મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-35)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૫)

સુમિત યશુને ને સોનુને સાથે ગાડીમાં લઈને ઘેર આવ્યો. યશુની આંખો આંસુઓથી છલકાવા માંડી, તે જોઈને સોનુએ કહ્યું, "મમ્મી! હવે શું કામ આંસુ વહેવડાવે છે? પપ્પાને તારા પ્રત્યે કોઈ રીંસ નથી, પણ અપાર પ્રેમ છે તે જાણ્યા પછી પણ આંસુ!?"

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"દીકરા! આજે મમ્માને હરખનાં આંસુ આવે છે, કેટલાંય સમય પછી આવ્યા છે, ભલે આવતાં! પપ્પાએ મમ્મીને આજે નવું જીવન આપ્યું છે તો હરખ ન થાય!"

રાતે સૂતા પહેલાં એકાંતમાં યશુ સુમિતને ગળે બાઝીને ખૂબ રડી, "સુમિત! મારા રામે મારી અરજ સાંભળી, સુમિત! તું મને કેમ બોલાવતો નહોતો એ પણ મારે હવે જાણવું નથી."

"બસ! ફરી ક્યારેય તું મારી ઉપેક્ષા નહીં કરેને? મને તારાથી અળગી નહીં કરેને? દુનિયા આખી મારી સાથે અબોલા રાખે તે મને પોષાશે, પણ તું રાખેને, તો હું ઝાઝું જીવી જ નહીં શકું!"

સુમિતે ગળગળા થઈને કહ્યું, "યશુ! મને ખૂબ પસ્તાવો થાય છે. તારું મોહક વ્યક્તિત્વ અને કોઈપણની સાથે તારા પ્રેમાળ સંબંધોને કારણે મને એક પ્રકારની બીક લાગતી હતી કે ક્યારેક તું કોઈ લંપટ માણસના સકંજામાં સપડાઈ ન જાય!"

"એમાંય એક ચિઠ્ઠી મારા હાથમાં આવી, ને બસ પછી મારું ચિત્ત ચકરાવે ચડ્યું. તને યાદ હશે કે મારે ઓફિસ ફાઈલની જરૂર હતી અને તું બીમાર હતી એટલે મેં જાતે એ શોધી ત્યારે આ ચિઠ્ઠી મને મળી આવેલ."

"બસ! એ વાંચીને હું સળગી ઉઠ્યો; મને તારા પ્રત્યે- તારા ચારિત્ર્ય પ્રત્યે શંકા ગઈ. મને આપણાં લગ્ન પહેલાંની એક રાત્રિનો પ્રસંગ પણ યાદ આવી ગયેલો."

"તે વખતે મારામાં કામાગ્નિ પ્રબળ બનેલો, છતાં તેં ખૂબજ સંયમ જાળવેલો, એટલું જ નહીં, તેં મને સુંદર ઉપદેશ પણ આપેલો. જો તું ખરેખર સંયમ રાખી શકતી’તી તો પછી, ચિઠ્ઠીમાં લખેલાં બનાવ વખતે તેં કેમ સંયમ રાખેલો નહીં?"

"ઉલ્ટાનું, તું પણ ભૂલ કરી બેઠી’તી! બીજું, યશુ, આપણાં બેમાંથી કોઈપણ જણ કોઈ વાત એકમેકથી છૂપાવશે નહીં એવું વચન આપણે અરસપરસ આપેલું ને? તોપણ તેં આ ચિઠ્ઠી વિશે મને કેમ ક્યારેય વાત કરી નથી, એવા કુવિચારથી હું વધારે ક્રોધિત હતો."

યશુએ આશ્ચર્યથી પૂછ્યું, "સુમિત! કઈ ચિઠ્ઠીની વાત કરે છે? મને તો કંઈ યાદ આવતું નથી!"

