ઈન્જેક્શન
++++++++++++++
દવાનો દુકાનદાર બોલ્યો ,” ૮૪૦ રૂપિયા “, “ હેં” બોલી રમણીક આશ્ચર્ય સાથે દુકાનદાર સામે ઘડીક જોઈ રહ્યા. હાથને શર્ટના ખિસ્સાંમાં મૂક્યો, જો કે તે જાણતા જ હતા કે ૮૦૦ જેટલા રૂપિયા તો તેમના ખિસ્સામાંથી નહીં જ નીકળે, છતાં તેમણે ટેરવાના સ્પર્શથી અડી, નોટોને બહાર કાઢી અને ગણી લીધા. પૂરા ૬૪૦ રૂપિયા. તે મનમાં મુંજાયા. બંને ઈજેક્શન લેવા જરૂરી હતા.
ઈન્જેક્શન
તેમની પત્ની મધુને થયેલા ઇન્ફેકશન માટે એક ઇન્જેક્શન અત્યારે તો બીજો વહેલી સવારે આપવામાં આવે તો જ સુધાર લાવી શકાય તેવું ડોકટરે કહ્યું હતું. વ્યાકુળતા ઘેરી વળી. તેમણે ફરી એકવાર રૂપિયા ગણી લીધા. પૂરા ૬૪૦. ઊંડો શ્વાસ ભર્યો અને દુકાનદાર સામે જોઈ બોલ્યો ,” હું એકના રૂપિયા કાલે આપી જાઉં તો ચાલે ?”દુકાનદારે તેમની સામે જોયું અને બોલ્યો “તો તમે એક જ ઈન્જેકશન કિટ અત્યારે લઈ જાવ. “દુકાનદારે ઇન્જેક્શનના રૂપિયા લઈ અને એક ઇન્જેક્શન કીટ તેમને આપી.
હાથમાં બેગ લેતા તેમનો ચહેરો પડી ગયો. કરચલીવાળા હાથ ધ્રૂજી ઊઠ્યાં,તેમણે હળવેકથી પ્રિસ્ક્રીપશન સ્ટેન્ડ પરથી પોતા તરફ ખેંચ્યું. તેના પર લખેલી દવાનું નામ વાંચી બાજુમાં ઉભેલા એક યુવાને તેમની સામે જોયું અને બોલ્યો ,” કાકા,આ દવા તો સરકારી દવાખાનામાં જરૂરીયાતવાળા દર્દીઓને મફત મળે છે. આપ ત્યાંથી લઈ શકો છે “ યુવાનના શબ્દો સાંભળતા તેમણે નજર ઉંચી કરી. ઘડીક તેમની સામે જોઈ રહ્યા અને પછી ચાલતા થયા. થોડા પગલા ચાલ્યા, પછી અટક્યા, પાછું વળીને જોયું અને મનોમન બોલ્યા “સરકાર તો આપે છે ,પણ..! શ્વાસ ઊંડે સુધી ખેંચ્યો અને આગળ પગ ભર્યા.
ધીમા ડગ ભરતા તે સરકારી હોસ્પિટલના વિશાળ મેદાનમાં આવ્યા. સાંજ આથમી ગઈ હતી. રાતનું આછું અંધારું ખૂણે ખાંચે લપાઈ બેઠું હતું .લાઈટનો પ્રકાશ ઝળહળ થતો હતો. ધીમી ચાલ સાથે તે હોસ્પિટલની બિલ્ડીંગમાં પ્રવેશ્યા. રિસેપ્શન પર હાજર નર્સને ઇન્જેક્શન કિટ આપી અને ૮ નંબરના બેડ પરના પેશન્ટને આપી દેવા કહ્યું.
નર્સે ફાઈલ ખોલી અને તરત બોલી ,”
કાકા, બીજું ઈન્જેકશન” જવાબમાં તે તેણી સામે જોઈ રહ્યા, બે –ત્રણ ઊંડા શ્વાસ લીધા અને બોલ્યા,” સવાર સુધી હું લઈ આવીશ. “જનરલ વોર્ડે તરફ આગળ વધ્યા અને વોર્ડની સામે મૂકેલા લાકડાના બાંકડા પર હાથની થંભીએ થાક ઉતારતા બેઠા. ખુલ્લા દરવાજાને સ્પર્શી સુરેખ નજર મધુના પલંગ પર પડી. દવાઓની અસરથી નિદ્રામાં નિશ્ચિત થઈ સુઈ રહેલી તેને જોતા જોતા મનોમન બોલ્યો,” તારી ચિંતા છે મને.. , ..” અને વિચારને આવતા અટકાવ્યો, પણ ફરી એ જ વિચાર આવી ઉભો રહ્યો “પણ જો કાલે ઇન્જ્ક્શેન નહી મળે તો..? વિચારોએ ધુમરડી મારી. કોની પાસેથી રૂપિયા ઉછીના લેવા ? કોઈ આપશે ખરું ? જવાબ તે જાણતા હતા. માથું નકારમાં ફેરવ્યું અને ભોંયતળિયા તરફ જોઈ રહ્યા.
