મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-44)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૪)

"તું મને મમ્મી કહેતો આવ્યો છે, પણ મને તમે એવું સંબોધન કેમ કરે છે? તુંકારો કરતાં કેમ અચકાય છે, હેં દીકરા? સોનુ અને ગોપુ મને તુંકારો કરે જ છેને? મા અને ભગવાનને તુંકારો કરીએ તો તે ક્યાં અજુગતું ગણાય? એ તો દીકરાનો જન્મસિધ્ધ હક છે!" યશુએ અર્જુનને વહાલપૂર્વક કહ્યું.

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

એટલે અર્જુન બોલ્યો, "મમ્મી, હજી હું તમને તુંકારો આપવાનો અધિકારી નથી. એ અધિકાર મને આપોઆપ મળશે, જો મને ખૂટતી વસ્તુ આપો તો!"

યશુએ પૂછ્યું, "બેટા, મારી પાસે-મારા અધિકારમાં હોય એવી કોઇ વસ્તુ તું માંગને! હું ના પાડવાની છું?"

"મમ્મી....." એટલું બોલીને અર્જુન અટકી ગયો. 

એટલે યશુ બોલી, "અટકી કેમ ગયો? બોલી નાંખને!"

અર્જુને હિંમત ભેગી કરીને કહ્યું, "મમ્મી...! મમ્મી...! હું ગૌરીનો હાથ માંગું છું. આપશો? ગૌરી મારી જીવનસંગિની બને તો મને અહીં આ મુંબઈમાં તમારી ખોટ ન વર્તાય. ગૌરીમાં મને તમારું જ આબેહૂબ દર્શન થાય છે!"

"બેટા! ગૌરી ઉપર મારી એકલીનો ક્યાં અધિકાર છે? એનાં પપ્પાની એ લાડકી છે; પપ્પા એને પ્રાણથીયે વિશેષ ચાહે છે. એટલે ગૌરી ઉપર એમનો વિશેષ અધિકાર છે, ભાઇઓનો પણ અધિકાર છે." યશુએ જણાવ્યું.

તરત જ સુમિતે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું, "મને તો ગૌરી અર્જુનને સોંપવામાં બેહદ ખુશી છે. અર્જુન જેવું ઘર મારી ગૌરીને મળે એને હું આપણું બધાંયનું અહોભાગ્ય ગણું છું."

તરત ગોપુએ પણ ઉમેર્યું, "અર્જુનભાઇ ગૌરી માટે સર્વથા લાયક છે, મમ્મી. પણ ગૌરીને પૂછો તો ખરા!"

ગૌરી શરમાઇને ઊભી થઈ ગઈ. એ મૌન રહી. છતાંપણ ગૌરીની ઇચ્છા જાણવા એને પૂછતાં એણે એટલું જ કહ્યું, "પપ્પા! હું સોનુભાઇ કહેશે એમ કરીશ."

અર્જુને તરત સોનુને ફોન કર્યો ને વાત પૂછી. સામેથી સોનુ બોલ્યો, "અર્જુન, જરાપણ વિલંબ કર્યા વગર ફોન મમ્મીને આપ. મમ્મી સાથે જ તારી વાત પાકી કરી લઉં."

મમ્મીને ફોન પર સોનુએ કહ્યું, "મમ્મી, અર્જુન અને ગૌરી બન્ને એકબીજાને ખૂબ ચાહે છે; ઘણાં વરસોથી ચાહે છે. ગૌરીની ઇચ્છા છે જ, એણે તને અને પપ્પાને વાત કરવાનું મારા પર છોડેલું છે."

"હું વાત કરવાનો મોકો જ શોધતો હતો. આજે એ તક મળી છે. ખુશીથી અર્જુનને હા પાડી દેશો."

આમ, ગૌરી શરમને કારણે એની ઇચ્છા સીધેસીધી જણાવી નહીં શક્તાં એણે યુક્તિથી સોનુ મારફતે પોતાની ઇચ્છા પ્રગટ કરી. 

સોનુની વાત સાંભળીને તરત જ સુમિત અને યશુએ સંમતિ આપી તેથી અર્જુન ખુશ થઈને ઝૂમી ઊઠ્યો, "મમ્મી, હવે તમને તુંકારો કરવાનો અધિકાર મને મળી ગયો છે. આ ક્ષણથી હવે તમે નહીં, પણ તું કહીને તારી સાથે વાત કરી શકીશ. ઓકે?"

એટલું કહેતાં કહેતાં અર્જુને બાળકની પેઠે યશુને તેડી લઇને રૂમમાં ચોતરફ ફરવા માંડ્યો. બધાં બહુ જ રાજી થયાં.

અર્જુને યશુને અને સુમિતને પગે પડીને વચન આપ્યું કે પોતે ગૌરીને જીવની જેમ સાચવશે, જેવી રીતે પપ્પા મમ્મીને સાચવે છે!

