મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૦)
યશુ સ્નાન કરીને બહાર આવી ગઈ હતી, મોનિકા સોનુને ગુસ્સાથી જે કહી રહી હતી તે એણે કાનોકાન સાંભળ્યું’તું એટલે એણે મોનિકાને પૂછ્યું, "કેમ બેટા! ભાઇ સાથે આ રીતે કેમ વર્તે છે?"
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
"મમ્મી, હું નહાતી’તી ત્યાં છેક આવી ગયેલા! જરાય શરમ ન આવી!" મોનિકાએ કડવાશથી જવાબ આપ્યો.
"સોનુ દીકરા, અહીં આપણે સૂતા’તા એ રૂમમાં બાથરૂમ છે જ ને, ત્યાં શું કામ ગયો?" યશુએ સોનુને પૂછ્યું.
સોનુએ નમ્રતાથી કહ્યું, "મમ્મી, તું ત્યાં નહાતી હતી અને મારે મોડું ન થાય એટલે હું ગોપુના રૂમમાં નહાવા માટે જ ગયેલો; એ મુંબઈ ગયો છે તો બાથરૂમ ખાલી હશે એમ માનીને ગયેલો; મને ખબર નહોતી કે મોનિકા ત્યાં નહાતી હશે."
"વળી મમ્મી, બાથરૂમ અંદરથી બંધ પણ નહોતું ને મેં બારણું ખેંચ્યું તો અંદર મોનિકાને નહાતી જોઈ એટલે તરત પાછો પણ વળી ગયો. મનેય શરમ તો હોય ને?"
યશુએ મોનિકા તરફ ફરીને કહ્યું, "મોનિકા, ભાઇંથી અજાણતાં ભૂલ થઈ છે, ને તેંય નહાવા બેસતી વખતે બારણું અંદરથી બંધ કર્યું હોત તો ભાઇથી ભૂલ થઈ હોત?"
"મમ્મી, હું મારા બેડરૂમના બાથરૂમમાં નહાતી હોઊં તો બારણું બંધ ન પણ કરું, મારા બેડરૂમમાં ગોપુ સિવાય બીજું કોઇ થોડું આવે? ભાઇએ અમારા બેડરૂમમાં આવવું જ શું કામ જોઇએ?" મોનિકા બોલી.
યશુએ નિસાસો નાખીને કહ્યું, "હશે દીકરી. ભાઇ વતી હું માફી માંગું છું. ફરી એવી ભૂલ નહીં કરે. તું ટાઇમ બગાડ્યા વગર ટીફીન તૈયાર કરી આપ ને, નહીંતર કાલની જેમ એ ટીફીન લીધા વગર જતો રહેશે."
મોનિકા કંઇપણ બોલ્યા વગર ચડેલાં મોંએ રસોડામાં ગઈ અને મમ્મીની સૂચના મુજબ ટીફીન તૈયાર કરી આપ્યું એટલે સોનુ તે લઈને જવા નીકળ્યો.
ત્યારે યશુએ સોનુને એક મિનિટ માટે રોકીને કહ્યું, "સોનુ! મોનિકાના વર્તનથી માઠું નહીં લગાડતો; મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે. તેં કંઇ જાણીજોઇને ભૂલ નથી કરી. ઓફીસમાં કોઇ ખોટા વિચાર કરતો નહીં."
સોનુ મમ્મીની વાત સાંભળીને તરત નીકળી ગયો. મુંબઈથી બપોરે ગોપુ આવ્યો.
સાથે જમવા માટે સૌ એની રાહ જોતા હતાં, પણ એનું જમવાનું બહુ નક્કી નહીં; હમણાં જ આવેલ હોવાથી એ તરત જમવા નહીં બેસે એવું કહીને મોનિકાએ સૌને પરાણે જમાડી લીધું હતું.
