મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-41)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૧)

સુમિતને જોઇને રડતાંરડતાં યશુ કહેવા માંડી, "સુમિત! હું સાચેજ ભિખારણ બની ગઈ છું, આ સોનુ..! આપણી વહાલસોયી મૂડી...!"

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"પણ જુઓ તો ખરા, એનું શું થવા બેઠું છે? એને આપણો શ્રેષ્ઠ ને આદર્શ દીકરો માનીએ છીએ, પણ આ આદર્શ દીકરો હવે દારૂ ઢીંચવા માંડ્યો છે!"

"મારું દૂધ આટલું નબળું હશે સુમિત? એના ઉછેરમાં મારી કોઇ ઉણપ રહી ગઈ હશે? કંચનદીદીએ કેટલાં વિશ્વાસથી એને મારા હાથમાં સોંપીને વિદાય લીધી હશે?"

આટલું કહેતાંકને યશુ સુમિતને ગળે વળગી પડી, ને પસ્તાવો કરતી ફરી કહેવા લાગી, "મેં આજે મારા સોનુ ઉપર હાથ ઉપાડ્યો, સુમિત?"

"તમે કદીયે આવી કલ્પના કરી શકો કે હું સોનુ ઉપર હાથ ઉપાડું? પણ શું કરું? જેના સહારે આપણી જીંદગી છે તે દીકરો જ દારૂનાં રવાડે!"

"એણે મારો વિશ્વાસ તોડ્યો છે સુમિત! હું શું કરું? મારી કંચનદીદીનાં આત્માને આજે મોટી ઠેસ પહોંચાડી છે; સોનુનું ધ્યાન રાખવામાં હું કાચી પુરવાર ઠરી છું."

સુમિતે યશુને પલંગ પર બેસાડી ને પછી સોનુને કહ્યું, "સોનુ બેટા, આ શું આદર્યું છે? તારી મમ્મી ગોપુનું બેહૂદુ વર્તન ખમી શકે એવી મજબૂત છે; તારું નહીં ખમી શકે."

"તું આવું કરીશ તો તારી મમ્મી આઘાતથી જ મરી જશે, ને તો આપણે બધાંય રખડી પડીશું. બેટા, મમ્મીની માફી માંગ; હવે કદીયે દારૂને હાથ અડાડીશ નહીં, એવું એને વચન આપ."

સુમિતનું વાક્ય સાંભળીને સોનુને એની ભૂલ સમજાઇ; એ મમ્મીનાં પગમાં પડી ગયો ને માફી માંગી.

યશુએ બેય હાથે સોનુને વળગીને કહ્યું, "બેટા, મેં તારા ઉપર પહેલવેલીવાર હાથ ઉપાડ્યો, મને બહુ દુ:ખ થયું છે. બહુ પસ્તાવો થાય છે. તું તો મારું કાળજું છે."

"કાળજુ બગડશે તો હું જીવી શકીશ દીકરા? તું દારૂના રસ્તેથી પાછો નહીં ફરે તો હું તારા ઉપર ફરી હાથ ઊપાડવા જીવતી જ નહીં હોઊં."

"તો દીકરા તારું ને પપ્પાનું શું થશે એની તને લગીરે ચિંતા થાય છે? હવે સમજી જા, પપ્પાની પણ માફી માંગ, બેટા."

સોનુએ રડતાંરડતાં પપ્પાની માફી મેળવી ને તરત એણે મમ્મીનાં ખોળામાં માથું મૂકી દઈને રડતાંરડતાં કહ્યું, "મા, તારા હાથનો માર તો મારે મન અમીનો ઓડકાર છે."

"તારે શું કામ પસ્તાવું પડે? તારી રીંસમાંયે નર્યો પ્રેમ ભર્યો હોય છે. માણસની એક ભૂલ તો ભગવાનેય માફ કરે છે; તું તો મા છે, ભગવાનથીયે વિશેષ. મને માફ કરીશને, મા?"

યશુ સોનુના માથે વહાલપૂર્વક હાથ મૂકીને પંપાળવા માંડી ને બોલી, "ના મારા બાપ! તારા પ્રત્યે રીંસ રાખીને શું મારે નરકમાં જવું છે? ચિંતા ન રાખતો, પણ ફરી ભૂલ નહીં કરતો."

"તને હસતો જોઉં ત્યારે મારું મન સોળે કળાએ ખીલતું હોય છે ને તને ઉદાસ જોઉં ત્યારે હું બેબાકળી બની જઉં છું. તું એટલું તો સમજીશને કે મમ્મી તારા ખાતર જ જીવે છે, હં..?"

