મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel Part-47)

Related

મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ (ભાગ-૪૭) અંતિમ પ્રકરણ

આશાનું કલ્પાંત જોઇને રાજેશ એની પાસે આવ્યો ને એના ખભે હાથ મૂકીને કહેવા લાગ્યો, "યશુદીદીનાં ઉપકારનો બદલો વાળવાના ભગીરથ કાર્ય માટે કહું છું આશા, તું હિંમત રાખ અને બીજાંને હિંમત આપ."

મમતાની દેવી - ન ભૂતો ન ભવિષ્યતિ (Mamtani Devi Novel) લેખક - ભૂપેશ પંડ્યા (અમદાવાદ)
મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ નવલકથા

"જો આશા, તું ને યશુદીદી સાથે મોટાં થયાં છો. તમારી બેયની જુગલબંધીની જેટલી પ્રસંશા કરીએ એ ઓછી જ છે. તારા ઉપર દીદીને કેટલો વિશ્વાસ હશે કે આખાયે પરિવારની જવાબદારી તારે શિરે નાંખીને એણે નિશ્ચિંતપણે વિદાય લીધી છે! તો તું જ જો આમ પડી ભાંગીશ તે કેમનું ચાલશે?"

આશાએ લાચારીથી કહ્યું, "રાજેશ! આમ કહેવું સહેલું છે, પણ કરવું અઘરૂં છે. યશુદીદી મારો આત્મા હતી, એના વગરનું મારું આ શરીર શું કરી શકે? હું એના વગર જીવતી મૂએલી છું. મને માફ કરજો, રાજેશ! હું દીદીનાં પરિવારને સંભાળી શકું એમ નથી!"

"આશા, તું એક ડોક્ટર છે, ને ડોક્ટરે તો કઠણ ર્હદય રાખીને વર્તવું પડે. તું જો સાવ જ પાણીમાં બેસી જાય તો તારો ડોક્ટરનો વ્યવસાય પણ તું કેવી રીતે કરીશ?" રાજેશે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

આશાએ નકારમાં માથું ધુણાવ્યું, "રાજેશ! મારે ડોક્ટરનો વ્યવસાય પણ નથી કરવો. ડોક્ટર હોવા છતાં મારી પ્યારી યશુને હું બચાવી ન શકી! મારી જગ્યાએ કોઇ બીજી સ્ત્રી ડોક્ટરને રાખી લેશો તો તમારો આભાર, રાજેશ! મને તો હવે આ સંસાર જ અસાર દીસે છે."

બંસરી પોતાની મમ્મીની હાલત જોઇને તેની પાસે આવીને કહેવા લાગી, "મમ્મી, હું જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી હતી ત્યારે યશુમમ્માએ મારા માથે હાથ મૂકીને શું કહ્યું’તું તે તું ભૂલી ગઈ?"

"'મારી સીતામા તારી રક્ષા કરે છે; આખી રાત માને મેં પ્રાર્થના કરી છે કે મારું આયુષ્ય લઈ લે, ને બદલામાં મારી વહાલી બંસરીને આપી દે! એને સાજી કરી દે. બેટા, મા બહુ દયાળુ છે. મારામાં વિશ્વાસ રાખ, તને ઊની આંચ નહીં આવવા દઊ.' આવું કહ્યું’તું ને?"

"આવી શ્રધ્ધાવાન અને પ્રેમના અખૂટ ભંડાર સમી યશુમમ્માની જીગરી દોસ્ત થઈને પણ તને સંસાર અસાર લાગે છે? પપ્પાની વાત માન અને યશુમમ્માને યાદ રાખીને એમના જેવી હિંમત ધારણ કર; સાવ પાણીમાં ના બેસ!"

રાજેશે પણ દીકરીની વાતને ટેકો આપ્યો, "બંસરી સાચુંજ કહે છે, આશા! તું કહે છે એમ યશુદીદી સાક્ષાત દેવી જ હતી તોયે તું તો તેની પ્રિય દોસ્ત થઈને આવી નાદાન વાત કરે? ઊભી થા. હિંમત બતાવ. પછી જો ઇશ્વર પણ તને સાથ આપશે."