ગોપુને જમવાનું પીરસતી વખતે મોનિકાએ સવારની ઘટના એને કહી સંભળાવી. જમી લીધા પછી ગોપુ મમ્મી પાસે આવીને બેઠો, "મમ્મી, ભાઇને જેમબનેતેમ જલ્દી પરણાવી દો."
"કેમ, તને ભાઇની બહુ ચિંતા છે?" યશુએ પૂછ્યું.
ગોપુએ કટાક્ષમાં કહ્યું, "હાસ્તો! આજે તો એ મોનિકાને નહાતી જોવા ગયેલા, નહીં? અને એય વળી અજાણતાં, નહીં?"
"ગોપુ દીકરા! એ મોનિકાને નહાતી જોવા નહોતો ગયો. તું હાજર નહોતો તેથી એ તમારા બાથરૂમમાં નહાવા ગયેલો." ખિન્ન થઈને મમ્મીએ કહ્યું.
"મા, તું બહુજ ભોળી છે, પણ ક્યારેક ભાઇ તને મોં નીચું જોવરાવશે." ગોપુએ ચેતવણી આપતા કહ્યું.
યશુએ મક્કમતાથી કહ્યું, "ગોપુ! ભાઇને ઓળખવા જેટલી સમજ તારામાં નથી. એ ક્યારેય મને નીચું મોં નહીં કરાવે. પણ, તમે લોકો ના કરાવો તો સારું!"
"તું એમ કહેવા માંગે છે કે મોનિકા જુઠી છે?" ગોપુ તાડૂક્યો.
યશુએ દૃઢ અવાજે કહ્યું, "મોનિકા જુઠી જ છે, એમાં શંકા નથી. ભાઇ તદ્દન નિર્દોષ છે, એને હું નખશિખ જાણું છું. ભાઇ વિશે હું કદીયે ખોટી ન જ હોઉં. એનો એવો કોઇ ઇરાદો નહોતો જે તમે માનો છો."
સુમિતે દરમ્યાનગીરી કરતાં કહ્યું, "ગોપુ, તું ને મોનિકા બેય વાતનું વતેસર કરી રહ્યાં છો. બન્નેને મન સોનુ જાણે કે લંપટ હોય એમ વાત કરો છો."
"પપ્પા, અમે તો આપણાં સારા માટે કહીએ છીએ. ભાઇ ખરાબ જ છે એવું નથી કહેતાં. પણ, વિચારો કે ભાભી મૃત્યુ પામી છે, ભાઇની કામેચ્છા મૃત્યુ નથી પામી!" ગોપુએ દલીલ ચાલુ રાખી.
"ભાભીના વિયોગમાં એ વિવેકભાન ગુમાવશે તો શું પાપ નહીં કરે? આજે તો મોનિકાને નહાતી જોવા ગયેલા, પણ કાલે એ બળાત્કાર નહીં કરે એની શું ગેરંટી?"
યશુથી હવે સહન ન થયું, એ તાડૂકી ઊઠી, "ગોપુ...! બહુ આગળ વધી ગયો છે? તને એવું લાગે છે ને કે ભાઇ સાવ હલકટ છે? જો ભાઇ હલકટ હોય તો હુંપણ હલકટ છુંને?"
"એણે મારું દૂધ પીધું છે ને તેંય મારું દૂધ કયાં નથી પીધું! એક્જ 'મા'નું દૂધ જુદુંજુદું કેમનું હોય? ભાઇ હવે અહીં તારે ત્યાં શું કામ પડ્યો રહે? અને અમેય અહીં નકટા થઈને શું કામ રહીએ?"
"ભાઇ વિશે આવી અણછાજતી વાત હું સાંભળી શક્તી નથી. અમે તારા ઘેર એકપળ પણ હવે રહી શકીએ નહીં." યશુએ અંતિમ નિર્ણય સંભળાવ્યો.
