મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-42)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૨)

ગૌરીએ બૂમ પાડી, "મમ્મી..., મુંબઈથી અર્જુનનો ફોન છે."

એ સાંભળી યશુએ ગૌરીને ટકોર કરી, "અર્જુનભાઇ કહેતાં શું થાય છે? એ તારાથી મોટો છે; ભાઇ જેવડો છે."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

એમ કહેતાંકને યશુએ તરત અંદર આવીને અર્જુનનો ફોન લીધો. સામેથી મીઠો અવાજ આવ્યો, "મમ્મી કેમ છો? ઘણાં સમયે યાદ કરીને ફોન કરું છું તેથી નારાજ તો નથી ને?"

યશુએ વહાલભર્યા ગુસ્સાથી કહ્યું, "નારાજ તો હોઉં જ ને? મમ્મીની ગરજ હતી ત્યાંસુધી ફોન કરતો’તો. હવે તો બહુ મોટો માણસ થઈ ગયો છે ને, તો મમ્મી ક્યાંથી યાદ આવે?"

"વાત સાચી, મમ્મી. ધંધાકીય કામકાજમાંથી ટાઇમ રહેતો જ નથી ને? પણ, હું તમને ક્યારેય ભૂલી ન શકું." અર્જુને લાડથી સફાઈ આપી.

"તમારા જેવી 'મા' ને જો ભૂલી જઉં તો મને જીવવાનો જ અધિકાર ન રહે. બાય ધ વે, પહેલાં મને કહો કે બધા મજામાં છોને?"

"હા, મજામાં છીએ, બેટા. પણ........" યશુ અટકી ગઈ; એના ગળામાં ડુમો ભરાઇ આવ્યો.

એટલે તરત જ અર્જુન બોલ્યો, "અરે, મમ્મી! કેમ અટકી ગયાં? જે હોય તે મને કહો, એવું શું થયું છે કે તમે બોલતાં અચકાવ છો?"

යશુએ ભારે હૈયે કહ્યું, "દીકરા, સોનુની વહુ... શુભાંગિની અકસ્માતમાં ગુજરી ગઈ. હું એને ભૂલી શક્તી નથી. રોજ રાતે સૂતી વખતે મારી આંખ સામે જાણે ઊભી હોય એમ લાગ્યા કરે!"

"તમે કોઇએ મને જાણ પણ ન કરી? મને પારકો ગણ્યો?" અર્જુનનો અવાજ ગળગળો થઈ ગયો.

યશુએ કહ્યું, "ક્યાં કોઇને હોંશ જ હતા?"

"મને જાણીને ખૂબ દુ:ખ થાય છે. પણ, સોરી મમ્મી. મને જાણ જ નહોતી એટલે હું તમારી પાસે આવી ન શક્યો." અર્જુને અફસોસ વ્યક્ત કર્યો.

યશુએ હિંમત આપતા કહ્યું, "પણ ભગવાન દયાળુ તો છે, હોં, અર્જુન? એક હાથે એક પ્રિય વસ્તુ છીનવી લીધી, ને બીજે હાથે એણે એવીજ વસ્તુ પાછીયે આપી."

"સમજ્યો નહીં, મમ્મી." અર્જુને આશ્ચર્યથી પૂછ્યું.

"સોનુને સમજાવીને એનાં બીજાં લગ્ન કરી દીધાં છે; આશામાસીની બંસરી જોડે. બંસરી અસલ આશામાસી જેવી જ છે. તું ઓળખે છે ને?"

અર્જુને ઉત્સાહથી કહ્યું, "હા, બંસરીને સારી રીતે ઓળખું છું. ચલો સારું થયું સોનુને શુભાંગિનીભાભીની ખોટ બંસરી સાલવા નહીં દે."

યશુએ સંકોચ સાથે કહ્યું, "લગ્ન બહુ સાદગીથી કર્યાં છે એટલે તને નિમંત્રણ પાઠવ્યું નહોતું, ખોટું નહીં લગાડે ને?"