આજથી પાંત્રીસ વર્ષ પહેલા સરકારી દવાખાનામાં દવાના સ્ટોરના સ્ટોરકીપર તરીકે રમણીકનો અલગ રૂઆબ. દવાનો સ્ટોક આવે એટલે બે ભાગમાં વિભાજીત થઈ જાય. ૫૦ ટકા દવા બરોબાર દવાની દુકાને પહોંચી જાય. દવાના વેચાણથી આવતો રૂપિયો તેમણે પોતાના બંને દીકરાના મોજશોખમાં ખર્ચ્યા હતા. પરંતુ રૂપિયાની એક તાસીર તો હોય છે! મોજશોખમાં ઉછેરેલા બન્ને દીકરા મોટા થયા, સેટ થયા કે થોડા જ વર્ષો પછી વૃદ્ધ મા-બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને તેમની સંપત્તિ પણ પોતાના નામે કરી લીધી.
છેલ્લા પાંચ વર્ષથી રમણીક ફેક્ટરીમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા અને બંનેજણા જીવન પસાર કરતાં હતા, પણ અચાનક તેમના જીવનમાં ઉપાધી આવી પડી. મધુના શરીરમાં જીણો જીણો તાવ રહેવા લાગ્યો. મહિના સુધી દવા લીધા પછી પણ મધુની તબિયતમાં સુધારો થયો નહીં. ડોકટરે કેટલાક રીપોર્ટ કરાવવાનું કહ્યું. રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેકશન હોવાનું નિદાન આવ્યું. ડોકટરે હોસ્પીટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી અને છેલ્લા આઠ દિવસ થયા મધુ હોસ્પિટલમાં દાખલ હતી.
કેટલીએ દવાઓ તેના શરીરને સાજૂ કરવામાં કામે લગાડવામાં આવી હતી. એકાદ બે દવા સિવાય બાકી દવાઓ તો સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ જ ન હતી અને તેનું કારણ પણ તે સારી રીતે જાણતા હતા. બહારથી વેંચાતી લેવી પડતી મોંઘી દવાના ખર્ચમાં તેમના પાસે રહેલા રૂપિયા વપરાઈ ગયા હતા.એકાદ –બે મિત્રો પાસે લીધેલા ઊછીના રૂપિયા પણ પૂરા થઇ ગયા હતા અને છેલ્લે ૬૪૦ રૂપિયા બચ્યા હતા. ઈન્જેકશન કિટ ખરીદ્યા પછી હવે તેમના ખિસ્સામાં ૨૨૦ રૂપિયા બાકી રહ્યા હતા. કોઈ ઉધાર આપે તેવું પણ ન હતું, બચેલાં રૂપિયામાંથી ઈજેક્શન કીટ ખરીદી શકાય તેમ પણ ન હતી. મધુ માટે દવા જરૂરી હતી, પણ હવે શું કરવું તેને સમજાઈ રહ્યું ન હતું !. પોતાની લાચારીને મુઠ્ઠીમાં બાંધી તેના કારણે વર્ષો પહેલા લોકોએ અનુભવેલી લાચારી, વ્યથા, વ્યાકુળતા, પીડાને જાણે તે અત્યારે અનુભવી રહ્યા હતા. મનોમન જાતને ધિક્કારી રહ્યા હતા.
કેટલીએ વાર ચૂપચાપ બેસી રહ્યા પછી તેમણે મુઠ્ઠી ખોલી બંને હાથ જોડ્યા અને આંખો બંધ કરી. મનોમન આરાધના કરતાં બોલ્યા,” હે મા જગદંબા, મધુ મારી હરામની કમાઈથી હમેશાં દુર જ રહેતી હતી. મને સમજાવા ઘણા પ્રયત્નો કર્યા છે, પણ..” નકારમાં ડોકું ધુણાવ્યું,” મા તું એને સાજી કરી દે, જે સજા દેવી હોય તે મને દે “બોલતા તેમનું મન ભરાઈ આવ્યું.
ઘડીક તે આંખો બંધ કરી બેઠા રહ્યા કે, તેમના ખભા પર હાથનો સ્પર્શ થયો. તેમણે આંખો ખોલી, ઉપર જોયું. દવાની દુકાન પર પાસે ઉભેલો યુવાન તેમની સામે ઉભો હતો. હાથમાં રહેલી ઈજેક્શનની કીટ સામે ધરી અને બોલ્યો,” હું ડોક્ટર સુમિત રાય, આ હોસ્પિટલમાં જનરલ મેડીસીન ડોક્ટર છું. રમણીકે કિટ તેના હાથમાંથી લીધી અને હાથ જોડ્યા. જવાબમાં ડોકટર સુમિતે સ્મિત કર્યું અને ચાલતો થયો. રમણીકની આભારવશ નજર તેને જતા જોઈ રહી.
– લેખિકા-પલ્લવી શેઠ
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories