મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-28)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૮)

સ્ટેજ પર બહાદુર અને કુંવરબા માટે નિયત કરેલ ખુરશીમાં બેસવા એ બંનેને યશુએ હાથ લંબાવીને ઈશારો કર્યો, એમની બાજુની ખુરશીમાં સુમિતને સ્થાન આપ્યું.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

યશુએ કાર્યક્રમનો દોરીસંચાર હાથમાં લીધો, એણે સરસ મજાનો ગુલાબનો હાર બહાદુરભાઈને પહેરાવ્યો એટલે લોકોએ તાળીઓથી એને વધાવી લીધો.

યશુએ બોલવાનું શરૂ કર્યું ને મંડપમાં એને સાંભળવા માટે કોઈજ પ્રયાસ વગર આપમેળે નીરવ શાંતિ પ્રસરી રહી!

"અહીં ઉપસ્થિત રહેલ સર્વે મારાં વડિલો, બંધુઓ, માતાઓ, બહેનો અને પ્યારા બાળકો, આજે આપ સૌ જાણો છો કે આપણે બહાદુરભાઈનું સન્માન કરવા એકત્રિત થયાં છીએ."

"મને યાદ નથી કે બહાદુરભાઈ કેટલાં વરસથી દારૂનો ધંધો કરતા હતા, પણ હું જ્યારથી અહીં આવી છું, એટલે કે પંદર-સોળ વરસથી તો જોતી આવી છું કે તેઓ દારૂનો ધંધો કરે છે."

"મારી જાણકારી મુજબ મારા પહેલાં મારી કંચનદીદીએ એકવાર એમને આ ધંધો બંધ કરવા વિનંતી કરી હતી, પણ હવે જ્યારે એમણે આ ધંધો બંધ કર્યો છે ત્યારે દુર્ભાગ્યવશ કંચનદીદી એ જોવા ન પામ્યા." યશુએ ભૂતકાળને યાદ કરતા કહ્યું.

"કંચનદીદી કેન્સરપિડીત હતા ત્યારે એમને વારંવાર દવાખાને લઈ જવા પડતા અને તે વખતે બહાદુરભાઈ મદદે દોડી આવતા, કેમ કે એમણે દીદીને બહેન કરેલા."

"પણ દીદીનાં ગયા પછી બહાદુરભાઈ એ વાત વિસરી ગયા! એમણે બિનરોકટોક ધંધો ચાલુ રાખ્યો, દીદીનાં અવસાન પછી એમની જગ્યાએ હું પરણીને આવી અને હજી આ એરિયામાં નવીસવી આવેલી એટલે બહાદુરભાઈ સાથે મારે કંચનદીદી જેટલી નિકટતા નહીં."

"આ મારા હસબન્ડને તો બહાદુરભાઈની 'એલર્જી' રહેતી! પણ ગયા અઠવાડિયે જે બનાવ બની ગયો તે વખતે મારા હસબન્ડે પણ દરમ્યાનગીરી કરી ને મારામારીમાં ઝંપલાવ્યું, એ વખતે હું દોડતી આવી." સુમિત તરફ ઈશારો કરતા યશુ બોલી.

"મેં જોયું કે લોકોનું ટોળું માત્ર મૂક્પ્રેક્ષક બનીને ઊભું હતું! એ વાતની મને સખત ચીડ ચડી અને એ વખતે મેં ટોળાંને પણ ઠપકો આપેલો."

"આપસૌને નવાઈ લાગશે કે મામલો થાળે પડી ગયા પછી મારી એકજ વખતની વિનંતીથી બહાદુરભાઈએ અઠવાડિયાના બદલે ચાર દિવસમાં ધંધો કાયમ માટે આટોપી લીધો!"

"એ વાતનો એમની નાનીબહેનના નાતે મને વિશેષ ગર્વ થાય છે, એ દિવસથી બહાદુરભાઈની હું માનેલી બહેન નથી, પણ સગીબહેન જ છું!" યશુએ ગર્વથી જાહેર કર્યું.

