મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-46)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૬)

આશાએ ઘરમાં પ્રવેશતાં જ હકપૂર્વક યશુને ધમકાવતી હોય તેમ બોલી, "યશુ! મારી મા...! આ બધું શું માંડ્યું છે? ઘરનાં બધાંને બિવરાવી દીધાં છે?"

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા
 
આશાની રાડ - 'મારી મા...' સાંભળીને યશુના મોં પર આછું સ્મિત ફરક્યું, "આવ આશા, આવ મારી બહેન. ઘણાં વરસે તારા મોંએ મારી મા શબ્દો સાંભળીને મને આનંદ થાય છે."

"આપણે કેવી મોજમસ્તી સાથે કોલેજ કરતાં હતાં, એ મધુર સંભારણાં તાજાં થાય છે. તારો ઉપકાર તો કેમેય કરીને હું ભૂલી નથી; યાદ છેને, આશા? તું સ્પેશ્યલ મારા ગામ આવી’તી ને મારાં માવતરને તેં જ તો સમજાવેલાં!"

"જો તું આવી જ નહોત તો મારો આ સુખી સંસાર મને ક્યાંથી મળ્યો હોત? હું તો મા સરસ્વતીની જેમ કુંવારી જ ધરતીનાં ખોળે સમાઈ ગઈ હોતને?"

"મારાં આ ભર્યાંભાદર્યાં ને સુખી સંસારમાં તું તો પાયાનો પથ્થર છે, બહેન! તારો ઉપકાર હું કદીયે ભૂલી શકું નહીં. આજેતો તું બહુજ સમયસર આવી છે, આશુડી!"

"મારા ઉપર તારો બીજો પણ એક ઉપકાર રહેશે; મારા આ સોનાથીયે મોંઘા સંસારનો ભાર તારી ઉપર નાંખતી જાઉં છું. મને પૂરો વિશ્વાસ છે, તું બધાંને સંભાળીશ."

આશાએ ચિંતાથી વઢતા કહ્યું, "બંધ કર હવે લવારો. તું યશુ છે, યશુ! તને આવો લવારો જરાયે શોભતો નથી. તને કશુંય થયું નથી ને આવી ભલામણો કેમ કરવા માંડી છે?"

"તને અત્યારે જ મગજનાં કે માનસિક રોગોનાં ડોક્ટર પાસે લઈ જવી પડશે ને એટલે જ હું ને રાજેશ બન્ને આવ્યાં છીએ. તારી બેહૂદી લવારી સાંભળવા માટે નહીં."

આશાનો પક્ષ લેતાં રાજેશે પણ કહ્યું, "હા, દીદી. આશા સાચું કહે છે. મને લાગે છે કે ગઇકાલે તમારા બર્થડેની ભવ્યાતિભવ્ય ઉજવણીથી એટલાં સંતૃપ્ત થઈ ગયાં છો કે જાણે જીવવા માટેની કોઇ જીજીવિષા જ તમારામાં રહી નથી!"

"તમેજ જો આ રીતે તમારા સ્વભાવથી સાવ જ વિરૂધ્ધ થઈને વાતો કરશો તો બીજાંઓ શું સમજશે? તમે તો દીદી કાયમ પોઝીટીવ વિચારો કર્યાં છે, તો આજે આમ નેગેટીવ વાતો કેમ કરો છો?"

યશુએ ઊંડો શ્વાસ લઈને સમજાવ્યું, "સાચેજ, રાજેશ. હું મારા આખાયે પરિવારથી ખૂબ જ સંતુષ્ટ છું. હવે કોઇ જીજીવિષા રહી નથી. હું કંઇ જિંદગીથી હતાશ થયેલી નથી તે કોઇ નેગેટીવ વિચાર કરું."

"મેં જિંદગીને ભરપેટ માણી છે ને એટલે હું આજેય પોઝીટીવ જ છું. પણ મારા મોતને હું પ્રત્યક્ષ નિહાળી રહી છું તેથી આવી ભલામણો કરી રહી છું."