"અને હુંયે સમજું છું કે ગોપુ-મોનિકાનું વર્તન અને શુભાંગિનીનું દુ:ખ તને સતાવે છે. એ દુ:ખમાં ને દુ:ખમાં તું આ રવાડે ચડ્યો છે. હુંયે એ વાતથી બહુ દુ:ખી છું."

"પણ ગોપુને હવે હું મારો દીકરો ત્યારે જ માનીશ કે જ્યારે એ તારી માફી માંગે. તને લાફા માર્યાં એ મનેય તીરની જેમ ભોંક્યાં છે."

"બીજું બેટા, બંસરી જોડે તારું લગ્ન હવે જેમ બને તેમ જલ્દી કરી દેવું છે. બંસરી બહુજ ડાહી દીકરી છે. એ આપણાં ઘેર આવશે ત્યારે સૌ સારાં વાના થશે, ચિંતા નહીં કરતો."

એટલું કહીને સોનુને શાંતિથી સૂઇ જવાનું કહીને યશુ અને સુમિત પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યાં ગયાં.

જોકે, યશુને ઊંઘ શેની આવે? પ્રાણથીયે પ્યારા સોનુ ઉપર હાથ ઉપાડ્યા પછી યશુ સૂઇ શકી જ નહીં; એ આખી રાત કંચનદીદીની માફી માંગતી રહી!

બંસરીનું ફાયનલ એમ.બી.બી.એસ. પૂરું થયું એટલે યશુનાં આગ્રહ સાથે ખૂબ જ ખુશીથી સહમત થઈને આશાએ અને રાજેશે લગ્નની તારીખ નક્કી કરી.

શુભાંગિનીના અવસાનની ઘટના હજી ભૂલાતી નહીં હોવાથી સાદગીપૂર્ણ લગ્ન માટે સોનુની વાત સાથે મમ્મી સહમત થઇ. મર્યાદિત મહેમાનોની હાજરીમાં લગ્નનો પ્રસંગ આટોપી લેવાનું પણ નક્કી થયું.

ગોપુ-મોનિકા સાથેનાં વણસેલાં સંબંધો સુધારી લેવાના આશયથી એ બન્નેને પણ નિમંત્રણ આપવા માટે સોનુએ મમ્મી-પપ્પા બન્નેને મનાવી લીધાં.

છતાં ગોપુના સ્વભાવને લઈને મમ્મીને બીક હતી કે ગોપુનાં ઘરે નિમંત્રણ પાઠવવા સોનુ જાય ત્યારે ક્યાંક ગોપુ કે મોનિકા એનું અપમાન ન કરી બેસે!

એટલે એણે બંસરીને સાથે લઈને જ ગોપુનાં ઘેર જવાનું સોનુને ભારપૂર્વક કહેલું.

જ્યારે એ બન્ને સાથેજ ગોપુને ત્યાં ગયાં ત્યારે ગોપુ ને મોનિકા બન્ને ઘરે જ હતાં અને સોનુને જોતાંજ ગોપુ કંઇક અંશે "મુડ"માં આવ્યો હોવાનું સોનુએ અનુભવ્યું.

પણ જ્યારે એણે ગોપુને નિમંત્રણ આપ્યું ત્યારે ગોપુએ સીધો જ પ્રશ્ન કર્યો, "મમ્મીએ અમારી સાથે સંબંધનો છેડો ફાડી નાંખ્યો છે, તેથી ત્યાં આવતાં અમારાં પગ ભારે થશે. ત્યાં આવ્યાં હોઇએ ને મમ્મી જાકારો આપશે તો?"

"હું તો ઠીક, મોનિકા એ સહન નહીં કરે, ભાઇ. તમારું નિમંત્રણ સ્વીકારું છું, પણ ત્યાં અમે આવી નહીં શકીએ. માફ કરજો, ભાઇ!"

સોનુ બોલે એ પહેલાં બંસરી બોલી, "ગોપુભાઇ, મમ્મીને તમે હજી બરાબર ઓળખતાં નથી; એમણે સ્તો અમને મોકલ્યાં છે!"

"મમ્મી ભલે અહીંથી છેડો ફાડીને ગયાં હોય, પણ વાસ્તવમાં કંઇ એમણે છેડો ફાડ્યો નથી. મારી મમ્મી સાથે ફોન પર જ્યારે જ્યારે તમારી વાત નીકળે છે ત્યારે ત્યારે તમને સંભારીને મમ્મા બહુ રડ્યાં કરે છે."

