મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-30)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૦)

યશુ સોનુને લઈને સીધીજ પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં અંદર આવવાની રજા માંગીને જતી રહી. સાહેબે કહ્યું, "એડમિશન માટે આવ્યા હોવ તો બહાર જતા રહો."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"સાહેબ, એડમિશન માટે જ આવી છું." યશુએ નમ્રતાથી કહ્યું.

"બહાર 'એડમિશન ફુલ'નું બોર્ડ વાંચ્યું નહીં?" પ્રિન્સિપાલે પૂછ્યું.

"વાંચ્યું છે, સાહેબ! પણ...." યશુ આગળ બોલવા ગઈ ત્યાં સાહેબે એને અધવચ્ચે જ અટકાવી દીધી.

"પણ બણ કંઈ સાંભળવું નથી, પ્લીઝ બહાર નીકળી જાવ." પ્રિન્સિપાલે સામે જોયા વગર જ કહ્યું.

"સાહેબ, ટ્રસ્ટીની ભલામણ હોય તોપણ નહીં?" યશુએ અત્યંત આદરપૂર્વક પૂછ્યું.

"ટ્રસ્ટીની ભલામણ હોય તો જલ્દી રજૂ કરો, મારી પાસે બીજાં ઘણાં કામ છે." સાહેબે થોડા નરમ થઈને કહ્યું. એટલે યશુ એ, "જી, સર. આ રહી ચિઠ્ઠી." એમ કહીને સાહેબને ભલામણ પત્ર આપ્યો.

સાહેબે જોયું કે ટ્રસ્ટનાં "લેટરહેડ" પર જ ભલામણ હતી ને એમાં ટ્રસ્ટીની સહી પણ હતી, એટલે ચિઠ્ઠી પૂરી વાંચવાની તસ્દી લીધા વગર જ પૂછ્યું, "તારા 'પેરેન્ટ્સ' શું કરે છે, છોકરી?"

યશુએ અતિ નમ્રતાથી જણાવ્યું, "સર, હું તો છોકરાની મા છું, એડમિશન મારા આ છોકરાને લેવાનું છે, મારે નહીં!"

અત્યાર સુધી સાહેબ સામે જોયા વગર જ બોલ્યે જતા હતા, પણ યશુનો જવાબ સાંભળીને સાહેબે આશ્ચર્યથી યશુની સામે જોયું. યશુને જોતાંજ સાહેબ ભોંઠા પડી ગયા.

સાહેબ સહેજ ક્ષોભ સાથે બોલ્યા, "ઓહ, સોરી મેડમ! આપની ઉંમર લાગતી નથી તેથી ભૂલ થઈ ગઈ. નાની ઉંમરે લગ્ન થઈ ગયા હશે ને?"

"હા સર, મારી ઉંમર અત્યારે ૩૭ વર્ષની જ છે, એટલે કોઈ પણ એવું માને નહીં કે મારે અઢાર વરસનો છોકરો છે, આપની ભૂલ થાય એ સ્વાભાવિક છે, એમાં શું થઈ ગયું? તેથી મને કંઈ ખરાબ નથી લાગ્યું." યશુએ સાહેબની મૂંઝવણ દૂર કરી.

સાહેબ પ્રભાવિત થઈને બોલ્યા, "મેડમ, સાચું કહું તો આપની ઉંમર તો વીસથી વધુ લાગતી નથી! આપે 'ફિઝિક' સારું 'મેનટેઇન' કર્યું છે! આપના પતિ શું કરે છે?"

"સર, એ મોટી કંપનીમાં જનરલ મેનેજર છે, ને પોતે કવિ ને ગાયક બંને છે." યશુએ ગર્વથી કહ્યું.

"ફાઇન! શું નામ છે એમનું?" પ્રિન્સિપાલે પૂછ્યું.

"સુમિત" યશુએ ટૂંકો જવાબ આપ્યો.

"યા, નામ તો જાણીતું છે!" સાહેબે યાદ કરતાં કહ્યું.

"ક્યારેક આપની કોલેજમાં એમની પાર્ટી ગોઠવશો તો સર, એમનાં સ્વરચિત ગીતો સાંભળવાનું છોકરાંને ને સાહેબોને- બધાંને ખૂબ ગમશે." યશુએ પ્રસ્તાવ મૂક્યો.

સાહેબે હસીને કહ્યું, "ચોક્કસ, ગોઠવીશું."

હવે પ્રિન્સિપાલ સાહેબે સામેની ખાલી ખુરશીમાં બેસવા માટે યશુને હાથથી ઈશારો કર્યો એટલે યશુ બેઠી. સાહેબે "ડોરબેલ" મારીને પટાવાળાને અંદર બોલાવ્યો ને "એફ.વાય. કોમર્સ"નું એડમિશન ફોર્મ મંગાવ્યું. 