સુમિતે વાત વાળી લેતા કહ્યું, "એ જે હોય તે, પણ હવે મારે એ વિશે કોઈ ખુલાસો જોઈતો નથી. મારે મારી યશુ પાસેથી ખુલાસો મંગાય? બસ! એટલે તારો ખુલાસો હું માંગતો નહીં; તું વારંવાર કારણ જાણવા માંગતી’તી તોયે મેં તને એ કારણ જણાવ્યું નથી."

"પણ, ભૂલી જા યશુ એ બધું. મારામાં કુદરતી તારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે અને વિશ્વાસપૂર્વક કહું છું કે તારા ચારિત્ર્ય વિશે આજે મને લગીરેય શંકા નથી."

યશુએ આગ્રહ કર્યો, "વાંધો ન હોય તો એ ચિઠ્ઠી મને બતાવીશ? તને કુદરતી જે પ્રેમ જાગ્યો છે એ કુદરતી જતો ન રહે એટલા માટે પણ, તું મને ચિઠ્ઠી આપીશ?"

સુમિતે ના પાડતા કહ્યું, "ના. સાચું કહું તો હવે મને કંચનની બીક લાગે છે. રાત્રે તને હડસેલીને પલંગમાં પાછી ધકેલી તે પછી પી ને હું સૂઈ ગયેલો. પરોઢે કંચન સપનામાં આવી અને મને ખૂબ ઠપકો આપ્યો."

"એણે કહ્યું કે, યશુને તમે કેમ ઓળખી શક્યા નથી? એના પ્રત્યે શું કામ નફરત રાખો છો? એને મારું જ રૂપ માનજો. મારાં અંતઃકરણનાં આશિષથી યશુ તમારી આ જન્મે જ નહીં, પણ જન્મોજન્મ માટે તમારી જ પત્ની થઈને આવવાની છે."

"એ આ યુગની સતી સાવિત્રી જ છે. એના જેવી કોઈ પવિત્ર સ્ત્રી તમને મળશે નહીં; એને ખોવાની ભૂલ કરશો નહીં. એને સામેથી બોલાવજો, એ તમારી રાહ જ જુએ છે."

"તમે હવેથી ચેતી જાઓ; જો એને ઝાઝું વિતાડશો તો દુઃખી-દુઃખી થઈ જશો... આમ કંઈ કેટલુંય કહીને એ અદ્રશ્ય થઈ ગઈ. હું જાગી ગયો. કંચન હાજરાહજૂર છે, યશુ! મને ફરીથી એનો પરચો થઈ ગયો. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી; ચિઠ્ઠીની વાત પણ ભૂલી જા."

યશુ પણ મનોમન કંચનદીદીનો આભાર માનવા લાગી અને ચિઠ્ઠીનું રહસ્ય જાણવા સુમિત પાસે ફરી ચિઠ્ઠીની માંગણી કરી, "સુમિત, તને મારા સમ છે, મને એ ચિઠ્ઠી બતાવ. ચિઠ્ઠીને કારણે આટલો બધો સમય તેં મને તારાથી અળગી રાખી તેથી મને એ ચિઠ્ઠી જોયા-વાંચ્યા વગર ચેન નહીં પડે!"

સુમિતે જ્યારે યશુને ચિઠ્ઠી આપી ત્યારે તે વાંચતાં પહેલાં જ યશુને સ્મરણ થયું, "અરે સુમિ...ત! આ ચિઠ્ઠીનું રહસ્ય છતું ન થાય તે માટે હું વચનબદ્ધ છું, છતાં હવે કહેવામાં વચનભંગનું પાપ લાગે એમ નથી."

"કેમકે ચિઠ્ઠીમાં જે બનાવ લખ્યો છે તે બનાવ બીજા કોઈ જોડે નહીં, પણ કમનસીબે મારી આશા જોડે બનેલો છે; એનાં પૂર્વપ્રેમીની વાત છે જે મારા કહેવાથી આશાએ એનાં હસબન્ડ રાજેશને પણ ખુલ્લા મનથી કહી દીધેલી છે."

