મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૩)
કોલેજના આંગણામાં સોનુની સાથે જ યશુનો પ્રવેશ થતાં રંગીન મિજાજનાં યુવકો અત્યંત સ્વરૂપવાન યશુનાં રૂપરંગથી આકર્ષાઈને જે કોમેન્ટસ કરવા માંડેલાં તે જેવાં યશુ ને સોનુ પસાર થઈને નજીક આવ્યા તેવાં છોકરાં આપોઆપ ચૂપ થઈ ગયાં. એટલે છોકરાં દ્વારા થયેલી "કોમેન્ટ્સ" વિશે યશુ કે સોનુ, કોઈને કંઈ ખબર પડી નહીં. છોકરાં માત્ર જોઈ જ રહ્યાં, કોઈ કંઈ બોલ્યું નહીં.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
સોનુ યશુને લઈને પ્રિન્સિપાલ સાહેબને મળ્યો. પ્રિન્સિપાલ સાહેબને સોનુના એડમિશન વખતનો પ્રસંગ યાદ આવતાં જ એ યશુને ઓળખી ગયાં તેથી વિવેકપૂર્વક યશુને સામેની ખુરશીમાં બેસવાનું કહ્યું. યશુ બેઠી તે પછી સાહેબે પાણી મંગાવીને યશુને પીવા મૂક્યું. યશુએ ઘૂંટડો પાણી પી લીધું તે પછી સાહેબે સોનુ વિશે ફરિયાદ કરી તે સાંભળીને યશુએ સોનુ વતી સાહેબની માફી માંગી અને સાહેબને ખાતરી આપી કે ફરી આવું નહીં બને અને યશુ ઘેર પાછી ફરી.
સાંજે સોનુ કોલેજથી ઘેર આવ્યો પછી યશુએ મીઠો ઠપકો આપ્યો, "હું જાણું છું બેટા કે તું કોલેજમાં કેમ બેધ્યાન રહે છે. છતાં એ મને ગમતી વાત નથી. મારી ચિંતામાં તારો અભ્યાસ બગડશે તે હું સાંખી નહીં લઉં. મમ્મીને જીવતી રાખવી હોય તો ફરી આવું ન બને એનું ધ્યાન રાખજે, પપ્પાના મનમાંથી તો હું ઉતરી ગઈ છું! હવે તારા મનમાંથીયે ઉતારી નાંખવી છે? શું કામ મારું કહ્યું નથી માનતો? મેં કેટલીવાર તને કહ્યું છે કે ભણતી વખતે મારી ચિંતા જરાય નહીં રાખતો?"
"સોરી, મમ્મી! ફરી આવું નહીં બને." સોનુએ નીચું જોઈને વચન આપ્યું.
સોનુએ નક્કી કર્યું કે મમ્મીની ચિંતામાં વધારો થાય એવું કોઈ વર્તન કોઈપણ સંજોગોમાં કરીશ નહીં. એ પછી સળંગ બે-ત્રણ દિવસ કોલેજમાં મસ્તીખોર છોકરાં સોનુની પજવણી કરવા મંડ્યાં. એ પૈકી એક છોકરાનાં પિતા ધારાસભ્ય હોવાથી એ છોકરો કોલેજમાં બંડખોર અને તોફાની છોકરાંનાં ગ્રુપનો લીડર બનીને ફરતો હતો. એની જોડે મગજમારી કરવા કોઈ છોકરો ઈચ્છતો નહીં.
એણે સોનુને કોલેજની લોબીમાં જ ઊભો રાખ્યો ને વિચિત્ર સવાલ કર્યો, "કેમ અલ્યા, તારી લવરને કેમ લાવ્યો’તો તે દિવસે? રોજ કેમ નથી લાવતો? તારો એકલાનો જ માલ છે એ? કેટલાં રૂપિયામાં માનશે? અમને એનું એડ્રેસ આપ."
પોતાની પવિત્ર મમ્મી વિશે આવું સાંભળીને સોનુ સમસમી ઉઠ્યો, એ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યો નહીં. કંઈપણ જવાબ આપ્યા વગર એણે જોરથી એક મુક્કો પેલાનાં મોં પર માર્યો, એ ભેગો જ એ છોકરો તમ્મર ખાઈને નીચે પડી ગયો. એની સાથેનાં ગ્રુપનાં બીજાં છોકરાં સોનુ ઉપર તૂટી પડ્યાં અને સોનુને સખત રીતે મારવા લાગ્યાં. સોનુનું શર્ટ ફાડી નાંખ્યું ને એનું મોં સૂઝી ઉઠ્યું, નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. આ તમાશો જોઈને ત્યાં હાજર સ્ટાફ તથા સાહેબો દોડી આવ્યા.
