મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-43)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૩)

અર્જુને પૂરી કહેલી આખીયે પ્રસંગકથા હૉલમાં હાજર સૌએ એકચિત્તે અને રસપૂર્વક સાંભળી. અર્જુને આગળ ચલાવ્યું, "આજે પણ જો તમે એ સ્ત્રીને જુઓ તો હજીપણ એનામાં એ જ સૌંદર્યની ઝાંખી જોવા મળે, એ જોઇને ખ્યાલ આવે કે તે વખતે એ કેવી હશે? પણ, આ તો એનાં સ્થૂળ સૌંદર્યની વાત કરી; એનું મન તો વળી એથીયે સુંદર છે."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"મેં મારી સગી માનું તો મોં જોયું નથી; મને છ મહિનાનો મૂકીને એ ગુજરી ગઈ. પણ હું જે સ્ત્રીની વાત કરું છું તે સ્ત્રીએ મારી માનું સ્થાન લીધું છે- સગી માનું સ્થાન!"

"મારી બિમારીના પ્રસંગે એણે રાતનાં ઊજાગરા વેઠીને મારી જે ચાકરી કરેલી તે પ્રસંગ હું કદીયે ભૂલી શકું એમ નથી. ત્યારથી તો હું એનેજ ભગવાન માનું છું ને સૂતાંજાગતાં સૌથી પહેલાં હું મારી આ માનું જ સ્મરણ કરું છું."

"અને મારાં સદભાગ્યે આ હૉલમાં તે ઉપસ્થિત પણ છે. જો આપ સૌ મને પરવાનગી આપતા હોવ તો એ સ્ત્રીને- બલ્કે એક અતિ દુર્લભ માને હું મંચ પર બોલાવવા માંગું છું."

"એ કોઇ સાધારણ સ્ત્રી નથી, પણ સાક્ષાત કોઇ દેવી છે જેનાં દર્શન કરવાનો લ્હાવો આપ સૌ પણ લેશો એવી આશા અને વિનંતી પણ છે." 

એટલું સાંભળતાંવેંત આખા હૉલમાં સૌ એકીઅવાજે બોલી ઊઠ્યાં, "જરૂર, જરૂર એ દેવીમાને સ્ટેજ પર બોલાવો; બધાંને દર્શન કરાવો."

અર્જુને માઇકમાં અતિનમ્ર અવાજે યશુને સંબોધીને કહ્યું, "મા, અહીં આવો, પ્લીઝ.....મા,"

હૉલમાં સૌ એને જોવા આતુર હતા, પણ યશુને ઊભા થતાં સંકોચ થતો હોવાનું જોઇને અર્જુન સ્ટેજ પરથી સડસડાટ નીચે ઊતર્યો ને છેલ્લી હરોળમાંથી યશુનું બાવડું ઝાલીને એને ઊભી કરી.

સુમિતને અને ગૌરીને પણ સાથેજ ઊભા કર્યાં ને બધાંને સ્ટેજ પર લઈ ગયો. સૌ એ ગતિવિધી જોઇ રહ્યાં હતાં. સ્ટેજ પર ગોઠવેલાં સોફા પર ત્રણેયને સ્થાન આપ્યું. 

તે પછી અર્જુન યશુને અને સુમિતને પગે પડ્યો. તે બન્નેએ અર્જુનના માથે હેતપૂર્વક હાથ મૂક્યો, એની પીઠ થાબડી. 

એથી ભાવવિભોર બનીને અર્જુન બોલ્યો, "હૉલમાં બેઠેલાં મિત્રોને વિનંતી કરીશ કે પ્રત્યેક જણ શાંતિપૂર્વક વારાફરતી અહીં સ્ટેજ પર આવીને આ મારી મમ્મીને- એક દેવીને પગે લાગશે."

"વડિલો સૌ આદરપૂર્વક બે હાથ જોડીને નમસ્કાર કરશે તો હું એને મારું સર્વોચ્ચ સન્માન ગણીશ; મારે આ સિવાય આપની કોઇજ ભેટસોગાદ જોઇતી નથી. હું સ્વીકારવાનો પણ નથી."