સૌ મુંબઈથી એકસાથે અમદાવાદ પરત ફર્યાં. ગોપુને ને મોનિકાને એ દિવસે યશુએ ઘરે રોક્યાં. મોનિકાએ યશુ આગળ પોતાની ભૂલ બદલ પસ્તાવો કર્યો. સોનુનાં પગમાં પડીને એની માફી માંગી. 

ઘરમાં સુમેળભર્યું વાતરવરણ ઊભું થતાં યશુનાં આનંદનો પાર નથી. સુમિતની હાજરીમાં યશુએ ઘરનાં બધાંને સંબોધીને કાયમ સંપ અને પ્રેમથી રહેવા જણાવ્યું.

અર્જુન સાથે ગૌરીનાં લગ્ન કરી આપ્યા પછી અર્જુને બેંકની નોકરી છોડીને એની સાથે ધંધામાં જોડાવા માટે સોનુને ઓફર કરી.

પણ તે માટે પોતાને મુંબઈ રહેવું પડે એ વાત મમ્મીને ગમે નહીં; મમ્મી તો રોજ સાંજ પડે પોતાને એની સન્મુખ જોવા માટે જ તલસતી હોવાનું સોનુ સારી પેઠે જાણતો હતો.

તેથી એણે અર્જુનની ઓફર પોતે સ્વીકારી શકે તેમ નહીં હોવાનું વિવેક્પૂર્વક જણાવ્યું. એ જ સમયે ગોપુએ સોનુને પોતાની સાથે ધંધામાં જોડાવા માટે ઓફર આપી.

ગોપુનો બીઝનેસ તો અમદાવાદમાં જ હતો તેથી ગોપુની ઓફર યશુએ પણ સ્વીકારી. સોનુએ ગોપુની ઇચ્છા અને મમ્મીની સંમતિથી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને ગોપુ સાથે ધંધામાં જોડાઇ ગયો.

રોજ સવારથી સાંજ સુધી ગોપુનાં બંગલે રહે, બપોરનું ભોજન પણ ગોપુ સાથે લેતો, પણ સાંજ પડે એટલે ઘરે પરત આવીને મમ્મી-પપ્પા સાથે રહે. આમ કરવાથી ગોપુ અને મમ્મી બન્ને સચવાય.

ધીમેધીમે બન્ને ભાઇઓએ ધંધાનો ખૂબ વિકાસ કર્યો અને અઢળક આવક ઊભી કરી. પૈસેટકે સુમિતનો પરિવાર ખૂબ સમૃધ્ધ થયો અને સુમિત નોકરીમાંથી નિવૃત્ત પણ થયો.

ઘરે આખો દિવસ યશુ અને સુમિત રહે, ક્યારેક બન્ને સાથે ફરવા જઈ આવે. યશુને ઘરપરિવારથી ખૂબ સંતોષ થયો.

અર્જુનના આગ્રહથી મમ્મીની રજા લઈને સોનુ અને બંસરી એક અઠવાડિયા માટે મુંબઈ ફરવા ગયાં. ત્રીજે દિવસે બંસરીનો ભયાનક રોડ અકસ્માત થયો. સોનુએ અમદાવાદ પરિવારને જાણ કરતાં યશુ, સુમિત, ગોપુ, આશા અને રાજેશ તત્કાળ પ્લેનમાં મુંબઈ આવી પહોંચ્યાં.

અર્જુને બંસરીને ખૂબ જાણીતી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં દાખલ કરાવેલી એટલે અર્જુન સૌને લઈને હોસ્પીટલ પહોંચ્યો. 

બંસરીને બ્રેઈન હેમરેજ થતાં તે કૉમામાં હતી. તેની હાલત અત્યંત ખરાબ હોવાથી તેને આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખેલી.

બંસરીને માત્ર બહારથી જ જોઇ શકાતી હતી; આઇસીયુમાં કોઇને પ્રવેશ નહોતો. આશા તો છાની જ નહોતી રહેતી. રાજેશ અને સોનુ પણ ચિંતાતુર અવસ્થામાં હતાં.

અર્જુન અને યશુ બન્નેએ પરાણે સ્વસ્થતા જાળવેલી. યશુએ આશાને પીઠ પર હાથ ફેરવતાં ફેરવતાં છાની રાખવાનો પ્રયત્ન કર્યો, પણ આશાનું રડવાનું અટકતું નહોતું.

ત્યારે યશુ હિંમત આપતાં બોલી, "આશુ! બંસરી તારી એકલીની જ દીકરી છે? શું મારી નથી? જ્યારે આપણાં કાબૂ બહારનાં સંજોગો હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કર."

"રામજી બહુ દયાળુ છે. મને પૂરી શ્રધ્ધા છે કે બંસરીને કંઇજ નહીં થાય, એ સાવ સાજી થઈ જશે."