"અને એ પછી પણ રાજેશે આશાની આવી ખેલદિલી જોઈને એનો સહર્ષ સ્વીકાર કરેલો છે. તેથી હવે સુમિતને કહેવામાં શું વાંધો?" 

બસ, પછી યશુએ એ ચિઠ્ઠી વિશે સુમિતને અથઃથી ઇતિ સુધીની બધી જ વાત કરી, સાથે સાથે સુમિતને કહ્યું પણ ખરું, "આશાએ મને જ સૌથી પહેલાં ચિઠ્ઠી વાંચવા આપેલી, પણ તે ચિઠ્ઠી મારી પાસે જ કેમની રહી ગઈ હશે તે મને સમજાતું નથી."

"સુમિત, તને હજી મારી વાત પર વિશ્વાસ ન હોય તો ચિઠ્ઠીની વાત આશા અને રાજેશની રૂબરૂમાં જ એમને પૂછી શકાય, પણ આશાને ખબર પડશે કે તું આ વાત જાણે છે તો એ બિચારી નાહકની ભોંઠપ અનુભવશે."

"છતાં એને પૂછવામાં આવે તો મને કોઈ વાંધો નથી, તારી શંકાનું સમાધાન થાય. જોકે, મારું તો કહેવું છે કે તું ફક્ત મારી ઉપર વિશ્વાસ રાખીને બીજાં કોઈનેય આ વાત કરે નહીં તો વધુ સારું; આશાને તો ક્યારેય પૂછીશ નહીં."

સુમિતે શરમાતા કહ્યું, "હું એવો ગાંડો થોડો છું? યશુ, તેં આટલી ચોખવટ કર્યા પછી આશાને પૂછવાથી હું એના મનમાંથીયે ઉતરી જાઉંને! મારે હવે કોઈ ખુલાસો જોઈતો નથી. પ્લીઝ યશુ, બધું ભૂલી જઈએ. મારે તને ખોવી નથી, નહીંતો કંચને સપનામાં મને કહ્યું તેમ હું દુઃખી-દુઃખી થઈ જઈશ."

યશુએ વહાલથી કહ્યું, "સુમિત, આશા ને હું એક જ આત્માથી જોડાયેલાં બે શરીર છીએ. એકબીજા વગર અમે અપૂર્ણ છીએ!"

સુમિતે પોતાની બીજી ભૂલ સ્વીકારતા કહ્યું, "યશુ, હું એટલો બધો હલકટ થઈ ગયેલો કે આ ચિઠ્ઠી સિવાય પણ, અર્જુન પ્રત્યે તારી માતૃભાવના પણ હું સમજી શકતો નહીં; મને શંકા થતી કે તારે અર્જુનની જોડે 'ઇલુ ઇલુ' તો નહીં થઈ ગયું હોય ને?"

યશુએ હસીને ઠપકો આપ્યો, "મારે તને શું કહેવું સુમિત? તું આવો વહેમીલો કેમ બની ગયો છે? મેં કંચનદીદીના પતિ સુમિતને જોયો છે, પણ આજે યશુનો પતિ સુમિત જુદો જ જણાય છે! સાવ જ બદલાઈ કેમ ગયો છે?"

"હું અર્જુનમાં ને સોનુમાં કોઈ અંતર જોતી નથી. હું અર્જુનને મારુંજ સંતાન માનું છું, કેમકે એણે મને એની મા ગણી છે. એક નમાયા છોકરાને 'મા'નો પ્રેમ આપતી હોઉં તો એમાં ખોટું શું છે?"

"'ઇલુ ઇલુ' એટલે શું? મા-દીકરા વચ્ચેના પવિત્ર પ્રેમને તું જો 'ઇલુ ઇલુ' કહેતો હોય તો મને વાંધો નથી. સાચું માનીશ, સુમિત?"

