મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૭)
ગૌરીનું રૂપ જાણે કે યશુના કોલેજકાળનું જ રૂપ જોઈ લ્યો! યશુ પહેલીવાર જ્યારે કોલેજના પ્રોગ્રામમાં સુમિતને મળી હતી ત્યારે જેવી એ લાગતી હતી એવીજ અત્યારે ગૌરી લાગતી હતી.
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
તેને જોઈને સુમિતને એ દિવસો યાદ આવે છે; સુમિત ગૌરીને જોઈને ભૂતકાળમાં સરી જાય છે. અર્જુન ઘણીવાર સોનુની સાથે ઘરે આવતો તે અરસામાં એની અને ગૌરીની આંખો મળી જતાં તે બન્ને વચ્ચે પ્રણયનાં અંકુર ફૂટવા પામેલાં, જેની જાણ સોનુને છે, પણ યશુને હજી નથી.
અર્જુન તો મુંબઈ ધંધાર્થે શિફ્ટ થઈ ગયો હતો તેમજ ધંધામાં એ ખૂબ આગળ વધી ગયેલો અને પિતાએ ઊભી કરેલી કંપનીના ડિરેક્ટર પદે હોવાથી અતિ વ્યસ્ત રહેતો.
છતાં ક્યારેક ક્યારેક એ ફોનથી એની માનેલી મમ્મી યશુ જોડે વાત કરતો અને તક મળતાં એ ગૌરી સાથે પણ મીઠો વાર્તાલાપ કરી લેતો. એ ગૌરી સાથે લગ્ન કરવા આતુર હોવાથી હજી સુધી એણે અન્ય કોઈ સાથે લગ્ન કર્યા નથી.
ગૌરીને પણ અર્જુન બહુજ ગમે છે એટલે એણે ભાઈને (સોનુને) વાત કરી કે મમ્મી-પપ્પાને એ વાત કરી જુએ. મમ્મી-પપ્પાને યોગ્ય સમયે વાત કરીને પોતે મનાવી લેશે એવી હૈયાધારણ સોનુએ ગૌરીને આપી પણ છે.
ગૌરીને પણ પોતાના ભાઈ ઉપર પૂરો વિશ્વાસ છે એટલે એના માટે કંઈ કેટલાંય માગાં આવતાં હતાં છતાં ગૌરી "હા" ભણતી નહોતી.
યશુ ગૌરીને કહેતી પણ ખરી કે, "બેટા તારા મનમાં કોઈ સારો છોકરો વસી ગયો હોય તો મને કહે." પણ ગૌરી અતિ શર્માળ હતી તે મમ્મીને પણ વાત કહી શકતી નહોતી, એ તો મનની વાત ભાઈ મારફતે કરવાનું નક્કી કરીને નિરાંતે બેઠી હતી.
આ બાજુ આશાની દીકરી બંસરી પણ મોટી થઈ ગઈ છે અને મેડિકલના ફાઇનલ વર્ષમાં છે એટલે આશા યશુને વારંવાર યાદ અપાવે છે કે એણે ગોપુ માટે એની (આશાની) દીકરી આપવા જે વાત કરી હતી તે હવે સાકાર કરવાનો સમય આવી ગયો છે.
યશુ તો ગોપુના લગ્ન બંસરી સાથે કરવા ખૂબ અધીરી પણ છે, પણ ગોપુ એ વાત સાથે સહમત થશે કે કેમ એની દ્વિધા અનુભવી રહી છે.
યશુને સોનુ ઉપર જેટલો વિશ્વાસ છે એટલો ગોપુ ઉપર નથી તેથી જ્યારે બંસરી માટે આશાને હૈયાધારણ આપે છે ત્યારે યશુના મનમાં એક પ્રકારનો ખચકાટ તો રહે છે જ, "ગોપુ માનશે કે નહીં?"
પણ કાળનાં ગર્ભમાં રહેલી પળોને ક્યાં કોઈ જોઈ શકે છે! ગોપુ આઈ.આઈ.ટી.માંથી અભ્યાસ પૂર્ણ કરીને ઘરે આવ્યો ત્યારે એની સાથે એની ઉંમરની જ એક છોકરીને સાથે લઈને આવ્યો.
અને પોતે એ છોકરી સાથે લગ્ન કરી લીધા છે એવું જણાવી મમ્મી-પપ્પાનાં આશીર્વાદ માંગ્યા. યશુએ આશ્ચર્ય સાથે આઘાત પણ અનુભવ્યો.
