મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૧)
"તારી મમ્મીને ધીમેથી બહાર લઈને આવ એટલામાં હું ગાડી સ્ટાર્ટ કરું છું." એવું સોનુને કહીને સુમિત ગાડીની ચાવી લઈને ઝટપટ બહાર નીકળ્યો.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
સોનુએ મમ્મીને ઊભી કરી ને ધીમેકથી એને પકડીને બહાર નીકળવા જઈ રહ્યો’તો, પણ ખૂબજ અશક્તિને કારણે યશુથી ચાલી પણ શકાતું નો’તું. સોનુએ પળનો પણ વિલંબ કર્યા વગર પોતાની બાંહોપાશમાં મમ્મીને તેડી લીધી.
તેડીને એ પપ્પાની ગાડીના દરવાજા સુધી આવી પહોંચ્યો અને પાછલી સીટ ઉપર મમ્મીને સૂવડાવી પોતે જરાક જેટલી જગ્યામાં મમ્મીના પગ આગળ ગોઠવાયો એટલે સુમિતે ગાડી હંકારી મૂકી. બેય બાળકોને આગલી સીટ પર સુમિતે બેસાડ્યાં, રસ્તામાં ક્યાંય ગાડી સહેજપણ થોભાવ્યા વગર આશાની હોસ્પિટલે પહોંચ્યા.
યશુને ગાડીમાંથી બહાર કાઢી સોનુએ ફરીથી એને ઊંચકી લીધી. આશાની નજર પડતાં જ એણે યશુને અંદર લઈ લીધી. સુમિત બંને બાળકોને છાના રાખવાનો પ્રયત્ન કરતો હતો અને એ પણ બાળકો સાથેજ હોસ્પિટલમાં આવી ગયો.
રાજેશ પણ હાજર હતો. યશુને તપાસવા તરત જ હોસ્પિટલનાં બીજાં ડોક્ટરોને સૂચના આપતાં એણે યશુની પૂછપરછ કરી લીધા પછી તરત જ "ઝેરી મેલેરિયા" માટેની સારવાર ચાલુ કરી દીધી.
રીપોર્ટ પહેલાંજ સારવાર ચાલુ કરી દેવી પડે એવું હતું. રીપોર્ટમાં પણ "ઝેરી મેલેરિયા" હોવાનું "કન્ફર્મ" થયું. યશુને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવી પડી, સુમિતે રજા રાખીને યશુની ચાકરી સંભાળી. સોનુ પણ આશાને ત્યાંથી જ જમીને કોલેજ જતો.
બંને બાળકો પણ ત્રણેય દિવસ સ્કૂલે ગયાં નહીં, આશાની પાસે જ રહ્યાં. ચોથે દિવસે યશુને હોસ્પિટલમાંથી રજા આપી એટલે સૌ ઘેર ગયાં.
યશુને ભારેખમ દવાઓ લેવાને કારણે ખાવાનું મોંએ આવતું નહોતું ને અશક્તિ પણ વર્તાતી હતી, તેથી સુમિત હજીપણ ઓફિસ જઈ શકતો નહોતો. એણે ફોનથી ઓફિસમાં જાણ કરીને રજા મેળવી લીધેલી.
યશુને હજી બે-ચાર દિવસ સંપૂર્ણ આરામ લેવાનો હોઈ એને સહેજપણ ઊઠવા દેવાતી નહોતી. હા, યશુને સંડાસ-બાથરૂમ લઈ જતી વખતે પણ સુમિત એની સાથે રહી એના પર પૂરેપૂરું ધ્યાન આપતો હતો.
યશુની ચાકરી કરતા સુમિતને જોઈને યશુ પણ કહેવા લાગી, "તને હું અત્યારે હેરાન કરી રહી છું, મને એ ઠીક નથી લાગતું."
સુમિતે એને આશ્વાસન આપતા કહ્યું, "યશુ! તું એવું કેમ બોલે છે? મારી ફરજ નથી? તારી જગ્યાએ હું હોઉં તો શું તું બેસી રહે? મારી ચાકરી ન કરે?"
"સોરી સુમિત! પણ મને આવું થયું એટલે તને મુશ્કેલીમાં તો મૂક્યોને? મારે લીધે તું ઓફિસ પણ જઈ શકતો નથી."
"પણ સુમિત, તું મને કાયમ આ રીતેજ સાચવજે. તું છે તો હું છું, આ જિંદગી જીવવા જેવી લાગે છે, તારો પ્રેમ છેને, એટલે! તેં કંચનદીદીનીયે કંઈ ઓછી સેવા કરી છે? એ જોઈને જ તો તારી સાથે મેં લગ્ન કર્યા છે! આવો આદર્શ, ભાવુક અને પ્રેમાળ પતિને પામીને હું ધન્ય બની ગઈ છું, સુમિત!" યશુએ લાગણીવશ થઈને કહ્યું.
