મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૮)
"અરે! એ તો ખેલદિલ-ઝીંદાદિલ માણસ છે. તું ભૂલી ગઈ, લગ્ન પહેલાં મારાથી કેવડી મોટી ભૂલ થયેલી? એ ભૂલનો મેં તારા કહેવાથી જ એની આગળ એકરાર કરેલો, છતાં એમણે મને સ્વીકારી ને? અને એ પણ કોઇ પૂર્વગ્રહ વગર!"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
આશા બોલતાં તો બોલી ગઈ, પણ સુમિતની હાજરીમાં એ બોલી ગઈ તેથી સહેજ ભોંઠી તો પડી, પણ તરત બોલી પણ ખરી, "યશુ, સુમિતકુમાર ક્યાં પારકી વ્યક્તિ છે તે મારે શરમાવું પડે?"
સુમિતને આ ક્ષણે પેલી ચિઠ્ઠી વિશે યશુએ જે ખુલાસો કરેલો એ ખુલાસો આજે આશાએ અનાયાસે- વગર પૂછ્યે જાણે કે કરી દીધો હોય તેમ સુમિતને હવે પાકી ખાતરી થઈ ગઈ.
જે ચિઠ્ઠીના કારણે એને યશુનાં શીલ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયેલો ને જેને કારણે એણે યશુ પ્રત્યે જે અણગમતો વર્તાવ કરેલો ને લાંબો સમય અબોલા રાખેલાં તે બદલ એને ખૂબ પસ્તાવો પણ થયો.
આશાએ સુમિત તરફ ફરીને કહ્યું, "કુમાર! મારી દીદી સિવાય કોઇ જાણતું નહોતું કે મેં કેવડી મોટી ભૂલ કરેલી; દીદીના કહેવાથી મેં રાજેશની આગળ બધો ઘટસ્ફોટ કરેલો."
"પણ રાજેશ એટલે રાજેશ! એમણે મને ખૂબ ઉદારભાવે પ્રેમથી સ્વીકારી. દીદી, કુમારને પણ એ વાત કરજે; હવે મને કોઇ સંકોચ કે શરમ નથી." આશાએ યશુ તરફ મોં ફેરવીને કહ્યું.
યશુ બોલી, "આશા, મારી બેન! એ વાત કોઇને નહીં કહેવાનું મેં તને વચન આપેલું. પણ સંજોગો એવાં ઊભા થઈ ગયેલાં કે મારે સુમિતને પણ એ વાત કરવી પડી’તી."
"આમ, મારાથી વચનભંગ થયો છે તે બદલ તારી ગુનેગાર છું અને છતાં મેં મન એવી રીતે મનાવ્યું કે જ્યારે ખુદ રાજેશ આ વાત જાણે છે તોપણ તને એણે સ્વીકારી છે."
"તોપછી સુમિતને કહેવાથી વચનભંગ થયો હોય તોયે શું ખાટુંમોળું થઈ ગયું છે?" યશુએ પોતાની વાત મૂકી.
આશાએ કહ્યું, "હા, દીદી. હવે ક્યાં કોઇ પ્રશ્ન છે? ને સુમિતકુમાર અને તું ક્યાં જુદા છો?"
"ઠીક હવે મૂળ વાત પર આવીએ. આશા, ગોપુએ લગ્ન કરી લીધાં છે તેથી હવે મારી પ્યારી બંસરી માટે સારું ઘર ને સારો વર મળે એ માટે હું મારા રામને પ્રાર્થના કરું છું."
"મારી પ્રાર્થના એ જરૂર સાંભળશે. તું જોજે, બંસરીને ગોપુ કરતાં પણ સારો વર મળશે, હોં?" યશુએ આશાને આશ્વાસન આપ્યું.
આશાએ કહ્યું, "પણ સાસુયે યશુ, તારા જેવી મળે એવુંય ભગવાનને કે’જે." આટલો સંવાદ થયા પછી આશાએ યશુની રજા લીધી અને એનાં ઘેર પરત ફરી.
નવા બંગલાનું વાસ્તુનું મુહૂર્ત નક્કી થયું એટલે બે દિવસ અગાઉ મોનિકા ને ગોપુ ઘરે બધાંને લેવા આવ્યાં. યશુએ કહ્યું, "ભાઇને આમંત્રણ આપ્યું છે?"
ગોપુએ જવાબ આપ્યો, "ના, મમ્મી. ભાઇને હવે ફોન કરું છું. પહેલાં ભાઇ સાથે તું વાત કરજે ને આમંત્રણ આપજે. પછી હું પણ વાત કરીશ."
યશુએ સમજાવતા કહ્યું, "બેટા, તારા બંગલાનું વાસ્તુ છે તો આમંત્રણ તારે જ આપવું જોઇએ."
