મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-39)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૩૯)

શુભાંગિનીની અંતિમયાત્રા સ્મશાનગૃહે લઈ જતી વખતે પૂષ્કળ રોકકળ થઈ. યશુને એનાં દેહનું લગીરે ભાન નહોતું. એ વારંવાર માથુ અને છાતી કુટતી હતી. 

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

અત્યંત ગમગીન વાતાવરણમાં આશા યશુને સાચવીને આશ્વાસન આપતી હતી. યશુનું એકજ રટણ હતું, "હે...ભગવાન તેં આ શું કર્યું ? મને સાવ લૂંટી લીધી ! મારા છોકરાને અધવચાળે રખડતો કરી દીધો !"

"ભગવા......ન, મારી શુભાંગિનીએ તારું શું બગાડ્યું’તું ? એના બદલે મને કેમ ન ઉપાડી લીધી ? મારી દેવાંશીની મા હું ક્યાંથી લાવીશ ?..........." 

ખૂબ રૂદન કર્યા પછી યશુની તબિયત નરમ જણાતાં એને દવા લેવડાવીને સાવ એકાંતમાં રાખવા આશા એને અંદરના રૂમમાં પલંગ પર સૂવડાવીને એની પાસે બેઠી. 

આશા વારેવારે યશુનું માથુ દબાવતી જતી હતી અને દિલાસો આપતી જતી હતી, "જો દીદી, જે પરિસ્થિતિ આપણાં હાથમાં જ નથી તે માટે આપણે ગમે તેટલો શોક કરીએ તેથી સ્થિતિમાં બદલાવ લાવી શકીએ એમ છીએ ?"

"હું સમજુ છું, પણ અત્યારે મારી સમજ કંઇ કામ આવતી નથી, આશા. ભગવાને મને શું કામ જીવતી રાખી હશે ?" યશુએ પૂછ્યું. "હું જીવતી ન હોત તો આવા કારમા દિવસો તો જોવા ન પડત ?"

આશાએ કહ્યું, "દેવાંશી હજી નાની છે. એનું 'મા'નું સુખ તો છિનવાઇ ગયું છે, એ દીકરીની મા થઈને જીવવું તો પડશેને, દીદી ?"

આશા એનાં બધાંજ કામ પડતા મૂકીને યશુ પાસે રોકાઇ ગઈ છે; યશુને આ કારમો આઘાત એનાં શરીરની હાલત બગાડી ન મૂકે એવી ચિંતાથી આશા યશુની ઝીણામાંઝીણી બાબતોની કાળજી લે છે. 

શુભાંગિનીના મરણ પાછળની બધી ક્રિયાવિધિ પૂરી થઈ એનાં બીજા દિવસે સોનુને નોકરી પર હાજર થવાનું હોઇ યશુએ સોનુને બોલાવીને પાસે બેસાડ્યો; એને આલિંગનમાં લઈને ખૂબ રડી. 

સોનુ પણ એટલુંજ રડ્યો. આશાએ બન્નેને છાનાં રાખ્યાં. સ્વસ્થ થયા પછી યશુએ કહ્યું, "દીકરા ! આપણા ભાગ્યમાં શુભાંગિનીનું સુખ નહીં લખ્યું હોય, પણ હવે આ દેવલી (દેવાંશી) માટે તો કઠણ થવું પડશેને ?"

"બીજું કે હવે તું વડોદરાનું મકાન એના માલિકને પાછું સોંપી દેજે; આપણે ત્યાં એ મકાનમાં નથી રહેવું. ત્યાં તને શુભાંગિનીની સતત યાદ આવ્યા કરશે."

"હું તો એમ ઇચ્છું છું કે તું ટ્રેનમાં અપડાઉન કર; ઘણાં કરતાંજ હોય છે ને ? તારા પપ્પા માટે રોજ વહેલાં ઊઠીને ટીફીન બનાવવાનું હોય છે એમ ભેગાભેગું તારુંયે ટીફીન તૈયાર કરી દઈશ. મમ્મીની વાત ગળે ઉતરે છે ને, બેટા ?"

સોનુએ કહ્યું, "હા, મમ્મી. હું આમેય હવે ત્યાં એકલો રહી શકું એમ નથી."

ત્યારપછી સોનુએ વડોદરાનું મકાન એના માલિકને પાછું સોંપી દીધું ને પોતે અપડાઉન શરૂ કરી દીધું. 

થોડો સમય વ્યતિત થયા પછી એક સાંજે આશા અને રાજેશ યશુ પાસે બેસવા આવ્યાં. આશા જ્યારેજ્યારે આવે ત્યારેત્યારે યશુ ખૂબ રાજી થતી. 

બેયની દોસ્તી જ એવી હતી કે એકબીજા વગર જાણે કે અધૂરાં ન હોય ! સુમિત અને રાજેશ બન્ને આશા-યશુની જુગલજોડીની ભરપૂર પ્રશંસા પણ કરતાં. 

