દાળ ઢોકળી (Daal Dhokli)

Related

દાળ ઢોકળી .."
******************
સચિન દુબે વહેલી સવારે પાંચ વાગે ઉઠી જતો. મુંબઈની લાઈફ સ્ટાઈલ જ એવી હતી. અને એ તો પાછો ભૂલેશ્વર ના એક માળામાં રહેતો. સવારના દરેક નિત્યક્રમમાં લાઈન લાગતી. એ તો સારું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી ઘરમાં નાહવા ધોવાની સગવડ હતી. નળ પણ રૂમમાં લઇ લીધો હતો એટલે એ બાબતની થોડી શાંતિ હતી.


AVAKARNEWS
દાળ ઢોકળી - Daal Dhokli

માળાની દસ બાય દસની ઓરડીમાં સચિનની જિંદગી સમેટાઇ હતી. બસ એ જ નિત્યક્રમ. સવારે પાંચ વાગ્યે ઊઠી જવું રાત્રે બાર વાગ્યે સૂઈ જવું. પોતે એકલો જ હતો એટલે રસોઈ પણ એણે જાતે જ બનાવવી પડતી. બટેટા અને ડુંગળી એ કાયમ ઘરમાં જ રાખતો.

કપડાં વાસણ વગેરે કામકાજ પતાવી ટિફિન લઈને તે સવારે આઠ વાગ્યે ઘરેથી ચાલતો જ નીકળી જતો. રસ્તામાં માધવબાગ માં લક્ષ્મીનારાયણનાં દર્શન ખાસ કરતો. ત્યાંથી ઠાકુરદ્વાર રોડ પકડી એ ચર્ની રોડ મોતી શેઠના ગેરેજ માં પહોંચી જતો. છેલ્લા 20 વર્ષથી એ આ ગેરેજમાં કાર મિકેનિક હતો.

સચિનનું મૂળ વતન તો વારાણસી હતું પણ એનો જન્મ તો ભુલેશ્વર માં જ થયેલો. 30 વર્ષની ઉંમર થવા આવી હતી. પોતે દેખાવમાં એકદમ હેન્ડસમ હતો છતાં એના લગ્ન થયા નહોતા. પ્રાઇવેટ નોકરી માં પગાર ખૂબ જ ઓછો હતો અને પાછી દસ બાય દસની ઓરડી !! કોણ કન્યા આપે ?

માળામાં પણ એને માત્ર બે-ત્રણ ઘર સાથે જ બોલવા ચાલવાનો થોડો સંબંધ હતો. બાકી તો એ ભલો અને એને નોકરી ભલી. એની બાજુની ઓરડીમાં રહેતા મનોજભાઈ અને કંચનબેન સાથે એને વધારે ઘરોબો હતો. ત્રણ ઓરડી છોડીને ચોથી ઓરડીમાં રહેતી જલ્પા એના તરફ આકર્ષાયેલી હતી. પણ એ સચિન સાથે માળામાં હોય ત્યારે બિલકુલ વાત નહોતી કરતી.

ક્યારેક ઘરમાં હાંડવો ઢોકળાં ભજીયાં કે થેપલાં બનાવ્યા હોય ત્યારે પેપરમાં પેક કરીને જ્યારે સચિન ઘરે હોય ત્યારે ચૂપચાપ એના રૂમમાં સરકાવીને એ આગળ નીકળી જતી.

દર રવિવારે જલ્પાના ઘરે દાળઢોકળી બનતી. રવિવારે સચિનને પણ રજા રહેતી. મારી ફ્રેન્ડને દાળઢોકળી આપી આવું કહીને એ ઘરેથી નીકળી જતી અને ડબ્બો કોઈ ના જુએ એમ સચિનના ઘરમાં સરકાવી દેતી. જમી લીધા પછી સચિન ડબ્બાને ધોઈને ખુલ્લા દરવાજા પાસે મૂકી દેતો. ચાલાકીથી જલ્પા એ ડબ્બો લઈ જતી.