"વાત સાચી. પણ મમ્મી, હું તારો દીકરો છું ને એ નાતે મારો બંગલો એ તારો પણ છે જ ને? તું મને કેમ પારકો ગણે છે?" ગોપુએ પૂછ્યું.
યશુ બોલી, "એવું હોય, ગોપુબેટા? મા કદી દીકરાને પારકો ગણે? છતાં તારી ઇચ્છા છે તો ભાઇ સાથે પહેલાં હું જરૂર વાત કરીશ, બસને?"
"હા, મા. પહેલાં તું વાત કરે તો ભાઇને પણ સારું લાગે." ગોપુએ ખુશ થઈને કહ્યું.
યશુએ કહ્યું, "સારું. મને ફોન જોડી આપ. અત્યારે ભાઇ હજી બેંકમાં જ હશે. બેંકના નંબર ઉપર ફોન કર."
ગોપુએ ફોન જોડીને મમ્મીને આપ્યો એટલે મમ્મીએ એને આમંત્રણ આપ્યું ને પછી ગોપુને ફોન આપ્યો. એટલે ગોપુએ વિગતે વાત કરી અને ભાઇ-ભાભીને આમંત્રણ આપ્યું.
સામેથી સોનુએ કહ્યું, "ગોપુ! મમ્મીએ આમંત્રણ શા માટે આપવું જોઇએ ? એણે તો આદેશ જ કરવાનો હોય! મને આમંત્રણની રાહ થોડી હોય?"
"તું નિશ્ચિંત રહેજે, અમે બન્ને ચોક્કસ આવીશું. ઘણાં સમયે તને મળવાનો અવસર મળ્યો છે." સોનુએ ભાઈને ખાતરી આપી.
ગોપુના આમંત્રણથી યશુ, સુમિત અને ગૌરી ત્રણેય ગયાં. સોનુની નાની દીકરી તો દાદી સાથે હોય જ!
ગોપુએ હાલપૂરતું એનાં સસરાના વિશાળ બંગલામાં રહેણાંક રાખ્યું’તું, તેથી બધાંજ ત્યાં રહ્યાં. ગોપુનાં સાસુ-સસરાની સાથે આ પહેલી જ મુલાકાત હતી.
વાસ્તુનાં આયોજનમાં ગોપુનાં સાસુ-સસરાનો મુખ્ય ફાળો હતો તેથી વારેવારે ગોપુ એ લોકો જોડે બેસતો અને એમની દોરવણી મુજબ ચાલતો.
ગોપુ જે રીતે સાસુ-સસરા સાથે છૂટથી અને ભાવથી વાત કરતો હતો તે રીતે ક્યારેય એણે પોતાની મમ્મી કે પપ્પા સાથે વાત કરતો હોય તેવો અનુભવ નહોતો તેથી સુમિત અંદરથી થોડો ખિન્ન પણ હતો.
પણ, યશુ તો દરિયાવ દિલની હતીને! એણે સહેજ્પણ ચિડ રાખ્યા વગર મોં પરનું સ્મિત ટકાવી રાખેલું. યશુએ આશાને ફેમિલિ સાથે આમંત્રણ આપવા માટે ગોપુને કહ્યું.
ગોપુને પાંચ વરસ સુધી તો આશાએ જ રાખેલો, તેથી એણે તરત જ આશાને ફોન કરીને વાસ્તુમાં ફેમિલિ સાથે પધારવા આમંત્રણ આપ્યું.
અને વિશેષમાં કહ્યું પણ ખરું કે, "માસી, તમારી હું રાહ જોઇશ. જો નહીં આવો તો હું ચલાવી નહીં લઉં; મમ્મી તો તમારી જોડે બોલવાનું પણ બંધ કરી દેશે."
સામેથી આશાએ હસતાંહસતાં કહ્યું, "તારો તો જનમ દીકરા, મારા હાથે થયો છેને! તને દૂધ પણ મેં જ પાયું છે, તું મને બોલાવે નહીં તોપણ હું ત્યાં વગર આમંત્રણે આવું એવી છું. ચોક્કસ આવીશું, હોં!"
"અને સાંભળ દીકરા, આકાશ-પાતાળ એક થાય ને, તોપણ મમ્મી કદીયે મારી સાથે બોલવાનું બંધ કરે એવી નથી, હોં!"
આશાએ મનોમન વિચાર્યું, ગોપુને બાપડાને ક્યાં ખબર જ હતી કે એને બંસરી સાથે પરણાવવાની એની "મા"ની (યશુની) કેટલી ઇચ્છા હતી?
એ ઇચ્છા ઉપર તો પાણી ફરી વળ્યું છે. પણ એમાં ગોપુ કે બીજું કોઇ થોડું જવાબદાર છે ? નસીબ વગર યશુ જેવી સાસુ થોડી મળી શકે?
