મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-45)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૫)

યશુની પાંસઠમી વર્ષગાંઠ આવી. ગોપુ અને સોનુએ મળીને મમ્મીને સરપ્રાઇઝ આપવાનો પ્લાન કરેલો. વર્ષગાંઠને દિવસે પહેરવા માટે સુમિતે ખૂબ કિંમતી સાડી ખરીદીને યશુને આપી રાખેલી. 

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

બન્ને ભાઇઓએ બહાર હોટલમાં મમ્મીનો બર્થડે ઊજવવાનું ગોઠવ્યું’તું. સાંજે સૌ સાથેમળીને હોટલ જવા નીકળ્યા. બન્ને ભાઇઓએ ત્યાં મોટો હૉલ બેંક્વેટ બુક કરાવી રાખેલો.

ઉંમરને કારણે યશુની આંખો ફરતે સહેજ કાળાશ પડતાં કુંડાળાં થઈ ગયેલાં, વાળમાં ક્યાંક ક્યાંક સફેદ લટો યશુનાં કપાળ પર આવી જતી હતી, પણ એનાં મોંની ચમક્માં ફેર પડ્યો હોય તેમ લગીરે જણાતું નહોતું. 

કિંમતી સાડીમાં યશુ આ ઉંમરે પણ સુંદર દેખાતી હતી. જેવાં બધાં હોટલે પહોંચ્યાં કે યશુ તો આશ્ચર્યચકિત થઈ ઊઠી.

ત્યાં આશા અને રાજેશ, ગૌરી અને અર્જુન તેમજ ઓળખીતાં માણસો સહકુટુંબ યશુનાં આગમનની રાહ જોઇ રહ્યાં હતાં! એનાં જન્મદિવસે આટલા બધાં મહેમાનોને ઇનવાઇટ કર્યાં છે તેની જાણ યશુને ક્યાં હતીજ?

ત્યાં આવેલાં સૌએ યશુને શુભેચ્છાઓ પાઠવી. નાની-મોટી ભેટો આપવા લાગ્યા, પણ આ તો વટનો કટકો; એને દુન્વયી ભેટોમાં ક્યાંકદી કોઇ દિલચશ્પી હતી? એ તો પ્રેમતરસી મીરાં હતી! 

છતાં મહેમાનો નારાજ ન થાય તે માટે તેણે હસતે મોંએ ભેટોનો સ્વીકાર કર્યો. એનાં હસ્તે કેક કાપવાની ક્ષણે ત્યાં ગોઠવેલી મીણબત્તીઓને ફૂંક મારીને હોલવવાનું કોઇકે સૂચન કર્યું.

ત્યારે યશુએ તરત જ કહ્યું, "સારા પ્રસંગે દીપ પ્રગટાવવાનો હોય, નહીંકે હોલવવાનો!"

સૌએ આ પ્રસંગનો આનંદ લીધો. યશુ એટલી બધી ભાવાવેશમાં હતી કે એનાં મોંએથી શબ્દો જ નીકળી શક્તાં નહોતા. એ હરખનાં આંસુઓ રોકી શક્તી નહોતી. 

સગાવહાલાં અને કુટુંબનાં સભ્યો તરફથી દાખવવામાં આવેલ ઉત્સાહ જોઇને આનંદિત થઈ ઊઠેલી યશુ જાણે કે અર્ધપાગલ દશામાં ન હોય! એને મન ઇશ્વરે એને બધુંજ આપી દીધું છે ને એને બધુંજ માણવા મળ્યું છે.

તે દિવસે અત્યંત સંતુષ્ટ થયેલી યશુને રાતે ઊંઘ પણ આવતી નહોતી. સામાન્ય માણસને જ્યારે અત્યંત સુખની પ્રાપ્તિ થાય ત્યારે તેનામાં એક પ્રકારનો ઇગો આવી જતો હોય છે, પણ આ તો યશુ! એ કંઇ સામાન્ય સ્ત્રી થોડી હતી? 

એને સુખમાં પણ રામજી સાંભર્યાં; મનમાં ને મનમાં આભારવશ સ્થિતિમાં રામનું રટણ કરવા માંડી. કંચનનું પણ સ્મરણ થઈ આવ્યું.

જાણે કે કંચન એની સામે ઉભી હોય તેમ યશુ મનોમન બબડવા લાગી, "દીદી, આજે તમારો આત્મા પણ મારી જેમ પરમ તૃપ્તિ અનુભવતો હશે. મેં આપણાં ઘરપરિવારને તમારી જરીકે ખોટ સાલવા દીધી નથી."