બેય સખીઓ જાણે કે જન્મોજન્મોથી એકબીજા સાથે કોઇક દિવ્ય ગાંઠથી જોડાયેલી ન હોય ! આશા, રાજેશ, યશુ અને સુમિત વચ્ચે વાતચીતનો દોર ચાલુ હતો ને એકાએક યશુના મનમાં સ્ફુરેલો વિચાર યશુએ પ્રગટ કર્યો, "આશુ ! મારા સોનુની તને જરીકેય દયા આવતી હોય તો...." 

એટલું બોલીને અટકી ગઈ. આશા તો તરત સમજી ગઈ કે યશુ શું કહેવા માંગે છે. એટલે આશા બોલી, "કેમ અટકી ગઈ દીદી ? સોનુ તારો જ છે ? મારો નથી ?"

"મારી બંસરીનું હજી ક્યાંય નક્કી કર્યું નથી. અમે ખુશીથી બંસરીનો હાથ તને સોંપી દેવા તૈયાર છીએ. તારા ઘરથી રૂડું બીજું ક્યાં એને મળે ? સોનુ જો તૈયાર હોય તો હું ને રાજેશ તૈયાર જ છીએ."

યશુએ કહ્યું, "હા...શ. આશા ! તેં મારા દિલની વાત કહી, મને બહુ ગમ્યું. સોનુને તો મમ્મીનાં કયા નિર્ણય સામે વાંધો હોય છે ? શુભાંગિનીને મેં જ તો પસંદ કરી’તી !"

"સોનુને પૂછ્યું ત્યારે એણે શું કહ્યું’તું, કહું ? 'મમ્મી તારી પસંદ એ જ મારી પસંદ. તને ગમતી હોય તો મારે શુભાંગિનીને જોવાની પણ જરૂર નથી.' આમ, સોનુએ શુભાંગિનીને જોયા વગર જ હા ભણી દીધી’તી."

"પણ, બંસરી દીકરી કાલે દાક્તર બનશે, ને સોનુ તો ખાલી કોમર્સ ગ્રેજ્યુએટ છે, ને વળી બીજવર પણ. બંસરી 'હા' ભણશે ? એને પૂછવું તો જોઇએ જ ને ?"

આશા બોલી, "દીદી ! સુમિતકુમાર પણ બીજવર જ હતાં ને ? તોયે તું એમને ન પરણી ?"

આ ક્ષણે રાજેશે ફોન કરીને એની દીકરી બંસરીને પૂછી પણ જોયું. યશુને પણ બંસરી જોડે વાત કરાવી. 

બંસરીએ યશુ જોડે વાત કરી, "તમે મારી મા જ છોને ? તમારા ઘેર આવવું કોને ન ગમે ? એમાં મારું ભણતર આડે નહીં આવે."

"મારી મા (આશા) ક્યારેક જેને (યશુને) મા કહે છે એ મા કેવી મીઠી હશે ? સમજ્યાને યશુમમ્મા ! તમારા જેવી મીઠી છાંયડી બીજે ક્યાંય નહીં હોય, મમ્મી."

બંસરીનો જવાબ સાંભળીને યશુને જાણે કે હરખ સનેપાત થયો હોય એમ હરખાતી હરખાતી એણે આશાને આલિંગનમાં લીધી. ....ને જાણે આશા એનું સંતાન ન હોય એમ એનાં ગાલે ને કપાળે ઉપરાઉપરી બચ્ચીઓ કરી. 

રાત્રે સોનુ ઘેર આવ્યો. યશુએ સોનુને પૂછ્યું, "બેટા, બીજે લગન કરવા તૈયાર હોઇશ ને ? મારી દેવલીને 'મા'ની ખોટ પૂરી દે એવી દીકરી મારા ધ્યાનમાં છે. તારો શું વિચાર છે ?"

સોનુએ કહ્યું, "મા, શુભાંગિનીને હું કેમનો ભૂલી શકું ? મારી તો જરાય ઇચ્છા નથી."

યશુએ સમજાવતા કહ્યું, "દીકરા, તારી કંઇ હજી એટલી ઉંમર થઈ ગઈ નથી; ઘરનું માણસ ન હોય ત્યારે પુરુષ સાવ ઓશિયાળો થઈ જાય. હું જીવતી છું ત્યાંલગી તને ઓશિયાળો જોઇ ના શકું."

સોનુએ કંઇજ પ્રતિભાવ ન આપ્યો. તેથી યશુએ કહ્યું, "જો દીકરા, પપ્પાનાં પહેલાં લગ્ન 'કંચનમમ્મી' સાથે થયેલાં અને એણે જ તો તને જન્મ આપ્યો ! તને તો એ 'મા'નું મોંઢુંયે કયાંથી યાદ હોય ?"

