મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-32)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૨)

યશુની ચિંતા વધતી જાય છે. એ કોઈનેય કહ્યા વગર સુમિતની ઓફિસે ગઈ, ને ત્યાં સ્ટાફમાં તેમજ સાહેબોને પણ મળી અને પૂછપરછ કરી. પણ ત્યાં બધાંને નવાઈ લાગી કે ઓફિસની એવી કોઈ ઘટના નથી કે જેની સુમિતને ચિંતા થાય! હવે યશુની ચિંતા ઓર વધી ગઈ.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

એણે સુમિતને પૂછ્યું, "સાચું કહેને, તને કોઈએ ધમકી આપી છે? નથી તારી ઓફિસની કોઈ બાબત કે તને ચિંતા કરાવે, તો પછી કોઈએ જો ધમકી આપી હોય કે તને એમ લાગતું હોય કે કોઈ મારા પ્રેમમાં છે તોયે તું મને વાત કર. હું કોઈપણ એવી બાબતને પહોંચી વળીશ."

યશુ આટઆટલી કાકલૂદી કરતી હોવા છતાં સુમિત "મગનું નામ મરી" પાડતો નથી. સુમિત કોઈ ચિંતાને કારણે સતત ઉદાસ રહ્યા કરે છે, જે માત્ર યશુ જાણે છે. બે બાળકો તો હજી નાના છે, પરંતુ સોનુ ઘણો મોટો છે, સંવેદનશીલ છે, એ જાણે તો એ પણ ચિંતામાં પડે અને એના અભ્યાસમાં અસર થાય તેથી સોનુને જાણ ન થાય તેની યશુ પૂરી કાળજી પણ રાખે છે. 

આમને આમ દિવાળીનાં તહેવારો આવી જાય છે. પણ દરવખત દિવાળીમાં જેવો ઉત્સાહ હોય એવો ઉત્સાહ યશુમાં નથી, કારણ સુમિત જ! સુમિત ઉદાસ રહ્યા કરે છે ને એની ઉદાસીનતાનું કારણ જણાવતો નથી. દિવાળીની વાનગીઓ તો બનાવી છે, પણ એ તો બાળકોને રાજી રાખવા માટેજ, તેમજ અડોશપડોશમાંથી દિવાળી નિમિત્તે મળવાનું થાય તો એમના સારુ. 

આજુબાજુથી મળવા આવનારાને કોઈનેય યશુ એની નિજી ચિંતા કળવા દેતી નથી! વળી, દિવાળીના વેકેશનમાં સોનુ બે-ચાર મિત્રો સાથે અઠવાડિયાના પ્રવાસે ગયેલો. ઘરે બેય નાનાં બાળકો અને સુમિત તથા યશુ. એટલે, યશુ સુમિતને વારંવાર કરગરે, "સુમિત! પ્લીઝ, મને તું ચિંતામાં ન રાખ. સાચેસાચું કહે કે તું કયા કારણે અંદરને અંદર બળે છે? જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને કહે, મને સુધરવાની તક મળે. મને તો લાગતું નથી કે મેં કોઈ ભૂલ કરી હોય! છતાં, હું તારી માફી માંગું છું, ફરી કોઈ ભૂલ નહીં કરું."

આવે વખતે સુમિત માત્ર ખંધુ હસે છે, પણ કોઈ વાત કરતો નથી. રાતને દિવસ યશુ એને ખૂબ મનાવે છે, પણ કોણ જાણે, સુમિત કંઈજ કહેતો કેમ નથી? સુમિતને જાણે કે યશુ જોડે બોલવાનોયે સંબંધ રહ્યો નથી. યશુ ખૂબ તલસે છે, પણ સુમિતને કોઈ અસર થતી નથી.

શાળાકોલેજોનું વેકેશન પૂરું થવાના આગલા દિવસની વાત છે. યશુની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહેતો હતો. એ બે હાથ જોડીને નીચે નમી, સુમિતનાં પગ પકડીને બોલી, "સુમિત, મને મારાં ગુનાની જે સજા કરવી હોય તે કર, મને તું મારી નાંખીશ તો હું મરવાયે તૈયાર છું, મરતાં મરતાં તારી સામે કોઈ ફરિયાદ નહીં કરું! તને મારા ચારિત્ર્ય વિશે શંકા હોય તો કહી દે, હું સીતામાતાની જેમ અગ્નિપરીક્ષા આપવા પણ તૈયાર છું, મેં કોઈ એવું હીન કૃત્ય નથી કર્યું, સુમિત! તારા વડે મારી આવી ઉપેક્ષા સહી શકાતી નથી, એમને એમ હું મરી જઈશ, હોં! હું મરી જઉં તોય વાંધો નહીં, સુમિત! બસ, મને અફસોસ એ વાતનો જ રહેશે કે સુમિતે છેક સુધી મારી જોડે અબોલા રાખ્યાં! એટલા માટે પણ તું એકવાર, ખાલી એકવાર મારી સામે હસીને પ્રેમથી મને તું બોલાવ, મારી મરતી વખતની બીજી કોઈ ઈચ્છા નહીં હોય!" 

