મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-36)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૬)

યશુ અને સુમિત વચ્ચે હવે કોઈ પ્રકારનો ખટરાગ રહ્યો નહીં. બન્ને જણાં પૂર્વવત પ્રેમથી રહેવા લાગ્યાં.

યશુનો સુખી સંસાર ચાલી રહ્યો છે. સોનુએ ૭૫ ટકા (ડિસ્ટિંગ્શન) સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તે હવે સરકારી અને બેંકોની ભરતી માટે તૈયારીઓ કરે છે. 

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

અર્જુન તેના પિતા સાથે મુંબઈ ખાતે કાયમી વસવાટ કરવા જતો રહ્યો છે, તોપણ એ ફોનથી યશુ અને સોનુ સાથે અવારનવાર વાત કરી લે છે. ગોપુ અને ગૌરી દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરે છે. 

સોનુને હજી યશુની થાળીમાં જ એની ભેગા જ જમવાની ટેવ છે. ગોપુ અને ગૌરી સોનુની આ ટેવને કુટેવ ગણીને પ્રસંગોપાત એની મશ્કરી પણ કરે છે. 

એવે વખતે યશુ હંમેશની જેમ સોનુના પક્ષે રહીને ગોપુ-ગૌરીને મીઠાશથી ટપારીને કહેતી હોય છે, "દીકરા ગમે એટલી મોટી ઉંમરનાં હોય તોયે માબાપ માટે તો એ બાળકો જ છે!"

"એક થાળીમાં 'મા' ની ભેગાં જમવાથી કોઈ દીકરો શરમાય શેનો! એ કંઈ કોઈ શરમાવા જેવી વાત છે? તમે બેય પણ 'ભાઈ'ની જેમ મારા ભેગા જમો તો હું તમને 'ના' કહેવાની છું?"

છતાં ગોપુ-ગૌરી સોનુની જેમ "મા"ની ભેગા જમવાનું પસંદ નથી કરતાં. યશુ એ બન્નેને કહેતી હોય, "તમે બેય 'ભાઈ' જેવા નથી; તમને મા માટે ભાઈ જેટલી લાગણી નથી; બન્ને બેફિકરા છો!"

"તમને તો પપ્પા જ બહુ વહાલા, મા નહીં." અને ખરેખર ગોપુ-ગૌરીને સોનુને છે એટલું "મા"નું વળગણ નથી. 

સોનુ તો ગમે ત્યાંથી ઘેર આવીને મમ્મીને ભાળે નહીં તો એ તરત જ પૂછે, "મમ્મી ક્યાં?" ક્યારેક ગોપુ એને મજાકમાં જવાબ આપે, "મારા ગજવામાં!" 

પોતાના નાનેરા ભાઈ દ્વારા થતી મજાકનું સોનુને ક્યારેય માઠું લાગ્યું પણ નથી. યશુ ઘણીવાર સુમિતને ફરિયાદ પણ કરે.

તે કહેતી, "નાનાં બેય ભાંડરડાં મોટા જેવા લાગણીશીલ નથી. હું મરી ગઈ હોઉં તો આ બેય નાનાંને બહુ અસર થાય એમ નથી! હા, સોનુની મનોદશા ઠેકાણે ન રહે, એ ચોક્કસ વાત છે, નહીં સુમિત?"

સુમિત જવાબ આપે, "સોનુ પહેલેથી જ બહુ કોમળ હૃદયનો છે. એમાંય જ્યારથી એને ખબર છે કે તું એની જનેતા નથી, પણ પોષક 'મા' છે અને છતાં તેં એને કંચનની ગેરહયાતિ ક્યારેય સાલવા દીધી નથી."

"બસ, આ વાસ્તવિકતાથી જ સોનુના મનમાં તારું સ્થાન અજોડ-અમર બની ગયું છે અને તારા માટે એ ગમે તે કરી છૂટે એવો છે."