"પણ, પપ્પાએ બીજાં લગ્ન મારી જોડે કેમ કર્યા ? તારી ખાતર જસ્તો ! અને હુંયે તે 'કંચનમમ્મી'ને વચન આપી ચૂકેલી. આ બધી વાત તું સારી રીતે જાણે જ છે."

"મારી દેવલીને 'મા'ની ખોટ પૂરી કરવાની કે નહીં ? તને આશામાસીની બંસરી જેવી છોકરી મળતી હોય તો ભગવાનનો પાડ માન કે એણે એક હાથે છીનવી લીધેલું સુખ બીજા હાથે તને પાછું આપ્યું છે."

સોનુ યશુ સાથે સહમત થયો, પણ લગ્ન સાદાઇથી જ કરવાની ઇચ્છા દર્શાવી, બંસરીને ભણવાનું પૂરું થાય ત્યાંસુધી રાહ જોવાનું પણ કહ્યું. યશુ પણ બન્ને વાતમાં સહમત થઈ. ગોપુને પણ આ વાત કરી. એ પણ સાંભળીને રાજી થયો. 

ભાઇ હજી ભાભીનાં દુ:ખમાં જ ખોવાયેલો રહેતો હોઇ એકાદ અઠવાડિયું ભાઇને લઈને ગોપુના ઘેર રોકાવા માટે ગોપુએ આગ્રહ કર્યો. 

સોનુ તૈયાર થયો એટલે બધાં ગોપુના ઘેર ગયાં. પપ્પા અને સોનુ માટે સવારે ટીફીન તૈયાર કરી આપવા યશુએ મોનિકાને સવારે વહેલાં ઊઠવા માટે જણાવ્યું.

પણ રોજ મોડાં ઊઠવાની આદત હોઇ મોનિકા વહેલી ન ઊઠી એટલે યશુ પોતેજ ટીફીન તૈયાર કરી આપવા રસોડામાં ગઈ. 

પણ ગોપુનાં રસોડાથી અજાણ યશુને રસોડામાં ચીજવસ્તુઓ જલ્દી મળતી ન હોવાથી ટીફીન તૈયાર કરવામાં મોડું થતું જોઇને સોનુ ટ્રેન ચૂકી ન જાય તેથી ટીફીન લીધા વગર નોકરી પર ગયો.

ને એ વાતે પહેલા જ દિવસે યશુ મોનિકાથી નારાજ થઈ. એણે ગોપુને આ વાત કરી તો ગોપુએ જણાવ્યું, "મમ્મી, આ વાતને ઇસ્યુ નહીં બનાવતી. ભાઇ આજે બહાર જમી લેશે, એમાં શું ખાટુંમોળું થઈ જવાનું ?"

યશુએ કહ્યું, "ગોપુ, ખાટુંમોળું તો કંઈ ન થાય, પણ ભાઇને બહારનું ખાવાની ટેવ નથી. એ બાપડો આખો દિવસ ભૂખ્યો રહેશે !"

"તો એમાં શું થશે ? અમનેય બહારનું ખાવાની આદત નહોતી, છતાં બહાર ભણતાં ત્યારે આદત પાડ્યા વગર છૂટકો નહોતો. ભાઇએ પણ બહાર નોકરી દરમ્યાન આદત પાડવી જોઇએ." ગોપુએ કહ્યું.

યશુ બોલી, "હશે ભાઇ, હું વળી મા છું ને ? તે અમસ્તી જીવ બાળું છું."

ગોપુએ કહ્યું, "તું ભાઇની એકલાની મા નથી, મારી ને ગૌરીનીયે છે !"

યશુએ કહ્યું, "સોરી, તને દુ:ખ પહોંચ્યું ? તમે બધાં જ મારા અંગો છો. એક અંગ પણ દુખતું હોય ને, તો ચેન નથી પડતું !" 

ગોપુએ વધુ માથાકુટ કરવાનું ટાળ્યું. ગોપુ જે રીતે એની મમ્મીની ઉપેક્ષા કરી રહ્યો તે જોઇને સુમિતે યશુને એટલું જ કહ્યું, "તું ગોપુ કે મોનિકા સાથે બહુ માથાકૂટમાં નહીં પડતી."

"એ બન્નેનો સ્વભાવ જોતાં, મને ડર છે કે એ લોકો ક્યાંક તારું અપમાન ન કરી દે અને તને અપમાનિત જોવાનું હું સહન નહીં કરી શકું."

"આપણે અહીં બે દિવસથી વધારે રોકાવું પણ નથી. આપણાં ઘેર શાંતિ તો મળે ?" સુમિતે ચિંતા દર્શાવી.

યશુએ કહ્યું, "સાચું સુમિત. બે દિવસ અહીં બહુ થઈ ગયા. અહીંયાં સોનુની કોઇને ખાસ ચિંતા જ નથી."