સુમિત આવો આર્તનાદ જાણે કે સાંભળતો જ ન હોય એમ એ સાવ બધિરવત બનીને જડની જેમ ઊભો રહેલો. યશુ રડતાં રડતાં સુમિતના પગમાં પડી ગઈ. બસ, તે સુમિતનાં પગ પકડીને પડીજ રહી!

સુમિતને કે યશુને ખબર નહોતી કે સોનુ પ્રવાસેથી ઘેર પાછો આવી ગયેલો અને આખાયે દ્રશ્યને એ ઘરનાં બારણે જ ઊભા રહીને જોઈ-સાંભળી રહ્યો હતો. યશુ જે કંઈ બોલતી હતી તે સોનુએ કાનોકાન સાંભળ્યું હતું, પણ જ્યારે યશુને રડતાં રડતાં સુમિતના પગમાં પડતી જોઈ ત્યારે સોનુથી રહેવાયું નહીં. તે દોડીને અંદર આવ્યો.

એણે પોતાના બેગબિસ્ત્રા એકતરફ ફગાવી દીધાં. નીચે બેસી જઈને યશુને બેઠી કરી ને પછી ઊભી કરીને એને પકડીને પલંગ સુધી લઈ ગયો, ત્યાં બેસાડી ને એની સોડમાં બેઠો. પછી, એનાં રોયેલાં મોંને પોતાના રૂમાલ વડે સાફ કરીને ઢીલા અવાજે બોલ્યો, "મમ્મા! આજ પહેલાં મેં તને કદીયે આવી રીતે રડતી ને લાચાર બનીને પપ્પાનાં પગમાં પડતી નથી જોઈ! તું શેની માફી માંગતી હતી? હું કદીય માનતો નથી કે મમ્માથી કોઈ ભૂલ થઈ હોય, છતાં તું આટલી બધી લાચાર કેમ બની ગઈ? પપ્પા જો તને સમજવા જ તૈયાર ન હોય તો મૂક એમને પડતા. હું બેઠો છું ને તારી પડખે? પપ્પા તો શું, હું તારા કાજે આખી દુનિયા સામે પણ લડીશ. ચિંતા ના કર, મમ્મા! તારી આ હાલત મારાથી જોઈ શકાતી નથી."

જે વાતથી યશુ સોનુને અજાણ રાખવા ઈચ્છતી હતી તે વાત છેવટે સોનુ જાણી ગયો હોઈ યશુ સોનુના ખભે માથું રાખીને રડતાં રડતાં બોલી, "બેટા, મારે તને દુઃખી નહોતો કરવો એટલે મેં તને વાત નથી કરી. પણ, પપ્પા મારી જોડે એક મહિનાથી બોલતા જ નથી. મને કહેતાં પણ નથી કે મારો શું વાંક છે. છતાં હું એમની માફી માંગું છું, પણ કોણજાણે મેં એવો કયો અક્ષમ્ય અપરાધ કર્યો છે કે એ પીગળતાં જ નથી!"

"ઠીક છે, મમ્મા. આખી દુનિયા ભલે ભાડમાં જાય. તું ચિંતા છોડ. ચિંતામાં ને ચિંતામાં તને કંઈ થઈ જાય તો અમારું શું થાય? પપ્પાને તો તારી કંઈ પડી નથી!" સોનુએ આક્રોશ ઠાલવ્યો.

"સોનુ! તારા માટેસ્તો હું જીવી રહી છું, પપ્પાને તો હવે મારો ખપ લાગતો નથી." યશુ નિસાસો નાખતા બોલી.

"બસ, હવે બિલકુલ સ્વસ્થ થા, મમ્મી. હું આવી ગયો છુંને? તારે હવે કોઈની ચિંતા કરવાની નહીં, પપ્પાની તો બિલકુલ નહીં. એ પથ્થરદિલ માણસ છે. છોડ એમના વિશેની ચિંતા. મને તારા હાથની ચા પીધે ઘણાં દિવસ થઈ ગયાં છે. આપણાં બેયની માટે ચા બનાવ. પીને થોડો આરામ કરવો છે, પ્રવાસનો થાક ચડ્યો છે. કાલથી તો કોલેજ ચાલુ થઈ જાય છે."

