મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૨૯)
બહાદુરને ઉલ્ટી થયેલી અને તે છાતીમાં અસહ્ય દુખાવો થતો હોવાની ફરિયાદ કરી રહ્યો હતો. કુંવરબા અને હર્ષાબા બંને એટલાં ગભરાઈ ગયેલાં કે શું કરવું એ સૂઝતું નહોતું. સુમિતે બહાદુરના ઘરેથી આશાને ફોન કરીને વિગત જણાવી ને તત્કાલ એમ્બ્યુલન્સ મંગાવી. દરમ્યાન યશુ કુંવરબાને અને હર્ષાબાને સંભાળી રહી હતી, દસેક મિનિટમાં એમ્બ્યુલન્સ આવી કે તરત બહાદુરને ઉપાડીને વાનમાં સૂવડાવ્યો. સુમિત, યશુ અને કુંવરબા પણ સાથે આશાની હોસ્પિટલે ગયાં.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
ત્યાં ડો. રાજેશે પૂર્વ તૈયારી કરી રાખેલી અને તે મુજબ સૌથી પહેલાં બહાદુરને ઈમરજન્સી રૂમમાં દાખલ કરીને તરત જ એક ઈન્જેક્શન આપ્યું. ડોક્ટરોની ટીમ કામે લાગી ગયેલી, જરૂરી રીપોર્ટો કરાવીને સારવાર ચાલુ કરી દીધી. બહાદુરને અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવો પડશે, પણ ચિંતા કરવા જેવું નથી એવું ડો. રાજેશ તરફથી કહેવામાં આવ્યું.
કુંવરબા એકલા દવાખાને રહેશે અને બીજાં કોઈએ દવાખાને રહેવાની જરૂર નથી તેવું જ્યારે આશાએ કહ્યું ત્યારે યશુએ કુંવરબાને કીધું, "ભાભીબા, અહીંયાં આશા છેને, તેથી કોઈ ચિંતા કરવા જેવું નથી, આ તો ઘરની જ હોસ્પિટલ છે." ઘરે હર્ષાબા એકલી હોઈને યશુ અને સુમિત કુંવરબાની રજા લઈને ઘરે પરત ફર્યાં.
હર્ષાબાને આજુબાજુવાળા લોકો સમજાવી રહ્યાં હતાં ત્યાંજ યશુ ને સુમિત આવી પહોંચ્યાં. યશુને જોઈને હર્ષાબા એને વળગીને રડવા માંડી, યશુએ એને શાંત કરી અને બહાદુરનું ઘર બંધ કરીને હર્ષાબાને પોતાને ઘેર લઈ ગઈ. યશુએ હજી રસોઈ બનાવી નહોતી તેથી સુમિત ઓફિસે જમ્યા વગર નીકળી ગયો ને "જરૂર પડે તો મને ફોન કરજે તો હું તરત આવી જઈશ" એવું યશુને કહેતો ગયો.
યશુએ ફટાફટ રસોઈ બનાવીને હર્ષાબાને જમવા બેસાડી. હર્ષાબા એનાં પિતા બહાદુરની ચિંતામાં જમવા માટે રાજી નહોતી, પણ યશુએ હઠ કરીને કહ્યું કે જો તું નહીં જમે તો હુંયે નહીં જમું, છેવટે પરાણે મનાવીને હર્ષાબાને જમાડી લીધી.
બપોરે બે વાગે આશાએ યશુને ફોન કરીને કીધું કે બહાદુરભાઈને અત્યારે ફરી એટેક ચાલુ થયો છે. યશુએ હર્ષાબાથી એ વાત છાની રાખી ને પોતે હોસ્પિટલે એક આંટો મારી આવે ત્યાં સુધી શાંતિથી ઘરે આરામ કરવાનું હર્ષાબાને કહીને યશુ દવાખાને પહોંચી.
ત્યાં પહોંચીને જાણ્યું કે બહાદુરભાઈને તો લીવરમાં ચાંદા પડેલાં હોઈ તેની પણ સારવાર લેવી પડશે. કુંવરબા તો આ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયેલાં, પણ યશુએ "ભગવાન રામ ઉપર શ્રદ્ધા રાખો, સૌ સારું થઈ રહેશે" એવું કહ્યું ત્યારે કુંવરબા એટલું જ બોલી શકી કે "બેનબા, અણી ટાઈમે ભગવાન ઉપર શ્રદ્ધાય જલ્દી થતી નથી, પણ તમે બોલો છો એ કોઈ દેવીમા બોલે છે એમ માનીને ચિત્ત ઠેકાણે રહે છે."