"બસ! આ દેવીનું જાહેર સન્માન કરો એ જ મારું સર્વોચ્ચ સન્માન હશે!"

સૌ વારાફરતી સ્ટેજ પર આવીને યશુને ને સુમિતને પગે લાગીને બીજીબાજુથી ઊતરીને પાછાં પોતપોતાનાં મૂળસ્થાને બેસી ગયાં. 

જે વડિલો હતાં; વયસ્ક હતાં તે બધાં પણ ત્યાં આવીને નમસ્કારપૂર્વક મળીને પોતાની બેઠકે જતા રહ્યાં. છેલ્લે એક દંપતિ ધીમેધીમે સ્ટેજ પર આવ્યું. 

એ બન્ને- પતિપત્નીના મોં પર અત્યંત સંકોચ અને શરમ દેખાતી હતી. અર્જુન ઓળખી ગયો, "અરે! આ તો ગોપુ કે બીજું કોઇ?"

ગોપુએ નીચું જોઈને કહ્યું, "હા, અર્જુનસર. હું ગોપુ જ છું, આ મારી વાઇફ મોનિકા છે. અમે બન્ને મમ્મી-પપ્પાને મોં દેખાડવા જેટલાં લાયક નથી."

એટલું બોલીને બન્ને જણ મમ્મી-પપ્પાને પગે પડ્યાં. યશુએ ગોપુને ખભે બેય હાથ વીંટાળીને એનાં ગાલે ને કપાળે વાત્સલ્યભર્યું ચુંબન કર્યું. 

મોનિકા પણ યશુને વળગીને સ્ટેજ પર રડવા માંડી’તી, યશુએ એનાં ગાલે ને કપાળે પણ હેતસભર ચુંબન કર્યું. અર્જુને એ બન્નેને પણ સ્ટેજ પર બેસાડ્યાં. 

ગોપુ અર્જુનની કંપની સાથે ધંધાકીય રીતે સંકળાયેલ હોવાથી કંપનીનું નિમંત્રણ તેને પણ હતું. અર્જુને યશુને પ્રાસંગિક બે શબ્દો જાહેરમાં બોલવા માટે વિનંતી કરી.

યશુએ સુમિત સામે જોયું તો સુમિતે પણ યશુને સંકોચ વગર બોલવા માટે જણાવ્યું. યશુ બોલવા ઊભી થવા જતી’તી ત્યાંજ અર્જુને એને સોફા પર જ બેસાડીને માઇક એના હાથમાં આપ્યું.

યશુએ હૉલમાં ઉપસ્થિત બધાંને સંબોધન કરતાં કહ્યું, "અહીં ઉપસ્થિત સર્વે મારાં ભાઇઓ, બહેનો અને દીકરાઓ, અર્જુને મારા વિશે જે કંઇ કહ્યું એ કોઇ નવી વાત નથી; જગતની સર્વે માતાઓ આવી જ હોય છે."

"મા હોવું એ જ સૌથી મોટી ઉપલબ્ધી છે. હા, કોલેજનો જે પ્રસંગ કહ્યો એમાં અર્જુને જરાય અતિશયોક્તિ નથી કરી."

"એ વખતે એની અને એના જેવાં બીજાં યુવાન છોકરાંની આંખોમાં ઉંમર સહજ કામુકતા હતી; સ્વાભાવિકપણે હોય જ! કામ અને વાસનાથી ભરેલી એ આંખો જે શોધતી હતી એ મારામાં કદાચ જોવા મળ્યું હશે!"

"તેથી અર્જુને કહ્યું તેમ, એ વખતે કોઇ બેહૂદી કોમેન્ટ્સ જરૂર થઈ જ હશે, પણ તે વિશે હું કે મારો પુત્ર સોનમ, જે અત્યારે અહીં હાજર રહી શક્યો નથી તેણે કંઇજ સાંભળ્યું નહોતું."

"પણ પછીના દિવસોએ સોનમને લોબીમાં રોકીને અર્જુને કહેલું કે તારી લવરનું એડ્રેસ આપ! સ્વાભાવિક છે કે અર્જુન મને સોનમની કોઇ લવર માની બેઠો’તો!"