"મારી આશુ બહુજ નિખાલસ છે હોં, રાજેશ! મેં ખિજાઇને ઘણીવાર એને થપ્પડ મારી દીધી હશે, પણ એણે કદીયે એનું ખોટું લગાડ્યું નથી કે મારી સામે પણ થઈ નથી. તમે એને સાચવજો; એ તમને સાચવશે. બસ, હવે કોઇ જીજીવિષા રહી નથી."

આશાએ હસીને વાત વાળવાનો પ્રયત્ન કર્યો, "કેમ, હજી સોનુની દેવલીને પરણાવવી નથી? ગોપુનાં ને ગૌરીનાં બાળકોને રમાડવા નથી?"

આ સાંભળીને યશુએ દેવાંશીને પાસે બોલાવી. દેવાંશી ખૂણામાં ઊભીઊભી રડી રહી હતી, પણ દાદીમાએ બોલાવી એટલે દોડતી એનાં ખોળામાં બેસી ગઇ. 

યશુએ એને વહાલથી પંપાળીને કહ્યું, "તમે બધાંય મારી આ ઢીંગલીને રંગેચંગે પરણાવજો. આ દેવલી તો મારી બીજી કંચનદીદી છે! એને મારા વગર સુનુંસુનું લાગશે, પણ મારી બંસરી છેને? એટલે મને દેવલીની જરાય ચિંતા નથી."

તે પછી એણે ગોપુના દીકરાને અને ગૌરીની દીકરીને વારાફરતી ખોળામાં લીધા. બંનેના માથે ને મોંએ હાથ ફેરવીને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા.

આશા અને રાજેશ જ્યારે યશુને મગજનાં ડોક્ટર પાસે લઈ જવા તૈયારી કરતાં હતાં ત્યારે યશુએ જ મક્કમતાથી કહ્યું, "આશુ! બેન, મને ત્યાં શું કામ લઈ જવા માંગો છો? હું કંઇ ગાંડી નથી થઈ! મારે ઘરેજ મરવું છે; બહાર જઈને નહીં."

યશુની નજર સુમિતને શોધી રહી હતી. સુમિત ક્યારનોય ઊઠી ગયો હતો, પણ ખૂણામાં જડવત થઈને છાનોછાનો રડી રહ્યો હતો. 

યશુએ એને જોઈને વહાલથી કહ્યું, "સુમિત, રડો નહીં. આપણાં લેણદેણ પૂરા થઈ ગયાં છે! હવે છેલ્લીવાર મારી પાસે આવો ને…!"

"તમારા ખોળામાં માથું મૂકીને નિરાંતે સૂઇ જવાની ઇચ્છા જાગી છે. તમે આજલગી મારી બધીયે ઇચ્છાઓ પૂરી કરી જ છે તો હવે આ તમારી પ્યારી યશુની છેલ્લી ઇચ્છા છે, સુમિત!"

સુમિત ચૂપચાપ યશુના પલંગે આવ્યો. બધાં જોઇ રહ્યાં કે યશુએ એના ખોળામાં માથું મૂક્યું, ને એનું ધડ પલંગ પર રાખ્યું. 

સુમિતે પ્રેમથી યશુનાં માથે ને મોંએ હાથ ફેરવ્યો. યશુએ સુમિતનો હાથ ઝાલીને એ હાથ પર એક ચુંબન કર્યું ને બોલી, "સુમિત, તમને મેં ખૂબ ચાહ્યા છે ને તમેય મને ભરપૂર પ્રેમ આપ્યો છે; હું ખૂબજ સંતોષ સાથે જઈ રહી છું."

"તમને હું મારા ઇશ્વર માનું છું ને ઇશ્વર તો કરૂણાનો સાગર છે. હું તો આજીવન તમારી ભક્ત બનીને રહી છું. આ ભક્તથી કોઇ ભૂલ થઈ હોય તો ઇશ્વર તો માફ કરે જ ને?"