"જેમ ગંગાપુત્ર ભીષ્મ બાણશય્યા ઉપર સૂતા હોય છે ને અંતિમ પળોમાં મા ગંગાનું સ્મરણ તીવ્ર બને છે ત્યારે અર્જુનના બાણથી ધરતી ચીરીને ગંગાજી પ્રગટ થાય છે ને ભીષ્મદાદાના મોંમાં મા ગંગાની પવિત્ર ધારાનું અર્જુન રસપાન કરાવે છે..."

"...તેમ જ્યારે મને કોઈ મા કહીને સાદ કરે છેને, ત્યારે એ 'મા' શબ્દનું તીવ્ર બાણ મારી છાતી ચીરીને એમાંથી દૂધ રૂપી પાવન મમતાની છોળો ઉછાળવા માંડે છે ને મારી છાતી ભીની થઈ જાય છે! એજ તો મારા માતૃપ્રેમનો પુરાવો છે! બોલ હવે તારે બીજો કયો પુરાવો જોઈએ છે?"

સુમિતે હાથ જોડીને કહ્યું, "ખેર, યશુ! માફ કરજે. તું ખૂબ મહાન છે, તારી આગળ હું અત્યંત વામણો છું. મારે તારા માતૃપ્રેમનો બીજો કોઈ પુરાવો જોઈતો નથી. હવેથી કોઈ પ્રકારનો વહેમ, શંકા-કુશંકા નહીં રાખું. પ્રોમીસ, માય ડીયર યશુ. ઓ.કે.?"

એ પછી અર્જુન જ્યારે જ્યારે ઘરે આવે ત્યારે ત્યારે સુમિતને પણ ગમતું. પરીક્ષા ટાણે સોનુની સાથે વાંચવા માટે અર્જુન ઘરે આવે ત્યારે સળંગ દિવસો સુધી એ ત્યાંજ રોકાઈને રહેતો. બન્ને ટંકનું ભોજન, ટાઈમે ચા-નાસ્તો યશુ હોંશે-હોંશે કરાવે.

આ સીલસીલામાં એકવાર અર્જુન ત્યાં રોકાયેલો ત્યારે તે સખત બીમાર પડી ગયો. ટાઈમસર દવા આપવાથી માંડીને દરેક વાતે યશુ એનું ખૂબ ધ્યાન રાખે. એક રાતે અર્જુનને ખૂબ તાવ ચડ્યો હતો. 

યશુએ એનું વાંચવાનું બંધ કરાવીને એને સૂઈ જવાની ફરજ પાડી. અર્જુનનું માથું પોતાના ખોળામાં રાખીને દબાવતી જાય ને જોડે જોડે મીઠાંનાં પાણીનાં પોતાં અર્જુનને કપાળે મૂકતી જાય. 

યશુ એ રાતે ચિંતામાં ને ચિંતામાં એકપણ મટકું માર્યા સિવાય જાગતીજ બેઠી’તી. મનમાં "સીતારામ"નાં જાપ જપતી જાય ને મનોમન ભગવાનને પ્રાર્થના કરતી જાય, "મારા અર્જુનની રક્ષા કરો, પ્રભુ."

અર્જુનને પણ ઊંઘ આવતી નહોતી; "મા" વિનાનાં આ છોકરાને "મા" એટલે શું, એની પ્રતીતિ થઈ ગઈ. યશુની મમતાએ અર્જુનને અત્યંત ભાવુક બનાવી દીધો અને અર્જુનને અવનવા વિચારો આવવા મંડ્યા.

એ વિચારતો હતો કે, હું કેટલો ભાગ્યવાન છું? "મા"નો ખોળો આટલો બધો આનંદદાયક હોય છે એવી આજસુધી મને ખબરજ નહોતી! હું કેટલો નાદાન હતો? આવી "મા" ને મારી પ્રેમિકાના રૂપમાં હું જોવા માંગતો હતો?

