મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૪)
અર્જુન તો પ્રથમવાર "મા" નો પ્રેમ પામી રહ્યો હતો. પોતે જેના માટે "લવર" શબ્દનું ઉચ્ચારણ કરી બેઠો હતો એની સમક્ષ હવે એ ભોંઠો પડતો, પણ યશુના માતૃપ્રેમે એની ભોંઠપ ભાંગી નાંખી.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
પણ, સુમિતના મનમાં શંકાનો કીડો સળવળતો હતો કે ક્યાંક આ જુવાન છોકરો યશુનાં પ્રેમમાં પડી ગયો હશે કે શું? યશુ પણ એ છોકરા પ્રત્યે માતૃપ્રેમ દાખવી રહી છે કે પછી એનાં પ્રેમમાં છે?
યશુ આમનેઆમ એક પવિત્ર સ્ત્રી મટીને પતિત સ્ત્રી બની ગઈ છે કે શું? સુમિતના મનમાં ચાલી રહેલાં વિચારો ઉત્તરોત્તર અજાણપણે મોટું સ્વરૂપ લઈ રહ્યાં હતા, પણ યશુને એ કળવા દેતો નહીં.
અર્જુન વારંવાર સોનુ સાથે અને ક્યારેક એકલો પણ ઘરે આવતો થયેલો. એ વખતે યશુ જાણે વધુ પડતી છૂટ લઈને વર્તતી હોવાનું સુમિતને લાગતું. અર્જુન પણ વધારે છૂટ લેવા માંડેલો.
એક દિવસ માથું અને હાથપગ દુખવાને કારણે સૂઈ રહેલી યશુના ઓશીકા પાસે યશુની લગોલગ બેસીને અર્જુન એનું માથું દબાવી રહ્યો હતો, સોનુ મમ્મીનાં પગ દબાવી રહ્યો હતો.
સોનુ તો દીકરો છે, પણ અર્જુન શું કામ, કયા સંબંધે યશુનું માથું દબાવે છે? એવા વિચારથી એ દ્રશ્ય જોતાં જ સુમિત અંદરથી હચમચી ગયો’તો.
જોકે, આ સિવાય પણ સુમિત કોઈ અકળ કારણોસર ઘણાં ટાઈમથી યશુની સાથે પ્રેમથી વાત કરવાનું તો ઠીક, એની સામે જોવાની પણ દરકાર કરતો નહોતો. કોણ જાણે કેમ, પણ અર્જુનનું ઘરે આવવું પણ સુમિતને ખૂંચવા માંડેલું.
સુમિતના હાથમાં પેલી ચિઠ્ઠી આવ્યા પછી યશુ પ્રત્યેનું એનું વર્તન ઠીક નહોતું. એમાંય વળી, જ્યારથી અર્જુન ઘરે આવતો થયો ત્યારથી તો બળતામાં ઘી હોમાયું હોય તેમ સુમિતનું વર્તન સવિશેષ બગડી ગયું’તું.
તે યશુનાં શીલ ઉપર શંકા કરતો થઈ ગયો હતો, પણ યશુની પવિત્રતા ઉપરથી હજી એનો વિશ્વાસ સાવ જ ઊઠી ગયો નહોતો. એને ખાસ તો ચિઠ્ઠીની વાત સતાવતી હતી.
યશુએ ચિઠ્ઠી વિશે ક્યારેય કોઈ વાત કેમ કરી નથી? બસ, એવો પ્રશ્ન એને દિનરાત મૂંઝવી રહ્યો હતો. છતાં યશુનું વ્યક્તિત્વ એટલું પ્રભાવી હતું કે સુમિત એની શંકા બાબતે સામેથી યશુને કંઈપણ પૂછવાની હિંમત કરી શકતો નહોતો.
સોનુએ મમ્મીની ચિંતામાં ને ચિંતામાં એક દિવસ સુમિતને પૂછ્યું, "પપ્પા! મારી મમ્મીની સાથે બોલતા કેમ નથી? એ બિચારી તમારી કેટલી બધી કાળજી રાખે છે, ને તમે એની સામે જોઈને વાત પણ કરતા નથી?"