વાસ્તુના દિવસે સૌ આમંત્રિત મહેમાનો આવી ગયાં હતાં. આશા અને રાજેશને ગોપુ પગે લાગ્યો તેમજ મોનિકાને પણ એ બન્નેની ઓળખાણ કરાવતાં મોનિકા પણ આશા અને રાજેશનાં પગમાં પડી. સોનુને જોતાંજ એને હર્ષભેર ભેટીને ગોપુએ ઊંચકી લીધો. ગોપુના હરખનું એ દ્રશ્ય જોઇને યશુ ખૂબ ખુશ થઈ.
શુભાંગિનીને બે હાથ જોડી, એનાં પગમાં પડી ગોપુ એને પણ ભેટ્યો ને બોલ્યો, "મારી એકનીએક ભાભી છે તું. મમ્મી ખોટું નથી કહેતી; તું મારી મા પણ છે. તું આવી તેથી મને બહુ આનંદ થયો."
"ભાભી! તે દિવસે તેં મારા મોંઢા પર રંગ ચોપડ્યો’તો ને હું ખિજાઇને તને ગમેતેમ અપશબ્દો બોલેલો એ બદલ ભાભી, આજે હું તારી માફી માંગું છું. હું એ વખતે સાચેજ બહુ નાદાન હતો." ગોપુએ હોળીનો પ્રસંગ યાદ કરીને કહ્યું.
"હવે દરેક હોળીએ મારે તારી સાથે ખૂબ મસ્તી કરવી છે તો કરવા દઈશને?" ગોપુએ વિનંતી કરી.
શુભાંગિની બોલી, "હાસ્તો! તમે ધરાઇને થાકી જાવ એટલી મસ્તી કરવા દઈશ. તમે હોળીના દિવસે જે કંઇ વર્તન કરેલું એ ખરાબ થોડું હતું?"
"મમ્મી ને દીકરો ગમેતેમ બોલે તો શું મા કંઇ થોડી એનાથી રીંસાય? તમે એકબાજુ મને 'મા' માનો છો ને બીજીબાજુ માફી પણ માંગો છો? 'મા'ની માફી માંગવાની જરૂર ખરી?"
ગોપુએ કહ્યું, "બિલકુલ સાચું. 'મા'ની માફી માંગવાની જરૂર નહીં. તું જો મારી 'મા' હોવ તો મને 'તું' ને બદલે 'તમે' કેમ કહે છે?"
"ભાભી, તને મારી સીતામા માનીશ ને મને તારો લક્ષમણજાયો સમજજે. ભાભી, મારું એવું પ્લાનીંગ છે કે મારો ધંધો બરાબર 'સેટ' થાય પછી મારા ભાઇને બેંકની નોકરી કરવાને બદલે મારો, બલ્કે આપણો આ ધંધો છે ને એમાં એમને સરખા ભાગે ભાગીદાર બનાવવા છે."
"ને આપણે બધાંયે અહીં આ બંગલામાં જ સાથે રહેવાનું છે. આ વિશાળ બંગલામાં આપણે બધાંજ રહી શકીએ એવી પૂરી અનુકુળતા છે." ગોપુએ પોતાનો વિચાર જણાવ્યો.
ગોપુને આટલો બધો ભાવુક બનીને યશુ પહેલીવાર જ સાંભળી રહી હતી. એણે મનોમન એનાં ઇષ્ટદેવ પ્રભુ રામનો ખૂબ આભાર માન્યો.
બસ! થોડી નિરાશા એક વાતની છે, ગોપુનાં લગ્ન એની પ્યારી બંસરી સાથે ન થઇ શક્યા! વાસ્તુનો પ્રસંગ રંગેચંગે સંપન્ન થયો. યશુ, સુમિત સૌ ઘેર પાછા ફર્યાં.
સોનુ પણ વડોદરા પરત થવા જતો’તો, પણ યશુનાં આગ્રહવશ એક રાત સોનુ અને શુભાંગિની ત્યાંજ યશુ પાસે રોકાઇ ગયાં. એ રાતે સોનુએ મમ્મી-પપ્પા સાથે ખૂબ વાતો કરી.
દેવાંશી ઘડીકમાં ફોઇ..ફોઇ.. કરતી ગૌરી પાસે દોડી જાય ને ઘડીકમાં પાછી "બા".."બા" કરતી મમ્મીની ગોદમાં લપાઇ જાય. બા એને વહાલથી ગાલે બચ્ચી કરતા જાય તે જોઇ સોનુ અને શુભાંગિનીને ખૂબ આનંદ થયો.