સુમિતે યશુનો પક્ષ લેતાં કહ્યું, "તારી વાત વાજબી છે, યશુ. મેં તને કહ્યું જ ’તું ને કે અહીં બે દિવસ બહુ થઈ ગયા! હવે તો બે દિવસ પણ શું કામ? અત્યારેજ નીકળી જઈએ. સો ટચના સોનુ ઉપર દોષારોપણ મારાથી પણ સહન થતું નથી."
અત્યાર સુધી મૌન રહેલી મોનિકા તીખા અવાજે બોલી, "તમે લોકો જાતે જઈ રહ્યાં છો; અમે તમને કાઢી નથી મૂકતાં. આયે દીકરાનું ઘર છે, કામ પડ્યે ખુશીથી આવજો. અમારાં દરવાજા ખુલ્લાં જ છે."
યશુએ આક્રોશથી કહ્યું, "ભગવાન કરે, તમારું કામ જ ન પડે! અને પડે તોપણ નહીં આવીએ. આજથીજ તમારી સાથેનો સંબંધ કાપી નાંખું છું. અને એમ કરવામાં મને કોઇ પસ્તાવો પણ નથી."
"જે દીકરો 'માબાપ'ને કે ભાઇને ઓળખી ન શક્તો હોય એ દીકરાનો અમારે ખપે શું પડે. જતાંજતાં મારા રામને પ્રાર્થના કરું છું, તમને સદ્બુધ્ધિ આપે." આટલું બોલીને યશુ, સુમિત અને ગૌરી ગોપુનું ઘર છોડીને પાછાં પોતાનાં નિજઘરે ચાલ્યા ગયાં.
ઘેર આવીને સોનુ સાથે વાત કરાવવા માટે યશુએ સુમિતને કહ્યું ને તરત સુમિતે સોનુને ફોન જોડીને યશુના હાથમાં આપ્યો.
યશુએ ગળગળા સાદે શરૂઆત કરી, "સોનુ બેટા! મોનિકા ને ગોપુ બન્ને મારા મનમાંથી સાવ જ હેઠે ઉતરી ગયાં છે. તું બેંકે જવા નીકળી ગયો તે પછી પપ્પાએ પણ એ લોકોનું ઘર છોડી દેવા કહ્યું. અમે બધાંય આપણાં ઘેર પાછા આવી ગયાં છીએ."
"દીકરા, તારા ઉપર તારી મમ્મીનો કે પપ્પાનો ભરોસો જરીકે ઓછો ન સમજતો. ગોપુને સ્પષ્ટ કહીને એ બેયની સાથે મેં સંબંધ જ તોડી નાંખ્યો છે."
"બેટા, ગોપુ તારી જેવો ન નીકળ્યો; સાવ કથીર પાક્યો. નવ મહિના મારા પેટમાં ગોપુની જગ્યાએ ભગવાને પથરો રાખી દીધો હોત તોપણ સારું હોત! નવ મહિના એ કપાતરનો ભાર ઉપાડ્યો એનું દુ:ખ તો ન થાત!"
"દીકરા, મને તારી બહુ ચિંતા છે. મોનિકાની વાત તારા મગજમાં સંઘરીને દુ:ખી ન થતો, હોં? રાતે આપણા ઘેર અહીંજ આવજે. મારા સમ છે, જો નબળા વિચારો કર્યા તો, સાંભળે છેને?"
સામે છેડેથી સોનુએ કહ્યું, "હા, મમ્મી. તું સમ ન ખા. હું જરીકે નબળું વિચારીશ નહીં. તું મને જરાય ઢીલો ન સમજતી, મા."
"આખુંય જગત મને આરોપીના પિંજરામાં ઊભો રાખશે ને, પણ એક તું મારી પડખે હોય ને તો હું જરાય ડગું એવો નથી, મમ્મા! મેં તારું દૂધ પીધું છે, એને કદીય લજવીશ નહીં."