આમ, યશુ તો જાણે ભગવાનથીયે ઉપર ન હોય તેમ જ્યારે કોઈ માનવા લાગે ત્યારે એ વાતની પ્રતીતિ થયા વગર ન રહે કે ભગવાન કરતાંયે એનો ભક્ત એક વેંત ઉપર રહે છે. બહુ જાણીતાં લોકભજનમાં સાંભળ્યું છે કે ભગવાન રામ તો ઈશ્વરીય અવતાર હતા ને છતાં તેમને લંકા જવા માટે વાનરોની મદદથી સમુદ્ર ઉપર પુલ બાંધવો પડ્યો’તો, જ્યારે હનુમાનજી તો ભગવાન રામના કેવળ ભક્ત હતાં તોપણ સમુદ્ર ઉપરથી છલાંગ મારીને જ લંકા પહોંચી ગ્યા’તાંને?
બહાદુરસિંહની તબિયત સુધરતાં તેને દવાખાનેથી રજા આપતાં તે ઘરે ગયાં ને લીવરનાં ચાંદા રૂઝવવાની સારવાર ચાલુ કરી ત્યારે લગભગ રોજજ યશુ એના ઘરે જતી. ત્યારે કુંવરબા યશુનો હાથ બહાદુરને માથે મૂકાવીને ભગવાન રામને પ્રાર્થના કરવા કહેવાનું ભૂલતી નહીં, યશુ પણ બહાદુરને સાજો કરી દેવા ભગવાન રામને પ્રાર્થના કરતી ને બહાદુરને પણ હિંમત આપતી.
યશુ ઉપર બહાદુર અને એના પરિવારનો અસીમ આદરભાવ હતો, યશુ બહાદુર કરતાં ઉંમરમાં નાની હોવા છતાં બહાદુર એને પગે લાગતો અને ત્યારે યશુ કહે પણ ખરી, "ભાઈસા’બ, હું તો તમારી નાનેરી બહેન છું, મને પગે લાગીને તમે મને શરમાવો છો!" બહાદુર એ વખતે હેતપૂર્વક જવાબ આપતો કે "ખાલી ઉંમર સિવાય બીજી બધી વાતે તું મારાથી મોટી છે, બેનબા!"
બહાદુરની સારવાર પૂરી થઈ, એનાં લીવરમાં પડેલાં ચાંદા રૂઝાઈ ગયાં, એટલે એ અને પત્ની કુંવરબા યશુનાં ઘેર ગયાં. સુમિત પણ હાજર હતો. બહાદુરે કહ્યું, "મારી બહેનનાં આશીર્વાદ મને ફળ્યાં છે, મને લીવરમાં સાવ સારું થઈ ગયું છે એટલે બહેન પાસે આવ્યો છું."
એ સાંભળીને યશુ રસોડામાંથી ત્યાં આવી અને હસતાં હસતાં બોલી, "તો બહેનને માટે કંઈ લેતાં આવ્યા છો, કે પછી ઠાલાં શબ્દોથી બહેનને રાજી રાખવા આવ્યા છો?" તરત કુંવરબાએ કહ્યું, "બહેનબા, તમારા માટે સોનાની માળા ભેટ આપવા જ આવ્યા છીએ!"
યશુએ ના પાડતા કહ્યું, "અરે! હું તો અમસ્તી હસું છું, મારે કોઈ ભેટસોગાદ થોડીજ જોઈએ છે? તમારા સુમિતભાઈ મને કોઈ વસ્તુથી વંચિત રાખે એવાં નથી, હું માત્ર ઈચ્છા પણ દર્શાવું ને, તો એ તરત જ એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર વસ્તુ હાજર કરી દે એવાં છે. મને ભગવાને ખૂબ સુખી ઘરપરિવાર આપ્યો છે ને મારે કદીયે કોઈની પાસેથી કોઈ ચીજની અપેક્ષા નથી."
કુંવરબાએ આગ્રહ કરતા કહ્યું, "પણ બહેનબા, અમે તમને ક્યાં નથી જાણતાં? આતો અમે હરખથી લાવ્યા છીએ તેથી કંઈ અમે નવાઈ પણ નથી કરતાં."
આવો વાર્તાલાપ પૂરો થયા પછી બહાદુર અને કુંવરબા બંનેએ ખૂબ આગ્રહ કર્યો એટલે સુમિતનાં કહેવાથી યશુએ પરાણે અને કચવાતાં મને બહાદુરસિંહ તરફથી લાવેલ સોનાની માળાની ભેટ સ્વીકારી તો ખરી. પણ યશુની દિલાવરી પણ ગજબની હતી, મધુબાને જ્યારે મકાન લેવા માટે પૈસાની જરૂર પડી ત્યારે સુમિતને કહીને મધુબાને થોડાં ઘણાં પૈસા આપતી વખતે બહાદુરસિંહે આપેલી સોનાની માળા પણ યશુએ મધુબાને આપી દીધી.