"તમને, સોનુને ને આપણાં પરિવારને છોડીને જવાનું મન નથી, પણ મારું આયુષ્ય પૂરું થયું છે, એટલે હું લાચાર છું. મને માફ કરજો."

"પણ, આવતા ભવે જરૂર તમારી જ અર્ધાંગિની હોઇશ, તમારી યશુનાં શબ્દો ઉપર વિશ્વાસ રાખજો. આ ભવમાં તમારી લાડલી ગૌરી તો છેજ ને?"

"તમે એનાં જનમ પહેલાં મારી પાસે દીકરીની માંગણી કરેલી ને? કેમ કરેલી? એને જોઇને હું યાદ આવું એટલેજ ને? મારા રામજીએ તમારી માંગણી પૂરી કરી ને મારી કૂખેથી તમને ગૌરી દીધી."

"એની આંખોમાં હું જ છુંને? બસ એને જોઇને મારી હાજરીનો અહેસાસ કરજો. સુમિત, હવે મને ઊંઘ આવી રહી છે, કાયમી ઊંઘ, અલવિદા...સુમિ...ત!"

એટલું બોલીને યશુએ આંખો બંધ કરી દીધી. બંધ આંખે 'સીતારામ... સીતારામ' નું રટણ શરૂ કર્યું. સૌ સ્તબ્ધ હતાં. યશુનાં શ્વાસોશ્વાસ સામાન્ય ગતિથી ચાલી રહ્યાં હતાં.

સુમિતે આંસુ લૂછતાં સૌને કહ્યું, "આખી રાત જાગતીજ પડી’તી. હવે લાગે છે કે એ સૂઇ જશે. આરામ થશે એટલે પાછી પૂર્વવત નોર્મલ થઈ જશે. આજેતો એની લવારીથી ડર લાગતો હતો કે ક્યાંક એ ખરેખર જતી ન રહે!"

થોડીવારે એમ લાગ્યું કે યશુ હવે સૂઇ ગઈ છે એટલે સુમિતે ખોળામાંથી એનું માથુ ઊંચું કરીને ઓશિકા ઉપર માથું મૂકી એને સરખી સૂવડાવી. 

આશા અને રાજેશ હાશકારો અનુભવીને પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. જતાંજતાં તેઓને ઊંઘતી યશુનો ગણગણાટ સંભળાયો, "કંચનદીદી...દીદી....! સારું થયું તમે છેલ્લી ઘડીએ આવી ગયાં."

"મને હવે મૃત્યુ પછીનાં અજાણ મુલકમાં જતાં જરાય ડર નથી. મને લેવા આવ્યાં છોને! આ દુનિયા છોડી રહી છું, પણ તમને ફરી પામી રહી છું. દીદી...દીદી...!"

યશુ થોડીવાર આમ કંચનદીદીની બૂમ પાડતી રહી અને પછી અચાનક એના ચહેરા પર એક અદ્ભુત તેજ આવ્યું અને એ બોલી ઊઠી, "અરે...આટલું બધું અજવાળું કેમ? હા...આ...!! સમજાયું."

"મા સીતા ને મારા ઇષ્ટ રામજી પણ સાથે આવ્યાં છે? વાહ, યશુ! તારું ભાગ્ય ઊઘડી ગયું; આજે તો મા સીતેનાં પણ દર્શન થયાં. મા સીતે...તારી યશુ આજે ધન્ય બની ગઈ, તારા ખોળામાં અદભૂત આનંદ આવે છે, મા...મા....મા..."

બોલતી યશુના સાદમાં કંઈક જુદું જ અનુભવાતા આશા એની જીગરજાન દોસ્ત યશુને જોવા માટે એનાં પલંગે દોડતી પાછી ફરી. 

આશાએ યશુની છાતી પર ને નાકે હાથ અડાડ્યો, પણ અડાડતાંની સાથેજ કંઇક અસામાન્ય જણાતાં એણે રાજેશની તરફ નિરાશાભરી દ્રષ્ટિ કરી. 