સોનુના આવી જવાથી યશુના જીવમાં જીવ આવ્યો. એણે હોંશથી ચા બનાવી, બે કપ બનાવી. એક કપ પપ્પાને આપવાનું સોનુને કહેતાં જ સોનુ સહેજ ચિડાયો, "તું જ પપ્પાની ચિંતા કર્યા કરે છે! એ તો નફકરા થઈને અંદરના રૂમમાં જઈ બેઠા છે. એમના માટે શું કામ ચા લાવી?"

"ના દીકુ, મને એમના પ્રત્યે કોઈ રીંસ નથી, એમની ચિંતા થાય છે. ગમેતેમ તોયે એમને હું પરણી છું, એ ભલે ભૂલી ગયા હોય કે હું એમની પત્ની છું, હું નથી ભૂલી ને ભૂલીશ પણ નહીં."

મમ્મીનાં આગ્રહને કારણે સોનુ ચૂપચાપ પપ્પાને ચા આપી આવ્યો. પછી ચાનો કપ લઈને મમ્મીને હોઠે ધરીને વહાલપૂર્વક એને પીવરાવવા લાગ્યો. કપમાં જે અડધી ચા બાકી રહી એ સોનુએ પીધી. 

બીજે દિવસે કોલેજ જતી વખતે સોનુએ યશુને કહ્યું, "મમ્મી, તું ઘેર સાવ એકલી છે, પપ્પા તારી સાથે બોલતાં તો નથી, પણ તારી સામુંયે જોતાં નથી! તું મનમાં ને મનમાં બળતી નહીં. કોલેજથી હું સીધો ઘેર જ આવી જઈશ. હું આવી જઉં તે પછી તને એકલી મૂકીને ક્યાંય નહીં જઉં, પણ ત્યાં સુધી તારી ખુદની તું જ સંભાળ રાખજે, પ્લીઝ મા, મને તારી ચિંતા થાય છે!"

યશુએ સોનુને રાજી રાખવા એની સામે સ્મિત ફરકાવ્યું, એના માથે હાથ મૂકીને બોલી, "તું મારી જરીકે ચિંતા નહીં રાખતો, ભણવામાં જ ધ્યાન દેજે. મમ્મા તારી વાટ જોતી ઘેર જ રહેશે ને કોઈ ચિંતા નહીં કરે, કોઈ નબળો વિચાર નહીં કરે. મારો સોનુ એકે હજારા જેવો છેને! પપ્પા ભલેને ના બોલે, તું તો મારી જોડે છે જ ને? બસને દીકુ?!"

આ સિલસિલો એમ જ ચાલતો હતો. સુમિત ભલે યશુની સાથે સીધી કોઈ વાત કરતો નહોતો, છતાં સુમિતની રોજની બધી જરૂરિયાતો પૂરી કાળજી રાખીને યશુ પૂરી કરતી હતી. સાંજે સોનુ કોલેજથી ઘેર આવે એની પ્રતિક્ષા કરતી યશુ રોજ ઘરની બહાર આંગણામાં જ ખુરશી નાંખીને બેસતી.

સોનુ આવી જાય પછી એ એકપળ પણ યશુથી આઘોપાછો થતો નહીં, પણ સુમિતનાં યશુ સાથેનાં અબોલાથી હવે સોનુ વાજ આવી ગયેલો. કોલેજમાં પણ એ મમ્મીની ચિંતામાં કોઈની સાથે કોઈ લપછપ કર્યા વગર શાંતિથી બેસતો, ક્લાસમાં સાહેબો જે ભણાવતાં એમાં પણ એનું ચિત્ત પરોવાતું નહીં, જાણેકે એ "એબસન્ટ માઇન્ડેડ" ન હોય!

એક દિવસે ક્લાસમાં સાહેબનું પ્રવચન ચાલુ હતું ત્યારે વચમાં સાહેબે સોનુને ઉદ્દેશીને કોઈ પ્રશ્ન કર્યો. પ્રવચનમાં સોનુનું બિલકુલ ધ્યાન નહીં હોવાથી એણે સાંભળ્યું નહીં, એટલે સાહેબ બીજીવાર એનું નામ બોલ્યા. પણ સોનુએ કોઈ પ્રતિભાવ ના આપ્યો તેથી સાહેબ સ્ટેજ પરથી નીચે ઊતરીને એની પાસે આવ્યાં ને એને ઊભો કરીને પૂછ્યું, "ક્યાં ખોવાયેલો છે, સોનમ? મેં બે વાર તને ઉદ્દેશીને પ્રશ્ન પૂછ્યો, પણ તેં કોઈ જવાબ આપ્યો નહીં!"