આમ, યશુની મદદથી મધુબા નાનું પણ પોતાનું મકાન ખરીદી શકેલ, આવીજ મદદ કરીને યશુએ જયાદીદીને પણ મકાન લઈ આપ્યું’તું. એક સમયે જયાદીદી યશુ પ્રત્યે કોઈજ આદરભાવ દર્શાવતી નહીં, પણ હવે તે યશુને જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે જાણે યશુ તેની મા હોય તેમ તેનાં ગળે વળગી પડતી અને યશુથી છૂટા પડવું એને સહેજપણ ગમતું નહીં, છૂટા પડતી વખતે તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડતાં.
યશુની પ્રિય સખી આશા જ્યારે મા બની ત્યારે તો યશુના હૈયામાં આનંદનો સાગર સર્જાયો. આશાની નવી જન્મેલી દીકરીને હેતથી રમાડવા એ દોડીદોડી આશાના ઘેર વારેવારે જતી, એકવાર એણે હસતાં હસતાં આશાને કહ્યું પણ ખરું, "આશા, તારી દીકરી તારા જેવીજ રૂપાળી છે, મને એ કાયમ માટે આપી દઈશ? મારા ગોપુને માટે?"
આશાએ ત્યારે જવાબ પણ આપ્યો, "દીદી! મારા શરીર ઉપર, મારા મન ઉપર અને મારી દરેકેદરેક ચીજ ઉપર તારો પહેલો અધિકાર છે! વખત આવશે ત્યારે તારા ગોપુને માટે તું મારી આ દીકરી લેવા આવીશ તો હું કે રાજેશ તને થોડું કંઈ 'ના' પાડીશું!? તારાથી વળી રૂડું શું હશે?"
સોનુ ૧૨મા ધોરણમાં બોર્ડની પરીક્ષા માટે શરૂઆતથી જ સતર્ક રહીને અભ્યાસમાં ખૂબ ધ્યાન આપી રહ્યો હતો. એને ટાઈમસર ચા, નાસ્તો, ખાવાનું વગેરે બાબતોની યશુ પૂરેપૂરી કાળજી રાખે. ક્યારેક મોડીરાત સુધી સોનુનું વાંચન ચાલુ રહેતું.
એ વખતે યશુ ઊઠીને એની પાસે આવતી ને કહેતી, "બેટા, બહુ વાંચ્યું આજે, હવે સૂઈજા. અભ્યાસની જોડેજોડે આપણું શરીર પણ સાચવવું પડે, નહીંતર પરીક્ષા ટાંકણેજ માંદા પડી જવાય તો 'બાવાના બેય બગડે' - પરીક્ષાય સરખી આપી ન શકીએ!"
આમ ઘણીવાર સોનુ મમ્મીનું કહ્યું માનીને સૂઈ પણ જતો ને ક્યારેક એ મમ્મીને સમજાવી પટાવીને આખી રાત વાંચવાનું ચાલુ રાખતો. અને બન્યું પણ એવું જ! બરાબર બોર્ડની પરીક્ષાને બે અઠવાડિયાની વાર હતી ને સોનુને "ટાઈફોઈડ" થયો.
તેથી યશુ તો જાણે એના પર પહાડ તૂટી પડ્યો હોય તેમ સોનુની ચાકરીમાં રાતદિવસ જોયા વગર રોકાયેલી રહી. રામનામની માળાની જોડેજોડે સોનુનું સતત ધ્યાન રાખે, એને એક અઠવાડિયું તો આશાની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
પરિણામે, બોર્ડની પરીક્ષામાં એ સંતોષકારક રીતે પેપરો લખી શક્યો નહીં, તેથી એ હતાશ પણ રહેતો. એનાં ચહેરા પરની હતાશાની રેખાઓ યશુ સહેલાઈથી વાંચી શકતી અને કહેતી પણ ખરી, "એક વરસ કદાચ સારું પરિણામ ન આવે તો તેથી કંઈ નિરાશ થોડું થવાય? હજી આગળ આપણે ક્યાં નથી ભણવાનું? હવે પછીની બાજી સુધારી લઈએ ને? અને વરસ હારવાથી કંઈ જિંદગી થોડી હારી જવાય, દીકરા?"
સોનુએ ચિંતા વ્યક્ત કરી, "પણ મમ્મી! સારા ટકા ન હોય તો કહેવાતી સારી કોલેજોમાં એડમિશન ન મળે, મને એ ચિંતા છે."
યશુએ હિંમત આપતા કહ્યું, "કોલેજ જેવી હોય તેવી, આપણે એક્સ્ટ્રા ટ્યુશન રાખીને પણ સારા ટકા લાવી શકીએ ને? ચિંતા શુંકામ કરીએ? તારે ભણવામાં જે જોઈએ તે તને આપવામાં થોડાં કોઈ 'ના' પાડે છે, દીકરા?"