"જ્યારે ગોપુ તો પાંચ વરસનો થયો ત્યાં સુધી તો આશાને ત્યાં હતો! અને ગૌરી છોકરી છેને? તેથી 'મા' કરતાં બાપ પ્રત્યે વધુ વહાલ હોય. મોટાં થશે ત્યારે આપોઆપ સમજાશે કે મા શું છે."

ગૌરી અને ગોપુ દસમાં ધોરણમાં ખૂબ સરસ રીઝલ્ટ લાવ્યા. ગોપુ બોર્ડમાં પાંચમા ક્રમે અને શહેરમાં પ્રથમ આવ્યો. ગૌરીને પણ ૯૦ ટકા આવ્યા. 

આશાએ અભિનંદન આપતા કહ્યું, "યશુ, ગોપુ ને ગૌરીનો જન્મ મેં કરાવ્યો છે, બેયને 'ગળથુંથી' મેં પીવરાવી છે અને ગોપુને તો 'મા'નું દૂધ પીવરાવ્યું છે; પાંચ વરસ મારી પાસે રાખ્યો છે એટલે એ ભણવામાં મારા જેવાજ હોયને?"

યશુએ કહ્યું, "ભણવામાં બેય તારા જેવા છે, પણ લાગણીમાં નહીં, હોં આશા!"

આશાએ હસીને કહ્યું, "એ તો હજી નાના છે, મોટાં થશે એટલે તું જોજે, મારી જેમ તને અનહદ ચાહશે."

યશુ બોલી, "તારી વાત ફળે, આશા! બેય સોનુ જેવા થાય ત્યાં સુધી હું જીવતી રહું તો જોઈશ."

આશાએ આશ્ચર્યથી પૂછ્યું, "તે તને શું થવાનું છે તે આવું બોલે છે!?"

ગોપુ અને ગૌરીએ અગિયારમીમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો. ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ગોપુ ઝળકી ઊઠ્યો. 

આ વખતે બોર્ડમાં એ ત્રીજા ક્રમે આવ્યો હોવાથી આશાએ એને મેડિકલ લાઇન લેવાનું સૂચવ્યું, પણ ગોપુને "આઈ.ટી." માં કેરિયર બનાવવાની ઈચ્છા હોવાથી કોઈએ એને દબાણ ન કર્યું. 

એ વખતે "આઈ.ટી." તરફ જવાનું વલણ મેડિકલ કરતાં પણ વધુ હતું. સોનુને આગળ ભણવું નહોતું અને તેથી જાહેર ક્ષેત્રમાં નોકરી માટે પરીક્ષાઓ આપતો હતો, છતાં સફળતા મળતી નહોતી. 

પાંચેક પરીક્ષાઓ આપ્યા પછી એ થોડો નાસીપાસ થઈ ગયેલો. યશુની આગળ બેસીને કહે, "પપ્પાને કહીને ક્યાંક નોકરી પર લાગી જવું છે. પણ, પપ્પા ક્યાંય નોકરી માટે લાગવગ લગાવતા નથી."

ત્યારે યશુ કહે, "પપ્પા એમનાં સિદ્ધાંતોમાં અડગ છે. તું હિંમત શું કામ હારી જાય છે? ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને મહેનત ચાલુ રાખ; ક્યાંક તો તને નોકરી મળશે જ. મારા રામ કરે તને જલ્દી નોકરી મળી જશે."

મા પાસેથી આશ્વસ્ત થઈને સોનુ મહેનત કરવા માંડ્યો. એનું નસીબ ચમક્યું, યશુની શ્રદ્ધા ફળી ને સોનુને ટપાલમાં બેંકની નોકરીનો ઓર્ડર આવી ગયો. 

સોનુએ ઓર્ડર વાંચીને હરખભેર ઓર્ડરનું કવર સૌ પહેલાં મમ્મીનાં ચરણોમાં મૂક્યું ને મમ્મીને પગે લાગ્યો, તે પછી સુમિતને પગે લાગ્યો. 