યશુની આંખો ભરાઈ આવી, "શાબાશ, મારા લાલ! તારું ખમીર જોઇને મારી છાતી ગજગજ ફુલે છે. ફોન મૂકું છું. રાતે મળીએ. જયશ્રીકૃષ્ણ, સીતારામ."
રાતે સોનુ ઘેર આવે તે પહેલાં આશાનો ફોન આવ્યો. સુમિતે ઉપાડીને જાણ્યું કે આશાને યશુ સાથે વાત કરવી છે એટલે એણે યશુને ફોન આપ્યો.
આશાએ ફોનમાં ચિંતાતુર અવાજે કહ્યું, "દીદી, હમણાં થોડીવાર પહેલાં જ ગોપુનો ફોન હતો. એણે ફોનમાં જે કંઇ સોનુ વિશે કહ્યું એ હું જરાય સાચું માનતી નથી, એટલે તું ખોટી ચિંતા નહીં કરતી."
"સોનુને તેં દૂધ પાઇને પ્રેમથી મોટો કર્યો છે, એવું કોઇ બીજી સ્ત્રી ભાગ્યેજ કરી શકે. સોનુનું 'કેરેક્ટર' તારા થકી ઘડાયેલું છે; એમાં કોઇ કચાશ હોય જ નહીં."
"પણ મેં ફોન એટલા માટે કર્યો છે કે તેં ગોપુની સાથે સાવ જ છેડો ફાડી નાંખ્યો તે મને ઠીક નથી લાગ્યું. એને મેં મારું દૂધ પાયું છે એટલે નથી કહેતી, પણ દીદી, એક બારી ખુલ્લી રાખવી જોઇએ."
"કાયમ માટે બધી બારી બંધ ન કરાય એવું મારું માનવું છે. ગોપુને મેં ફોનમાં ઠપકો પણ આપ્યો છે એટલે કદાચ ગોપુને પસ્તાવો થાય અને તારી પાસે માફી માંગવા આવે તો એને માફ કરી દેજે. આખરે એ તારું સંતાન છે. મારી વાત માનીશ ને દીદી?"
યશુએ નીસાસો મૂક્યો, "આશા! હમણાં તો એને પસ્તાવો થાય એમ લાગતું નથી. છતાં જ્યારે એ આવશે ત્યારે હું કંઇ એને જાકારો આપું એવી તો નથીજ!"
"આ તો મારો ગોપુ છે; મારુંજ પેટ છે, પણ કોઇ પારકો દીકરોય મારી પાસે 'દીકરો' થઈને આવે તો તને તો ખબર જ છે ને, કે તારી યશુ પ્રેમથી ગળે વળગાડે!"
સોનુ ઘેર આવીને પપ્પાના ગળે વળગીને ખૂબ રડ્યો. યશુએ એના મોં પર હાથ ફેરવીને એનાં આંસુ લૂછ્યાં અને એને ખૂબ હિંમત આપી.
આશાએ ફોન પર કહેલી વાત પણ સોનુને કરી ને કહ્યું, "આશાનેય મારી જેમ તારા ઉપર પૂરો વિશ્વાસ છે. તારે કદીય કોઇ રીતે મૂંઝાવાનું નથી. આપણે આપણાં ઘેર ખાઇપીને મજા કરીશું."
સોનુનાં ચારિત્ર્ય પર ગોપુ અને મોનિકાએ જે છાંટા ઊડાડ્યા તેનાથી સોનુ નારાજ તો થયો જ હતો. પરંતુ એ પ્રસંગને કારણે મમ્મીએ એનાં સગા દીકરા-વહુની સાથે સંબંધ કાપી નાંખ્યો તેનું દુ:ખ સોનુને વધારે પહોંચ્યું’તું.
સોનુના મનમાં સતત એ વાત ખટકતી હતી કે એક સાવકા દીકરાને કાજે સગા દીકરાને દૂર હડસેલી દેવાનાં મમ્મીનાં વર્તનથી મમ્મી પ્રત્યેના અહોભાવમાં અસીમ વધારો તો થયો જ હતો.