યશુની સેવામાં ઘેર રહીને સુમિત યશુના મોંએથી એનાં યશોગાન સાંભળીને ખુશમિજાજમાં હતો, ત્યાં અચાનક ઓફિસમાંથી ફોન આવ્યો. સુમિતે ફોન ઉપાડ્યો ને વાત કરી.
કંપનીની પોલિસી બાબતે ઓફિસની એક "સિક્રેટ" ફાઇલની તાત્કાલિક જરૂર પડી, આ ફાઇલ એમ.ડી. એ સુમિતની કસ્ટડીમાં રાખવા આપી હતી. ફાઇલ સાંજ સુધીમાં પોતે ઓફિસે આપી જશે, એવું કહીને સુમિતે ફોનનું રિસીવર નીચે મૂક્યું અને તરત એ યશુના પલંગે આવ્યો.
સુમિતે ફાઇલ સાચવીને મૂકવા યશુને આપી હતી, તેથી એણે ફાઇલ ક્યાં મૂકી છે એ જાણવા યશુને પૂછ્યું, પણ યશુ એ વાત ભૂલી ગયેલી. એણે બહુ યાદ કર્યું, પણ યાદ આવતું નહોતું એટલે એણે કહ્યું, "સુમિત, ખાસ અર્જન્ટ ન હોય તો કાલ ઉપર રાખીશ તો હું ફાઇલ શોધી શકીશ."
ફાઇલ આજેજ ઓફિસમાં મોકલવી પડે એમ હોઈ સુમિતે યશુને કહ્યું, "તારાથી ઊભું થવાય એમ નથી, ચિંતા નહીં કરતી. પણ યાદ કરી જો કે ફાઇલ ક્યાં મૂકી હશે?"
યશુને યાદ નહોતું આવતું એટલે એણે રસ્તો બતાવ્યો, "તારા ડ્રોઅરમાં લોકરની ચાવી રાખી છે, લોકરમાં કંચનદીદીનાં ને મારાં કિંમતી દાગીના છે. એ ઉપરાંત બે ચાવીઓ પણ છે, એનાથી ઉપર-નીચેના ડ્રોઅર ખુલશે. ગમેતે એક ડ્રોઅરમાં ફાઇલ હોવી જોઈએ."
સુમિતે ડ્રોઅરમાંથી ચાવી લઈને દાગીનાવાળું લોકર ખોલ્યું. લોકરમાં રહેલી બંને ચાવીઓ લઈને એક ચાવીથી નીચેનું એક ડ્રોઅર ખોલીને જોયું, પણ એમાં ફાઇલ નહોતી એટલે બીજી ચાવીથી ઉપરનું ડ્રોઅર ખોલવાનો પ્રયત્ન કર્યો.
ચાવી ઉપર સહેજ કાટ ચડી ગયેલો તેથી ડ્રોઅરના કાણામાં ફીટ બેસીને ચાવી ફરતી જ નહોતી. ખૂબ પ્રયત્ન પછી માંડ ડ્રોઅર ખોલી શકાયું.
સુમિતે ડ્રોઅરમાં હાથ નાંખીને બહાર કાઢ્યો કે તરત એમાંથી લગ્નનો "આલ્બમ" અને એની નીચે ફાઇલ દેખાઈ. આલ્બમની હેઠેથી ફાઇલ ખેંચી કાઢી, ને તેની જોડેજ એક ખુલ્લું કવર નીચે પડ્યું.
સુમિતે ફાઇલ બાજુ પર રાખીને નીચેથી કવર ઉપાડીને જોયું તો કવર ઉપર કોઈ નામ-ઠામ નહોતું, પણ અંદર એક ચિઠ્ઠી હતી તે બહાર કાઢીને ખોલી.
સુમિત ચિઠ્ઠીનું લખાણ વાંચી રહ્યો હતો, ચિઠ્ઠીમાં "માય સ્વીટેસ્ટ હાર્ટ" એવું સંબોધન હતું અને છેલ્લે, લિખિતંગ "યોર્સ એન્ડ ઓન્લી યોર્સ બટ મોસ્ટ અનલકી લવર" એ રીતે સમાપન કરેલું હતું. ચિઠ્ઠી હજી પૂરી વાંચી પણ નહોતી ત્યાંજ સુમિતના મોંનાં હાવભાવ બદલાઈ ગયાં.