"જ્યાં મારા સોનુની કદર ન હોય ત્યાં હું પણ ઝાઝું રોકાવાનું પસંદ નહીં કરું; ભલે ત્યાં સ્વર્ગનું સુખ કેમ ન હોય ! પરમ દિવસે આપણે પ્રેમથી પાછા જતાં રહીશું."

રાત્રે સોનુ ઘેર આવ્યો. મા એ પૂછ્યું, "બેટા, ટીફીન લઈ ગયો નહોતો એટલે કંઇ ખાધું નહી હોય ને ? ભૂખ્યો જ રહ્યો હોઇશને ?"

સોનુએ જવાબ આપ્યો, "ના મમ્મી, બપોરે સીંગચણા ખાધા’તા, ને બેત્રણ વાર ચાયે પીધી’તી."

યશુએ કહ્યું, "સીંગચણામાં તે કંઇ થોડું પેટ ભરાય ? તું ફ્રેશ થઈજા જલ્દી. રસોઇ તૈયાર છે."

"મોનિકા કહેતી હતી કે ગોપુ હમણાંજ એનાં કામે મુંબઈ ગયો છે; કાલે સવારે આવશે એટલે જમવામાં એની રાહ જોવાની નથી."

સોનુ ફ્રેશ થઈને આવ્યો એટલે મોનિકા સિવાય બધાં જમવા બેઠાં; મોનિકાએ તો કોઇનીયે રાહ જોયા સિવાય એના ટાઇમે જમી લીધું હતું.

પણ બાકીનાં સભ્યો સોનુની રાહે જમ્યા નહોતાં. મોનિકાએ એકલીએ જમી લીધું હતું તે યશુને જરાય ગમ્યું નહોતું.

રાત્રે સુમિત, યશુ, સોનુ અને ગૌરીને સૂવા માટે મોટા રૂમમાં ચાર અલગ "બેડ" રાખ્યા’તા. એ બધાં ત્યાં સૂવા ગયાં; મોનિકા એના "બેડરૂમ"માં ગઈ.

સવારે ફરી મોડું ન થાય એ માટે યશુએ ઊઠીને તરત મોનિકાને ઊઠાડી. મોનિકા નહાવા માટે એનાં બાથરૂમમાં ગઈ. યશુ પણ નહાવા માટે એમનાં રૂમમાં સ્થિત બાથરૂમમાં ગઈ એ પહેલાં એણે સોનુને પણ ઊઠાડી દીધેલો.

સોનુએ ફટાફટ બ્રશ કરી લીધું પછી નહાવા માટે એ બાથરૂમ તરફ ગયો, પણ જોયું કે ત્યાં મમ્મી હજી નહાવા જ બેઠી હતી.

સોનુને મોડું ન થાય તે માટે તે ગોપુના રૂમમાં જે બાથરૂમ હતો ત્યાં ગયો અને જેવું બાથરૂમનું બારણું ખેંચ્યું કે તરત મોં ફેરવીને પાછો હટી ગયો. એને ખબર નહોતી કે ત્યાં મોનિકા નહાતી હતી. સોનુ શરમિંદો થઈ ગયો. પણ મોનિકાને ગુસ્સો આવ્યો.

એ જલ્દીથી સરખી થઈને બહાર આવી ગઈ અને સોનુને કહેવા લાગી, "શરમ નથી આવતી ? હું તમારા નાનાભાઇની પત્ની છું એનો ખ્યાલ પણ નથી ?"

યશુ સ્નાન કરીને બહાર આવી ગઈ હતી, મોનિકા સોનુને ગુસ્સાથી જે કહી રહી હતી તે એણે કાનોકાન સાંભળ્યું’તું. એટલે એણે મોનિકાને પૂછ્યું, "કેમ બેટા ! ભાઇ સાથે આ રીતે કેમ વર્તે છે ?"

મોનિકાએ કહ્યું, "મમ્મી, હું નહાતી’તી ત્યાં છેક આવી ગયેલા ! જરાય શરમ ન આવી !"

"સોનુ દીકરા, અહીં આપણે સૂતા’તાં એ રૂમમાં બાથરૂમ છે જ ને, ત્યાં શું કામ ગયો ?" યશુએ સોનુને કહ્યું.

સોનુએ કહ્યું, "મમ્મી, તું ત્યાં નહાતી હતી અને મારે મોડું ન થાય એટલે હું ગોપુના રૂમમાં નહાવા માટે જ ગયેલો."

"એ મુંબઈ ગયો છે તો બાથરૂમ ખાલી હશે એમ માનીને ગયેલો; મને ખબર નહોતી કે મોનિકા ત્યાં નહાતી હશે."

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ વધુ વાંચન માટે નવલકથાઓ વાંચવી ગમતી હોય તો આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."