મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૭)
બહાદુરની સાથે આટલી હેતસભર વાત ક્યારેય કોઈએ કરી નહોતી, તેથી એ આજે પીગળ્યો અને એણે યશુને વચન આપ્યું.
"બહેન, અઠવાડિયામાં આ ધંધો કાયમ ખાતે બંધ કરી દઈશ. પછી તમે ગર્વથી લોકોને કહી શકશો કે બહાદુરસિંહ મારો સગો ભાઈ છે!"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"અને લોકો જ્યારે તમને મારી સગી બહેન માનશેને! ત્યારે આ ભાઈ તમારા કોઈપણ પ્રસંગે બોલાવ્યા વગર તમારા ઘેર દોડ્યો આવશે." બહાદુરે વચન આપ્યું.
યશુ નમ્રતાથી બોલી, "બહાદુરભાઈ, તમે મને 'તમે' ન કહો, હું તો ઉંમરમાં ઘણી નાની છું. તમારી નાનેરી બહેન છું એટલે મને 'તું' કહેશો તો મને લાગશે કે તમે મારા મોટાભાઈ છો."
"હા બહેન, તું મને મોટાભાઈ માને છે તો હું મોટાભાઈના સંબંધે હવેથી 'તું' કહીને બોલાવીશ, તને આપેલું વચન પાળી બતાવીશ." બહાદુરે ખાતરી આપી.
બહાદુરે આપેલી ખાતરી સાંભળીને યશુ ઉપરની તરફ મોં રાખીને આંખો બંધ કરી ગઈ, ને બે હાથ જોડી સસ્મિત બોલી, "મારા રામજી તમને કાયમ આવી સદબુદ્ધિ આપે ને તમને હેમક્ષેમ રાખે. આજે હું બહુજ રાજી થઈ છું ભાઈ!"
યશુ હવે ઘેર જઈ રહી હતી ત્યાં બહાદુરની દીકરી હર્ષાબાએ યશુને ઊભી રાખી અને એના હાથમાંથી નીકળી રહેલા લોહીવાળી જગ્યાને પાણીથી સહેજ ધોઈ-કારવીને સ્વચ્છ કરી.
તેણે કપડાના ટુકડા વડે હાથ લૂછી, તેના ઉપર દવા ને રૂ લગાવીને નાનો પાટો બાંધી દીધો. યશુએ હર્ષાબાના ગાલે ને કપાળે મીઠું ચુંબન કર્યું.
ત્યાંથી ઘરભણી જવા નીકળતી હતી, પણ એને ચા કે કોફી પીવા થોડીવાર બેસવાની કુંવરબાએ વિનંતી કરી. યશુ બેઠી નહીં, પણ જતાં જતાં મોં પર સ્મિત ફરકાવતી બોલી.
"જે દિવસે સાચેસાચ મારા ભાઈ આ ગોરખ ધંધો છોડશે એ દિવસે ચા-કોફી નહીં, ભાભી! આ બહેન સામે ચાલીને હકથી ભાઈના ઘેર જમવા આવશે!"
તે પછી સાંજે ઓફિસેથી ઘેર આવેલા સુમિતે સવારના ઘટનાક્રમ વિશે યશુને પૂછતાં, યશુએ આખી વાતથી સુમિતને વાકેફ કર્યો.
ત્યારે સુમિતે કટાક્ષભર્યું હાસ્ય કર્યું અને બોલ્યો, "યશુ! રાહ જોજે, અઠવાડિયું તો શું, મહિનાઓ પછી પણ તારો બહાદુરભાઈ કંઈ ધંધો બંધ કરશે નહીં."
"તો પછી હુંયે પોલીસમાં અરજી આપીશ, પણ તું ચિંતા નહીં કરતો, સુમિત! હું એકલી પહોંચી વળીશ!" યશુએ મક્કમતાથી કહ્યું.
"છોડ એ બધું, આવા લફરામાં પડવા આપણે થોડાં નવરાં છીએ? હુંયે બહાદુરને સીધોદોર કરી દઉં, યશુ! પણ સવાલ એ છે કે આપણે મહત્વનાં બીજાં ઘણાં કામો હોય."
"ને આ એરિયામાં બીજાંઓને પડી ન હોય તો આપણે શુંકામ આવા નવરા લુખ્ખા સામે પડવાનો ઠેકો લેવો જોઈએ?" સુમિતે ચિંતા વ્યક્ત કરી.
"સાચી વાત છે, સુમિત. પણ મને વિશ્વાસ છે કે બહાદુરભાઈ પીગળ્યા છે, એ વચન પાળશે." યશુએ વિશ્વાસ પ્રગટ કર્યો.