સચિનના આવવાનો ટાઇમ એને ખબર હતો એટલે ક્યારેક તો એના આવવાના સમયે માળામાંથી બહાર આવી માધવ બાગ સર્કલ સુધી પહોંચી જતી .

" લો આજે હાંડવો બનાવ્યો છે. રાત્રે ખાઈ લેજો. રસોઈ હું જ બનાવું છું એટલે તમારા માટે આટલું અલગ છુપાવી દઉં છું. હવે બીજે ક્યાંક સારા પગારની નોકરી શોધો તો સારો રૂમ લઈ શકાય. અને ક્યાં સુધી આ રીતે કુંવારી જિંદગી વિતાવશો ? " જલ્પા કહેતી.

" તારી લાગણી અને પ્રેમ હું સમજી શકું છું જલ્પા... છેલ્લાં ત્રણ ચાર વર્ષ થી તું મારી આટલી બધી કાળજી રાખે છે એ હું નથી જાણતો ? પણ મારા કારણે તું તકલીફમાં આવી જાય એવું હું નથી ઈચ્છતો... મને જમાડવા માટે તું આવું રિસ્ક ના લે. તારી સામે કોઈ આંગળી ચીંધે એ મને પસંદ નથી." સચિન કહેતો.

" અને રૂમ લેવાનું કામ એટલું સરળ નથી જલ્પા. બહુ જ પાઘડી વધી ગઈ છે. હા, સારી નોકરી માટે મારી કોશિશ ચાલુ જ છે જેથી પગાર વધી શકે. બાકી મારી નાનકડી બચતમાંથી મોટી રૂમ લેવાનું હું અત્યારે તો વિચારી પણ ના શકું " સચિને જવાબ આપ્યો.

" હું જાણું છું એટલે જ ચૂપ બેઠી છું. મારા પપ્પા પણ હવે છોકરાઓ જોવાનું ચાલુ કરવાના છે. મને પણ ૨૬ થયાં. ખબર નહીં કેમ પણ હું તમને છોડીને બીજા કોઈની સાથે લગ્ન કરવા માગતી જ નથી. જલ્દી કંઈક રસ્તો કાઢો સચિન !! " કહીને જલ્પાએ લાગણી થી સચિનનો હાથ પકડી લીધો.

જલ્પા ગુજરાતી પરિવારની હતી. એના પપ્પા નટવરલાલ આમ તો સૌરાષ્ટ્રના ઔદિચ્ય બ્રાહ્મણ હતા પણ ઘરમાં જ દરજીકામ નો ધંધો કરતા. અને માળાની સ્ત્રીઓ એમની પાસે જ બ્લાઉઝ અને ડ્રેસ શિવડાવતી. એ ખરેખર તો બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ હતા.

બીજા એક વર્ષ સુધી આવો જ ઘટના ક્રમ ચાલતો રહ્યો. સચિનને ના તો બીજે ક્યાંય વધારે પગારની નોકરી મળી કે ના પોતે બીજો કોઈ રુમ લઇ શક્યો !!

પણ નસીબના ખેલ અજબ હોય છે. અચાનક એક દિવસ રજીસ્ટર ટપાલથી એક સરકારી કવર સચિનને મળ્યું. સચિનને આ ટપાલ મળ્યાના ૧૫ દિવસમાં વારાણસી કલેકટરનો સંપર્ક કરવાનું સૂચન હતું.

વારાણસી પોતાના બાપદાદાનું ગામ હતું. પણ વારાણસી કલેકટર કેમ બોલાવતા હતા એ સચિનને સમજાતું નહોતું. એ રાત્રે એ મનોજભાઈની રૂમમાં ગયો અને હિન્દીમાં ટાઈપ કરેલો પેલો સરકારી લેટર એમને બતાવ્યો. મનોજભાઈ એજ્યુકેટેડ હતા અને એક કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્ક હતા.