"બસ, એક તમારી ગેરહાજરી સાલે છે. હવે હુંય કદાચ મરી જઉં તોયે સુમિતને કે છોકરાઓને કોઇ તકલીફ નહીં પડે. ઘરમાં લીલીવાડી મૂકીને જઇશ."

યશુનો બબડાટ સુમિત સાંભળી શક્તો હતો, પણ સ્પષ્ટ રીતે સમજાતું નહોતું. એણે યશુને પૂછ્યું, "શું બકી રહી છે? કોને આ બધું કહી રહી છે?"

યશુએ ઉત્સાહથી કહ્યું, "મારી સામે કંચનદીદી હમણાં જ ઊભા હતાં. સાચું કહું છું; હું જ્યારે એમનું અંત:કરણથી સ્મરણ કરું છું ત્યારે દીદી મારી પાસે આવીને ઊભા હોય છે."

"દીદી તો હાજરાહજૂર છે, સુમિત! આપણું સુખ જોઇને દીદીનો આત્મા કેટલો આનંદિત થયો છે, ખબર છે?"

સુમિતે હસીને વઢતા કહ્યું, "યશુ, તું કઈ દુનિયામાં જીવે છે? મરેલાં કદી પાછા આવ્યાં છે? સાવ પાગલ જેવી વાત કરે છે!"

"હું કંઇ પાગલ નથી, જે જોયું છે તે જ કહું છું. દીદી બહુજ પ્રસન્ન છે." યશુએ પોતાની જીદ પકડી રાખી.

સુમિતે મજાકમાં પૂછ્યું, "વારુ, તો એ માટે તારો ઉપકારેય માનતી હશેને?"

"હા, સુમિત. મને દીદી માથે હાથ મૂકીને કહેતાં હતાં કે યશુ તેં મારા સુમિતને જે સુખ આપીયું છે તે કદાચ હું જીવતી હોત તોપણ આપી શકી નહોત!" યશુ ગંભીર થઈને બોલી.

"પણ, મેં દીદીને બે હાથ જોડીને કહ્યું કે આ તો મારા રામજીની કૃપા કહેવાય કે એણે મને દરેક વાતમાં સાથ આપ્યો છે, નહીંતો મારી એકલીનું ગજુ છે, દીદી? અને દીદી તરત અદ્રશ્ય થઈ ગયાં."

સુમિતે પ્રેમથી એનો હાથ પકડીને કહ્યું, "તું તારી જાતને અન્ડર એસ્ટીમેટ ના કર, યશુ. હું ચોક્કસપણે માનું છું કે આજે આપણે જે કંઇ છીએ એ માત્રનેમાત્ર તને આભારી છે."

"કંચનમાં માણસને પરખવાની ગજબની શક્તિ હતી; એણે તને પહેલી મુલાકાતમાં જ પરખી લીધી હતી કે યશુ જ બધું સંભાળી શકે એમ છે."

"સારું થયું, ને ભગવાનનો પાડ માનું છું કે મોડો મોડો પણ સમયસર હું તને ઓળખી શક્યો. નહીંતો આ સુખભર્યા દિવસો મને ક્યાં જોવા મળત?"

યશુ અચાનક ઉદાસ થઈને બોલી, "સુમિત! હવે હુંયે કદાચ કાલે ન હોઉં તો તનેય કોઇ તકલીફ નહીં પડે એવો મારામાં વિશ્વાસ જાગ્યો છે."

"છાનીમાની બીજી વાત કર." સુમિતે યશુને ટપારી.

યશુએ દલીલ કરી, "કેમ? મેં શું ખોટું કહ્યું? છોકરાં, વહુઓ- આ બધાં છેજ ને?"

"ગાંડી, એ બધાં ખૂબ સારા છે; બધાંને તારી દોરવણી મળી ન હોત તો? અને છતાંય, તારી તોલે તો કોઇ જ ન આવી શકે. મારા પહેલાં મરવાની વાત ફરીથી કરતી નહીં." સુમિતનો અવાજ ભીનો થયો.

યશુએ હસીને કહ્યું, "સુમિત, તારી પહેલાં હું મૃત્યુ પામું તો લાલ ચુંદડી ઓઢીને જવાય ને!"

"યશુ, મને આવી વાત સાંભળવી ગમતી નથી. પ્લીઝ......બીજી સારી વાત કર, નહીંતો સૂઇ જા. રાતનાં બે વાગ્યા છે, સમયનું ભાન રાખ." સુમિતે કંટાળીને કહ્યું.

"અરે! બે વાગી ગયા? સોરી સુમિત. પણ મને હજી ઊંઘ આવતી નથી તો વાત કરવા દે ને! શી ખબર કાલે સાચેજ હું ન હોઉં તો?" યશુ હજી એ જ સૂરમાં હતી.

