને ત્રણેય સંતાનોને લઈને મનગમતા સ્થળે પ્રવાસનો આનંદ લઈ આવતા, આમ યશુનો સુમિતસંગ ઘરસંસાર સુખરૂપ ચાલી રહ્યો છે.

કંચનના મૃત્યુ બાદ યશુએ સુમિતની જીંદગીમાં અવનવા રંગો ને સુગંધો ભરીને ખૂબજ રંગીન અને મહેંકતી બનાવી દીધી છે.

યશુની કુનેહ, સ્નેહ, ધીરજ અને પવિત્રતાથી સર્જાયેલ સ્વસ્તિકનાં ચારેય ખંડોમાં વ્યાપી રહેલ એનાં મનમોહક રૂપનાં તિલકથી ઘર જાણે કે મંગલમય "પ્રેમમંદિર" બની ગયું છે!

સુમિત આજે સવારે ૧૦ વાગે ઓફીસ જવા નીકળ્યો, રસ્તામાં બહાદુરના ઘર પાસે શોરબકોર સંભળાયો. એણે ત્યાં ગાડી ઊભી રાખી તો બેચાર લુખ્ખાતત્વો ભેગાં મળીને એક માણસ ઉપર તૂટી પડ્યા’તાં.

એ લોકો બહાદુરના માણસો હોય એમ લાગ્યું. સુમિતને જાણવા મળ્યું કે જે માણસને આ લોકો મારઝૂડ કરી રહ્યા’તાં તે આ મહોલ્લાનો જ એક પ્રૌઢ રહેવાસી હતો.

એણે બહાદુરના દારૂના ધંધાને બંધ કરાવવા માટે પોલીસને અરજી આપી હતી જેની જાણ બહાદુરને થતાં એણે પેલા પ્રૌઢને મારવા માટે જ આ લુખ્ખાતત્વોને બોલાવેલા.

આમેય બહાદુરમાં રહેલ આ દુષણને કારણે, સુમિતને તો એ જરીકેય પસંદ નહોતો, એટલે એ વચ્ચે પડ્યો. બહાદુરે બોલાવેલા હૂમલાખોરોએ સુમિત ઉપર પણ હૂમલો કર્યો.

સુમિતને નાકના ભાગે ઇજા થઈ અને એનો શર્ટ પણ ફાટી ગયો, પણ સુમિત ગાંજ્યો જાય એવો પણ નહોતો, એણે પણ જોર લગાવીને સામેવાળાને બેચાર મુક્કા લગાવી દીધા હતા.

આ દરમ્યાન બહાદુર ઘરમાંથી તલવાર લઈને બહાર આવ્યો. સુમિતનો ગોપુ ત્યાંજ રમતો હતો, તે આ દ્રશ્ય જોઈને ડરનો માર્યો દોડીને ઘેર આવ્યો ને મમ્મીને વાત કરી.

યશુએ વાત પૂરી સાંભળી-નસાંભળી ત્યાંતો હરણીની જેમ દોટ મૂકીને તમાશાવાળા સ્થળે પહોંચી ગઈ. ત્યાં પહોંચીને પહેલાં તો એણે સુમિતને ટોળાંની બહાર ખેંચ્યો.

પોતે ટોળાંની વચ્ચોવચ ઊભી રહી ગઈ ને ચંડીરૂપ ધારણ કરીને બહાદુરના હાથમાંથી જોર કરીને તલવાર લઈ લીધી, તેથી યશુના હાથમાંથી લોહી પણ નીકળવા માંડ્યું.

એણે જરાય પરવા કર્યા વગર બિનધાસ્તપણે હૂમલાખોરોની પકડમાંથી પેલા પ્રૌઢ આદમીને છોડાવ્યો. પછી સુમિતને ઘરે જઈ ઇજાના ભાગે દવા લગાડીને પછીજ ઓફીસ જવા માટે સૂચન કરતાં સુમિત ત્યાંથી નીકળી ગયો.

પણ યશુ ટોળામાં ઊભી રહીને ખુમારીપૂર્વક ગાજી, "તમે બધાં એક ઢળતી ઉંમરે પહોંચેલા માણસ ઉપર આ રીતે તૂટી પડો છો તો શરમ નથી આવતી?"

"અહીં રહેતાં લોકો પણ સાવ કાયર છે કે આ ધીંગાણાને મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે છે! આપણાંજ મહોલ્લાનાં માણસને કોઈ વાંકગુના વગર આ બદમાશો ટીપતાં હોય ત્યારે તમે બધાંએ શું બંગડીઓ પહેરી છે?"