"આપણાંમાંથી જે વડિલ તે દિવસના બનાવનું નિમિત્ત હતા તે વડિલને હું વિનંતી કરીશ કે તેઓ અહીં સ્ટેજ પર આવે, મારે એમનું પણ સન્માન કરવું છે."

"કેમકે બહાદુરભાઈ વિરૂદ્ધ પોલીસમાં અરજી કરવાની એમણે જે હિંમત કરેલી તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે." યશુએ આદરપૂર્વક પેલા વડિલને મંચ પર આમંત્રિત કર્યા.

એકત્રિત મેદનીમાંથી એ વડિલ ઉંમરને કારણે ધીમા ડગલાં માંડતાં સ્ટેજ સુધી આવ્યા એટલે યશુએ સ્ટેજ પરથી નીચે ઊતરીને વડિલનો હાથ ઝાલીને સ્ટેજ પર લઈ આવી.

યશુએ એ વડિલનું પણ ફુલહારથી સન્માન કર્યું, લોકોએ તાળીઓથી એ સન્માનને વધાવ્યું. યશુ બોલી, "આ 'અંકલ' અગાઉ મારા પરિચયમાં કદીયે આવ્યા નથી, પણ ઉંમરમાં તેઓ આપણાં વડિલ છે."

બહાદુરભાઈને ઊભા થવાનો ઈશારો કરીને યશુ આગળ બોલી, "બહાદુરભાઈને વિનંતી કરીશ કે સૌપ્રથમ આ વડિલની હૃદયપૂર્વક માફી માંગે!" બહાદુરને કલ્પના નહોતી કે યશુ એની પાસે માફી પણ મંગાવશે! સુમિતને પણ નવાઈ લાગી.

પણ બહાદુરને યશુ પ્રેમપૂર્વક એનાં પૂર્ણ પ્રભાવ હેઠળ તાણી લાવેલી તેથી બહાદુરે સહેજપણ મોં બગાડ્યા વગર બે હાથ જોડીને એ વડિલના પગમાં પડીને માફી માંગી!

લોકો માટે આ દ્રશ્ય કલ્પનાતીત હતું, પણ યશુ માટે એ સહજ હતું, પેલા વડિલને પણ સ્ટેજ પર બેસવા માટે સ્થાન આપ્યું.

પછી યશુએ આગળ ચલાવ્યું, "બધાંને સરસ મઝાની ભૂખ લાગી હશે એટલે વધારે ટાઈમ લેવો નથી, પણ બહાદુરભાઈને વિનંતી છે કે તેઓ આ પ્રસંગે બેશબ્દો બોલે."

બહાદુરને બોલવાની ટેવ ઓછી હતી, આજસુધી એણે મોં અને જીભ વડે બહુ કામ લીધું પણ નહોતું, માત્ર બાહુબળથી જ કામ લેવામાં એ માહિર હતો. છતાં, યશુને એ ના પાડી શકતો નહોતો અને તેથી બહુ ઝાઝી આનાકાની વગર એ બોલવા ઊભો થયો.

"આજે મારી નાનીબહેન યશુનો હું ખૂબ આભારી છું કે એણે મને મહોલ્લાના સૌથી અપ્રિય માણસમાંથી પ્રિય બનાવવાની દિશા બતાવી છે!" બહાદુર ગળગળો થઈને બોલ્યો.

"યશુ મારી જીંદગીનો 'ટર્નીંગ પોઈન્ટ' બનીને આવી, એનામાં કોલસાને પણ હિરો બનાવવાની કુદરતી આવડત છે."

"હું આજે એટલું જ કહીશ કે હું જીવતો છું ત્યાંસુધી આ એરિયામાં કોઈ બીજો બહાદુર આવીને પણ દારૂનો ધંધો કરવાની હિંમત નહીં કરે, એ બાબતે તમને સૌને હું પાકી ગેરંટી આપું છું."