સુમિતે એને આશ્વાસન આપ્યું, "કાલે શું કામ નહીં હોય? તું બિલકુલ સ્વસ્થ છે; તારા નખમાંયે રોગ નથી."

"નહીં સુમિત, કાલે ખરેખર હું નહીં હોઉં. મને બોલવા દે. નહીંતો મારા મનની મનમાં રહી જશે." યશુના અવાજમાં એક અજીબ મક્કમતા હતી.

હવે સુમિતને બીક લાગી. એનામાં યશુની આવી અશુભ વાત બિલકુલ પસંદ નહોતી. એણે પડખું ફેરવી લીધું, જેથી યશુ શાંતિથી સૂઇ જાય. 

યશુએ જોયું કે સુમિતને વાત કરવી કે સાંભળવી ગમતી નથી, તે સૂઇ જવા માંગે છે. એટલે એને સૂવા દીધો, પણ પોતે જાગતી પડી રહી.

ત્રણેક કલાક પછી- બરાબર સવારે પાંચ વાગે બંસરી ઊઠી ગઈ હતી. યશુ સૂતી છે એમ માનીને બંસરી રોજની ટેવ મુજબ મમ્મીનાં ચરણસ્પર્શ કરવા આવી.

પણ મમ્મીને જાગતાં જોયા એટલે બોલી, "મમ્મી જાગી ગયાં કે સૂતા જ નથી?"

યશુએ શાંતિથી કહ્યું, "બંસરી બેટા! હું જાગું જ છું. હવે કાયમ માટે સૂઇ જવાની ઘડી આવી પહોંચી છેને! બધાંયને જગાડી દે."

"પપ્પા તો મોડે સુધી જાગતા હતા, છતાં એમનેય ઊઠાડી દે, બેટા. મારે જે કંઇ કહેવું છે તે કહેતી જાઉં! પછી કોને ખબર છે, ટાઇમ રહે કે ના રહે!"

બંસરી ગભરાઈને બોલી, "મમ્મી આવું કેમ બોલો છો? તમને કંઇ થાય છે કે શું?"

"મને કંઇજ થતું નથી, દીકરી. પણ બસ, એવું સુઝી રહ્યું છે કે આજ મધ્યાંહ સૂરજ હું જોઇશ નહીં! મને દવાદારૂ માટે દવાખાને લઈ જવાની જરૂર નથી. બધાં ભેગાં થઇને છેલ્લીવાર મારી પાસે બેસો."

બંસરીએ મમ્મીનાં શરીરે અને કપાળે સ્પર્શ કર્યો; એ જાણવા માટે કે મમ્મીને તાવ તો નથી ને? પણ મમ્મીનું શરીર નોર્મલ હતું, શ્વાસોશ્વાસ પણ નોર્મલ હતાં. 

છતાં મમ્મી કેમ આવી અમંગળ વાણી ઉચ્ચારે છે! બંસરીએ ગભરાટમાં આવી જઈને સોનુને ને ગોપુને પણ ઊઠાડ્યા. 

થોડીવારમાં તો માત્ર સુમિત સિવાય, આખાય પરિવારમાંથી બધાંજ જાગીને મમ્મી પાસે એકઠાં થઈ ટોળું વળીને ઊભા રહ્યાં. સુમિત મોડેસુધી જાગતો હતો તેથી તે હજી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.

યશુએ વારાફરતી પ્રત્યેક જણને ઉદ્દેશીને કહેવાનું શરૂ કર્યું, "સોનુ બેટા! મમ્મીએ કંચનમમ્મીને વચન આપ્યું’તું કે તને મારાથી કદી અળગો નહીં કરું. હું એ વચન પાળી શકી છું એનો મને ખૂબ સંતોષ છે."

"પણ, દીકરા! હવે મારી અંતિમ પળો આવી ગઈ છે, હું શું કરું? મોતને રોકવું મારા હાથમાં તો નથી ને? મેં તને આજસુધી જીવની જેમ સાચવ્યો છે, પણ હવે જીવ જ આ ખોળિયામાંથી નીકળવાની તૈયારીમાં છે."

"તું મને ચાહે છે એવી રીતે આશામાસીને અને બંસરીને ચાહજે. એ બન્ને તને મારી ખોટ વર્તાવા નહીં દે."

પછી એણે ગોપુને પાસે બોલાવીને કહ્યું, "ગોપુ બેટા, તુંય મને એટલો જ વહાલો છે, જેટલો ભાઇ છે. ક્યારેક તને લાગ્યું હશે કે હું બે ભાઇઓમાં પક્ષપાત કરું છું."