પટાવાળો તરત જ ફોર્મ લઈ આવ્યો, સાહેબે કોરા ફોર્મમાં જ નીચે પોતાની સહી કરીને ફોર્મ યશુને આપીને કહ્યું, "મેડમ, આ ફોર્મમાં વિગતો શાંતિથી ભરીને બહાર કાઉન્ટર પર એડમિશન-ફી જમા કરાવશો એટલે પહોંચ આપશે. તમારા છોકરાનું એડમિશન કન્ફર્મ. ઓ.કે.?"

યશુએ બે હાથ જોડીને સાહેબનો આભાર માન્યો અને ત્યાંથી બહાર નીકળી. સાહેબે ફરીથી યશુને "સોરી" કહેતાં યશુએ "મેન્શન નોટ સર" એવું વિવેકપૂર્ણ રીતે બોલીને બહાર આવીને એડમિશનની વિધિ પૂરી કરી, ને સોનુને લઈને ઘેર ગઈ.

સાંજે સુમિતે સોનુને પૂછ્યું, "બેટા, શું થયું પછી? એડમિશન લીધું?"

"હા, પપ્પા. એડમિશન મળી ગયું છે, ચિઠ્ઠી હતી એટલે જ મળ્યું. મમ્મી પણ મારી જોડે આવેલી. અને... હા પપ્પા, ત્યાં કોલેજમાં જે બન્યું એની વાત તમે સાંભળો તો ખૂબ હસશો, પાપા!" સોનુએ ઉત્સાહથી કહ્યું.

યશુ વચ્ચે જ બોલી, "સોનુ! કોલેજમાં સાહેબે તો ભૂલથી પૂછ્યું’તું, એ પાપાને કહેવાની જરૂર ખરી?"

"પપ્પા, પ્રિન્સિપાલ સાહેબ તો એવું સમજ્યા’તા કે એડમિશન મમ્મીને લેવાનું છે! મમ્મીને પૂછ્યું: 'તારા પેરેન્ટ્સ શું કરે છે, છોકરી?'"

"પછી મમ્મીએ ચોખવટ કરવી પડી કે 'એડમિશન મારા છોકરાને લેવાનું છે!' એટલે સાહેબ મમ્મીને 'સોરી' કહીને પછી કહે કે 'આપની ઉંમર લાગતી નથી તેથી ભૂલ થઈ ગઈ' અને તે પછીજ સાહેબે મમ્મીને ખુરશીમાં બેસવાનું કહ્યું, ને ત્યાં લગી તો મમ્મી એમની સામે ઊભી જ રહી’તી." સોનુએ હસતા હસતા આખી વાત કહી દીધી.

સુમિતને સહજ હસવું આવી ગયું, "બેટા, તારી મા જો ફરીથી કોલેજ 'જોઇન' કરેને, તો જવાન છોકરાં એનાં પ્રેમમાં પડ્યા વગર રહે નહીં, હોં! અને પછી આ તારો બાપ તો એને બુઢ્ઢો લાગે!" 

જ્યારે સુમિત આવું બોલ્યો ત્યારે યશુએય હસતાં હસતાં કહ્યું, "તો તો પછી, સોનુ! તારા પપ્પાને જોઈને મારે પેલું ગીત રોજ ગાવું પડેને! 'મૈં ક્યા કરું રામ, મુજે બુઢ્ઢા મીલ ગયા....!' " આ સાંભળી ત્રણેય ખડખડાટ હસવા માંડ્યાં.

સોનુ જેવો ઘરની બહાર નીકળ્યો તે પછી સુમિતે વરસો પહેલાં પૂછેલો પ્રશ્ન ફરીથી યશુને પૂછ્યો, "તારા કોલેજકાળમાં તારી પાછળ ઘણાં છોકરાં પાગલ હશે! તેં ક્યારેય કોઈને દિલ આપ્યું નહીં?"

"હશે, ઘણાં મારી પાછળ પાગલ હશે, પણ મેં એવી કોઈની દરકાર પણ કરી નહોતી. ઉલ્ટાનું, હું તો 'દિલ' આપી ચૂકી’તી." 

"પણ એ પુરુષ તારા સિવાય બીજો કોઈ નહીં, સુમિત! હું મારા કોલેજકાળથી તને ચાહું છું, પણ એ વખતે એ મારો 'વનસાઇડેડ' લવ હતો! મને ક્યાં ખબર હતી કે તું 'મેરીડ' છે? સાચુંને, સુમિત?"

"અમારી કોલેજમાં તારા પ્રોગ્રામમાં હું આવી’તી એ તો તને યાદ છેને? મેં તને એ વખતે પણ 'આઈ લવ યુ' કહી દીધું’તું, ખબર છેને?" યશુએ હૈયું ખોલ્યું.