સોનુ સહિત બધાંને પ્રિન્સિપાલ સમક્ષ લઈ જવામાં આવ્યા. સોનુને તાત્કાલિક નાકના ભાગે દવા લગાડી. જે છોકરો તમ્મર ખાઈને પડી ગયો’તો એને મોં પર પાણી છાંટી થોડીવાર હોશમાં આવ્યો પછી પાણી આપ્યું. ત્યારબાદ પ્રિન્સિપાલ સાહેબે છોકરાં પાસેથી ઝઘડાની વિગત જાણવાની પરવા કર્યા વગર જ બધાંને કોલેજમાંથી ઘેર કાઢી મૂક્યા અને બીજે દિવસે તે દરેકને ફરજિયાતપણે એમનાં વાલીને સાથે લઈને કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં મળવા બોલાવ્યા. તે સિવાય કોલેજમાં આવવા દેવાશે નહીં એવી ધમકી પણ ઉચ્ચારી.
સોનુ ઘેર આવ્યો. એને વહેલો ઘેર આવેલો જોઈને તેમજ એનાં હાલહવાલ જોઈને યશુ ચિંતામાં પડી ગઈ. સોનુ યશુને કંઈપણ કહે એ પહેલાં એને વળગીને એ ખૂબ રડ્યો. યશુ પણ સોનુને કંઈપણ પૂછે એ પહેલાં ઢગલો થઈ ગઈ. પણ પછી એણે સ્વસ્થ થઈને સોનુને શાંત કર્યો ને કોલેજના બનાવથી વાકેફ થઈ.
એણે વિચાર્યું કે સુમિતને આ વાત હમણાં કરવી નથી. એકવાર એ સોનુને લઈને પ્રિન્સિપાલ સાહેબને મળી લે તે પછી સુમિતને જાણ કરવી જેથી એની અકળ કારણોસરની ચિંતામાં બીજો વધારો ન થાય. યશુએ સોનુને એ રીતે સમજાવી લીધો કે પપ્પાને હમણાં વાત કરવાની નથી, એ બાપડા ચિંતા કરશે.
બીજે દિવસે યશુ ફરીથી સોનુની સાથે કોલેજ ગઈ અને પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરમાં દાખલ થઈ. ત્યાં બીજાં બધાં છોકરાનાં વાલી તો આવી ગયેલાં હતા અને દરેક છોકરો એનાં વાલી સાથે બેઠો હતો. પ્રિન્સિપાલ સાહેબે યશુને ને સોનુને પણ બેસાડ્યાં. તે પછી સોનુની પાસેથી જ ઝઘડાની અક્ષરોસહ વિગત મેળવી. પોતાની મમ્મી વિશે જે શબ્દો પેલો બંડખોર છોકરો બોલેલો એ શબ્દો એ છોકરા તરફ આંગળી ચિંધીને સહેજપણ શરમ રાખ્યા વગર સોનુએ બધાંની હાજરીમાં કહ્યાં.
"આ વિગત સાચી છે?" એવું પ્રિન્સિપાલ સાહેબે બીજાં છોકરાંને પૂછતાં કોઈ કંઈ બોલી શક્યું નહીં, એટલે યશુ તરત જ ઊભી થઈ અને એના વિશે જે છોકરાએ અશોભનીય શબ્દો વાપરેલા એ છોકરા પાસે ગઈ. એ છોકરો શરમથી નીચે તરફ મોં રાખીને બેઠો હતો.
યશુએ છોકરાનાં મોં પર પોતાના હાથનો મુલાયમ સ્પર્શ કરીને ઉપર તરફ એ છોકરાનું મોં કરીને એણે છોકરાની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, "શું નામ છે, છોકરા?"
જવાબ મળ્યો, "અર્જુન."
"ઓહો! કેટલું સરસ નામ! તને ખબર છે કે અર્જુન કોણ હતા? એ શ્રેષ્ઠ ધનુર્ધારી હતા, શ્રીકૃષ્ણના પરમ મિત્ર અને અનન્ય ભક્ત પણ ખરા. શ્રીકૃષ્ણના ભક્ત હોય તો પ્રેમાળ તો હોય જ! શ્રીકૃષ્ણએ જગતને પ્રેમ કરવાનું શીખવ્યું છે, નફરત નહીં! અને હા, હું તને કોઈ ઠપકો આપતી નથી, તેં સોનમને સાચુંજ પૂછ્યું’તું, હું સોનમની લવર જ છું- સૌથી ક્લોઝ લવર!"