"પણ એ તારો ભ્રમ હતો એવું તને મોડુંમોડું પણ સમજાયું એ મારા રામજીની કૃપા હતી. ભાઇને છેકલગી સાચવજે, ભાભીને મા સમજીને વર્તજે."

"ભાભી તો બીજી શુભાંગિની જ છે, એ આશામાસીની દીકરી છે ને? એનામાં કોઇ ઉણપ હોય! ભાભી તને મારી ખોટ નહીં વર્તાવા દેય, તું કદી એનું દિલ દુભાવતો નહીં."

બંસરી તરફ નજર ફેરવી એ બોલી, "બંસરી, તું તો જન્મી ત્યારથી મને ખૂબ વહાલી છે, મારા સોનુને મારી ખોટ સાલવા નહીં દેતી; એ મને ક્યારેય ભૂલી શકે એમ નથી."

"પણ તું ઘડીભર એના માટે મારું સ્થાન- એક મમ્મી તરીકેનું સ્થાન લઈને એની કાળજી રાખજે. મારો ગોપુ ક્યારેક કંઇ ભૂલ કરે તો દીકરી, એ નાનો દિયર છે; એને તારો દીકરો ગણીને માફ કરજે."

પછી ગૌરીના આંસુ લૂછતાં કહ્યું, "ગૌરી! તું તો ખૂબ ભાગ્યશાળી છે, દીકરી! તને તો અર્જુંન જેવો પતિ મળ્યો છે. તું તો સુખના સાગરમાં છે. તારા પપ્પાની બહુ લાડકી છેને? પપ્પાને મારી ગેરહાજરી સાલેવા દેતી નહીં."

છેલ્લે અર્જુન સામે જોઈને યશુએ સ્મિત કર્યું, "અર્જુન! તારી લવર હવે તને છોડીને જઈ રહી છે. તેં તો લવરનું એડ્રેસ જ માંગેલું, પણ લવરે તો એનાં જીગરનો ટૂકડો જ તને આપી દીધો ને?"

"તારી પણ હું લવર બનીને? મા તરીકે મેં તારી ઇચ્છા પૂરી કરીને, બેટા? તો મારી ઇચ્છા પૂરી કરીશને દીકરા? મારી ગૌરીનું ધ્યાન રાખીશને?"

"તને ઓળખવામાં મેં જરાય ભૂલ તો નથી કરી, એટલે મને તારામાં પૂરો વિશ્વાસ છે; તને ભલામણ થોડી કરવાની હોય? તું મારો ત્રીજો દીકરો છે."

"ને તેં મને તારી મા તરીકે અપનાવીને જાહેરમાં મારું જે બહુમાન કર્યું છે, એનું ઋણ ચૂકવવા હવે પછીના જનમમાં તું મારી કૂખેથી જન્મે એવી મારા રામને ર્હદયથી પ્રાર્થના કરતી જાઉં છું."

મોનિકાને ઉદ્દેશીને કહ્યું, "મોનિ બેટા! એકવાર કરેલી ભૂલ તેં સમયસર સુધારી લીધી છે તેથી તારા ઉપકારનું ઋણ હું માથે લઈને જઈ રહી છું, ભગવાન તને કાયમ સાજી-નરવી રાખે એવી પ્રાર્થના કરું છું."

"તું નાની વહુ ભલે હોવ, પણ ઘરમાં તારું સ્થાન મોટીવહુથી જરાય ઓછું નહીં સમજતી. આ ઘરની આનશાન જાળવી રાખજે, દીકરી. મોટોભાઇ રામ જેવો છે, એના પગની પૂજા કરજે, તારા સુખ પર કદીયે કોઇની બૂરી નજર નહીં લાગે."

યશુની વાત સાંભળીને કોઇ કંઇ જવાબ આપે એવી કોઇનામાં હામ નથી; બસ, મમ્મીને આ શું થઈ ગયું છે એની ચિંતામાં સૌએ મૌન ધારણ કરી લીધું છે. 

દરમ્યાન, બંસરીએ એની મમ્મી આશાને ફોન કરીને યશુમમ્મીની આ વાતો વિશે જણાવીને એને તાત્કાલિક ઘરે બોલાવી લીધી હતી. આથી આશા તાબડતોબ રાજેશને પણ સાથે લઈને ત્યાં આવી પહોંચી.

આશાએ ઘરમાં પ્રવેશતાં જ હકપૂર્વક યશુને ધમકાવતી હોય તેમ બોલી, "યશુ! મારી મા...! આ બધું શું માંડ્યું છે? ઘરનાં બધાંને બિવરાવી દીધાં છે?"

આશાની રાડ - 'મારી મા...' સાંભળીને યશુના મોં પર આછું સ્મિત ફરક્યું, "આવ આશા, આવ મારી બહેન."

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."