" મનોજભાઈ વારાણસીથી આ સરકારી લેટર આવેલો છે. મને કેમ બોલાવે છે એ સમજાતું નથી. તમે જો મારી સાથે આવો તો જવા આવવાની ટિકિટની વ્યવસ્થા હું કરું. કારણકે આ બધી બાબતોમાં મને કંઈ ખબર પડતી નથી." સચિન બોલ્યો.

" વારાણસીમાં મારા દાદાનું ઘર છે પણ વર્ષોથી બંધ પડેલું છે. એટલે આપણે હોટલમાં રહીશું. પ્લીઝ તમે મારું આટલું કામ કરી આપો. મને આ બધી સરકારી બાબતોમાં કંઈ ખબર નહીં પડે." સચિને કહ્યું.

કંચનબેને પણ સચિનની વાત સાંભળી. એમણે પણ મનોજભાઇને સમજાવ્યા એટલે એ તૈયાર થયા. અઠવાડિયા પછીનું રિઝર્વેશન મળી ગયું અને બંને વારાણસી પહોંચી ગયા.

" સાહેબ તમારો આ લેટર મારા મુંબઈના એડ્રેસ ઉપર આવેલો છે અને મારે તમને મળી જવું એવી સૂચના એમાં છે એટલે આજે સવારે જ હું વારાણસી આવ્યો છું " સચિન કલેક્ટર સામે જોઈને બોલ્યો.

કલેકટરે લેટર ઉપર રેફેરેન્સ નંબર જોઈને પ્યુન દ્વારા એક ફાઈલ મંગાવી અને ખોલી.

" જુઓ સચિનભાઈ તમારા દાદાની લગભગ બાર એકર ખેતીની જમીન વારાણસી અને ભદોહી વચ્ચે આવેલી છે. સરકારનો એ જમીન ઉપર હાઈવે બનાવવાનો પ્રોજેક્ટ છે. તમારી આ જમીન હાઈવે ઉપર આવતી હતી હોવાથી સરકાર એને ખરીદી રહી છે અને એના વળતર પેટે સરકાર તમને પૈસા આપે છે." કલેકટર બોલ્યા.

" જે લોકોની જમીન સંપાદન થઇ ગઇ છે એ તમામને અમે પૈસા ચૂકવી રહ્યા છીએ. તમારા દાદાએ વારસદાર તરીકે તમારું નામ લખ્યુ હોવાથી અમે તમારી ખૂબ શોધ કરી. છેવટે તમારા એક પાડોશી પાસેથી તમારું મુંબઈ નું એડ્રેસ અમને મળ્યું અને તમને આ પત્ર લખ્યો." કલેક્ટરે કહ્યું.

" તમારી જમીનની આકારણી થઈ ગઈ છે. અને જેટલી જમીન કપાતમાં જાય છે એની કિંમત હાલની જંત્રી પ્રમાણે સાત કરોડ રૂપિયા થાય છે. તમારે કેટલીક સરકારી ફોર્માલિટી કરવી પડશે. સામેના ટેબલ ઉપર જે મિશ્રાજી બેઠા છે તેમની પાસે જઈને ત્રણ ફોર્મ માં તમારે સહી કરવી પડશે. તમારો ફોન નંબર પણ એમાં લખી નાખજો જેથી ૭ કરોડનો ચેક તૈયાર થાય એટલે અમે તમને ફોન કરી દઈશું. તમારે રૂબરૂ આવીને કલેક્ટ કરવો પડશે. " કલેક્ટરે પોતાની વાત પૂરી કરી.

સચિન તો કલેકટરની વાત સાંભળીને લગભગ પાગલ જેવો જ થઈ ગયો. મનોજભાઈ પણ આ વાતથી ખુબ જ નવાઈ પામી ગયા હતા. સચિનને ખરેખર કરોડોની લોટરી લાગી હતી. એમણે સચિનના ખભે હાથ મૂક્યો. એને ઊભો કરી મિશ્રાના ટેબલ ઉપર ગયા અને બધી સરકારી વિધિ પતાવી. કેટલીક ઝેરોક્ષ કરાવવાની હતી એ પણ કરાવી લીધી અને મિશ્રાજીને આપી.