પોતાની વહાલી દીકરીને ફોઇ અને દાદી દ્વારા લાડથી ઉછેરાતી જોઇને કયા માબાપને હરખ ન થાય? બીજે દિવસે સવારે વહેલી બસમાં સોનુ અને શુભાંગિની બન્ને વડોદરા જવા નીકળી ગયાં.
યશુનું મન બેચેની અનુભવવા લાગ્યું, સોનુની ટ્રાન્સફર અમદાવાદ ક્યારે થશે? ઘરમાં ગૌરી ને સુમિત હોવા છતાં સોનુ અને શુભાંગિની વગર ઘર જાણે કે સૂમસામ ન હોય!
એણે સુમિતને કહ્યું, "સુમિત, આ સોનુની ટ્રાન્સફર જલ્દી થાય તો સારું. ઘરમાં બીજાં બધાં હોવા છતાં મને સોનુ વગર જરાય ગમતું નથી."
"શુભાંગિનીએ પણ જબરી માયા લગાડી છે; એ હોય ત્યારે જાણે કે બધું જ છે અને એ ન હોય ત્યારે જાણે કે કશુંજ નથી! શુભાંગિની જાણે બીજી આશા જોઇ લ્યો. કેવી રૂપાળી, મળતાવડી ને ભાવુક છે, નહીં સુમિત?"
સુમિતે કહ્યું, "આજે એ બન્ને વડોદરા જતા રહ્યાં ને, એટલે આજે તું આખો દિવસ બેચેન જ રહીશ. છોકરાં નોકરી-ધંધા કે અભ્યાસ માટે વિદેશ રહેતાં હોય ત્યારે એનાં માબાપને પણ કેમનું ગમતું હશે ? છતાં મનને સમજાવીને રહેતાં હોય છેને?"
સુમિત આટલું કીધાં પછી એ ઓફીસ જવાની તૈયારીમાં હતો ત્યાંજ ફોનની ઘંટડી વાગી. સુમિતે ફોન ઉપાડ્યો.
સામેથી સોનુનો દર્દભર્યો અવાજ સંભળાયો. એમની બસને જોરદાર રોડ અકસ્માત થયો’તો જેમાં ઘણાંબધાં ઘવાયાં હતાં; સોનુને પણ નાનીમોટી ઇજાઓ થયેલી.
એણે ધ્રુજતા અવાજે પપ્પાને ખબર આપી કે અકસ્માતમાં એક્જ જણ સ્થળ પર મૃત્યુ પામ્યું છે અને એ બીજું કોઇ નહીં, પણ આપણી શુભાંગિની....... !!!
ખબર સાંભળતાંજ સુમિત મોટેથી ચીસ પાડી ઉઠ્યો. એણે ત્વરિત અકસ્માતના સ્થળ વગેરેની વિગતો લઈ લીધી. હિંમત કરીને તાબડતોબ સ્થળ પર જવા યશુને તૈયાર થવાનું કીધું, પણ શુભાંગિનીનાં મૃત્યુની જાણ કરી નહીં. એને બીક હતી કે યશુ જો જાણશે કે અકસ્માતમાં શુભાંગિની મૃત્યુ પામી છે તો યશુને સંભાળવાનું મૂશ્કેલ હતું.
સોનુને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દીધેલી અને શુભાંગિનીને પોસ્ટમોર્ટમ માટે વડોદરા જનરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ.
આટલી વિગત જાણ્યા પછી યશુની માનસિક સ્થિતિ કાબૂ બહાર હતી; એનું કલ્પાંત ભલભલા છાતીવાળા પુરુષને પણ હચમચાવી નાંખી તેવું હતું.
સુમિત પણ અંદરનેઅંદર અત્યંત વ્યાકુળ થઈ ઊઠેલો, પણ પરિસ્થિતિ સંભાળવા જેટલી મક્કમતા દાખવી રહેલો.
શુભાંગિનીનું પી.એમ. થઈ ગયા પછી એનાં મૃતશરીરને અમદાવાદ લઇને પાછા ફર્યાં ત્યારે આખા મહોલ્લામાંથી કોઇ ત્યાં આવ્યું ન હોય એવું નહોતું; લોકોની ભીડ ક્યાંય સમાતી નહોતી.
અન્ય પરિચિતો, સગાસંબંધીઓને પણ બોલાવી લીધેલાં. શુભાંગિનીની અંતિમયાત્રા સ્મશાનગૃહે લઈ જતી વખતે પૂષ્કળ રોકકળ થઈ.
યશુને એનાં દેહનું લગીરે ભાન નહોતું. એ વારંવાર માથુ અને છાતી કુટતી હતી. અત્યંત ગમગીન વાતાવરણમાં આશા યશુને સાચવીને આશ્વાસન આપતી હતી.
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