મા તરીકે આશીર્વાદ તો આપે જ છે, પણ ગોપુએ ઘરનાં કોઈને પણ અણસાર ન આવે તે રીતે ભરેલાં સ્વૈચ્છિક પગલાંથી ખૂબ નારાજ થઈ ઊઠેલી. એની નારાજગી ચાલાક ગોપુ કળી શક્યો છે એટલે એણે એટલું જ કહ્યું, "મમ્મી, હું ક્યાં ભાઈ જેવો છું કે તને વહાલો લાગું!"
યશુએ કહ્યું, "તું ભાઈ જેવો નથી...જ! માબાપની જાણ બહાર તેં જે પગલું ભર્યું છે તે યોગ્ય ગણાય? અમને પૂછ્યું હોત તો શું અમે 'ના' પાડવાના હતાં?"
"દીકરાના જનમ પછી દીકરાની વહુનું મોઢું તો વરસો પછી જોવા મળતું હોય છે અને તેથી કઈ મા વહુનું મોઢું જોવા ઈચ્છતી ન હોય? પણ, તું હવે બહુજ મોટો થઈ ગયો છેને! તારે માબાપની જરૂર પણ ક્યાં છે? ભાઈ તો પાણી પણ 'મા'ને પૂછ્યા વગર પીતો નથી."
ગોપુએ કહ્યું, "મમ્મી, મને ખબર હતીજ કે તું આડુંઆડું જ બોલવાની છો! હવે સાંભળ, તેં તો આ મારી પત્નીનું નામઠામ પૂછવાની પણ દરકાર કરી નથી, પણ હું તને સામેથી કહું છું કે આનું નામ મોનિકા છે, એ ખૂબ સ્વીટ છે."
"એનાં પપ્પા બહુ મોટા બિઝનેસમેન છે; એમણે અમારા બેય માટે નદીપારના વિસ્તારમાં સરસ બંગલો ખરીદી રાખ્યો છે, જ્યાં અમે બન્ને રહીશું ને ઓફિસ પણ એ બંગલામાં જ રાખીશું."
"અમને બન્નેને ઊંચા પેકેજવાળી નોકરીની ઓફરો 'કેમ્પસ ઇન્ટર્વ્યુ'માં થયેલી, પણ અમે અમારા આઈ.ટી.ના ફિલ્ડમાં સ્વતંત્ર ધંધો કરવાનાં છીએ."
"મુંબઈની એક મોટી કંપનીએ અમને બે પ્રોજેક્ટનું એડવાન્સ કામ પણ આપ્યું છે, એટલે બહુજ જલ્દી ધંધો શરૂ કરી રહ્યાં છીએ. નવો બંગલો બહુ વિશાળ છે; તું, પપ્પા, ભાઈભાભી ને ગૌરી અમારી સાથે રહેશો તો મને કે મોનિકાને કોઈ વાંધો નથી."
હવે સુમિતથી રહેવાયું નહીં એટલે બોલ્યો, "મોનિકાને કે તને એવું ભાન થયું કે મા-બાપનાં આશીર્વાદ લેવા માટે નમવું જોઈએ? તોપણ તારી મમ્મી બહુજ ભોળી ને પ્રેમાળ છે તેથી એનાં આશીર્વાદ તને મળી ગયાં; મારા નહીં, સમજ્યો?"
"અને હા, તમારી સાથે રહીને અમે, ખાસ કરીને તારી મમ્મીને હું દુઃખી કરવા નથી માંગતો. તું પ્રેમથી તારી પત્ની સાથે વિશાળ બંગલામાં રહે અને બન્ને જણ સુખેથી જિંદગી જીવો. અમે અહીં સુખેથી જ રહીએ છીએ; તમારી જરૂર પડશે ત્યારે બોલાવીશું."
યશુએ કહ્યું, "સોરી દીકરા, તારા પપ્પાના બોલ્યા સામે નહીં જોતો; અમે ચોક્કસ તારી સાથે પણ રહીશું. શું કામ ન રહીએ? માબાપ છીએ, સંતાનોની સાથે શું કામ ન રહીએ! તું ચિંતા નહીં કરતો."
"આજે તું મોનિકા વહુને લઈને આવ્યો છે તો મારે ખાલી હાથ તમને આશીર્વાદ અપાય?" એમ કહીને યશુએ પાકીટ ખાલી કરીને એમાંથી જેટલાં પૈસા નીકળ્યાં તે બધાં જ આપીને કહ્યું, "મમ્મી-પપ્પા બેય તરફથી 'ફુલ નહીં તો ફુલની પાંખડી' માનીને આ રકમ સ્વીકારી લો."
"હવે સાંભળ, મમ્મીના હાથની રસોઈ ખાધા વિના હું તમને જવા દેવાની નથી." યશુએ જેવું વાક્ય પૂરું કર્યું કે તરત ગોપુ અને મોનિકા બન્ને મમ્મીને પગે લાગ્યાં, તે પછી પપ્પાને લાગ્યાં.