" સાહેબ મીઠું મોઢું તો કરાવો. તમે તો કરોડોપતિ બની ગયા." મિશ્રાજીએ કહ્યું.

" હા હા કેમ નહીં ? અને ચેક બને એટલો વહેલો તૈયાર કરાવજો. તમારું સમજી લઈશું" મનોજભાઈ બોલ્યા અને ખિસ્સામાંથી ૨૦૦૦ ની નોટ કાઢી મિશ્રાના હાથમાં મૂકી.

કલેકટરનો આભાર માની બંને જણા હોટેલ પર પહોંચી ગયા. મનોજભાઈ ખુબ જ ખુશ હતા. પાડોશીના નાતે એમની પણ કેટલીક અપેક્ષાઓ હવે જોર કરવા લાગી.

રાતની ટ્રેનમાં બંને જણા મુંબઈ જવા નીકળી ગયા. સચિનનું તો મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું. એ કંઈ વિચારી જ નહોતો શકતો. આટલી બધી રકમ નું એ શુ કરશે ? એને તો એક કરોડમાં કેટલા મીંડા આવે એ પણ ખબર નહોતી પડતી.

આખો દિવસ બગડેલી ગાડીઓ સાથે એની જિંદગી આગળ વધતી.ચાર ચોપડી ભણેલો. પપ્પા મિકેનિક હતા એટલે છોકરાને પણ નાનપણથી જ મોતી શેઠના ગેરેજમાં વળગાડી દીધેલો. મમ્મી તો નાનપણમાં જ ગુજરી ગયેલી. ત્રણ વર્ષ પહેલાં પપ્પાનું પણ અવસાન થયું. પોતાનું ધ્યાન રાખે એવી એકમાત્ર જલ્પા હતી પણ એક જ માળામાં રહેતી હોવાથી એ એનાથી દૂર જ રહેતો.

જલ્પાની યાદ આવતાં જ એની આંખોમાં ચમક આવી. બસ આ જ મોકો છે. આટલા વર્ષોથી એણે મારું આટલું ધ્યાન રાખ્યું છે. આ પૈસાનો વહીવટ પણ જલ્પાને જ સોંપી દઉં. આમ પણ એ ગ્રેજ્યુએટ થયેલી છે.

ભૂલેશ્વર પહોંચ્યા પછી બે-ત્રણ દિવસમાં તો આખા માળામાં સચિન હીરો બની ગયો. કંચનબેને બધે જ વાત ફેલાવી દીધી. બધા જ એને માનથી જોવા લાગ્યા. માળાની દરેક રૂમમાં એની જ ચર્ચા થવા લાગી. દરેકને પોત પોતાનો સ્વાર્થ હતો. બધાના ઘરેથી સચિનને એકવાર ચા પાણી પીવાનાં આમંત્રણ આવવા લાગ્યાં. સચિનની તો દુનિયા જ જાણે બદલાઈ ગઈ !!

માળામાં તો વળી એવી પણ વાત ઉડી કે સચિનભાઈ દરેકને ૧૦ ૧૦ લાખ આપીને આખો માળો ખરીદી લેવાના છે અને એને તોડીને કોઈ બિલ્ડર સાથે મળીને પાંચ માળના ફ્લેટ બનાવવાના છે. અને બધાને ફ્લેટ સસ્તા ભાવે આપશે.

હવે તો સચિનનું માન એટલું બધું વધી ગયું કે એ માળામાં ચાલતો હોય તો બધા એને અહોભાવથી જોતા અને એને જગ્યા આપવા માટે સાઈડમાં ખસી જતા. એને કોઈ વાતે હવે લાઈનમાં ઉભા રહેવું નહોતું પડતું.