"આમ સોનુ તરફ જો, એ બિચારો કેવી લાચારી અનુભવી રહ્યો છે! તું એની પાસે જા અને એને હિંમત આપ. જલ્દી જા એને તારી હૂંફની જરૂર છે."

આશાએ યશુદીદીનાં વહાલસોયા સોનુ તરફ નજર કરી. એ ટૂંટિયું વાળીને દયામણા મોંએ શૂન્યમનસ્ક થઈને બેઠો હતો. આશા સોનુની લગોલગ જઈને બેઠી. 

સોનુનું માથુ પોતાના ખભે રાખીને આશા બોલી, "સોનુ દીકરા! આજથી તું મને તારી મમ્મી જ સમજજે. તારા ઉપર જ મારી હિંમતનો આધાર છે."

"તું જો મારામાં યશુમમ્મીને જોઇશ તો અને તોજ, મારામાં યશુમમ્મી પ્રગટ થશે. એ સિવાય હું યશુ બની શકું એમ નથી, ને યશુ બન્યા સિવાય આ ઘરપરિવાર સંભાળી શકાય એમ પણ નથી."

આશાનું વહાલ જોઇને સોનુમાં ચેતન આવ્યું. એણે માથુ ઊંચું કરીને આશા સામે જોઇને કહ્યું, "હા હવેથી તમે જ મારી મમ્મી! પણ મારી મમ્મા મને કાયમ યાદ રહેશે; એનાં અગણિત ઉપકારોને હું ભૂલું તો મારા જેવો નફ્ફટ કોણ હોય?"

"આજથી તમે જરૂર મમ્મી છો, પણ, શું તમે મારી મમ્મીને ભૂલી શકો? એની હાજરી હોય તો લુખ્ખું અન્ન પણ ભાવે અને એની ગેરહાજરીમાં મીઠાં પકવાન પણ કડવાં લાગે!" એમ કહેતાંકને સોનુ હિબકે ચડ્યો. 

ફરી આશાએ સોનુને ગળે વળગાડ્યો ને બોલી, "હુંયે સમજું છું, પણ દિલ પર હવે પત્થર મૂકીને જીવવું તો પડશે, દીકરા! મારી ઉપર મમ્મી જેવોજ વિશ્વાસ રાખજે બેટા. તું મને હૈયાધારણ આપ તો મારામાં મમ્મી જેવી હિંમત આવે. મારામાં પ્રાણ હશે ત્યાં લગી હું તમને કોઇને કોઇ મૂશ્કેલી નહીં આવવા દઉં."

સોનુએ રડતા અવાજે કહ્યું, "મમ્મીને તમારી ઉપર પણ બહુજ વહાલ હતુંને? એટલે એની જગ્યાએ હવે તમે જ અમારું સર્વસ્વ છો. હું તમને યશુમમ્મી જ માનીશ. તમે ક્યારેય અમને અળગા નહીં કરતાં."

"એ શું બોલ્યો, બેટા? તમને અળગા કરું તો મારું જ અસ્તિત્વ રહી શકે એમ નથી! પણ, તું મને તમે શું કામ કહે છે? તું યશુમમ્મીને ક્યારેય તમે કહેતો’તો?" આશાએ સ્નેહથી પૂછ્યું.

"મને તુંકારાથી સંબોધવાનો તને એ ક્ષણે જ અધિકાર મળી જાય છે, જે ક્ષણે તું મને મમ્મી કહે છે." સોનુ અત્યંત ગળગળો થઈને મમ્મીને ભેટી પડ્યો.

સોનુની યશુમમ્મી બનેલી આશા તરત જ ગોપુ અને મોનિકા પાસે જઈને એ બન્નેનાં માથે વહાલથી હાથ ફેરવે છે અને હૈયાધારણ આપે છે કે હવેથી તેઓ માટે પણ આશા યશુમમ્મી જ છે. 

આશામાં ધીમેધીમે પરિસ્થિતિ સંભાળી લેવાની હિંમત આવતી જોઇને રાજેશે કહ્યું, "આશા, સુમિતકુમારનું દુ:ખ પણ હળવું કર."