યશુ બીજા રૂમમાં સૂતી હતી. ફાઇલ મળી કે નહીં તે જાણવા યશુએ સૂતાં સૂતાં પૂછ્યું, પણ સુમિત તો ચિઠ્ઠી વાંચવામાં મશગૂલ હતો તેથી એણે સાંભળ્યું નહોતું.
સુમિતે બે થી ત્રણવાર ચિઠ્ઠીનો અક્ષરેઅક્ષર વાંચ્યો. યશુએ ફરી પૂછ્યું તો સુમિતે ફાઇલ મળી ગઈ છે એવો ટૂંકો જવાબ દીધો ને ચિઠ્ઠી કવરમાં પાછી મૂકીને કોઈના હાથે આવે નહીં તે રીતે એના ડ્રોઅરમાં કવર સંતાડીને મૂક્યું. પછી કપડાં બદલીને એ ચૂપચાપ ફાઇલ રૂબરૂ આપવા ગાડી લઈને ઓફિસ જતો રહ્યો.
થોડીવારે એ પાછો આવ્યો એટલે યશુએ પૂછ્યું, "ફાઇલ આપવા ગયા’તા?"
"હા." સુમિત વધુ કંઈ બોલ્યા વગર એના રૂમમાં જતો રહ્યો.
યશુએ પાછળથી અવાજ દીધો, "કોઈને ઓફિસમાંથી ઘેર બોલાવીને ફાઈલ ન આપી દેવાય? તું પંડ્યે ઓફિસ શું કામ ગયો? મારે થોડી ચા પીવી છે, માથું હળવું થાય! તું મૂકે છે? આપણે બેય પીશું."
સુમિતે કંઈજ જવાબ ન આપ્યો. યશુએ ફરીથી કહ્યું, પણ સુમિત મૌન જ રહ્યો. એટલામાં સોનુ કોલેજથી ઘેર આવી ગયો, એટલે યશુએ સોનુને કહ્યું, "બેટા, થોડી ચા બનાવીશ? મારે પીવી છે, પપ્પાય પીશે."
સોનુએ તરત ચા મૂકી. ચા તૈયાર થઈ એટલે મમ્મીનો કપ લઈને પહેલાં મમ્મીને આપ્યો તો મમ્મીએ પહેલાં પપ્પાને આપવાનું કહેતાં સોનુ એ કપ લઈને પપ્પા પાસે મૂકી આવ્યો ને પપ્પાનું ધ્યાન પણ દોર્યું.
બીજો કપ લઈને મમ્મીને આપીને બોલ્યો, "મમ્મી બે ઘૂંટડા ચા રાખજે, હુંયે થોડી પીશ."
મમ્મીએ વહાલથી કહ્યું, "બેટા, તારે પીવી હોય એટલી પી, ને બાકીની હું પીશ."
"ના મમ્મા! પહેલાં તું પી લે." સોનુએ આગ્રહ કર્યો.
"દીકરા! હું હજી બિમારીમાંથી માંડ ઊભી થાવ છું એટલે મારી એંઠી ચા તને નહીં પીવા દઉં."
સોનુએ મમ્મીનું કહ્યું માન્યું, એણે થોડી ચા પી લીધા પછી મમ્મીને ચા આપી. યશુએ ચા પી લીધા પછી "ચા"વાળાં કપરકાબી ધોઈને રસોડામાં મૂકવાનું સોનુને કહ્યું.
સોનુ પપ્પાને આપેલી "ચા"નો કપ લેવા પપ્પા પાસે ગયો તો પપ્પાએ હજી ચા પીધીજ નહોતી અને ચાનો કપ પાછો લઈ જવાનું સોનુને કહેતાં સોનુ એ કપ લઈને ચા બેઝીનમાં નાંખી રહ્યો’તો. તેથી યશુએ પૂછ્યું, "કેમ ચા બેઝીનમાં રેડી દીધી? પપ્પાએ ન પીધી?"
"ના મમ્મી, પપ્પાએ નથી પીધી." સોનુએ જવાબ આપ્યો.
યશુએ મોટા અવાજે પૂછ્યું, "સાંભળો છો, સુમિત? ચા કેમ ના પીધી? તમને તો આ ટાઈમે ચા જોઈતી હોય છે!"
સુમિતે કોઈ જવાબ ન આપ્યો એટલે યશુએ સોનુને બોલાવીને કહ્યું, "પપ્પા શું કરે છે? જવાબ કેમ નથી આપતા? પૂછને દીકરા."