અને એક સવારે જલ્પા પણ એના રૂમમાં આમંત્રણ આપવા આવી.

" પપ્પા તમને ચા પીવા બોલાવે છે. આજે તો પપ્પાના કહેવાથી હક થી આવી છું. તમે તો હવે બહુ મોટા માણસ થઈ ગયા. જલ્પા ની યાદ તો હવે ક્યાંથી આવે ? " જલ્પા બોલી.

" જલ્પા તારા વગર મારું પોતાનું કહી શકાય એવું કોણ છે આ માળામાં ? આજ સુધી મને કોઈ બોલાવતું પણ નહોતું. પૈસાનો જ આ બધો ખેલ છે એ હું સમજું છું. એક તું જ હતી જે મને મળવા ચાલીને છેક માધવ બાગ સર્કલ સુધી આવતી. મારામાં કોઈ જ ફરક નથી પડ્યો જલ્પા." સચિન બોલ્યો.

જલ્પાને સચિનની વાત સાંભળી લાગણીઓ ઉભરાઈ આવી અને એની આંખમાં પાણી આવી ગયાં કે મારો સચિન હજુ એનો એ જ છે.

સચિન જલ્પા સાથે એના રૂમમાં પહોંચી ગયો. સચિનને લાગ્યું કે પોતાના માટે ઘરમાં ઘણી તૈયારીઓ થઈ હતી.

" આવો આવો સચિનભાઈ... તમે તો હવે મોટા માણસ થઇ ગયા. તમારું તો કિસ્મત જ ખુલી ગયું. આટલા વર્ષોથી માળામાં રહો છો પણ ક્યારે પણ કોઈ તમારા વિશે ઘસાતું બોલ્યું નથી. તમારી આ ખાનદાની નો બદલો ઈશ્વરે તમને આપ્યો. " નટવરલાલ બોલ્યા.

જલ્પાના પપ્પા આજે સચિનના વખાણે ચડી ગયા હતા. આટલી બધી સરભરા કેમ થતી હતી એ એના મનમાં બેસતું નહોતું.

" હવે તમે સચીનભાઈ ને બેસવા તો દો. વાતો તો પછી પણ થશે. અને જલ્પા તું ઉભી શું રહી છે ? આટલા બધા નાસ્તા પ્રેમથી બનાવ્યા છે તો સચીનભાઈને જમાડ તો ખરી ? " સરલાબેન બોલ્યાં.

જલ્પાને પણ મમ્મી પપ્પાની આજની વાતો સમજાતી નહોતી. તેણે મમ્મી ના કહેવાથી જે પણ બે ત્રણ નાસ્તા ગરમ બનાવ્યા હતા એ બધા સચિન આગળ મુક્યા. સાથે ગરમ ચા નો કપ પણ મૂક્યો.

" તમારું જ ઘર સમજો સચિનભાઈ. એકલા જાતે રસોઈ બનાવો છો તો જમવામાં ભલીવાર પણ શું આવે ? ઘણીવાર હું જલ્પાને કહેતી કે કંઈક સારું બનાવ્યું હોય ત્યારે સચિનભાઈ ને જમવાનું કહેતી હોય તો !!" સરલાબેન બોલ્યાં.

" માસી... આજે જે પણ મને મળ્યું છે એ તમારા જેવા વડીલોના આશીર્વાદથી જ મળ્યું છે. તમારો આટલો પ્રેમ મારા ઉપર છે એ હું ક્યાં નથી જાણતો ? " કહીને સચિને જલ્પા સામે જોયું. થોડીવાર આડી અવળી વાતો કરીને સચિને વિદાય લીધી.