"બસ, વધારે કંઈ કહી શકું એમ નથી, અત્યાર સુધી મારા કારણે જે તકલીફો આપ સૌને પડી છે તે બદલ હું બધાંની માફી માંગું છું." આટલું બોલીને બહાદુર બેસી ગયો, સૌએ એને તાળીઓથી વધાવી લીધો.

તે પછી યશુના કહેવાથી સુમિતે સૌનો જાહેરમાં આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સમાપ્તિ જાહેર કરી અને પ્રેમથી જમવાની ડીશ લેવા માટે વિનંતી કરી.

એટલે કલાક સુધી જમવાનો પ્રોગ્રામ ચાલ્યો તે પછી સૌ પોતપોતાનાં ઘેર પરત ફર્યાં. બીજે દિવસે બહાદુરે પણ આખાયે મહોલ્લાને આવી પાર્ટી આપી.

દિવસે દિવસે લોકો યશુનાં યશગાન ગાતાં થઈ ગયાં, ચારેબાજુ એની એવી જબરદસ્ત સુવાસ પ્રસરી કે મહોલ્લાના દરેક તહેવારમાં એની જરૂર પડવા લાગી.

મહોલ્લામાં નવરાત્રિ કરવી હોય, હોળીમહોત્સવ મનાવવો હોય, દિવાળી નિમિત્તે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવો હોય કે રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી કરવાની હોય, દરેકેદરેક વાતે યશુને અગ્રેસર રાખવામાં આવતી.

યશુનો પડ્યો બોલ સૌ ખુશીખુશી ઝીલતાં, મહોલ્લાની આખી કાયાપલટ યશુના કારણે થઈ ગઈ. યશુની ઉંમરનાં હોય કે એનાંથી મોટી ઉંમરનાં હોય તે સૌ સ્ત્રીપુરૂષો યશુની સલાહસૂચન લેતાં થઈ ગયાં.

એ તો ઠીક, પતિપત્નીનાં આંતરિક વિખવાદમાં પણ મામલો યશુ પાસે આવે! ને યશુ એની કુશાગ્ર બુદ્ધિ અને કોઠાસૂઝથી સુખદ ઉકેલ પણ લાવી આપતી.

એકવાર યશુ કોઈ કામે બહાર હતી અને રસ્તામાં બાંકડે એક વૃદ્ધ દંપતિને બેઠાં જોયાં, બંનેની આંખોમાંથી અશ્રુધારા વહેતી જોઈ.

યશુ તરત ત્યાં એ બંનેની પાસે જઈને બેઠી, પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે તે વૃદ્ધ દંપતિ એક સુખી સંપન્ન પરિવારમાંથી હતું.

પણ દીકરા-વહુઓએ અપમાનજનક રીતે બંનેને ઘરમાંથી જાકારો આપતાં તેઓ નિ:સહાય હાલતમાં બાંકડે આવીને બેસી ગયાં હતાં અને કલ્પાંત કરી રહ્યાં હતાં.

યશુ તે બંનેને પ્રેમપૂર્વક પોતાના ઘરે લઈ ગઈ, પછી આખી વાતનો તાગ મેળવીને તે વૃદ્ધ દંપતિનાં દીકરા-વહુઓને ફોન કરીને ઘરે બોલાવ્યાં. એણે ખૂબ જ કુશળતાપૂર્વક સમજાવટ કરીને બંનેને દીકરા-વહુઓ સાથે ઘેર પાછાં મોકલી આપ્યાં.

આમ, યશુ હવે માત્ર એનાં પરિવારની જ નહીં, પરંતુ આજુબાજુમાં રહેતાં કેટલાંય પરિવારની માનીતી થઈ ગઈ!

જોકે, સુમિતને શંકા પણ થતી કે યશુ પાસે કોઈપણ કામે આવનાર દરેક પુરુષ શું એનાં નેક ઈરાદાથી આવતો હશે?

કે પછી કોઈ બહાને એ યશુનાં મોહક રંગરૂપથી આકર્ષાઈને આવતો હશે!? કેમકે, યશુના રૂપનું આકર્ષણ પણ સહજ હતું.