"હું તો સોનમની મા છું; એની ઉંમરની કોઇ પ્રેમિકા નહોતી! એટલે ઉશ્કેરાયેલા સોનુએ અર્જુન સાથે ઝઘડો કર્યો. અર્જુનનાં ભાઇબંધો પણ સોનુ ઉપર તૂટી પડ્યાં. એકબીજાંને ખૂબ ઇજાઓ પહોંચી."

"પ્રિન્સિપાલે મામલાની ગંભીર નોંધ લીધી જેને કારણે એક વાલી તરીકે મને કોલેજમાં બોલાવવામાં આવતાં હું ત્યાં ગઇ હતી."

"તે વખતે મેં જો ઉશ્કેરાટમાં આવીને અર્જુન અને બીજાં છોકરાઓ સામે પોલીસ ફરિયાદ કરી હોત તો કદાચ એ લોકોને ગુનાની સજા થઈ પણ હોત."

"પણ મને લાગેલું કે એવું કરવામાં શાણપણ નથી; સજા થયેથી કોઇ સુધરી જાય એની ગેરંટી નથી હોતી. ઉલ્ટાનું, છોકરાઓ રીઢા ગુનેગાર પણ થઈ જાય."

"બસ, આ એક વિચારથી મેં પ્રેમથી કામ લીધેલું, જેનું પરિણામ ખૂબજ સુંદર મળ્યું; મારા અર્જુનમાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ પ્રગટ થયું."

"કહેવાનો સાર એટલો છે કે, વેર વેરથી શમતું નથી, પ્રેમથી શમે છે. મહર્ષિ વાલ્મિકિ પણ પૂર્વાશ્રમમાં શું હતા? એક લૂંટારો કે બીજુ કંઇ?"

"મારો તો મંત્ર જ છે કે પ્રેમ આપો ને પ્રેમ પામો. પ્રેમમાં અગાધ શક્તિ પડેલી છે, જે કાળમીંઢ પત્થર જેવા માનવીને પણ કોમળ બનાવી શકે છે."

"પ્રેમ કોઇ બજારૂ ચીજ નથી કે પૈસા ખરચતાં મળે; એ તો ફળદ્રુપ હૈયાની નીપજ છે. આપણે હૈયે પ્રેમ હશે અને તે જેમજેમ બીજાંને વહેંચતા રહીશું તેમતેમ વધુને વધુ પાંગરતો રહેશે."

"બસ, વધારે કહેવાની જરૂર નથી, કેમકે અહીં બેઠેલાં સૌ સુજ્ઞજનો છે; એમાંનાં ઘણી તો મારા પૂજ્ય વડિલો છે. જયશ્રી કૃષ્ણ, જય સીયારામ."

આટલું કહીને જેવી યશુ સોફા પર બેઠી કે તરત ગોપુએ અર્જુનની રજા લઈને માઇક હાથમાં લીધું, "હું આજે અર્જુનસરનો ખૂબખૂબ આભારી છું, કેમ કે એમણે મા તરીકે જેને માની છે અને જેનું અહીં બહુમાન કરવામાં આવ્યું છે એ વાસ્તવમાં મારી તો સગી મા છે!"

"પણ મારી મા નો પ્રેમ પામવા માટે અર્જુનસર જેટલો હું ભાગ્યશાળી નથી, એમાં મારી માનો દોષ નથી; દોષિત તો હું છું."

"એ તો મને વહાલ આપવા તલસતી હતી, આજેપણ તલસે છે. પણ, એની પાસે બેસીને એનાં તલસાટને પોષવા જેટલો ટાઇમ મેં ક્યારેય કાઢ્યો નથી."

"મને આજે એ વાતનું ખૂબ દુ:ખ પણ છે, તેથી જાહેરમાં ઇશ્વરને પ્રાર્થના કરું છું કે માનો પ્રેમ પામવાનાં જેટલાં કિંમતી દિવસો ને મહિનાઓ મેં નાદાનિયતમાં ગુમાવ્યાં છે, તેટલાં દિવસો-મહિનાઓ મારી માનાં આયુષ્યમાં વધારી આપે!"