સાત દિવસ પછી રાજકોટ ખાતે બેંકની તાલીમ સંસ્થામાં હાજર થવાનું હતું. મમ્મીથી ક્યારેય અળગો થયેલો નહીં એટલે સોનુ રાજકોટ ખાતે હાજર થતા પહેલાં મમ્મી વગર હવે કેમનું ગમશે એવી ચિંતા કરવા લાગ્યો. 

એકબાજુ નોકરીની ખુશી ને બીજીબાજુ મમ્મીથી દૂર થવાનું દુઃખ. પણ સોનુ ઈચ્છતો હોય તોપણ હવે મમ્મીનું સતત સાનિધ્ય શક્ય પણ નહોતું. યશુને પણ એટલું જ દુઃખ થતું હતું. 

છેવટે એણે સોનુ માટે સામેથી આવેલ માગું સ્વીકારીને એને સંસારની ડાળીએ વળગાડીને સુખી કરવા, એના જીવનમાં મા નો વિરહ ભૂલવાડી દે એવી સુશીલ અને સુંદર કન્યા માટે સોનુની ઈચ્છા જાણવા ખાતર એને પૂછ્યું.

તો સોનુએ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મમ્મીની પસંદ એ જ એની પસંદ, મમ્મીની મરજી એ જ એની મરજી છે. એટલે, તરત શુભાંગિની સાથે સોનુની સગાઈ ને લગ્ન એકસાથે ગોઠવાયાં.

સોનુની તાલીમ પતી ગઈ એટલે ભૂજની શાખામાં એની નિમણૂક થઈ. લગ્ન પહેલાં સોનુ એકલો ત્યાં રહેવા માંડ્યો. લગ્ન પછી તેની પત્ની શુભાંગિની પણ ત્યાં તેની સાથે રહેવા લાગી. 

પંદર દિવસે, મહિને બન્ને જણ ઘેર મમ્મી-પપ્પાની સાથે બે-ત્રણ દિવસ રોકાવાની અનુકૂળતા હોય ત્યારે અવશ્ય આવે. શુભાંગિની પણ સોનુ જેટલો જ પ્રેમ મમ્મીને કરે તેથી તેઓ જ્યારે ઘેર આવે ત્યારે યશુ ખૂબજ ખુશ થઈ ઉઠતી. 

લગ્ન પછીની પ્રથમ દિવાળી કુટુંબના સભ્યો સાથે માણી અને હોળી-ધૂળેટી ઉપર એ બન્ને આવ્યા ત્યારે એકના એક દિયર ગોપુના મોંએ રંગ ચોપડવા જ્યારે શુભાંગિની તેની નજીક આવી.

જેવું એણે રંગવાળા એનાં બન્ને હાથ ગોપુના મોંએ ધીમેકથી અને પ્રેમથી અડકાડ્યા ત્યાં તો ગોપુનો પિત્તો સાતમા આસમાનને આંબી ગયો. ગુસ્સામાં એ ઊભો થઈ ગયો અને ભાભી શુભાંગિનીને જેમ ફાવે તેમ બોલવા માંડ્યો. 

યશુએ શુભાંગિનીનો પક્ષ લેતાં કહ્યું, "બેટા, આ રંગોનો ને ઉલ્લાસનો તહેવાર છે, ભાભીએ પ્રેમથી તને રંગ્યો તેથી તારે ખુશ થઈને એને સામેથી રંગવી જોઈએ."

"દિયર-ભાભી, નણંદ-ભાભી આ દિવસે આવી તોફાનમસ્તી કરે એ જ તો આ ઉત્સવની મજા છે. આ આપણી પરંપરા છે. આવી સરસ પરંપરાને જાળવવી એ આપણી ફરજ પણ છે."

"તું અકળાઈ ગયો એ મને જરીકેય ગમ્યું નથી. તું ભાભીની માફી માંગી લે." યશુએ ગોપુને સમજાવતા કહ્યું.