"ના, તમે બરાબર કર્યું છે. મમ્મી તમારું ખોટું મને ક્યારેય ન લાગે; તમેજ તો છો કે જેમણે મને જીવતાં શીખવ્યું છે, નહીંતર ક્યાંક આવારાગર્દી કરતો ન હોત!"

"આજે ખાસ તો ફોન એટલા માટે કર્યો છે કે અમારી કંપની આજે બહુ મોટી કંપની તરીકે જાણીતી થઈ છે ને કંપનીમાં ચેરમેન તરીકે સર્વસંમતિથી મારી વરણી કરવામાં આવી છે."

"ચેરમેનના પદે આરૂઢ થતાં પહેલાં એ નિમિત્તે મારા સન્માનમાં કંપનીએ એક ફંક્શન ગોઠવ્યું છે, એમાં તમારે બધાંયે આવવાનું છે."

"મમ્મી, તમારી હાજરી તો ખાસ જોઇશે. તમે નહીં આવો તો હું એ પદ પર બેસીશ પણ નહીં." અર્જુને મક્કમતાથી પોતાનો હઠાગ્રહ મૂક્યો.

યશુ હરખાઈને બોલી, "ના..ના.., શું કામ ન આવીએ? સોનુ જેવો જ તું છે, દીકરા. પણ સોનુને પૂછી લે જે, એને રજા મળે એમ છે? અત્યારે તો એ બેંકમાં હશે."

"મારી પાસે નંબર છે. હું વાત કરી લઈશ. તમારે બધાંયે અચૂક આવવાનું છે." અર્જુને ખુશ થતાં કહ્યું.

"હું સોનુ જોડે વાત કરી લઉં તે પછી હું તમારી એરટીકીટો અને કાર્યક્રમ અંગેનું કાર્ડ આંગડીયા થ્રુ મોકલી દઇશ તમારે બીજી કોઇ ચિંતા કરવાની નથી."

યશુએ ના પાડી, "ટીકીટો શું કામ મોકલે છે? અમે અમારી રીતે આવી જઈશું. તારા અંકલને કહીશ તો એ ટીકીટો કરી દેશે."

"અંકલની વાત જવા દો, પણ જો સોનુ તમારી ટીકીટો કરાવે તો તમને વાંધો હોય?" અર્જુન સહેજ ખોટું લગાડીને બોલ્યો.

"એક્બાજુ તમે મને એમ કહો છો કે તું સોનુ જેવો જ મારો દીકરો છે અને બીજીબાજુ તમે મને પારકો ગણીને પૂછો છો કે ટીકીટો શું કામ મોકલે છે?"

યશુએ વારતાં કહ્યું, "અરે! ખોટું લાગ્યું, બેટા? એક વખત જેને મેં મારો પોતાનો ગણ્યો હોય તેને શું હું તરછોડી શકું?"

"તને એવું લાગ્યું હોય કે તું પારકો છે તો મારામાં જ કોઇ ખામી હશે! મને માફ કરજે, બેટા. તું જરાય મારા માટે પારકો નથી."

"હવે હુંજ સામેથી કહું છું કે તું અમારી ટીકીટો મોકલજે, બસ ને?" યશુએ અર્જુનને શાંત પાડ્યો.

અર્જુને હસીને કહ્યું, "બસ..... હવે મારી મમ્મી સાચા. ચલો હવે સોનુની જોડે વાત કરવા ફોન મૂકું છું મમ્મી, ઓકે?"

સોનુનાં લગન પછી ગોપુ મોનિકાને લઈને એકપણ વખત મમ્મી પાસે આવ્યો નહીં. છતાં કોઇ કારણસર બે માણસો વચ્ચે કોઇ ખટરાગ ઉભો ન થાય તેવા આશયથી યશુ ગોપુને ફોન પણ કરતી નથી.