યશુનું વાક્ય સાંભળીને સુમિતની છાતી ગજગજ ફૂલવા લાગી. તે પછી સુમિતને ભૂખ લાગી’તી એટલે કંઈક ખાવા બનાવી આપવાનું યશુને સૂચન કરતાં યશુ રસોડામાં ચાલી ગઈ. 

પણ સુમિતના મનમાં પેલી શંકાનો કીડો પાછો સળવળ્યો કે આ મહોલ્લામાંથી જ ઘણાં યશુના એકતરફી પ્રેમમાં પડી ગયા હશે તેથી કોઈને કોઈ બહાને યશુ પાસે રોજ દોડી આવે છે. 

જોકે, યશુ મારા સિવાય કોઈને પ્રેમ કરે એવી નથી! બીજાઓ પ્રત્યેનો એનો પ્રેમ અને મારા પ્રત્યેના પ્રેમમાં ફરક તો ખરોને? હું એનો પતિ છું, જ્યારે બીજાં તો યશુ માટે ભાઈ કે દીકરા તુલ્ય હોય ને? 

ભલીભોળી અને વિશાળ દિલની યશુના પવિત્ર પ્રેમ વિશે સમાજમાં ક્યાંક કોઈ ગેરસમજ કરે તો યશુની આબરૂનું શું? આમ સુમિતને આવા વિચારો વારંવાર આવવા માંડ્યા એટલે એણે એક દિવસે યશુને ટોકી.

"યશુ! હું જાણું છું કે 'પ્રેમ આપવો ને પ્રેમ પામવો' એ તારો જીવનમંત્ર છે, ને તે મંત્રને તેં તારા વ્યવહારમાં પણ સરસ રીતે વણી લીધેલ છે, મને તારા માટે ખૂબ ગૌરવ પણ થાય છે."

"પણ યશુ, તારી પાસે આવતાં દરેક જણ સરખાં ન હોય. કોઈ તારા રૂપને નીરખીને આંખોને સંતોષ આપવા ગમેતે બહાને પણ આવતા હોય! આપણે ક્યાં કોઈના મનને જાણી શકીએ છીએ?"

"મને એક વાતની ચિંતા રહે છે કે તારાં નિ:સ્વાર્થ અને પવિત્ર પ્રેમ વિશે સમાજમાં ગેરસમજ ફેલાય તો તારી બદનામી પણ થાય."

"તું નિર્દોષ હોવા છતાં સમાજની ટીકાઓનો સામનો કરવાનો વખત પણ આવે ત્યારે તું સમાજ આગળ તારી નિર્દોષતા પુરવાર કરી શકીશ?" સુમિતે પોતાની ચિંતા ઠાલવી.

યશુએ સ્મિત સાથે કહ્યું, "સુમિત! સારું અને નરસું પારખવાની મારા રામે મને વિવેકશક્તિ આપી છે, આ તારી યશુની ક્યારેય બદનામી નહીં થાય. તું નાહકની ચિંતા કરે છે! તને મારા પર ભરોસો છેને?"

"સમાજમાં તને નીચાજોણું ક્યારેય નહીં થવા દઉં, સુમિત! કોઈ મારા રૂપરંગથી આકર્ષાઈને આવતા હશે તોપણ હું એને પાપ નથી ગણતી, ભલેને આવે! ઈશ્વરે સર્જેલી આ સૃષ્ટિમાં પણ સૌંદર્ય ક્યાં ઓછું છે?"

"સરસ મજાનું ફૂલ એના રંગ અને સુગંધથી આપણને આકર્ષણ જગાડે એ કુદરતી નિયમ છે. અમારે ભણવામાં કવિ કલાપીની કવિતા આવતી, એમાં કલાપીએ કહ્યું છેને કે 'સૌંદર્યને પામતા પહેલાં સુંદર બનવું પડે!'"

"આપણો આત્મા સુંદર હોય તો બધુંજ સુંદર છે. હું મારા શ્રીરામની દુહાઈ આપીને કહું છું કે, જીવતી હોઈશ ત્યાં સુધી તો શું, મારા મૃત્યુ પછી પણ તને મારે કારણે નીચાજોણું થવાનું નહીં આવે." යશુએ ખાતરી આપી.

સુમિત ગદગદ થઈને બોલ્યો, "યશુ! તને હું અનહદ ચાહું છું, તારા પર પૂરો ભરોસો છે. ભરોસો, પ્રેમ, એ બધાં જાણે કે તારાં જ, એટલે કે 'યશુ'નાં જ પર્યાય માનું છું."

"મારી ચિંતાને તું મારો વહેમ નહીં માનતી, હું કદીયે તારા પ્રત્યે વહેમ રાખીજ ન શકું. તને હું એકલો જ નહીં, ઘણાંબધાં લોકો પણ એક દેવી તરીકે જુએ છે."