સુમિતે બન્નેનાં માથે હાથ મૂક્યો અને વિશેષ પ્રતિભાવ આપ્યા વગર ચૂપચાપ અંદરનાં રૂમમાં જતો રહ્યો, પણ મમ્મીએ તો બન્નેના માથે વારાફરતી હાથ મૂકીને ગળે વળગાડ્યાં.
પછી તો યશુ અને ગૌરીએ ભેગાં મળીને ઝટપટ કંસાર ને સાથે બીજી વાનગીઓ બનાવીને સૌ સાથે જમવા બેઠાં. નવયુગલને ભાવથી આગ્રહપૂર્વક કંસાર ખવડાવ્યો. જમી લીધાં પછી ગોપુ અને મોનિકા મમ્મી પાસે બેઠાં.
ગોપુ બોલ્યો, "મમ્મી, મેં તમને કોઈને પૂછ્યા વગર લગ્ન કરી લીધાં તેથી પપ્પા બહુ નારાજ જણાય છે. પણ મોનિકા બહુ સારી છે, મમ્મી હોં! તારું બહુજ ધ્યાન રાખશે; ભાઈ-ભાભી રાખે છે એમ જ. તું ચિંતા ના કર. બસ, પપ્પાને મનાવી લેજે. મનાવીશને?"
યશુએ કહ્યું, "હા, મારા લાલ! પપ્પાને મનાવવાનું સહેલું છે; પપ્પાનું હૃદય બહુ કોમળ છે, માની જશે. બસ, ખાલી સારા મોંઢે એમને બોલાવશો એટલે બહુ થઈ જશે!"
ગોપુએ કહ્યું, "અમારાં લગ્ન બિલકુલ ઔપચારિક હતા; કોર્ટમેરેજ કર્યાં છેને, તેથી એ વખતે તમે કોઈ હાજર નહોતા. અમે એ નિમિત્તે કોઈ ધામધૂમ કરી જ નથી, બિલકુલ સાદગીથી લગ્ન કર્યાં છે."
"પણ એક મા તરીકે તારી ઈચ્છા તો ધામધૂમ કરવાની હોય ને? તું કહીશ ત્યારે અમારા લગ્ન નિમિત્તે આપણે સ્પેશ્યલ પ્રોગ્રામ રાખીશું, બધાંને બોલાવીશું. બરાબરને મમ્મી?"
યશુએ કહ્યું, "હા, ગોઠવીશું."
ગોપુએ કહ્યું, "તો અમે હવે જઈએ, મમ્મી? મોનિકાનાં મમ્મી-પપ્પા રાહ જોતાં હશે."
યશુએ પૂછ્યું, "હા, પણ હવે અહીં ક્યારે આવશો?"
ગોપુએ કહ્યું, "બસ, આ અઠવાડિયામાં જ નવા બંગલાનું વાસ્તુ રાખીએ છીએ. મોનિકાનાં પપ્પા બધું નક્કી કરવાનાં છે. તારીખ નક્કી થયેથી હું તમને બધાંને લેવા આવીશ. તૈયાર રહેજો. દરમ્યાન પપ્પાને મનાવી લેજે, ફરીથી કહું છું. ઓ.કે.?"
યશુએ કહ્યું, "ઓ.કે. જયશ્રીકૃષ્ણ, જય રામજીકી." આટલું કહીને યશુએ ગોપુને ને મોનિકાને હસતે મોંએ વિદાય આપી. તે બન્ને ગયાં એટલે યશુ સીધીજ સુમિત પાસે ગઈ.
સુમિતને મનાવવા લાગી, "જો, સુમિત! આપણે જાણીએ છીએ કે ગોપુને નાનપણથી આપણું ખાસ વળગણ નથી. એમાંય પાછો એ બહાર ભણીને આવ્યો છે એટલે જેમ સોનુ આપણને પૂછ્યા વગર કંઈ જ કરતો નથી એમ ગોપુનું નથી."
"તોપણ એ આપણું સંતાન તો છેને! છોરું કછોરું થાય, પણ માવતર કુમાવતર થોડાં થાય? તું પ્લીઝ..., ગોપુથી નારાજ રહેતો નહીં. એ બિચારો મને કહેતો ગયો છે કે 'પપ્પા બહુ નારાજ છે તો તું મનાવી લઈશને!' એમ તારા પ્રત્યે એને સાવ લાગણી નથી એવું જરીકે નથી."
સુમિતે કહ્યું, "યશુ! ભગવાને તને સાવ નોખી માટીમાંથી ઘડી છે એટલે તું તરત પીગળી જાય છે. ગોપુ પ્રત્યે રીંસ જરૂર છે મને, પણ પ્રેમ નથી એવું નહીં માનતી. તું ચિંતા છોડ."