સોનુ મમ્મીની આજ્ઞા મુજબ પપ્પા પાસે ગયો ને પૂછ્યું કે મમ્મીને જવાબ કેમ નથી આપતા? ત્યારે સુમિત યશુ પાસે આવ્યો ને રૂખા અવાજે બોલ્યો, "પ્લીઝ, હમણાં મને વારંવાર ડિસ્ટર્બ નહીં કર."
"કેમ કોઈ ટેન્શનમાં છો? ફાઈલમાં એવું શું છે કે તમને ટેન્શન થાય છે?" યશુએ ચિંતાથી પૂછ્યું.
સુમિત કશું બોલ્યા વગર ચૂપચાપ બીજા રૂમમાં ચાલ્યો ગયો. યશુને લાગ્યું કે ફાઇલનું જ ટેન્શન છે, પણ કહી શકતાં નથી.
એને સુમિતની ચિંતા થવા માંડી, પણ આજે એ "મૂડ"માં ન હોઈ, મને ઠીક થયા પછી વાત કરીશ એમ માનીને યશુ ચૂપચાપ પડી રહી. કંઈપણ કામ હોય તો સોનુ તો યશુની પાસે જ હતો અને સોનુ યશુની બિમાર હાલતમાં એને છોડીને ક્યાંય આઘોપાછો થાય એવો નહોતો.
બે દિવસ પછી યશુની તબિયત નોર્મલ થતાં એ જાતે ઊઠીને ઘરનાં કામ સંભાળવા માંડી. દિવસ દરમ્યાન એ સુમિતની સાથે કામ સિવાય વાત કરતી નહોતી.
રાત પડ્યે છોકરાં સૂઈ જાય પછી એ સુમિતને એકજ સવાલ કરતી, "કેમ સાવ ઉદાસ રહે છે?" સુમિત એટલું જ કહેતો, "કંઈ નહીં."
સુમિતના આ જવાબથી યશુને સંતોષ થોડો થાય? એ વળી વળીને કહેતી, "જો સુમિત! સંસારમાં એવી કોઈ સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. પણ તારે શું સમસ્યા છે એ સમજાતું નથી. હું તારી પત્ની છું સુમિત! તારા સુખ-દુઃખમાં મારો હિસ્સો છે. તું કોઈપણ જાતની ચિંતા કરે તો તને મારા સમ છે, તું હિંમત શું કામ હારી જાય છે? તારી યશુને તું હજી ઓળખી શક્યો નથી!"
"તને સાચેજ ઓળખી ગયો છું." સુમિતે કટાક્ષભર્યું હાસ્ય કરતાં કહ્યું. પણ એ ગૂઢ કટાક્ષ યશુ તે સમયે સમજી શકી નહોતી.
"ના, સુમિત. તું મને હજી ઓળખી શક્યો નથી! તું તારી ચિંતાનું કારણ મને પણ કહેતો નથી તો હું એમજ માનું ને કે તું મને ઓળખી શક્યો નથી?" યશુએ હઠ પૂર્વક પૂછ્યું.
"પણ મારી ચિંતા તારા માથે શું કામ નાખું?" સુમિતે વાત ટાળવાનો પ્રયત્ન કરતા કહ્યું.
યશુએ ભાર દઈને કહ્યું, "ના સુમિત, મને દુઃખ થાય છે કે તું મને આટલાં વરસેય ઓળખી નથી શક્યો. શું તું ને હું જુદાં છીએ? શું તારી ચિંતા એ મારી નથી? તું કેમ ચૂપચાપ સહન કરી રહ્યો છે? મને કેમ જણાવતો નથી? તું નહીં કહે તો હું તારી ઓફિસે આવીશ."
સુમિત તોય મૌન જ રહ્યો. હવે યશુની ચિંતા દિવસે-દિવસે વધતી જતી હતી, એને થતું કે નક્કી ઓફિસમાં જ કંઈક મોટો પ્રશ્ન ઊભો થયો છે.
છેવટે મૂંઝાઈને એ કોઈનેય કહ્યા વગર સુમિતની ઓફિસે પહોંચી ગઈ, ત્યાં સ્ટાફના માણસોને તેમજ મોટા સાહેબોને પણ રૂબરૂ મળી અને સુમિત વિશે પૂછપરછ કરી.
પણ ત્યાં તો બધાંને ખૂબ નવાઈ લાગી, કારણ કે ઓફિસમાં એવી કોઈ ઘટના જ નહોતી ઘટી કે જેના લીધે સુમિતને આટલી મોટી ચિંતા થાય! ઓફિસનું બધું કામકાજ તો એકદમ સામાન્ય રીતે ચાલી રહ્યું હતું.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