નજીકમાં નવરાત્રિ આવી રહી હતી. યશુની આગેવાની હેઠળ મહોલ્લાના પૂરા સહયોગથી નવરાત્રિ મહોત્સવની તૈયારી થઈ ગઈ. 

સૌ સ્ત્રી-પુરુષ, બાળકો અને યુવાન છોકરાંછોકરીઓ ઉલ્લાસભેર માતાજીની માંડવી આગળ આરતીના સમયે હાજર થઈ ગયાં. પહેલા દિવસની આરતી સૌના આગ્રહથી યશુના હાથે ઉતારવામાં આવી, તે પછી ગરબાની રમઝટ શરૂ થઈ. 

બહારની કોઈ પાર્ટી વગર સ્થાનિક મહિલાઓના મુખેથી જ ગરબા ગવાય. યશુને તો કેટલાંય ગરબાં કંઠસ્થ હતાં, એટલે ગરબા એકધારા ગવાતાં. 

મધ્યરાત્રિએ ગરબાની પૂર્ણાહૂતિ કરીને ફરીથી આરતી-પ્રસાદ લઈને સૌ ઘેર પરત થયા. આમને આમ નવે દિવસો રંગેચંગે ગરબા ગવાયાં, આઠમની રાતે તો મોડે સુધી કાર્યક્રમ ચાલુ રાખેલ. 

યશુને તો આખી નવરાત્રિ નકોરડા ઉપવાસ રાખવામાં આનંદ આવતો, સુમિતની "ના" છતાં યશુએ ઉપવાસ તો પૂરા કર્યા જ! દશેરાને દિવસે માતાજીનો હવન પણ થયો, સાંજે પૂર્ણાહૂતિ પછી સમૂહભોજનનો પ્રસાદ લઈ સૌ વિદાય થયાં.

પણ એ રાત્રે યશુની તબિયત નરમ પડી. સુમિતે ચિંતાથી કહ્યું પણ ખરું, "એકબાજુ નવે દિવસનાં આકરાં ઉપવાસ અને બીજીબાજુ રાતનાં ઊજાગરાનાં કારણેજ તારી તબિયત બગડી છે, તેં મારું ધરાર માન્યું નહીં."

"આકરા ઉપવાસ ન કર્યા હોત તો શું માતાજી ક્રોધિત થાત?" સુમિતે ઠપકો આપ્યો.

યશુએ ધીમા અવાજે કહ્યું, "એવું નહીં, સુમિત. હું વરસોથી આ જ રીતે નવરાત્રિમાં ઉપવાસ કરતી આવી છું, ક્યારેય તબિયતને વાંધો આવ્યો નથી."

"હું કોઈ અંધશ્રદ્ધાથી દોરાઈને આવું કરું છું, એવું તું શું કામ માને છે? મારા હૈયાના ઉમળકાથી હું ઉપવાસ કરું છું, મને એમાં જે આનંદ આવે છે તે હું શબ્દોમાં કહી શકું એમ નથી. તું ચિંતા નહીં કર, હું કાલે જ ઠીક થઈ જઈશ."

બીજે દિવસે યશુને સખત ઠંડી સાથે તાવ ચડ્યો. નજીકના દવાખાને સુમિત એને લઈ ગયો, દાક્તરે તપાસીને "મેલેરિયા"નું ઇંજેક્શન આપ્યું. 

દાક્તરે ત્રણ ઇંજેક્શનો લેવાનું કહ્યું’તું તેથી બીજે દિવસે સુમિતને સાથે આવવાની જરૂર નથી એમ કહીને યશુ એકલી જ દવાખાને ગઈ અને ઈંજેક્શન લઈને પાછી ફરી, એ ઘરે આવી તે પછીજ સુમિત ઓફિસ ગયો. 

ત્રીજે દિવસે પણ સુમિતને ઘેર રાખીને એ એકલી ઇંજેક્શન લઈને ઘેર પાછી ફરી ને અચાનક યશુથી રાડ પડાઈ ગઈ, "સુમિત...! મને બહુ ગભરામણ થાય છે, પ્લીઝ સુમિત. મને આશાની હોસ્પિટલમાં દાખલ કરી દે, મને કંઈજ દેખાતું નથી! હું નહીં જીવું....!"

સુમિત પણ ખૂબ ગભરાયો. યશુ કંઈ એટલી કોમળ નહોતી કે એકદમ જ હિંમત હારી જાય, છતાં આજે એને આ રીતે હિંમત હારતી જોઈને એણે દોટ મૂકીને યશુને ઝાલી લીધી, નહીંતર યશુ નીચે ફસડાઈ પડત. 

પછી તરત જ એણે સોનુને બૂમ પાડીને બોલાવ્યો, ગૌરી-ગોપુ પણ મમ્મીની આવી હાલત જોઈને રડવા માંડ્યાં.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."