રાજેશ પણ યશુનાં પલંગે દોડી ગયો અને એની નાડી તપાસી, છાતીએ હાથ મૂકી જોયો ને તરત જ એણે ઉંડો નિ:શ્વાસ મૂક્યો, "ઓહ, માય ગોડ!! આશા..., યશુ ઇઝ નો મોર!"

આશા ત્યાંને ત્યાંજ ફસડાઇ પડી અને રૂદન કરવા લાગી, "મારી યશુ... તું સાચેજ અમને સૌને છોડીને જતી રહી! અમને સૌને સાવ નોધારાં કરી દીધાં...!"

"અમેતો અત્યાર સુધી તારો લવારો સમજતા હતાં! તું અમને છેતરી ગઈ? તેં તો બહુ ઉતાવળ કરી, યશુ!"

"પ્લીઝ....ઊઠ યશુ, તારો લવારો સાંભળવો છે, પ્લીઝ.....યશુ...., પ્લીઝ, ઊઠ, મારા પર ચિડાઇ જા; તારા હાથનો લાફો ખાવો છે, દીદી! ઊઠ ને! આવું શું કરે છે?!"

ઘરમાં સૌ યશુની વસમી વિદાયથી આકુળ-વ્યાકુળ થઈ ગયાં હતાં. એ બધાંયનું આક્રંદ સાંભળીને આજુબાજુથી નાનાંમોટાં સૌ એકઠાં થઈ ગયાં. 

સૌ યશુનો ચહેરો નિહાળી રહ્યાં હતાં; યશુનો મૃતચહેરો અતિશય પ્રસન્ન જણાતો હતો અને તે કોઇ દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યો’તો. 

આખા મહોલ્લામાં કોઇ જણ એવું નહીં હોય કે જે તે દિવસે ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો ન હોય! મહોલ્લો સૂમસામ મૂકીને સૌ ભારે હૈયે યશુની અંતિમયાત્રામાં જોડાયાં. 

સ્મશાનગૃહનું વૈરાગી વાતાવરણ પણ જાણે કે આ મહાન આત્માની વિદાયથી શોકમગ્ન બની ગયું હતું. થોડીવારમાં તો મમતાની દેવી યશુનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલિન થઈ ગયો.

સ્મશાનગૃહેથી સૌ ભારે હૈયે ઘરે પાછા ફર્યાં. પાગલ જેવા બની ગયેલા સુમિતે દીનદશામાં આકાશ તરફ જોઈને બૂમ પાડી, "કંચન ગઈ... યશુયે ગઇ... હું કેમનો જીવીશ?" 

એનો આ કરૂણ પોકાર સાંભળી રાજેશ એના ખભે હાથ મૂકીને અંદર તરફ લઈ જઈ રહ્યો હતો. આશા પણ ઘરમાંથી દોડતી આવી અને સુમિતના બીજા ખભે હાથ મૂકીને એને હળવેકથી સોફા પર બેસાડી આશ્વાસન આપવા લાગી.

આશાએ આંસુ લૂછતાં કહ્યું, "કુમાર, આપણે સૌ સમદુખિયાં છીએ. યશુ આપણાંથી અનંત યોજનો દૂર ચાલી ગઈ છે; હવે આપણે ગમે તેટલું રડીએ તોપણ એને થોડી કંઇ જીવતી જોઇ શકવાનાં છીએ?"

"મારી યશુ તો ગુણોનો ભંડાર હતી. એનાં એકેક ગુણ સંભારીને રડીશુંને, તોયે આંસુ ખૂટી પડશે. હવે હિંમત રાખવાની છે. તમે તો ઘરનાં મોભી છો, મોભ જ જો ઢીલો પડશે તો આ ઘર કેમનું ટકશે, હં....?"

સુમિતે માથું ધુણાવતા નકારમાં કહ્યું, "ના આશા, તને તો ખબર છે કે ઘરનો મોભ જ યશુ હતી; હું નહીં. હવે આ માળો મારાથી નહીં સચવાય!"