આશાએ રડતાંરડતાં કહ્યું, "દીદી, મનેતો તારામાં શ્રધ્ધા છે; તું કંઇક કર; હું તો પ્રાર્થના કરવાની ધીરજ પણ ખોઇ બેઠી છું."

યશુ કંઇ બોલે તે પહેલાં જ સોનુ રડમસ અવાજે બોલ્યો, "મારા જ ભાગ્યમાં આવી ઘટનાઓ લખી હશે, મમ્મી?"

યશુએ તેને પંપાળતા કહ્યું, "દીકરા, ભાગ્યને દોષ દીધા કરતાં સાચા ર્હદયથી ઇશ્વરનું સ્મરણ કર. એના ઉપર બધું છોડી દે. જે થશે એ સારા માટે થશે."

આમ, યશુ જાણે કેટલી બધી સ્વસ્થ ન હોય તેમ વર્તતી હતી! ત્યાં સૌને યશુનાં સ્વસ્થ વાણીવર્તનથી નવાઇ લાગતી હતી, પણ યશુનું દુ:ખ યશુ કળવા દેતી નહોતી.

આવી પરિસ્થિતિમાં જો બધાંજ ભાંગી પડે તો શું થાય એવો ખ્યાલ રાખીને યશુ તેનાં અંતરમાં રહેલી વેદના છૂપાવીને વાત કરતી હતી.

અર્જુન સૌને સ્પેશ્યલ રૂમમાં બેસવા લઈ ગયો. બંસરીને જ્યાંસુધી ભાન આવે નહીં ત્યાંસુધી ત્યાંથી કોઇ આઘાપાછા થાય તેમ નહોતા.

આખો દિવસ પૂરો થયો અને સૌની ધીરજ ખૂટી રહી હતી. સૌના મુખ પર છવાયેલી ગંભીરતા પામીને અર્જુન કોઇને ખાવાપીવા માટે પણ કહેવાની હિંમત નથી કરી શક્તો.

સૌ ત્યાં ભૂખ્યાંતરસ્યાં બેસી રહ્યાં છે. વળી અચાનક ગૌરીથી સાદ નીકળી ગયો, "મમ્મી, ભાઇના નસીબમાં નકરાં દુ:ખો જ લખ્યાં હશે?"

"કંચનબાનું મોં પણ બિચારા ભાઇને જોવા ન મળ્યું! શુભાંગિનીભાભી પણ છોડીને જતી રહી! બંસરીભાભી પણ આવી હાલતમાં!"

અર્જુને ગૌરીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો એટલે તે આગળ કશું બોલી નહીં. રાત્રે અર્જુને સૌને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી, પણ ત્યાં ખાવાપીવાની જરીયે દરકાર કયાં કોઇને હતી?

બધાંજ શૂન્યમનસ્ક બેઠાં છે. યશુ એકલી ત્યાંથી ગાયબ થઈને ક્યારે બહાર નીકળી ગઈ એની પણ કોઇને ખબર રહી નહીં.

વહેલી સવારે ચારેક વાગે રાજેશે પૂછ્યું, "અરે! યશુદીદી ક્યાં?" 

ત્યારે બધાંને ખબર પડી કે યશુ ક્યાંક ચાલી ગઈ છે અને ખબર પડતાંજ સૌ યશુને શોધવા દોડધામ કરવા માંડ્યાં.

બંસરીની ચિંતા તો હતીજ, હવે યશુની પણ ચિંતા થવા લાગી. સુમિત સફાળો ઊભો થઈને યશુને શોધવા માટે હોસ્પીટલ ખૂંદી વળ્યો.

પણ યશુ તો હોસ્પીટલની બહાર એક બાંકડે જઈને પલાંઠી વાળીને બેઠી’તી; આંખો પણ બંધ રાખેલી જાણે કે સમાધિ લગાવીને બેઠી હોય તે રીતે!

અર્જુન અને ગૌરી સવારે પાંચેક વાગે ઘરેથી હોસ્પીટલે આવ્યાં ત્યારે એમણે યશુને બહાર બાંકડે બેઠેલી જોઇ. બન્ને જણાં યશુ પાસે આવ્યાં. 

ગૌરી બોલી, "મમ્મી, ઓ...મમ્મી. અહીં સાવ એકલી અને તે પણ બેઠાંબેઠાં સૂઇ ગઈ છે કે શું?"

એટલામાં આખી હોસ્પીટલ ખૂંદી વળીને સુમિત, આશા ઇત્યાદિ સૌ ત્યાં બહાર યશુ જ્યાં સમાધિસ્થ થઈને બેઠી હતી ત્યાં આવી પહોંચ્યાં.