આટલું કહીને ગોપુ બેસી ગયો. ત્યારપછી અર્જુને સુમિતને વિનંતી કરી કે તેઓ પણ કંઇક બોલે.

સુમિતે ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું, "mંચસ્થ સૌ મહાનુભાવો, હૉલમાં ઉપસ્થિત ભાઇઓ, બહેનો. નવનિયુક્ત ચેરમેન શ્રી અર્જુન તો અમારા પુત્રતુલ્ય છે."

"એની એ મહાનતા છે કે એનાં સન્માન સમારોહને મારી આ પત્ની-યશુનાં સન્માન સમારોહમાં પરિવર્તિત કરી દીધો. જો આ સમારોહ યશુ માટે યોજ્યો છે એવી યશુને જાણ હોત તો એ અહીં કદાપિ ઉપસ્થિત થાત નહીં."

"એને માન-સન્માનની જરીકે ભૂખ નથી. હા, એણે માત્ર અર્જુન જ નહીં, ઘણાંનાં જીવન સુધાર્યા છે. દારૂનો વરસો જુનો ધંધો કરતા એક શખ્સને એ ધંધો બંધ કરાવવા એણે ફરજ પાડેલી."

"ત્યારથી યશુ એની એકમાત્ર બહેન બનીને રહી છે, અને આજેપણ એ માણસ સગા ભાઇની જેમ વ્યવહાર કરે છે."

"આવાં તો કંઇ કેટલાંયે દાખલાં છે, જે બધા વિશે કહેવાનો અત્રે અવકાશ નથી અને આ અવસર એ નિમિત્તે છે પણ નહીં."

"હું એક વાતનો સાક્ષી છું કે ભાઇશ્રી અર્જુનનાં સ્વ. પિતાશ્રી, જેઓ જાહેર રાજકારણમાં ખૂબ પરિપક્વ અને પ્રતિભાશાળી વ્યક્તિ હતાં, તેમણે યશુ જો જાહેર રાજકારણમાં રસ લે તો વિધાનસભાની ટીકીટ આપવા માટે પણ ઓફર કરેલી."

"પણ યશુએ નમ્રતાપૂર્વક એ ઓફર ઠુકરાવેલી; એના માનવા પ્રમાણે એ વગર હોદ્દાએ જે કંઇ કરી શકે છે એ પૂરતું છે."

"એણે એવો પણ જવાબ આપેલો કે શું તમે નથી ઇચ્છતા કે અર્જુન જેવા બીજાં છોકરાઓની પણ હું મા બનું? હું જો જાહેર કામોમાં જ લાગી જઈશ તો મા તરીકેની ફરજો અદા કરવાનો મને ટાઇમ મળશે?"

"અને ખરેખર, ઘણાંબધાંનાં ર્હદયમાં એ આદરભર્યું સ્થાન પામી છે. મારી તો એ પત્ની છે; એ પત્ની તરીકે મારી લાઇફમાં આવી તે પહેલાં હું પરણેલો હતો."

"મારી પહેલી પત્નીનું નામ કંચન, અને સાચેજ એ કંચન હતી! પણ, કમનસીબે એ કેન્સરનો ભોગ બની ગઇ’તી અને એણે જ મરતાં પહેલાં યશુ પાસેથી વચન લીધું હતું કે એ મને પરણશે."

"યશુ વચનની પાકી, પણ એ વચન વિશે હું કંઇ જાણતો નહોતો તેથી કંચનનાં મૃત્યુ બાદ જ્યારે યશુએ મને પ્રપોઝ કર્યું ત્યારે મને એના પર વિશ્વાસ નહોતો પડ્યો."

"મેં ક્યાંય સુધી જવાબ આપેલો નહીં. એણે તો માની લીધું’તું કે મારી ઇચ્છા નથી."

એ એનાં ગામ જવાની તૈયારીમાં હતી ત્યારે મોડેમોડે મને એની વાત માન્યામાં આવી અને હું તરત એને મળવા દોડ્યો, એની સાથે પરણવાની મારી ઇચ્છા જણાવી. 