"તમે મમ્મી સાથે વાત કરો એ ઘડી માટે એ કેટલી બધી તલસી રહી છે? તમને મમ્મીની દયા નથી આવતી?"
સુમિતે કહ્યું, "સોનુ, મમ્મીની સાથે મારા અબોલાને કારણે હું એની સામે જોવાનું પણ ટાળું છું એ હકીકત છે. પણ એવું જે બાબતથી હું કરું છું એ બાબતે હું સાચો છું કે કેમ, એની મનેય કશી ખબર નથી પડતી!"
"વાસ્તવમાં હું એને નફરત કરી શકું ખરો? તને લાગે છે?"
સોનુએ પૂછ્યું, "ના, પપ્પા. બિલકુલ લાગતું નથી. પણ તો પછી એવી કઈ બાબત છે કે તમને મમ્મી પ્રત્યે ભલે નફરત ન હોય, પણ કોઈ ચાહનાયે રહી નથી? ક્યારે એની જોડે બોલશો?"
સુમિતે કહ્યું, "હુંયે એ સમયની રાહ જોઉં છું! તું ચિંતા છોડ."
સુમિતનો આવો જવાબ અનાયાસે સાંભળી જતાં યશુને થયું કે સુમિતના હૃદયમાં મારું સ્થાન હજી યથાવત છે. આજે નહીં તો કાલે, એ મારી સાથે જરૂર બોલતો થશે એવો વિશ્વાસ યશુમાં આવતો થયો.
એ ધીમેધીમે અસલ "મૂડ"માં આવવા લાગી; બસ, માત્ર સુમિતની જેમ યશુ પણ એ સમયની હવે રાહ જોતી હતી.
સૂતી વખતે એ સુમિતની લગોલગ આવીને પ્રેમથી બોલવાનો પ્રયત્ન કરતી પણ ખરી, પણ સુમિત પોતે હવે અપરાધભાવ અનુભવતો હોઈ, શર્મના માર્યો મચક આપતો નહીં.
તે યશુ સાથે બોલવા ઈચ્છતો હોવા છતાં એક પુરુષ સહજ અહમ તેને તેમ કરવાથી રોકતો હતો, તેથી નિરાશ થઈને યશુ સૂઈ જતી.
આમ, ઘણાં દિવસથી સુમિત યશુને તરછોડતો રહ્યો. જોકે, એ... યશુને ચાહવા મથતો પણ ખરો, પણ કોણ જાણે કેમ, પેલો શંકાનો કીડો એને વળીવળીને રોકતો હતો.
આવી અવઢવભરી દશામાં સુમિતે મનથી હારીથાકીને પીવાનું શરૂ કર્યું.
એક મધરાતે સુમિતે ધીમેથી દારૂની બોટલ કાઢીને પીવાનું શરૂ કર્યું, પણ યશુ કંઈ હજી સૂતી નહોતી, પથારીમાં પડીપડી એ જાગતી જ હતી.
એણે સુમિતને પીતા જોયો કે તરત ઊભી થઈ ગઈ અને સુમિતના હાથમાંથી બોટલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો, પણ ફાવી નહીં. খડતલ બાંધાનાં સુમિતની આગળ એ બિચારીનું શું ગજું?
સુમિતે ચિડાઈને એને જોરથી ધક્કો માર્યો તે ભેગીજ યશુ પલંગમાં જઈ પડી. એનો પડવાનો અવાજ થતાં, તે સાંભળીને બાજુના રૂમમાંથી જાગી જઈને સોનુ ધસી આવ્યો.
મમ્મીને એણે વિચિત્ર રીતે પલંગમાં પડેલી જોઈ. તે પામી ગયો કે નક્કી પપ્પાએ મમ્મીની સાથે આજે હાથચાલાકી કરી છે.