આ રીતે સોનુના મનમાંથી ચિંતા ખંખેરવામાં યશુ કોઈ કચાશ રાખતી નથી. જ્યારે સોનુનું રીઝલ્ટ આવ્યું ત્યારે ધારણા મુજબનું સામાન્ય રીઝલ્ટ આવ્યું, એ પચાસ ટકાએ "સેકન્ડ" ક્લાસમાં પાસ થયો.
સોનુને હવે શહેરની નામાંકિત કોલેજમાં એડમિશન મળવાની કોઈ શક્યતા રહી નહીં, પણ મધ્યમ ગણાતી કોલેજોમાં પણ એડમિશન માટે ફાંફા પડવા માંડ્યા. એ કંઈ કેટલીયે કોલેજોમાં જઈ આવ્યો, પણ ક્યાંય એનાં એડમિશનનો ગજ વાગ્યો નહીં.
એડમિશન માટે જ્યાંત્યાં ફોર્મ ભરે ખરો, પણ છેવટે નિરાશ થવું પડે! બાકીની કોલેજોએ તો પ્રવેશદ્વાર આગળ જ "નો-એડમિશન" કે "એડમિશન ફુલ" નાં બોર્ડ લગાવી દીધાં હોય એટલે ત્યાંથી જ સોનુને પાછા ફરવું પડતું, એટલે એણે હતાશ વદને યશુને કહ્યું, "મને ક્યાંય એડમિશન મળતું નથી તો હવે શું કરીશું, મમ્મી?"
યશુએ એને વહાલથી પંપાળતા કહ્યું, "દીકરા! આજે પપ્પા ઘેર આવે ને, એટલે એમને વાત કરું. એમને ઘણી ઓળખાણો છે, એ કોઈની ને કોઈની ભલામણ કરાવી આપશે, ક્યાંક તો તને સો ટકા એડમિશન મળશે! જરાય મૂંઝાઈશ નહીં. મને આપણા રામજી ઉપર પૂરો વિશ્વાસ છે. કોઈથી જ્યારે કામ ન થાય ને! ત્યારે એ વહારે આવે, પછી કોઈ કામ અટકે ખરું!?"
સાંજે સુમિતને વાત કરી એટલે બીજે દિવસે એણે એક કોલેજનાં ટ્રસ્ટીની ભલામણ ચિઠ્ઠી મેળવી જે લઈને સોનુ એ કોલેજમાં એડમિશન માટે ગયો. પણ કોલેજના દરવાજે ઊભા રહેલ પહેરેગીરોએ એને અંદર જવા જ ન દીધો.
એણે ભલામણ ચિઠ્ઠી બતાવી તો એવો જવાબ મળ્યો કે બપોર પછી આવજો, એટલે એ નિરાશ થઈને ઘેર પાછો આવ્યો.
સોનુના ચહેરાને જોતાંજ યશુને દયા આવી ગઈ. એને થયું કે સોનુ એડમિશન માટે આમથીતેમ એકલોએકલો રખડીને, નિરાશ થઈને કંઈ કરી બેસશે તો? તો મારું જીવતર નકામું થઈ જાયને?
બસ, એક મા તરીકેના સહજ રીતે આવા નબળા વિચારથી એ પોતે બપોર પછી સોનુની સાથેજ કોલેજ ઉપર ગઈ. એ સમયે દરવાજા ખોલી નાંખેલાં હતા.
યશુ સોનુને લઈને સીધીજ પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં અંદર આવવાની રજા માંગીને જતી રહી. સાહેબે ગુસ્સાથી કહ્યું, "એડમિશન માટે આવ્યા હોવ તો બહાર જતા રહો."
યશુએ મક્કમતાથી કહ્યું, "સાહેબ, એડમિશન માટે જ આવી છું."
"બહાર 'એડમિશન ફુલ'નું બોર્ડ વાંચ્યું નહીં?" પ્રિન્સિપાલે તણખાઈને પૂછ્યું.
"વાંચ્યું છે, સાહેબ! પણ...." યશુ આગળ બોલવા ગઈ ત્યાં સાહેબે એને અધવચ્ચે જ અટકાવી દીધી.
"પણ બણ કંઈ સાંભળવું નથી, પ્લીઝ બહાર નીકળી જાવ." પ્રિન્સિપાલે સામે જોયા વગર જ કહી દીધું.
"સાહેબ, ટ્રસ્ટીની ભલામણ હોય તોપણ નહીં?" યશુએ અત્યંત નમ્રતાપૂર્વક પૂછ્યું.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