ગોપુએ ચિડાઈને કહ્યું, "માફી? શા માટે? મેં કંઈ ખોટું કહ્યું નથી. માફી મારે નહીં, ભાભીએ માંગવી જોઈએ. જો મમ્મી, આવી પરંપરા જ હોય તો એ એક પ્રકારની જંગલિયાત છે. આવી પરંપરા ન હોય. હું એમાં જરાય માનતો નથી."

યશુએ ગુસ્સાથી કહ્યું, "ગોપુ! તું આ ઘરમાં જ મોટો થયો છે, છતાં આવી બેહૂદી વાત કેમ કરે છે? ભાભી તો મા સમાન છે; એ તારી માફી માંગે? તને શરમ નથી આવતી?"

"એણે બિચારીએ કેટલાં ભાવથી તારે મોંએ રંગ ચોપડ્યો! તું એને રંગને, એ ક્યાં 'ના' પાડે છે?"

ગોપુએ મક્કમતાથી કહ્યું, "મેં કહ્યુંને મમ્મી! મને એવું જરાય પસંદ નથી. માફી ન માંગે તો કંઈ નહીં, પણ ફરી આવી હરકત ન કરે એવું એને સમજાવ, મમ્મી!"

ગોપુનાં આવા અનપેક્ષિત વર્તનથી શુભાંગિની તો બિચારી ડઘાઈ જ ગઈ હતી અને તેથી તરત જ એણે ગોપુની માફી માંગી.

ને એટલું જ નહીં, ભવિષ્યમાં તે આવી ભૂલ નહીં કરે તેવું આશ્વાસન પણ આપ્યું. જોકે, શુભાંગિનીએ ગોપુની માફી માંગી તે વાત યશુને તો જરીકીય ગમી નહીં. કેમ કે, શુભાંગિનીએ કોઈ ભૂલ જ નહોતી કરી અને છતાં એણે ગોપુની માફી માંગી’તી!

યશુ આમેય ગોપુથી નારાજ રહ્યા કરતી. સોનુની જેમ ગોપુ મમ્મી પાસે કોણ જાણે કેમ, પણ બહુ બેસતો નહીં, તેથી યશુને ગોપુ એની ઉપેક્ષા કરતો હોય તેવી લાગણી રહ્યા કરતી. 

ગોપુ તો એનો સગો દીકરો હતો, છતાં જાણે ગોપુ એને સાવકી મા સમજતો ન હોય! જ્યારે સોનુની તો એ સાવકી મા હતી, છતાં સોનુ સગી માથીયે વિશેષ ગણતો. 

આમ બે દીકરાનાં સ્વભાવ અને વર્તન વચ્ચે આવો વિરોધાભાસ યશુને અસહ્ય જણાતો. તે સુમિતને ફરિયાદ પણ કરતી ત્યારે સુમિત માત્ર એટલું જ આશ્વાસન આપતો કે યશુએ ગોપુ પાસેથી કોઈ અપેક્ષા જ ન રાખવી જોઈએ કેમ કે, અપેક્ષા જ તો દુઃખનું મૂળ છે! 

સોનુ અને શુભાંગિની પ્રત્યે યશુને સહજપણે અસીમ પ્રેમ હતો. ગોપુને પણ એ સોનુ જેટલો જ પ્રેમ કરવા ઈચ્છે છે, પણ ગોપુને જ જાણે કે મમ્મીનો પ્રેમ પામવાની કોઈ ઈચ્છા જ નહોતી! 

યશુ માંહેમાંહે જ જીવ બાળ્યા કરતી. ગોપુને એની કોઈ હકારાત્મક અસર થતી નહીં. સુમિતને પણ નવાઈ લાગતી કે જે યશુમાં સરાહનીય કુશાગ્ર બુદ્ધિ, વિવેક અને દરિયાવ દિલ છે.

અને જેના પ્રભાવમાં બહાદુર જેવા માણસોયે પથરાળ રસ્તેથી સીધાસુંવાળા રસ્તે આવ્યા છે, જેણે એક વખત "ડ્રીમગર્લ" કહીને એને "લવર" બનાવવાનું સપનું સેવ્યું હતું.