સોનુએ ઉમેર્યું, "ગોપુ! મમ્મી આજેપણ તને સંભારીને રડ્યાં જ કરે છે, ચિંતા કરે છે: મારો ગોપુ બહુ વટવાળો છે, એ નહીં આવશે તો?"

ગોપુની આંખ ભીની થઈ. તેણે કહ્યું, "વારુ, હું ને મોનિકા બન્ને ચોક્કસ આવીશું, પણ લગ્નનાં દિવસે સવારે વહેલાં સીધા આપણાં ઘેર આવીશું. અમારી રાહ જોશો."

"અમે આવી જઈએ તે પછી સૌ સાથે લગ્નસ્થળ ઉપર જઈશું. મારે માટે કોઇ ખાસ કામ હોય તો મને સોંપી દો."

"અને જુઓ ભાઇ, મમ્મી મને જોઇને ખિજાય તો તમે મમ્મીને વાળી લેશોને? મમ્મી તમારું માનશે. તમે બહુ નસીબદાર છો, ભાઇ!"

સોનુએ આશ્વાસન આપતાં કહ્યું, "ગોપુ, તું ખોટી ચિંતા કરે છે ભાઇ! મમ્મી એવી છેજ નહીં, જેવી તું માને છે; બધું મારી પર છોડી દે, બસ!"

"તમે બેય આવો એ જ મોટું કામ છે. મમ્મી તમને બેયને જોઈને ખૂબ રાજી થશે."

"હું એકલો નહીં ગોપુ, આપણે બધાંજ નસીબદાર છીએ કે દેવોને પણ દુર્લભ એવી મા આપણને મળી છે."

ગોપુ મનોમન પસ્તાઇ રહ્યો છે. એ કશુંજ બોલી શક્યો નહીં.

એટલે, સોનુએ કહ્યું, "આપણે પ્રસંગ બહુ "લીમીટેડ" રાખ્યો છે, શુભાંગિનીના મોતને હજી ક્યાં ભૂલી શકીએ એમ છીએ? માટે તમે ચોક્કસ આવજોજ."

નિમંત્રણ આપીને ઘેર આવ્યા પછી સોનુએ મમ્મીને કહ્યું કે ભાઇ ચોક્કસ આવશે પણ એને બીક છે કે મમ્મી એને જાકારો નહીં આપેને? ગોપુ અત્યંત ભાવુક બની ગયેલો.

યશુ મનમાં હસે છે કે ગમેતેમ તોયે મારું લોહી છેને, આવ્યા વગર થોડો રહેશે? હું મા છું, મારે તો બેય આંખો સરખી ને?

લગ્નના દિવસે સવારથી યશુ ગોપુની રાહ જોતી હતી. જેવો એણે ગોપુને આવતો જોયો કે એનાથી બેસી ન રહેવાયું.

એ અર્ધપાગલ દશામાં સામી દોડી, ને ગોપુને વળગી પડી, "આવ્યો મારો વા’લીડો? હું તને જોઇ બહુ રાજી થઈ ગઈ, દીકરા."

"મને ગળા સુધી વિશ્વાસ હતો કે મારો ગોપુ આવ્યા વગર નહીં રહે. હું તો મા છું, બેટા. "મા"ના મનમાં કોઇ ભેદભાવ હોય? અરે હા... પણ, મોનિકા ક્યાં?"

ગોપુએ જવાબ આપ્યો, "એકબે પાર્ટી સાથે અગાઉથી મીટીંગ નક્કી થયેલી છે, એટલે "કેન્સલ" કરી શકાય એમ નહોતું. બહુ મોટો ઓર્ડર મળે એમ છે, તેથી મોનિકા ઘરે રહી છે."

યશુએ પૂછ્યું, "પણ ભાઇ, પછીયે એને લઈને મારી પાસે આવીશ તો ખરોને?"

સહેજ હાસ્ય સાથે ગોપુ બોલ્યો, "પણ મમ્મી, તેં તો અમારી સાથેનો સંબંધ કાપી નાંખ્યો છે ને?"

"એવું રીંસમાં બોલી જવાય, બેટા! કઈ મા એનાં દીકરા જોડે આજીવન અબોલા રાખે?"

"હું ગુસ્સામાં બોલી ગઇ’તી, પણ પછી અંદરનેઅંદર હું કેટલો વલોપાત કરતી’તી એ ખબર છે?"

"તને ક્યારેય એમ થાય છે કે લાવ મારી મા જોડે કલાકેય બેસું? મા તરીકે મને ઇચ્છા ન થતી હોય કે મારો ગોપુ પણ ભાઇની માફક જ ટાઇમ કાઢીને મારી જોડે બેસે, કંઇ ગપસપ કરે!"