સુમિત હસતા મુખે બોલ્યો, "વારુ, જવા દે હવે એ બધું, બાળકો ક્યાં છે?"
"સોનુ અંદરના રૂમમાં વાંચે છે ને ગૌરી-ગોપુ આટલામાં જ રમતાં હશે. થોડી ચા બનાવું, આપણે ચા પીએ. સોનુનેય પીવી હશે, ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ રહેજે." યશુ રસોડા તરફ વળી.
સોનુ ચા શબ્દ સાંભળીને મમ્મી પાસે ગયો અને બોલ્યો, "મમ્મી, 'ચા'ની સાથે મને કંઈક ખાવું પણ છે, બનાવી આપીશ?"
"શું ખાવું છે, દીકરા? તું કહે, હમણાંજ બનાવી આપું." યશુએ વહાલથી પૂછ્યું.
"મમ્મી, 'બિસ્કુટ' જેવી ભાખરી જ બનાવજે ને! તું મસ્ત બનાવે છે." સોનુ લાડથી બોલ્યો.
સોનુની માંગણી મુજબ યશુએ ભાખરી પણ બનાવી આપી, રાત્રે પણ એવીજ ભાખરી ને ભાવતાં શાકની રસોઈ બનાવી.
સોનુ અને યશુ સિવાય સૌએ જમી લીધું, સોનુએ ચા-નાસ્તો કરેલો એટલે એ એકલો મોડેથી જમવા બેઠો.
પણ યશુને ખબર હતી કે રોજની જેમ સોનુ એના વગર જમશે નહીં, મમ્મી જોડે એકજ થાળીમાં જમવાની નાનપણથી જ સોનુને ટેવ હતી.
એટલે સોનુ જ્યાં સુધી જમવા બેઠો ન હોય ત્યાં સુધી યશુ પણ ભૂખી રહેતી, ઘણીવાર સુમિત કહે પણ ખરો.
"ગૌરી-ગોપુ નાનાં છે તોયે હવે અલગ થાળીમાં જમી લે છે, પણ સોનુ એમ તારી જોડે એકજ થાળીમાં ક્યાં સુધી જમશે? હવે એ કંઈ નાનો નથી!" સુમિતે ટોક્યો.
"વાત સાચી, પણ માબાપ માટે તો સંતાન એ સંતાન છે, ઉંમર સાથે શું નિસ્બત? એમાંય હું તો 'મા' છું, મારાથી એને નારાજ કરાય?!"
"એમાંયે જ્યારે એ હવે જાણે છે કે હું એની સગી મા નથી! એટલે સુમિત, એ આખી જિંદગી મારી સાથે એકજ થાળીમાં જમશેને તોયે હું એને 'ના' પાડીને કદી ઓશિયાળો નહીં થવા દઉં."
"હું મા થઈને એને નારાજ કરું તો મારી જાતને જ હું ભૂંડી ન લાગું? સોનુની નજરમાંથી તો ઠીક, પણ મારીજ નજરમાંથી હું ઉતરી ન પડું?" યશુનું માતૃહૃદય બોલ્યું.
સુમિતે સમજાવતા કહ્યું, "યશુ, એને સમજાવવો પડે! નહીંતો તું લોકોની ટીકાનો ભોગ બનીશ."
"સોરી સુમિત, હું કોઈપણની ગમેતેવી ટીકા સહન કરીશ, પણ તું ઈચ્છે છે એવું સોનુને હું ક્યારેય નહીં કહું."
"અને તું પણ ભૂલી ગયો કે તું ને કંચનદીદી એકજ થાળીમાં જમતાં નહોતાં? દીદી તો તારી પત્ની હતી, છતાંય તેં કોઈની ટીકા વિશે વિચારેલું?"
"જ્યારે હું તો એક મા છું! જો તારી કોઈએ ટીકા કરી ન હોય તો મારી એક 'મા'ની થોડી કરશે? ને કરે તોયે શું? મને એવી પરવા નથી." યશુએ ચોખ્ખી ના પાડી દીધી.
સોનુની એક સાવકી મા છતાં સગી "મા"થી વિશેષ એવી યશુ આગળ સુમિતે છેવટે નમતું જોખ્યું.
બહાદુરવાળી ઘટનાના ચાર દિવસ પછી સાંજે સુમિત ઓફિસેથી ઘેર આવી ગયો તે પછી બહાદુર એની પત્ની કુંવરબાને સાથે લઈને સુમિતના ઘેર આવ્યો.
સુમિત કંઈપણ બોલે એ પહેલાં યશુએ હરખાઈને કહ્યું, "ઓહો!! આજે તો ભાઈભાભી કંઈ સારા સમાચાર આપવા આવ્યા છે કે શું?"