એટલે જ એવા પુરુષો ગમેતે બહાને એનો મધુર સહવાસ માણવા તો નહીં આવતા હોય!? છતાં, સુમિતે યશુ આગળ આવી શંકા વ્યક્ત કરવાની હિંમત ન કરી, બસ મનમાં જ શંકા રાખ્યા કરે!

ક્યારેક એ ટકોર કરતો કે કોઈનાં અંગત મામલામાં દખલગીરી કરવી જોઈએ નહીં, પણ, આ તો યશુ!

એ તરત જવાબ આપતી, "કોઈનું ઘર ભાંગવાના આરે હોય ને આપણી દખલગીરીથી જો સુધરી જતું હોય તો એમાં ખોટું શું છે?" આવું સાંભળીને સુમિત કોઈ ઉત્તર આપી શકતો નહીં.

જોકે, યશુ તો એની પાસે જેકોઈ આવતાં એમની સાથે બિનધાસ્ત અને નિ:શંકપણે જ વર્તતી, એને કદી કોઈ તરફથી જાતીય સતામણીનો ડર જ નહોતો.

લોકોને ભાવથી, પ્રેમથી બોલાવવા એ તો એનો જન્મજાત સ્વભાવ જ હતો, એથી એ ખૂબ પ્રસન્ન પણ રહ્યા કરતી અને એની પ્રસન્નતા ઉત્તરોત્તર વધતી જતી.

સુમિતના મનમાં ગમે તે શંકા રહેતી હોય, પણ લોકો તો યશુને કોઈ સાધારણ સ્ત્રી નહીં પણ એક દેવી તરીકે જોતા હતા.

નાનાં બાળકો માંદગીમાંથી જલ્દી સાજા ન થતા હોય ત્યારે કેટલાંક એવું માનતાં કે બાળકને કોઈની બૂરી નજર લાગી હશે.

આવી માન્યતાને લઈને બાળકની નજર ઊતારવા પણ લોકો યશુ પાસે આવવા માંડ્યાં, એ વખતે યશુ નમ્રતાથી ના પાડતી.

"હું નજર ઊતારવાની કોઈ વિદ્યા જાણતી નથી, જ્યારે કોઈ રસ્તો ન સૂઝે ત્યારે હું તો મારા રામજીને પ્રાર્થના કરું છું." યશુ લોકોને કહેતી.

છતાં લોકો આગ્રહપૂર્વક યશુનો હાથ બાળક ઉપર મૂકાવડાવે, એવે વખતે યશુ આંખો બંધ રાખીને મનમાં "સીતારામ" ની માળા જપવા માંડે.

થોડીવાર આ રીતે કર્યા પછી યશુ કહેતી, "મારા રામજીને પ્રાર્થના કરજો, બાળક જરૂરથી સાજું થઈ જશે."

બાળક સાજું થઈ પણ જાય એટલે વળી પાછા એ લોકો યશુ પાસે આવીને બાળકને માથે હાથ મૂકીને આશીર્વાદ આપવા જણાવે.

યશુ બાળકના માથે હાથ રાખીને વહાલથી કહેતી, "મારા રામજી કાયમ સાજો નરવો રાખે ને લાંબું આયુષ્ય આપે." આવા અનેક પ્રસંગોમાં સુમિત માત્ર મૂક સાક્ષી બની રહેતો.

આખાયે વિસ્તારમાંથી ગોપુ જેવડાં કંઈ કેટલાંયે બાળકો સવાર-સાંજ અને રાત્રે યશુનાં ઘર પાસે આંગણામાં ભેગાં થઈને "આન્ટી, આન્ટી.." કહેતાં યશુ પાસે આવે. 

યશુ એ બધાંયને વહાલથી મળે, ગાલે મીઠું ચુંબન કરે ને નવરી પડે ત્યારે જાતભાતની રમતો રમાડે. 