રાજેશના સૂચનને ધ્યાને લઈને આશાએ ગૌરીને પાસે બોલાવી અને કહ્યું, "જો દીકરી, તને જોઇને જ મને અમારાં કોલેજનાં દિવસો યાદ આવે છે."

"એ વખતે યશુમમ્મીનું જે રૂપ હતું, જે નિખાર હતો તેવું જ રૂપ અને નિખાર તારામાં જોવા મળે છે. એટલે, તું પપ્પા પાસે જા અને પપ્પાનું દુ:ખ તું જ હળવું કરી શકીશ."

સુમિતનું આક્રંદ સમજી શકાતું હતું. યશુના મૃત્યુનો આ કારમો આઘાત જીરવવો મૂશ્કેલ હતો. યશુનું વ્યક્તિત્વ જ અનેરું હતું; એ માત્ર ઘરનાં સભ્યોનાં જ દિલમાં નહીં, તે સિવાય પણ કેટકેટલાંય લોકોનાં દિલોમાં વસતી હતી. 

પપ્પા-સુમિતનું રૂદન સાંભળીને મમ્મી-યશુની જ પ્રતિકૃતિ સમાન એની લાડકવાયી દીકરી ગૌરી એનાં પપ્પા પાસે દોડી ગઈ. એને બન્ને હાથે વળગીને બોલી, "હવે રડશો મા. બહુ થઈ ગયું, પપ્પા! હું છું ને!" 

ગૌરી પપ્પાના વાંસે બાળકને પંપાળતી હોય તેમ હાથ ફેરવવા લાગી. સુમિત જાણે કે યશુ પોતે પંપાળી રહી હોય એવો અનુભવ કરતાંકરતાં શાંત થયો. 

ધીરેધીરે એ નિંદ્રાધીન થઈને યશુનાં મૃત્યુની વસમી વાસ્તવિકતાને વિસારે પાડીને સ્વપ્નની દુનિયામાં જઈને, યશુ જાણે જીવતી હોય તેમ એનાં સ્નેહભર્યા સહવાસની સરવાણીમાં સરી પડ્યો.

સમય જતાં સુમિતને યશુનાં સહવાસનાં મીઠાં સ્વપ્નાઓનો દોર પૂરો થયો અને યશુનાં મૃત્યુની વાસ્તવિકતા સ્વપ્નોમાં પણ સમજાતી થઈ. 

હવે સૂતી વખતે યશુનાં સંસ્મરણો વાગોળતાં જ્યારે નીંદર આવવા માંડી ત્યારે દેખાતાં સ્વપ્નમાં પણ યશુનાં વિરહની વેદનાથી સુમિત દુ:ખી થવા લાગ્યો. 

એક રાતે સુમિત ભરઊંઘમાં રડવા માંડ્યો ત્યારે યશુ સ્વપ્નામાં પ્રગટ થઇ અને કહેવા લાગી, "સુમિત! ક્યાંસુધી રડ્યા કરીશ, સુમિત? તું મારામાં આટલો બધો આસક્ત શા માટે થયો છે? એકદિવસ દરેકે મરવાનું છે તે નરી વાસ્તવિકતા શા માટે તું સ્વીકારતો નથી?"

સુમિતે વિલાપ કરતા કહ્યું, "એવું નથી, યશુ. એ સાચું છે કે એક દિવસ દરેકને મરવાનું જ છે, પણ તારા મરવાના દુ:ખને હું જીરવી શક્તો નથી, એ પણ એટલું જ સાચું છે."

યશુએ પ્રેમથી સમજાવ્યો, "એ દુ:ખ પણ તારે જીરવવું જ પડશે, સુમિત! મારા રામજીનાં શરણે જા અને સાચા દિલથી પ્રાર્થના કર કે મારા વિયોગનું દુ:ખ સહન કરવાની તને શક્તિ આપે. રામજી બહુ દયાળુ છે એ તને જરૂર શક્તિ આપશે."

સુમિતે હસતાં આસું લૂછ્યા, "તું કહે એમ હું કરીશ, પણ તું રામજીને કહે કે મારા સુમિતને હવે જલ્દી મારી પાસે લાવો."