બહાદુર ગંભીર થઈને બોલ્યો, "હા, બેનબા. તમે ખૂબજ પ્રસન્ન થશો. તમારા આ ભાઈએ આજથીજ ધંધો બંધ કરી દીધો છે."
"એટલે તમને આખા ઘરને આવતીકાલે સાંજે, સાહેબ ઓફિસેથી ઘેર આવી જાય પછી, અમારે ઘરે જમવાનું ખાસ નિમંત્રણ આપવા જ આજે આવ્યા છીએ."
"તમે જ કહ્યું’તુંને કે 'મારા ભાઈ આ ધંધો બંધ કરશે તો હું સામે ચાલીને હકથી જમવા આવીશ?'" બહાદુરે જૂની વાત યાદ કરાવી.
યશુ આનંદમાં આવીને બોલી, "હા, મેં કહ્યું’તું અને અમે ચોક્કસ આવીશું. પણ, કાલે અમારા તરફથી પાર્ટી."
"અમે આખા મહોલ્લાને પાર્ટીમાં નિમંત્રણ આપીશું, આ કંઈ નાનોસુનો પ્રસંગ નથી, ભાભીબા! એક વખત અમારી પાર્ટી થઈ જાય તે પછીજ તમારા ઘેર અમે જમીશું, બરાબરને સુમિત?"
સુમિતે પણ સંમતિ આપતા કહ્યું, "હા, મને ખુશી થશે. પણ, બહાદુરભાઈએ ફરી ક્યારેય આ ધંધો કરવાનો નહીં, એ શરતે."
"હા સાહેબ, મારી લાઈફમાં કંચનદીદીને એકનેજ મારી બહેન માનેલી, પણ હું કમભાગી કે એ દેવી જેવી બહેન ભગવાને આંચકી લીધી!"
"પણ ખુશી એ વાતની થાય છે કે એનાં જેવીજ દેવીસ્વરૂપ બીજી બહેન ભગવાને મને આપી છે, યશુ મારી નાની બહેન છે."
"એના સિવાય મારે બીજી કોઈ બહેન નથી તો આ એકમાત્ર મારી બહેનને આપેલું વચન હું જીવીશ ત્યાં સુધી પાળીશ, ને કહેતા હોવ તો એફીડેવિટ કરી આપું!" બહાદુર ભાવુક થઈને બોલ્યો.
યશુએ હસીને કહ્યું, "શાબાશ મોટાભાઈ! અમારે કોઈ એફીડેવિટ નથી જોઈતું, મને પૂરો ભરોસો છે."
"પણ, પહેલાં આ બહેનની ખુશાલીની પાર્ટી આવતીકાલે અમે આપી દઈએ તે પછી તમારે ત્યાં પધારીશું, ઓ.કે., ભાઈસા’બ?"
યશુની વાત સ્વીકારીને બહાદુર ઊભો થયો, પણ યશુએ "ચા પીને પછી જાવ" એમ કહ્યું એટલે બહાદુર અને કુંવરબા થોડીવાર બેઠાં.
દરમ્યાન સુમિત સાથે બહાદુરે ગપસપ કરી, સુમિતે આજે બહાદુર સાથે પહેલીવાર મુક્તમને વાતચીત કરી.
અગાઉ, કંચનની બીમારી વખતે બહાદુર દવાખાને લઈ જવા-લાવવા સ્વેચ્છાએ સેવા આપવા આવતો ત્યારે પણ આ રીતે ઝાઝી વાત થયેલી નહીં.
જોકે, એ વખતે તો સુમિત કંચનની ચિંતામાં ડૂબેલો પણ રહેતો તેથી બીજા કોઈ સાથે ખાસ કામ સિવાય કંઈ બોલતો પણ નહીં.
બહાદુર અને કુંવરબા ગયા પછી સુમિત આદરપૂર્વક બોલ્યો, "યશુ, ભગવાને તને પૂરા દિલથી ઘડી છે! તારામાં જબરદસ્ત કુનેહ અને આત્મવિશ્વાસ છે."
"જો તું આગળ ભણી હોત તો સો ટકા બહુ ઊંચી પદવી પર બેઠી હોત!" સુમિતે યશુની પ્રશંસા કરી.
યશુએ નમ્રતાથી કહ્યું, "સુમિત, તને જે લાગતું હોય તે, પણ મારે કોઈ એવું પદ કે પ્રતિષ્ઠા જોઈતી નથી."
"આ તેં જોયુંને! કે બહાદુરભાઈ જેવી વ્યક્તિ પણ સાચી લાઇન ઉપર આવી શકતી હોય તો મારા માટે આનાથી મોટી કઈ પદવી હશે? હું તો 'પ્રેમ આપો ને પ્રેમ પામો' એમાંજ માનું છું."