"સોરી સર. મેં સાંભળ્યું નહોતું." સોનુએ નીચું જોઈને કહ્યું.

"હવે પછી જો આવું થશે તો પ્રિન્સિપાલ સાહેબને તારી ફરિયાદ કરીશ, માઇન્ડ વેલ!" એટલું કહીને સાહેબે સોનુને એની જગ્યાએ બેસાડી દીધો. 

ત્રીજે દિવસે એ જ સાહેબનાં લેક્ચર વખતે ફરીથી સોનુથી એ જ ભૂલ થઈ. સાહેબે એ જ દિવસે પ્રિન્સિપાલ સાહેબને સોનુ વિશે ફરિયાદ કરી દીધી એટલે પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાંથી પટાવાળા મારફતે સોનુને ચાલુ ક્લાસમાં આદેશ આપવામાં આવ્યો કે એણે બીજે દિવસે "પેરેન્ટ્સ"ને લઈને પ્રિન્સિપાલ સાહેબને મળવું.

સોનુને ચિંતા થઈ કે મમ્મી બિચારી પપ્પાને લીધે તો ચિંતિત છે, ને એને કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ પાસે મળવા લઈ જવી પડશે! હવે એ બિચારી મારી પણ ચિંતા કરશે! પણ શું થાય? પપ્પાને લઈ જઉં કે મમ્મીને? એની વિમાસણમાં છેવટે એણે મમ્મીને જ લઈ જવાનું મુનાસિબ માન્યું.

બીજે દિવસે મમ્મીને લઈને એ કોલેજ ગયો. કોલેજમાં સામાન્ય રીતે યુવાન દિલોનો થનગણાટ જોવા મળતો હોય છે, રંગબેરંગી સપનાંમાં રાચતાં યુવાન-યુવતીઓ આમતેમ ફરતાં હતાં. 

યશુ જેવી કોલેજ પરિસરમાં દાખલ થઈ કે કેટલાંક છોકરાં એની સુંદરતા જોઈને એની સામે એકીટશે જોતાંજ રહ્યાં, એક મવાલી જેવો છોકરો તો કટાક્ષમાં બોલ્યો પણ ખરો, "અરે વાહ વાહ! બ્યુટીફુલ પીસ! મસ્ત આઇટેમ!"

એ સાંભળીને બીજો બોલ્યો, "અલ્યા જો તો ખરો! સોનમીયાના હાથમાં હાથ રાખીને કેવી છટાથી ચાલે છે, સાલી!"

"સોનમીયાની અદા તો જો?"

"એના કરતાં છોકરીની અદા તો જો!"

"વાઉ! તું ચીજ બડી હૈ મસ્ત મસ્ત..તું ચીજ...!" એક છોકરાએ ગીતની લાઇન ગણગણી.

"વેરી ક્યુટ, ફોટોજેનિક ફેસ છે! કોઈ મોડેલ લાગે છે."

"ના ’લ્યા, પિક્ચરની હિરોઈન લાગે છે."

"હા, અલ્યા! સોનમીયો તો આજે કોઈ હિરોઈનને લઈને આવ્યો છે!"

"હા, ’લ્યા, આ હિરોઈન તો એની લવર છે લવર, અસલ ડ્રીમગર્લ!" છોકરાઓ અંદરોઅંદર આવી વાતો કરી રહ્યા હતા.

આવા વાતાવરણમાંથી યશુ ને સોનુ પસાર થઈને જેવાં નજીક આવ્યા તે વખતે છોકરાં આપોઆપ ચૂપ થઈ ગયાં, એટલે છોકરાં દ્વારા થયેલી આવી ખરાબ "કોમેન્ટ્સ" વિશે યશુ કે સોનુ, બેમાંથી કોઈને કંઈ ખબર પડી નહીં. છોકરાં માત્ર એકીટશે જોઈ જ રહ્યાં, પણ નજીક આવતા કોઈ કંઈ બોલ્યું નહીં. 

સોનુ યશુને લઈને પ્રિન્સિપાલ સાહેબની કેબિનમાં ગયો અને એમને મળ્યો. પ્રિન્સિપાલ સાહેબને સોનુના એડમિશન વખતનો એ અનોખો પ્રસંગ યાદ આવતાં જ એ યશુને તરત જ ઓળખી ગયાં.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."