"તનેય બહુ ગમું છુંને? તું સોનમ પાસે મારું એડ્રેસ માંગતો’તો ને? તું મને પ્રેમ કરે તો હું જરૂરથી તને મારું એડ્રેસ આપીશ, તારીયે લવર બનું, એમાં શું!? મને કહે કે આ જગતમાં સૌથી મોટી લવર કોણ હોય? તું જાણતો નથી કે હું સોનમની મા છું? અને મા શું લવર ન હોય? તારી મા તને ચાહે છે કે નહીં? ચાહતી જ હોયને, બેટા?" યશુએ વહાલથી સમજાવ્યો.
એટલામાં એ છોકરાનાં ધારાસભ્ય પિતાએ ગળગળા થઈને કહ્યું, "બેન! એ મા વગરનો છે! એની મા તો એને જન્મ આપીને તરત સ્વર્ગે સીધાવી ગઈ છે."
"ઓહ. સોરી સાહેબ! આપ અર્જુનનાં પિતા છો?" યશુએ પૂછ્યું.
"જી, બેન." ધારાસભ્યએ નમ્રતાથી કહ્યું.
"હવે સમજાય છે કે મા વગરના છોકરાને પ્રેમ ક્યાંથી મળ્યો હોય? મળ્યો જ ન હોય ને! બાપ પાસે માતા જેટલો સમય ન હોય ને?"
ફરી અર્જુનની પાસે જ ઊભા રહીને યશુ બોલી, "દીકરા, તું મને તારી મા ન ગણે? તું થોડાં દિવસ મારી પાસે રહે તો તને એક 'મા'નો 'લવ' કેવો હોય એની પ્રતીતિ કરાવું. મારા ઘેર આવ, ખુશીથી ગમે ત્યારે આવ. પછી તું માનીશ બેટા કે દુનિયામાં મા શું ચીજ છે!"
પછી અર્જુનનાં પિતા તરફ ફરીને બોલી, "સાહેબ, સાચું કહું છું. અર્જુનનો કોઈજ વાંક નથી. એને 'મા'ના પ્રેમની જરૂર છે. વાંધો ન હોય તો આપ એને મારે ત્યાં મોકલતા રહેશો તો મારાં સોનમની જેમ જ હું મારો દીકરો ગણીને એને ખૂબ વહાલ કરીશ, 'મા'ની ખોટ પૂરી દઈશ. એના જીવનને સાચી દિશા આપીશ. મોકલશો?"
"હા, ચોક્કસ બહેન. તમને આજે સાંભળ્યા પછી મને એમ થાય છે કે હું અત્યાર સુધી નેત્રહીન હતો! આજે મારી આંખ ઉઘડી છે, હું તમારાથી ખૂબ પ્રભાવિત થયો છું. હું જાહેરજીવનમાં પડ્યો હોઈને મારા છોકરાને પૂરતો ટાઈમ આપી શક્યો નથી. તમને સાંભળ્યાં પછી ખરેખર આજે હું મારી જાતને ધિક્કારું છું."
"બહેન, 'મા એ મા'. મા વગરનું છોકરું આવું જ હોય ને? મને તો એમ હતું કે તમે આજે મારા અર્જુનને ધોલધપાટ કરશો, અને એમ કર્યું હોત તોપણ હું કંઈ જ ન કે’ત કેમ કે, એણે કંઈ વખાણવા યોગ્ય વર્તન નહોતું કર્યું! છતાં તમે એને કેટલાં પ્રેમથી, જાણેકે અર્જુનની મા હોવ એ રીતે એને મીઠો અને હૃદયસ્પર્શી ઠપકો આપ્યો છે. જોકે, એ ઠપકો નહીં, પણ એક 'મા' ની દીકરાને સાચી શીખામણ છે." ધારાસભ્યએ બે હાથ જોડ્યા.
યશુએ હસીને કહ્યું, "અરે સાહેબ! મારે એકમાત્ર સોનમ થોડો મારો દીકરો છે? અર્જુન પણ મારો દીકરો છે! મા વગરના કોઈપણ છોકરાની હું મા છું."
પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં યશુએ આશાસ્પદ વાતાવરણ ઊભું કરી દીધું ત્યાં હાજર સૌ યશુથી અત્યંત પ્રભાવિત થયાં. વાતનું વતેસર થવાને બદલે સુખદ સમાધાન થયું. સૌએ એનો યશ માત્ર ને માત્ર યશુને આપ્યો. પ્રિન્સિપાલ સાહેબે સૌને આગ્રહપૂર્વક ચા-કોફી પીવડાવી. સૌએ ઊભાં થઈને યશુને બે હાથ જોડી એનું અભિવાદન કર્યું.