"અને તને ખબર છે કે આપણે શા માટે આખા મહોલ્લાને પાર્ટી આપવી જોઈએ? જાહેરમાં આવું ગોઠવીને બહાદુરભાઈનું સન્માન કરીએ તો એનાથી જે 'પોઝીટીવીટી' એમનામાં આવશે."
"તો શું ફરી એ ધંધો ચાલુ કરવાની હિંમત કરી શકે ખરા? એમનો આત્મા જ એમને એમ કરતાં રોકેને!? પછી મારે કે તારે એમને સમજાવવાની જરૂરજ ઊભી ન થાયને!" યશુએ આખી યોજના સમજાવી.
સુમિત આશ્ચર્યથી બોલી ઉઠ્યો, "વાહ યશુ! આવું તો મેંય વિચાર્યું નહોતું, તારામાં ગજબની વૈચારિક શક્તિ છે!"
"તારામાં માત્ર આપણાં ઘર-પરિવાર જ નહીં, પણ અનેકોનાં ઘર-પરિવાર સંભાળવાની ત્રેવડ છે. કંચને તને બરાબર પિછાણીને મારું ઘર માંડવાનું તારી પાસેથી વચન લઈ લીધું’તું."
"નહીંતર તું મને પત્નીના રૂપમાં મળી હોત? તારા સિવાય મારું ને સોનુનું કોણ સંભાળત?" સુમિત ભાવુક થઈ ગયો.
યશુએ શરમાતા કહ્યું, "સારું હવે, બહુ પત્નીઘેલો ન થા! અને રાતે વહેલું જમવાનું પતાવીને આપણે બેય જણ સાથે નીકળીને મહોલ્લામાં કાલે સાંજની આપણી પાર્ટીનું બધે આમંત્રણ આપી દઈએ, બરાબરને?"
"પછી તું મને જગ્યા નક્કી કરીને સ્ટેજ ગોઠવવાનું, લાઈટીંગનું અને દોઢસો જેટલી ખુરશીઓનું કોઈને ફોન કરીને ગોઠવી આપીશને?"
સુમિતે હસીને સેલ્યુટ મારી, "હા બોસ! તમારા આદેશને માથે ચડાવું છું!"
રાત્રે બંને જણાં આજુબાજુ બધાંયનાં ઘેર ફરી વળ્યાં ને પાર્ટીમાં આવવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવીને ઘરે આવ્યા.
બીજે દિવસે સુમિતે ખુલ્લી જગ્યામાં મંડપ, સ્ટેજ, ખુરશીઓની વ્યવસ્થા કરી આપી, કેટરર્સને બોલાવીને સાંજનું "મેનુ" નક્કી કરી આપ્યું.
મહોલ્લામાં બધાંજ લોકો યશુની પાર્ટીમાં આવવા ઉત્સુક હતાં, લોકો ભરપેટ યશુની પ્રશંસા કરતાં થાકતાં નહોતાં. આખા વિસ્તારમાં યશુની પહેલથી લોકો ખૂબ રાજી થયાં.
સાંજે બધાં એક પછી એક પાર્ટીમાં સામેલ થવા આવવા લાગ્યાં, મોટી ઉંમરનાં લોકોને આગળની હરોળમાં સ્થાન આપ્યું.
દરેક ઘરનાં એકેક સભ્ય ઉત્સાહભેર આવ્યા હતા, યશુ સુમિતને સાથે રાખીને બહાદુર સહિત એનાં પરિવારનાં સભ્યોને પાર્ટીનાં સ્થળે લઈને આવી પહોંચી. એ વખતે પાર્ટીના સ્થળે એકપણ ખુરશી ખાલી રહી નહોતી, ઉલ્ટાનું કેટલાંક લોકોને પાછળ ઊભા રહેવાની નોબત આવી.
જેવી યશુને આવતી જોઈ કે તરત લોકોએ તાળીઓનાં ગડગડાટથી એને વધાવી, કેમ કે યશુ થકીજ મહોલ્લામાં રહેવા લાયક વાતાવરણ ઊભું થયું હતું.
અત્યાર સુધી અંદરોઅંદર સહકારભર્યું વાતાવરણ જરીકેય નહોતું જે હવે જોવા મળી રહ્યું’તું અને એ માટે યશુ જ યશ લેવાની સર્વસ્વીકૃત હકદાર હતી.
સ્ટેજ પર બહાદુર અને કુંવરબા માટે નિયત કરેલ ખુરશીમાં બેસવા એ બંનેને યશુએ હાથ લંબાવીને ઈશારો કર્યો. એમની બાજુની ખુરશીમાં સુમિતને સ્થાન આપ્યું, યશુએ કાર્યક્રમનો દોરીસંચાર હાથમાં લીધો.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