દસેક દિવસ પછી વારાણસીથી કોલ આવી ગયો કે ચેક તૈયાર છે. મનોજભાઈના કહેવાથી આ વખતે સચિન પહેલીવાર ફ્લાઈટમાં વારાણસી ગયો. પોતાના ખાતામાં દોઢ લાખ જેટલી બચત તો હતી જ. અને આ ખાતું પણ મનોજભાઈએ પોતે જ્યાં નોકરી કરતા હતા તે કો-ઓપરેટીવ બેંકમાં જ ખોલી આપેલું.

સાત કરોડ દસ લાખનો ચેક લઈને સચિન મુંબઈ પાછો આવ્યો ત્યારે એણે માળામાં રહેતાં દરેક વ્યક્તિને આઈસ્ક્રીમ ની પાર્ટી આપી.

મનોજભાઈએ બીજા દિવસે એ ચેક સચિન ના ખાતામાં ભરાવી દીધો અને એને એક નવી ચેકબુક પણ આપી દીધી. આટલી મોટી રકમનો ચેક જોઈને બેંકના મેનેજર સતીશ વાડેકર પણ મનોજભાઈ ઉપર ખુશ થઈ ગયા.

એ દિવસે મોડી રાત્રે નટવરલાલ અને સરલાબેન વચ્ચે ગુસપુસ ચાલતી હતી.

" હું તો કહું છું કે તમે મોકો જોઈને વાત કરી જ દો. આવી બાબતમાં જરાપણ વિલંબ ના કરાય. ઘણા મા-બાપો ટાંપી ને જ બેઠાં હશે. પેલા બીજા માળવાળા રંજનબેનની દીકરી પણ ૨૫ ની થઈ ગઈ છે અને રૂપાળી પણ એટલી જ છે. રંજનબેનને હું ઓળખું છું. આવો મુરતિયો હાથમાંથી જવા નહીં દે. સચિન યુપી નો ભલેને હોય પણ બ્રાહ્મણ તો છે જ ને ! અને હવે તો કરોડો રૂપિયા છે " સરલાબેન ધીમેથી કહી રહ્યાં હતાં.

" તારી વાત સાચી છે. કાલે જ લાગ જોઈને સચિનને આપણા ઘરે બોલાવું છું. આપણી જલ્પામાં પણ કંઈ કહેવાપણું નથી. તું જોજે ને ! એ ના નહીં પાડે " નટવરલાલ બોલ્યા.

બીજા દિવસે રવિવાર હતો એટલે સચિન ઘરે જ હતો. સવારે માધવબાગ જઈને લક્ષ્મીનારાયણનાં દર્શન કરી આવ્યો. આવીને ૯ વાગે જલ્પાના ઘરે પહોંચી ગયો. સચિનના આગમનથી નટવરલાલ અને સરલાબેન તો ઠીક પણ ખુદ જલ્પાને પણ નવાઈ લાગી.

" માસી ચા પીવા આવું ? " સચિન ગુજરાતી એટલું સરસ બોલતો હતો કે કોઈ માની જ ના શકે કે એ હિન્દી ભાષી હતો !

"આવ ને દીકરા તારું જ ઘર છે. બેટા જલ્પા સચિન માટે આદુ ફુદીનાવાળી સરસ ચા બનાવ અને સાથે ગરમ ઉપમા પણ બનાવી દે" સરલાબેન બોલ્યાં.

" ના ના માસી રહેવા દો.... ખાલી ચા ચાલશે. હું તો એક બીજા જ કામે આવ્યો છું." અને સચિને જલ્પા સામે જોયું.

" જલ્પા, મને તારી મદદની જરૂર છે. આ સાત કરોડ જે આવ્યા છે એનો વહીવટ મને ફાવે તેમ નથી. આ ચેક બુક તારી પાસે જ રાખ. મેં ૧૦ ચેકમાં તો એડવાન્સમાં સહી પણ કરી દીધી છે. હું સીધો સાદો માણસ છું. ક્યાં વાપરવા કેટલા વાપરવા એ બધું તારે જ નક્કી કરવાનું. હું તને ક્યારેય પણ એક સવાલ નહીં પૂછું. આ સાત કરોડ તારા જ છે એમ માનીને સારા કામોમાં વાપરજે. મને ક્યારેક જરૂર હશે તો તારી પાસેથી માગી લઈશ " સચિન બોલ્યો.