એ ગોપુને દુ:ખી કરવા થોડું ઇચ્છે? એને તો રામજી ઉપર પૂરો ભરોસો છે, ને તેથી ગોપુ એની પાસે ચોક્કસ આવશે જ એવા વિશ્વાસથી ગોપુ આવતો થાય એ ઘડીની રાહ જોઇ રહી છે.

તે રાતદિવસ તે માટે રામજીને પ્રાર્થના કરતી રહે છે. રાતે સુમિત અને સોનુ ઘેર આવી ગયાં પછી યશુએ અર્જુનના ફોનની વાત કરી.

પોતે અર્જુનના પ્રોગ્રામમાં ઘરનાં બધાંની સાથે આવશે એવી અર્જુનને ખાતરી આપી છે અને બધાંની એરટીકીટો તેમજ ઇન્વીટેશન-કાર્ડ આંગડિયું કરીને મોકલી આપવાનો છે તે જણાવ્યું.

તરત સોનુએ પણ કહ્યું કે અર્જુનનો ફોન એના પર પણ હતો, પરંતુ માર્ચ-એન્ડીંગને કારણે એ પોતે કદાચ નહીં આવી શકે તેથી એની ટીકીટ મોકલવાની એણે ના પાડી છે.

સોનુએ યશુને એમ પણ કહ્યું કે હવે તો બંસરી આવી ગઈ છે એટલે મમ્મી! તું, પપ્પા અને ગોપી ત્રણેય મુંબઈ જાવ ને ઘરની કોઇ ચિંતા કર્યા વગર ઉપડો.

અર્જુનનાં પ્રોગ્રામનો આનંદ લેવાનું ચૂકવું જોઇએ નહીં. સોનુએ ફરી કહ્યું, "અર્જુન ખૂબ ભાવુક છે; જો મમ્મી તમે ને પપ્પા નહીં જાવ તો એને માઠું લાગશે ને પછી એને જલ્દી મનાવી નહીં શકાય. આખી દુનિયામાં તને એ સૌથી વધુ ચાહે છે, મમ્મી."

સોનુને તો બેંકના કામકાજમાંથી રજા મળી શકી નહીં તેથી એ ને બંસરી ઘરે રહ્યાં, બાકીનાં બધાં મુંબઈ ગયાં.

અર્જુને મોકલેલી ત્રણ ટીકીટોમાં પ્લેનનો ટાઇમ સાંજે સાડાસાત કલાકનો હતો અને મુંબઈ પહોંચવાનો ટાઇમ રાતના સવા આઠનો હતો.

અર્જુનનો પ્રોગ્રામ રાતે નવ કલાકે શરૂ થવાનો હતો અને મુંબઈ એરપોર્ટથી હૉલનો રસ્તો સહેજે અરધા કલાકનો હતો.

તેથી યશુ, સુમિત અને ગૌરી પ્લેનમાંથી ઊતરીને ટેક્સી કરીને સીધાજ હૉલ પર ગયાં. હૉલમાં નિમંત્રિત મહેમાનો ગોઠવાઇ પણ ગયેલાં એટલે છેક પાછળની હરોળમાં એ ત્રણેય જણાંએ બેઠક લીધી.

હૉલમાં આછા અંધારામાં સંગીતની ધીમી સૂરાવલીનો મધુર નાદ સૌ સાંભળી રહ્યાં હતાં. રંગબેરંગી પુષ્પોથી મંચને સુશોભિત કરવામાં આવ્યો હતો.

થોડીવારમાં કંપનીનો હોદ્દો છોડવા જઈ રહેલ ચેરમેનશ્રી, મેનેજીંગ ડિરેક્ટરશ્રી, નવા પદનામિત ચેરમેન- અર્જુન મંચ પર આવ્યાં. સૌએ ઊભા થઈને તેઓનું અભિવાદન કર્યું.