સુમિતે આશ્ચર્યથી પૂછ્યું, "અહીં એકલી કેમ આવી ગઈ’તી? અને આ રીતે બેઠાંબેઠાં જ કેમ સૂઇ રહી છે? તારી શોધાશોધ એક કલાકથી કરીએ છીએ! સૌનાં જીવ અધ્ધર થઈ ગયાં છે."

ગૌરીએ જ્યારે હલબલાવીને યશુને ઊઠાડી ત્યારે ત્યાં એકઠાં થઈ ગયેલાં બધાંને સંબોધીને તે એટલું બોલી, "મારી બંસરીનું હવે જરાયે ટેન્શન રાખશો નહીં; મારી સીતામાતા અને કંચનદીદી એને જરીયે આંચ નહીં આવવા દે."

યશુની વાતથી પણ દરેકની બંસરી માટેની ચિંતામાં સહેજપણ ઘટાડો થયો નથી, ઉલ્ટાનું તેની વાત સાવ બાળક જેવી લાગતી હતી. 

યશુને લઈને બધાંય પાછાં હોસ્પીટલમાં આઇસીયુની બહાર ટોળું વળીને ઊભા રહી ગયાં. બહાર તો ગમગીનીને લઈને સ્મશાનવત શાંતિ હતી.

પણ અંદરથી એક ડોક્ટર બહાર નીકળ્યાં ને ચહેરા પર સ્મિત ફરકાવીને કહ્યું, "થેંક્સ ગોડ! હમણાં જ એક અડધી મિનિટ પહેલાં દર્દીને ભાન આવ્યું છે."

"આંખો ખોલીને મમ્મીને તેની પાસે લાવવાનું કહ્યું છે. એટલે એની જે મમ્મી હોય તે અંદર પેશન્ટને મળી શકે છે, પણ પેશન્ટ પાસે બેચાર મિનિટથી વધુ ઊભા રહેશો નહીં અને બહુ વાતચીત કરાવશો નહીં."

આટલું સાંભળતાંજ આશા ને યશુ- બન્ને સખીઓ બંસરીની મમ્મી હોવાના નાતે વૉર્ડમાં દોડી ગયાં. બંસરીની એકબાજુ આશા ઊભી રહી ને બીજી બાજુ યશુ. 

બંસરીની પહેલી નજર યશુ ઉપર પડી. એને જોતાંજ બંસરી ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બોલી, "મમ્મા! હું જીવીશ તો ખરીને?"

તરત યશુએ કહ્યું, "હા મારી દીકરી, મારી સીતામા તારી રક્ષા કરે છે; આખી રાત માને મેં પ્રાર્થના કરી છે કે મારું આયુષ્ય લઈ લે, ને બદલામાં મારી વહાલી બંસરીને આપી દે! એને સાજી કરી દે."

"બેટા, મા બહુ દયાળુ છે. મારામાં વિશ્વાસ રાખ, તને ઊની આંચ નહીં આવવા દઊં." યશુએ બંસરીનો હાથ પકડીને આશ્વાસન આપ્યું.

આશા શ્રધ્ધાપૂર્વક યશુને સાંભળી રહી હતી ને બંસરીને મોંએ વહાલથી હાથ ફેરવતી હતી. એટલામાં ડોક્ટરે અંદર આવીને બન્નેને બહાર જવાનો ઇશારો કર્યો અને પોતે પણ બહાર આવ્યા. 

બહાર આવીને ડોક્ટરે કહ્યું, "તબિયત સુધારા ઉપર છે, પણ હજી બે દિવસ પેશન્ટને આઇસીયુમાં રાખવાનું જરૂરી છે."

"એટલે પેશન્ટને જોવા જવું હોય તો અડધા કલાક પછી વારાફરતી જઈ શકો છો, પણ પેશન્ટને વાતચીત બહુ કરાવશો નહીં."

યશુની શ્રધ્ધા ફળી, ને ધીમેધીમે બંસરીની તબિયત સુધરતી ગઈ. એક અઠવાડિયા પછી હોસ્પીટલમાંથી રજા આપી એટલે સૌ સાથે સુખરૂપ અમદાવાદ પરત આવી ગયાં.

યશુની પાંસઠમી વર્ષગાંઠ આવી. ગોપુ અને સોનુએ મળીને મમ્મીને સરપ્રાઇઝ આપવાનો પ્લાન કરેલો. 

વર્ષગાંઠને દિવસે પહેરવા માટે સુમિતે ખૂબ કિંમતી સાડી ખરીદીને યશુને આપી રાખેલી. બન્ને ભાઇઓએ બહાર હોટલમાં મમ્મીનો બર્થડે ઊજવવાનું ગોઠવ્યું’તું. 

સાંજે સૌ સાથેમળીને હોટલ જવા નીકળ્યા. બન્ને ભાઇઓએ ત્યાં મોટો હૉલ બેંક્વેટ બુક કરાવી રાખેલો.

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."