ધિક્કાર છે અર્જુન તને. "મા" પણ કેવી છે? યશુમમ્મીની જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો શું મને આવું સૌભાગ્ય મળત? મમ્મી, તારા માટે હું મારા ચામડાનાં જોડા બનાવીને પહેરાવું તોયે તારું ઋણ અદા કરી શકું એમ નથી!

હું નિશદિન તારી પૂજા કરીશ, પહેલું શિશ કાયમ તને નમાવીશ ને તે પછીજ ઈશ્વરને! ઈશ્વર તારાથી જુદો હોઈ શકેજ નહીં, તું જ ઈશ્વર છે, મા! આમ, અર્જુન યશુમમ્મીનાં વાત્સલ્યનાં વહેણમાં તણાતો રહ્યો.

એની બીમારી ટાણે એક સગી "મા"ની જેમજ યશુએ ચાકરી કરી અને અર્જુન સ્વસ્થ થયો એટલે યશુએ માનેલો થાળ લઈ જઈને રામજી મંદિરે અર્જુનના હસ્તે ધરાવ્યો ને અર્જુનનું શિશ ભગવાનનાં ચરણોમાં નમાવડાવીને ઘરે આવી.

આ વાતથી અત્યંત ભાવુક બનીને અર્જુનનાં પિતા યશુ પાસે એનો આભાર વ્યક્ત કરવાનો શિષ્ટાચાર કરવા આવ્યા ત્યારે યશુએ બે હાથ જોડીને કહ્યું, "સાહેબ, મેં અર્જુનને મારોજ દીકરો ગણીને જે કંઈ કર્યું છે, ને જીવનપર્યંત પણ હું એને મારો જ માનીને કરતી રહીશ તેથી કંઈ મારો આભાર માનવાનો ન હોય!"

અર્જુનનાં પિતા પાસે અભિવ્યક્તિનાં કોઈ શબ્દો નહોતા. તેમણે પણ યશુને બે હાથ જોડીને એટલું જ કહ્યું, "બહેન, હું જરાય અતિશયોક્તિ નથી કરતો, ઘણે ઠેકાણે હું ફર્યો છું; ઘણાંબધાંનાં સંપર્કમાં આવ્યો છું, પણ ક્યાંય મેં આવી તમારા જેવી મહાન ને આવી પવિત્ર બાઈ જોઈ નથી."

"તમારા મોંઢે સારું લગાડવા નથી કહેતો, પણ તમારાં જેવાંની રાજકારણમાં બહુજ જરૂર છે; જો મારી વાત માનો તો હું તમારા માટે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે પક્ષમાંથી ટીકીટ આપવા ભલામણ કરું."

યશુએ હસીને ના પાડી, "ના...રે, ભાઈસાહેબ! હું રાજકારણમાં શું કામ આવું? અહીં રહ્યેરહ્યે હું જે કરી શકું છું, ને મારાં બાળકોને 'મા'નો પ્રેમ પાઈ શકું છું તે શું હું ત્યાં આવીને કરી શકીશ? મને એટલો ટાઈમ પણ મળશે?"

"તમારો ખૂબ આભાર, સાહેબ. મારે કોઈ ટીકીટ જોઈતી નથી; હું તો મારા રામજીને પ્રિય હોય એવું બધું ઘેર રહીને કરવા માંગું છું."

યશુનો આવો જવાબ સાંભળીને સુમિતને કોઈ જ નવાઈ લાગી નહોતી, કેમ કે એ યશુને નખશિખ જાણે છે કે યશુ ક્યારેય કોઈ યશ લેવાની અપેક્ષા કે અભરખો રાખતી નથી. એ સંપૂર્ણ રામમય છે તેથી કદીયે કોઈ લાલચ એને ચલિત કરી શકે એમ નથી.

યશુ અને સુમિત વચ્ચે હવે કોઈ પ્રકારનો ખટરાગ રહ્યો નહીં. બન્ને જણાં પૂર્વવત પ્રેમથી રહેવા લાગ્યાં.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."