"સામે અવાજ નથી ઊઠાવતાં!? બહાદુરસિંહથી આટલાં બધાં બીહો છો શુંકામ? એ કંઈ વાઘસિંહ છે?" યશુના આ વેધક સવાલોથી વાતાવરણ ગરમ થઈ ગયું.

બહાદુર ધૂંધવાતા અવાજે બોલ્યો, "બહેન પહેલાં મને સાંભળો, આ માણસનું મેં કંઈ બગાડ્યું નથી છતાં મારી સામે એણે પોલીસમાં અરજી આપી છે, એનું શું?"

"તે અરજી આપેજને! તમે બહુ સારા કામ કરો છો ને! અને અરજી તમારી સામે ક્યાં આપી છે? તમારા ખરાબ ધંધા સામે આપી છે, હવે તો હું પણ અરજી આપીશ, બહાદુરભાઈ!"

"તમે આ એરિયામાં 'દાદા' થઈને ભલે ફરતા હોવ, પણ અમેય અહીંયાં જ રહીએ છીએ એ તો ખબર છે જ ને? હું ને મારા ' 'હસબન્ડ' સુમિત તમારાથી જરીકે ડરતાં નથી, સમજ્યા?"

"સુમિતને તો આવી ભાંજગડમાં પડવાનો ટાઈમેય નથી, પણ જ્યારે એ પડશેને, ત્યારે તમારા ગમે તેટલાં લુખ્ખા હશે તોયે એ એકલા પહોંચી વળશે અને એમને એકલા પણ ન સમજતા!"

"હું એની પડખે સિંહણ જેવી છું! આતો, કંચનદીદીને તમે બહેન માનેલા છે ને એમની બીમારી વખતની તમારી સેવા આડે આવે છે એટલે શરમની મારી હું ચૂપ છું."

"તમારા આ ધંધા બંધ કરી દેજો, નહીંતો આખા મહોલ્લાને ભેગો કરીને તમારી સામે બંડ પોકારીશુંને! તો તમે શરમના માર્યા સામે ચાલીને આ એરિયા છોડીને બીજે ભાગતા થઈ જશો!" યશુ ગર્જી.

યશુની આવી હિંમત અને એનું રણચંડી રૂપ જોઈને એકઠાં થયેલાં સૌ લોકો મોંમાં આંગળા નાંખીને ભોંઠા પડી ગયાં, ને ચૂપચાપ ઘર ભેગા થવા માંડ્યા.

ખુદ બહાદુર એના ઘરમાં પેસી ગયો ત્યારે બહારથી આવેલાં હૂમલાખોરોને પણ યશુએ તીખા અવાજે સંભળાવ્યું, "આબરૂની સહેજપણ પડી હોય તો તમેય અહીંથી જલ્દી ચાલ્યા જાવ, શુંકામ ઊભા છો?"

"તમારો બહાદુરસિંહ મારું કંઈ નહીં બગાડી શકે! અહીંથી તરત રફ્ફુચક્કર નહીં થાવ તો આ ઘડીએ હુંજ પોલીસ બોલાવીશ!" યશુની ધમકી કામ કરી ગઈ.

યશુની સિંહણત્રાડથી પ્રભાવિત થઈને ડરના માર્યા એ લોકો પણ ચૂપચાપ ચાલ્યા ગયાં, બધાંજ વિખરાઈ ગયાં પછી યશુ એના ઘેર પાછી વળી રહી હતી.

ત્યાંજ બહાદુરની દીકરી હર્ષાબાએ બહાર આવીને યશુને કહ્યું, "ફોઈબા! તમને અંદર મારી મમ્મી બોલાવે છે, આવશો?"

"શું કામ નહીં આવું, બા! મેં ક્યાં કંઈ ખોટું કર્યું છે તો મને એનો ડર હોય! ચાલ, આવું." કહેતાંકને યશુનું રૌદ્ર રૂપ તરતમાં જ બદલાઈ ગયું.

તે મા સીતાના સૌમ્ય રૂપમાં બહાદુરના ઘરમાં પ્રવેશીને જોયું તો બહાદુરની પત્ની કુંવરબાનું મોં રડવાથી સૂઝી ગયેલું હતું.

તેથી તે બોલી, "કેમ ભાભીબા, શું કામ રડતા’તાં? રડીને બેસી રહેશો તો બહાદુરભાઈ થોડો કંઈ ધંધો બંધ કરી દેશે? તમેય ક્ષત્રિયાણી છો!"

"પતિના ધંધા સારા ન હોય તો તમે સામે 'હુંકાર' કેમ નથી કરતા? અને તમે એકલાં છો એવું પણ નહીં સમજતાં, હું તમારી પડખે છું, અડધી રાતે બોલાવશોને, તોયે આવીશ! ચિંતા છોડો."