"હું સાંભળતો હતો કે આ અઠવાડિયામાં એમનાં નવા બંગલાનું વાસ્તુ છે અને એ આપણને લેવા પણ આવશે. એ સાચેજ જો આપણને લેવા આવશે તો ચોક્કસ જઈશું, પણ ઉપર પડતાં નહીં જઈએ."
યશુએ કહ્યું, "સુમિત, આ બધું તો ઠીક. મોનિકા એને ગમી ને એણે લગ્ન કરી લીધાં. પણ, આશાને શું જવાબ આપીશું?"
"તું જાણે જ છે ને કે બંસરી જન્મી તે વખતે જ ગોપુ માટે મેં જ એને આશા પાસેથી માંગેલી? આશાએ ત્યારે એમ પણ કહેલું કે 'મારા તનમન ઉપર તારો પૂરો અધિકાર છે, વખત આવ્યે બંસરીને લઈ જજેને! હું કે રાજેશ તને થોડાં કંઈ ના કહેવાના છીએ?' એટલે આશાને તો એમ જ છે કે ગોપુનાં લગ્ન તો બંસરી સાથે જ કરવાનાં છીએ!"
સુમિત બોલ્યો, "આપણે આશાને વહેલી તકે ચોખવટપૂર્વક જાણ કરીને કહી દેવું જોઈએ કે જેથી એ લોકો બંસરી માટે બીજે સારાં ઠેકાણાં જોઈને એને પરણાવે. આપણી આશામાં ન રહે."
ગોપુ નવા બંગલાનું વાસ્તુ રાખે તે પહેલાં યશુએ આશાને ફોન કરીને ઘેર બોલાવી લીધી. આશા ને યશુ વચ્ચેનાં સંબંધોની ગાંઠ એવી સજ્જડ હતી કે આશા હોસ્પિટલનાં કામ છોડીને યશુનાં એક ફોન માત્રથી એની પાસે આવી ગઈ.
યશુએ સુમિતને પણ હાજર રાખેલો. યશુએ જ વાતનો દોર હાથમાં લેતાં કહ્યું, "આશા! તને વાત કરીશ તો નવાઈ લાગશે. કેમ કે, અમને પણ નવાઈ લાગેલી."
"અમારા ગોપુએ અમને પૂછ્યા વગર જ લગ્ન કરી લીધાં છે; ગોપુ અને એ છોકરી-મોનિકા બેય અહીં અમારા આશીર્વાદ લેવા આવ્યા તે ઘડીએ જ અમને જાણ થઈ."
"પણ, હવે આપણે શું કરી શકીએ? મારો તો બહુ જીવ બળે છે; મારે તો બંસરીને ઘરમાં લાવવી’તી, બીજી કોઈનેય નહીં!"
"ગોપુ તો ખરો નીવડ્યો! હું તો દીદી, બંસરી માટે નિશ્ચિંત બેઠી’તી. તને ક્યારની આપી દીધી’તી! રાજેશ પણ ખુશ હતા કે એને યશુ જેવી સાસુ મળે છે." આશાએ નિ:શ્વાસ નાંખતાં કહ્યું.
"તો આશા! તું મને માફ તો કરીશને!?"
"એ શું બોલી, દીદી! શું હું મારી યશુને ઓળખતી નથી, તે તું આવી વાત કરે છે? યશુ, એટલું યાદ રાખજે કે આશા કદી તારા પ્રત્યે રીંસ રાખે જ નહીં."
"હું મૃત્યુ પસંદ કરીશ, પણ યશુથી રીંસાવાનું નહીં, સમજી? તારું સ્થાન મારા હૃદયમાં ધ્રુવના તારાની માફક અચલ છે અને અચલ રહેશે."
"અને તેં પણ મને ક્યારેય પારકી ગણી નથી તો એ રીતેજ મને તારી થઈને જ રાખજે." આશાએ ગળગળા થઈને કહ્યું.
"તારી વાત તો ઠીક, આશા. પણ રાજેશને કેવું થશે?" યશુએ ચિંતા પ્રગટ કરી.
"અરે! એ તો ખેલદિલ-ઝીંદાદિલ માણસ છે. તું ભૂલી ગઈ, લગ્ન પહેલાં મારાથી કેવડી મોટી ભૂલ થયેલી?" આશાએ પૂછ્યું.
"એ ભૂલનો મેં તારા કહેવાથી જ એની આગળ એકરાર કરેલો, છતાં એમણે મને સ્વીકારી ને? અને એ પણ કોઈ પૂર્વગ્રહ વગર!"
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