બસ, એ ક્ષણેજ મારું નસીબ ઉઘડી ગયું. એ રીતે એ મારી લાઇફમાં આવી અને તે પછી એણે મને, મારા પરિવારને ખૂબ સાચવ્યો છે. 

તમને જાણીને નવાઇ લાગશે કે કંચન ખૂબ અશક્ત થઈ જતાં મારા પુત્ર સોનુને એ પૂરું દૂધ આપી શક્તી નહોતી ત્યારે અમારા કામવાળા મધુબાનાં કહેવાથી ઘડીભર સંકોચ પામીને પણ, છેવટે એ વખતે કાચીકુંવારી આ યશુએ જ સોનુને માનું દૂધ પાયું. 

મારા સોનુની નસનસમાં એનું દૂધ ભર્યું છે. સોનુ પ્રત્યે યશુને બેહદ પ્રેમ છે; કદાચ એની સગી મા- કંચનથીયે વિશેષ. 

આવી આ યશુ બહુમાનની અધિકારી છે. અર્જુને એ રીતે આજે એનું જે બહુમાન કર્યું છે તે મારા માટે, મારા પરિવાર માટે ગૌરવની વાત છે. આટલું કહીને સુમિત બેઠો ને તરત હૉલ તાળીઓના ધ્વનિથી ગુંજી ઉઠ્યો.

છેલ્લે અર્જુને માઇકમાં કહ્યું, "સુમિતઅંકલ ખૂબ સારા ગીતકાર અને ગાયક બન્ને છે. યશુમમ્મીને ગીતોમાં ઢાળીને એમણે ઘણાંબધાં ગીતો રચ્યાં છે અને જાહેરમંચ પરથી ગાયા પણ છે."

"જોકે, સુમિતઅંકલ એ પણ સ્વીકારે છે કે યશુમમ્મીને કેન્દ્રમાં રાખીને રચેલાં ગીતોમાં એને પૂરેપૂરી સમાવી શકાય તેમ નથી; એનું વ્યક્તિત્વ આકાશની ઉંચાઇને આંબે તેમ છે."

"તેમછતાં, આજના આ પ્રસંગે હું સુમિતઅંકલને અને યશુમમ્મીને વિનંતી કરીશ કે તેઓ બન્ને એમનાં બેચાર યુગલ ગીતો હૉલમાં બધાંને સંભળાવે."

"ત્યારપછી જ આપણો આ કાર્યક્રમ સમાપ્ત કરીશું ને અત્રે આયોજિત ભોજનસમારંભમાં બધાં ભોજન ભેગાં થઈશું." આટલું બોલીને અર્જુને યશુ અને સુમિત તરફ નજર કરીને ગાવા માટે વિનંતી કરી, "પ્લીઝ અંકલ, પ્લીઝ મમ્મી."

યશુએ અને સુમિતે પસંદગીનાં ચાર યુગલ ગીતો ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં. 

ત્યારબાદ, અર્જુને ભોજન લેવા માટે યશુને અને એનાં પરિવારને એની સાથેજ, અન્ય મહાનુભાવોના સાનિધ્યમાં બેસાડ્યાં. ભોજનવિધિ પૂરી કરીને અર્જુન એનાં ઘેર બધાંને લઈ ગયો.

ઘરે જઈને યશુ અને સુમિતને સોફા પર બેસાડી પોતે ભોંય પર બેઠો. થોડી ધંધાકીય વાતચીત કરતાં કરતાં અર્જુને યશુને સવાલ કર્યો, "મમ્મી, તમે મને ઘણું આપ્યું છે, પણ હજી એક વસ્તુ ખૂટે છે; તમે આપશો?"

યશુએ વહાલથી અર્જુન સામું જોયું અને પૂછ્યું, "તું મને મમ્મી કહેતો આવ્યો છે, પણ મને તમે એવું સંબોધન કેમ કરે છે? તુંકારો કરતાં કેમ અચકાય છે, હેં દીકરા?"

"સોનુ અને ગોપુ મને તુંકારો કરે જ છેને? મા અને ભગવાનને તુંકારો કરીએ તો તે ક્યાં અજુગતું ગણાય? એ તો દીકરાનો જન્મસિધ્ધ હક છે!"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."