અટ્ટહાસ્ય કરતાં યશુ બોલી, "ના... સુમિત, ઇશ્વરને એવી પ્રાર્થના ન કરાય. પ્રકૃતિનાં નિયમોનો ભંગ ઇશ્વર પણ નથી કરતાં, તોપછી આપણાંથી પણ પ્રકૃતિનાં નિયમોનો ભંગ ન કરાય."

"જેમ રાત ને દિવસ થાય છે તેમ જીવનમાં પણ સુખદુ:ખ આવ્યાં કરે. સુખમાં જે છકી ન જાય અને દુ:ખમાં જે વ્યાકુળ ન થાય તે જ સાચો સાધક છે. તું પણ સાચો સાધક થા."

"મને જે પ્રેમ કરે છે એવો પ્રેમ દરેકને કરતો થા. જીંદગી હસતા મોંએ જીવવા માટે છે. જ્યાંસુધી જીવન છે ત્યાંસુધી મૃત્યુની માંગણી ન કરાય અને જ્યારે મૃત્યુ આવે ત્યારે હસતા મોંએ એનું સ્વાગત કરાય."

"બસ, આટલું યાદ રાખીને શેષ જીવન પૂરું કર. હું તારી રાહ જોઇશ; મારા રામજીની કૃપાથી હું ત્યાંસુધી બીજો જન્મ નહીં લઊં. બીજા જન્મમાં પણ આપણું મિલન થવાનું છે. મારામાં અને મારા રામજીમાં વિશ્વાસ રાખ."

આટલું બોલીને યશુ અદ્રશ્ય થઈ ગઈ અને સ્વપ્ન પરોઢિયે પૂરું થયું ત્યારે સુમિત પણ જાગી ગયો હતો. સુમિત પર આ સ્વપ્નની ઘેરી અસર પડી અને એ દિવસથી જ એણે યશુ પર વિશ્વાસ રાખીને વિરહને વિસારે પાડી દઈ ચેનપૂર્વક રહેવા લાગ્યો.

યશુનાં મૃત્યુને આશરે બે મહિના જેટલો સમય થયો હશે, ને એકાએક સાવ અજાણ્યાં માણસો સુમિતના ઘરે આવવા લાગ્યાં. યશુનાં મૃત્યુની જાણ જે જે લોકોને મોડી થઈ હતી તે તે લોકો આવીને યશુને યાદ કરીને કલ્પાંત કરવા લાગ્યાં. 

આ સાવ અજાણ્યાં લોકો પણ એક યા બીજી રીતે યશુનાં ઋણી હતાં જે અંગે સુમિત પણ અજાણ હતો! 

સુમિત મનોમન કહેવા લાગ્યો, "યશુ! તું ક્યાંક્યાં સુધી વ્યાપ્ત છે તે મારી સમજની પણ બહાર છે! તું ક્યારે આ બધાંનાં નાનાંમોટાં કામોમાં સહભાગી રહી હોઇશ?"

"તું ખરેખર અગણિત લોકોનાં દિલોમાં વસેલી છે. તારી પાસે પ્રેમ રૂપી જે સમૃધ્ધિ હતી તેની આગળ અમે તો સાવ જ કંગાળ ગણાઇએ."

"મારી પાસે આજે સુખ કહી શકાય એવી તમામ ચીજવસ્તુઓ ને સગાંસંબંધીઓનો કોઇ પાર નથી, તેમ છતાં તારા વગર હું અત્યંત ગરીબ બની ગયો છું; મારું, આપણાં પરિવારનું સુખ જ તું હતી, યશુ!"

"તારી હાજરી પૂર્ણિમાનાં ચંદ્ર સમાન હતી; તારી ગેરહાજરીથી જાણે કે અમાસનો અંધકાર છવાઇ ગયો હોય તેવું લાગે છે."

"સ્વપ્નમાં તેં આપેલાં વચન ઉપર વિશ્વાસ મૂકીને જ હવે પછીનાં જન્મમાં તું મને ફરી મળવાની છે એ આશાએ મારું શેષ જીવન આનંદમાં વીતાવી દઈશ, જેથી તારો આત્મા પણ પ્રસન્ન રહે."