"ક્યાં બેઠાં છે, બહાદુરભાઈ? જા દીકરી, પપ્પાને અહીં બોલાવી લાવ, મારે એમને હજી ઘણું કહેવું છે, હું મારા રામ સિવાય કોઈથીયે બીતી નથી." યશુએ હિંમત આપી.

દીકરી હર્ષાબાએ યશુને વિનંતી કરતા કહ્યું, "પપ્પા અંદરના રૂમમાં છે, અહીં નહીં આવે, તમેજ ફોઈબા, મમ્મીને લઈને અંદર પપ્પા પાસે જાવને!"

યશુ અને કુંવરબા અંદરનાં રૂમમાં ગયાં, બહાદુર ભોંઠપ અનુભવતો હતો, કેમકે આજસુધી યશુ સિવાય આમ જાહેરમાં કોઈએ એને ઉતારી પાડેલ નહીં.

યશુ અને કુંવરબા અંદરના રૂમમાં ગયાં, બહાદુર ભોંઠપ અનુભવતો હતો. તે જોઈને યશુએ શાંતિથી વાતની શરૂઆત કરી.

"કેમ ભાઈ! શરમ અનુભવો છો? તમારાથી હું નાની ને વળી એક સ્ત્રી અને તેય પાછી તમારી માનેલી બહેન કંચનદીદીની જગ્યાએ પરણીને આવી, તેથી તમને કલ્પનાયે નહીં હોયને કે જાહેરમાં હું તમારું અપમાન કરીશ!?"

"જોકે, મારાથીયે જાહેરમાં વધારે પડતું બોલાઈ તો ગયું છે, તો સોરી બહાદુરભાઈ! હું તો તમારી નાની બહેન જેવી છું."

"તમારામાં બધાંજ સારા ગુણો છે, પણ બસ! આ એક દારૂનો ધંધો જે કરો છો ને, એ મોટું દૂષણ છે. કંઈ કેટલાંય પરિવારો દારૂને કારણે પાયમાલ થતાં હોય છે, ખુદ તમેય એમાંથી બચી શકશો નહીં, ભાઈ!" 

"આ જવાન દીકરી છે, કાલે એ લગન જેવડી થશે ત્યારે કોણ આપણી દીકરી માટે માગું લઈને આવશે? એને સારો વર ને ખાનદાન ઘર મળે એવું એક બાપ તરીકે તમે ઇચ્છતા નથી?"

"આ ભાભીબાની સામે તો જુઓ! બિચારી રડી રડીને લાચારી અનુભવે છે, તમને એનીયે દયા નથી આવતી?" યશુએ બહાદુરને પંપાળતા અવાજે સચ્ચાઈનો અરીસો બતાવ્યો.

કુંવરબા વચ્ચે બોલ્યાં, "બેનબા! તમે આ બધું ભાષણ કરો છો, પણ કાળમીંઢ પથ્થર ઉપર કોઈ અસર થાય ખરી!?"

"અમારું મા-દીકરીનું તો સાંભળતા જ નથી! આખા મહોલ્લામાં તમેજ એક એવાં છો કે આમની સામે ઊંચા અવાજે બોલી શકો છો."

"તમે આજે એમની પાસે આ ધંધો છોડવાનો સંકલ્પ મૂકાવીને જ જાવ, અમે તો કંટાળી ગયાં છીએ!" કુંવરબાએ યશુ સામે પોતાનું હૈયું ઠાલવ્યું.

"સાંભળ્યુંને ભાઈ! ઘરનાં પણ તમારાથી નારાજ છે! તમે જો આજે સંકલ્પ કરોને તો આખી જીંદગી ભાઈ હું તમારાં ઓવારણાં લઈશ ને ગર્વથી કહેતી ફરીશ કે હું બહાદુરસિંહની સગી બહેન છું!" 

"પ્લીઝ ભાઈ, તમે સંકલ્પ કરો, તે પછીજ હું મારે ઘેર જઈશ." યશુએ બહાદુરના હૃદયને સ્પર્શી જાય તેવા વહાલથી વિનંતી કરી.

બહાદુરની સાથે આટલી હેતસભર વાત ક્યારેય કોઈએ કરી નહોતી, તેથી એ આજે પીગળ્યો અને એણે ભીની આંખે યશુને વચન આપ્યું.

"બહેન, અઠવાડિયામાં આ ધંધો કાયમ ખાતે બંધ કરી દઈશ." બહાદુરના આ શબ્દો સાંભળીને રૂમમાં હાજર સૌના જીવમાં જીવ આવ્યો.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."