" અને તું જે આ બધો વહીવટ કરે એની સેવા પેટે ૧૦ લાખનો પહેલો ચેક મેં તારા નામનો લખી જ નાખ્યો છે. જે હું તને ગિફ્ટ આપું છું. તારું ખાતું ના હોય તો ખોલાવી દે. એ ૧૦ લાખ તું તારા અને તારા પરિવાર માટે વાપરી શકે છે. મેં ગેરેજમાં આ લોટરીની વાત પણ નથી કરી અને મારી નોકરી ચાલુ જ રાખવાનો છું. શ્રીમંતાઈ ના મને કોઈ જ ઓરતા નથી. " સચિન બોલ્યો.

થોડીવાર તો કોઈ કંઈ જ બોલ્યું નહીં. નટવરલાલ તો દિગ્મૂઢ જ થઇ ગયા. જલ્પા ઉભી થઈ. મા-બાપની શરમ છોડી તે સચિનની સામે ઘૂંટણીએ બેસી ગઈ. સચિનની સામે બે હાથ જોડયા. આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા.

" આટલી બધી મહાનતા !!! મારી લાગણી અને કાળજીની તમે આટલી બધી કદર કરી ? તમે તો ઇન્સાન છો કે દેવતા ? સચિન... એક જ શરતે આ લક્ષ્મી હું હાથમાં પકડવા તૈયાર છું ....જો તમે મારો હાથ પકડવા તૈયાર હો તો જ !! "

" સચિન મારાં મા-બાપની હાજરીમાં મને કહેવા દો. હું તો ક્યારની તમારી બની ચૂકી છું પણ મને મારા મા બાપની બીક હતી. ગઈકાલે રાત્રે એમની વચ્ચે થયેલી વાત મેં સાંભળી લીધી છે. હવે એ જ મારું કન્યા દાન કરશે. જ્યાં તમે ત્યાં હું !! હવે તો બીજી મોટી રૂમ લેશો ને ?" જલ્પા બોલી.

પરંતુ આ સંવાદ સાંભળવા જલ્પાના મમ્મી પપ્પા હાજર ન હતાં. એ તો

ધીમે રહીને રૂમની બહાર નીકળી ગયાં હતાં અને દરવાજો આડો કર્યો હતો. જો કે જલ્પાની પીઠ હોવાથી એને ખબર ન હતી.

" લગન માટે મારી પણ એક શરત છે. હાંડવો ઢોકળાનો તારો પડીકા વ્યવહાર મારા રૂમમાં ચાલુ જ રહેવો જોઈએ. અને રવિવારે દાળઢોકળીનો ડબ્બો તો ખાસ. !! શું કહો છો અંકલ ?" સચિન હસીને બોલ્યો.

અને ચમકીને જલ્પાએ પાછળ જોયું તો રૂમમાં કોઈ જ નહોતું.

" બદમાશ !! તમે મને આટલો બધો પ્રેમ કરતા હતા ? મને તો એમ કે આ બુધ્ધુરામ માં લાગણી જેવું કંઈ છે જ નહીં !! " અને જલ્પા સચિનના ખોળામાં જ બેસી ગઈ. એના ગાલ ઉપર ચુંબન કર્યું અને વહાલના આવેશથી એને જકડી લીધો.

જલ્પાના બાહુપાશમાં એના ગરમાગરમ શ્વાસોશ્વાસ નો અહેસાસ માણી રહેલો સચિન મદહોશ હતો. એની ધડકનો પણ તેજ થઈ ગઈ હતી. પ્રેમની આ રોમાંચક અનુભૂતિ સામે સાત કરોડની કિંમત કંઈ જ નહોતી !!

                   – અશ્વિન રાવલ (અમદાવાદ)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post