"માબાપ તો પ્રેમનાં ભૂખ્યાં છે; એમને બીજી કોઇ અપેક્ષા હોતી નથી. તમે લાખો કમાવો, કરોડો કમાવો, એમાં અમે રાજી છીએ, અમારે તમારી રાતીપાઇ પણ જોઇતી ન હોય."

"બસ! સુખેથી ને એકસંપથી કુટુંબમાં રહો." યશુએ વહાલથી શિખામણ આપી.

સોનુના લગ્નનો પ્રસંગ પતી ગયો ને બંસરી ઘેર આવી ગઈ. એ ડોક્ટર થઈ ગયેલી.

આશાએ એને દાક્તરીની "પ્રેક્ટીશ" કરવા માટે મોકાની એક જગ્યા રાખેલી હતી, જ્યાં બંસરીએ દવાખાનુ શરૂ કરી દીધેલું.

દિવસમાં બે ટાઇમ દવાખાનું સંભાળવા માટે ફીક્સ કરેલા અને તે ટાઇમે એ દવાખાને બેસતી.

મમ્મીના પ્રેમવશ થઈને તેમજ બંસરીના દવાખાનાને કારણે સોનુએ ફરી વડોદરા રહેવા જવાનું માંડી વાળેલું, એણે અપડાઉન ચાલુ રાખ્યું.

બંસરીએ ઘરનું તમામ કામ ઉપાડી લીધેલું, છતાં યશુ સાવ આરામ નહોતી કરતી, એ પણ ઘરનાં કામમાં મદદ કરતી.

ઘણીવાર સુમિત કહે, "યશુ, હવે તો આરામ કર! આજસુધી તેં કામ જ કામ કરે રાખ્યું છે."

ત્યારકે યશુ મલકાતાં મોંએ જવાબ આપતી, "કામ સાવ છોડી ન દેવાય, મારા સુમિતજી! કામ કરતાં રહીએ તો શરીર સારું રહે અને બંસરીને પણ જે થોડીઘણી રાહત મળે."

"એને પાછું દવાખાનુંયે સંભાળવાનું હોય ને? તારી યશુ કામ કરશે તો કંઇ મરી નહીં જાય, હોં પ્રિયે!"

સોનુનાં લગ્નના બે મહિના પછી ગોપુ કે મોનિકા એકપણ વાર ઘરે આવ્યાં નથી; ગોપુ એકલો લગ્નના દિવસે આવેલો તે પછી ફરી આવેલો નહીં તેથી યશુનું મન ઉદાસ રહ્યા કરતું, "મોનિકાએ એની કાનભંભેરણી કરી હશે કે શું?"

એક દિવસ એકાએક મુંબઈથી અર્જુનનો ફોન આવ્યો. ઘરે ગૌરી સિવાય કોઇ નહોતું. 

બહાદુરની દીકરી હર્ષાબા કોઇ કામસર યશુને અર્ધો કલાક પહેલાં તેનાં ઘેર બોલાવી ગઈ હતી એટલે ગૌરીએ ફોન ઉપાડ્યો. 

ફોન પર ગૌરીનો અવાજ સાંભળતાંજ અર્જુન ઉત્સાહમાં આવી ગયો. ગૌરીને પણ અર્જુન સાથે ઘણાં સમયે વાત કરવાનો મોકો મળ્યો તેથી તે પણ આનંદમાં આવી ગઈ. 

બન્ને એકબીજાને ચાહતા હતાં, પણ ઘરમાં સોનુ સિવાય કોઇને એની જાણ નહોતી. 

ધીમેધીમે બન્ને વચ્ચે પ્રેમગોષ્ઠી ચાલતી હતી, ત્યાં અચાનક યશુનાં પગલાં સંભળાતાં ગૌરીએ બૂમ પાડી, "મમ્મી..., મુંબઈથી અર્જુનનો ફોન છે." 

એ સાંભળી યશુએ ગૌરીને ટકોર કરી, "અર્જુનભાઇ કહેતાં શું થાય છે? એ તારાથી મોટો છે; ભાઇ જેવડો છે." 

એમ કહેતાંકને યશુએ તરત અંદર આવીને અર્જુનનો ફોન લીધો. સામેથી મીઠો અવાજ આવ્યો, "મમ્મી કેમ છો? ઘણાં સમયે યાદ કરીને ફોન કરું છું તેથી નારાજ તો નથી ને?"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."