સોનુ મમ્મીનો હાથ ઝાલી એને ખેંચીને કંઈપણ બોલ્યા વગર એનાં રૂમમાં લઈ ગયો. ત્યાં મમ્મીને પોતાનાં પલંગમાં સૂવાડી ને પોતે નીચે ભોંય પર સૂઈ જવા માટે બેઠો.
મમ્મીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સોનુએ મમ્મીનાં આંસુ લૂછ્યાં, ને શાંત કરીને સૂવરાવી દીધી. સોનુ ક્યાંય સુધી નીચે બેસીને મમ્મીને માથે હાથ ફેરવતો રહ્યો.
મમ્મી સૂઈ ગઈ છે એમ માનીને એ પણ નીચેજ સૂઈ ગયો. પણ સોનુને ક્યાં ખબર હતી કે મમ્મી સૂતી જાગતી’તી.
એ કંચનદીદીનું સ્મરણ કરીને કહેવા લાગી, "દીદી, સુમિત સાવ જ બદલાઈ ગયા છે; મારી સાથે કેટલાંય સમયથી અબોલા છે. મારો કોઈ વાંકગુનો નથી."
"છતાં હું એમની કેટલીયે વાર માફી માંગી ચૂકી છું. પણ એમને કોઈ અસર થતી નથી અને ઉલ્ટાનું હવે તો પીવાનાં રવાડે ચડ્યાં છે."
"દીદી, આ બધું હું કેમનું સંભાળું? તમેજ કહ્યું’તું કે તું જ્યાં પણ હોઈશ ત્યાં હું તારી સાથેજ હોઈશ! દીદી, તમે સૂક્ષ્મ સ્વરૂપે મારી જોડે hશોજ એવી મારી પાકી શ્રદ્ધા છે."
"તો મને સહાય કરો, દીદી. પ્લીઝ દીદી. તમને તો હું મારી મા તરીકે પૂજું છું, મને સહાય કરો."
એ પછી યશુ સવાર સુધી ભગવાન રામને યાદ કરતી રહી ને સીતારામ, સીતારામ જપતી રહી.
સુમિતનાં પ્રોગ્રામોની સીઝન ચાલી રહી હતી. એક મોટા પ્રોગ્રામમાં મિત્રો સાથે પ્રોગ્રામ સાંભળવા એણે સોનુને દસ "કોમ્પ્લીમેન્ટરી પાસ" આપ્યાં. સોનુ રાજી થઈ ગયો.
એણે મમ્મીને વાત કરી તો એની સાથે પ્રોગ્રામમાં આવવા મમ્મીએ પણ ઈચ્છા દર્શાવી, પણ પાછી વટનો કટકો ખરીને?
તેથી ’પપ્પા કહે તો આવું’ એવું સોનુને કહેતાં, સોનુએ સુમિતને પૂછ્યું, "પ્રોગ્રામમાં આવવાની મમ્મીની પણ ઈચ્છા છે, પપ્પા. તમે એને કહો તો એ આવે."
સુમિતે આજે કેટલાંય ટાઈમ પછી યશુને ઉદ્દેશીને જ નહીં, એની સામે જોઈને જ કહ્યું, "યશુ, તેં પૂછ્યું હોય અને મેં તને 'ના' પાડી હોય એવું કદીયે બન્યું છે?"
"સોનુની જોડે એનાં મિત્રો આવશે, પણ તારે તો મારી સાથેજ આવવાનું છે; હું તને સ્પેશ્યલ લેવા આવીશ."
અરે, આમ અચાનક સુમિતને સુબુદ્ધિ સૂઝી કે શું? યશુને નવાઈ તો લાગી, પણ એનો હરખ ક્યાંય સમાતો નહોતો.
એને થયું કે આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો હશે? નક્કી કંચનદીદીએ મારી સહાય કરી હશે, મા જાનકીએ મારી પ્રાર્થના સાંભળી હશે.