મેનેજીંગ ડિરેક્ટરશ્રીએ માઇક હાથમાં લઈને ઘોષણા કરી, "કંપનીએ સર્વાનુમતે જેમની ચેરમેનના પદ પર નિયુક્તિ કરી છે તેવા મુ.શ્રી અર્જુનસરને ચેરમેનનો હોદ્દો ગ્રહણ કરવા હાલનાં ચેરમેનશ્રીનાં હસ્તે બોર્ડનો ઠરાવ ઓર્ડરના રૂપમાં આપવામાં આવશે."

તરત હાલના ચેરમેને અર્જુનને ઓર્ડર આપી તેઓનું ફુલહારથી સન્માન કરીને કહ્યું, "નવા પદનામિત ચેરમેને અગાઉ વરસો સુધી કંપનીની પ્રગતિ માટે ખંતપૂર્વક કામ કર્યું છે, તે ધ્યાને લઈને તેઓની વરણી બોર્ડે સર્વાનુમતે કરી છે, જેને આપણે સૌ તાળીઓથી વધાવીશું."

હૉલમાં તાળીઓથી સૌએ અર્જુનની નિયુક્તિને વધાવી લીધી. ચેરમેનશ્રીએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું, "અર્જુનસરનાં સ્વ. પિતાશ્રી આ જાયન્ટ કંપનીનાં સંસ્થાપક હતા, પણ તેવા કારણસર શ્રી અર્જુનસરની નિમણૂક કરાયેલ નથી."

"શ્રી અર્જુનસર કંપનીનાં ખૂબજ એનાર્જીટીક, યંગ અને એંથુસીઆસ્ટીક ડિરેક્ટર તરીકે ઓળખાય છે, તેઓ ઊંચી મેરીટ ધરાવે છે, હિંમતપૂર્વક કંપનીના હિતમાં તટસ્થ નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે."

"અને સૌથી ઉમદા પાસુ એ છે કે તેઓ કંપનીનાં નાનામાં નાના માણસને પણ નામજોગ ઓળખે છે અને તે સૌને ચાહે પણ છે, જરૂરિયાતના સમયે તેમની પડખે ઊભા રહે છે અને તેથી તેઓનું સ્થાન સૌના ર્હદયમાં છે."

"નવનિયુક્ત ચેરમેનશ્રીનું ઉદબોધન સાંભળવા સૌ આતુર હોઇ, હું વધુ નહીં બોલતાં અહીંજ અટકું છું."

ત્યારબાદ અર્જુન ઊભો થાય છે. એણે હૉલમાં પ્રવર્તી રહેલા ઝાંખા પ્રકાશમાં ચોતરફ નજર ફેરવી. એની આંખો તો યશુને શોધી રહી હતી!

ઝાંખા પ્રકાશમાં પણ યશુના ચહેરા પરનું તેજ સ્પષ્ટપણે નીરખી શકાતું હતું તેથી અર્જુને એને સરળતાથી જોઇ લીધી હતી.

પ્રોગ્રામની શરૂઆત કરતાં અર્જુને હાજર મહેમાનોને સન્માનપૂર્વક સંબોધન કરીને કહ્યું, "મને અત્યંત આનંદ થાય છે કે મારા આજના આ ગૌરવશાળી સમારોહમાં આટલી મોટી સંખ્યામાં સૌ કિંમતી સમય કાઢીને દૂર-સુદૂરથી પણ મારું સન્માન કરવા આવ્યાં છો."

"મારાં માબાપ તુલ્ય વડિલો, મિત્રો, ભાઇઓ અને બહેનો, હું આટલી મોટી કંપનીનો ચેરમેનપદનો ભાર સંભાળી શકું તે માટે સૌપ્રથમ આપના સહકારની ખાસ અપેક્ષા રાખું છું."

"અને તમારા સૌનાં સહકારથી આપણી કંપનીને ઉચ્ચતમ શિખરે લઈ જવાના તમામ સંનિષ્ઠ પ્રયત્નો કરીશ એવી ખાતરી પણ આપું છું. પણ મારે અહીં એક ખાસ વાત કરવી છે."