જતાં જતાં યશુએ ઝઘડાના ભાગીદાર એવા બધાં છોકરાંને અને ખાસ કરીને અર્જુનને ઉદ્દેશીને કહ્યું, "મારા સોનમની સાથે તમે બધાં એકવાર મારા ઘરે આવશોને તો તમે વારંવાર આવતા થઈ જશો. તમે બધાં છોકરાં મને મારા સોનમ જેવાં જ વહાલા છો. જરૂર મારે ત્યાં ગમે ત્યારે પ્રેમથી આવજો." પછી ત્યાંથી જતી વખતે છોકરાઓને ઉદ્દેશીને યશુ મીઠા હાસ્ય સાથે કહેતી ગઈ, "હું તમારા બધાંની લવર છું, હોં દીકરાઓ!"
સાંજે જ્યારે સુમિતે સોનમના મોઢેથી સમગ્ર કેફિયતનું વર્ણન સાંભળ્યું ત્યારે સુમિતના મોંએથી સહજપણે ઉદગાર સરી પડ્યાં, "સોનુ દીકરા! તારી મા તો મા છે, કંઈક જુદીજ માટીની ઘડેલી છે! હું કવિ હોવા છતાં એની મહાનતાની 'પરફેક્ટ' કવિતા આજ સુધી નથી રચી શક્યો! તું ખૂબજ ભાગ્યશાળી છે કે 'યશુ' તારી મા છે!"
એ સાંભળીને સોનુએ તરત કહ્યું, "પપ્પા, તમેય ક્યાં ભાગ્યશાળી નથી? મમ્મી તમારું કેટલું ધ્યાન રાખે છે?"
સુમિત કશુંય બોલ્યો નહીં, પણ પોતે યશુ સાથે બોલતો નથી છતાં યશુ સોનુ માટે મા અને પિતા બેયની ફરજ પણ કેટલી હોંશથી બજાવે છે? એવા વિચારની અભિવ્યક્તિ એ રોકી શક્યો નહીં.
કોલેજની એ ઘટના પછી અર્જુન સોનુનો પાકો મિત્ર બની ગયો. યશુના નિઃસ્વાર્થ વાત્સલ્યભાવમાં ખેંચાઈને એ સોનુની સાથે અવારનવાર ઘેર આવતો થયો.
અર્જુન જ્યારે જ્યારે ઘેર આવતો ત્યારે ત્યારે યશુ એને સગી "મા"ની જેમ જ સાચવતી. શરૂઆતમાં અર્જુન યશુને "માસી" કે "આન્ટી" કહીને બોલાવતો, પણ સમય જતાં અનાયાસે અને સહજતાથી એ યશુને ક્યારથી "મમ્મી" કહેતો થઈ ગયો એની ખબર યશુને કે અર્જુનને પણ નહોતી રહી.
યશુ પણ જાણે કે સોનુ, અર્જુન, ગોપુ ને ગૌરી એમ ચાર સંતાનોની મા ન હોય! અર્જુનને ઘરે આવતો જોતાંજ યશુનો જાણે સગો દીકરો આવ્યો હોય એવા ઉમળકાથી એને આવકારે.
સુમિત કોલેજના એ પ્રસંગથી પૂરી રીતે વાકેફ હતો. પણ, જે છોકરાએ કોલેજમાં યશુની મશ્કરી કરેલી અને યશુને લવર ગણીને એનું એડ્રેસ માંગ્યું હતું તે છોકરાને આવો ઉષ્માભર્યો આવકાર આપતી યશુનું વલણ એને જરાય યોગ્ય ન લાગતું.
વળી, જેવો અર્જુન ઘરમાં પ્રવેશે કે તરત જ યશુ એને બે હાથે ભેટીને ગળે લગાડે ને પછી એના ગાલે મીઠું ચુંબન પણ કરે, એટલે સુમિત આ જોઈને મનમાં ને મનમાં ખૂબ ખિન્ન પણ થાય.
યશુ અર્જુનને વહાલપૂર્વક સોફે બેસાડીને એને જાતે પીવાના પાણીનો ગ્લાસ આપે, એના હાથની રસોઈ ખાધા સિવાય એને જવા ન દે. અર્જુન તો જીવનમાં પ્રથમવાર "મા" નો સાચો પ્રેમ પામી રહ્યો હતો.
પોતે જેના માટે "લવર" શબ્દનું ઉચ્ચારણ કરી બેઠો હતો એની જ સમક્ષ હવે એ ભોંઠો પડતો, પણ યશુના પવિત્ર માતૃપ્રેમે એની બધી જ ભોંઠપ ભાંગી નાંખી હતી.
પણ, બીજી બાજુ સુમિતના મનમાં પેલી જૂની શંકાનો કીડો ફરી સળવળતો હતો કે ક્યાંક આ જુવાન છોકરો યશુનાં પવિત્ર પ્રેમમાં ખોટી રીતે પડી ગયો હશે કે શું? એના વિચારો ફરી નકારાત્મક દિશામાં દોડવા લાગ્યા.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