કંચનદીદી અને મા જાનકી પ્રત્યે અહોભાવનો સતત અનુભવ કરતી યશુ સાંજ પડવાની રાહ જોતી હતી. આજે જાણે કે યશુને સંજીવની જડીબુટ્ટી મળી ગઈ હોય તેમ તેનાં વ્યક્તિત્વમાં અનેરો ઉત્સાહ પ્રગટી ઊઠ્યો.
છેવટે સાંજ પડી, સુમિત યશુને લેવા આવ્યો. યશુ ફટાફટ તૈયાર થઈને સુમિતની જોડે ગાડીમાં બેસીને પ્રોગ્રામ સાંભળવા ચાલી નીકળી.
પ્રોગ્રામ શરૂ થવાની તૈયારી હતી, સ્ટેજ પર આગમન કરતી વેળા સુમિતે યશુને પોતાની સાથે જ રાખી. સોનુને પણ નવાઈ લાગી.
તે હોલમાં આગલી હરોળમાં મિત્રો સાથે પ્રફુલ્લિત ચહેરે બેઠો હતો. પ્રેક્ષકોથી ચિક્કાર હોલમાં તાળીઓના ગડગડાટથી લોકોએ સુમિતનું અભિવાદન કર્યું.
પ્રોગ્રામ શરૂ કરતાં સુમિતે યશુને એની નજીકની ખુરશીમાં બેસાડી. યશુ તો સ્વપ્ને પણ વિચારી શકી નહોતી કે એકાએક સુમિત પૂર્વવત "નોર્મલ બિહેવ" કરશે!
એ સુમિતની બાજુમાં બેઠી ને બેસતાં બેસતાં ભાવવિભોર થઈને સુમિતને સ્માઈલ સાથે "થેંક્યુ, સર" એવું બોલી.
ઘણાં સમયનાં અબોલા હતા તેથી સુમિત માટે તેનાથી "સર" નું સંબોધન થઈ ગયું હતું, પણ સુમિતે એને "નો સરબર, નો મેન્શન, માય ડાર્લિંગ" કહીને સ્માઈલ ફરકાવ્યું.
સુમિતનાં મોં પર ઘણાં સમયે મુસ્કાન જોતાં યશુના આનંદની અવધિ આકાશની આરપાર જતી રહી. પોતે સ્વપ્ન તો નથી જોતીને!
ના..ના.. આ સ્વપ્ન નથી, પણ મીઠી વાસ્તવિકતા છે, એની ખાતરી કરી! પ્રોગ્રામની શરૂઆતમાં સુમિતે યશુની ઓળખાણ આપતાં કહ્યું, "બાજુમાં બિરાજમાન યશોદા એ મારી ધર્મપત્ની છે, એકની એક ધર્મપત્ની!"
"(હોલમાં સૌ હસી પડ્યાં, એટલે વાત વાળીને સુમિતે આગળ કહ્યું) આમ તો દરેકને પત્ની એક જ હોય, પણ જ્યારે એકની એક પત્ની ખોઈ બેઠેલાં માણસને તે પાછી જડે ત્યારે એને જે લાગણીઓ થાય..."
"...તેવી લાગણીઓ મને થતાં મારાથી આમ 'એકની એક ધર્મપત્ની' એવું સહજ રીતે બોલાઈ જવાયું છે, તો માફ કરશો."
"મારી પત્નીને પરિચિત લોકો 'યશુ'ના હુલામણા નામથી ઓળખે છે. મારા કેટલાંક સ્વરચિત ગીતો બીજું કંઈ જ નહીં, પણ આ યશુ વિશેની મારી કલ્પનાઓનું શાબ્દિકરૂપ છે..."
"...જોકે યશુ તો કલ્પનાનાં કોઈ જ સ્વરૂપમાં સમાવી શકાય એવી નથી. એ ખૂબજ પ્રેમાળ છે; સુંદર તો છે જ!"
"પણ સુંદરતા અને પ્રેમ બંને જ્યારે કોઈ એક વ્યક્તિમાં જોવા મળે ત્યારે તે 'વ્યક્તિવિશેષ' બની જાય છે અને ત્યારે એના સહવાસનો આનંદ અનેરો હોય છે."