એવા અર્જુન જેવા કોલેજીયન છોકરા પણ જેના પ્રેમના પ્રવાહમાં ખેંચાઈને એની પાસેથી "મા"નો પ્રેમ પામી શક્યા છે, તે યશુ પોતાનાં જ સંતાનને એના પ્રબળ પ્રેમપ્રવાહમાં કેમ ખેંચી શકતી નથી!? 

એ જ્યારે એનું આવું આશ્ચર્ય યશુ આગળ પ્રગટ કરતો ત્યારે યશુ કહેતી, "નસીબની વાત છે. સમય અને સંજોગ ક્યાં કોઈનાં મોહતાજ હોય છે!"

"ભગવાન શ્રીકૃષ્ણ પણ કેટલાં સમર્થ હોવા છતાં એમનાં પોતાનાં જ યદુવંશને એમની કોઈ કિંમત ક્યાં હતી? યદુવંશની પાયમાલી ભગવાન ક્યાં અટકાવી શક્યા છે? એ સમયની જ બલિહારી કહેવાય ને?"

સોનુની બદલી વડોદરા થઈ હતી. એને સરસ મજાની એક પુત્રી, દેવાંશી જે બે વર્ષની થઈ ગઈ હતી અને આબેહૂબ કંચન જેવી લાગતી હતી. યશુને એ ખૂબ વહાલી હતી અને એને એણે પોતાની પાસે લઈ લીધી હતી. 

વારતહેવારે સોનુ અને શુભાંગિની અમદાવાદ મમ્મી-પપ્પા પાસે અવશ્ય આવી જતાં. સોનુએ પોતાના વિશે, ઘર-પરિવાર વિશે- ખાસ કરીને યશુ વિશે રજેરજની હકીકત શુભાંગિનીને જણાવી હતી.

પોતાની સગી મા ની જગ્યાએ એ આવી ત્યારથી એની મમતાએ જ એને જીવથી પણ વધારે ચાહ્યો છે અને એનો અવિરત પ્રેમપ્રવાહ ક્યારેય ઓછો થયો નથી અને તેથી જ તો પોતે જીવતો છે. 

યશુ વિશે આટલું જાણ્યા પછી શુભાંગિની પણ મમ્મી પ્રત્યે ખૂબજ ભાવ અને આદર ધરાવતી હતી. એ મમ્મીનો પડ્યો બોલ ઝીલતી હતી.

મમ્મી શું કહેવા માંગે છે તે વાત તે મમ્મીની આંખો ઉપરથી જ વરતી જતી અને તે મુજબ એનાં કહ્યાં પહેલાં જ એ કરતી પણ ખરી, તેથી મમ્મીની પણ એ ખૂબ ખૂબ વહાલી થઈ ગયેલી.

ગોપુ આઈ.ટી. એન્જીનીયર થઈ ગયા પછી રાજ્ય બહાર આઈ.આઈ.ટી. માં માસ્ટર ડિગ્રીનું ભણતો હતો. ગૌરી બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી) પૂરું કરીને આગળ અભ્યાસ કરવા ઈચ્છતી નથી. તે મમ્મીને કામમાં મદદ કરે છે. 

ગૌરીનું રૂપ જાણે કે યશુના કોલેજકાળનું જ રૂપ જોઈ લ્યો! યશુ પહેલીવાર જ્યારે કોલેજના પ્રોગ્રામમાં સુમિતને મળી હતી ત્યારે જેવી એ લાગતી હતી એવીજ અત્યારે ગૌરી લાગતી હતી.

તેને જોઈને સુમિતને એ દિવસો યાદ આવે છે; સુમિત ગૌરીને જોઈને ભૂતકાળમાં સરી જાય છે. 

અર્જુન ઘણીવાર સોનુની સાથે ઘરે આવતો તે અરસામાં એની અને ગૌરીની આંખો મળી જતાં તે બન્ને વચ્ચે પ્રણયનાં અંકુર ફૂટવા પામેલાં, જેની જાણ સોનુને છે, પણ યશુને હજી નથી.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."