"મારાં સ્વર્ગસ્થ પિતાશ્રી, જેમણે આ કંપનીની સ્થાપના કરેલી તેઓ એક ધારાસભ્ય, અને પાછળથી સંસદસભ્ય પણ હતા તેથી હું મારા કૉલેજકાળમાં પિતાશ્રીની વગનું ગુમાન લઈને ફરતો હતો."

"અને અભ્યાસના બદલે ધીંગામસ્તી અને રોમાન્સ કરવામાં જ વ્યસ્ત રહેતો. એ વખતે મારામાં એવી કોઇ આવડત કે શક્તિ નહોતી કે હું આજની સ્થિતિ હાંસલ કરી શકું."

"અને સાચું કહું તો, હું એવાં દિવાસ્વપનો પણ જોતો નો’તો. આજે હું જે કંઇ નામ કે પૈસા કે ચાહના પ્રાપ્ત કરી શક્યો છું અને ચેરમેન તરીકેનો પદભાર સંભાળવા જઈ રહ્યો છું એ બધુંજ, મારા જીવનની એકમાત્ર ઘટનાને આભારી છે."

"અને એ ઘટનામાં રહેલી એકમાત્ર એવી સ્ત્રીને આભારી છે કે સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં આવી સ્ત્રીનું અનાયાસે મારા જીવનમાં આવવાનું જાણે કે ઇશ્વરે મારા નસીબનાં દ્વાર ખોલવા કાજે જ થવા દીધું હશે! આજે હું એ સમગ્ર ઘટના અને એ મહાન સ્ત્રી વિશે વાત કરવા માંગું છું."

આટલું બોલીને અર્જુને વરસો પહેલાં કોલેજકાળમાં બનેલો પ્રસંગ કહેવાનું શરૂ કર્યું. 

પ્રિન્સીપલ સાહેબને મળવા માટે ગયેલી યશુનું અપ્રતિમ સૌંદર્ય જોઇને અભિભૂત થઈ ગયેલાં છોકરાઓએ સાથે મળીને એની શાબ્દિક છેડતીનો જે પ્રસંગ બન્યો’તો તે અથ થી ઇતિ સુધી વર્ણવ્યો.

અને એ વર્ણવતી વખતે અર્જુને યશુ માટે વપરાયેલાં શબ્દો- ડ્રિમગર્લ, બ્યુટીફુલ પીસ વગેરે કોઇપણ ફેરફાર કર્યા વગર કહ્યાં. 

હૉલમાં છેલ્લી હરોળમાં બેઠેલી યશુ આખી વાત પામી ગઈ હતી અને સુમિત તરફ જોઇને ધીમેકથી કહેતી હતી, "સુમિત! યાદ છે ને? સોનુની સાથે હું કોલેજ ગયેલી ત્યારે બનેલો પ્રસંગ? આ છોકરાએ કેટલું બધું યાદ રાખ્યું છે?"

"વાત કરતી વખતે પણ કેટલો બધો પસ્તાવો કરી રહ્યો છે? આપણી કેટલી બધી કદર કરી રહ્યો છે? ગોપુમાં ને અર્જુનમાં કેટલો બધો ફરક છે?"

"અર્જુનને મારા પ્રત્યે જે આદર છે એમાંનો છાંટોય ગોપુને છે? ક્યાં સગો દીકરો ને કયાં આ પારકો છતાં સગા દીકરાથીયે વિશેષ!"

અર્જુને પૂરી કહેલી આખીયે પ્રસંગકથા હૉલમાં હાજર સૌએ એકચિત્તે અને રસપૂર્વક સાંભળી. 

અર્જુને આગળ ચલાવ્યું, "આજે પણ જો તમે એ સ્ત્રીને જુઓ તો હજીપણ એનામાં એ જ સૌંદર્યની ઝાંખી જોવા મળે, એ જોઇને ખ્યાલ આવે કે તે વખતે એ કેવી હશે?"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."