પરંતુ સાથેસાથે, મમ્મીનાં આવા વર્તનનું મૂળ તો પોતે છે એવા વિચારથી સોનુને અત્યંત માઠું પણ લાગ્યું હતું અને તેથી તે અર્ધપાગલ દશામાં રહેવા લાગ્યો.
અધૂરામાં પૂરું વળી શુભાંગિનીનો વિયોગ પણ અસહ્ય લાગવા લાગ્યો. બેંકેથી નોકરી પૂરી કરીને સોનુ ઘરે પરત આવીને મમ્મી પાસે બેસતો ખરો, પણ કંઇ કે’તાં કંઇ બોલે કે ચાલે.
મમ્મી સોનુનું દુ:ખ કળી જતી ને એનું ચિત્ત સ્વસ્થ રાખવા, એને મૂડમાં રાખવા પોતે ખૂબ પ્રયત્ન કરતી. સોનુનું મૌન યશુ સહી શક્તી નહોતી.
રાતે સોનુ એનાં રૂમમાં સૂવા જાય અને પથારીમાં તે ખરેખર સૂઇ જાય તેની ખાતરી થયા પછીજ યશુ સૂવા જતી. વળી, રાતમાં જાગીને સોનુના રૂમમાં છાનુંછાનું ડોકિયું પણ કરી લેતી.
એ જોવા માટે કે રાતમાં ઊઠીને સોનુ કોઇ પ્રકારનું દુ:ખ તો અનુભવતો નથી ને! અને એક રાતે બન્યું પણ એવું કે યશુએ સોનુનાં રૂમમાં ડોકિયું કરીને જોયું તો સોનુ બોટલમાંથી કોઇ પ્રવાહી પી રહ્યો હતો.
એ ખરેખર શું પી રહ્યો છે એની ખાતરી કરવા પોતે બિલ્લી પગલે સોનુનાં રૂમમાં ગઈ ને સાવ નજીક જતાંજ યશુએ દારૂની વાસ અનુભવી.
એણે જોયું તો સોનુ ખરેખર દારૂ પીતો’તો! યશુથી રહેવાયું નહીં. ગુસ્સાથી એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો; સોનુના બન્ને ગાલે વારાફરતી જોરથી લાફા ઝીંકી દીધાં. સોનુ હેબતાઇ ગયો. લાફાનો અવાજ સાંભળીને સુમિત ઊઠીને સોનુનાં રૂમમાં આવ્યો.
સુમિતને જોઇને રડતાંરડતાં યશુ કહેવા માંડી, "સુમિત! હું સાચેજ ભિખારણ બની ગઈ છું, આ સોનુ..! આપણી વહાલસોયી મૂડી...!"
"પણ જુઓ તો ખરા, એનું શું થવા બેઠું છે? એને આપણો શ્રેષ્ઠ ને આદર્શ દીકરો માનીએ છીએ, પણ આ આદર્શ દીકરો હવે દારૂ ઢીંચવા માંડ્યો છે!"
"મારું દૂધ આટલું નબળું હશે સુમિત? એના ઉછેરમાં મારી કોઇ ઉણપ રહી ગઈ હશે? કંચનદીદીએ કેટલાં વિશ્વાસથી એને મારા હાથમાં સોંપીને વિદાય લીધી હશે?"
આટલું કહેતાંકને યશુ સુમિતને ગળે વળગી પડી, ને પસ્તાવો કરતી ફરી કહેવા લાગી, "મેં આજે મારા સોનુ ઉપર હાથ ઉપાડ્યો, સુમિત? તમે કદીયે આવી કલ્પના કરી શકો કે હું સોનુ ઉપર હાથ ઉપાડું?"
લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
%C2%A0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%95%20-%20%E0%AA%AD%E0%AB%82%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%20(%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6).jpg)