તે બાળકોને રાણાપ્રતાપ, શિવાજી, ભગતસિંહ, ગાંધીબાપુ જેવાં મહાન ચરિત્રોની વાર્તાઓ પણ કહે અને બાળકોમાં શૌર્ય, વીરતા, દયા, ક્ષમા જેવાં ગુણોનું સિંચન કરે.

અત્યાર સુધી સુમિતને એમ લાગતું કે કંચને મરતાં પહેલાં યશુના હાથમાં સોનુને સોંપી દીધો છે, પણ હવે સુમિતને એવું પણ લાગવા માંડ્યું છે કે, અહીં ભેગાં થતાં બધાંય બાળકોની માતાઓએ એમનાં બાળકોનાં ઉત્કૃષ્ટ ઊછેર માટે જાણે કે યશુના હવાલે સોંપી દીધાં છે! 

યશુ પણ બાળકો સાથે બાળક બનીને કિલ્લોલ કરતી ને મોટેરાંઓ સાથે અતિ જાજરમાન સ્ત્રી થઈને વર્તતી. 

કોઈના પણ ઘરે કોઈ સારો પ્રસંગ ઊજવવાનો હોય ત્યારે સૌ પહેલાં યશુને અચૂક બોલાવી લેતાં અને યશુની હાજરી માત્રથી પ્રસંગની રોનક દીપી ઊઠતી, યશુની ગેરહાજરી હોય તો પ્રસંગ ફીક્કો લાગે!

એવી જ રીતે કોઈપણ માઠા પ્રસંગે યશુ આપમેળે જ પહોંચી જતી અને એનાં આવવાથી જ મોટી સાંત્વના મળી રહેતી. સુમિત તો કવિ હતો, એની પાસે શબ્દોનો ભંડાર હતો, પણ યશુનાં વ્યક્તિત્વને ન્યાય આપે એવાં શબ્દો જ નહોતાં!

છોકરીઓનાં ગૌરીવ્રતો હોય કે બહેનો જ્યારે દશામાનું વ્રત કરે ત્યારે રાત્રિ-જાગરણ કરવાના દિવસે આ બધી છોકરીઓને અને બહેનોને યશુ વગર જાગરણ કરવું ગમે ખરું? 

સૌ યશુને હકપૂર્વક પોતાની સાથે જાગરણ કરાવવા લઈ જાય અને યશુ પણ હોંશેહોંશે સૌને જાગરણની રાતે આનંદ-કિલ્લોલ કરાવે.

એક સવારમાં સુમિત અને યશુ ઘરે બેઠાં હતાં અને એકાએક ખબર મળી કે બહાદુરસિંહને હાર્ટએટેક આવ્યો છે. ખબર સાંભળતાં જ યશુ સુમિતને લઈને તાબડતોબ બહાદુરસિંહના ઘર આગળ આવી પહોંચી, ઘરની બહાર લોકો ભેગાં થઈ ગયાં હતાં. 

યશુ અને સુમિત- બંનેએ બહાદુરના ઘરમાં જઈને જોયું તો બહાદુરને ઉલ્ટી થયેલી અને તે છાતીમાં અસહ્ય દુખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યો હતો. 

કુંવરબા અને હર્ષાબા બંને એટલાં ગભરાઈ ગયેલાં કે શું કરવું એ સૂઝતું નહોતું. સુમિતે બહાદુરના ઘરેથી આશાને ફોન કરીને વિગત જણાવી ને તત્કાલ એમ્બ્યુલન્સ મંગાવી. 

દરમ્યાન યશુ કુંવરબાને અને હર્ષાબાને સંભાળી રહી હતી, દસેક મિનિટમાં એમ્બ્યુલન્સ આવી કે તરત બહાદુરને ઉપાડીને વાનમાં સૂવડાવ્યો. 

સુમિત, યશુ અને કુંવરબા પણ સાથે આશાની હોસ્પિટલે ગયાં, ત્યાં ડો. રાજેશે પૂર્વ તૈયારી કરી રાખેલી.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."