"જુઓ કુમાર, અગાઉ કંચનદીદીની વિદાય પણ વસમી જ હતીને? છતાં એ વખતે આપણે હિંમત ધરીને બધું ઠેકાણે પાડ્યું કે નહીં? હિંમત તો રાખવી જ પડશે. તમે એકલાં નથી, આપણે સૌએ સાથે રહીને ઘરપરિવારને સંભાળવાનો છે." આશાએ મન મક્કમ કરીને કહ્યું.

સુમિતે રડમસ અવાજે દલીલ કરી, "આશા! કંચન ગઈ ત્યારેપણ બહુજ વસમુ લાગ્યું’તું, પણ ત્યારે તો યશુ હતી ને? કંચનની જગ્યા એણે પૂરી દીધી’તી, પણ હવે તો યશુ પણ ચાલી ગઈ! એ ચાલી ગઈ, ચાલી ગઇ..., આશા! એની જગ્યા કોણ પૂરી શકે?"

સુમિતનો આ વેદનાભર્યો સવાલ સાંભળીને, એને આશ્વસ્ત કરવા આવેલી આશા પોતે જ ભાંગી પડી. એ કઇ રીતે એને સમજાવે? ઉલ્ટાનું, એ પોતેજ એનું દુ:ખ રડવા લાગી.

આશાએ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા કહ્યું, "સુમિતકુમાર! એ જગ્યા હવે કોઇનાથી પૂરી શકાય એમ નથી. મારું તો દિમાગ જ ખાલીખમ છે; હું કંઇજ વિચારી શક્તી નથી. રાતદિવસ એકમાત્ર યશુ સિવાય કોઇને જોઇ શકું એમ નથી."

"યશુ...! તું બહુજ વહેલી જતી રહી... બહેન! અમારી લગીરેય દયા ન આવી? તારા વગર હું રહી શક્તી નથી તો સુમિતકુમાર અને તારાં સંતાનો કેમના રહી શકે?"

"તેં મારા પર જવાબદારી નાંખી તો દીધી, પણ તું આશાને ક્યાં નહોતી જાણતી કે તારા વગર એ સાવ શક્તિહિન થઈ જશે? તું જ તો મારી શક્તિ હતી, યશુ!"

આશાએ પલંગ પર પડેલી યશુની તસવીર સામે હાથ જોડીને કહ્યું, "આજે મને તારી વાત બરાબર સમજાય છે કે પ્રેમ કોઇ માંગણી કરતો નથી, એ તો માત્ર આપી જાણે છે."

"મારી બંસરીને જીવતી રાખવા સારુ જ તેં તારી આવરદા તેને આપી દીધી અને એટલે જ તું એકદમ પ્રભુની પ્યારી થઈ ગઈ! તું ખરેખર સાક્ષાત દેવી હતી, યશુ! તારા ઉપકારનો બદલો હું કઈ રીતે વાળું?"

આશાનું આવું કલ્પાંત જોઇને રાજેશ એની પાસે આવ્યો ને એના ખભે હાથ મૂકીને પંપાળતા કહેવા લાગ્યો, "યશુદીદીનાં ઉપકારનો બદલો વાળવાના ભગીરથ કાર્ય માટે કહું છું આશા, તું હિંમત રાખ અને બીજાંને હિંમત આપ."

"જો આશા, તું ને યશુદીદી સાથે મોટાં થયાં છો. તમારી બેયની જુગલબંધીની જેટલી પ્રસંશા કરીએ એ ઓછી જ છે."

"તારા ઉપર દીદીને કેટલો વિશ્વાસ હશે કે આખાયે પરિવારની જવાબદારી તારે શિરે નાંખીને એણે નિશ્ચિંતપણે વિદાય લીધી છે! તો તું જ જો આમ પડી ભાંગીશ તે કેમનું ચાલશે?"

લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."