"(પછી હસીને કહ્યું) આપ સૌને મારી ઈર્ષ્યા ન થાય તે માટે હું એના વિશે વધુ નહીં કહું અને આપની સમક્ષ કાર્યક્રમ રજૂ કરું છું."
ત્યારબાદ, ગીતોની હારમાળા શરૂ થઈ. એકેક ગીતો યશુની પસંદગીનાં જ રજૂ કર્યાં. પ્રેક્ષકો "આફરીન" થઈ ઉઠ્યાં.
પોતાના કંઠને વિશ્રામ આપીને સુમિતે એનાઉન્સ કર્યું, "હવે બે-ચાર સુંદર ફિલ્મી ગીતો ને ભજનો સંભળાવવા માટે હું મારી પ્રિય 'યશુ'ને વિનંતી કરીશ કે તે માઈક પર આવે!"
યશુને બહુજ નવાઈ લાગી. આ પહેલાં એણે સ્ટેજ પર કદી કોઈ ગીત ગાયું નહોતું. તેથી તે ખૂબ સંકોચ અને શરમ અનુભવતી હતી, પણ સુમિતે પ્રેમપૂર્વક એને ઊભી કરી અને ગાવા માટે પ્રેરિત કરી.
પાંચ-સાત મિનિટ યશુ માઈક પકડીને માત્ર ઊભી રહી અને સુમિત તરફ નજર કરી. સુમિતે એની સામે જોઈને મલકાતા મોંએ એને ગાવા માટે પ્રેરક ઈશારો કર્યો.
પછી તો યશુનાં હૃદયના તાર જાણે કે ઝણઝણી ઉઠ્યાં અને એ ઝણઝણાહટમાંથી જ જાણે ધ્વનિ પ્રગટતો હોય એવો માહોલ બંધાયો. એણે મધુર લય સાથે પ્રથમ વાર જ જાહેરમાં સ્ટેજ પરથી એના કોકિલ સ્વરમાં ગીતો ને ભજનો ગાવાનું શરૂ કર્યું.
"મૈ તો ભૂલ ચલી બાબુલકા દેશ, પિયાકા ઘર પ્યારા લગે...." જેવાં મધુર ફિલ્મી ગીતો એણે લલકાર્યા.
તેમજ "એક પ્યારકા નગમા હૈ, મૌંજોકી રવાની હૈ, જિંદગી ઓર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ....." ગાયું.
ત્યારબાદ "કેકૈયી....ભલેને તારો ભરત ગાદીએ આવે....રે, વન નો દે... મારા રામને..." જેવાં લોકભજનો શરૂ કર્યા. અને "રામ તમે સીતાને તોલે ન આવો..." સાંભળીને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા. પ્રેક્ષકોએ સુમિત કરતાં પણ અધિક તાળીઓથી યશુનું અભિવાદન કર્યું અને આખો હોલ ગુંજી ઉઠ્યો.
પ્રોગ્રામ પૂરો થયો એટલે સુમિત યશુને ને સોનુને સાથે ગાડીમાં લઈને ઘેર આવ્યો. ઘરે આવતા જ યશુની આંખો આંસુઓથી છલકાવા માંડી, તે જોઈને સોનુએ નવાઈથી પૂછ્યું.
"મમ્મી! હવે શું કામ આંસુ વહેવડાવે છે? પપ્પાને તારા પ્રત્યે કોઈ રીંસ નથી, પણ અપાર પ્રેમ છે તે જાણ્યા પછી પણ આંસુ!?"
યશુએ વહાલથી કહ્યું, "દીકરા! આજે મમ્માને હરખનાં આંસુ આવે છે, કેટલાંય સમય પછી આવ્યાં છે, ભલે આવતાં!"
"પપ્પાએ મમ્મીને આજે નવું જીવન આપ્યું છે તો હરખ ન થાય!" યશુએ સુમિત સામે જોતા કહ્યું.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