આશાએ યશુનાં નામે નવું મેટરનિટી હોમ - "યશુ મેટરનિટી હોમ" શરૂ કર્યું. અર્જુને કેજીથી શરૂ કરીને હાયર સેકન્ડરી સુધી "યશુ વિધ્યાલય" ની સ્થાપના કરી ને આશાનાં હસ્તે એનું ઉદ્ઘાટન કર્યું. 

બહાદુરસિંહે યશુની પ્રથમ પૂણ્યતિથિએ એને સાચી શ્રધ્ધાંજલિ અર્પવા સમાજનાં અગ્રગણ્ય નાગરિકોના સહયોગથી અને સુમિતનાં હસ્તે "વ્યસનમુક્તિ કેંદ્ર" શરૂ કર્યું ને સમાજમાંથી દારૂ અને અન્ય નશીલી દવાઓનાં વ્યસનીઓને તેમાંથી મુક્ત કરવાનો સંકલ્પ લઈને એક ઝૂંબેશ આદરી.

સોનુ, ગોપુ ને અર્જુને મળીને યશુની પાછળ એક ટ્રસ્ટ બનાવી, એનાં નેજાહેઠળ એક આદર્શ અનાથાશ્રમ બનાવીને એને "યશુ બાળગૃહ" એવું નામ આપ્યું. 

અનાથાશ્રમના દરવાજા પર ગોઠવેલાં બોર્ડ પર ગુજરાતીમાં "યશુ બાળગૃહ" અને અંગ્રેજીમાં "Yashu's Children Home" એવાં મોટાં અને ઘાટાં શબ્દો કોતરાવેલા હતા.

સાથેસાથે યશુ બેય હાથ પહોળાં રાખીને દૂર ઊભેલા કોઇ બાળકને વહાલપૂર્વક આવકારી રહી હોય એવું એક મોટું પોસ્ટર પણ મૂકાવ્યું; એની નીચે લખાણ હતું, "આવ મારા લાડકવાયા! તારીજ રાહ જોઉં છું."

મહોલ્લામાં યશુને સૌ દેવી ગણતાં હતાં તેથી મહોલ્લાનાં લોકોએ પણ મહાનગરપાલિકાની મંજૂરી લઈને ચોકની મધ્યમાં યશુનાં સ્મરણાર્થે આરસમાં કંડારેલી એની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. 

પ્રતિમાની નીચે સોનેરી અક્ષરે લખાણ કોતરાવેલું હતું, "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ."


સમાપ્ત 
                 
લેખક: ભૂપેશ પંડ્યા, નિવૃત્ત ઉપ સચિવ, ગુજરાત સરકાર. (મો.)  ૯૭૧૪૪ ૧૦૯૪૭ — આ નવલકથા વિશે તમારા અભિપ્રાય આ નંબર પર મોકલી શકો છો (લેખકની વ્યસ્તતાને ધ્યાનમાં રાખી માત્ર મેસેજ કરવો)

_______________આવકાર ઓનર તરફથી👇
"પ્રેમ, ત્યાગ, વચનબદ્ધતા અને અજોડ મિત્રતાના તાણાવાણાથી ગૂંથાયેલી એક આદર્શ સ્ત્રી 'યશુ'ના સમર્પણની ભાવસભર નવલકથા આપ બધાએ રસપૂર્વક માણી એ બદલ આવકાર ટીમ આપનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે, હવે ફરી મળીએ છીએ એક નવી નવલકથા સાથે – આભાર સહ .. હરેકૃષ્ણ"

– આવકાર ટીમ
+91 7878222218 (વોટસએપ, ટેલીગ્રામ અથવા ટેક્સ્ટ મેસેજ) કોઈ પ્રતિસાદ ના મળે તો ઇમેઇલ: avakargrp@gmail.com પર આપનો મેસેજ છોડી શકો છો. –આભાર ધન્યવાદ.

નવલકથા "મમતાની દેવી- ન ભૂતો ન ભવિષ્યતિ" અનુક્રમણિકા જોવા માટે :☞  અહીં ક્લિક કરો

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."